ગૃહરક્ષક દળ : રાજ્યના પોલીસ દળનું સહાયક સ્વૈચ્છિક અર્ધલશ્કરી દળ. સૌપ્રથમ 6 ડિસેમ્બર 1946ના રોજ જૂના મુંબઈ પ્રાંતમાં તેની સ્થાપના કરવામાં આવી હતી. માર્ચ 1959માં કેન્દ્ર સરકારના ગૃહ ખાતાએ દરેક રાજ્યને કાનૂનસ્થાપિત (statutory) સ્વૈચ્છિક સંગઠનો રચવા જણાવેલ. 1962માં ચીને ભારત પર આક્રમણ કર્યું ત્યારે દરેક રાજ્યમાં તથા કેન્દ્રશાસિત પ્રદેશોમાં, તે પૂર્વે સ્થપાયેલાં સ્વૈચ્છિક સંગઠનોનું વિલીનીકરણ કરી ગૃહરક્ષક દળ ઊભું કરવામાં આવ્યું.
ગૃહરક્ષક દળનાં મુખ્ય કાર્યો આ પ્રમાણે છે – આંતરિક શાંતિ અને સુવ્યવસ્થા જાળવી રાખવામાં રાજ્યના પોલીસ દળને સહાય આપવી; કોઈ પણ પ્રકારની કટોકટી કે કુદરતી આપત્તિ દરમિયાન અસરગ્રસ્ત લોકોને મદદ કરવી; વાહનવ્યવહાર, અગ્નિશમન અને પ્રાથમિક સારવાર જેવી અનિવાર્ય સેવાઓ વિક્ષેપ વિના ચાલુ રહી શકે તેવાં પગલાં લેવાં; કોમી એકતાને પ્રોત્સાહન આપવું; પ્રૌઢશિક્ષણ અને જાહેર સ્વાસ્થ્ય જેવી સામાજિક અને આર્થિક પ્રવૃત્તિઓ હાથ ધરવી તથા નાગરિક સંરક્ષણને લગતી ફરજો બજાવવી.
ગૃહરક્ષક દળની મહિલા પાંખ પણ હોય છે. કંપનીની કક્ષા સુધીના બધા જ ગૃહરક્ષકો સ્વૈચ્છિક ધોરણે જોડાયેલા હોય છે. તેમને માનદ વેતન તથા કેટલાંક ભથ્થાં ચૂકવવામાં આવે છે. પૂર્ણ સમયના સવેતન કર્મચારીઓ જૂજ સંખ્યામાં હોય છે અને તેઓ મુખ્યત્વે તાલીમ આપવાનું તથા વહીવટ અને સંચાલન કરવાનું કાર્ય કરતા હોય છે. ફરજ પર હોય ત્યારે ગૃહરક્ષકે ગણવેશ પહેરવો પડે છે.
18થી 50ની વયજૂથની ઉત્સુક વ્યક્તિઓ ગૃહરક્ષક દળમાં ભરતી થઈ શકે છે અને અપવાદ રૂપે 55 વર્ષની ઉંમર સુધી તે ચાલુ રહી શકે છે. નિયત શારીરિક ક્ષમતા ધરાવતા યુવાનોને જ ભરતી માટે પાત્ર ગણવામાં આવે છે.
ગૃહરક્ષક દળનું અધિકૃત (authorised) સંખ્યાબળ રાજ્યદીઠ જુદું જુદું હોય છે. ગુજરાત, રાજસ્થાન અને પંજાબ જેવાં સરહદી રાજ્યોનાં ગૃહરક્ષક દળમાં અધિકૃત સરહદી પાંખ (border wing) પણ હોય છે. આ પાંખના જવાનો સરહદી વિસ્તારનાં ગામડાંને સ્થાનિક સુરક્ષા બક્ષે છે અને સંદેશાવ્યવહારની જાળવણી ઉપરાંત સરહદના સુરક્ષા સૈનિકોને સહાય કરે છે.
ગૃહરક્ષક દળોમાં ભરતી કરવાની, તાલીમ આપવાની અને નીતિવિષયક જવાબદારી કેન્દ્રના ગૃહખાતા સાથે જોડાયેલા નાગરિક સંરક્ષણના સર્વોચ્ચ નિયામક કરે છે. રાજ્યકક્ષાએ તેની જવાબદારી રાજ્ય સરકારના ગૃહરક્ષક દળના કમાન્ડર જનરલ પાસે હોય છે.
દળનું સંચાલન યોગ્ય રીતે અને ઉચ્ચ ક્ષમતાથી થઈ શકે તે માટે સંગઠનના જુદા જુદા સ્તરે કંપની, પ્લેટૂન તથા સેક્શન જેવી શાખા-ઉપશાખા રૂપે તેનું વિભાજન કરવામાં આવે છે. એક ડિવિઝનમાં ત્રણ કંપનીઓ, એક કંપનીમાં ત્રણ પ્લેટૂન, એક પ્લેટૂનમાં ત્રણ સેક્શન તથા એક સેક્શનમાં 12 ગૃહરક્ષકો હોય છે. જિલ્લા સ્તરે દળનો વહીવટ રાજ્ય દ્વારા નિમાયેલા કમાન્ડન્ટ કરે છે.
હસમુખ માણેકલાલ પટેલ
અનુ. બાળકૃષ્ણ માધવરાવ મૂળે