ગૉલ્ટન, ફ્રાન્સિસ (સર)

February, 2011

ગૉલ્ટન, ફ્રાન્સિસ (સર) (જ. 16 ફેબ્રુઆરી 1822;  ડડિસ્ટન વૉરવિકશાયર; અ. 17 જાન્યુઆરી 1911, હેઝલમિયર, સરે) : સુપ્રજનનશાસ્ત્ર(eugenics)ના પ્રણેતા તરીકે જાણીતા બ્રિટિશ વૈજ્ઞાનિક. ગૉલ્ટનના અભિપ્રાય મુજબ નિશાળ કે ચર્ચમાં અપાતું ધાર્મિક શિક્ષણ સાવ નિરર્થક હોય છે અને બાઇબલની શિખામણ પણ ઘૃણા ઉપજાવનારી હોય છે. એમની માન્યતા મુજબ સજૈવ ક્ષેત્રમાં આનુવંશિકકારકો (factors) મહત્વનો ભાગ ભજવે છે. વળી તેમણે માનવીની બુદ્ધિમત્તા અંગે મહત્વનું સંશોધન કરેલું છે. મોસમવિજ્ઞાન (meteorology), ભૌતિક નૃવંશશાસ્ત્ર (physical anthropology) અને માનવમિતિ(anthropometry)માં પણ ગૉલ્ટનનો ફાળો નોંધપાત્ર છે.

સર ફ્રાન્સિસ ગૉલ્ટન

સુપ્રજનનશાસ્ત્રના શોધક તરીકે ગૉલ્ટને સુજનન આંદોલન(eugenic movement)માં સક્રિય ભાગ ભજવ્યો. માનવી માનવી વચ્ચે રહેલી જન્મજાત (inborn) વિભિન્નતા પર સુપ્રજનનશાસ્ત્ર વિશેષ ભાર આપતું હોય છે. ‘સાંસ્કૃતિક પરિબળો જન્મજાત પરિબળો કરતાં પણ વધુ અગત્યનાં હોય છે’ તેમ માનનારા ગૉલ્ટનના વિચારો પ્રત્યે સાશંક રહ્યા અને સુપ્રજનનશાસ્ત્ર વિશે પ્રતિકૂળ અભિપ્રાય ધરાવતા થઈ ગયા. કેટલાકે તો ગૉલ્ટન પર પ્રતિક્રિયાવાદી (reactionary) તરીકેનો આરોપ મૂક્યો. ગૉલ્ટનની વિચારસરણી મુજબ, કેટલાંક માનવજૂથો(races)માં અમુક લક્ષણો ઉચ્ચ કક્ષાનાં હોય છે. વિવિધ માનવકુળોમાં રહેલી ભિન્નતા વિશે વધારે જાણકારી મેળવવા તેમણે એક પ્રશ્નાવલી તૈયાર કરી અને સર્વેક્ષણપદ્ધતિ અપનાવી. તે સગોત્ર (consanguineous) વિવાહના કટ્ટર વિરોધી હતા.

ગૉલ્ટને 1883માં ‘ઇન્ક્વાયરિઝ ઇન ટુ હ્યૂમન ફૅકલ્ટી’ નામના પુસ્તકનું પ્રકાશન કર્યું. આ પુસ્તકમાંના વિષયો ગૉલ્ટને 1869થી 1883ના ગાળામાં પ્રસિદ્ધ કરેલા સંશોધનલેખો પર આધારિત છે. આ પુસ્તકમાં સમાવેશ કરવામાં આવેલાં અધિકરણો મૌલિક હોવા ઉપરાંત સ્પષ્ટતા અને વિદ્વત્તાની ર્દષ્ટિએ વિશિષ્ટ છે. 1909માં તેમને ‘સર’નો ખિતાબ એનાયત કરવામાં આવ્યો હતો. તેમના વસિયતનામા મુજબ લંડન વિશ્વવિદ્યાલયમાં સુપ્રજનનશાસ્ત્ર માટેની એક સ્વાધ્યાયપીઠ (chair) સ્થાપવામાં આવી છે.

મ. શિ. દૂબળે