ગુર્જિયેફ, જ્યૉર્જી ઇવાનોવિચ (જ. 28 નવેમ્બર 1877, ઍલેક્સાન્ડ્રોલ, આર્મીનિયા, રશિયા; અ. 28 ઑક્ટોબર 1949, પૅરિસ, ફ્રાંસ) : વિખ્યાત રશિયન રહસ્યવાદી. ગ્રીક અને આર્મીનિયન દંપતીનું સંતાન. તેમના પૂર્વજીવન વિશે બહુ ઓછું જાણવા મળે છે; પરંતુ યુવાવસ્થામાં તેમણે પૂર્વ અને પશ્ચિમના અનેક પ્રવાસો ‘સત્યશોધક’ (Seekers of Truth) નામના જૂથથી ઓળખાતા લોકો સાથે ખેડેલા તથા યુરોપ અને એશિયાના મઠોમાં તે ખૂબ ઘૂમ્યા હતા. જિપ્સીઓની પદ્ધતિઓ તથા સૂફીવાદીઓની તેમના ઉપર ગાઢ અસર પડેલી. રશિયા પાછા ફર્યા બાદ પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન તેમણે મૉસ્કો તથા સેન્ટ પીટર્સબર્ગ(લેનિનગ્રાડ)માં પોતાની આગવી વિકસાવેલી પદ્ધતિ – ગૂઢ વિદ્યા શીખવવાનું શરૂ કર્યું. રશિયન ક્રાંતિ દરમિયાન તે અને તેમના ઘણા અનુયાયીઓએ રશિયા છોડ્યું અને 1922માં ફ્રાંસમાં પૅરિસ નજીક ફૉન્ટનબ્લો ખાતે માનવજાતના સંવાદલક્ષી વિકાસ માટે ‘ઇન્સ્ટિટ્યૂટ ફૉર હાર્મોનિયસ ડેવલપમેન્ટ ઑવ્ મૅન’ નામનું અભ્યાસ કેન્દ્ર સ્થાપ્યું. યુરોપમાં ઘણે ઠેકાણે તેમણે પોતાની ‘સિસ્ટમ’ અંગે પ્રવચન-પ્રવાસ કર્યો. 1924માં તે યુ.એસ.માં પ્રચાર અર્થે ગયેલા ત્યારે અનેક લોકોનું ધ્યાન તેમના તરફ ખેંચાયું હતું. ફૉન્ટનબ્લો ખાતેનું કેન્દ્ર 1936માં બંધ કર્યું છતાં મૃત્યુ સુધી તેમણે પૅરિસમાં પોતાની સિસ્ટમ વિશેનું શિક્ષણ ચાલુ રાખ્યું.
ગુર્જિયેફે પોતાની સિસ્ટમ એવા કેન્દ્રવર્તી વિચાર ઉપર વિકસાવી હતી કે માનવ પૂર્ણપણે સભાન નથી. કોઈ કોઈ વાર આકસ્મિકપણે સૂક્ષ્મર્દષ્ટિના ઝબકારા તેને પોતાના અસ્તિત્વ (being) અંગેનું ભાન કરાવે છે. આપણે ખરેખર ઊંઘતા જ હોઈએ છીએ અને પરિસ્થિતિઓ આપણને એકથી બીજા પ્રસંગ પર ફંગોળે છે. આ સંદર્ભમાં પોતાના વિદ્યાર્થીઓને જાગ્રત કરવા (જેને તે self-remembering કહેતા) ગુર્જિયેફ કેટલીક અંગકસરતો, ચોક્કસ વિધિપૂર્વક વિકસાવેલાં નૃત્યો (દા. ત., દરવીશ નૃત્ય) વગેરે દ્વારા વિદ્યાર્થીઓની સુષુપ્તશક્તિ સક્રિય કરી શકતા, જેના પરિણામે જાગરૂકતાના ઉચ્ચસ્તર સુધી પહોંચી તેમના ચેતાતંત્રમાં વિશિષ્ટ પ્રકારનું સંતુલન તથા સામંજસ્ય લાવી શકતા. તેમના જીવનકાળ દરમિયાન તેમણે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવી અને આજે પણ તેમની સિસ્ટમ અંગેનાં અભ્યાસકેન્દ્રો વિશ્વના અનેક દેશોમાં સ્થપાયેલાં છે. અમદાવાદમાં પણ આવું એક કેન્દ્ર પાલડી વિસ્તારમાં છે. ગુર્જિયેફને ભારતમાં જાણીતા કરવાનું શ્રેય રજનીશને આપી શકાય. તેઓ પોતાનાં પ્રવચનોમાં ગુર્જિયેફનો સન્માનપૂર્વક ઉલ્લેખ કરતા. તેમના સહકાર્યકર ઑસ્પેન્સ્કીએ તેમના વિશે ઘણી માહિતી પોતાના ગ્રંથોમાં આપી છે.
ગુર્જિયેફનું શિક્ષણ (સાધનામાર્ગ) : પ્રકૃતિએ માનવીનો વિકાસ અમુક મર્યાદા સુધી જ કર્યો છે. માનવચેતનાના ઉત્થાનનો અર્થ છે કેટલાક આંતરિક ગુણલક્ષણનો વિકાસ. આવો વિકાસ માનવીએ પોતાના પ્રયત્નો દ્વારા જ કરવો પડશે, તે વિના ચેતનાનો વિકાસ અશક્ય છે. ગુર્જિયેફના મતે માણસ એક યંત્ર છે; કારણ તે પોતાની સ્વતંત્ર ઇચ્છાથી કે પ્રયત્નથી વિચારી શકતો નથી. કઠપૂતળીની માફક માત્ર યાંત્રિક રીતે તે પ્રતિક્રિયા જ કરતો હોય છે. તે યોગ્ય માર્ગો તથા પ્રયાસો દ્વારા પોતાના યાંત્રિકપણાનો અંત લાવી શકે. આ પરિવર્તનનું પ્રથમ સોપાન સ્વચેતનાનો અર્થ સમજી તેના ઉપર ક્રમશ: અંકુશ મેળવવાનું છે. ગુર્જિયેફના મતે માનવ સ્વઅસ્તિત્વ પ્રત્યે અભાન જ હોય છે. ચેતનાની ચાર સ્થિતિ છે : (ક) ઊંઘમાં ચેતનાની સ્થિતિ (સ્વપ્ન), (ખ) જાગ્રત નિદ્રા તે દિવસભરની જાગ્રત સ્થિતિ, (ગ) સ્વસ્મૃતિમય ચેતના, (ઘ) ચેતનાની સંપૂર્ણ સહજ જાગૃતિ એટલે બ્રાહ્મીસ્થિતિ – તુરીયાવસ્થા. આમાંની પ્રથમ બે સ્થિતિથી જ સામાન્ય રીતે આપણે પરિચિત છીએ.
માનવવિકાસક્રમના તબક્કા સમજાવવા ગુર્જિયેફ મનુષ્યની સાત શ્રેણીઓ સમજાવે છે : (1) શારીરિક મનુષ્ય, (2) સંવેદનશીલ મનુષ્ય, (3) બૌદ્ધિક મનુષ્ય, બધા મનુષ્યો આ ત્રણ શ્રેણીમાં જ આવી જાય છે. (4) સ્વ-નિરીક્ષણની આવશ્યકતા માટે પોતાના વિકાસ અંગેનો ખ્યાલ હોય તેવો મનુષ્ય, (5) અહમ્ સાથે સ્વચેતનાનું અદ્વૈત સાધ્યું હોય તેવો મનુષ્ય, (6) વસ્તુલક્ષી ચેતના પ્રાપ્ત કરેલો મનુષ્ય અને (7) પૂર્ણ ચૈતન્યરૂપ પુરુષ.
આત્મજાગૃતિ માટે ત્રણ સોપાનની આવશ્યકતા છે : (i) માનવ લગભગ નિદ્રામાં જ જીવન ગાળી રહ્યો છે તેનું ભાન થવું. (ii) તેમાંથી જાગ્રત થવાની ઝંખના અને (iii) તે માટે આત્મનિરીક્ષણનો સંઘર્ષમય માર્ગ.
આત્મનિરીક્ષણ માટેની ગુર્જિયેફની વિવિધ પદ્ધતિઓ દ્વારા શરીરનાં બૌદ્ધિક તેમજ સંવેદન કેન્દ્રોના વિકાસની ક્ષમતા વધે છે.
‘ઑલ ઍન્ડ એવરિથિંગ’ (1950); ‘મીટિંગ વિથ રિમાર્કેબલ મૅન’ (1963) અને ‘લાઇફ ઇઝ રિયલ ઑન્લી ધૅન વેન ‘આઇ એમ’ (1975) એમનાં મરણોત્તર પ્રકાશનો છે.
જ. પો. ત્રિવેદી