ગુપ્ત, ઇન્દ્રજિત (જ. 16 માર્ચ 1919, કોલકાતા; અ. 20 ફેબ્રુઆરી 2001, કૉલકાતા) : પ્રથમ પંક્તિના સામ્યવાદી નેતા અને જાગરૂક સાંસદ. બ્રાહ્મોસમાજમાં વિશ્વાસ ધરાવતા કુટુંબમાં જન્મ. તેમના દાદા બિહારીલાલ ગુપ્ત અને મોટા ભાઈ ભારતીય સનદી સેવાના અધિકારીઓ હતા. તેમના પિતા ઇન્ડિયન ઑડિટ ઍન્ડ એકાઉન્ટ સર્વિસના સભ્ય હતા. શાલેય અભ્યાસ સિમલા ખાતે કર્યો અને ઉચ્ચ શિક્ષણ દિલ્હીની સેંટ સ્ટીફન કૉલેજમાંથી મેળવ્યું. તે પછી કેમ્બ્રિજ ખાતે અભ્યાસ કર્યો. ઇંગ્લૅન્ડના વસવાટ દરમિયાન જાણીતા નેતા રજની પામ દત્તના પ્રભાવ હેઠળ આવ્યા અને સામ્યવાદી આંદોલનમાં જોડાયા. 1938માં સ્વદેશ પાછા આવી કોલકાતા ખાતે ગ્રામવાસીઓ અને કામદારોની લડતમાં જોડાયા. આવી સામ્યવાદી સક્રિયતાને કારણે તેમણે જેલ વેઠેલી; તો મવાળ વલણો ધરાવવા બદલ સામ્યવાદી પક્ષમાં તેમની ભારે ટીકાઓ પણ થઈ હતી. 1948–50માં ભારતના સામ્યવાદીઓમાં ભંગાણ પડ્યું ત્યારે તેઓ ભૂગર્ભમાં ચાલ્યા ગયા હતા.

ઇન્દ્રજિત ગુપ્ત

1960માં તેઓ પ્રથમવાર લોકસભામાં ચૂંટાયા અને સાંસદ બન્યા, ત્યારથી 1977–1980ના ટૂંકા ગાળાને બાદ કરતાં તેઓ સમગ્ર જીવનપર્યંત લોકસભાના સાંસદ રહ્યા. મુખ્યત્વે તેમણે દક્ષિણ–પશ્ચિમ કોલકાતાનું તથા અલીપુર/પોર મતવિસ્તારોનું પ્રતિનિધિત્વ કર્યું હતું. જોકે 1980–1989માં તેમણે બશિરહાટ મતવિસ્તારનું અને 1989–2001 સુધી મિદનાપોર મતવિસ્તારનું પ્રતિનિધિત્વ પણ કરેલું. કુલ મળીને 37 વર્ષ સુધી લોકસભાના સાંસદ તરીકે તેમણે સેવાઓ આપી. એ દરમિયાન 1996, 98 અને 99માં તેમણે પ્રો-ટેમ અધ્યક્ષ તરીકે સેવાઓ આપવા ઉપરાંત અવારનવાર સંસદની વિવિધ સમિતિઓ અને પ્રતિનિધિમંડળોમાં પણ સેવાઓ આપી હતી. છેલ્લા દસકામાં સંસદના વરિષ્ઠ સભ્યના નાતે તેઓ ભારે માન-મરતબો પામવા છતાં વ્યક્તિગત રીતે ભારે સાદગી અને શિસ્તભર્યું જીવન જીવતા હતા. સ્વયંશિસ્તના ભારે આગ્રહ સાથે તેઓ પક્ષીય શિસ્તના આગ્રહોનો પણ આદર કરતા અને તેને વળગી રહેતા હતા. સાંસદીય સગવડો છતાં બે રૂમના નાના આવાસમાં રહેવાનો અને લોકસભામાં ચાલીને જવાનો તેમનો આગ્રહ હંમેશાં રહ્યો હતો. સંસદીય અધિકારની રૂએ પ્રાપ્ય અન્ય સગવડોનો ઘણે ભાગે તેઓ ઇન્કાર કરતા હતા. ગૃહમાંનાં તેમનાં ભાષણો અભ્યાસપૂર્ણ અને તાર્કિક રહેતાં, તેમના રાજકીય પ્રતિસ્પર્ધીઓ પણ આ માટે તેમની પ્રશંસા કરતા. તેમની આ કામગીરીની કદર રૂપે તેમને 1992માં ‘ઉત્કૃષ્ટ સાંસદ’નો ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. યુનાઇટેડ ફ્રંટની સરકારમાં 1996–98નાં વર્ષોમાં તેઓ ગૃહમંત્રી બન્યા હતા, છતાં સરકારની નિષ્ફળતાઓનો એકરાર કરવામાં તેમજ આવશ્યક હોય ત્યાં જાહેર ટીકા કરવામાં સંકોચ નહોતા રાખતા. તે વર્ષોમાં ભાજપ વિરોધ પક્ષમાં હતો, ત્યારે ખુલ્લે દિલે કહેતા કે ‘હું વિરોધ પક્ષમાં હોત તો આ રીતે જ વર્ત્યો હોત’. તેમના અવસાનવેળા ભારતના રાષ્ટ્રપ્રમુખ કે. આર. નારાયણને તેમને અંજલિ આપતાં કહ્યું : ‘ગાંધીવાદી સાદાઈ, લોકશાહીભર્યાં વલણો અને મૂલ્યો પ્રત્યેની અગાધ નિષ્ઠા’ માટે તેઓ હંમેશાં યાદ રહેશે. 1974માં ભારતે કરેલા પ્રથમ અણુપરીક્ષણ વેળા પ્રતિસ્પર્ધી હોવા છતાં તેમણે શ્રીમતી ઇન્દિરા ગાંધીના આ નિર્ણયને બિરદાવીને દેશભક્ત પ્રતિસ્પર્ધીની પ્રતીતિ કરાવેલી. રાજકારણમાં જ્ઞાતિઓના વધતા જતા પ્રભાવથી તેઓ ભારે વ્યથા અનુભવતા હતા.

સામ્યવાદી પક્ષના સભ્ય તરીકેની તેમની કામગીરી પણ બેનમૂન હતી. ઇંગ્લૅન્ડથી પાછા ફર્યા ત્યારે 1938થી તેમણે તેમની સેવાઓ પક્ષને ચરણે ધરી. તે પછી પક્ષ પરના પ્રતિબંધને કારણે ‘સૂર્ય’ ઉપનામથી તેમણે પક્ષના ટૅકનિકલ વિભાગમાં કામ કર્યું. 1964માં સામ્યવાદી પક્ષના વિભાજન વેળા એસ. એ. ડાંગેના નેતૃત્વ હેઠળ તેઓ માતૃપક્ષને વળગી રહ્યા. યુનાઇટેડ ફ્રંટની સરકારમાં ગૃહમંત્રી તરીકે જોડાવાની તેમની વ્યક્તિગત અનિચ્છા છતાં પક્ષની બહુમતીના અભિપ્રાયને માન્ય રાખી ગૃહમંત્રી બનેલા. ગૃહમંત્રી બનવા છતાં તેઓ ભાગ્યે જ સરકારી વાહન વાપરતા. પ્રવાસ માટે હવાઈ મથકે જવા-આવવા મુખ્યત્વે ઍરલાઇન્સની બસ-સેવાનો જ ઉપયોગ કરતા. વિવિધ કામદાર-સંગઠનોમાં તેમજ પક્ષમાં વિવિધ કામગીરીને અંતે 71ની વયે 1990માં સામ્યવાદી પક્ષના મહામંત્રીની જવાબદારીઓ તેમણે ઉઠાવી હતી.

ઘણાં વર્ષોથી જેમને ચાહતા તે સુરૈયાજી સાથે છેક 62મે વર્ષે તેઓ લગ્નગ્રંથિથી જોડાયા. કારણ (જાણીતા સામાજિક કાર્યકર નફીસા અલીના પિતા) ફોટોગ્રાફર અહેમલ અલી સાથેનાં સુરૈયાજીનાં પ્રથમ લગ્ન કાયદેસર રીતે રદબાતલ ઠરે તે તેમની નજરમાં અત્યંત આવશ્યક હતું. કાનૂની ર્દષ્ટિએ 62 વર્ષની વયે સુરૈયાજીને કાયદેસરનાં ‘પત્ની’નો દરજ્જો આપીને તેમણે અંગત રીતે અને સામાજિક જીવનમાં એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું. દંભહીન, સાદગીપૂર્ણ જીવન અને સ્પષ્ટ વક્તા તરીકેનું વિરલ વ્યક્તિત્વ રાજકીય જીવનમાં તેમને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડનારું બની રહ્યું.

રક્ષા મ. વ્યાસ