ગુબ્બી નાટક મંડળી (સ્થાપના : 1884) : કર્ણાટકમાં ઘેર ઘેર જાણીતી અને લોકપ્રિય બનેલી નાટ્યસંસ્થા. સોએક વર્ષ અગાઉ ગુબ્બી નગરના થોડાક વેપારીઓએ ભેગા મળીને લોકો પાસેથી રૂ. 500નો ફાળો એકત્ર કર્યો અને આ નાટ્યસંસ્થા શરૂ કરી. આ મંડળીએ કવિ વીરપ્પા શાસ્ત્રીના યોગ્ય માર્ગદર્શન હેઠળ ‘યક્ષજ્ઞાન’ તથા ‘કુમારરામકથા’ નાટ્ય સ્વરૂપે રજૂ કર્યાં. એ વિસ્તારના પ્રવાસે નીકળેલા મૈસૂરના મહારાજાએ આ નાટ્યપ્રયોગ જોયો અને પ્રભાવિત થઈને તેને રાજ્યાશ્રય આપ્યો. કેટલાંક વર્ષો સુધી આ સંસ્થાએ ચંદનની માલિકી હેઠળ પ્રવૃત્તિ કરી. 1896માં આ સંસ્થામાં છ વર્ષની વયના વીરણ્ણા દાખલ થયા. વીરણ્ણાએ અનેકવિધ પાત્રો સફળતાપૂર્વક ભજવીને લોકચાહના મેળવી. 1917માં કંપનીના માલિક ચંદનનું અવસાન થતાં સંસ્થાનો કાર્યભાર વીરણ્ણાએ સંભાળ્યો. ત્યારબાદ, ‘રુક્મિણીકલ્યાણ’, ‘કંસવધ’, ‘સંપૂર્ણ કૃષ્ણલીલા’ વગેરે જેવા પૌરાણિક પ્રયોગો રજૂ કર્યા. આ નાટકો બેલ્લવી નરહરિ શાસ્ત્રી જેવા પીઢ કવિએ તમિળ ભાષામાં લખ્યાં હતાં. તમામ વર્ગના લોકોમાં એ પ્રયોગો વખણાયા. પરિણામે મૈસૂરના મહારાજાએ ગુબ્બી વીરણ્ણાને ‘પારંગત હાસ્ય અભિનેતા’નો ખિતાબ તથા ચણ્ડ ભેરુણ્ડ પક્ષીની મુદ્રાવાળો સુવર્ણચંદ્રક આપ્યા.
ગુબ્બી કંપનીએ નાની વયના નવોદિત નાટ્યશોખીનો માટે પણ ‘બાળકલાવર્ધિની’ નામે જુદી સંસ્થા શરૂ કરી. આશરે દશેક વર્ષ ચાલેલી આ અભિનયશોખીન પ્રવૃત્તિ દરમિયાન મરાઠી નાટકો કન્નડ ભાષામાં રજૂ કરાયાં હતાં. 31 ડિસેમ્બર 1934ના રોજ સુવર્ણજયંતી પ્રસંગે ગુબ્બી કંપનીએ બી. પુટ્ટસ્વામીરચિત ‘કુરુક્ષેત્ર’ નાટકની રજૂઆત કરી. આ સંસ્થાએ ‘આશાપાશ’, ‘સંસારનૌકા’, ‘સૂરમહિમે’, ‘ચલતી દુનિયા’ જેવાં સામાજિક નાટકો રજૂ કરીને પ્રતિષ્ઠા ઊભી કરી. ‘કુરુક્ષેત્ર’ જેવા નાટકની ભવ્ય જાજ્વલ્યમાન ભજવણી પછી વીરણ્ણાને ‘કર્ણાટક-આંધ્ર નાટક-સાર્વભૌમ’નો ખિતાબ સાંપડ્યો. વળી આવી લોકવ્યાપી અને લોકભોગ્ય નાટ્યપ્રવૃત્તિની કદર રૂપે મૈસૂર રાજ્ય તરફથી નાટ્યપ્રયોગમાં રંગભૂમિ પર ઉપયોગમાં લેવા એક હાથી અને બે સફેદ અશ્વો કંપનીને ભેટ આપવામાં આવ્યા. 200 વ્યક્તિઓનો કાફલો ધરાવતી આ સંસ્થા ખાસ ટ્રેનમાં જ પ્રવાસ કરતી.
1942માં મૈસૂરના મહારાજાએ ગુબ્બી વીરણ્ણાને ‘નાટકરત્ન’નો ખિતાબ આપી સુવર્ણચંદ્રક એનાયત કર્યો. 1948માં હીરક મહોત્સવ પ્રસંગે મંડળીએ પૂરેપૂરી ભવ્યતા સાથે ‘રાજા ગોપીચંદ’ની ભજવણી કરી. 1950માં મંડળીએ ‘કાલચક્ર’, ‘અદારી’, ‘અણ્ણતમ્મ’, ‘શાહુકાર’, ‘મધુવંતી’ અને ‘પુરુષપશુ’ જેવાં કેટલાંક સામાજિક નાટકોની પણ રજૂઆત કરી.
26 માર્ચ 1955ના રોજ દિલ્હીની સંગીત નાટક અકાદમીએ ગુબ્બી વીરણ્ણાને ‘પ્રમુખ અભિનેતા’નો ખિતાબ તથા સ્મરણચિહન રૂપે સ્વર્ણપદ્મ આપ્યાં.
1955માં બી. પુટ્ટસ્વામીરચિત ‘દશાવતાર’ રજૂ કરીને મંડળીએ કીર્તિનું સર્વોચ્ચ શિખર સર કર્યું. 1964માં ‘લવકુશ’ નાટકની રજૂઆત ફરતી રંગભૂમિ (wagon stage) પર કરીને નાટ્યપ્રયોગમાં ક્રાંતિની પહેલ કરી.
ત્યારબાદ મંડળીનો કાર્યભાર ગુબ્બી વીરણ્ણા પાસેથી તેમના સૌથી મોટા પુત્ર જી. વી. ચન્ન બસપ્પાએ સંભાળી લીધો. 1970માં ગુબ્બી વીરણ્ણાને પદ્મશ્રીનું સન્માન સાંપડ્યું. રંગભૂમિની આજીવન સંનિષ્ઠ સેવા બદલ મૈસૂર યુનિવર્સિટીએ તેમને માનાર્હ ‘ડૉક્ટરેટ’ની પદવી આપી.
અત્યાર સુધીમાં 60 ઉપરાંત નાટકો રજૂ કરનારી ગુબ્બી કંપનીએ કલા તથા સંસ્કારપ્રવૃત્તિની વિદ્યાપીઠ જેવી ઊંચી પ્રતિષ્ઠા મેળવી છે. આ મંડળીમાં તાલીમ પામેલા સંખ્યાબંધ કલાકારોમાંથી કેટલાક ફિલ્મ ક્ષેત્રે સારી નામના પામ્યા છે. પદ્મભૂષણ ડૉ. રાજકુમાર, જી. વી. આયર, પદ્મશ્રી બી. વી. કારંથ, ટી. એન. બાલકૃષ્ણ, બી. જયમ્મા, જી. સુંદરમ્મા, નરહરિ શાસ્ત્રી, એમ. વી. સુબ્બૈયા નાયડુ, બી. પુટ્ટસ્વામી તથા કલિંગ રાવ જેવા પ્રતિભાશાળી કલાકારોએ ગુબ્બી કંપનીના આ યશસ્વી વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો છે.
જી. વી. શિવાનંદ