ગૅરંટી (underwriting) (શૅરો અને ડિબેન્ચરો) : કોઈ કંપનીએ ભરણા માટે પ્રસ્તુત કરેલા શૅરો અને ડિબેન્ચરો ન ભરાય તે જોખમ સામે રક્ષણરૂપે કરવામાં આવતો કરાર. જે વ્યક્તિ કે સંસ્થા ચોક્કસ સમયમર્યાદામાં સંપૂર્ણ અથવા અંશત: શૅરો અને ડિબેન્ચરોના વેચાણ માટેની ખાતરી આપે તે વ્યક્તિ કે સંસ્થા બાંયધરી આપનાર કહેવાય છે.
શૅરો અને ડિબેન્ચરોના વેચાણ માટે કંપની જોખમ લે છે, જેમાં શૅરો અને ડિબેન્ચરો કે જેને ભરણા માટે જાહેર જનતા સમક્ષ મૂકવામાં આવે છે તે પૂરેપૂરા ન ભરાય તો તે જોખમ સામે રક્ષણરૂપે કંપનીના સ્થાપક અથવા કંપની પોતે પેઢીઓ, બૅંકો, ઇન્સ્યોરન્સ કંપનીઓ અને લીઝિંગ કંપનીઓ વગેરે સાથે કરાર કરે છે. જેઓ બાંયધરી આપનાર (under-writers) કહેવાય છે, તેઓ આખી અથવા ઑફર કરાયેલ શૅરો અને ડિબેન્ચરોનો અમુક ભાગ કે જેમાં જાહેર જનતાએ ભરણું ન કર્યું હોય તે દલાલીના બદલામાં સ્વીકારે છે. બાંયધરી આપનારની સેવાના સંદર્ભમાં શૅરોની બહાર પાડેલ કિંમત 2 %થી 5 % સુધી દલાલી મેળવવા હકદાર બને છે.
જે શૅરો અને ડિબેન્ચરો જાહેર જનતા માટે પ્રસ્તુત કર્યા ન હોય તેના પર કોઈને પણ બાંયધરી દલાલી આપી શકાતી નથી. બાંયધરી દલાલી કંપનીના આર્ટિકલ્સ ઑવ્ ઍસોસિયેશન દ્વારા અધિકૃત થયેલી હોવી જોઈએ અને તે રોકડ અથવા શૅરો અને ડિબેન્ચરોમાં ચૂકવાય છે. બાંયધરી દલાલીનું એક અસ્કામત તરીકે મૂડીરોકાણ કરી શકાતું નથી. તેમ છતાં, તે શૅર પ્રીમિયમ ખાતાની કોઈ પણ સિલક સામે માંડી વાળી શકાય છે.
દીપક મોતીભાઈ શાહ