ગેસ્ટાપો (Geheime Staatspolizei) : નાઝી જર્મનીની ગુપ્ત પોલીસ. 1933માં હિટલર સત્તા પર આવ્યા પછી પ્રશિયાની પોલીસની પુનર્રચના કરી તેમાં નાઝી પાર્ટીના હજારો સભ્યોની ભરતી કરવામાં આવી. હરમન ગોરિંગને તેના વડા નીમવામાં આવ્યા હતા. 1935માં તેનો વિસ્તાર કરવામાં આવ્યો અને હિમરલને તેનો હવાલો આપવામાં આવ્યો. ત્યારબાદ તે ગુપ્તચર વિભાગ(SD)માં ભેળવી દેવામાં આવ્યો અને રેનહાર્ડ હેડ્રિચ તેના વડા બન્યા.
હિટલરના શાસનકાળ (1933–45) દરમિયાન ‘ગેસ્ટાપો’ સંગઠન અમર્યાદ અને નિરંકુશ સત્તા ભોગવતું હતું. ગમે તે વ્યક્તિને, ન્યાયિક સમીક્ષાની જોગવાઈ સિવાય અટકાયતમાં લેવાનો અધિકાર તેની પાસે હતો, જેનો ઉપયોગ કરી લાખોની સંખ્યામાં રાજકીય વિરોધીઓ, મજૂર-મંડળોના નેતાઓ અને સક્રિય કાર્યકરો, ડાબેરી વિચારસરણી ધરાવતા બુદ્ધિજીવીઓ તથા યહૂદીઓનો સામૂહિક સંહાર કરવામાં આવ્યો.
નાઝી શાસન દરમિયાન જર્મન સરકારના દરેક ખાતા કે વિભાગમાં ‘ગેસ્ટાપો’ના ગુપ્તચર એજન્ટો હતા. સામાન્ય નાગરિકોની દરેક પ્રવૃત્તિ પર ‘ગેસ્ટાપો’ના જાસૂસો સતત નજર રાખતા હતા. ઉપરાંત, વિદેશમાં કામ કરતા જર્મન દૂતાવાસોના અધિકારીઓ પર પણ ગુપ્ત રાહે દેખરેખ રખાતી હતી.
હિટલર પ્રત્યેની નિષ્ઠા અને વફાદારી એ જ આ સંગઠનનું મુખ્ય લક્ષ્ય હતું. હિટલરનો વિરોધ એટલે જર્મનીનો વિરોધ એમ ગણવામાં આવતું. ‘ગેસ્ટાપો’ના નામથી લોકો ભયભીત રહેતા.
પ્રકાશચંદ્ર ચતુર્વેદી
અનુ. બાળકૃષ્ણ માધવરાવ મૂળે