ગે-લુસાક, ઝોઝેફ-લૂઈ (Gay-Lussac, Joseph-Louis)

February, 2011

ગે-લુસાક, ઝોઝેફ-લૂઈ (Gay-Lussac, Joseph-Louis) (જ. 6 ડિસેમ્બર 1778, સાં-લેઓનાર્દ-નૉબ્લા, ફ્રાન્સ; અ. 9 મે 1850, પૅરિસ) : પ્રસિદ્ધ ફ્રેન્ચ રસાયણજ્ઞ તથા ભૌતિકશાસ્ત્રી. વાયુઓના વર્તનની તથા રાસાયણિક પૃથક્કરણની તકનીકના આદ્ય શોધક. મોસમ-વિજ્ઞાનના એક સંસ્થાપક.

ઝોઝેફ-લૂઈ ગે-લુસાક

ગે-લુસાક 1797માં પૅરિસની ઈકોલે પૉલિટૅક્નિકમાં અભ્યાસ કરી 1800માં ગ્રૅજ્યુએટ થયા. ઇજનેરી શાખામાં વધુ અભ્યાસ શરૂ કર્યો પણ 1801માં વિખ્યાત રસાયણશાસ્ત્રી ક્લોડ-લૂઈ બર્તોલેના મદદનીશ તરીકે કામ કરવા આમંત્રણ મળતાં અભ્યાસ છોડ્યો. ગે-લુસાકનું મોટા ભાગનું પ્રાથમિક સંશોધન પૅરિસ નજીક આર્કઈ(Arcuel)માં બર્તોલેની પ્રયોગશાળામાં થયું હતું. બર્તોલે તથા લાપ્લાસે બંનેને સંશોધનકામ માટે નેપોલિયનની સહાય મળતી હતી. ગે-લુસાકનું પ્રથમ મહત્ત્વનું સંશોધન ઉષ્મા દ્વારા થતા વાયુઓના વિસ્તરણ અંગેનું હતું. 1802માં તેમણે દર્શાવ્યું કે બધા જ વાયુઓ તાપમાનમાં એકસરખા વધારાને લીધે પોતાના કદના એકસરખા અંશથી વિસ્તરણ પામે છે. આ સામાન્ય ઉષ્મા વિસ્તરણ-ગુણાંક(coefficient)ને આકારવાને લીધે તાપમાન માટે એક નવો માપક્રમ (scale) નક્કી કરી શકાયો. આ માપક્રમની અતિ આવશ્યક ઉષ્માગતિજ અગત્ય (લૉર્ડ કેલ્વિન તરીકે જાણીતા થયેલા) સર વિલિયમ થૉમસને સાબિત કરી.

ગે-લુસાકે 1804માં ઝાં-બાતીસ્ત બ્યો(Jean-Baptiste Biot) સાથે ઊંચાઈના અનુસંધાનમાં પૃથ્વીની ચુંબકીય ક્ષમતા માપવા માટે હાઇડ્રોજન વાયુ ભરેલા બલૂનમાં 4,000 મીટર ઊંચે પહોંચી પ્રયોગો કર્યા. 1804ના 16 સપ્ટેમ્બરના રોજ તે ફરીને એકલા જ બલૂનમાં 7016 મીટરે પહોંચ્યા (જે અડધી સદી સુધી વણતૂટ્યો વિક્રમ રહ્યો હતો.) અને ચુંબકીય પરિમાપનના અગાઉના પ્રયોગો ચકાસી જોયા તથા તાપમાન અને દબાણ વચ્ચેના સંબંધનો અભ્યાસ કર્યો. 6,000 મીટર ઊંચાઈએથી તેમણે હવાના નમૂના એકઠા કર્યા અને તેના અભ્યાસ ઉપરથી તારણ કાઢ્યું કે પૃથ્વીની ચુંબકીય તીવ્રતા તથા વાતાવરણનું રાસાયણિક સંઘટન (compostion) તે પહોંચ્યા તે ઊંચાઈ સુધી લગભગ નિયત હતું. ત્યારબાદ 1805માં તેમણે ઍલેક્ઝાન્ડર વૉન હમ્બોલ્ટ સાથે H2 તથા O2ના સાપેક્ષ પ્રમાણની પ્રક્રિયા દ્વારા પાણી બનવા અંગે ચોક્કસ તારણ કાઢ્યાં. તેમણે આગ્રહ રાખ્યો કે આવા અભ્યાસ માટે વાયુઓના વજનને નહિ પણ કદને ગણતરીમાં લેવું જરૂરી છે. તેમની ધારણા પાછળથી તદ્દન સાચી સાબિત થઈ : ઑક્સિજનનું એક કદ-પ્રમાણ હાઇડ્રોજનના 2 કદ પ્રમાણ સાથે સંયોજાઈને પાણી બને છે.

અગાઉ જ્હૉન ડોલ્ટને રાસાયણિક પ્રક્રિયામાં વજનનો આગ્રહ રાખેલો. આમ આ બંને વૈજ્ઞાનિકોના અભિગમમાં ફેરફારને લીધે બંને એકબીજાનાં સંશોધન અંગે શંકાશીલ રહ્યા હતા; પરંતુ ઇટાલિયન ભૌતિકશાસ્ત્રી આમેદેઓ આવોગાદ્રો(Amedio Avogadro)એ ડોલ્ટન તથા ગે-લુસાકનાં પરિણામોને સાંકળી બતાવ્યાં.

જ. પો. ત્રિવેદી