ગેગેનશીન (પ્રતિસૂર્ય પ્રકાશ)

February, 2011

ગેગેનશીન (પ્રતિસૂર્ય પ્રકાશ) : 1854માં અંધારી રાત્રિએ સૂર્યની વિરુદ્ધ દિશામાં ખગોળશાસ્ત્રી ટી. જે. બ્રોરસેને સૌપ્રથમ જોયેલા પ્રકાશને આપેલું નામ. જર્મન ભાષામાં એનો અર્થ counterglow – પરાવર્તિત (સૂર્ય) પ્રકાશ. તદ્દન અંધારી રાત્રિ દરમિયાન, અંધકારથી ટેવાયેલી આંખે અથવા સૂક્ષ્મગ્રાહી ફોટોમીટર વડે ‘જોતાં’ સૂર્યથી 180° દૂર, આશરે 8° x 10° વ્યાપનો, ધૂંધળા પ્રકાશ જેવો ગેગેનશીન ‘દેખાય’ છે. તે રાશિપટ્ટ (zodiacal) પ્રકાશની મહત્તમ તેજસ્વિતા કરતાં 15થી 30 ગણો ઝાંખો છે અને રાશિપટ્ટ પ્રકાશના બંને બાજુના છેડા સાથે વધારે ઝાંખા પટ્ટાથી જોડાયેલો દેખાય છે. ક્રાંતિવૃત્ત ક્ષિતિજ સાથે મહત્તમ ખૂણો બનાવે ત્યારે – એટલે વસંત ઋતુમાં રાત્રિના શરૂઆતના સમયગાળામાં અને શરદ ઋતુ વખતે પરોઢ સમયે રાશિપટ્ટ પ્રકાશની જેમ જ ગેગેનશીન ‘જોવાનું’ વધારે સરળ છે. તેનાં 20 % જેટલાં ધ્રુવણ (polarization) અને તેની લાક્ષણિક તેજસ્વિતા સૂચવે છે કે ગેગેનશીન અને રાશિપટ્ટપ્રકાશ – બંનેનો ઉદભવ 10–5 સેમી. જેટલી ત્રિજ્યા ધરાવતા આંતરગ્રહીય રજકણોને લીધે થાય છે.

પ્ર. દી. અંગ્રેજી