ગેંડો (કીટક) : નારિયેળી, સોપારી, ખજૂર તેમજ તાડની જાતનાં તમામ વૃક્ષો ઉપર ઉપદ્રવ ઉપજાવતી જીવાત. કોઈક વખત શેરડી, અનનાસ, કેળ અને કેતકી ઉપર પણ આનો ઉપદ્રવ નોંધાયો છે. ગેંડા કીટકનો સમાવેશ કીટક વર્ગની શ્રેણી કોલિઓપ્ટેરા(ઢાલિયા)ના Scarabacidae કુળમાં થાય છે. અંગ્રેજી નામ Rhinoceros beetle. શાસ્ત્રીય નામ Oryctys rhinoceros. પુખ્ત કીટક કાળા રંગનું તથા મોટા કદનું હોય છે. તેના માથા ઉપરના ભાગે ગેંડાના શિંગડા જેવો કાંટો હોય છે તેથી તે ગેંડા કીટક કે ગેંડા બીટલ તરીકે ઓળખાય છે. માદા ગેંડા કીટક/ગેંડા બીટલ ખાતરના ખાડામાં કે કોહવાયેલા સેન્દ્રિય પદાર્થમાં સાબુદાણાના કદનાં 140 જેટલાં સફેદ ઈંડાં મૂકે છે. 8થી 14 દિવસમાં સેવાઈને તેમાંથી સફેદ ઇયળ નીકળે છે. તે સડતું ખાતર કે સેન્દ્રિય પદાર્થમાંથી ખોરાક મેળવે છે. ચારથી પાંચ મહિનામાં તે પુખ્ત બનતાં રેસાવાળા પદાર્થો અને માટીના કોષ બનાવી કોશેટા અવસ્થામાં પ્રવેશ કરે છે. કોશેટા અવસ્થા એક માસમાં પૂર્ણ થતાં તેમાંથી ગેંડા કીટક બહાર આવે છે. આમ આ જીવાત તેનો જીવનક્રમ છ માસમાં પૂર્ણ કરે છે. પુખ્ત ગેંડા કીટક મોટા ભાગે રાત્રે બીડેલાં પાનને ચાવી કૂચા બહાર કાઢે છે. ગંભીર ઉપદ્રવ વખતે નારિયેળીના ઝાડની આજુબાજુ રેસાવાળા કૂચા જમીન ઉપર જોવા મળે છે. ખવાયેલાં પાન ઊઘડતાં પંખાકારનાં જણાય છે. ઘણી વખત નારિયેળીની ઉપરની ટોચ વળી ગયેલી અને વાંકીચૂકી જોવા મળે છે. માદા કીટક છાણિયા ખાતરમાં અને કમ્પોસ્ટ ખાતરમાં ઈંડાં મૂકતું હોવાથી આ જીવાતને કાબૂમાં લેવા નારિયેળીના બગીચામાં અથવા નજીકમાં ખાતરના ખાડા કરવામાં આવતા નથી. ઉપરાંત આજુબાજુના ખાતરના ખાડામાં બી.એચ.સી. 0.01 % અથવા આલ્ડ્રીન 0.05 % છાંટી ખાતરના ખાડાને માટીથી ઢાંકી દેવાથી ડોળ (ઇયળનો એક પ્રકાર) મરણ પામે છે. ઝાડના થડની આજુબાજુની જમીન ઉપર વહેર જોવા મળે તો તેવા ઉપદ્રવવાળા ઝાડનું કાણું શોધી, બરાબર ખુલ્લું કરી, તેમાં સળિયો નાખી ગેંડાનો નાશ કરાય છે તથા કાણામાં બી.એચ.સી. 5 % ભૂકો અને રેતી સરખા પ્રમાણમાં ભેળવીને કાણું પૂરેપૂરું ભરી દઈને ભીની માટીથી બંધ કરી દેવામાં આવે છે.

ગેંડો (કીટક)

પી. એ. ભાલાણી

પરબતભાઈ ખી. બોરડ