ગૃહદ્વાર : ગૃહદ્વારની રચના મકાનની ઉપયોગિતા પ્રમાણે અલગ અલગ રીતે કરવામાં આવતી. રહેણાકના પ્રકાર, રાજમહેલો, મંદિરના ગર્ભગૃહો વગેરે જાતની ઇમારતોમાં ગૃહદ્વારનું આયોજન અત્યંત સંભાળપૂર્વક કરાતું. ગૃહદ્વારના પ્રકાર પ્રમાણે દ્વારશાખનું પણ આયોજન થતું તેમજ ઉંબરાનું આયોજન દ્વારશાખને સુસંગત કરાતું. દ્વારપાળના શિલ્પ દ્વારશાખ પર અમુક જ રીતે કંડારાતાં. દ્વારપાલથી માંડીને ગંગા-યમુનાનાં શિલ્પ દ્વારશાખનાં અગત્યનાં અંગ તરીકે ગણાતાં. ઉંબરાની રચનામાં પણ દ્વારશાખના આધાર તરીકે અર્ધચન્દ્રાકાર ઉંબરા મંદિરોના ગર્ભગૃહમાં પ્રચલિત હતા તેમજ ઓટલા અને પગથિયાં દ્વારા બીજી ઇમારતોમાં દ્વારશાખનો આધાર આપવામાં આવતો. આ રીતે ગૃહદ્વાર મકાનના આયોજનમાં મુખદર્શનનું એક અગત્યનું પાસું છે, જેના દ્વારા મકાનના દેખાવને ઉઠાવ મળે છે.
રવીન્દ્ર વસાવડા