ગુપ્ત અનામતો : વેપારી પેઢી કે કંપનીના સરવૈયામાં બતાવવામાં આવેલી ચોખ્ખી મિલકત કરતાં વાસ્તવિક મિલકત વધારે હોય તો તે બંને વચ્ચેના તફાવત દ્વારા અપ્રગટ રીતે ઊભી થતી અનામત. કુલ મિલકતમાંથી દેવાં બાદ કરવાથી જે રકમ નક્કી થાય તે (એટલે કે મૂડી અને ફંડોની રકમોનો સરવાળો) ચોખ્ખી મિલકત કહેવાય છે. ચોખ્ખી મિલકત કરતાં ખરેખરી મિલકત જો વધારે હોય તો પેઢી અથવા કંપનીએ હિસાબી પરિભાષામાં ગુપ્ત કે છૂપી અનામતો (secret reserves) ઊભી કરી છે તેમ કહી શકાય. વાસ્તવિક મિલકત કરતાં સરવૈયામાં મિલકત ઓછી બતાવીને અથવા વાસ્તવિક જવાબદારી કરતાં સરવૈયામાં જવાબદારી વધારે બતાવીને પેઢી કે કંપની વાસ્તવિક મૂડી અને ફંડોની સરખામણીમાં ઓછાં મૂડી અને ફંડો સરવૈયામાં દર્શાવે તેવી પ્રક્રિયા દ્વારા ગુપ્ત કે છૂપી અનામતો ઊભી કરે છે. પેઢી કે કંપની આવી પરિસ્થિતિ નીચે પ્રમાણેની વિવિધ પ્રક્રિયાઓ દ્વારા સર્જે છે :
(ક) કાયમી મિલકત (ખાસ કરીને પાઘડીની રકમ) ઉપર વધુ પડતા ઘસારાની ગણતરી કરીને ઓછા મૂલ્યની મિલકત સરવૈયામાં બતાવી હોય અથવા કાયમની મિલકતનું કાયમ માટે ઓછું મૂલ્યાંકન કરવામાં આવ્યું હોય.
(ખ) કોઈ મિલકત ખરેખર અસ્તિત્વમાં હોય છતાં તેને પૂરેપૂરી લખીવાળીને સરવૈયામાં બતાવી ન હોય.
(ગ) લાંબા ગાળાના મૂડી પ્રકારના ખર્ચાઓને મિલકતના સ્વરૂપમાં સરવૈયામાં બતાવવાને બદલે ટૂંકા ગાળાના મહેસૂલી ખર્ચા ગણીને નફાનુકસાન ખાતે ઉધાર્યા હોય અને સરવૈયામાં બતાવ્યા ન હોય.
(ઘ) જવાબદારીનું મૂલ્ય હોય તેના કરતાં સરવૈયામાં વધુ પડતું દર્શાવ્યું હોય અથવા જવાબદારીની ચુકવણી અંગે વધુ પડતી જોગવાઈ (provision) કરી હોય.
(ચ) જવાબદારી અદા કરવાની બાકી હોય તો તેની ચુકવણી માટે જોગવાઈ કરવામાં આવે છે અને સરવૈયામાં જવાબદારી તરીકે બતાવવામાં આવે છે. ચુકવણી થઈ જાય ત્યારે આ જોગવાઈ મુક્ત થઈ ગયેલી ગણાય છે. તેમ છતાં તેને સરવૈયામાંથી દૂર કરવાને બદલે લેણદારોની સૂચિમાં ઉમેરીને ચાલુ દેવા તરીકે કાયમી ધોરણે સરવૈયામાં બતાવી હોય.
(છ) જવાબદારી ઊભી થવાની ફક્ત સંભાવના જ હોય અને તે ખરેખર ઊભી ન પણ થઈ હોય તેમ છતાં આવી જવાબદારી માટે જોગવાઈ કરીને વાસ્તવિક જવાબદારી તરીકે સરવૈયામાં બતાવી હોય.
(જ) મૂડીરૂપી નફો સરવૈયામાં પેઢી કે કંપનીની માલિકીના ફંડમાં જમા કરીને સરવૈયામાં બતાવવો પડે તેના બદલે આકસ્મિક જોગવાઈ (contingent provision) તરીકે સરવૈયામાં બતાવ્યો હોય અથવા મૂડીરૂપી નફામાંથી ફક્ત આંશિક નફો જ ચોપડામાં જમા કર્યો હોય.
(ઝ) ગૌણ (subsidiary) કંપનીમાંથી મળવાપાત્ર ડિવિડન્ડ આવક તરીકે ગણીને તેમાંથી ઉદભવતો વધારો (surplus) ફંડમાં જમા લઈને સરવૈયામાં બતાવવો પડે તેના બદલે આવું ડિવિડન્ડ ગૌણ કંપનીને હસ્તક રાખી મૂક્યું હોય.
ગુપ્ત અનામત ઊભી કરવાના ઉદાહરણ તરીકે બૅંકનો દાખલો ટાંકી શકાય. બૅંક પોતાનાં રોકાણોનું મૂલ્ય ઘટે ત્યારે ઘસારાની જોગવાઈ કરે છે પરંતુ પાછળથી તે જ રોકાણોનું મૂલ્ય વધી જાય તો એવા વધારાની ચોપડામાં કોઈ નોંધ કરવામાં આવતી નથી.
રોહિત ગાંધી