ગુપ્ત સામ્રાજ્ય : ભારતનો સુવર્ણકાલીન રાજવંશ. મગધના મૌર્ય સામ્રાજ્યના અસ્ત પછી પાંચ સદીઓ બાદ ગુપ્ત વંશે મગધના સામ્રાજ્યની પુન:સ્થાપના કરીને ભારતના (ખાસ કરીને ઉત્તર ભારતના) રાજકીય તેમજ સાંસ્કૃતિક અભ્યુદય દ્વારા સુવર્ણકાલ પ્રવર્તાવ્યો.

કેટલાંક પુરાણોમાં ગુપ્ત રાજ્યના ઉદય સુધીની ઐતિહાસિક અનુશ્રુતિ આપી છે, એમાં ગુપ્ત રાજાઓ પ્રયાગ, સાકેત અને મગધ પર રાજ્ય કરતા હોવાનું જણાવ્યું છે. ગુપ્ત વંશનો સ્થાપક શ્રીગુપ્ત હતો ને એના વંશજો પોતાનાં નામોના અંતે ‘ગુપ્ત’ પદ પ્રયોજતા. આથી આ રાજાઓ ગુપ્તો તરીકે અને એમનો રાજવંશ ગુપ્ત વંશ તરીકે ઓળખાય છે. ગુપ્ત અને એનો પુત્ર ઘટોત્કચગુપ્ત ‘મહારાજ’ પદવી ધરાવતા.

ઘટોત્કચગુપ્તના પુત્ર ચન્દ્રગુપ્ત પહેલાએ ગુપ્તોના નાના રાજ્યને વિશાળ સામ્રાજ્ય તરીકે વિકસાવ્યું. ગુપ્ત સામ્રાજ્યમાં પ્રયોજાયેલો ગુપ્ત સંવત, વિ. સં. 375(ઈ. સ. 319)માં શરૂ થયો હતો. તે આ પ્રતાપી રાજાના રાજ્યારોહણથી શરૂ થયો હોવાનું જણાય છે. એના સમયથી ગુપ્ત રાજાઓ ‘મહારાજાધિરાજ’ પદવી ધારણ કરવા ને સોનાના સિક્કા પડાવવા લાગ્યા. ચંદ્રગુપ્તના સિક્કાના અગ્રભાગ પર રાજા અને રાણીની ઊભેલી આકૃતિઓ કોતરી છે ને બાજુમાં તેમનાં નામ આપ્યાં છે. પૃષ્ઠભાગ પર સિંહવાહિની દેવીની આકૃતિ અને ‘લિચ્છવીઓ’નો નિર્દેશ છે. ચંદ્રગુપ્તે લિચ્છવીકુલની કુમારદેવી સાથે લગ્ન કર્યું હતું ને લિચ્છવીઓએ એના ભાગ્યોદયમાં મહત્વનો ભાગ ભજવેલો.

ચંદ્રગુપ્ત પહેલાનો પુત્ર સમુદ્રગુપ્ત જે લિચ્છવીઓનો દૌહિત્ર હતો તે ઘણો પરાક્રમી હોઈ ‘પરાક્રમાંક’ તરીકે ખ્યાતિ પામ્યો. પોતાના રાજ્યારોહણનો વિરોધ કરતા પ્રતિસ્પર્ધીઓનો સફળ સામનો કરી એણે પોતાની સત્તા ર્દઢ કરી. ગુપ્ત રાજાઓના સિક્કામાં સર્વરાજ્યોચ્છેત્તા કાચગુપ્તના સુવર્ણસિક્કા પ્રાપ્ત થાય છે, તે કાચગુપ્ત પ્રાય: આ પ્રતિસ્પર્ધીઓનો અગ્રણી અને સમુદ્રગુપ્તનો જ્યેષ્ઠ બંધુ હશે એમ સૂચવાયું છે.

સમુદ્રગુપ્તે ભારતના ઘણા પ્રદેશો પર દિગ્વિજય કર્યો. આ દિગ્વિજયની પ્રશસ્તિ હરિષેણ નામે અધિકારીએ પદ્યગદ્યની સુંદર શૈલીમાં રચી છે ને એ કૌશાંબીમાં આવેલા અશોક-સ્તંભ પર કોતરાઈ હતી. એ અનુસાર સમુદ્રગુપ્તે આરંભમાં ઉત્તર ભારતના કેટલાક રાજાઓનો પરાજય કરી, દક્ષિણ ભારતના પૂર્વભાગમાં આવેલાં અનેક રાજ્યો પર પોતાનું આધિપત્ય પ્રવર્તાવ્યું. ઉત્તર ભારતના અનેક રાજાઓની સત્તાનું ઉન્મૂલન કર્યું, અટવીના તથા સીમાન્તના રાજાઓ પર તેમજ માલવ, યૌદ્ધેય આદિ ગણરાજ્યો પર પોતાનું શાસન પ્રવર્તાવ્યું, વાયવ્યના કુશાન તથા શક-મુરુણ્ડો તેમજ સિંહલ (શ્રીલંકા) આદિ દ્વીપોના લોકો એની કૃપા યાચવા લાગ્યા. આથી ઇતિહાસકારો એને ભારતના નેપોલિયન તરીકે નવાજે છે. મહારાજાધિરાજ સમુદ્રગુપ્તે પછી અશ્વમેધ યજ્ઞ કરી એની યાદગીરીમાં સિક્કા પડાવ્યા. સમુદ્રગુપ્તના વિવિધ સિક્કામાં ધ્વજદંડધારી પ્રકાર સહુથી વધુ પ્રચલિત હતો. અન્ય સિક્કામાં ‘કૃતાન્તપરશુ’, ‘વ્યાઘ્ર-પરાક્રમ’, ‘અશ્વમેધ-પરાક્રમ’ અને ‘વીણાધર’ પ્રકાર નોંધપાત્ર છે. એની રાણીનું નામ દત્તદેવી હતું; એને ચંદ્રગુપ્ત નામે પુત્ર હતો.

સમુદ્રગુપ્તનો ઉત્તરાધિકાર એના મોટા પુત્ર રામગુપ્તને મળ્યો લાગે છે. રામગુપ્તનો પરાજય કરી શક રાજાએ એની રાણી ધ્રુવદેવીની માગણી કરી. રામગુપ્ત તે માગણીનો સ્વીકાર કરવા જતો હતો પણ રામગુપ્તના નાના ભાઈ ચંદ્રગુપ્તે કુનેહથી બાજી સંભાળી શત્રુનો વધ કર્યો ને ધ્રુવદેવીની પ્રતિષ્ઠા જાળવી. નિર્માલ્ય રામગુપ્તની હત્યા થઈ ને ચંદ્રગુપ્તને તેની ગાદી તેમજ રાણી પ્રાપ્ત થઈ. રામગુપ્તના સુવર્ણસિક્કા મળ્યા નથી.

ચંદ્રગુપ્ત બીજો વિક્રમાદિત્ય તરીકે ઓળખાતો. એ ગુ. સં. 57(ઈ. સ. 376)માં ગાદીએ આવ્યો. એણે માળવા પર ચડાઈ કરી ત્યાં પોતાની સત્તા સ્થાપી ને માળવા માટે શક ક્ષત્રપોના ચાંદીના સિક્કા જેવા સિક્કા પડાવ્યા. વળી એણે બંગાળ, સિંધ, બલ્ખ અને દક્ષિણ ભારત સુધી પોતાની આણ વરતાવી ને ઇન્દ્રપ્રસ્થ (દિલ્હી) પાસે લોહસ્તંભ પર એનાં પરાક્રમોની પ્રશસ્તિ કોતરાવી. ચંદ્રગુપ્તને રાણી ધ્રુવદેવીથી કુમાર નામે પુત્ર થયો. કવિકુલગુરુ કાલિદાસ પ્રાય: આ વિક્રમાદિત્યની ઉજ્જૈનની રાજસભાના રાજકવિ હતા. એમની કૃતિઓમાં સમુદ્રગુપ્તનો દિગ્વિજય, વિક્રમાદિત્યનાં વિક્રમ અને કુમારનો સંભવ (જન્મ) પ્રતિબિંબિત થાય છે. ચંદ્રગુપ્તે રાણી કુબેરનાગાની કુંવરી પ્રભાવતી ગુપ્તાને વાકાટકનરેશ રુદ્રસેન બીજા વેરે પરણાવી હતી. ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યના સુવર્ણસિક્કામાં ધનુર્ધારી, સિંહ-વિક્રમ અને અશ્વારોહી પ્રકાર જાણીતા છે. એ પરમ ભાગવત હતો. ચીની પ્રવાસી ફા-હ્યાને ભારતનો પ્રવાસ આ રાજવીના રાજ્યકાલ દરમિયાન કરેલો.

ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યના પુત્ર અને ઉત્તરાધિકારી કુમારગુપ્ત-મહેન્દ્રાદિત્યના અભિલેખ ઈ. સ. 415થી 449ના મળ્યા છે. શક ક્ષત્રપો પાસેથી એણે ગુજરાત જીતી લઈ ત્યાં પોતાના નામના ચાંદીના સિક્કા પડાવ્યા, જે ગુજરાતમાં સેંકડોની સંખ્યામાં મળ્યા છે. એના સુવર્ણસિક્કામાં સહુથી વધુ વૈવિધ્ય રહેલું છે. કુમારગુપ્તના સિક્કામાં કુમાર(કાર્તિકેય)નેય મહત્વ મળેલું છે.

કુમારગુપ્તના રાજ્યકાલના અંતિમ ભાગમાં પુષ્યમિત્ર તથા હૂણો તરફથી ઉપદ્રવ થતાં કુમાર સ્કંદગુપ્તે તેમને વશ કરવા પ્રયાણ કર્યું, થોડા વખતમાં વયોવૃદ્ધ કુમારગુપ્ત મૃત્યુ પામ્યા ને જ્યેષ્ઠ કુમાર ઘટોત્કચગુપ્તે રાજગાદી કબજે કરી; પરંતુ સ્કંદગુપ્તે શત્રુઓનો પરાભવ કરી પાછા ફરી રાજગાદી હસ્તગત કરી. સુરાષ્ટ્રમાં પર્ણદત્ત નામે ગોપ્તાની નિમણૂક કરી. એના પુત્ર ચક્રપાલિતે ગિરિનગર(જૂનાગઢ)નો વહીવટ સંભાળી સુદર્શન જળાશયના સેતુ(બંધ)ને સમરાવ્યો ને ચક્રધારી વિષ્ણુનું ઉત્તુંગ દેવાલય બંધાવ્યું. આ રાજાના સુવર્ણસિક્કામાં રાજ્યની આર્થિક અવનતિ પ્રતિબિંબિત થઈ છે. એમાં ધનુર્ધારી પ્રકાર સહુથી વધુ પ્રચલિત હતો. સ્કંદગુપ્તે પણ પશ્ચિમ ભારત તથા મધ્યદેશ માટે ચાંદીના સિક્કા પડાવ્યા હતા. એના રાજ્યકાલનું છેલ્લું જ્ઞાત વર્ષ ગુ. સં. 148 (ઈ. સ. 467–68) છે. એ ક્રમાદિત્ય કહેવાતો.

સ્કંદગુપ્તના રાજ્યકાલ પછી ગુપ્ત સામ્રાજ્યની પડતી શરૂ થઈ. એના ઉત્તરાધિકારીઓનો ક્રમ, સંબંધ અને સમય અટપટો હોઈ એના નિશ્ચિત અંકોડા બંધ બેસાડવા મુશ્કેલ છે. સ્કંદગુપ્ત પછી પુરુગુપ્ત, કુમારગુપ્ત બીજો – ક્રમાદિત્ય અને બુધગુપ્ત નામે રાજા થયા. બુધગુપ્તના સમયના શિલાલેખ ઈ. સ. 476થી 488ના મળ્યા છે. એણે ગુપ્ત સામ્રાજ્યની સત્તા ઘણે અંશે પુન: સ્થાપિત કરી લાગે છે. પછી વૈન્યગુપ્ત – દ્વાદશાદિત્ય, નરસિંહગુપ્ત–બાલાદિત્ય (જેણે પહેલા હૂણ રાજા તોરમાણથી પરાજિત થઈ છેવટમાં તેના ઉત્તરાધિકારી મિહિરકુલનો પરાભવ કરેલો.), – કુમારગુપ્ત ત્રીજો, વિષ્ણુગુપ્ત – ચન્દ્રાદિત્ય, પ્રકાશાદિત્ય, ઇત્યાદિ રાજાઓ ગુપ્ત વંશમાં થયા. એમના અભિલેખોમાંનું છેલ્લું જ્ઞાત વર્ષ ગુ. સં. 224 (ઈ.સ. 543) છે. આમ, ગુપ્તવંશના રાજાઓનું સામ્રાજ્ય લગભગ સવા બસો વર્ષ ચાલુ રહ્યું. પછી સામ્રાજ્ય તરીકે તેનું વિલોપન થઈ ગયું; માત્ર સીમિત પ્રાદેશિક રાજ્ય તરીકે એ લગભગ બસો વર્ષ લગી ચાલુ રહ્યું.

ગુપ્ત સામ્રાજ્યે રાજસત્તા ઉપરાંત રાજ્યતંત્ર, સામાજિક અને આર્થિક સ્થિતિ, ધર્મ અને દર્શન, સાહિત્ય અને વિજ્ઞાન તથા કલા અને શિલ્પ જેવાં સાંસ્કૃતિક ક્ષેત્રોમાં પણ ગણનાપાત્ર પ્રદાન કરી પ્રાચીન ભારતમાં સુવર્ણકાલ પ્રવર્તાવ્યો હતો.

હરિપ્રસાદ ગં. શાસ્ત્રી