ગૅસોલીન એન્જિન : અંતર્દહન એન્જિનનું એક વિશિષ્ટ સ્વરૂપ. તેમાં ગૅસોલીનની બાષ્પ અને હવાના મિશ્રણને પ્રજ્વલિત કરી શક્તિ મેળવવામાં આવે છે.

જે એન્જિનમાં સિલિન્ડરમાંના બળતણનું દહન થઈ ઉષ્માશક્તિનું યાંત્રિક શક્તિમાં રૂપાંતર થતું હોય તે એન્જિનને અંતર્દહન એન્જિન અથવા આંતરિક દહન એન્જિન કહે છે. આ પ્રકારના એન્જિનમાં ડીઝલ, પેટ્રોલ અથવા ગૅસનું પ્રજ્વલન થાય છે અને તેને કારણે સિલિન્ડરમાં રહેલા પિસ્ટનને ગતિ મળે છે. પિસ્ટનની આ પશ્ચાગ્ર ગતિ સંયોજક દંડ (connecting rod) દ્વારા ક્રૅન્કશાફ્ટની વૃત્તીય ગતિમાં પરિણમે છે. જે એન્જિનમાં બળતણ તરીકે પેટ્રોલ વપરાય છે તેને ગૅસોલીન અથવા પેટ્રોલ એન્જિન કહેવાય છે. જે એન્જિનમાં ડીઝલ અને ગૅસ વપરાય તેને અનુક્રમે ડીઝલ એન્જિન અને ગૅસ એન્જિન કહે છે. ગૅસોલીન એન્જિનો ડીઝલ એન્જિનો કરતાં વધુ જૂના સમયથી અસ્તિત્વમાં છે. ગૅસોલીન એન્જિન માટે ચાર ફટકા (stroke) આવર્તન (cycle) સિદ્ધાંતની પ્રથમ હિમાયત 1862માં બો દ રોશા(Beau de Rochas)એ કરી હતી. તે સિદ્ધાંત ઉપર કાર્ય કરતું પ્રથમ સફળ એન્જિન બનાવવાનું માન ઑટોને ફાળે જાય છે. 1876માં બનેલ આ પ્રથમ એન્જિન બાદ જુદા જુદા ઉપયોગ માટે તેનો વિકાસ થતો ગયો અને આ આવર્તન ઑટો-આવર્તન(otto cycle)ને નામે પ્રસિદ્ધિ પામ્યું.

એન્જિનના ચાર ફટકા આવર્તનમાં નીચેના ફટકા ક્રમવાર આવે છે : (1) ચૂસણ ફટકો (suction stroke), (2) સંપીડન ફટકો (compression stroke), (3) પ્રસરણ અથવા શક્તિ ફટકો (expansion stroke), અને (4) નિષ્કાસ ફટકો (exhaust stroke). પેટ્રોલ એન્જિનમાં કાર્બ્યુરેટરમાં પેટ્રોલ પ્રવાહી સ્વરૂપમાંથી વાયુ સ્વરૂપમાં રૂપાંતર પામે છે અને જરૂરી પ્રમાણમાં હવા સાથે ભળે છે. આ ગૅસોલીનની બાષ્પ અને હવાના મિશ્રણનું સ્પાર્ક-પ્લગથી પ્રજ્વલન થાય છે. અમુક ગૅસોલીન એન્જિન બે ફટકા આવર્તનના સિદ્ધાંત ઉપર પણ કાર્ય કરે છે. ગૅસોલીન એન્જિન ડીઝલ એન્જિન કરતાં હળવાં હોય છે. ઉપરાંત ગૅસોલીન એન્જિન કરતાં ડીઝલ એન્જિનમાં વધારે દબાણે દહન થવાથી તેનું ચાલન રુક્ષ અને ઝટકાવાળાં આંદોલનવાળું હોય છે અને તેથી તેનો ઘોંઘાટ પણ વધુ રહે છે. ગૅસોલીન એન્જિનનો નિભાવખર્ચ પણ ડીઝલ એન્જિન કરતાં ઓછો આવે છે. તેથી બધા જ પ્રકારનાં અંતર્દહન એન્જિનોમાં ગૅસોલીન એન્જિન સહુથી વધુ વપરાય છે. અંતર્દહન એન્જિન શક્તિના પ્રમાણમાં ઓછી જગ્યા રોકે છે અને શક્તિના પ્રમાણમાં તેનું વજન ઓછું હોવાથી વાહનવ્યવહાર માટે તે ખૂબ જ પ્રચલિત સાધન છે. ગૅસોલીન એન્જિન મૉપેડ, સ્કૂટર, મોટરસાઇકલ, રિક્ષા, મોટરકાર, વિમાન, નાની નૌકા વગેરે વાહનોમાં વપરાય છે. ગૅસોલીન એન્જિન આંશિક અશ્વશક્તિ(horse power)થી માંડી 35,000 અશ્વશક્તિ સુધીનો વ્યાપક વિસ્તાર ધરાવે છે.

હરેશ જયંતીલાલ જાની