ગુજરી : પંદરમી-સોળમી સદીમાં ગુજરાતમાં બોલાતી ઉર્દૂ-હિન્દી. ઉર્દૂ-હિન્દીની વિવિધ શૈલીઓ અને સ્વરૂપોને હિન્દી, હિન્દવી, હિન્દુઈ વગેરે અનેક નામોથી ઓળખવામાં આવે છે. વિદ્વાનોના મત મુજબ આ જ હિન્દી ભાષા જ્યારે દેશના અન્ય ભાગોમાં કેટલાક સ્થાનિક ફેરફાર સાથે બોલાવા લાગી ત્યારે ત્યાંની સ્થાનિક ભાષાના પ્રભાવ અને સમન્વયથી તે ભાષાનું એક આગવું સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું. ઉર્દૂ સાહિત્યના ઇતિહાસમાં ભાષાનાં આવાં બંને સ્વરૂપો (જે ‘ગુજરી’ અને ‘દખ્ખની’ નામે ઓળખાય છે.) ખૂબ વિકાસ પામ્યાં છે. આજે દક્ષિણ અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આ ભાષા કોઈ ને કોઈ પ્રકારે બોલાય છે અને લખાય છે.
સુપ્રસિદ્ધ વિદ્વાન મૌલવી અબ્દુલ હક પંદરમી-સોળમી સદીમાં ગુજરાતમાં બોલાતી ઉર્દૂ-હિન્દીને ‘ગુજરી’ના નામે યાદ કરે છે તેમજ ખ્યાતનામ સમીક્ષક ડૉ. જમીલ જાલિવી પ્રાચીન ઉર્દૂના આ વિશેષ-રૂપ અંગે કહે છે : ‘ગુજરાતમાં ઉત્તર ભારતમાંથી આવેલી ભાષા અહીં બોલાતી ભાષાના સંપર્કમાં આવતાં તેના પ્રભાવથી એક એવી ભાષા ઉદભવી જે પાછળથી ‘ગુજરી’ કે ‘ગુજરીઉર્દૂ’ નામે જાણીતી બની.’
ગુજરાતમાં ગુજરીઉર્દૂના જે પ્રાચીન નમૂનાઓ મળે છે તેમાં મોટા ભાગે પ્રભુભક્તિનાં કાવ્યો, કે સૂફી-સંતોનાં બોધવચનોનો સમાવેશ થાય છે અને સામાન્ય રીતે તે જ ભાષા જનભાષા હોવાનું મનાય છે.
ગુજરી ભાષાના સાહિત્યિક નમૂનાઓ પંદરમી-સોળમી સદીના સૂફી કવિઓ શાહબાજન(કાવ્યો – મુ. બુરહાનપુર), કાઝી મહમૂદ દરિયાઈ (દીવાન અને જિક્રીઓ – મુ. વીરપુર, ખેડા), શાહઅલીજી ગામધની (જવાહિરે અસરારુલ્લાહ – મુ. અમદાવાદ), શાહ ખૂબ મોહંમદ ચિશ્તી(ખૂબતરંગ, – મુ. અમદાવાદ)ની રચનાઓમાં જોવા મળે છે.
આ એક હકીકત છે કે ગુજરાતી ભાષામાં સાહિત્યસર્જનની જેવી પરંપરા ગુજરાતમાં તે જમાનામાં જોવા મળે છે તેવી હિન્દી ભાષાના અન્ય સ્વરૂપ કે શૈલીમાં જોવા મળતી નથી. આ ‘ગુજરી’નું આગવું લક્ષણ હતું, તે સાહિત્યિક સ્વરૂપે ગુજરાત અને દક્ષિણના કેટલાક ભાગમાં સચવાયું છે.
ભાષા તરીકે ગુજરી ભાષાનો ઉલ્લેખ પણ આ કવિઓ અને લેખકોમાં જોવા મળે છે જેમ કે,
જે હોવે જ્ઞાનપૂજારી, ના દેખે ભાષા ગૂજરી
(જાનમ)
જ્યું દિલ અરબ અજમ કી બાત
સુન બોલે બોલી ગુજરાત
(ખૂબ મોહંમદ ચિશ્તી)
પંદરમી સદીમાં અમદાવાદના મહાન સૂફી સંતોનાં અનેક બોધવચનો પણ ઇતિહાસના પાને સંગ્રહાયેલાં છે, જે ઉપરથી ગુજરી ભાષાના સ્વરૂપ વિશે ખ્યાલ આવી શકે છે. આજેય ગુજરાતના કેટલાક ભાગોમાં તે બોલાતી સંભળાય છે.
મોહિયુદ્દીન બૉમ્બેવાલા