ગુફા : શૈલાત્મક (rock-cut) પ્રકારનું સ્થાપત્ય. ગુફા બે પ્રકારની હોય છે – કુદરતી અને માનવસર્જિત. કુદરતી રીતે કોઈ ખડક(Rock)માં મોટું પોલાણ થઈ ગયું હોય તે કુદરતી ગુફા છે. ગુફા માટે ‘ગુહા’ શબ્દ પણ પ્રયોજાય છે. પ્રાગૈતિહાસિક કાલની અનેક આવી કુદરતી ગુફાઓ પ્રાપ્ત થઈ છે. આદિમાનવ આ પ્રકારની ગુફાઓનો ઉપયોગ પોતાના નિવાસ માટે કરતો હતો, જે ‘ગુહાશ્રયો’ (rock-shelter) તરીકે ઓળખાય છે. સ્પેનમાંથી મળી આવેલ આવી ગુફાઓ ઘણી પ્રાચીન છે. ભારતમાંથી પણ આવી ગુફાઓ પંચમઢી, હોશંગાબાદ, જોગીમારા, મીરઝાપુર વગેરે સ્થળોએ આવેલી છે. આ પ્રકારના ગુહાશ્રયોમાં આદિમાનવની ચિત્રકલાનાં દર્શન થાય છે.

ભારતમાં મૌર્યકાલથી માનવસર્જિત ગુફાઓના નિર્માણની શરૂઆત થઈ. ઈ. પૂ. 250 આસપાસ મૌર્યકાલની કેટલીક ગુફાઓ બિહાર જિલ્લાના ગયાની ઉત્તરે બારાબર અને નાગાર્જુની નામની ટેકરીઓ પર આવેલી છે. કુલ સાત ગુફાઓ પૈકી ચાર ગુફાઓ બારાબર ટેકરી પર અને ત્રણ નાગાર્જુની ટેકરી પર આવેલી છે. આજીવક સંપ્રદાયના ભિક્ષુકોના નિવાસ માટે આ ગુફાઓ અશોકે અને તેના પૌત્ર દશરથે કોતરાવી હોય તેમ ત્યાંથી પ્રાપ્ત શિલાલેખો પરથી જાણવા મળે છે. આમાં સુદામા નામની અને લોમેશ ઋષિની ગુફાઓ તેમની રચનાને લીધે ધ્યાનાકર્ષક છે. આ ગુફાઓ ચૈત્યગૃહોનું પ્રારંભિક સ્વરૂપ દર્શાવે છે. આ પછી ઈ. પૂ. બીજી સદીથી ઈ. સ.ની બીજી સદી દરમિયાન એટલે કે ચારસો વર્ષના ગાળામાં ગુફામંદિરો કે ચૈત્યગૃહોનું સ્થાપત્ય પૂર્ણ રૂપે વિકસ્યું. હીનયાન સંપ્રદાયની અસર નીચે બંધાયેલાં નોંધપાત્ર ચૈત્યગૃહો ખાસ કરીને પુણે જિલ્લાના ભાજા, બેડસા, નાસિક, જુન્નર, કાર્લા તથા હૈદરાબાદ જિલ્લાના પિત્તલખોરા, અજંટા તથા મુંબઈ પાસે કન્હેરીની ગુફાઓમાં આવેલાં છે. ભાજાની ગુફાના બાંધકામમાં ક્યાંક ક્યાંક લાકડાનો ઉપયોગ કરેલો છે. કોન્ડાનો અને ભાજાની ગુફાઓનો મુખભાગ એક સમાન છે. પિત્તલખોરાની ગુફાનો સ્તૂપ સાથેનો ઘણો ભાગ નાશ પામ્યો છે. નાસિકની ગુફા પાંડુલેણ નામે પ્રસિદ્ધ છે. તેના મુખભાગમાં લાકડાના વપરાશનો સદંતર અભાવ છે. અજંટાની કુલ 29 ગુફાઓ પૈકી ગુફા નં. 9, 10, 19 અને 26 ચૈત્યગૃહના સ્વરૂપની છે. એ સિવાયની અન્ય 25 ગુફાઓ બૌદ્ધ ભિક્ષુઓના નિવાસસ્થાન માટેના વિહારસ્વરૂપે છે. નં. 9ની ગુફાની પડાળીની છત ખડકમાંથી કોતરી કાઢેલી છે. નં. 10ની ગુફા વિસ્તારની ર્દષ્ટિએ ભવ્ય છે. નં. 19ની ગુફાના મુખભાગમાં ત્રણને બદલે એક દ્વાર છે. આ ગુફા અંદર અને બહારથી વિવિધ શિલ્પો વડે અલંકૃત છે. કાર્લાની ગુફા એક આદર્શ ચૈત્યગૃહનો નમૂનો છે. તેનો સભાભવનવાળો ભાગ બે માળનો છે. નીચેના માળમાં ત્રણ પ્રવેશદ્વારો છે અને ઉપરના માળમાં ગૅલરી છે. પ્રવેશની બહાર બે શિલાસ્તંભો અવશેષ રૂપે ઊભા છે. કન્હેરીનું ચૈત્યગૃહ ઘણી રીતે કાર્લાના ચૈત્યને મળતું આવે છે.

ઇલોરાની કુલ 34 ગુફાઓ પૈકી નં. 1થી 12ની ગુફાઓ બૌદ્ધ ધર્મની, નં. 13થી 29ની ગુફાઓ બ્રાહ્મણ ધર્મની અને નં. 30થી 34ની ગુફાઓ જૈન ધર્મની છે. ગુફા નં. 2, 10 અને 12 ચૈત્યગૃહના સ્વરૂપની છે. નં. 10ની ગુફા ‘વિશ્વકર્માની ઝૂંપડી’ના નામે ઓળખાય છે. શિલ્પીઓના મહાજન કે મંડળે આ ગુફા શિલ્પ અને સ્થાપત્યના દેવ વિશ્વકર્માને અર્પણ કરી છે. તેથી આ સ્થળ શિલ્પીઓ માટે આજે પણ યાત્રાનું સ્થળ ગણાય છે. નં. 12ની ગુફા ત્રણ મજલાની હોવાને કારણે ‘તીન થલ’ તરીકે ઓળખાય છે.

ચૈત્યગૃહોની પાસે કેટલીક વાર સાધુઓને રહેવા માટે વિહાર સ્વરૂપની ગુફાઓ કોરવામાં આવી હતી. સૌથી પ્રાચીન બૌદ્ધ વિહાર ભાજાનો છે. સભામંડપની બંને બાજુએ એક એક ખંડ આવેલો છે. નાસિક પાસે આવેલા ત્રણ વિહારો સુંદર કોતરણીવાળા છે. તેમનો સમય ઈ. સ.ની 1લી સદીનો છે. ઇલોરાની ગુફા નં. 1, 3 અને 5 વિહારના સ્વરૂપની છે. ‘મ્હારવાડા’ના નામથી ઓળખાતી નં. 5ની ગુફાના સભામંડપમાં 24 સુંદર સ્તંભો આવેલા છે. સાધુઓના નિવાસ માટે 20 જેટલી ઓરડીઓ છે. અજંટાની ગુફાઓનો મોટો ભાગ વિહારોનો જ છે. વિહારોના સ્વરૂપની આ ગુફાઓનો નિર્માણકાલ ઈ. સ.ની 5મી સદીથી 8મી સદી સુધીનો મનાય છે. આ વિહારોમાં ગુફા નં. 11, 12 અને 13ના વિહારો સૌથી પ્રાચીન ગણાય છે. વિહાર નં. 4 સૌથી મોટો છે, પરંતુ એ અધૂરો છે. વિહાર નં. 6 બે માળનો છે. અજંટાના બધા વિહારોમાં નં. 7નો વિહાર રચના પરત્વે જુદો પડે છે. આ વિહારને સભામંડપ નથી; પરંતુ બે શૃંગારચોકીઓ છે. ગુફા નં. 14નો વિહાર અપૂર્ણ છે. તેના સ્તંભના ઘાટમાં વૈવિધ્ય છે. વિહાર નં. 16 અને 17 શિલ્પ, સ્થાપત્ય અને ચિત્રકલાની ર્દષ્ટિએ અત્યંત મહત્વના વિહારો છે. રચનાની ર્દષ્ટિએ બંને વચ્ચે ઘણું સામ્ય છે.

ઉદયગિરિની ગુફા

જૈન ધર્મને કેન્દ્રમાં રાખીને પણ ગુફા-સ્થાપત્યનો વિકાસ થયો હતો. ઓડિસ્સાના કટક શહેરની પાસે આવેલી ઉદયગિરિ-ખંડગિરિ નામની ટેકરીઓ પર સાધુઓના નિવાસસ્થાન માટેના લગભગ 35 ગુફાખંડો મળે છે. આ ગુફાખંડોનો સમય ઈ. પૂ. 2જીથી ઈ. સ.ની 2જી સદી સુધીનો છે. અહીંની હાથીગુફા નામની એક ગુફામાં કલિંગ(ઓરિસા)ના રાજા ખારવેલનો શિલાલેખ છે. આ રાજા જૈનધર્મી હતો. જૈન સાધુઓએ તેના આશ્રયે અહીં નિવાસ કર્યો હોવાનો સંભવ છે. તમિળનાડુમાં સિત્તનવાસલના સ્થળે પણ જૈન ગુફાઓ આવેલી છે.

મધ્યપ્રદેશમાં બાઘ નદીને કાંઠે આવેલી ગુફાઓ બૌદ્ધ ધર્મની છે. અહીં 9 ગુફાખંડો આવેલા છે. આમાંની કેટલીક ગુફાઓમાં ભિત્તિચિત્રો જોવા મળે છે. અહીંની ચિત્રશૈલી અજંટાની ચિત્રશૈલીને મળતી આવે છે. આ જ રાજ્યમાં વિદિશાની નજીક ઉદયગિરિમાં ગુફા-સ્થાપત્યના નમૂના જોવા મળે છે. તેમાંની એક ગુફામાં વરાહ અવતારનું શિલ્પ દર્શનીય છે.

ગુજરાતમાં ક્ષહરાત ક્ષત્રપોના સમયમાં (ઈ. સ. 100–400) ગુજરાત-સૌરાષ્ટ્રના પ્રદેશોમાં ભિક્ષુઓના નિવાસ માટેના વિહારોનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જૂનાગઢની પૂર્વ દિશાએ આવેલ બાવા પ્યારાના મઠથી ઓળખાતી આ ગુફાઓ ત્રણ હરોળમાં વહેંચાયેલી છે. જૂનાગઢની ઉપરકોટની ગુફાઓ બે મજલાની છે. ખંભાલિડાની બૌદ્ધ ગુફાઓ જુદા જુદા પાંચ નાના નાના જૂથમાં કોતરેલી છે. તળાજા પાસે લગભગ 30 ગુફાઓ આવેલી છે. તેમાં સૌથી મોટી ગુફા અતિવિખ્યાત છે અને તે ‘એભલ મંડપ’ના નામે ઓળખાય છે. સૌરાષ્ટ્રમાં વાંકિયા પાસે સાણાની લગભગ 62 ગુફાઓ આવેલી છે. જૂના ગોંડલ રાજ્યના ઢાંક ગામ પાસે કેટલીક ગુફાઓ આવેલી છે.

બ્રાહ્મણ ધર્મને કેન્દ્રમાં રાખીને પણ ગુફા-સ્થાપત્યનો વિકાસ થયો હતો. ઇલોરા, એલિફન્ટા અને જોગેશ્વરી આનાં ઉત્તમ ઉદાહરણો છે. ઇલોરાની નં. 13થી 29 સુધીની ગુફાઓ બ્રાહ્મણ ધર્મની છે. આ પૈકી ગુફા નં. 16 જે કૈલાસ અથવા રંગમહલ તરીકે ઓળખાય છે તે ગુફા શૈલાત્મક સ્થાપત્યમાં સર્વોત્કૃષ્ટ છે. તેનો શિલ્પવૈભવ જોતાં તે પથ્થરમાં કંડારેલા ઊર્મિ-કાવ્યની અનુભૂતિ કરાવે છે. એલિફન્ટાના ગુફામંદિરનાં શિલ્પો ઉત્કૃષ્ટ કોટિનાં છે અને તેમાંય શિવની ત્રિમૂર્તિનું ભવ્ય શિલ્પ જગવિખ્યાત છે. જોગેશ્વરીનું ગુફામંદિર એલિફન્ટાના ગુફામંદિર સાથે સામ્ય ધરાવતું હોવા છતાં તેના જેવો શિલ્પવૈભવ અહીં જોવા મળતો નથી.

ભારતમાં આ પ્રકારના ગુફા-સ્થાપત્યની સંખ્યા લગભગ 1200 જેટલી છે.

થૉમસ પરમાર