ગુડઇયર, ચાર્લ્સ (જ. 29 ડિસેમ્બર 1800, ન્યૂ હેવન, કનેક્ટિક્ટ, યુ.એસ.; અ. 1 જુલાઈ 1860, ન્યૂયૉર્ક) : રબરની વલ્કેનાઇઝેશન પ્રક્રિયાના અમેરિકન સંશોધક. તેમની શોધથી રબરના વ્યાપારી ઉપયોગો સંભવિત બન્યા છે. તેમના પિતાના હાર્ડવેરના ધંધામાં ભાગીદાર તરીકે તેમણે પોતાની કારકિર્દી શરૂ કરી પણ આ ધંધો 1830માં પડી ભાંગ્યો.
તેમને ઇન્ડિયા રબરમાંનું ચીટકપણું (adhesiveness) દૂર કરવાના ફેરફારો અંગેના અભ્યાસમાં રસ પડતાં આ રબરની ઊંચા તાપમાને ક્ષમતા અંગેનું સંશોધન શરૂ કર્યું. તેમણે રબર સાથે નાઇટ્રિક ઍસિડની પ્રક્રિયા વિકસાવી અને આ રીતથી ટપાલથેલા બનાવવાનો પરવાનો 1837માં અમેરિકન સરકાર તરફથી મેળવ્યો; પરંતુ આ ટપાલથેલાનું રબરકાપડ ઊંચા તાપમાને નકામું જણાયું. આ પછીનાં થોડાં વર્ષ તેમણે નથૅન્યલ હેવર્ડ (1808–65) સાથે સંશોધનમાં ગાળ્યાં. નથૅન્યલ હેવર્ડે નોંધેલું કે રબરની સલ્ફર સાથે પ્રક્રિયા કરતાં તેમાં ચીટકપણું રહેતું નથી. ગુડઇયરે હેવર્ડની પ્રક્રિયા ખરીદી લીધી. ઇન્ડિયા રબર તથા સલ્ફરનું મિશ્રણ ગરમ સ્ટવ ઉપર પડતાં તેના ગુણધર્મો બદલાય છે તેવું તેમણે આકસ્મિક રીતે નોંધ્યું. આ રીતે વલ્કેનાઇઝેશનની પ્રક્રિયાની શોધ થઈ અને તેમણે તે પ્રક્રિયા વિકસાવી. તેમને પ્રથમ પેટન્ટ 1844માં મળ્યો, પરંતુ કોર્ટોની કાર્યવાહીમાં સપડાવું પડ્યું જેમાં છેક 1852માં તે જીત્યા. દરમિયાન તેમણે પોતાના પેટન્ટ મુજબ બનાવેલા નમૂના ઇંગ્લૅન્ડના 1851ના આંતરરાષ્ટ્રીય પ્રદર્શનમાં મૂક્યા. ઇંગ્લૅન્ડમાં કારખાનું સ્થાપવાના તેમના પ્રયત્નો અસફળ રહ્યા. ઇંગ્લૅન્ડ તથા ફ્રાન્સમાં કાનૂની તથા ટૅકનિકલ કારણોસર તેમણે પેટન્ટ હકો ગુમાવ્યા. તેમની પ્રક્રિયા મુજબ વલ્કેનાઇઝ કરેલું રબર બનાવવાની કંપની ચાલી નહિ અને ડિસેમ્બર 1855માં પૅરિસમાં દેવું ન ચૂકવી શકવા બદલ તેમને જેલની સજા થઈ. આ જ અરસામાં તેમના અમેરિકન પેટન્ટ સાથે પણ ચેડાં થયાં. તેમની શોધથી બીજા અનેકો લખપતિ બની ગયા પરંતુ ગુડઇયર તેમના મૃત્યુ સમયે બે લાખ ડૉલરનું દેવું મૂકતા ગયા. તેમના સંશોધનનો હેવાલ ‘ગમ ઇલાસ્ટિક ઍન્ડ ઇટ્સ વેરાયટીઝ’ (1853–55) પુસ્તકમાં આપ્યો છે.
જ. પો. ત્રિવેદી