ગુલરાજાણી, જેઠમલ પરસરામ

February, 2011

ગુલરાજાણી, જેઠમલ પરસરામ (જ. 1886 હૈદરાબાદ (હાલનું સિંધ, પાકિસ્તાન; અ. 1948 મુંબઈ) : અર્વાચીન સિંધી સાહિત્યના સર્જક. તેઓ મધ્યમ વર્ગના આર્થિક રીતે નબળા પરિવારમાં 1886માં જન્મ્યા હતા. તેઓ સૂફીવાદ અને વેદાંતી વિચારધારા ધરાવનાર થિયૉસૉફિસ્ટ ઉદારચરિત હિંદુ હતા. તેઓ તત્વજ્ઞાન અને દર્શનના ઊંડા અભ્યાસી હતા. તેઓ સાહિત્યને મનોરંજનનું સાધન નહિ; પરંતુ સામાજિક સુધારા અને નવજાગૃતિ માટેનું સશક્ત સાધન સમજતા હતા.

1902થી 1911 દરમિયાન તેઓ શાળાના શિક્ષક હતા. 1903માં મેટ્રિક થયા બાદ કરાંચીની ન્યૂ હાઈસ્કૂલમાં જોડાયા. બળિયા સામે બાળકોને ફરજિયાત રસી મુકાવવા સામેના વિરોધમાં તેમણે નોકરીમાંથી રાજીનામું આપ્યું અને જીવનભર તેના ઉગ્ર વિરોધી રહ્યા. તેઓ સિંધના મહાન પત્રકાર અને પ્લૅટફૉર્મ સ્પીકર તથા પરિષદોના આયોજક રહ્યા. 1911માં દૈનિક ‘હિંદવાસી’નું સંપાદન સંભાળ્યું; જેને પાછળથી અઠવાડિક ‘ભારતવાસી’માં ફેરવ્યું (1921).

તેઓ એની બેસન્ટ અને થિયૉસૉફીના શ્રદ્ધાવાન અનુયાયી અને સિંધના પ્રથમ સમાજવાદી હતા. રૉલેટ કાયદા મુજબ બ્રિટિશ અત્યાચારો વિરુદ્ધમાં લેખ લખવા બદલ તેમને જેલવાસ ભોગવવો પડ્યો હતો. પણ તેઓ મહાત્મા ગાંધીની ખિલાફત અથવા અસહકારની ચળવળમાં જોડાયા ન હતા. તેઓ તેમના વિચારો/માન્યતામાં સ્વતંત્ર અને ખાસ કરીને સિંધના ખેડૂતો માટે લડ્યા અને સત્તાધિકારીઓની દમનનીતિ અને જઘન્ય કૃત્યો ખુલ્લાં પાડ્યાં.

તેમણે ઘણાં સમાચારપત્રો અને સામયિકો તથા ન્યૂ સિંધી લાઇબ્રેરી ઑવ્ પબ્લિકેશન્સની સ્થાપના કરી અને સિંધી સહિત સોસાયટી સ્થાપવામાં મદદ કરી. તેઓ સૂફી હતા અને શેક્સપિયરનાં સૉનેટોમાં પણ તેમને સૂફીવાદ જોવા મળ્યો. ભક્તિકાલીન સૂફી કવિઓ શાહ અબ્દુલ લતીફ અને સચલ સરમસ્તનાં જીવન અને કવન વિશેની લોકપ્રિયતા સામાન્ય લોકોમાં જગાડનાર તેઓ સૌથી મોટા સિંધી લેખક હતા. 1931માં શિકારપુર ખાતે યોજાયેલ પ્રથમ સિંધી સાહિત્યિક પરિષદના પ્રમુખ તરીકે તેમની વરણી કરવામાં આવી હતી. 1933થી 1940 સુધી તેઓ સિંધના હૈદરાબાદની નૅશનલ કૉલેજના પ્રાધ્યાપક રહ્યા. તેઓ મુસ્લિમવિરોધી તરીકે ઓળખાતા; પરંતુ સિંધી વર્ણમાલાને અરબી વર્ણમાલામાં ફેરવાઈ જતી રોકીને તેને તેના સ્વર સ્વરૂપને જાળવી રાખવામાં તન-મનપૂર્વક લડ્યા. તેઓ લોકઉશ્કેરણી કરનાર નહિ પણ જનસમૂહના માણસ હતા.

તેઓ બહુમુખી લેખક હતા. સિંધી રહસ્યવાદ અને સૂફીઓ વિશે અંગ્રેજી પુસ્તક લખનાર તેઓ પ્રથમ હતા. શાહ અંગે સિંધીમાં તેમણે 1915માં, શાહની વાર્તાઓ અંગે 1922માં અને શાહ ભિટાઇ અંગે 1923માં, સચલ સરમસ્ત અંગે 1922માં અને સૂફીઓ વિશે 1925માં ગ્રંથો લખ્યા. સચલ અંગેનો ગ્રંથ સહજ રીતે ઉત્તમ અને સાહિત્યિક તેમજ વિવેચનાત્મક છે. સચલના મુક્ત વિચારો અને તત્વજ્ઞાન વિશે તેમના જેટલું નિરૂપણ બીજા કોઈએ કર્યું નથી. તેમની અનૂદિત કૃતિઓ અંગે તેઓને જોઈતી સફળતા મળી નથી. હેમ્લેટ (1923) અને ફ્રૉસ્ટ અંગેના તેમના અનુવાદ નીરસ નીવડ્યા છે. જોકે, સંત અને સમાજસુધારક ભાઈ કલાચંદ અંગે સિંધી સહિત સોસાયટી માટેની તેમની પુસ્તિકા ખૂબ આવકારપાત્ર બની હતી. ‘પૂરબ જોતી’ (1923) શીર્ષક હેઠળ તેમણે એડવિન આર્નોલ્ડના ‘લાઇટ ઑવ્ એશિયા’નું કરેલ રૂપાંતર સિંધી સાહિત્યમાં મહાન ગદ્ય કૃતિ પુરવાર થઈ. તેમાં ભક્તિ, રહસ્યવાદ અને જીવનનો આનંદ અભિવ્યક્ત કરતી તે ગદ્યકાવ્ય કૃતિ ગણાય છે. રાજકારણમાં ધર્માંધતાને કારણે પ્રાંતને અલગ પાડવાના કાર્ય સામે સૂફીવાદની જ્યોત પ્રકાશિત રાખવા તેમણે ‘રુહ રિહાન’ની સ્થાપના કરી હતી.

સિંધીમાં ટૂંકી વાર્તાલેખકો પૈકીના તેઓ એક હતા. તેમની વાર્તાઓમાં તેમણે ધનવાનો અને શક્તિશાળીઓનાં લોભ અને લાલસાનું ચિત્રાંકન કર્યું છે. તેમણે ‘સૂઝો’ અને ‘ચમ્ર પોશ’ તખલ્લુસથી કૃતિઓ પ્રગટ કરી. તેમણે ‘સૂફી સગોરા’ નામક નિબંધસંગ્રહ અને ‘ચમન લતીર’ જેવો વાર્તાસંગ્રહ આપ્યા છે. ‘ચમ્ર પોશનું આખાણ્યિું’ (1923)માં તેમણે સામાજિક દૂષણોને છતી કરતી વાર્તાઓ આપી તથા ‘સામ્યવાદ અને ભારતીય સમાજવાદ’(1926)નું પુસ્તક આપ્યું છે. તેમણે જેલવાસ દરમિયાનના અનુભવોનો નિચોડ તેમના ‘પિલ્ગ્રિમેજ ટુ પ્રિઝન’માં આપ્યો છે જે ખૂબ લોકપ્રિય બન્યો. 1948માં તેમનું અવસાન થયું હતું.

જયંત રેલવાણી