ગુજરાલ, ઇન્દર કુમાર (જ. 4 ડિસેમ્બર 1919, ઝેલમ, પશ્ચિમ પંજાબ [હાલના પાકિસ્તાનનો વિસ્તાર] અ. 30 નવેમ્બર 2012, ગુરગાંવ) : ભારતના પૂર્વવડાપ્રધાન, રાજકારણી અને કલારસિક નેતા. પિતા અવતાર નરેન ગુજરાલ સ્વાતંત્ર્ય સેનાની અને પાકિસ્તાની બંધારણસભાના સભ્ય; પરંતુ હિન્દુસ્તાનના વિભાજનની બેકાબૂ પરિસ્થિતિમાં પાકિસ્તાન છોડી ભારત આવ્યા અને જલંધરમાં સ્થાયી થયા. તેઓ નિરાશ્રિતોના પ્રશ્નોમાં સક્રિય હતા અને થોડો સમય પંજાબ વિધાનસભાના સભ્ય હતા.
ઇન્દર કુમારે કૉલેજકક્ષા સુધીનું શિક્ષણ લાહોર(હવે પાકિસ્તાન)માં લીધું હતું. 1943માં અર્થશાસ્ત્રના અનુસ્નાતક બન્યા. 1944માં શૈલા ગુજરાલ સાથે લગ્નગ્રંથિથી જોડાયા. શૈલા ગુજરાલ મહિલા અને બાળકો માટેની દિલ્હી સ્થિત સંસ્થાઓ સાથે જોડાયેલાં હોવા ઉપરાંત સર્જનાત્મક લેખિકા હતા.
1964–76 સુધી સાંસદ રહીને વિવિધ સ્તરે તેમણે વિવિધ કામગીરી બજાવી હતી. 1967માં પ્રત્યાયન અને સંસદીય બાબતોના મંત્રી બની તેમણે રાજકીય અગ્રિમ હરોળમાં સ્થાન મેળવ્યું હતું. 1970–72 દરમિયાન યુનેસ્કો ખાતેના ભારતીય પ્રતિનિધિમંડળના સભ્ય તરીકે કામ કર્યું હતું. 1972–75 માહિતી અને પ્રસારણમંત્રી તરીકે કામગીરી કરી જેમાં યુવાવાણી કાર્યક્રમનો આરંભ, ઑલ ઇન્ડિયા રેડિયોમાં સંસ્કૃત સમાચાર પત્રિકાનો આરંભ અને દૂરદર્શનમાંની પ્રશંસનીય કામગીરી વિશેષ ઉલ્લેખનીય છે. 1975–76 દરમિયાન આયોજનમંત્રી અને 1976–80 સુધી રશિયા ખાતેના એલચી તરીકે નોંધપાત્ર કામગીરી બજાવી હતી. 1980ની મધ્યમાં કૉંગ્રેસ પક્ષ છોડી જનતાદળમાં જોડાયા હતા. 1989માં જલંધર મતવિસ્તારમાંથી લોકસભામાં ચૂંટાયા અને વી. પી. સિંઘના મંત્રીમંડળમાં વિદેશમંત્રી રહ્યા હતા. વિદેશમંત્રી તરીકે 1989માં કાશ્મીરમાં રાબિયા સૈયદ અપહરણ કેસમાં તેમણે અપહરણકારો સાથેના વાર્તાલાપમાં સક્રિય ભૂમિકા નિભાવેલી. 1991માં ઇરાકે કુવૈત પર આક્રમણ કર્યું ત્યારે થયેલા પ્રથમ ખાડી યુદ્ધમાં સદ્દામ હુસેનને વ્યક્તિગત રીતે મળી ભારતનું સક્રિય પ્રતિનિધિત્વ કર્યું હતું. 1991માં પટણા વિસ્તારમાંથી ચૂંટણી લડી વિજેતા બન્યા. તેઓ રાજ્યસભાના સાંસદ પણ રહી ચૂક્યા હતા.
1996ની ચૂંટણીમાં યુનાઇટેડ ફ્રન્ટની સરકારમાં એચ. ડી. દેવગોવડાના વડાપ્રધાનપદ હેઠળ તેઓ બીજી વાર વિદેશમંત્રી બન્યા. આ વેળા ‘ગુજરાલ સિદ્ધાંત’ તેમનું નોંધપ્રાત્ર પ્રદાન હતું, જેમાં ભારત તેના સાખ-પડોશીઓ સાથે વધુ સારા સંબંધો જાળવે તે અંગેની ભલામણો સામેલ હતી. સંવહન અને સંસદીય બાબતોનું મંત્રાલય, માહિતી અને પ્રસારણ મંત્રાલય, આયોજન અને વિદેશ મંત્રાલય એમ વિવિધ મંત્રાલયોમાં તેમણે કામગીરી કરી હતી.
1997માં યુનાઇટેડ ફ્રન્ટ સરકારને કૉંગ્રેસ પક્ષ બહારથી ટેકો આપતો હતો ત્યારે પાછળથી કૉંગ્રેસે ટેકો પાછો ખેંચ્યો હતો. એથી એપ્રિલ 1997માં સરકાર પડી ભાંગી. કૉંગ્રેસ પક્ષ નવા નેતા હેઠળ ટેકો આપવા તૈયાર હતો ત્યારે 21 એપ્રિલ 1997માં ગુજરાલ ભારતના વડાપ્રધાન નિમાયા. 28 નવેમ્બર 1997 પૂરતી તેમણે આ કામગીરી બજાવેલી. એ વેળા યુનાઇટેડ ફ્રન્ટ અને કૉંગ્રેસ પક્ષ વચ્ચેના કડવાશભર્યા સંબંધોને તેમણે રાબેતા મુજબના બનાવ્યા હતા.
કળા અને સાહિત્ય પ્રત્યે તેઓ સવિશેષ રુચિ ધરાવતા હતા. દિલ્હી આર્ટ્સ થિયેટરના તેઓ સ્થાપક-અધ્યક્ષ હતા. ફ્રેડરેશન ઑવ્ ધ ફિલ્મ સોસાયટી ઑવ્ ધી ઇન્ડિયાના ખજાનચી, ફ્રીલાન્સ પત્રકાર – એમ વિવિધ પ્રવૃત્તિઓમાં તેઓ સક્રિય હતા. વાચનનો શોખ ધરાવતા સારા વક્તા તરીકે પણ તેમનું ઊજળું વ્યક્તિત્વ વિવિધ વર્તુળોમાં આદરપાત્ર રહ્યું હતું.
નજીકના ભવિષ્યમાં વૈયક્તિક સંસ્મરણો પ્રસિદ્ધ કરવાનું તેમનું આયોજન હતું.
રક્ષા મ. વ્યાસ