ગૅસોહૉલ : પેટ્રોલ તથા આલ્કોહૉલના મિશ્રણથી બનાવાતું ઇંધન. મોટા ભાગે તેમાં 90 % સીસા વિનાનું પેટ્રોલ તથા 10 % ઇથાઇલ આલ્કોહૉલ હોય છે. ગૅસોહૉલ કાર તથા ટ્રકનાં એન્જિનોમાં ઇંધન તરીકે વપરાય છે. 1970ના અંતભાગમાં પેટ્રોલની અછત વરતાતાં ગૅસોહૉલની વપરાશ વધી. કેટલાક દેશોમાં વાતાવરણમાં પ્રદૂષણ તથા પર્યાવરણના પ્રશ્નો એટલા વિકટ બની ગયા છે કે કાયદા દ્વારા નિષ્કાસ-પ્રદૂષક (exhaust pollutant) ઘટાડવાનું અમલી બન્યું છે.

ગૅસોહૉલમાં વપરાતો આલ્કોહૉલ બટેટાં, શેરડી તથા અનાજના આથવણ દ્વારા બનાવવામાં આવે છે. સીસાવિહીન પેટ્રોલ તથા મિથાઇલ આલ્કોહૉલનું મિશ્રણ પણ ગૅસોહૉલ તરીકે વપરાય છે. આ મિથાઇલ આલ્કોહૉલ કુદરતી વાયુ, ભારે તેલ, કોલસા વગેરેમાંથી મેળવવામાં આવે છે; પરંતુ ઇથાઇલ આલ્કોહૉલને મુકાબલે તે મોંઘો પડે છે.

મોટે ભાગે ગૅસોહૉલ દ્વારા એન્જિનની કાર્યક્ષમતા તથા ઇંધનનું માઈલેજ પેટ્રોલ જેટલું જ મળે છે. ગૅસોહૉલ ગૅસોલીનના મુકાબલે ધીમે બળે છે તથા ઊંચો ઑક્ટેન-આંક ધરાવે છે. તે ઓછાં પ્રદૂષકો નિપજાવે છે. ગૅસોહૉલની મર્યાદા એ છે કે તેમાં ઇથાઇલ આલ્કોહૉલનું પ્રમાણ વધારતાં રબર-સીલ, અંતરપટ (diaphragm) તથા યંત્રોને નુકસાન પહોંચે છે. ગૅસોહૉલના ટીકાકારોનું કહેવું છે કે ઇથાઇલ આલ્કોહૉલ મેળવવા જે વધારાની ઊર્જાની જરૂર પડે છે તે સામાન્ય ઇંધન વાપરીને બચાવી શકાય.

જ. પો. ત્રિવેદી