ગેંડો : ઢાલ જેવી જાડી ચામડી ધરાવતું, નાસિકાની ઉપરના ભાગમાં એક કે બે શૃંગ ધરાવતું, ટૂંકા માંસલ પગવાળું, જમીન ઉપરનું એક વિશાળકાય સસ્તન પ્રાણી. ગેંડાની પાંચ જાતિઓ (kinds) જોવા મળે છે. તે પૈકી ત્રણ જાત એશિયામાં અને બે જાત આફ્રિકામાં મળે છે.

ગેંડો

ભારતીય ગેંડો : એશિયા ખંડની ત્રણ જાતિઓ પૈકી ભારતીય ગેંડો સૌથી મોટો છે. ખભા આગળ તેની ઊંચાઈ 1.5 મીટર જેટલી હોય છે અને લગભગ 2 મેટ્રિક ટન જેટલું વજન ધરાવે છે. ભારતીય ગેંડો 30 સેમી. લાંબું, કાળા-ભૂરા રંગનું, એક શિંગડું ધરાવે છે. આફ્રિકાના ગેંડા 2 શિંગડાં ધરાવે છે, જે પૈકી આગળનું શિંગડું 60 સેમી. લાંબું હોય છે. ભારતીય ગેંડાની ચામડી ઉપર ગડીઓ આગળ મૂઠા (ગંડ, knob) જેવા જાડા ભાગો ફેલાયેલા હોય છે; આને કારણે તેની ચામડી ઢાલ જેવી લાગે છે. આ સિવાયની ચામડી તીક્ષ્ણ હથિયાર કે બંદૂકની ગોળીથી વીંધી શકાય છે. ભારતમાં ગેંડા મુખ્યત્વે કાઝીરાંગના અભયારણ્યમાં ભેજવાળા ઘાસનાં મેદાનોમાં જોવા મળે છે. પૂર્વના દેશોમાં ગેંડો પ્રાચીન કાળથી જાણીતો છે. 10,000–12,000 વર્ષ પહેલાંના ગેંડાના શિકારના ખડક પરનાં ચિત્રો ભોપાળ નજીકની ગુફામાંથી મળી આવ્યાં છે. ઈસવી સન પૂર્વેના રોમન સામ્રાજ્યમાં આ ગેંડાનો સરકસમાં ઉપયોગ કરવામાં આવતો હતો.

જાવા અને સુમાત્રાના ગેંડા : જાવાના ગેંડા એક શૃંગ ધરાવે છે અને તે બંગાળ, મ્યાનમાર અને દક્ષિણમાં જાવા–સુમાત્રા અને બૉર્નિયો સુધી મળી આવે છે.

સુમાત્રાનો ગેંડો ભારતના અને જાવાના ગેંડા કરતાં કદમાં નાનો હોય છે અને તેને નાક ઉપર બે શૃંગ હોય છે. તે 1.5 મીટર ઊંચો અને એક ટન જેટલું વજન ધરાવે છે. તેના શરીર ઉપર વાળનું આછું આચ્છાદન હોય છે (ખાસ કરીને કાન અને પૂંછડી ઉપર) આ જાતિ મલાયા દ્વીપકલ્પ, જાવા અને સુમાત્રાનાં પર્વતીય જંગલોમાં રહે છે. એશિયા ખંડમાં વન્ય ગેંડાની સંખ્યા 1,650 છે.

આફ્રિકન ગેંડા : ત્યાં બે જાતના (Race/kind) ગેંડા જોવા મળે છે. તેઓ બે શૃંગ (શિંગડાં) ધરાવે છે. આ ગેંડા કાળા ગેંડા અને સફેદ ગેંડા તરીકે પણ ઓળખાય છે, જોકે બંને ભૂખરા-બદામી રંગના હોય છે. જોકે વાસ્તવિક રીતે કડિયાળા હોઠવાળા ગેંડા (hook lipped Rhinoceros = Black) અને ચોરસ હોઠવાળા સફેદ ગેંડા (square-lipped Rhinoceros) (White) તરીકે ઓળખવા વધુ યોગ્ય ગણાશે. કાળા ગેંડામાં તેનું પહેલું શિંગડું 105 સેમી. જેટલું લાંબું હોય છે અને તે મુખ્યત્વે આત્મરક્ષણ માટે અગર જમીન ખોતરવા માટે વધુ વપરાય છે. સફેદ ગેંડો સૌથી મોટા કદનો ગેંડો છે. તે ખભા આગળથી 1.8 મીટર ઊંચો છે (વધુમાં વધુ) અને 4.5 મીટર લાંબો હોય છે. તેનું વજન લગભગ 3 મેટ્રિક ટન જેટલું થાય છે. માદાનાં શિંગડાં નરનાં શિંગડાં કરતાં વધુ લાંબાં પણ પાતળાં હોય છે. સફેદ ગેંડાનાં શિંગડાંની લંબાઈ 157 સેન્ટિમિટર જેટલી પણ જોવા મળી છે.

ભારત સિવાયની ગેંડાની એશિયાઈ જાતિઓ નામશેષ થઈ ચૂકી છે. ગેરકાયદેસરના શિકારને કારણે ભારતીય ગેંડો પણ ભયગ્રસ્ત સ્થિતિમાં મુકાઈ ગયો છે. કેન્યા અને ઝિમ્બાબ્વેમાં ગેંડાના રક્ષણ માટે ખાસ વનસંરક્ષકો રાખવામાં આવે છે. આ ઉપરાંત કાળા ગેંડાના સંરક્ષણ માટે અને તેના વંશની જાળવણી માટે (conservation of Race) તેને ઑસ્ટ્રેલિયા અને યુ.એસ.માં પુનર્વસવાટ માટે મોકલવામાં આવ્યા છે.

ભારતીય ગેંડાનું શાસ્ત્રીય નામ રહાયનોસિરોસ યુનિકૉર્નિસ છે. જાવાના ગેંડાનું નામ રહાયનોસિરોસ સોંડાઇક્સ છે. સુમાત્રાના ગેંડાનું નામ ડાયસીરોરહાયનસ સુમાટ્રાન્સિસ છે. કાળા ગેંડાનું નામ ડાયસીરોસ બાયકૉનિસ અને સફેદ ગેંડાનું શાસ્ત્રીય નામ સીરેટોથેરિયમ સિમમ છે. આધુનિક ગેંડાના પૂર્વજો બલુચિથેરિયમ હાલના સૌથી મોટા ગેંડા કરતાં પણ મોટા હતા. આ ગેંડાની ઊંચાઈ 5 મીટર હતી અને તેનું આયુષ્ય 50 વર્ષ જેટલું હતું.

ગેંડો એક નિરુપદ્રવી પ્રાણી છે; પરંતુ ક્યારેક આક્રમક બનતાં ઊભી પૂંછડીએ ચિત્કાર સાથે ધસી આવે છે. ગેંડાની આંખ ઝીણી હોવાથી તે દૂરની વસ્તુ જોઈ શકતો નથી. અનુકૂળ પવન હોય તો તે મનુષ્યની ગંધ એકાદ કિલોમીટર દૂરથી પારખી શકે છે.

એક માન્યતા મુજબ ગેંડાનું મૂત્ર જંતુનાશક અને શિંગડાં કામોદ્દીપક ગુણધર્મવાળાં હોય છે. આ કારણસર લોકો મોટા પાયા પર ગેંડાની હત્યા કરે છે અને ક્રમશ: ગેંડાની વસ્તી ઓછી થવા માંડી છે. તેથી ગેંડાના સંરક્ષણ માટે ખાસ આરક્ષણ માટે અનામત રક્ષિત રખાલ અને અભયારણ્યોનું આયોજન કરવામાં આવે છે.

ગેંડો સામાન્યપણે એકલા રહેવું પસંદ કરે છે. જો નર અને માદા એક જ સમયે ગરમીમાં આવે તો બંને સાથે રહે છે. 510થી 570 દિવસ સુધી માતાના શરીરમાં ગર્ભ વિકાસ પામે છે અને પૂર્ણ વિકસિત બચ્ચાંને જન્મ આપે છે. નવજાત શિશુનું વજન આશરે 35થી 50 કિગ્રા. જેટલું હોય છે. જન્મતાંની સાથે જ શિશુ માતાની પાછળ ફરવા માંડે છે.

ભેંસની માફક ગેંડાને કીચડમાં આળોટવું કે કાદવિયા ખાડામાં પડી રહેવું ગમે છે. આમ કરવાથી તેની ચામડી પર ચોંટેલી ઇતડીઓ (ticks) નીકળી જાય છે. બપોરની ગરમીમાં તે વિસામો લે છે. ઘણી વાર તે રાત્રે પણ ખોરાક લેતો હોય છે.

દિલીપ શુક્લ

રા. ય. ગુપ્તે