ગુણ સિંહ, હિજામ (જ. માર્ચ 1927, ઇમ્ફાલ, મણિપુર) : મણિપુરી નવલકથાકાર. તેમને તેમની નવલકથા ‘વીર ટિકેન્દ્રજિત રોડ’ (1983) માટે 1985ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ મળ્યો છે.

ગુવાહાટી યુનિવર્સિટીમાંથી સ્નાતક બન્યા પછી 1944માં તેઓ રાજ્ય ન્યાયતંત્રમાં જોડાયા અને 1985માં સેવાનિવૃત્ત થયા.

તેમણે 5 નવલકથાઓ, 3 વાર્તાસંગ્રહો અને 1 નિબંધસંગ્રહ આપ્યાં છે. તેમની નવલકથા ‘ખુડોલ’ માટે 1965માં મણિપુરી સાહિત્ય પરિષદે તેમને જામિની સુંદર ગુહા સ્મૃતિ સુવર્ણચંદ્રકથી સન્માનિત કર્યા હતા. 1985માં તેમના વાર્તાસંગ્રહ ‘લૈંગજિન મંગખ્રાબા કિશિ’ માટે મણિપુર રાજ્ય કલા અકાદમી દ્વારા તેમનું સન્માન કરવામાં આવેલું.

તેમની પુરસ્કૃત કૃતિ ઇમ્ફાલ શહેરના હાર્દ સમા વિસ્તારમાં આવેલા માર્ગની આસપાસ વણાયેલ કથા છે. સૂક્ષ્મ નિરીક્ષણશક્તિ, વિવિધ પાત્રો-પ્રસંગોનું જીવંત ચિત્રાંકન અને ઘટનાઓના હૃદયંગમ વૈવિધ્યને કારણે આ કૃતિ સમકાલીન મણિપુરી સાહિત્યમાં મહત્વનું ઉમેરણ ગણાય છે.

બળદેવભાઈ કનીજિયા