ગુજરાલ, સતીશ (જ. 25 ડિસેમ્બર 1926, ઝેલમ; અ. 26 માર્ચ 2020, ન્યૂદિલ્હી) : ચિત્રકાર, શિલ્પકાર, ભીંત-ચિત્રકાર. 1939થી 44 સુધી લાહોરની મેયો સ્કૂલમાં અને 1944થી 47 સુધી મુંબઈની જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાં અભ્યાસ. 1952થી 54 સુધી મૅક્સિકોમાં વિશેષ અભ્યાસ, 1956–57માં તેમને લલિત કલા અકાદમીનું રાષ્ટ્રીય પારિતોષિક અપાયું.

સતીશ ગુજરાલ

1947થી 50નાં ચિત્રોમાં નિર્વાસિતોની ભયગ્રસ્ત અવસ્થાની દુ:ખદ અનુભૂતિ છે. 1952થી 54નાં ચિત્રોમાં સઘન રૂપ અને શરીરરચનાવાળી ‘ઓરોઝકો’ શૈલી દેખાય છે. 1954 પછી અતિવાસ્તવવાદના આલંબન સાથે રૂઢિગત પ્રતીકોનો પ્રયોગ થયો છે. 1962થી 64નાં સર્જનોમાંથી અસ્વસ્થતા અને ગમગીની ચાલી જાય છે. રંગ, રૂપ અને રેખાનો આનંદપ્રદ પ્રયોગ થયો છે. કાચ, ધાતુ અને કાષ્ઠના મિશ્રપ્રયોગી ચીટક ચિત્રો (collage) ભારતીય રંગયોજનામાં ધ્યાનાકર્ષક બન્યાં છે. ભીંતચિત્રો અને આંતર-સુશોભનની ર્દષ્ટિએ બેલ્જિયમ ઍમ્બસી રેસિડેન્સ (દિલ્હી), ગોવા યુનિવર્સિટી અને જેમ સ્ટોન ઇન્ડસ્ટ્રિયલ પાર્ક (જયપુર) ઉત્તમ યોજના ધરાવે છે. ભારતની કિલ્લેબંધ મહેલરચના, ઝરૂખા અને કમાનવાળાં બારીબારણાંમાં સગવડ, સમજપૂર્વકનું હવાપ્રકાશનું આયોજન છે.

સતીશ ગુજરાલે દોરેલું ચિત્ર

1952 પછી નિયમિત રીતે તેમનાં પ્રદર્શનો દિલ્હી, મુંબઈ, કોલકાતામાં યોજાયાં છે. વિદેશમાં એમ્સ્ટરડામ, બર્લિન, લંડન, મૉન્ટ્રિયલ, રોમ, ન્યૂયૉર્ક, શિકાગો અને લીમામાં તેમનાં પ્રદર્શન યોજાઈ ચૂક્યાં છે. લલિત કલા અકાદમી, પંજાબ સંગ્રહાલય, ચંડીગઢ અને વિદેશોનાં મ્યુઝિયમોમાં તેમની કૃતિઓને સ્થાન મળ્યું છે. ટોકિયો, વેનિસ, સાઓપાવલોના દ્વિવાર્ષિકી (biennial) કલા-ઉત્સવોમાં તેમની કૃતિઓને સ્થાન મળ્યું છે. યોગાનુયોગ 13 વર્ષની નાની ઉંમરથી આવી પડેલી તેમની મૂકબધિર અવસ્થાએ તેમના મૌલિક સર્જનમાં અદભુત ફાળો આપ્યો છે.

1999માં ભારત સરકારે પદ્મવિભૂષણથી તેઓને સન્માનિત કર્યા છે.

કનુ નાયક