ગૅરિબાલ્ડી, જુઝેપ્પે

February, 2011

ગૅરિબાલ્ડી, જુઝેપ્પે (જ. 4 જુલાઈ 1807, નીસ, સાર્ડિનિયા (ઇટાલી); અ. 2 જૂન 1882, કપ્રેરા) : ઇટાલીના રાષ્ટ્રીય એકીકરણમાં મહત્વનો લશ્કરી ફાળો આપનાર નિ:સ્વાર્થ દેશભક્ત. પિતા એક વેપારી જહાજના કપ્તાન હતા. તેથી બચપણથી જ તેનામાં વીરતા, સાહસ અને સાગરખેડુની ઝિંદાદિલીના ગુણ વિકસ્યા હતા. મોટા થતાં તેમને દેશભક્તિનો રંગ લાગ્યો અને તેઓ ઇટાલીના મહાન દેશભક્ત મૅઝિનીની ‘તરુણ ઇટાલી’ સંસ્થાના સભ્ય બન્યા.

આ સંસ્થાના આશ્રયે ઘડાયેલા એક રાષ્ટ્રવાદી ષડ્યંત્રમાં તે પકડાયા; તેમને મોતની સજા થઈ; પરંતુ તે જેલમાંથી નાસી દક્ષિણ અમેરિકા ગયા. ચૌદ વર્ષ પછી 1848માં ઇટાલીમાં ઑસ્ટ્રિયાના વર્ચસ્ સામે ક્રાંતિ થતાં તે સ્વદેશ આવ્યા. તેમણે 3,000 સ્વયંસેવકોની એક ટુકડી ઊભી કરી, જે ‘લાલ ખમીસધારી ટુકડી’ તરીકે પ્રસિદ્ધ થઈ. શરૂઆતમાં તે સફળ થયા; પરંતુ રોમમાં પોપની મદદે આવેલા ફ્રેન્ચ સૈન્ય સામે તેનો પરાજય થતાં તે ફરીથી અમેરિકા નાસી ગયા. તે પછી 1854માં સ્વદેશ આવીને તેમણે કપ્રેરા ટાપુમાં જમીન ખરીદીને ત્યાં વસવાટ કર્યો.

જુઝેપ્પે ગૅરિબાલ્ડી

આ પછી થોડા જ સમયમાં સાર્ડિનિયાના વડાપ્રધાન કાવૂરે પોતાની મુત્સદ્દીગીરીથી યુરોપની મહાસત્તાઓની સહાનુભૂતિ મેળવી, ઑસ્ટ્રિયા સામે યુદ્ધ કર્યું તથા ઇટાલીમાંથી તેમનો પગદંડો દૂર કર્યો. તે પછી તેમણે ઉત્તર અને મધ્ય ઇટાલીનાં રાજ્યોમાં લોકમત લઈને તેમને સાર્ડિનિયામાં ભેળવી દીધાં. આમ, તેમણે ઇટાલીનું અર્ધું એકીકરણ તો સાધ્યું; પરંતુ હજુ પણ ઇટાલીના એક અને અખંડ રાષ્ટ્રના સર્જનમાં પોપના તાબાનાં રાજ્યો તથા દક્ષિણ ઇટાલીનું નેપલ્સ સિસિલીનું મહારાજ્ય આડે આવતાં હતાં.

તેવામાં, 1860માં નેપલ્સના તાબા નીચેના સિસિલી ટાપુમાં જનક્રાંતિ થઈ. આથી ગૅરિબાલ્ડી પોતાના પ્રખ્યાત 1,150 સ્વયંસેવકોને લઈને સિસિલીને કાંઠે ઊતર્યા. તેમણે સિસિલીના ક્રાંતિકારીઓને મદદ કરી સિસિલીનો કબજો લીધો. તે પછી તેમણે ઇટાલીની તળભૂમિ પરના નેપલ્સ ઉપર આક્રમણ કર્યું. બધી જગ્યાએ તેમને નેપલ્સની જનતાનો અભૂતપૂર્વ ટેકો સાંપડ્યો. પરિણામે નેપલ્સના રાજવી ફ્રાન્સિસનો પરાજય થયો. ગૅરિબાલ્ડીએ પાંચ મહિના કરતાં ઓછા સમયમાં એકલે હાથે 1,10,00,000ની વસ્તીવાળું રાજ્ય જીતીને આધુનિક ઇતિહાસમાં અદ્વિતીય સિદ્ધિ મેળવી.

નેપલ્સની જીતથી પ્રોત્સાહિત થઈને ગૅરિબાલ્ડી મધ્ય ઇટાલીનાં પોપના તાબા નીચેનાં રાજ્યોને ‘મુક્ત’ કરાવવા આગળ વધ્યા; પરંતુ જો તે પોપનાં રાજ્યો ઉપર આક્રમણ કરે તો પોપની મદદે ફ્રાન્સ અને ઑસ્ટ્રિયાનાં લશ્કરો ઇટાલીમાં ઊતરી પડે તેવો ભય હતો. તેથી કાવૂરની સલાહથી સાર્ડિનિયાનો રાજવી વિક્ટર ઇમેન્યુઅલ બીજો પોતે જ લશ્કર સાથે પોતાના પ્રજાજન એવા ગૅરિબાલ્ડીને રોકવા માટે દક્ષિણ તરફ આગળ વધ્યા; પરંતુ આમ કરવામાં તેનું લશ્કર રસ્તામાં આવતાં પોપનાં રાજ્યોનો પણ કબજો કરતું ગયું. છેવટે આ લશ્કર ગૅરિબાલ્ડીના લશ્કરની સામે આવ્યું ત્યારે રાજાની સમજાવટથી ગૅરિબાલ્ડીએ શસ્ત્રો મ્યાન કર્યાં અને નેપલ્સનું રાજ્ય પોતાના રાજાને ચરણે ધરી દીધું. તે પછી નેપલ્સમાં તથા પોપનાં રાજ્યોમાં લોકમત લેવામાં આવ્યો અને બધી જ જગ્યાએ લોકોએ સાર્ડિનિયામાં ભળી જવાનું પસંદ કર્યું.

આમ, ગૅરિબાલ્ડીની દેશભક્તિ, વીરતા અને ત્યાગથી (પોપના તાબામાં રહેલા માત્ર રોમ શહેર સિવાયના) સમગ્ર ઇટાલીના એક અને અખંડ રાષ્ટ્રનું સર્જન થયું. રાજા વિક્ટર ઇમેન્યુઅલે ગૅરિબાલ્ડીને તેના પરાક્રમ બદલ ધન, માન, પદવી વગેરે આપવા માંડ્યાં; પરંતુ તેણે તે બધાંનો અસ્વીકાર કર્યો અને મિત્રો પાસેથી ઉછીના પૈસા લઈ, નવું બિયારણ ખરીદી, કપ્રેરા ટાપુમાં ખેતીના કામમાં લાગી ગયા. પાછળથી 1871માં રાજા વિક્ટર ઇમેન્યુઅલે પોપ સાથે સમાધાન કરીને, રોમનો કબજો લઈ તેને ઇટાલીનું પાટનગર બનાવ્યું.

દેવેન્દ્ર ભટ્ટ