ગુરુવાયુર મંદિર : ભારતમાં અત્યંત પવિત્ર ગણાતાં મંદિરોમાંનું એક મંદિર. તે કેરળ રાજ્યના ત્રિચુર જિલ્લાના ગુરુવાયુર નામક ગામમાં આવેલું છે. મંદિરમાં શ્રીકૃષ્ણની મૂર્તિ સૌથી વધારે પૂજનીય ગણવામાં આવે છે. ભગવાન કૃષ્ણ ટટ્ટાર અવસ્થામાં ઊભા છે અને તેમના ચાર હાથમાં અનુક્રમે શંખ, સુદર્શનચક્ર, કમળનું ફૂલ અને ગદા છે. શ્રીકૃષ્ણના જીવનની જુદી જુદી અવસ્થાઓમાં અહીં તેમની પૂજા કરવામાં આવે છે; પરંતુ તે બધામાં તેમના બાલસ્વરૂપને વિશેષ મહત્વ આપવામાં આવે છે. ભગવાન શ્રીકૃષ્ણના ચુસ્ત ભાવિકો આ મંદિરને ‘ભૂલોક વૈકુંઠમ્’ એટલે કે પૃથ્વી પરના સ્વર્ગસમાન ગણે છે. ઘણા ભાવિકો ગુરુવાયુરને દક્ષિણ દ્વારકા તરીકે લેખે છે.

પટાલા અન્જનમ્ નામથી ઓળખાતા પથ્થરમાંથી આ મંદિરના મુખ્ય દેવ શ્રીકૃષ્ણની મૂર્તિ ઘડવામાં આવી છે. (આ મંદિરનો જૂનામાં જૂનો ઉલ્લેખ) ચૌદમી સદીમાં લખાયેલી તમિળ ભાષાની કૃતિ ‘કોકાસાન્ડેશમ’માં સાંપડે છે. આ કૃતિમાં તેનું નામ ‘કુરુવાયુર’ જણાવવામાં આવેલું છે. સોળમી સદીની ઘણી કૃતિઓમાં પણ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે; પરંતુ એમ. નારાયણ ભટ્ટથિરિની કૃતિ ‘નારાયણીયમ્’ને કારણે આ મંદિર કેરળની બહાર જાણીતું થયું છે. નારદપુરાણમાં ગુરુવાયુરપુરનું માહાત્મ્ય વર્ણવવામાં આવ્યું છે. આ મંદિર સાથે જોડાયેલી અનેક કિંવદંતીઓમાં એક એ પણ કિંવદંતી પ્રચિલત છે કે ગુરુવાયુરપ્પાને શરણ જવાથી રક્તપિત્તથી પીડાયેલા જન્મેજય સંપૂર્ણ રોગમુક્ત થઈ શક્યા હતા. લાખો સર્પોનો સંહાર કરવાના કારણસર જન્મેજયને મળેલા શાપને કારણે તેમને રક્તપિત્તનો રોગ થયો હતો અને તેમાંથી મુક્ત થવા માટે જન્મેજય ભગવાન શ્રીકૃષ્ણને આ સ્થળે શરણે ગયા હતા એવી તેની કથા છે.

ગુરુવાયુર મંદિર

બ્રહ્માને ભેટ તરીકે આપતા પહેલાં ભગવાન વિષ્ણુએ આ મંદિરમાં સ્થાપિત કરેલી મૂર્તિની પૂજા કરી હતી એવી પણ એક લોકવાયકા છે. સુતપ અને તેનાં પત્નીએ ખરા દિલથી બ્રહ્માની મહાપૂજા કરી હતી; જેનાથી પ્રસન્ન થઈને મહાવિષ્ણુએ પોતે તેમની સમક્ષ હાજર થઈને જ્યારે તેમને આશીર્વચન આપ્યાં હતાં ત્યારે તે દંપતીએ તેમની પાસે તેમના જેવા પુત્રની પ્રાપ્તિની અભિલાષા વ્યક્ત કરી હતી. તેના જવાબમાં મહાવિષ્ણુએ તેમને એવા આશીર્વાદ આપ્યા હતા કે તેઓ પોતે તેમની કૂખે ત્રણ વાર જન્મ લેશે અને તે દરેકમાં તેમને બ્રહ્માએ આપેલ વિગ્રહની પ્રાપ્તિ થશે.

લોકવાયકા મુજબ ભગવાન શ્રીકૃષ્ણે તેમના ભક્ત ઉદ્ધવને એવી આજ્ઞા આપી કે બૃહસ્પતિની મદદથી તેઓ કોઈ પવિત્ર સ્થળે તેમની મૂર્તિની સ્થાપના કરે. આ આજ્ઞાના પાલન માટે ઉદ્ધવે દક્ષિણ ભારતમાં ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિની સ્થાપના કરી હતી જે સમયાંતરે ગુરુવાયુર મંદિર તરીકે ખ્યાતિ પામી છે. તે સમયે ભગવાન શિવ અને દેવી પાર્વતી પણ ઉપસ્થિત હતાં; પરંતુ જગ્યાને અભાવે તે બંનેને અન્યત્ર સ્થળાંતર કરવું પડ્યું હતું. આ જ સ્થળ મમ્મીયૂર મંદિર તરીકે જાણીતું છે. જે ભક્તો ગુરુવાયુરની યાત્રા કરે છે તેમને મમ્મીયૂર મંદિરમાં શિવ અને પાર્વતીનાં દર્શન કરવા પડે છે.

ગુરુવાયુરનું મંદિર એ કેરળના વિશિષ્ટ સ્થાપત્યનો ઉત્તમ નમૂનો ગણવામાં આવે છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે