ગુલખેરૂ : દ્વિદળી વર્ગમાં આવેલા માલ્વેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Althea officinalis Linn. (ગુ. મ. ગુલખેરૂ, ખૈરા; હિ. ગુલખેરીઓ, ખૈરા, ખિત્મી; ક. સીમેટુટી; ત. સિમૈટુટી; અં. માર્શમેલો) છે. તે મૃદુ રોમમય, બહુવર્ષાયુ, 60–180 સેમી. ઊંચાઈ ધરાવતી શાકીય વનસ્પતિ છે. તે હિમાલયના પ્રદેશમાં કાશ્મીરથી પંજાબ સુધી જોવા મળે છે. તેનો પ્રકંદ (rootstock) કાષ્ઠમય હોય છે. મૂળ 30 સેમી. સુધી લાંબાં હોય છે. પર્ણો સાદાં, એકાંતરિત અને પ્રતિઅંડાકાર હોય છે અને તલ પ્રદેશેથી જવલ્લે જ હૃદયાકાર જોવા મળે છે. પુષ્પો ગુલાબી રંગનાં અને કક્ષીય ગુચ્છમાં ગોઠવાયેલાં તથા 2.0–5.0 સે./મી. વ્યાસવાળાં હોય છે. સ્ત્રીકેસરો અનેક હોય છે અને નાના પુષ્પાધાર (torus) ઉપર ગોઠવાયેલા હોય છે. ફલન બાદ પ્રત્યેક સ્ત્રીકેસર ફલાંશક(mericarp)માં પરિણમે છે; જે એક બીજ ધરાવે છે.
સમગ્ર વનસ્પતિ, મુખ્યત્વે મૂળ ‘આલ્થીઆ’ નામનું ઔષધ બનાવે છે; જે કેટલાક વિદેશી ઔષધકોશોમાં અધિકૃત ગણાય છે. મૂળના નાના ઘનાકાર ટુકડાઓ કરવામાં આવે છે. તેનો રંગ એકસરખો ભૂખરો સફેદ હોય છે. બદામી ત્વક્ષીય (corky) સ્તર અને નાનાં મૂળ દૂર કરવામાં આવે છે. લગભગ સંપૂર્ણ મૂળ બહારથી સફેદ કે આછા પીળા રંગથી આછા બદામી રંગનું, ઊભી ખાંચવાળું, ઘણી વાર સર્પાકારે મરડાયેલું અને કંઈક અંશે શિથિલ રોમ જેવા અન્નવાહિની તંતુઓ વડે આવરિત હોય છે. છાલ તંતુમય હોય છે. કાષ્ઠ સાંકડું, કણિકાયુક્ત, અંદરથી પીળાશ પડતું સફેદ અને આછી ગંધવાળું, ક્લેદમય અને સ્વાદે મીઠું હોય છે. Alcea rosea syn. Althea rosea(હૉલીહોક)નાં મૂળ ગુલખેરૂના મૂળની અવેજીમાં વપરાય છે. ગુલખેરૂ સાથે Lavatera thuringiaca Linn. ના મૂળનું અપમિશ્રણ કરવામાં આવે છે. ગુલખેરૂના છાલ સહિતનાં મૂળ કેટલીક વાર બેલાડોના સાથે અપમિશ્રિત કરવામાં આવે છે.
આ છોડનો 2000 મી.ની ઊંચાઈએ આવેલા મનાલીમાં પ્રવેશ કરાવવામાં આવ્યો છે અને તેને કુલુની ખીણના ઉદ્યાનોમાં પણ ઉછેરવામાં આવે છે. દક્ષિણ ભારતમાં તે શોભાની વનસ્પતિ તરીકે અને ઔષધીય મૂળ માટે ઉગાડવામાં આવે છે. ઉત્તરપ્રદેશમાં તેનો પ્રવેશ રશિયાથી લાવેલાં બીજ દ્વારા થયો છે.
ગુલખેરૂ મધ્યમસરની ફળદ્રુપતાવાળી ઢીલી ઉદ્યાન મૃદામાં થાય છે. બીજ અને પ્રકંદોનો ઉપયોગ પ્રસર્જન માટે કરવામાં આવે છે. માર્ચમાં 15 સેમી.ના અંતરે વાવેલાં બીજ એપ્રિલમાં અંકુરણ પામે છે. રોપાઓની ઊંચાઈ 5–8 સેમી. જેટલી થાય ત્યારે તેમની રોપણી 45 x 45 સેમી.ની જગામાં કરવામાં આવે છે. જો પ્રકંદોનો વાવેતર માટે ઉપયોગ કરવામાં આવે તો તેમના ટુકડા કરવામાં આવે છે અને એક કલિકા સહિતનો ટુકડો રોપવામાં આવે છે. મૂળ સહિત પ્રકંદોનું એકત્રીકરણ બીજા વર્ષે કરવામાં આવે છે; જ્યારે છોડ 1.3–1.8 મી. ઊંચો હોય છે. મૂળ ધોઈને તેમના ટુકડા કરી છાલ કાઢી લેવામાં આવે છે અને સૂર્યપ્રકાશમાં કે ગરમ છાપરી હેઠળ સૂકવવામાં આવે છે. તેમને કીટકોથી રક્ષણ આપવું જરૂરી છે. મનાલીમાં સૂકાં મૂળનું ઉત્પાદન 386 કિગ્રા./હેક્ટર જેટલું પ્રાપ્ત થયું હતું. ઔષધના શ્લેષ્મના પ્રમાણનો આધાર મૃદાના ભૌતિક ગુણધર્મો ઉપર રહેલો છે. રેતાળ મૃદામાં માટીવાળી મૃદા કરતાં ગુલખેરૂનાં મૂળ વધારે શ્લેષ્મ ધરાવે છે. પાનખર અને શિયાળામાં શ્લેષ્મ મહત્તમ અને વસંત ઋતુ તથા ઉનાળામાં શ્લેષ્મ લઘુતમ હોય છે. મૃદાના ભેજમાં વધારો થતાં શ્લેષ્મનું પ્રમાણ ઘટે છે.
કુમળાં પર્ણો, ટોચો અને મૂળનો કચુંબર બનાવવામાં ઉપયોગ થાય છે. મૂળ દાંત સ્વચ્છ કરવામાં વપરાય છે. સારા દાંત કરવા માટે બાળકોને મૂળ ચાવવા માટે આપવામાં આવે છે.
શ્લેષ્મ, સ્ટાર્ચ અને પૅક્ટિનની હાજરીને કારણે છોડનો ઉપયોગ શામક (demulcent) તરીકે થાય છે. પાચનમાર્ગ, મૂત્રમાર્ગ અને શ્વસનાંગોના સોજા અને પ્રકોપન (irritation) માટે મૂળ ઉપયોગી છે. ક્વાથ(કેટલીક વાર ખાંડ સહિત)ના સ્વરૂપમાં મૂળ શ્લેષ્મપટલને ઉઝરડો પડ્યો હોય ત્યાં અને ઉઝરડાની રૂઝ લાવવા, સ્નાયુનો દુખાવો કે મચકોડ આવી હોય તો મદદરૂપ થાય છે. તેનો ઉપયોગ મૂત્ર-જનન અને પાચનમાર્ગોના પ્રકોપનમાં પ્રશામક (emollient) બસ્તિ તરીકે થાય છે. તેનો મૂત્રપિંડ અને પથરીનાં દર્દોમાં ઉપયોગ થાય છે. ક્વાથનો ઉપયોગ કફઘ્ન (expectorant) તરીકે, અવાજ બેસી ગયો હોય ત્યારે; શ્વસનીશોથ (bronchitis) અને ઉટાંટિયામાં થાય છે. દાઝ્યા ઉપર, સોજાના વ્રણ ઉપર અને અન્ય સ્થાનિક દર્દો ઉપર તેના મૂળની પોટિસ બાંધવામાં આવે છે. મૂળ શોષક ગોળીઓ બનાવવા માટે અનુદ્રવ્ય (excipient) તરીકે અને વાળ તથા ત્વચાના રક્ષણ માટેનાં ઔષધો અને મલમો બનાવવામાં ઉપયોગી છે.
મૂળમાં શ્લેષ્મ સૌથી વધારે પ્રમાણમાં હોય છે. તે ગૅલેક્ચુરોનિક ઍસિડ, ગૅલેક્ટોઝ, ગ્લુકોઝ, ઝાયલોઝ અને ર્હેમ્નોઝનો બનેલો હોય છે. ગ્લુકોઝ અને સુક્રોઝ મુક્ત શર્કરા તરીકે હાજર હોય છે. તે ‘આલ્થીઆ મ્યુસિલેજ ઓ’ નામનો શ્લેષ્મી પૉલિસૅકેરાઇડ ધરાવે છે. શ્લેષ્મ (25–35 %) ઉપરાંત મૂળ ઍસ્પેરેજિન (આશરે 2 %), બિટાઇન, લેસિથિન, ફાઇટોસ્ટેરોલ, શર્કરાઓ (5–10 %), સ્ટાર્ચ (30–38 %), પૅક્ટિન (લગભગ 11 %), ટેનિન (2 %), ફૉસ્ફેટયુક્ત ક્ષારો (7 %) અને તેલ (1.7 %) ધરાવે છે.
પુષ્પનિર્માણ સમયે એકત્રિત કરેલાં પર્ણોમાં 15.7 % શ્લેષ્મ હોય છે અને તેમનો ઉપયોગ મૂળ જેમ કરી શકાય છે. તાજાં પર્ણો ખાવાથી મૂત્રપિંડો ઉત્તેજાય છે. ગરમ પાણીમાં પર્ણોને પલાળ્યાં પછી બનાવેલી પોટિસ દાઝ્યા પર અને કીટકના કરડવા પર લગાડવામાં આવે છે. પર્ણનું અશુદ્ધ ઔષધ ધતુરા (Datura stramonium) અને ખોરાસાની અજમા(Hyoscyamus niger)નાં પર્ણો સાથે અપમિશ્રિત કરવામાં આવે છે. પર્ણોમાં 0.02 % જેટલું બાષ્પશીલ તેલ હોય છે. હાઇડ્રોક્સિસિનેમિક ઍસિડની હાજરી પણ જાણવા મળી છે.
પુષ્પોનો કફના વિવિધ ઔષધોના ઘટક તરીકે ઉપયોગ થાય છે. પુષ્પોને તેલ અને પાણીમાં ઉકાળી મધ અને ફટકડી સાથે ગળાના દુખાવામાં કોગળા કરવામાં ઉપયોગી છે. તેઓ 5.8 % શ્લેષ્મ અને 0.02 % બાષ્પશીલ તેલ ધરાવે છે. બીજમાં 15.3 % મેદીય તેલ હોય છે.
પ્રકાંડમાંથી રેસાઓ પ્રાપ્ત થાય છે. તેનો ઉપયોગ બરછટ કાપડ અને દોરડાં બનાવવામાં થાય છે. મૂળ અને પ્રકાંડના રેસાઓ કેટલીક વાર કાગળ બનાવવા વપરાય છે. છોડમાંથી બનાવેલા કાગળના માવામાં સારું સામર્થ્ય હોવાથી તે વીંટાળવાના કાગળ બનાવવા માટે ઉપયોગી છે.
ગોલીઓ (A. ludwiggii Lin.) ભૂપ્રસારી, 15–30 સેમી. ઊંચી એકવર્ષાયુ જાતિ છે અને સફેદ પુષ્પો ધરાવે છે. તે પંજાબ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને ડૅકનમાં થાય છે. છોડનો જલીય નિષ્કર્ષ (ખાંડ સાથે) મૃદુ રેચક તરીકે ઉપયોગી છે.
હૉલીહૉક (A. rosea) 1.5–2.0 મી. ઊંચી જાતિ છે. તેના છોડ સીધા જ હોય છે. કોઈ કોઈ છોડને એકાદ બે શાખો ફૂટે છે. પર્ણો મોટાં, હૃદયાકાર અને લાંબા દંડવાળાં હોય છે. પુષ્પો પ્રકાંડને અડકીને આવેલાં હોય છે. તેઓ પ્યાલાકાર, કક્ષીય, એકાકી કે કલગી સ્વરૂપે ગોઠવાયેલાં, સફેદ, પીળાં, ગુલાબી કે જાંબલી રંગનાં હોય છે. સીધા પ્રકાંડ ઉપર 60–70 સેમી. સુધી પુષ્પો જ દેખાતાં હોવાથી છોડ અત્યંત સુંદર દેખાય છે. પુષ્પો એકલ (single) દલપત્રોવાળાં કે બેવડાં (double) દલપત્રોવાળાં હોય છે. બેવડાં દલપત્રો ધરાવતી જાતો દરિયાની સપાટીથી મધ્યમ ઊંચાઈવાળાં સ્થળોએ થાય છે. આ જાત ગુજરાતમાં થતી નથી. કેટલીક એકલ જાતોમાં પુષ્પની નીચેની નળી જેવો ભાગ દલપત્રો કરતાં જુદો જ રંગ ધરાવે છે.
બીજનું ધરૂ કરી રોપવાથી વંશવૃદ્ધિ થાય છે. બીજ નાનાં અને નાજુક હોય છે એટલું જ નહિ, તેનું ધરૂ એક જગાએથી ફેરવી બીજી જગાએ રોપતાં મરી જાય છે. એટલે બીજ રોપવામાં અને ધરૂ ફેરવવામાં ખાસ કાળજી રાખવી પડે છે.
આ જાત બહુવર્ષાયુ હોવા છતાં તેનો ઉછેર એકવર્ષાયુ તરીકે જ કરવામાં આવે છે, કારણ કે પહેલા વર્ષે જેવાં પુષ્પ આવે છે તેવાં પછી આવતાં નથી.
હૉલીકૉકનું પુષ્પનિર્માણ મુખ્યત્વે શિયાળામાં થાય છે, છતાં નિતારવાળી ભૂમિમાં ચોમાસામાં પણ થોડાં પુષ્પ બેસે છે. છોડને સારાં ખાતર-પાણી મળે તો છોડ ઊંચા થાય છે અને પુષ્પો વધારે બેસે છે. બીજ રોપ્યા પછી 3–4 મહિને પુષ્પનિર્માણ થાય છે અને તે ત્રણેક મહિના સુધી ટકે છે. ધરૂને તૈયાર કરતાં એકાદ મહિનો લાગે છે. વિદેશી બીજ કરતાં દેશી બીજ દ્વારા ઉગેલા છોડને થોડું વહેલું પુષ્પનિર્માણ થાય છે. બે છોડની વચ્ચે 40–50 સેમી. અંતર રાખવામાં આવે છે.
ઉદ્યાનમાં કોઈ જગાએ આડશ ઊભી કરી પાછળની વસ્તુ ઢાંકવા અથવા ક્યારાની પાછલી હરોળમાં આ છોડ રોપવામાં આવે છે.
મ. ઝ. શાહ
બળદેવભાઈ પટેલ