ગેટસ્કેલ, હ્યૂ ટૉડનેલોર (જ. 9 એપ્રિલ 1906, લંડન; અ. 18 જાન્યુઆરી 1963, લંડન) : ઇંગ્લૅન્ડના અગ્રણી રાજદ્વારી મુત્સદ્દી તથા બ્રિટિશ લેબર પાર્ટીના નેતા (1955–63). ઑક્સફર્ડ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા પછી 1940–45 દરમિયાન યુદ્ધની આર્થિક બાબતોના મંત્રીના અંગત સચિવ તરીકે અને પછી બૉર્ડ ઑવ્ ટ્રેડના આસિસ્ટંટ સેક્રેટરી રહ્યા. 1945માં લેબર પાર્ટીના ઉમેદવાર તરીકે સાઉથ લીડ્ઝ મતદારમંડળમાંથી આમસભામાં ચૂંટાયા. 1946–47માં ઊર્જા ખાતાના સેક્રેટરી, 1947માં તે જ વિભાગના મંત્રી, 1950માં આર્થિક બાબતોના મંત્રી અને સ્ટૅફર્ડ ક્રિપ્સના અનુગામી તરીકે નાણાપ્રધાન બન્યા. 1955માં સર ક્લેમન્ટ ઍટલીના અનુગામી તરીકે બ્રિટિશ લેબર પાર્ટીના નેતાપદે ચૂંટાયા; પરંતુ તેમના નેતૃત્વ હેઠળ 1959માં થયેલ સામાન્ય ચૂંટણીમાં તેમના પક્ષનો પરાજય થયો.
તે અણુનિ:શસ્ત્રીકરણના પ્રખર હિમાયતી હતા અને 1961માં પક્ષની કારોબારીએ આ બાબત અંગે તેમનું સમર્થન કર્યું. 1962માં યુરોપીય આર્થિક સમુદાય(European Economic Community)માં ઇંગ્લૅન્ડ દાખલ થાય તેનો તેમણે સખત વિરોધ કર્યો. ઇંગ્લૅન્ડના રાજકારણમાં તેમની પ્રતિષ્ઠા ટોચ પર હતી ત્યારે માત્ર 57 વર્ષની ઉંમરે તેમનું આકસ્મિક અવસાન થયું.
તેમનું પુસ્તક ‘ધ ચૅલેન્જ ઑવ્ કો-એક્ઝિસ્ટન્સ’ 1957માં પ્રકાશિત થયું હતું.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે