ગુલામ અલી (જ. 1750; અ. 1836) : અગ્રિમ સૂફીવાદી સિંધી કવિ. ‘રોહલ’ ફકીરના પુત્ર. તેમને કાવ્યરચનાકૌશલ અને ભક્તિભાવ વારસામાં મળ્યાં હતાં.
ગુલામ અલીએ ભારતીય છંદશાસ્ત્ર-આધારિત સિંધી કવિતાની રચના કરી હતી. તેમની કવિતા ઉપર ઇશ્કે હકીકીની સૂફીવાદી પ્રેમપરંપરા તથા વેદાંતની યોગજ્ઞાનની ઊંડી અસર છે. અદ્વૈતના ઉપાસક ગુલામ અલી સર્વે માનવમાં પ્રભુદર્શન પામે છે.
પરઝી ડિસિ જ પાણ મેં
આહે કોન બિયો;
તું ગોલ્હિં થો જંહિંએ,
સાગિયો આહીં તું.
(અંતરમનમાં નિહાળ; અન્ય કોઈ નહિ, તું જેને શોધે છે, એ જ તું છે.)
સિંધી ઉપરાંત તેમણે હિંદી તથા પંજાબીમાં પણ કાવ્યરચના કરી હતી. ઈશ્વરને ‘પ્રીતમ પ્યારો’ કહેનાર આ કવિની કવિતાઓ ‘સત્ આત્મા શાસ્ત્ર બ્રહ્મ વિચાર’માં સંગૃહીત થઈ છે. આ મુસ્લિમ દાર્શનિક કવિની બેતો સૂફી મતનાં રત્નો હોવાની સાથે સૂફીવાદ અને વેદાંતનો સમન્વય બની રહી છે. આ મુસ્લિમ સૂફી કવિએ ભારતીય સંત કવિની જેમ અદ્વૈતની ઉપાસના કરી છે :
સભ ઘટ એક હી રમ રહિયો,
જગત્ મંહિ જગદીસ્.
જયંત રેલવાણી