ગુરુ સાથે ધૂમકેતુની અથડામણ : સૌર મંડળના ઘણા ધૂમકેતુ ગુરુ ગ્રહના પ્રબળ ગુરુત્વાકર્ષણને લીધે ગુરુની પકડમાં આવી જાય છે અને એ રીતે ‘ગુરુ-પરિવારના ધૂમકેતુ’ બની જાય છે. માર્ચ 1993માં શુમેકર પતિ-પત્ની તથા ડેવિડ લેવી નામના ખગોળ-વિજ્ઞાનીઓએ એક નવતર પ્રકારનો ગુરુ-પરિવારનો ધૂમકેતુ શોધી કાઢ્યો હતો, જે એ પહેલાં લગભગ જુલાઈ 1992માં ગુરુના શક્તિશાળી ગુરુત્વાકર્ષણબળની અસરથી 21 નાનામોટા ટુકડાઓમાં ભાંગી ગયો હતો. એ અગાઉ શુમેકર અને લેવીએ કુલ 8 જુદા જુદા ધૂમકેતુ શોધી કાઢ્યા હતા એટલે છેલ્લા ધૂમકેતુને ‘શુમેકર-લેવી 9’ નામ આપવામાં આવ્યું હતું. 21 ટુકડામાં ભાંગી ગયેલો એ ધૂમકેતુ આકાશમાં ઝગમગતાં ‘મોતીની સેર’ (string of pearls) જેવો દેખાતો હતો. આ 21 ટુકડાઓને અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે A, B, C, D….. વગેરે નામો આપવામાં આવ્યાં હતાં (A, B, C, D, E, F, G, H, K, L, N, P, P2, Q, Q2, R, S, T, U, V, W). આમાંનો G ટુકડો સૌથી મોટા કદ(લગભગ 4 કિમી.)નો હતો, જ્યારે બાકીના બધા 1–3 કિમી. કે ઓછા કદના હતા. એની ભ્રમણકક્ષા ઉપરથી આગાહી કરવામાં આવી હતી કે જુલાઈ 16–22, 1994 દરમિયાન એ ટુકડા એક પછી એક 60 કિમી./સેકંડ જેટલા પ્રચંડ વેગથી ગુરુની અંધારી બાજુ પર અથડાશે. ગણતરી ઉપરથી અનુમાન કરવામાં આવ્યું હતું કે સૌથી મોટો ટુકડો (G) અથડાવાથી 60 લાખ મેગાટન ટી.એન.ટી.ના વિસ્ફોટ જેટલી શક્તિ ઉત્પન્ન થશે – જે દુનિયાના બધા જ ન્યૂક્લિયર બૉમ્બનો એકસાથે વિસ્ફોટ થવાથી પેદા થતી શક્તિ કરતાં પણ વધારે હશે. ખગોળશાસ્ત્રના ઇતિહાસમાં આ એક વિરલ ઘટના હશે – જેના વિશે આગાહી કરી શકાઈ છે અને પૃથ્વી પરથી તથા અંતરીક્ષયાનો દ્વારા એ ઘટનાનું અવલોકન શક્ય બન્યું છે.
અવલોકન : ગુરુ સાથે ધૂમકેતુની અથડાવાની પ્રક્રિયા ગુરુની અંધારી બાજુ પર થઈ હોવાથી એ ભાગ જ્યારે પૃથ્વી તરફ ફર્યો ત્યારે જ તેનું અવલોકન શક્ય બન્યું. પૃથ્વી પરના મોટા દૂરબીન દ્વારા ર્દશ્યમાન અને પાર-રક્ત પ્રકાશમાં તેનાં અવલોકનો લેવામાં આવ્યાં છે. ભારતના મોટા ભાગમાં ચોમાસું હોવાથી વાદળ-આચ્છાદિત આકાશને લીધે અવલોકનો શક્ય બન્યાં નથી; પરંતુ, રેડિયો-દૂરબીન દ્વારા ગુરુના રેડિયો-ઉત્સર્જનનાં અવલોકનો લેવામાં આવ્યાં છે.
એ સમયે ત્રણ અંતરીક્ષયાનો અવલોકન માટે ઉપલબ્ધ હતાં – (1) પૃથ્વીની ભ્રમણકક્ષામાં ફરતું હબલ દૂરબીન, જે ગુરુથી 7700 લાખ કિમી. દૂર હતું. (2) ગૅલિલિયો અંતરીક્ષયાન – અંતર 1500 લાખ કિમી. અને (3) વૉયેજ-2, જે અત્યંત દૂર – 35,000 લાખ કિમી. અંતરે હતું. (ગૅલિલિયો અંતરીક્ષયાનનું એક ઍન્ટેના ભાંગી ગયેલું હોવાથી, બીજા ઍન્ટેના વડે અવલોકનના આંકડા પૃથ્વી પર મેળવવામાં ઘણો સમય લાગે છે.) ધૂમકેતુ અથડાવાની ઘટના ગુરુની અંધારી બાજુ પર થવાથી પૃથ્વી પરથી તથા હબલ દૂરબીન દ્વારા એ ઘટનાનાં પરિણામો જ જોવા મળ્યાં હતાં, જ્યારે ગૅલિલિયો અંતરીક્ષયાન દ્વારા એ ઘટના બની તે જ સમયનાં અવલોકનો લેવાયાની શક્યતા છે. અત્યાર સુધી આ સમગ્ર ઘટના અંગે જે અવલોકનો લેવાયાં છે તેનાં પરિણામો નીચે પ્રમાણે છે :
(1) ધૂમકેતુના બે મોટા ટુકડા G અને H જ્યારે અથડાયા ત્યારે અત્યંત તેજસ્વી અગનગોળા દેખાયા હતા જે ગુરુ કરતાં પણ વધારે તેજસ્વી હતા. અત્યંત તેજસ્વી પ્રકાશને લીધે પૃથ્વી પરનાં દૂરબીન થોડી ક્ષણો પૂરતાં ઢાંકી દેવાં પડ્યાં હતાં.
(2) ધૂમકેતુના બધા જ ટુકડા અથડાયા પછી ગુરુના દક્ષિણ ગોળાર્ધમાં લગભગ 45° અક્ષાંશ ઉપર બધા જ ટુકડા અથડાવાથી નાનામોટા કાળા ડાઘા જોવા મળ્યા છે. આમાં G અને H ટુકડા દ્વારા ઘણા મોટા ડાઘા પડ્યા છે, જે ‘બે મોટી કાળી આંખ’ (black eyes) જેવા લાગે છે. આ બધા ડાઘ ગુરુના ઉચ્ચ વાતાવરણના સ્ટ્રૅટોસ્ફિયરમાં છે અને એનું અવલોકન કરવાથી એ ઊંચાઈ પરના પવન વિશે માહિતી મળી શકશે એમ લાગે છે. આ કાળા ડાઘા એક વર્ષ પછી પણ જોઈ શકાશે. શુમેકર અને લેવીનું માનવું છે કે 1994ના સપ્ટેમ્બરના મધ્ય સુધી એ ધૂમકેતુની લાંબી પૂંછડીના અવશેષો ગુરુ સાથે અથડાયા કરશે.
(3) ધૂમકેતુના ટુકડા અથડાવાથી ગુરુનું ઘણું દ્રવ્ય (material) ઊંચે ફેંકાયું છે. આ દ્રવ્યના પ્રકાશનો વર્ણપટ તપાસવાથી એના મૂળભૂત રાસાયણિક ઘટકો વિશે થોડાં પ્રારંભિક પરિણામો પ્રાપ્ત થયાં છે. એ ઘટકોમાં ગંધક, હાઇડ્રોજન સલ્ફાઇડ તથા કાર્બન મૉનૉક્સાઇડ વાયુનું અસ્તિત્વ જાણવા મળ્યું છે. ઇંગ્લૅન્ડના વિજ્ઞાનીઓએ એમાં પાણીનું અસ્તિત્વ હોવાનું પણ શોધી કાઢ્યું છે. આમ, પૃથ્વીથી દૂર પાણીનું અસ્તિત્વ હોવાનું પહેલી જ વખત જાણવામાં આવ્યું છે. એમ માનવામાં આવે છે કે ધૂમકેતુના દ્રવ્યના ઑક્સિજન અને ગુરુના હાઇડ્રોજન વચ્ચે રાસાયણિક પ્રક્રિયાને લીધે એ પાણી ઉત્પન્ન થયું હશે.
આ ઘટના બન્યા પછી સ્વાભાવિક રીતે પ્રશ્ન થાય કે 3થી 4 કિમી. કદનો ધૂમકેતુ કે લઘુગ્રહ (asteroid) જો પૃથ્વી સાથે અથડાય તો ઘણા મોટા ભાગમાં વિનાશ સર્જાય. ભવિષ્યમાં આવું બનશે કે નહિ તે જાણવા માટે અમેરિકાની ‘નાસા’ સંસ્થા દ્વારા એક કિમી.થી મોટા કદના અને પૃથ્વીની ભ્રમણકક્ષાને છેદતા બધા જ ધૂમકેતુ અને લઘુગ્રહોની એક વિસ્તૃત યાદી તૈયાર કરવાની દસ વર્ષ લાંબી યોજના વિચારવામાં આવી છે. 23 માર્ચ 1989ના રોજ 320 મીટર મોટો એક લઘુગ્રહ પૃથ્વીની ભ્રમણકક્ષાને છેદીને પસાર થયો હતો; પરંતુ પૃથ્વી અને લઘુગ્રહ વચ્ચે 6 કલાકનો તફાવત હોવાથી કોઈ અથડામણ થઈ નહોતી. વિજ્ઞાનીઓનું ર્દઢ અનુમાન છે કે આશરે 6.5 કરોડ વર્ષ પહેલાં આવી જ કોઈ અથડામણને કારણે પૃથ્વી પરના ડાયનૉસૉર્સ તથા 90 % અન્ય પ્રાણીઓ નાશ પામ્યાં હશે.
પરંતપ પાઠક