ગૉલ્ઝવર્ધી, જ્હૉન (જ. 14 ઑગસ્ટ 1867, સરે; અ. 31 જાન્યુઆરી 1933, લંડન) : 1932નો સાહિત્યનો નોબેલ પુરસ્કાર મેળવનાર, અંગ્રેજ નાટકકાર, નવલકથાકાર. હૅરો અને ઑક્સફર્ડમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. થોડો સમય વકીલાતનો વ્યવસાય કર્યો, પણ એમાં મન ગોઠ્યું નહિ. એટલે સાહિત્ય તરફ વળ્યા. એ શ્રીમંત પરિવારમાં જન્મ્યા હતા; પરંતુ સમાજ પ્રત્યેનું પોતાનું ઉત્તરદાયિત્વ સ્વીકારીને તેમણે તે ભાવનાનું પ્રતિબિંબ પોતાની સાહિત્યકૃતિઓમાં પડવા દીધું છે.
નાટકકાર તરીકે તેમનું પ્રથમ લક્ષ્ય વસ્તુસંકલના કે ક્રિયાવેગ નહિ, પણ પાત્રસર્જન છે. ‘જો પાત્રો બરાબર સર્જાયાં હશે તો સંવાદો એની મેળે પોતાની સંભાળ લઈ લેશે’ એવી એમની માન્યતા પર એમની નાટ્યકૃતિઓ નિર્ભર છે. સમાજમાં ઉપલા વર્ગના લોકોનો અહં અને બીજાઓને નહિ સમજવાની સ્વાર્થવૃત્તિથી અશાંતિ અને અન્યાયનું વાતાવરણ સર્જાય છે એવી એમની જીવનર્દષ્ટિ એમનાં નાટકોને એક પ્રકારનાં સમસ્યાનાટકો બનાવી દે છે; પરંતુ ગૉલ્ઝવર્ધીએ જીવનની સમસ્યાઓના ઉકેલ દર્શાવવા નાટકો લખ્યાં નથી. બે વિરોધી પાત્રો કે જૂથોના સર્જન દ્વારા સંવેદનશીલતા પ્રગટાવીને સમાજસુધારાની દિશા એમણે ચીંધી છે. એમને લાગે છે કે સમાજ સંવેદનજડ બની ગયો છે અને તેથી તેની સંવેદનશીલતાને ઢંઢોળવી જોઈએ. જો એમ થશે તો સાહિત્યકૃતિના સર્જનનો હેતુ આપોઆપ બર આવશે. આવી સામાજિક સભાનતા સાથે લખાયેલી એમની નાટ્યકૃતિઓ ક્યાંય કલાનો વિવેક ચૂકતી નથી એ એમની ખાસિયત છે. આથી જ એમનાં નાટકોમાં વાસ્તવ અને કલાની સમતુલા જળવાઈ છે. એમણે સર્જેલી ત્રીસેક નાટ્યકૃતિઓમાંથી ‘ધ સિલ્વર બૉક્સ’ (1906) અને ‘જસ્ટિસ’ (1910) એમના નાટ્યલેખનના પ્રારંભિક તબક્કાની સફળ અને જાણીતી કૃતિઓ છે. પછીના તબક્કાની જાણીતી સફળ કૃતિ છે ‘એસ્કેપ’ (1926). આ ઉપરાંત ‘ધ પિજન’ (1912) ‘લૉયલ્ટિઝ’, ‘સ્ટ્રાઇફ’ આદિ રચનાઓ પણ નોંધપાત્ર ગણાઈ છે.
નવલકથાક્ષેત્રે પણ એમનું પ્રદાન નોંધપાત્ર ગણાયું છે. ‘ધ ફૉરસાઇટ સાગા’ એમની યશદાયી નવલશ્રેણી છે. એમાં વિક્ટોરિયન યુગના અંતિમ તબક્કાથી 1920 સુધીના ગાળામાં પ્રસરેલી ધનાઢ્ય પરિવારની તવારીખી ગાથા છે. તેમાં ફૉરસાઇટ પરિવારના પેઢી દર પેઢીના તત્કાલીન બનાવો પ્રત્યેના પ્રતિભાવો ઝિલાયા છે. ગ્રંથની આ નવલશ્રેણીમાંની પ્રથમ ત્રયી પ્રકટ થયેલી, જેમાં અનુક્રમે ‘ધ મૅન ઑવ્ પ્રોપર્ટી, ‘ઇન ચાન્સરી’ અને ‘ટુ લેટ’(1924)નો સમાવેશ થાય છે. આ શ્રેણીની બીજી ત્રયી 1929માં પ્રકટ થયેલી જેમાં ‘ધ વ્હાઇટ મંકી’, ‘ધ સિલ્વર સ્પૂન’ અને ‘સ્વાન સાગ’નો સમાવેશ થાય છે. ત્રીજી ત્રયી 1934માં મરણોત્તર પ્રકટ થઈ હતી જેમાં ‘મેડ ઇન વેઇટિંગ’, ‘ફ્લાવરિંગ વિલ્ડરનેસ’ અને ‘ઓવર ધ રિવર’નો સમાવેશ થાય છે. આ ઉપરાંત એમની ‘ધી આયર્લૅન્ડ, ફેરીસીઝ’, (1904), ‘ધ કંટ્રી હાઉસ’ (1907), ‘ફ્રેટરનિટી’(1909), ‘ધ પૅટ્રિસિયન’ (1911), ‘ધ ડાર્ક ફ્લાવર’ (1913) અને ‘ધ ફ્રી લૅન્ડ્ઝ’ (1915) આદિ અન્ય જાણીતી નવલકથાઓ છે.
આકારની પરિષ્કૃતિ અને ભાષાશૈલીની સુઘડતા એમની કૃતિઓનો વિશેષ છે.
ધીરુ પરીખ