ગુપ્ત, પરમેશ્વરીલાલ (જ. 14 ઑક્ટોબર 1914, આઝમગઢ, ઉત્તરપ્રદેશ; અ. 29 જુલાઈ 2001, મુંબઈ) : ભારતીય સિક્કાશાસ્ત્રના આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવનાર વિદ્વાન અને સ્વાતંત્ર્ય-સૈનિક. વૈશ્ય બાબુ ગોપાલદાસ અગ્રવાલને ત્યાં જન્મ. 1930માં તેઓ વેસ્લી હાઈસ્કૂલમાં ભણતા હતા, ત્યારે જવાહરલાલ નહેરુની ધરપકડનો વિરોધ કરવા માટે સંગઠન કરવાથી શાળામાંથી બરતરફ કરવામાં આવ્યા. તે પછી તેઓ કૉંગ્રેસમાં જોડાયા અને આઝમગઢ જિલ્લામાં મહત્વના સ્વાતંત્ર્ય-સૈનિક બન્યા. તેમની રાષ્ટ્રવાદી પ્રવૃત્તિઓને કારણે સરકાર દ્વારા ઘણી વાર જેલમાં પૂરવામાં આવ્યા. તેઓ પોતાની લોકપ્રિયતાને કારણે જનતામાં ‘આઝમગઢ કે નહેરુ’ તરીકે ઓળખાતા હતા. 1935માં તેમણે હિંદી સાપ્તાહિક ‘સંદેશ’ પ્રગટ કરવા માંડ્યું. 1942માં ‘હિંદ છોડો’ લડતમાં ભાગ લઈ તેમણે ભૂગર્ભપ્રવૃત્તિ કરી.
1947માં દેશ સ્વતંત્ર થયો તે પછી તેમને લાગ્યું કે તેમનું ધ્યેય સિદ્ધ થઈ ગયું છે. તેથી તેમણે રાજકીય પ્રવૃત્તિ છોડી દીધી. તે પછી, બાકીનું જીવન તેમણે પોતાની જ્ઞાનની તૃષા સંતોષવા માટે સમર્પી દીધું. તેઓ બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી પ્રાચીન ભારતનો ઇતિહાસ અને સંસ્કૃતિ વિષયમાં પ્રથમ વર્ગમાં એમ.એ. થયા. 1960માં એ જ યુનિવર્સિટીમાંથી આહત સિક્કા પર મહાનિબંધ લખીને તેઓ પીએચ.ડી. થયા. તેમણે પ્રાચીન ભારતીય સિક્કાનો અભ્યાસ કર્યો અને ધીમે ધીમે તેમાં પ્રથમ પંક્તિના વિદ્વાન તરીકે પ્રખ્યાત થયા. તેઓ 1953માં મુંબઈના પ્રિન્સ ઑવ્ વેલ્સ મ્યુઝિયમમાં સિક્કાશાસ્ત્રી તરીકે જોડાયા. 1962 તેઓ થોડો સમય બ્રિટિશ મ્યુઝિયમ, લંડનના સિક્કા વિભાગમાં રહ્યા. 1963થી પટણા મ્યુઝિયમના ક્યુરેટર નિમાયા અને ત્યાંથી 1972માં નિવૃત્ત થયા. નિવૃત્તિ બાદ નાશિક પાસે અંજનેરી ગામે તેઓ સ્થિર થયા. ત્યાં તેમના માર્ગદર્શન હેઠળ સિક્કાના અભ્યાસ તથા સંશોધન વાસ્તે ‘ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ રિસર્ચ ઇન ન્યુમિસમેટિક્સ’ નામની આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતી સંસ્થા પાંગરી.
સ્વાતંત્ર્ય-સૈનિક હોવા ઉપરાંત ડૉ. ગુપ્ત સામાજિક દૂષણો સામે પણ લડત આપતા હતા. અગરવાલ જ્ઞાતિમાં પ્રવર્તમાન અનેક દૂષણો દૂર કરવા તેમણે સંઘર્ષ કર્યો અને તેમના પ્રયાસોમાં સફળ પણ થયા. આ માટે તેમણે અગરવાલ યુવક સંઘ તથા અગરવાલ સેવક મંડળની સ્થાપના કરી હતી. તેમણે પોતાના ગામના લોકોના શિક્ષણમાં પણ રસ લીધો હતો. તે માટે તેમણે એક જાહેર પુસ્તકાલયની સ્થાપના કરી. મહિલા શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે તેમણે આઝમગઢમાં છોકરીઓ માટે પ્રાથમિક શાળા શરૂ કરી. તે વિકાસ પામીને સ્ત્રીઓ માટેની કૉલેજ બની. આ બધી પ્રવૃત્તિઓ સાથે તેમણે આશરે 15 વર્ષ માટે પત્રકાર તરીકે કામ કર્યું અને હિંદી દૈનિક ‘આજ’ (વારાણસી) તથા આગ્રાથી પ્રગટ થતા ‘સૈનિક’માં સંપાદક વિભાગમાં સેવા આપી.
પરમેશ્વરીલાલે 20થી વધારે ગ્રંથો તથા 200 જેટલા સંશોધનલેખો પ્રગટ કર્યા છે. તેમના ગ્રંથોમાં ભારતીય વાસ્તુકલા (1989), ભારત કે પૂર્વકાલિક સિક્કે (1996), પ્રાચીન ભારત કે પ્રમુખ અભિલેખ (1996), કોઇન્સ (1996), પરમેશ્વરીલાલ ગુપ્તઝ કોઇન્સ ઍન્ડ હિસ્ટરી ઑવ્ મેડીવલ ઇન્ડિયા (1997) વગેરે મુખ્ય છે.
તેમની વિદ્વત્તાની કદર રૂપે તેમને કેટલાક માન-ચાંદ મળ્યાં છે. એમાં ચક્રવિક્રમ ચંદ્રક (1954), નેલ્સન રાઇટલ મેડલ (1962), રૉયલ ન્યુમિઝમેટિક સોસાયટી, લંડનની માનાર્હ ફેલોશિપ (1975), સર જદુનાથ સરકાર ચંદ્રક (1977), હંટિગ્ટન ચંદ્રક (1987) વગેરે મુખ્ય છે. ભારતીય પ્રાચ્ય વિદ્યા પરિષદ તથા ભારતીય સિક્કા પરિષદના વિવિધ વિભાગોમાં પ્રમુખ તરીકે તેમની પસંદગી થઈ હતી.
પ્રવીણચંદ્ર પરીખ
જયકુમાર ર. શુક્લ