ગુલાબ : ગુ. તરુણી, મંજુલા, સં. तरुणीया, લૅ. Rosa Sp. દ્વિબીજ- દલાના કુળ રોઝેસીનો છોડ. તે કુળનો એક જ ફેલાતો શાકીય છોડ નર્મદાના તળ(bed)માં અને પાવાગઢના ખાબોચિયામાં ઊગતો Pontentilla supina L છે. બદામ અને સફરજન તે કુળના છે.

ગુલાબની ઉત્પત્તિ કે સ્થાન અગમ્ય રહેલ છે. R. centifolia કૉકેસસમાં, R. indica ભારતમાં અને R. chinensis ચીનનું વતની હશે. R. edward ભારતનું દેશી ગુલાબ છે.

ગુલાબ માટે સારી નિતારવાળી જમીન, યોગ્ય પ્રમાણમાં ખાતર-પાણી અને 15° થી 25° સે. તાપમાન અનુકૂળ છે. ચોમાસું વીતી ગયા પછી ગુલાબને થોડો આરામ આપી એની ડાળીઓની છાંટણી કરવાથી શિયાળામાં નવી ફૂટ ઉપર ફૂલોનાં ઝૂમખાં બેસે છે. ઊધઈ, ઍફર બીટલ, લાલી જીવાત, મૂળને બાઝતા એફીડ્ઝ, પાન ખાતી જીવાત વગેરે રોગ કરે છે. તે વખતે નિષ્ણાતની સલાહ લઈ તાત્કાલિક ઉપાય કરવા હિતાવહ છે. ગુલાબનાં પર્ણો સંયુક્ત અને ઉપપર્ણોની જગ્યાએ બે કંટકો ધરાવે છે. નર વંધ્ય છોડમાં પરપરાગનયનની ગેરહાજરીમાં ફળ બેસતાં નથી. આવા ફળ વગરના ગુલાબના છોડ પર ફૂલો લાંબા સમય સુધી તાજાં અને સુંદર રહે છે. ગુલાબની વંશવૃદ્ધિ મુખ્યત્વે ચશ્માં ચડાવવા(budding)થી કરી શકાય છે. તેમાં બ્રાયર જાત (વાંઝણી) સ્ટાન્ડર્ડ તરીકે વિકસાવવામાં આવે છે. તેની ડાળી ઉપર 30 સેમી.થી 75 સેમી.ની ઊંચાઈએ ચશ્માં ચડાવવાથી ઝાડની માફક ઘટા વિકસે છે.

સુપરસ્ટાર જેવી કેટલીક જાતો પરદેશ જાય છે. લાલ ચાઇનીઝ ગુલાબનું વાવેતર વેચાણની ર્દષ્ટિએ નફાકારક છે. જંગલી અને દેશી ગુલાબનાં મૂળો સાથેના થડ ઉપર આંખ કે કલમ રોપી ડાળીના પર્ણની કળીને સાવચેતીથી કાપી અને સ્ટિકની ડાળી ઉપર પાડેલી ઊભી ખાંચમાં રોપીને સૂકા ઘાસથી બાંધી દેવામાં આવે છે. આ કળી (bud) સ્ટિકની પેશીઓ સાથે જૈવિક જોડાણ પ્રાપ્ત કરી વૃદ્ધિ અને વિકાસથી નવી જાતો ઉત્પન્ન કરી શકાય છે. એડવર્ડ રોઝ (દેશી ગુલાબ) તે દમાસ્કસ ચાઇના રોઝ તથા ગ્રીન રોઝના સંકરણથી ઉદભવે છે. ગુલાબની નવી નવી વીસેક હજાર જેટલી જાતો સંકરણથી મેળવાય છે; પરંતુ તેમાંથી બહુ જ ઓછી સુગંધીદાર છે. રૂપેરંગે આકર્ષક અને વિવિધતા દાખવે છે. શુદ્ધ ભૂરો કે શુદ્ધ કાળો રંગ બાદ કરતાં તેની પાંખડીઓ લીલા, ગુલાબી ઉપરાંત બધાં જ રંગો અને મિશ્રણો ધરાવે છે. તેની જાતોમાં મુખ્ય નીચે પ્રમાણે છે :

ગુલાબ

(1) હાઇબ્રીડ ટી (hybrid tea) :  તે ચાને મળતી સુગંધી ધરાવે છે. તેના વિવિધ રંગોમાં જાતો વિકસાવી છે : કૉન્ફિડન્સ, લેડી ફૉસ્ટ, મોન્ટેઝુમા, પિક્ચર વગેરે ગુલાબી છે. ગંગા, મેકગ્રેડીઝ, સનસેટ, સમર સન શાઇન વગેરે પીળી છે. વીરગો, વ્હાઇટ નન, હોમી ભાભા, પોલર સ્ટાર વગેરે સફેદ છે. કિસ ઑવ્ ફાયર પીળો તથા ગુલાબી, પાર્થેનોન્ સફેદ તથા ગુલાબી, ટેપેસ્ટ્રી પીળો ગુલાબી તથા લાલ, પીસ પીળો અને ગુલાબી બેરંગી જાતો છે. ગાર્ડન પાર્ટી ગુલાબી, બ્લૅક લેડી ઘાટી લાલ, પીળી સમરડેઝ, રંગો બદલતી કલર મૅજિક જાતો ઘણી જ સુગંધિત છે. તે સર્વે ગુલાબની રાણીની જાતો ફ્રેન્ચ બાગબાન ગુઇલાતેએ 1837માં ઉત્પન્ન કરી હતી.

(2) ફ્લોરી બુન્ડા (floribunda) જાતો : તેનાં નાનાં નાનાં ઝીણાં સુગંધી વિનાનાં ફૂલો ઝૂમખાંમાં બેસતાં છોડ લચી પડે છે. તેમાં મિશ્ર રંગની જાત પેઇન્ટ બૉક્સ, નારંગી રંગની શોલા, સફેદ સમર સ્નો, ઘાટો લાલ રંગ ધરાવતી ઝીગી, ઘાટા ગુલાબી રંગવાળી દિલ્હી પ્રિન્સેસ અને ગુલાબી પ્રેમા મુખ્ય છે.

(3) મિનિયેચર (miniature) નાનાં ફૂલો ધરાવતી જાતોમાં કેસરી બેબી ડાર્લિંગ, પીળી બેબી ગોલ્ડ સ્ટાર, લાલ ડ્વાર્ફ કિંગ, સફેદ ફ્રૉસ્ટી ભાગ્યે જ સુગંધીદાર હોય છે.

(4) વેલિયો ગુલાબ (rose climbing) : વેલની માફક વીંટળાતી જાતોમાં લાલ રંગની બ્લેઇઝ (blaze), ગુલાબી ક્લાઇમ્બિંગ પિક્ચર, સફેદ દિલ્હી વ્હાઇટ પર્લ, પીળી ગોલ્ડન શાવર; વગેરે સુગંધીદાર હોતાં નથી.

(5) પૉલિઍન્થા (polyantha) : નાનાં ફૂલોવાળી ગુલછડી જેવી લાગે છે.

ભારતમાં દિલ્હીનો નૅશનલ રોઝ ગાર્ડન અને ચંડીગઢનો ઈસા રોઝ ગાર્ડન પ્રખ્યાત છે. તે ઉપરાંત પૅરિસનો બાગાટેલે અને રોઝરી દલ, જિનીવાનો પાર્કલ ગ્રાન્ઝ, બ્રિટનનો રોઝનેરી, સ્પેનનો રોઝલિડા, અમેરિકાનો હાર્ટફર્ડ વગેરે ગુલાબના બગીચાઓ વિશ્વવિખ્યાત છે. વિવિધ બાગબાનો ગુલાબને પોતાનાં નામો આપી નવી જાતો બજારમાં મૂકે છે.

ભારતમાં પશ્ચિમઘાટ, નીલગિરિ અને આબુના ગુરુશિખર પર તે કુદરતી રીતે ઊગે છે. ઉત્તમ ગુલાબના છોડ અરબસ્તાન અને તુર્કસ્તાનમાં મળે છે. મોગલ સમ્રાટોએ ગુલાબનાં પુષ્પોને વધારે ને વધારે લોકપ્રિય બનાવ્યાં હતાં.

પંડિત જવાહરલાલ નહેરુ અને નૂરજહાં બેગમ ગુલાબનાં શોખીન હતાં. બલ્ગેરિયાની પ્રસિદ્ધ જાતિ R. damascona વાયવ્ય હિમાલય અને કાસા પહોડામાં કુદરતી રીતે ઊગે છે. તેનું અત્તર ઉત્તમ છે.

આબુના પહાડની ટોચે મળતા R. moschata પાંચ જ પાંખડીઓ અને અનેક પુંકેસરો ધરાવે છે. તેની ખેતી કરતાં કરતાં કાળક્રમે પુંકેસર પાંખડીઓમાં પરિણમ્યાં. આવું પુંકેસરનું પાંખડીઓમાં પરિવર્તન ફક્ત કમળમાં જોવા મળે છે.

ગુલાબના રોગો : (1) પાનનાં કાળાં ટપકાંનો રોગ : આ રોગમાં Diplocarpon rosae નામની ફૂગથી પાન પર ગોળ કાળાં ટપકાં થાય છે. શરૂઆતમાં જાંબુડી લાલ રંગનાં ટપકાં પાછળથી ગોળ કાળાં ટપકાંમાં ફેરવાઈ જાય છે. આ ટપકાં આગળ વધી એકબીજાં સાથે મળી જઈ મોટાં ટપકાં થાય છે. ટપકાંની ફરતો ભાગ પીળો હોય છે. વધુ આક્રમણ થતાં આખું પાન પીળું થઈ પરિપક્વ અવસ્થામાં જ ખરી પડે છે. તેને લીધે ડાળી પાન વિનાની થઈ જાય છે. આ રોગને ગરમ અને ભીનું વાતાવરણ અનુકૂળ આવે છે.

પાન વિનાની રોગવાળી ડાળી કાપી નાખવાથી અને મેન્કોઝેબ અથવા બોર્ડો મિશ્રણનો છંટકાવ કરવાથી રોગનું નિયંત્રણ શક્ય છે.

(2) ભૂકી છારો : Sphaerotheca pannosa f. sp. rosae  નામની ફૂગ ગુલાબ ઉગાડતા દરેક પ્રદેશમાં આ રોગ કરે છે. તે નવાં નીકળતાં પાન અને કૂંપળો અને ફૂલની કળી પર આક્રમણ કરી છોડની વૃદ્ધિ અટકાવી તેનું ઉત્પાદન ઘટાડે છે. આક્રમણવાળાં પાન ભૂખરા સફેદ રંગની ફૂગ અને ફૂગ-બીજાણુની છારીથી ઢંકાઈ જાય છે. આવાં પાન કિનારીથી વળી જઈ બેડોળ થઈ જાય છે. જ્યારે જૂનાં પાનનો ભાગ આક્રમણથી પીળો થઈ જાય છે. આવાં પાનના કોષો અને પેશીઓ ખોરાકના અભાવે નીલકણ (chloroplasts) ઓછા થતાં પીળાં થઈ મૃત્યુ પામે છે. આ જ પ્રમાણે નવી કૂંપળોના કોષો-પેશીઓ મૃત્યુ પામે છે, તેથી આગળ વૃદ્ધિ અટકી જાય છે. ફૂલની આક્રમિત કળી ખીલતી નથી અને સુકાઈ જાય છે. આવી કળી પર ફૂગ અને ફૂગ-બીજાણુની છારીનું આવરણ જોવા મળે છે. ખીલેલાં ફૂલની પાંદડી પર આક્રમણ થતાં તેનો રંગ બદલાઈ જાય છે. ફૂલની પાંદડી નાની રહે છે અને બરાબર ખીલ્યા વિના જ કરમાઈ નીચે પડી જાય છે.

આ ફૂગ આક્રમિત છોડના મૃત ભાગોમાં કવક કે સજાતીય બીજાણુ રૂપે એક ઋતુથી બીજી ઋતુ સુધી જીવંત રહે છે. ઋતુની નવી વૃદ્ધિ ચાલુ થતાં આ બીજાણુઓ બહાર આવી નવી કૂંપળોમાં પ્રવેશ કરી નવું આક્રમણ કરે છે.

ભૂકીછારાના નિયંત્રણ માટે સલ્ફરયુક્ત ફૂગનાશક જેવી કે સલ્ફર ડીનોકેપ, ટ્રાયફોરીન, ટ્રાયડીમેડાન પૈકીની ગમે તે એક દવાના ત્રણથી ચાર છંટકાવ કરવા જરૂરી છે.

(3) બૅક્ટેરિયાથી થતી થડની ગાંઠ : Agrobacterium tumefaciens નામના બૅક્ટેરિયા જમીનની અંદરના થડ અને મૂળમાં પ્રવેશ કરી ગાંઠ પેદા કરે છે. આથી તેના મુખ્ય મૂળની વધ ઓછી થઈ વિકૃત સ્વરૂપ ધારણ કરી થડ અથવા મૂળમાં ગાંઠ પેદા કરે છે તેમજ ઉત્પાદન ઘટી જાય છે. તીવ્ર આક્રમણવાળા છોડ સુકાઈ મૃત્યુ પામે છે.

આ બૅક્ટેરિયા દંડાકાર અને ફરતે વાળ જેવી પૂંછડીવાળા હોય છે. તે જમીનમાં મૃતોપજીવી તરીકે એક ઋતુથી બીજી ઋતુ સુધી જીવે છે, ને સાનુકૂળ છોડ મળતાં તેના થડ અથવા મૂળમાં જખમો દ્વારા પ્રવેશ કરે છે.

તંદુરસ્ત છોડની વાવણી કરવાથી, રોગવાળા બગીચાની કલમ નહિ વાપરવાથી, રોગવાળા ખેતરમાં વર્ષો સુધી ધાન્ય પાકો ઉગાડવાથી અને આંતરખેડના સમયે મૂળ અને થડ પર જખમો ન થાય તેની કાળજી લેવાથી આ રોગ ઉપર નિયંત્રણ રાખી શકાય છે.

આયુર્વેદ અનુસાર ગુલાબનું અત્તર, પાંખડીઓનો ગુલકંદ, ગુલાબજળ અને શરબત વપરાય છે. તે પિત્તનાશક, પાચક અને પોષક છે. રક્તશુદ્ધિ કરી પસીનામાં આવતી વાસ કે દુર્ગંધ દૂર કરે છે. થોડી માત્રામાં લેવાથી ઝાડો અટકે છે; પરંતુ વધારે પ્રમાણમાં લઈએ તો મળ-પ્રમાણ વધે છે, અને દસ્ત સાફ લાવે છે. સગર્ભા સ્ત્રીઓને પિત્તજ ગરમીમાં શીતવીર્ય બળ પૂરે છે અને ગર્ભસ્થ બાળકને પુષ્ટ બનાવે છે. અત્તર (otto) નિતારી લીધા પછી જે વરાળિયું પાણી બાકી રહે છે તે ગુલાબજળ આંખોને ઠંડક આપે છે. એક કાચની બરણીમાં ખડીસાકરનો ભૂકો ભરી તે પર ગુલાબની તાજી પાંખડીઓ પાથરવાથી અકસીર ગુલકંદ મળે છે. ખાંડ/સાકરની ચાસણીમાં તાજી ફૂલપાંખડીઓ તેજાના સાથે રાખી ગુલાબ-પાક બનાવાય છે.

મ. ઝ. શાહ

પ્રાગજી મો. રાઠોડ

 સરોજા કોલાપ્પન

હિંમતસિંહ લાલસિંહ ચૌહાણ