ગૂમડું (abscess) : પરુ ભરાવાથી થતી ગડ. તે જીવાણુજન્ય (bacterial) ચેપથી ઉદભવે છે. તેને પૂયગડ અથવા સપૂયગડ પણ કહે છે. જીવાણુજન્ય ચેપ ચાર રીતે પ્રવેશે છે : ઘા દ્વારા સીધો પ્રવેશ, આસપાસના અવયવમાંથી ફેલાવો, લસિકાવાહિનીઓ (lymphatics) દ્વારા ફેલાવો તથા લોહી દ્વારા ફેલાવો. જીવાણુજન્ય ચેપને કારણે શારીરિક પ્રતિક્રિયા રૂપે શોથ (inflammation) થાય છે. તેમાં લોહીના તટસ્થ શ્વેતકોષો (neutrophils) ચેપગ્રસ્ત પેશીમાં પ્રવેશે છે. તટસ્થ શ્વેતકોષોમાંના પ્રોટીનલયી (proteolytic) ઉત્સેચકો (enzymes) પેશીનાં દ્રવ્યોનું પ્રવાહીકરણ કરે છે તેને પરુ કહે છે. આમ પરુ મૃત પેશી અને શ્વેતકોષોનાં દ્રવ્યોનું પ્રવાહી સ્વરૂપ છે. તેમાં લોહીના પ્લાઝમાના પ્રવેશને કારણે દબાણ વધે છે અને તેથી સખત લપકારા મારતો દુખાવો થાય છે. જો આ સમયે શસ્ત્રક્રિયા વડે પરુ કાઢી નાખવામાં ન આવે તો તેના દબાણને કારણે ઓછા અવરોધવાળા માર્ગે તે બહાર નીકળી જાય છે. ગૂમડાની આસપાસની પેશીમાં શ્વેતકોષો અને જીવાણુ હોય છે તેને પૂયજન્ય પટલ (pyogenic membrane) કહે છે.

ગૂમડાનાં સ્થાન, કદ, અંત:દબાણ તથા જીવાણુની વ્યાધિકારિતા (pathagenicity) પ્રમાણે ચિહનો અને લક્ષણો ઉદભવે છે. ગૂમડું થાય ત્યારે દર્દી આખા શરીરમાં અશક્તિ, તાવ તથા ગૂમડાના સ્થાને સોજો અને સખત દુખાવો અનુભવે છે. જો લોહી દ્વારા જીવાણુ ફેલાય તો ખૂબ ઠંડી લાગીને તાવ આવે છે. સેલ્સસે (ઈ. પૂ. 25થી ઈ. સ. 50) ગૂમડાનાં 4 ચિહનો વર્ણવ્યાં હતાં : ઉષ્ણતા (calor), રતાશ (rubor), દુખાવો (dolor) અને સોજો (tumor). તેમાં ગેલને (ઈ. સ. 130–200) કામ કરવાની અક્ષમતા (functio laesa) ઉમેરી. સુશ્રુતે પણ ગૂમડાનાં ચિહનો અને સારવાર વર્ણવ્યાં છે.

પરુનું નિદાન થાય એટલે તેને શસ્ત્રક્રિયા કરીને બહાર કાઢી નાખવું જરૂરી હોય છે. પરુવાળી પેશીમાં ઍન્ટિબાયૉટિક ઔષધો કાર્ય કરી શકતાં નથી. જરૂર પડ્યે પરુવાળા પોલાણમાં આંગળી નાખીને તેમાંના બધા જ પડદા તોડી નાખીને પરુને પૂરેપૂરું બહાર કાઢી નાંખવામાં આવે છે. પરુને લૅબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવે છે અને તેના જીવાણુનુ સંવર્ધન (culture) કરીને તનું નિદાન કરાય છે અને તે રીતે યોગ્ય ઍન્ટિબાયૉટિક આપીને ચેપને પૂરેપૂરો કાબૂમાં લેવામાં આવે છે. પરુ થવાનું કારણ ક્યારેક કોઈ સ્થાનિક વિકાર પણ હોય છે – જેમ કે નળીમાં અવરોધ અથવા કોઈ પેશીમાં બાહ્ય પદાર્થ. ચેપ લાગવાનાં અને સતત રહેવાનાં આ કારણોની સારવારની પણ જરૂર પડે છે. જો પરુને પૂરેપૂરું કાઢ્યા વગર લાંબા સમયે ઍન્ટિબાયૉટિક આપવામાં આવે તો ઍન્ટિબાયૉટિક-અર્બુદ (antibioma) નામની ગડ બને છે.

ક્ષયના જીવાણુને કારણે જ્યારે ગૂમડું થાય છે ત્યારે તેમાં શોથના ઉપર જણાવેલાં ચિહનો હોતાં નથી. તેથી તેને શીત ગડ (cold abscess) કહે છે. શીત ગડ ગળા કે બગલમાંની લસિકાગ્રંથિઓ(lymph nodes)માં થાય છે તથા છાતીની પાંસળીઓ વચ્ચે જોવામાં આવે છે. જ્યારે છાતીનાં હાડકાં, પાંસળીઓ કે કરોડના મણકામાં ક્ષય થાય ત્યારે આ પ્રકારનો વિકાર જોવા મળે છે. શીત-ગડમાંનું પરુ જ્યારે માર્ગ કરીને ચામડી પર છિદ્ર કરીને બહાર આવે છે ત્યારે ન રુઝાય એવી સંયોગનળી (fistula) બને છે. પરુને શસ્ત્રક્રિયા વડે કાઢી નાખીને ક્ષયના રોગની પૂરેપૂરી સારવાર કરવાનું સૂચવવામાં આવે છે. અવયવોમાંના ક્ષયની ગડને ક્ષયગડ (tuberculoma) કહે છે.

ક્યારેક હૃદયના વાલ્વનો અલ્પ-ઉગ્ર ચેપ લાગ્યો હોય (subacute bacterial endocarditis), ફેફસામાં ગૂમડું થયું હોય, બ્રૉન્કિયેક્ટેસિસ નામનો ફેફસાંમાં પરુ કરતો રોગ થયો હોય, ફેફસાંની આસપાસની જગ્યામાં પરુ થયું હોય (empyema) ત્યારે ક્યારેક પરુ લોહી દ્વારા ફેલાઈને વિવિધ અવયવોમાં ગૂમડાં કરે છે. તેને સ્થાનાંતરિત સપૂયગડ અથવા સ્થાનાંતરિત ગૂમડું (metastatic abscess) કહે છે. મગજમાં આવી રીતે પ્રવેશેલું પરુ જીવનને જોખમ કરે છે.

શિલીન નં. શુક્લ

સોમાલાલ ત્રિવેદી