ગુરુ, કામતાપ્રસાદ (જ. 25 ડિસેમ્બર 1875, સાગર, મધ્યપ્રદેશ; અ. 16 નવેમ્બર 1947, જબલપુર) : હિંદી સાહિત્યકાર, કવિ, ભાષાશાસ્ત્રી અને વૈયાકરણ. સાગર ખાતે અભ્યાસ કરીને 17 વર્ષની વયે મૅટ્રિક થયા બાદ જબલપુરમાં તેઓ શિક્ષક તરીકે જોડાયા. તેમને વિદ્યાર્થીકાળથી ભાષા અને સાહિત્યમાં ઊંડો રસ હતો. 1928માં તેઓ અધ્યાપકપદેથી સરકારી સેવામાંથી નિવૃત્ત થયા હતા.

તેમને પત્રકારત્વ પ્રત્યે વધુ રુચિ હોવાથી અને સર્જનાત્મક લખાણો લખવાની અભિલાષાથી અલ્લાહાબાદથી પ્રસિદ્ધ થતા સામયિક ‘બાલસખા’ના સંપાદક બન્યા. થોડો વખત જાણીતા માસિક ‘સરસ્વતી’નું પણ સંપાદન સંભાળ્યું. તેમણે હિંદી સામયિકોમાં – પોતાનું આગવું પ્રદાન કર્યું. શરૂઆતમાં તેમણે વ્રજભાષામાં કાવ્યો રચવાનું શરૂ કર્યા બાદ ખડી બોલી તરફ વળ્યા. તેમનાં ઘણાં કાવ્યો, નિબંધો અને લેખો ‘સરસ્વતી’માં પ્રકાશિત થયાં હતાં.

કામતાપ્રસાદ ગુરુ

તેઓ ભાષાશાસ્ત્રી અને વૈયાકરણી હોવા ઉપરાંત સંસ્કૃત, મરાઠી, બંગાળી, ઉર્દૂ અને ઊડિયા ભાષાઓના જાણકાર હતા. તેમણે વ્રજભાષામાં ‘વિનય પચાસા’ અને ‘ભૌમાસુર વધ’ અને ખડી બોલીમાં ‘પદ્યપુષ્પાવલી’ પ્રગટ કર્યાં. તેમણે 4 નવલકથાઓ ‘સત્ય’, ‘પ્રેમ’, ‘પાર્વતી’ અને ‘યશોદા’ આપી છે; જે પૌરાણિક અને ઐતિહાસિક વિષયવસ્તુ પર આધારિત છે. તેમણે ‘સુદર્શન’ નામક નાટક પણ પ્રગટ કર્યું છે. આમ તેમણે હિંદી સાહિત્યની વિભિન્ન વિદ્યાઓમાં પોતાનું યોગદાન આપ્યું છે. ‘સત્ય-પ્રેમ’ તેમની નવલિકા છે. ‘પાર્વતી’ અને ‘યશોદા’ ઊડિયા ભાષામાંથી અનૂદિત કરેલી કૃતિઓ છે.

કામતાપ્રસાદની ખ્યાતિનું મુખ્ય કારણ તેમની કૃતિ હિંદી વ્યાકરણ છે. એટલા માટે તેમને ‘હિંદીના પાણિનિ’ કહેવામાં આવે છે. હિંદી વ્યાકરણની મહાન કૃતિની રચના પૂર્ણ કરવા તેમણે વર્ષો સુધી કાર્ય કર્યું. અન્ય ભારતીય ભાષાઓનાં વ્યાકરણોના તુલનાત્મક અભ્યાસ માટે તેમણે મરાઠી, ગુજરાતી, બંગાળી, ઊડિયા, ઉર્દૂ અને અંગ્રેજી ભાષાઓનો ઊંડો અભ્યાસ કર્યો હતો. તેમનું હિંદી વ્યાકરણ ઘણી વિદેશી ભાષાઓમાં અનૂદિત કરવામાં આવ્યું છે. તેમનું હિંદી વ્યાકરણ પરંપરાગત વ્યાકરણના પશ્ચિમી નમૂના પર હિંદીમાં રચાયેલ અદ્યતન હિંદી ભાષાનું પ્રથમ સર્વગ્રાહી વ્યાકરણ છે.

તેઓ સંસ્કૃતના મહાન પંડિત હતા. તેથી સંસ્કૃત વ્યાકરણનો પ્રભાવ આ વ્યાકરણમાં સ્પષ્ટપણે વરતાય છે. હિંદી ભાષાના માળખાનું વર્ણન કરવા તેમણે તેમના વ્યાકરણમાં સંસ્કૃત વ્યાકરણની પરિભાષાનો બહોળો ઉપયોગ કર્યો છે. આમ તો હિંદી ભાષામાં ઘણા ફેરફારો થયા છે તેમ છતાં તેમનું વ્યાકરણ હજી પ્રમાણિત ગણાય છે. તેમની સાહિત્યિક સેવાઓ ધ્યાનમાં રાખીને ભારતીય તાર અને ટપાલ ખાતા તરફથી સન્માન રૂપે એક સ્મારક ટપાલ-ટિકિટ 25 ડિસેમ્બર 1977ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવી હતી.

બળદેવભાઈ કનીજિયા