ગુથરી, ટાઇરોન સર (જ. 2 જુલાઈ 1900, ટનબ્રિજ વેલ્સ, કૅન્ટ; અ. 15 મે 1971, ન્યૂ બ્લિસ, મૉનહન, આયર) : બ્રિટનના ક્રાન્તિકારી અને પ્રયોગશીલ નાટ્યદિગ્દર્શક. ઓલ્ડવિક અને સેડલર્સ વેલ્સ જેવાં થિયેટરોમાં તેમણે બાર વરસ સુધી દિગ્દર્શક અને સંચાલક તરીકે કામ
કરતાં, શેક્સપિયરનાં ‘હૅમ્લેટ’, ‘ટ્રૉઇલસ ઍન્ડ ક્રેસિડા’ જેવાં નાટકોનું એલિઝાબેથાઈ નહિ પણ આધુનિક વેશભૂષામાં નિર્માણ-દિગ્દર્શન કર્યું હતું. કૅનેડામાં ઑન્ટારિયોના સ્ટ્રેટફર્ડમાં શેક્સપિયર નાટ્યમહોત્સવની સ્થાપના કરી અને 1953થી ત્રણેક વરસ સુધી એના કલાનિર્દેશક તરીકે સેવા આપી. ઓન્ટારિયોની જેમ જ, અમેરિકાના મિનિયાપોલિસમાં પણ પોતાની કલ્પનાનું અને પોતાના નામનું થિયેટર બાંધી તેમણે ત્રણ વરસ (1962–65) સુધી દિગ્દર્શન કર્યું. ગુથરી એકંદરે એલિઝાબેથાઈ, વિશેષે શેક્સપિયરનાં નાટકોના દિગ્દર્શક તરીકે જાણીતા છે. 1953માં ઓલ્ડ-વિક થિયેટરમાં વિલક્ષણ ‘હેન્રી ફિફ્થ’ નાટકના નિર્માણે ખૂબ વિવાદ જગાડ્યો હતો. બ્રિટનની સરકારે 1961માં સરના ખિતાબથી ગુથરીનું બહુમાન કર્યું હતું. માત્ર નાટ્ય જ નહિ, નટ-પ્રેક્ષક સંબંધ વિશે પણ નવી રીતે વિચારતા આ દિગ્દર્શકના અનેક શિષ્યો આજે ત્યાં કાર્યરત છે.
હસમુખ બારાડી