ગુજરાત (શિક્ષણથી વિજ્ઞાન અને ટૅક્નૉલૉજી)

February, 2011

ગુજરાત

શિક્ષણ

શિક્ષણની પ્રાચીન પદ્ધતિનાં મુખ્ય ધ્યેયોમાં ધાર્મિકતા અને નૈતિક ભાવનાનો વિકાસ, ચારિત્ર્યનિર્માણ, નાગરિક અને સામાજિક ફરજોનું પાલન, સામાજિક કાર્યકુશળતાનો વિકાસ અને સંસ્કૃતિની જાળવણી, તેનો વિકાસ અને પ્રસાર ગણાવી શકાય. મોટેભાગે શિષ્યોએ ગુરુ પાસે રહી અભ્યાસ કરવો પડતો. આશ્રમ, ગુરુકુળ યા મઠ, પરિષદ, સંઘ જેવી સંસ્થાઓમાં શિક્ષણ અપાતું. 8 વર્ષે ઉપનયન પછી શિક્ષણ માટે 1516 વર્ષ ગાળવાં પડતાં. જુદા જુદા વર્ણો માટે વિદ્યાભ્યાસ માટેની ઉંમર જુદી જુદી હતી. 24 વર્ષે દીક્ષાન્ત પછી ગૃહસ્થાશ્રમ-જીવન શરૂ થઈ શકતું. વિદ્યાભ્યાસના વિષયોમાં વેદ, પુરાણ, વ્યાકરણ, જ્યોતિષ, દર્શનશાસ્ત્ર ઉપરાંત વ્યાવસાયિક કૌશલ્યો માટે ખેતીકામ, પશુપાલન, યુદ્ધવિદ્યા તેમજ અન્ય હુન્નરો શીખવવામાં આવતા.

છાપકામ અને કાગળો ઉપલબ્ધ ન હતાં; તેથી શ્રવણ અને સ્મૃતિ ઉપર ભાર અપાતો. સ્મૃતિને વિકસાવવા અને તાલીમ આપવા માટે ગુરુમુખે શીખેલું ‘કંઠસ્થ કરાવવામાં આવતું, અર્થાત્, મુખપાઠપદ્ધતિ અમલમાં હતી. શિક્ષણપ્રણાલીમાં વાદવિવાદ(શાસ્ત્રાર્થ)ને મહત્વ અપાતું. સ્ત્રીઓને શિક્ષણ આપવાનો નિષેધ ન હતો. ધાર્મિક અને દાર્શનિક વિષયોમાં પારંગત સ્ત્રીઓ શાસ્ત્રાર્થ કરતી તેવાં દૃષ્ટાંતો મળે છે.

ગુરુ-શિષ્યનો સંબંધ પિતાપુત્ર જેવો હતો. ગુરુએ સોંપેલું પ્રત્યેક કામ શિષ્યે કરવું પડતું. નીતિમત્તા, રીતભાત, આત્મસંયમ અને સુટેવોના ઘડતર માટે કડક શિસ્તપાલન હતું. ભિક્ષાટન શિષ્યને નમ્રતા શીખવવા માટે થતું.

વૈદિક અને પ્રાચીન પદ્ધતિમાં શિક્ષણસંસ્થાઓમાં સંસ્કૃત શીખવાતું. પછી બૌદ્ધ શિક્ષણપદ્ધતિમાં ક્યારેક સંસ્કૃત, પણ મોટેભાગે પ્રાકૃત ભાષા અર્થાત્ લોકભાષામાં મઠોમાં શ્રમણો દ્વારા ધાર્મિક અથવા લૌકિક એમ બધી જાતનું શિક્ષણ અપાતું. સ્ત્રીશિક્ષણ માટે અનુમતિ હતી. આમ બૌદ્ધ શિક્ષણપદ્ધતિ વ્યવહારે તો બૌદ્ધસંઘની પદ્ધતિ હતી.

ભારત આવેલા ચીની મુસાફર ઇત્સિંગે પૂર્વ ભારતની નાલંદા વિદ્યાપીઠની સાથે વલભી વિદ્યાપીઠની કીર્તિનો ઉલ્લેખ કર્યો છે.

વલભી વિદ્યાપીઠ : સૌરાષ્ટ્રમાં ભાવનગરથી 39 કિમી. દૂર આવેલું હાલનું વલભીપુર પ્રાચીન સમયમાં આંતરરાષ્ટ્રીય વેપારનું પ્રસિદ્ધ બંદર અને મહત્વનું વિદ્યાધામ હતું. વિદ્યાધામ તરીકે વલભી વિદ્યાપીઠની ખ્યાતિ દેશભરમાં પ્રસરી હતી. છેક ગંગા-યમુનાના પ્રદેશ જેટલે દૂરથી વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ માટે વલભી વિદ્યાપીઠમાં આવતા. વલભી બૌદ્ધ મઠોનું જ કેન્દ્ર હતું એમ નહોતું. તે વેદ અને જૈન મત માટેનું વિદ્યાધામ પણ હતું. નાગાર્જુનસૂરિની અધ્યક્ષતા નીચે જૈન આગમોની વાચના ત્યાં ચોથી સદીમાં તૈયાર થઈ હતી. નાલંદાના બે મહાન વિદ્વાનો ગુણમતિ અને સ્થિરમતિએ ત્યાં કેટલાંક વર્ષો ગાળ્યાં હતાં. ‘ઋગ્વેદ-ભાષ્ય’ અને ‘નિરુક્ત-ટીકા’ના કર્તા સ્કંદસ્વામી વલભીના વતની હતા. પાંચમી સદીમાં વલભીમાં મૈત્રક વંશની રાજસત્તા સ્થપાતાં વલભી વિદ્યાપીઠને પ્રોત્સાહન મળ્યું અને તે બૌદ્ધ ધર્મના હીનયાનના અભ્યાસનું મુખ્ય કેન્દ્ર બની ગયું હતું. રાજસત્તા તરફથી ભૂમિદાનો અને અન્ય દાન મળતાં વિહારમંડળોનો વિકાસ થયો હતો. સાતમી સદીમાં ત્યાં સોએક વિહારો હતા. તેમાં 6,000 ભિખ્ખુ વિદ્યાર્થીઓ રહેતા હતા. નાલંદાની જેમ વલભી વિદ્યાપીઠમાં પણ પ્રવેશ મેળવવા માટે પડાપડી થતી. પ્રવેશની પરીક્ષામાં દસમાંથી બેત્રણ જ સફળ થતા. તેઓ બેત્રણ વર્ષ ગાળીને બૌદ્ધ ન્યાય અને દર્શનનું ઉચ્ચ શિક્ષણ મેળવતા. પછી ત્યાંની વાદસભામાં ભાગ લઈ પોતાના મતનું પ્રતિપાદન કરવામાં પારંગત થતા. વાદસભામાં ઉચ્ચ શ્રેણી પામતા વિદ્વાનોનાં નામ વિદ્યાપીઠના ઊંચા દરવાજા પર સફેદ અક્ષરોમાં લખાતાં.

વલભી વિદ્યાપીઠના સ્નાતકો વહીવટી ખાતાની જગ્યા ઉપર નિમાતા. જો ધર્મ, ન્યાય, અર્થશાસ્ત્ર, સાહિત્ય અને નામું જેવા વિષયો આ વિદ્યાપીઠમાં શીખવાતા ન હોત તો આમ બનવું શક્ય નહોતું. વિદ્યાપીઠના અંતેવાસી વિદ્યાર્થીઓના માધ્યમિક શિક્ષણમાં શબ્દવિદ્યા, ધર્મવિદ્યા, ન્યાયવિદ્યા, શિલ્પવિદ્યા અને ચિકિત્સાવિદ્યાના શિક્ષણનો સમાવેશ થતો. વિદ્યાપીઠમાં સારું ગ્રંથાલય પણ હતું. તેને સમૃદ્ધ કરવા માટે મૈત્રક રાજાઓ સીધાં દાન આપતા. વળી વલભી સોએક લાખોપતિ નાગરિકો ધરાવતું સમૃદ્ધ નગર હતું. ત્યાંના આ ધનપતિઓ પણ વિદ્યાપીઠને દાન આપતા. ઈ. સ. 480થી ઈ. સ. 775 સુધી રાજસત્તા ભોગવતા મૈત્રક રાજાઓ વિદ્યાના મહાન આશ્રયદાતાઓ હતા. આરબ આક્રમણથી મૈત્રક રાજસત્તાનો અંત આવ્યો અને લગભગ ચાર સૈકાથી ચાલતી સમૃદ્ધ વલભી વિદ્યાપીઠ પણ નષ્ટપ્રાય થઈ.

રજપૂતોના શાસનકાળ દરમિયાન ગુજરાત રાજ્યમાં ગામડાંમાં નિશાળો હતી. પંડિતો પ્રાચીન ભારતીય શિક્ષણપદ્ધતિ પ્રમાણે શિક્ષણ આપતા. ગુરુશિષ્યસંબંધ ઘનિષ્ઠ હતો. લખવા માટે ભોજપત્રનો ઉપયોગ થતો. ગુજરાતની સંસ્કારિતાની દૃષ્ટિએ સોલંકી વંશના ભીમદેવના રાજ્યની સારી ખ્યાતિ હતી. આ સમયે ભારતમાં વિદ્યાનાં મુખ્ય કેન્દ્રોમાં અણહિલવાડ પાટણની ગણના થતી. પાડોશી વિદ્યાપ્રેમી ભોજરાજાની હરીફાઈમાં ભીમદેવે ગુજરાતમાં વિદ્યાવિકાસને ઘણું પ્રોત્સાહન આપ્યું. વિદ્યાની દરેક શાખાના બ્રાહ્મણ અને જૈન વિદ્વાનો ગુજરાતમાં આવતા. ભીમદેવના દરબારમાં ન્યાય, વ્યાકરણ, વેદાન્ત અને સાહિત્યમાં પ્રખ્યાત વિદ્વાનો થઈ ગયા. તેઓમાં શાન્ત્યાચાર્ય અને સુરાચાર્ય જાણીતા છે. આચાર્ય હેમચંદ્રનું મોટું સ્વતંત્ર સંસ્કૃત-પ્રાકૃત વ્યાકરણ ‘સિદ્ધ-હૈમ’ આ અરસામાં રચાયું. શ્રીપાલ, વાગ્ભટ જેવા વિદ્વાનો પણ આ સમયમાં થઈ ગયા. માળવા જીતી લીધા પછી માળવાનો પુસ્તકભંડાર ગુજરાતમાં આવ્યો.

મુસ્લિમ શાસનકાળ દરમિયાન હિંદુ પાઠશાળાઓમાં સંસ્કૃતનો અભ્યાસ થતો અને હિંદુ ધર્મગ્રંથોને કેન્દ્રમાં રાખીને શિક્ષણ અપાતું. રાજ્યમાં ધૂળિયા નિશાળો ચાલતી. ત્યાં પ્રાથમિક શિક્ષણ અપાતું. શાળાઓ મંદિર, મઠ કે ધર્મશાળામાં ચાલતી. મુસલમાનોને મસ્જિદમાં જ આવેલ મકતબમાં પ્રાથમિક શિક્ષણ અપાતું. 4 વર્ષ 4 માસ અને 4 દિવસની ઉંમરે મકતબમાં પ્રવેશ આપતી વખતે બિસ્મિલ્લાહ સંસ્કાર કરવામાં આવતો અને અરબીનું શિક્ષણ અપાતું. મકતબ પછી આગળ અભ્યાસ માટે મદરેસામાં શિક્ષણ અપાતું. કુરાનને કેન્દ્રમાં રાખીને શિક્ષણ આપવામાં આવતું. કેટલીક મદરેસાઓ અમદાવાદ, પાટણ, ભરૂચ વગેરે સ્થળોએ આવેલી હતી. રાજ્યની અને અમીરોની મદદથી મદરેસાનું કાર્ય ચાલતું. મુઘલકાલીન ગુજરાતમાં શિક્ષણ અને સાહિત્યનું કેન્દ્ર અમદાવાદ બન્યું હતું. શિક્ષણ રાજ્યનું મરજિયાત કાર્ય ગણાતું. તેમ છતાં અકબર, જહાંગીર, શાહજહાં, ઔરંગઝેબ જેવા બાદશાહોએ શિક્ષણસંસ્થાઓને મદદ કરીને રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થિત રીતે અપાય તેની કાળજી રાખી હતી. ફારસીમાં રાજકારભાર ચાલતો. ગુજરાતમાં નાગરો અને કાયસ્થો જેવી કોમોના ઘણા લોકોએ ફારસી ભાષા શીખી રાજ્યની મહત્વની નોકરીઓ મેળવી હતી. બોલચાલમાં પ્રાદેશિક ભાષા  ગુજરાતીનો ઉપયોગ થતો.

અકબર બાદશાહે ખાસ ફરમાન બહાર પાડીને ગણિત, યુનાની ચિકિત્સા, આયુર્વેદ, જ્યોતિષ અને ખગોળ વગેરે વિષયોના શિક્ષણની વ્યવસ્થા કરી હતી. મુસ્લિમ શિક્ષણકેન્દ્રોમાં ગણિત, ખગોળ જેવા વિષયો શીખવવા માટે હિંદુ શિક્ષકોની નિમણૂક થતી. પરદા-પ્રથા હોવાથી મુસ્લિમોમાં કન્યાકેળવણીનો લગભગ અભાવ હતો. અમીરો અને જાગીરદારોને ત્યાં ઘેર શિક્ષિકાઓ દ્વારા શિક્ષણ અપાતું. કુશળ કારીગરો અને કલાકારો મારફત કલાકૌશલ્યો અને હુન્નરો શીખવાતાં. કુશળ કલાકારોને ‘ઉસ્તાદ’ કહેવામાં આવતા.

મુઘલ સમયમાં ગુજરાતમાં અમદાવાદ, સૂરત, પાટણ અને ધોળકાનાં શિક્ષણકેન્દ્રો જાણીતાં હતાં. અમદાવાદ, સરખેજ, કુતિયાણા (સૌરાષ્ટ્ર) વગેરે સ્થળોએ સારાં પુસ્તકાલયો પણ હતાં. આ સમય દરમિયાન ગુજરાતમાં જૈન સૂરિઓનો ફાળો નોંધપાત્ર રહ્યો હતો. આમાં વિજયસેનસૂરિ, સમયસુંદર, ઋષભદાસ અને વિદ્યાસૌભાગ્યનાં નામ અને તેમની કૃતિઓ ઉલ્લેખનીય છે.

ગુજરાતમાં મરાઠાકાળમાં મરાઠી સૂબાઓના રાજ્યવહીવટ દરમિયાન શિક્ષણના ક્ષેત્રમાં ખાસ કોઈ નોંધપાત્ર ઘટના કે વિકાસ થયાના નિર્દેશો મળતા નથી. એ સમય મહદંશે સત્તા ટકાવવાના સંઘર્ષનો હતો.

યુરોપીય પ્રજા મુખ્યત્વે વેપાર અર્થે ભારતમાં આવી. બ્રિટિશરો આવ્યા તે પહેલાં અહીં શિક્ષણ દેશી પદ્ધતિએ ચાલતું હતું. ગુજરાત મુંબઈ ઇલાકાનો ભાગ હતું. મુંબઈ નેટિવ એજ્યુકેશન સોસાયટી દેશી શિક્ષણનું સંચાલન કરતી. ધૂળિયા શાળા જેવી ગામઠી શાળાઓ ચાલતી. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના આગમનથી ખ્રિસ્તી ધર્મનો ફેલાવો કરવાના હેતુથી શિક્ષણની યુરોપીય પદ્ધતિ અમલમાં આવી. બાઇબલનો દેશી ભાષાઓમાં અનુવાદ કરી ઉપદેશ અપાતો. આમ ધાર્મિક હેતુ પાર પાડવા શિક્ષણનો ફેલાવો કરાયો. મુંબઈ ઇલાકામાં દેશી પદ્ધતિના શિક્ષણમાં વડા વિદ્યાર્થી(મૉનિટર)ની મદદથી શિક્ષણ આપવાની પ્રથા ચાલુ હતી. મુંબઈ પ્રાંતમાં એલ્ફિન્સ્ટને શિક્ષણ અંગે કેટલીક મહત્વની ભલામણો કરી હતી.

કેટલાંક દેશી રાજ્યો જેવાં કે વડોદરા, જૂનાગઢ, ભાવનગર અને ગોંડળમાં થયેલ શિક્ષણપ્રવૃત્તિ ખાસ નોંધ માગી લે છે. વડોદરામાં ગાયકવાડ સરકાર સયાજીરાવ ત્રીજાએ 1906–1907 દરમિયાન ફરજિયાત શિક્ષણની યોજના દાખલ કરી. આમાં ગામેગામ પ્રાથમિક શાળાઓ અને પ્રત્યેક તાલુકાસ્થળે પુસ્તકાલય અને દવાખાના માટેની સવલત ઊભી કરવામાં આવી. વડોદરા રાજ્યમાં 1891 સુધીમાં 559 પ્રાથમિક શાળાઓ હતી. ચાર ગામના જૂથ વચ્ચે ‘ચોરા’માં તલાટી દ્વારા સામાન્ય રોગ માટે દવાઓનું વિતરણ વિના મૂલ્યે કરવામાં આવતું. આ અરસામાં સ્ત્રી-કેળવણીને વિશેષ ઉત્તેજન આપવામાં આવ્યું. આ બધી શાળાઓમાં નાતજાતના ભેદભાવ વગર સૌને સાથે બેસાડીને શિક્ષણ આપવામાં આવતું હતું. વડોદરા શહેરમાં સૌથી પહેલી અંગ્રેજી શાળા 1871માં અને કૉલેજ 1879માં સ્થાપવામાં આવી હતી. એ કૉલેજમાં 1882માં 30 વિદ્યાર્થીઓ હતા. તેમાં 1887માં વિજ્ઞાનવિભાગ શરૂ કરવામાં આવ્યો. 1890માં આટ્ર્સ અને સાયન્સ વિભાગ ઉપરાંત કાયદાશાસ્ત્ર, સિવિલ એન્જિનિયરિંગ અને ખેતીવાડીના ડિપ્લોમા માટેના વિભાગો શરૂ કરવામાં આવ્યા. 1890માં કલાભવનની સ્થાપના થઈ.

વડોદરામાં મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ પાટણના જૈન ગ્રંથભંડારોમાંથી હસ્તપ્રતોની તપાસ કરવાનું કામ મણિલાલ નભુભાઈ દ્વિવેદીને સોંપ્યું. તેમણે 2,619 હસ્તપ્રતોની વર્ગીકૃત સૂચિ તૈયાર કરી તે મુજબ પુસ્તકોનું પ્રકાશન કરવાની ભલામણ કરેલી. તે માટે 1893માં વડોદરામાં સરકાર તરફથી ભાષાંતર ખાતું શરૂ થયું. અનંતકૃષ્ણ શાસ્ત્રીએ આ કાર્ય માટે 10,000 હસ્તપ્રતો અને 630 જેટલાં પુસ્તકો ભારતભરમાંથી વડોદરામાં આણ્યાં. પાછળથી પ્રાચ્યવિદ્યામંદિર (ઓરિયેન્ટલ ઇન્સ્ટિટ્યૂટ) તરીકે નામાભિધાન પામેલી આ સંસ્થા 1927માં શરૂ થઈ, જેની પાસે હાલમાં 27,319 જેટલી હસ્તપ્રતો છે. આ હસ્તપ્રતોને આધારે 1916થી 1999 સુધીમાં 177 ગ્રંથોનું સંપાદન-પ્રકાશન ‘ગાયકવાડ ઓરિયેન્ટલ સિરીઝ’ તરીકે થયું છે. આ ગ્રંથમાળાના પ્રથમ સંપાદક સી. ડી. દલાલ હતા. આ સંસ્થાએ વાલ્મીકિરામાયણની સમીક્ષિત આવૃત્તિ 1951થી 1975 સુધીમાં સાત ખંડોમાં પ્રકાશિત  કરી છે. સયાજી સાહિત્યમાળા શ્રેણીમાં 650થી વધુ ગુજરાતી પુસ્તકો પ્રસિદ્ધ કરવામાં આવ્યાં છે. આ સંસ્થા દ્વારા ‘જર્નલ ઑવ્ ઓરિયેન્ટલ ઇન્સ્ટિટ્યૂટ’ અને ‘સ્વાધ્યાય’ નામનાં સંશોધન-સામયિકો પ્રસિદ્ધ કરવામાં આવે છે, પ્રાચ્યવિદ્યામંદિર પ્રાચ્યવિદ્યા અને સંસ્કૃતિને લગતાં 46,500 પુસ્તકો ધરાવે છે. છેક 1931થી આ સંસ્થામાં અનુસ્નાતક વિભાગ શરૂ કરવામાં આવ્યો છે, જેને એમ. એસ. યુનિવર્સિટીએ પોતાના ઘટક તરીકે માન્ય કર્યો છે.

સૌરાષ્ટ્રની સૌપ્રથમ શામળદાસ કૉલેજ 1885માં ભાવનગરમાં સ્થપાઈ. આ જ અરસામાં જૂનાગઢમાં બહાઉદ્દીન કૉલેજ શરૂ થઈ. તે પછી ચાર-પાંચ દાયકા બાદ રાજકોટ રાજ્યમાં રાજકુમાર કૉલેજ સ્થપાઈ. ગોંડળ રાજ્યના રાજવી ભગતસિંહજીએ કન્યાકેળવણી માટે ખાસ વ્યવસ્થા કરી.

ગુજરાતની સર્વપ્રથમ અંગ્રેજી શાળા દલપતરામ ભગુભાઈ નામના સમાજસુધારકે સૂરતમાં શાહપુર મુસાફરખાના પાસે 1834માં શરૂ કરી હતી. ભરૂચમાં ટકલ અને ટાઉન્શેડે અંગ્રેજી શીખવવાનો ખાનગી વર્ગ શરૂ કર્યો હતો. આઇ. પી. મિશન હાઈસ્કૂલ સૂરતમાં 1840માં શરૂ કરવામાં આવી હતી. રાજકોટમાં રેવરન્ડ કાર તથા ગ્લાસગોએ 1843માં અંગ્રેજી શીખવવા માટેનો વર્ગ ખોલ્યો હતો. 1840–41માં સૂરતમાં સરકારી હાઈસ્કૂલ લોકોની માગણીથી શરૂ કરવામાં આવી હતી. અમદાવાદમાં પણ સરકારી શાળા 1846માં અસ્તિત્વમાં આવી હતી. નોંધપાત્ર બિના તો તે છે કે સરકારી શાળાઓ શરૂ કરવા લોકફાળો પણ એકત્ર કરવામાં આવતો. આ પ્રકારની શાળાઓને ઍંગ્લો વર્નાક્યુલર સ્કૂલ (એ. વી. સ્કૂલ), સુપિરિયર એ. વી. સ્કૂલ, મિડલ સ્કૂલ કે ગ્રામર સ્કૂલ તરીકે ઓળખવામાં આવતી હતી.

વ્યાયામશિક્ષણ માટે વડોદરા રાજ્ય પ્રેરણાભૂમિ હતું. ગુજરાતની વિશિષ્ટ મલ્લવિદ્યાને રાજ્યાશ્રય આપનાર રાજવીઓમાં સયાજીરાવ બીજા અને ખંડેરાવનાં નામ જાણીતાં છે. સયાજીરાવ ત્રીજાએ પણ વ્યાયામશિક્ષણને પ્રોત્સાહન આપ્યું હતું. શ્રીમંત સયાજીરાવ મહારાજે અનુદાન આપી લોકવ્યાયામ-શાળાઓને પ્રોત્સાહન આપ્યું હતું. વડોદરા રાજ્યમાં 1934ના વર્ષમાં આવી 109 વ્યાયામશાળાઓ હતી.

ભારતીય વ્યાયામના પુરસ્કર્તા પ્રો. માણેકરાવે ભારતીય વ્યાયામવિદ્યાને નવા યુગને અનુરૂપ વ્યવસ્થિત આકાર આપ્યો હતો. છોટુભાઈ પુરાણી, અંબુભાઈ પુરાણી અને તેમના સાથીઓએ ગુજરાતમાં ઠેર ઠેર વ્યાયામશાળાઓ સ્થાપી હતી. સૌરાષ્ટ્રમાં સ્વામી રાવ અને બહાઉદ્દીનભાઈ શેખ દ્વારા વ્યાયામપ્રવૃત્તિ શરૂ થઈ હતી. ભારતના ક્રાંતિવીર સરદાર પૃથ્વીસિંહ આઝાદે (સ્વામી રાવ) ભાવનગરના મોતીબાગ અખાડાની વ્યાયામશાળાને કર્મભૂમિ બનાવીને વ્યાયામપ્રવૃત્તિમાં અનેક યુવાનોને તૈયાર કર્યા. પુરાણી ભાઈઓએ શરૂ કરેલી વડોદરાની શ્રી લક્ષ્મીનાથ વ્યાયામશાળા ઠેર ઠેર અનેક વ્યાયામશાળાઓને વિકસાવવામાં કારણરૂપ હતી. ગુજરાતમાં શારીરિક શિક્ષણમાં વ્યાયામશાળાઓનું યોગદાન મહામૂલું છે.

પુસ્તકભંડારો : રજપૂત સમયમાં માળવાનો પુસ્તકભંડાર ગુજરાતમાં લાવવામાં આવ્યો હતો. મુઘલ બાદશાહો પણ પુસ્તકોના શોખીન હતા. હુમાયૂં, અકબર, જહાંગીર, શાહજહાં, દારા અને ઔરંગઝેબના શાહી પુસ્તકભંડારો નવાં અને દુર્લભ પુસ્તકોથી સમૃદ્ધ હતા. આ બાદશાહો દૂરના પ્રદેશોની જીત પછી ત્યાંના પુસ્તકભંડારો લઈ લેતા. આવા પુસ્તકભંડારોમાં ગુજરાતનાં ગ્રંથાલયોનાં પુસ્તકો પણ હતાં. બદાયૂં લખે છે કે ગુજરાતની જીત પછી સુંદર અને દુર્લભ પુસ્તકો શાહી પુસ્તકભંડારમાં ઉમેરાયાં હતાં. આ પુસ્તકો ઇમ્તિયાદખાન ગુજરાતીના કબજામાં હતાં. પછી તો પુસ્તકો અને હસ્તપ્રતો પુસ્તકભંડારમાં ઉમેરાતાં રહ્યાં. અકબરે સારાં પુસ્તકોના અનુવાદો કરાવ્યા હતા. જહાંગીર ગુજરાત આવેલો ત્યારે ગુજરાતના વિદ્વાન શેખોને તેણે ઘણાં પુસ્તકો ભેટ આપેલાં. મુઘલોના શાસનકાળ દરમિયાન ઉત્તમ કક્ષાના પુસ્તકભંડારોનો વિકાસ થયો. ગુજરાતના સૂબામાં જ 14 પુસ્તકાલયો હતાં. તે સમયના દુર્લભ અને અમૂલ્ય સંગ્રહોથી તે પુસ્તકાલયો સમૃદ્ધ હતાં. ગુજરાતના સૂબામાં ઉચ્ચ શિક્ષણ માટેની મદરેસાઓ સાથે અનેક પુસ્તકાલયો સંલગ્ન હતાં.

2011માં ગુજરાતની વસ્તી છ કરોડ ત્રણ લાખ હતી. તેમાં સાક્ષરતાનું કુલ પ્રમાણ 79.31 ટકા હતું. પુરુષોમાં સાક્ષરતાનું પ્રમાણ 87.2 ટકા હતું અને સ્ત્રીઓમાં 70.7 ટકા હતું. ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં સાક્ષરતાનું પ્રમાણ 68.1 ટકા હતું, જ્યારે નગરવિસ્તારોમાં તે 86.5 ટકા હતું. 1991માં ગુજરાતમાં સાક્ષરતાનું પ્રમાણ 61.3 ટકા હતું.

કોઈ પણ પ્રજાનો ઉત્કર્ષ તે પ્રજામાંના કેટલા લોકોને લખતાં, વાંચતાં અને ગણતાં આવડે છે તેના પર અવલંબે છે. જે લોકોને લખતાં, વાંચતાં અને થોડું ગણતરીનું કામ આવડતું હોય તેમને અક્ષરજ્ઞાનવાળા કે સાક્ષર લેખવામાં આવે છે.

પ્રૌઢશિક્ષણ : હાલ બાળકો માટે શાળામાં ભણવા જવાનું ફરજિયાત હોવા છતાં બધાં બાળકો શાળાએ જતાં નથી. ગરીબ અને અભણ માબાપનાં કેટલાંક બાળકો કાયદા વિરુદ્ધ મજૂરી કરવા જતાં હોઈ તેમનાં માબાપને આર્થિક મદદ કરે છે અને તેથી માબાપ તેમને શાળાએ મોકલતાં નથી. આથી ઘણાં યુવક-યુવતીઓ નિરક્ષર રહે છે.

15થી 35 વર્ષની ઉંમરના નિરક્ષર લોકો માટે સરકારે પ્રૌઢશિક્ષણની વ્યવસ્થા કરી છે. સરકારના સંપૂર્ણ સાક્ષરતા અભિયાન(total literacy programme)નો હેતુ લોકોમાં લગભગ પૂરી સાક્ષરતા લાવવાનો છે. ગુજરાતમાં સર્વ જિલ્લાઓમાં જિલ્લા સાક્ષરતા સમિતિની રચના થઈ છે. સમિતિના સભ્યોને પ્રૌઢશિક્ષણની તાલીમ આપવા ગૂજરાત વિદ્યાપીઠમાં એક વિભાગ સ્થાપવામાં આવ્યો હતો. તેમાં વ્યવસ્થાપકો અને ચાવીરૂપ લોકોને તાલીમ આપવામાં આવી હતી, તથા પ્રૌઢો માટે વાચનસામગ્રી તૈયાર કરવાનું કામ કરવામાં આવ્યું હતું. પ્રૌઢશિક્ષણ લેનારી વ્યક્તિઓની થોડે થોડે સમયે પરીક્ષા લેવામાં આવે છે અને વાચન, લેખન તથા ગણતરી કરવાના કાર્યમાં 80 % ગુણ મેળવનારને સંપૂર્ણ અક્ષરજ્ઞાન મેળવેલા એટલે કે સાક્ષર ગણવામાં આવે છે. પ્રૌઢશિક્ષણના વહીવટનું કામ કેળવણી ખાતાના અધિકારીઓ કરે છે. 1980–81થી 1989–90 દરમિયાન પ્રૌઢશિક્ષણની વિવિધ યોજનાઓમાં 1,10,891 વર્ગો હતા અને તેમાં 40,69,876 પ્રૌઢોને આવરી લેવાયા હતા. વિવિધ જિલ્લાઓને સો ટકા સાક્ષર બનાવવાની કામગીરી હાથ ધરાઈ છે.

ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ

બુનિયાદી શિક્ષણ : ગાંધીજીના શિક્ષણ અંગેના વિચારોને મૂર્ત સ્વરૂપ આપવા 1937ના ઑક્ટોબર માસમાં વર્ધા મુકામે કેળવણીકારોનું એક સંમેલન બોલાવવામાં આવ્યું હતું. તેણે નીચેના સિદ્ધાંતો નક્કી કર્યા હતા :

(1) સાત વર્ષ સુધી મફત અને ફરજિયાત શિક્ષણની જોગવાઈ કરવી; (2) શિક્ષણનું માધ્યમ બાળકની માતૃભાષા હોવી જોઈએ; (3) સમગ્ર શિક્ષણગાળા દરમિયાન કેન્દ્રસ્થાને કોઈ ઉત્પાદક શ્રમ હોવો જોઈએ અને વિવિધ કૌશલ્યો ખીલવવા માટે સમન્વય સાધી શિક્ષણ આપવું જોઈએ.

આ પરિષદે ડૉ. ઝાકિર હુસેનના અધ્યક્ષપદે એક સમિતિ નીમી તેને પાયાની કેળવણીનાં ધ્યેયો સાધે એવો વિગતવાર અભ્યાસક્રમ ઘડી કાઢવાનું કામ સોંપવામાં આવ્યું. આ પ્રકારના ઉત્પાદક શ્રમ દ્વારા અપાતા શિક્ષણને બુનિયાદી કે પાયાનું શિક્ષણ કહેવામાં આવે છે.  માધ્યમિક કક્ષાએ બુનિયાદી શિક્ષણ આપતી શાળાઓને ઉત્તર-બુનિયાદી શાળાઓ કહેવામાં આવે છે. ગુજરાતમાં ઘણી પ્રાથમિક શાળાઓમાં બુનિયાદી શિક્ષણ અને કેટલીક માધ્યમિક શાળાઓમાં ઉત્તર-બુનિયાદી શિક્ષણ આપવામાં આવે છે. આમાંની ઘણી શાળાઓમાં મધ્યવર્તી ઉત્પાદક શ્રમ તરીકે કૃષિ અથવા કાંતણ-વણાટને અપનાવવામાં આવ્યાં છે.

1964–66ના કોઠારી કમિશને ‘બુનિયાદી’ શબ્દ વાપર્યા વિના પ્રાથમિક શાળાઓમાં અન્ય વિષયો સાથે સમાજોપયોગી ઉત્પાદક શ્રમને પણ એક વિષય તરીકે શીખવવા ભલામણ કરી હતી, તે પ્રમાણે હાલ ગુજરાતની સર્વ પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ અપાય છે. સાથે બુનિયાદી તેમજ ઉત્તર-બુનિયાદી પ્રવાહ પણ ચાલુ છે.

આશ્રમશાળાઓ : પછાત વિસ્તારોમાં શિક્ષણનો વ્યાપ વધારવા ગુજરાત સરકારનું કેળવણી ખાતું આશ્રમશાળાઓ એટલે કે રહેવાની સગવડ સાથેની શાળાઓને માન્યતા આપી તેમના નિભાવ માટે ખાસ અનુદાન આપે છે. હાલ આવી લગભગ 400 આશ્રમશાળાઓ છે, જેમાં 300 ઉપરાંત બુનિયાદી શાળાઓ અને 80 જેટલી ઉત્તર-બુનિયાદી શાળાઓનો સમાવેશ થાય છે. આ શાળાઓમાં વિદ્યાર્થીઓએ ભણવા સાથે રહેવાનું ફરજિયાત હોવાથી આખો દિવસ શૈક્ષણિક તેમજ સાંસ્કારિક કાર્યક્રમોમાં ભાગ લેવાનો હોય છે. આ શાળાઓમાં અન્ય બુનિયાદી શાળાઓ જેવા જ અભ્યાસક્રમો ચાલે છે. આશ્રમશાળાઓના વહીવટ પર દેખરેખ રાખવા કેળવણી ખાતામાં એક ખાસ વિભાગ રાખવામાં આવ્યો છે.

મોટાભાગની આશ્રમશાળાઓ સ્વૈચ્છિક સંસ્થાઓ (voluntary agencies) દ્વારા ચાલે છે અને માત્ર બે ટકા શાળાઓ સરકાર દ્વારા ચાલે છે.

પૂર્વપ્રાથમિક શિક્ષણ : ગુજરાતમાં પ્રાથમિક શાળાઓ સાથે અથવા સ્વતંત્ર રીતે અઢીથી પાંચ વર્ષનાં બાળકો માટે કેટલીક પૂર્વપ્રાથમિક શાળાઓ ચાલે છે. શહેરોમાં મ્યુનિસિપાલિટી કે કૉર્પોરેશન અને ગ્રામવિસ્તારમાં પંચાયતો આવી પૂર્વપ્રાથમિક શાળાઓ ચલાવે છે અને ઘણી ખાનગી સંસ્થાઓ પણ આવી શાળાઓ ચલાવે છે. એમાંની કેટલીક અંગ્રેજી માધ્યમવાળી પણ છે.

પૂર્વપ્રાથમિક શિક્ષણનું મુખ્ય ધ્યેય બાળકોને શાલેય શિક્ષણ પ્રત્યે અભિમુખ કરવાનું છે. તેમાં ઘણા પ્રકારની પદ્ધતિઓ અપનાવવામાં આવી છે, જેમાં ફ્રૉબેલની બાલવાડી, મૉન્ટેસોરીની પદ્ધતિ તથા બુનિયાદી બાલવાડીઓની પદ્ધતિ મુખ્ય છે. ઘણીખરી પૂર્વપ્રાથમિક શાળાઓ કોઈ એક જ પદ્ધતિને બદલે અનેક પદ્ધતિઓનું મિશ્રણ કરે છે, જેમાં ‘જાતે કામ કરીને શીખો’(learning by doing)નો સિદ્ધાંત અમલમાં મૂકવામાં આવે છે. આ શાળાઓમાં રમતો, ગીતો, સમૂહપ્રવૃત્તિઓ અને રોજબરોજની પ્રવૃત્તિઓ જેવી કે જમવું, પીરસવું, વાસણ સાફ કરી ગોઠવવાં, આરોગ્યપ્રદ ટેવો પાડવી વગેરે મુખ્ય છે.

પૂર્વપ્રાથમિક કક્ષાના પ્રથમ વર્ષને નર્સરી અને બીજાં બે વર્ષોને જુનિયર કિન્ડરગાર્ટન તથા સિનિયર કિન્ડરગાર્ટન તરીકે ઓળખવામાં આવે છે. નર્સરી વર્ગો બહુ થોડી પૂર્વપ્રાથમિક શાળાઓમાં હોય છે. આ તબક્કાનું શિક્ષણ તદ્દન મરજિયાત ધોરણે ચાલે છે અને ઘણાંખરાં બાળકો તેમાં એક, બે કે ત્રણ વર્ષનું શિક્ષણ લઈ પ્રાથમિક શાળામાં દાખલ થાય છે. કેટલીય પૂર્વપ્રાથમિક શાળાઓ થોડું લખતાં, વાંચતાં અને ગણતરી કરતાં પણ શીખવે છે, જે ખરેખર ઇચ્છનીય નથી.

સ્વાતંત્ર્ય પૂર્વે ભાવનગરની દક્ષિણામૂર્તિ સંસ્થામાં ગિજુભાઈ બધેકા તથા તારાબહેન મોડકે પૂર્વપ્રાથમિક શિક્ષણની શરૂઆત કરી હતી. તેમને માદામ મૉન્ટેસોરીએ પોતે પ્રેરણા આપી હતી. ગુજરાતમાં પૂર્વપ્રાથમિક શિક્ષણનો વ્યાપ હાલ તો ખૂબ વધ્યો છે.

1997–98માં 2,638 બાલમંદિરો હતાં. તેમાં 1,65,852 બાળકો દાખલ થયાં હતાં. કુલ 4,108 શિક્ષક-શિક્ષિકાઓ આ બાલમંદિરોમાં શિક્ષણ આપતાં હતાં. બાલમંદિરના શિક્ષકોને તાલીમ આપવા માટે અગિયાર અધ્યાપન-મંદિરો છે. બાલમંદિરો ઉપરાંત સમાજકલ્યાણ-સંચાલિત બાલવાડીઓ તથા આંગણવાડીઓ છે.

પ્રાથમિક શાળાઓમાં દાખલ થયેલા વિદ્યાર્થીઓ અધવચ્ચે શાળા છોડી દે છે તે અંગેનો દર (ટકામાં) નીચેના કોઠામાં આપવામાં આવેલ છે :

વર્ષ

ધોરણ Iથી V            ધોરણ Iથી VII
  છોકરા છોકરીઓ કુલ છોકરા છોકરીઓ

કુલ

2000-01

21.05

20.81 20.93 40.53 36.90

38.92

2001-02

20.46

20.53 20.50 39.16 35.28

37.22

2002-03

19.08

19.14 19.12 37.80 33.17

35.46

2003-04

17.79

17.84 17.83 36.59 31.49

33.73

2004-05

08.72

11.77 10.16 15.33 20.80

18.79

2009-10

2.18

2.23 2.20 8.33 8.97 8.66

પ્રાથમિક શિક્ષણ : ભારતના રાજ્યબંધારણની 45મી કલમ પ્રમાણે બાળક 14 વર્ષની ઉંમર પૂરી કરે ત્યાં સુધી તેને મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ આપવા માટે રાજ્ય પર જવાબદારી મૂકવામાં આવી છે. આ કલમમાં કેટલીક વાર ફેરફાર કરી શિક્ષણને રાજ્ય તથા કેન્દ્રની સંયુક્ત જવાબદારીમાં પણ મૂકવામાં આવ્યું છે. છતાં પ્રાથમિક શિક્ષણની મુખ્ય જવાબદારી રાજ્યને શિરે રહી છે. બાળક પાંચ વર્ષની ઉંમર પૂરી થયા પછી પ્રાથમિક શાળામાં દાખલ થઈ શકે છે અને સાત વર્ષ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે. કાયદાથી પ્રાથમિક શિક્ષણ ફરજિયાત બનાવવામાં આવ્યું છે, છતાં વાસ્તવમાં હજુ ઘણાં બાળકો પ્રાથમિક શાળામાં દાખલ થતાં નથી અથવા અધવચ્ચેથી શાળા છોડી દે છે. એક યા બીજા કારણે હજુ બાળમજૂરી નાબૂદ થઈ નથી.

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ, 1949ની જોગવાઈ અનુસાર પ્રાથમિક શિક્ષણ અંગેની સત્તાઓ, ફરજો અને નાણાકીય સાધનોનું નિયંત્રણ તેમજ માર્ગદર્શનનું કાર્ય પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીનું છે. રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શિક્ષણને લગતી જે નીતિ નક્કી કરવામાં આવે છે તેનો યોગ્ય અમલ કરવો અને તે અંગે જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપવાનું કાર્ય આ કચેરી દ્વારા થાય છે. જિલ્લા કક્ષાએ પ્રાથમિક શિક્ષણનો વહીવટ જિલ્લા પંચાયતમાં જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા થાય છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જિલ્લા શિક્ષણ સમિતિના સચિવ તરીકે કાર્ય કરે છે. શિક્ષણ, આયોજન અને સુનિયંત્રણ કાર્યમાં મદદ કરવા માટે નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કામ કરે છે. અમદાવાદ, વડોદરા અને સૂરત મહાનગરપાલિકાઓમાં નગરપાલિકાના પોતાના શાસનાધિકારી કામ કરે છે; જ્યારે રાજકોટ મહાનગરપાલિકામાં રાજ્ય સરકારના શિક્ષણ ખાતામાંથી પ્રતિનિયુક્તિ ઉપર મૂકેલા શાસનાધિકારી કામ કરે છે. 31 અધિકૃત નગરપાલિકાઓ તથા ગાંધીનગર શહેરના પ્રાથમિક શિક્ષણના વહીવટ માટે શાસનાધિકારીઓ તરીકે શિક્ષણ ખાતાના અધિકારીઓ કામ કરે છે.

ગુજરાતમાં 2001-02માં પ્રાથમિક શાળાઓની કુલ સંખ્યા 36,750 હતી અને તેમાં ભણતાં બાળકોની સંખ્યા 76 લાખ જેટલી હતી. આમાં 6,500 ગામડાંઓમાં માત્ર 1થી 4 ધોરણની શાળાઓ છે. 5મું ધોરણ ભણવા માટે કાં તો બાજુના ગામમાં જવું પડે અથવા સવિશેષ કન્યાઓને શાળા છોડી દેવી પડે છે. જોકે સરકારે હવે આ ગામોમાં પાંચમું ધોરણ શરૂ કર્યું છે. આ ધોરણમાં પર્યાપ્ત સંખ્યા ન થાય તોપણ નવા શિક્ષક્ધો મહેકમમાં સ્વીકારીને ક્રમે ક્રમે ગુજરાતનાં તમામ ગામોમાં 1થી 7 ધોરણ શરૂ કરવાનો કાર્યક્રમ અમલમાં મુકાયો છે. આ તમામ શાળાઓમાં શૈક્ષણિક સાધનો, પાણી, મુતરડી-જાજરૂ વગેરેની વ્યવસ્થા થઈ રહી છે.

વર્ષ 2009–10માં રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ આપતી શિક્ષણ સંસ્થાઓની સંખ્યા 42145 હતી, જેમાં ભણતા વિદ્યાર્થીઓની સંખ્યા 86.01 લાખ જેટલી હતી.

પ્રાથમિક શિક્ષણના સાર્વત્રીકરણની પ્રક્રિયાને વેગવંતી બનાવવા માટે વધુ બાળકોને શાળાએ આવતાં કરવાં તથા એક વખત શાળામાં દાખલ થયેલું બાળક અધવચ્ચેથી ઊઠી ન જાય તે માટે પ્રોત્સાહક સ્વરૂપે ધો. 1થી 7ના અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, બક્ષીપંચ તથા આર્થિક પછાત વિદ્યાર્થીઓને રાજ્ય સરકાર વિના મૂલ્યે પાઠ્યપુસ્તકો પૂરાં પાડે છે.

પ્રાથમિક શાળામાં સામાન્ય શિક્ષણની જોગવાઈ છે, તેથી ગુજરાતમાં ગુજરાતી ભાષાનું વાચનલેખન, ધોરણ પાંચથી રાષ્ટ્રભાષા હિન્દીનું વાચનલેખન, ગણિત, વિજ્ઞાન, સમાજવિદ્યા – જેમાં ઇતિહાસ, ભૂગોળ, નાગરિકશાસ્ત્ર વગેરેનો સમાવેશ થાય છે. વળી સમાજોપયોગી ઉત્પાદક શ્રમ અને શારીરિક શિક્ષણ ફરજિયાત વિષયો છે. આ ઉપરાંત ઘણી શાળાઓમાં અંગ્રેજી, સીવણ, ચિત્રકલા, સંગીત, નૃત્ય જેવા વિષયો ઐચ્છિક ધોરણે શીખવવામાં આવે છે. પ્રાથમિક શાળાઓ નગરપાલિકા, કૉર્પોરેશન કે પંચાયતો ચલાવે છે. ઉપરાંત કેટલીક ખાનગી સંસ્થાઓ પણ પ્રાથમિક શાળાઓ ચલાવે છે. હવે અંગ્રેજી માધ્યમની પ્રાથમિક શાળાઓની સંખ્યા પણ વધવા માંડી છે. આ સિવાય ઉર્દૂ, મરાઠી, હિંદી, તમિળ, તેલુગુ, મલયાળમ અને સિંધી માધ્યમની પ્રાથમિક શાળાઓ છે.

જિલ્લાવાર પ્રાથમિક શિક્ષણ કાર્યક્રમ (DPEP) જૂન, 2005 સુધીમાં પૂર્ણ કરવામાં આવ્યો હતો. વર્ષ 2001માં દાખલ કરવામાં આવેલ સર્વશિક્ષા અભિયાન મિશનનો સમયગાળો લંબાવવામાં આવ્યો છે. છોકરીઓના શિક્ષણના પ્રસાર માટે 2003–04માં દાખલ કરવામાં આવેલ ખાસ કાર્યક્રમ (NPEGEL) રાજ્યના 21 જિલ્લાઓમાંના 78 ગ્રામવિસ્તારોમાં અને 13 શહેરી વિસ્તારોમાં શરૂ કરવામાં આવ્યા છે.

26 જાન્યુઆરી, 2001ના રોજ રાજ્યમાં આવેલ વિનાશક ભૂકંપમાં માર્યા ગયેલા વિદ્યાર્થીઓની શિશુ સ્મૃતિમાં સરકારમાન્ય ખાનગી શાળાઓ, આશ્રમ શાળાઓ તથા માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિકના 29 લાખ વિદ્યાર્થીઓને માટે – રાજ્ય સરકારે ‘વિદ્યાદીપ’ નામની ખાસ યોજના દાખલ કરી છે. આ યોજના હેઠળ સ્થાનિક સંસ્થાઓની પ્રાથમિક શાળાઓને વીમાનો લાભ (Insurance cover) આપવામાં આવ્યો છે જેથી તેઓ પ્રાકૃતિક આપદાઓનો સામનો કરી શકે અને તેમના વાલીઓ રાહત અનુભવી શકે.

વાલીઓ પોતાની દીકરીઓને પ્રાથમિક શિક્ષણ પૂરું કરાવે તે માટે રાજ્યસરકારે ‘વિદ્યાલક્ષ્મી’ બૉન્ડ યોજના અમલમાં મૂકી છે. રાજ્યનાં જે ગામડાંઓમાં સાક્ષરતાનું પ્રમાણ 35 ટકા કરતાં ઓછું છે, તે ગામડાંઓની છોકરીઓને પહેલા ધોરણમાં પ્રવેશ વખતે રૂ. 1,000નું બૉન્ડ આપવામાં આવે છે જે સાતમા ધોરણ પછી વટાવી શકાય છે. આ યોજના હેઠળ વર્ષ 2004–05માં રાજ્ય સરકારે રૂપિયા 15 કરોડ જેટલી રકમ આપી હતી જેનાથી આશરે 1.52 લાખ છોકરીઓને આવરી લઈ શકાય. વર્ષ 2005–06 માટે આ યોજના હેઠળ રૂપિયા પંદર કરોડ જેટલી રકમ ફાળવવામાં આવી છે જે 1.50 લાખ છોકરીઓને આવરી લેશે એવો અંદાજ છે.

પ્રાથમિક કક્ષાના શિક્ષકોએ દસમા ધોરણ પછી બે વર્ષની તાલીમ તાલીમી કૉલેજોમાં લીધેલી હોવી જરૂરી છે. પ્રાથમિક શિક્ષણની નડતરરૂપ સમસ્યાઓમાં મુખ્યત્વે મોટા વર્ગો, અપવ્યય અને સ્થગિતતા તથા ભણતર પ્રત્યે ઉપેક્ષા છે. અપવ્યય અને સ્થગિતતા ઘટાડવા પ્રથમ બે વર્ષની પરીક્ષા નાબૂદ કરવામાં આવી છે. મધ્યાહન ભોજન પણ બાળકોને શાળામાં અભ્યાસ કરવા ટકી રહેવા માટેનું આકર્ષણ છે. શિક્ષકોને રાષ્ટ્રીય તથા રાજ્ય-પારિતોષિકો આપવામાં આવે છે. આ ઉપરાંત શિક્ષકો માટે રાષ્ટ્રીય શિક્ષક કલ્યાણ નિધિની જોગવાઈ છે. વિશેષ લઘુતમ સિદ્ધિ ગુણકક્ષા કાર્યક્રમ અંતર્ગત શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પાઠ્યપુસ્તકો તૈયાર કરાવાય છે.

માધ્યમિક શિક્ષણ : માધ્યમિક શાળાઓમાં આઠથી દસ ધોરણનો સમાવેશ થતો હતો; પણ જૂન 2012 થી આઠમું ધોરણ પ્રાથમિક શાળાનો ભાગ બન્યું છે. ગુજરાતમાં માધ્યમિક શાળાઓ મુખ્યત્વે બિન સરકારી સંસ્થાઓ ચલાવે છે. થોડી માધ્યમિક શાળાઓ સરકાર કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ ચલાવે છે. અંગ્રેજી માધ્યમની કેટલીક ખાનગી શાળાઓ પણ છે.

માધ્યમિક કક્ષાએ અભ્યાસક્રમમાં માતૃભાષા, રાષ્ટ્રભાષા, અંગ્રેજી, ગણિતશાસ્ત્ર, સામાન્ય વિજ્ઞાન, સમાજવિદ્યા (જેમાં ઇતિહાસ, ભૂગોળ, નાગરિકશાસ્ત્ર, રાજ્યબંધારણ વગેરેનો સમાવેશ થાય છે.) અને શારીરિક શિક્ષણનો સમાવેશ થાય છે. કેટલીક ખાનગી શાળાઓમાં આ ઉપરાંત સંગીત, નૃત્ય, કમ્પ્યૂટર, સ્કેટિંગ, ઘોડેસવારી, તરણ અને ગૃહવિજ્ઞાન જેવા વિષયો મરજિયાત ધોરણે શીખવવાની જોગવાઈ છે. વળી કેટલીક સરકારી તથા ખાનગી શાળાઓમાં કૉમર્શિયલ, ટૅકનિકલ કે કૃષિનો ઝોક પણ રાખવામાં આવે છે.

માધ્યમિક શિક્ષકો માટે ઓછામાં ઓછી સ્નાતક ડિગ્રી અને તાલીમી બી.એડ.ની ડિગ્રી જરૂરી હોય છે. સરકારનું કેળવણી ખાતું અભ્યાસક્રમ તૈયાર કરી તેનો અમલ સરખી રીતે થાય તથા શાળાનો વહીવટ સરખી રીતે ચાલે તે જોવા માધ્યમિક શાળાઓનું નિરીક્ષણ કરે છે. શિક્ષણ મફત હોય છે અને શિક્ષકોનો પગાર સરકાર ચૂકવે છે. કેટલીક ખાનગી શાળાઓ જે સરકારી અનુદાન લેતી નથી તે વિદ્યાર્થીઓ પાસેથી ફી લે છે અને શિક્ષકોના પગાર પોતે ચૂકવે છે.

ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ : સમગ્ર દેશની સાથે ગુજરાતમાં પણ 1976–77ના શૈક્ષણિક વર્ષથી કોઠારી કમિશનની ભલામણ પ્રમાણે 10 + 2ની શિક્ષણની નવી તરેહ દાખલ કરવામાં આવી છે. શિક્ષણની નવી તરેહ પ્રમાણે ધોરણ 11–12 માટે ઉચ્ચતર માધ્યમિક શાળાઓ સ્થાપવામાં આવી છે. દશ ધોરણ પછી વિદ્યાર્થી ઉચ્ચતર માધ્યમિક શાળામાં ટૅકનિકલ કૉલેજોમાં કે પ્રાથમિક શિક્ષકોની તાલીમી સંસ્થામાં દાખલ થઈ શકે છે. ઉપરાંત ઘણા વિદ્યાર્થીઓ વધુ શિક્ષણ લેવાનું છોડી વ્યવસાયમાં દાખલ થાય છે. મોટેભાગે ખાનગી મંડળો ઉચ્ચતર માધ્યમિક શાળાઓ ચલાવે છે.

ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં બે પ્રવાહો હોય છે : (1) વિનયન અથવા વાણિજ્યનો અને (2) વિજ્ઞાનનો. પ્રથમ પ્રવાહમાં અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, મનોવિજ્ઞાન, ગણિતશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર, ઇતિહાસ, ભૂગોળ, અર્થશાસ્ત્ર અને અન્ય વાણિજ્યના વિષયો હોય છે. વિજ્ઞાન-પ્રવાહમાં ગુજરાતી, અંગ્રેજી, સંસ્કૃત, ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, જીવશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર વગેરે વિષયો હોય છે. વિજ્ઞાનના વિષયોમાં પ્રયોગશાળામાં પ્રયોગ કરવાનું પણ અનિવાર્ય હોય છે.

વિનયન અને વાણિજ્ય-પ્રવાહવાળી શાળાઓ કરતાં વિજ્ઞાન-પ્રવાહવાળી શાળાઓની સંખ્યા ઘણી ઓછી હોય છે. આ ઉપરાંત વ્યવસાયલક્ષી શાળાઓ શરૂ કરાઈ છે.

બારમા ધોરણને અંતે બૉર્ડ તરફથી ઉચ્ચતર માધ્યમિક શાળાંત પરીક્ષા (હાયર સેકંડરી સ્કૂલ એક્ઝામિનેશન) લેવામાં આવે છે.

રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ આપતી સંસ્થાઓની સંખ્યા વર્ષ 2009–10માં 9,299 જેટલી હતી જેમાં 30.45 લાખ બાળકો દાખલ થયાં હતાં. વર્ષ 2003–04માં આ સંખ્યા અનુક્રમે 7,641 અને 24.76 લાખ જેટલી હતી.

ઉચ્ચ શિક્ષણ : હાયર સેકંડરી પરીક્ષા પાસ કર્યા પછી વિદ્યાર્થી વિનયન, વાણિજ્ય, વિજ્ઞાન કૉલેજના ત્રણ વર્ષના ડિગ્રી અભ્યાસક્રમમાં જોડાઈ શકે છે. તે એન્જિનિયરિંગ, મેડિકલ, ફાર્મસી કે ઍગ્રિકલ્ચરની કૉલેજમાં અભ્યાસ કરી સ્નાતકની ડિગ્રી પ્રાપ્ત કરી શકે છે અથવા કોઈ ટૅકનિકલ કોર્સમાં દાખલ થઈ તેની ડિગ્રી કે ડિપ્લોમા મેળવી શકે છે.

ઉચ્ચ શિક્ષણ માટે કેટલીક સરકારી કે યુનિવર્સિટી-સંચાલિત કૉલેજો છે; પરંતુ મોટા ભાગની વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાનની કૉલેજો ટ્રસ્ટ કે સોસાયટી ચલાવે છે. ખાનગી સંસ્થાઓને સરકાર અનુદાન આપે છે અને અભ્યાસક્રમ ઘડવાનું તથા પરીક્ષા લેવાનું કામ યુનિવર્સિટીઓ કરે છે. ગુજરાતમાં હાલ રાજ્યસ્થાપિત સાત પરંપરાગત યુનિવર્સિટીઓ ઉપરાંત એક આયુર્વેદ યુનિવર્સિટી તથા ચાર કૃષિ યુનિવર્સિટીઓ છે. આની સાથે સરકારે સ્થાપેલી બિનપરંપરાગત સ્વરૂપની પણ કેટલીક યુનિવર્સિટીઓ છે; દા.ત., બાળકો માટેની યુનિવર્સિટી, રક્ષાશક્તિ યુનિવર્સિટી વગેરે. હવે કેટલીક ખાનગી સ્વરૂપની સંસ્થાઓને પણ યુનિવર્સિટીનો દરજ્જો આપવામાં આવે છે. આ નીતિ પ્રમાણે આજે ગુજરાતમાં સંખ્યાબંધ ખાનગી યુનિવર્સિટીઓ અસ્તિત્વમાં છે; દા.ત., નિરમા, સેપ્ટ, અમદાવાદ યુનિવર્સિટી વગેરે. ઉપરાંત ગૂજરાત વિદ્યાપીઠ તથા કેટલીક ગ્રામવિદ્યાપીઠો યુનિવર્સિટી સમકક્ષ ગણાય છે. યુનિવર્સિટીઓ તથા સમકક્ષ કેટલીક રાષ્ટ્રીય વિદ્યાપીઠોને યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન અનુદાન આપે છે અને બાકીનો ખર્ચ ગુજરાત સરકાર ભોગવે છે. આ ઉપરાંત કેટલાંક વિશિષ્ટ કામો જેવાં કે મકાન, પુસ્તકાલય, પ્રયોગશાળા વગેરે માટે ખાનગી ટ્રસ્ટો પણ અવારનવાર દાન આપે છે. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન પણ તેની નીતિ મુજબ અનુદાન આપે છે. ઉચ્ચ કક્ષાનાં સંશોધનો માટે પણ યુ.જી.સી. તથા બીજી કેટલીક રાષ્ટ્રીય સંસ્થાઓ ખાસ અનુદાન આપે છે.

કૉલેજોમાં બૅચલર્સ ડિગ્રીનો ત્રણ વર્ષનો કોર્સ તથા તે પછી બે વર્ષનો માસ્ટર્સ ડિગ્રીનો કોર્સ યુનિવર્સિટી દ્વારા ચાલે છે. ઘણીખરી યુનિવર્સિટીઓ માસ્ટર્સ ડિગ્રી, એમ.ફિલ. ડિગ્રી તથા પીએચ.ડી. ડિગ્રી માટે શિક્ષણકાર્ય કરે છે, અથવા સંલગ્ન કૉલેજોમાં યુનિવર્સિટીએ નિયત કરેલ અભ્યાસક્રમો ચાલે છે. કૉલેજોની સંખ્યામાં અને પૂર્વસ્નાતક અને અનુસ્નાતક અભ્યાસક્રમોમાં કૉલેજો તેમજ યુનિવર્સિટીઓમાં દાખલ થતા વિદ્યાર્થીઓની સંખ્યામાં સારો એવો વધારો થયો છે. ઇજનેરી, તબીબી, ખેતી, ફાર્મસી, વિજ્ઞાન, વાણિજ્ય કૉલેજો મોટી સંખ્યામાં શરૂ થઈ છે. રાજ્યમાં બિઝનેસ-એડમિનિસ્ટ્રેશન અને કૉમર્સ તથા એન્જિનિયરિંગ, મેડિકલ વગેરે વ્યવસાયલક્ષી શાખાઓમાં, રાજ્ય અને યુનિવર્સિટીના નિયમોને અધીન સંખ્યાબંધ સ્વનિર્ભર (સેલ્ફ ફાઇનાન્સ) કૉલેજો શરૂ કરવામાં આવી છે.

વર્ષ 2009–10માં રાજ્યમાં ઉચ્ચ શિક્ષણ આપતી સંસ્થાઓની સંખ્યા 1405 હતી, જેમાં 6.43 લાખ વિદ્યાર્થીઓ ભણતા હતા. વર્ષ 2004–05માં આ સંખ્યા અનુક્રમે 747 તથા 4.94 લાખ હતી. વર્ષ 2003–04માં આ સંસ્થાઓમાં શિક્ષણ આપતા અધ્યાપકોની સંખ્યા 11,202 હતી જે વર્ષ 2009માં 20,054 થઈ હતી.

ટૅકનિકલ શિક્ષણ : ઝડપી ઔદ્યોગિકીકરણના જમાનામાં આર્થિક વિકાસ સાધવામાં ટૅકનિકલ શિક્ષણનો મહત્વનો ફાળો છે. રાજ્યમાં ડિગ્રી અને ડિપ્લોમાના સ્તરે ઠીક ઠીક વિકાસ થયો છે. ટૅકનિકલ સંસ્થાઓમાં અણુઇજનેરી, પેટ્રોકેમિકલ્સ, પ્લાસ્ટિક ઉદ્યોગ, રાસાયણિક ખાતર, ઇલેક્ટ્રૉનિક્સ અને કોમ્યુનિકેશન, કમ્પ્યૂટર, ટેલિવિઝન, ખેતી, ઉદ્યોગ વગેરેના અભ્યાસની સવલતો ગુજરાતમાં ઊભી થઈ છે. ગુજરાત રાજ્યે ટૅકનિકલ શિક્ષણની ગુણવત્તા તરફ ભાર મૂકવાની નીતિ અખત્યાર કરી છે. ટૅકનિકલ શિક્ષણમાં માધ્યમિક તથા ઉચ્ચ શિક્ષણના કેટલાક અભ્યાસક્રમોનો સમાવેશ થાય છે. સરકાર તરફથી જિલ્લાનાં મુખ્ય મથકોએ એન્જિનિયરિંગના વિવિધ વિષયો માટે પૉલિટૅક્નિકો ચાલે છે, જેમાં માધ્યમિક શાળાંત પરીક્ષા પાસ કરેલા વિદ્યાર્થીઓને ડિપ્લોમા કોર્સનું શિક્ષણ આપવામાં આવે છે. તેમાં સિવિલ, મિકૅનિકલ, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રૉનિક્સ, ટેક્સ્ટાઇલ, પેટ્રોકેમિકલ્સ, કેમિકલ, આર્કિટેક્ચર, ડ્રાફટ્સમૅન વગેરેનો ત્રણ વર્ષનો ડિપ્લોમા કોર્સ ચાલે છે.

એન્જિનિયરિંગ કૉલેજો સરકાર, યુનિવર્સિટી તથા ખાનગી સાહસો ચલાવે છે અને તેમાં ચાર વર્ષના ડિગ્રી કોર્સ અને તે પછી બે વર્ષના માસ્ટર્સ ડિગ્રી કોર્સ તથા પીએચ.ડી. કક્ષાનાં સંશોધનો ચાલે છે. કન્યાઓ માટે અલગ પૉલિટૅકનિક સંસ્થાઓ પણ કેટલેક સ્થળે ચાલે છે.

કેન્દ્રીય પ્રવેશ સમિતિ દ્વારા ઇજનેરી તથા ફાર્મસી કૉલેજોમાં ડિગ્રી અભ્યાસક્રમો અને પૉલિટૅકનિક અને ફાર્મસી સંસ્થાઓમાં ધોરણ 12ના વિજ્ઞાન-પ્રવાહ પછીના ડિપ્લોમા ઇજનેરી અને ફાર્મસી અભ્યાસક્રમોમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે. વર્ષ 2004–05માં એન્જિનિયરિંગની પદવી આપતી સંસ્થાઓમાં 12,724 બેઠકો, આર્કિટેક્ચરની પદવી આપતી સંસ્થાઓમાં 270 બેઠકો, ફાર્મસી કૉલેજોમાં 1,485 બેઠકો હતી. 2009ના વર્ષમાં એંજિનિયરિંગ કોલેજોમાં 31685 બેઠકો હતી, ફાર્મસી કૉલેજોમાં 5175 બેઠકો અને આર્કિટેક્ચરની કૉલેજોમાં 510 બેઠકો હતી.

ગુજરાત રાજ્યમાં ધોરણ 10 પછી ઇજનેરી ડિપ્લોમા માટે પૉલિટૅક્નિક સંસ્થાઓ 25 છે જ્યારે માત્ર વિદ્યાર્થિનીઓ માટેના અભ્યાસક્રમોની 23 છે. આમાં સિવિલ, મિકૅનિકલ, ઇલેક્ટ્રિકલ, ઑટોમોબાઇલ, પ્લાસ્ટિક એન્જિનિયરિંગ, ટેક્સ્ટાઇલ મૅન્યુફૅક્ચરિંગ અને ટેક્સ્ટાઇલ પ્રોસેસિંગ ટૅક્નૉલૉજી, મેટલર્જી ઉપરાંત કૉમર્શિયલ પ્રૅક્ટિસ, આર્કિટેક્ચરલ આસિસ્ટન્ટશિપ, કમ્પ્યૂટર એઇડેડ કૉશ્ચ્યૂમ ડિઝાઇન અને હોમ સાયન્સ તથા કૉમર્શિયલ આર્ટ જેવા વિષયો માટેનો પ્રબંધ છે.

ધંધાદારી શિક્ષણ : માધ્યમિક શાળા-કક્ષાની વ્યવસાયી સંસ્થાઓ (Industrial Technical institutes) ઘણાખરા જિલ્લામાં સરકાર તરફથી ચાલે છે, જેમાં ત્રણ કે ચાર વર્ષના સર્ટિફિકેટ કોર્સ સિવિલ, મિકૅનિકલ, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રૉનિક્સ, ટેક્સ્ટાઇલ્સ, ડ્રાફ્ટ્સમૅન, આર્કિટેક્ચર વગેરે માટે ચાલે છે. કૉમર્શિયલ કોર્સ જેવા કે ટાઇપરાઇટિંગ, શૉર્ટહૅન્ડ, ઑફિસ-મૅનેજમેન્ટ વગેરે પણ કેટલીક સંસ્થાઓમાં ચાલે છે. તેમની પરીક્ષા સરકારના કેળવણી ખાતા તરફથી ચાલતું પરીક્ષાબૉર્ડ લે છે.

પુસ્તકાલયના વહીવટ માટે કેટલાક સર્ટિફિકેટ અને ડિગ્રી કોર્સ ચાલે છે. ડિગ્રી કોર્સ યુનિવર્સિટીઓમાં ચાલે છે.

શિક્ષકોના પ્રશિક્ષણ માટે કેટલાક સર્ટિફિકેટ અને ડિગ્રી કોર્સ ચાલે છે તે માટે ખાનગી સંસ્થાઓ છે, અને કેટલીક સંસ્થાઓ સરકારના કેળવણી ખાતા દ્વારા તો કેટલીક સંસ્થાઓ યુનિવર્સિટીઓ દ્વારા ચાલે છે. પૂર્વપ્રાથમિક તથા પ્રાથમિક શિક્ષકોની તાલીમને અંતે સર્ટિફિકેટ આપવામાં આવે છે. માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો માટે બી.એડ.ની ઉપાધિ માટે યુનિવર્સિટી-સંલગ્ન કૉલેજો અથવા કેટલીક યુનિવર્સિટીઓના શિક્ષણવિભાગોમાં જોગવાઈ છે. થોડીક સંસ્થાઓ ગુજરાત સરકારનું કેળવણી ખાતું પણ ચલાવે છે, જે તાલીમને અંતે સરકારી પરીક્ષાબૉર્ડ ડિપ્લોમા આપે છે.

કાયદાશાસ્ત્રની કૉલેજો મુખ્યત્વે ખાનગી સંસ્થાઓ ચલાવે છે. તેમાં એલએલ.બી. તથા એલએલ.એમ.ના કોર્સ ચાલે છે.

મેડિકલ કૉલેજોમાં કેટલીક સરકારની, કેટલીક યુનિવર્સિટીની અને કેટલીક ખાનગી સાહસોની સંસ્થા છે. તેમાં એમ.બી.બી.એસ. તથા તે પછીનો એમ.ડી. તથા એમ.એસ.નો કોર્સ ચાલે છે. આયુર્વેદની કૉલેજો આયુર્વેદ યુનિવર્સિટી સાથે સંલગ્ન છે.

કૃષિ(ઍગ્રિકલ્ચર)ની કૉલેજો મુખ્યત્વે સરકાર હસ્તક છે અને તે કૃષિ-યુનિવર્સિટી સાથે સંલગ્ન છે. તેમાં ખેતીવાડી તથા પશુસંવર્ધનના અભ્યાસક્રમો ઉપરાંત એ વિષયોમાં સંશોધનકાર્ય ચાલે છે. સ્નાતક અભ્યાસક્રમને અંતે બી.એસસી. (ઍગ્રિકલ્ચર) અને તે પછીના અનુસ્નાતક અભ્યાસક્રમને અંતે એમ.એસસી.(ઍગ્રિકલ્ચર)ની ઉપાધિ એનાયત થાય છે.

ગુજરાતમાં બિઝનેસ-એડમિનિસ્ટ્રેશન માટેની સ્નાતક અને અનુસ્નાતક ઉપાધિઓ આપતી અનેક શિક્ષણસંસ્થાઓ છે. ઉપરાંત અમદાવાદમાં નૅશનલ ડિઝાઇન ઇન્સ્ટિટ્યૂટમાં કૉમર્શિયલ આર્ટ વગેરે વિષયો માટે સર્ટિફિકેટ અને ડિપ્લોમા અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મૅનેજમેન્ટમાં અનુસ્નાતક ઉપાધિ માટેના શિક્ષણની જોગવાઈ છે. સેન્ટર ફૉર એન્વિરોન્મેન્ટ-પ્લાનિંગ ઍન્ડ ટૅક્નૉલૉજીમાં સ્કૂલ ઑવ્ આર્કિટેક્ચર, સ્કૂલ ઑવ્ પ્લાનિંગ, સ્કૂલ ઑવ્ એન્વિરોન્મેન્ટ અને સ્કૂલ ઑવ્ બિલ્ડિંગ સાયન્સ ઍન્ડ ટૅક્નૉલૉજીમાં એક વર્ષના 2 તેવા કુલ 10 સેમેસ્ટરના ડિપ્લોમા કોર્સ અને 4 સેમેસ્ટરના અનુસ્નાતક કોર્સ માટેની જોગવાઈ છે. વર્ષ 2009–10ના અંતમાં એમ.બી.એ.માં બેઠકોની સંખ્યા 7,030 તથા એમ.સી.એ.ની બેઠક સંખ્યા 3,580 હતી.

ઑક્ટોબર, 1999માં ગુજરાત સરકારે ઇન્ફર્મેશન ટૅક્નૉલૉજીમાં હરણફાળ ભરવા માટે ગુજરાત ઇન્ફર્મૅટિક લિમિટેડ નામની સંસ્થા ગાંધીનગરમાં શરૂ કરી છે. એકવીસમી સદીમાં ગુજરાતને ગૌરવભેર લઈ જવા માટે ગુજરાતની સાંપ્રત સરકારે યથાયોગ્ય વિચારણા અને જોગવાઈ કરી છે.

શિક્ષણક્ષેત્રે કમ્પ્યૂટર-યુગની શરૂઆત થઈ ગઈ છે. એક પ્રકારના વૈશ્વિક સમાજનું નિર્માણ થયું છે. સંદેશાવ્યવહારની ટૅક્નૉલૉજીએ આજે વિશ્વને નાનું બનાવ્યું છે. ઇન્ફર્મેશન ટૅક્નૉલૉજીએ નવી ક્રાન્તિનાં મંડાણ કર્યાં છે.

ગુજરાતમાં પ્રાથમિકથી શરૂ કરીને યુનિવર્સિટી તેમજ ટૅકનિકલ ક્ષેત્રે મોટા ફેરફારો થયા છે ને પોતાના બજેટનો આશરે 11 % જેટલો હિસ્સો સરકાર શિક્ષણ પાછળ ખર્ચ કરે છે. શિક્ષણનાં વિવિધ ક્ષેત્રોમાં એકંદરે ઝડપી પ્રગતિ છતાં સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણ અને વસ્તીમાં સાક્ષરતાના પ્રસારની દૃષ્ટિએ ગુજરાતે લાંબી મજલ કાપવાની છે. 2011ના વર્ષમાં ગુજરાતમાં સાક્ષરતાનું પ્રમાણ 79 ટકા હતું, જે સમગ્ર રાષ્ટ્રની સરેરાશ 74 ટકાની તુલનામાં વધારે હતું, પરંતુ કેરળ (94 ટકા) અને મહારાષ્ટ્ર (83 ટકા) જેવાં રાજ્યોની તુલનામાં ઓછું હતું. 1991થી 2011ના બે દસકામાં સમગ્ર દેશમાં સાક્ષરતાના પ્રમાણમાં 22 ટકાવારીનો વધારો થવા પામ્યો હતો, તેની તુલનામાં ગુજરાતમાં એ વધારો 18 ટકાવારી જેટલો હતો. પ્રાથમિક શિક્ષણનાં ધોરણો 6–8માં ભણવાની વયનાં (11થી 14 વર્ષની વયનાં) 78.2 ટકા બાળકો 2007–08માં શાળામાં ભણતાં હતાં, તેની સરખામણીમાં કેરળમાં એ પ્રમાણ 100 ટકા, મહારાષ્ટ્રમાં 86.8 ટકા અને કર્ણાટકમાં 90.2 ટકા હતું. આમ આઠ વર્ષના પ્રાથમિક શિક્ષણને સાર્વત્રિક બનાવવાનું બંધારણીય લક્ષ્ય હાંસલ કરવા માટે પણ ગુજરાતને હજી ઘણું કરવાનું રહે છે.

મનુભાઈ ત્રિવેદી

કૃષ્ણકાંત ગો. દેસાઈ

મનસુખ સલ્લા

વિજ્ઞાન અને ટૅક્નૉલૉજી

કોઈ પણ દેશ, રાજ્ય, પ્રદેશ કે સ્થળનો સર્વાંગી વિકાસ તેમાં વસતાં માનવીઓ અને પશુઓનાં સ્વાસ્થ્ય, તેની કુદરતી સંપત્તિ(જેવી કે જમીન, પાણી, ખનિજ, વનસ્પતિજન્ય પદાર્થો અને 7માનવીઓ અને તેમનાં હુન્નર, કળા-કારીગરી વગેરે)નો કેટલા પ્રમાણમાં સક્ષમ ઉપયોગ થાય છે તેના પર નિર્ભર છે. આરોગ્યવિષયક શિક્ષણ અને સંશોધન-સેવાઓ દ્વારા સ્વાસ્થ્ય જળવાઈ રહે છે, જ્યારે વિજ્ઞાન અને ટૅક્નૉલૉજી દ્વારા કુદરતી સંપત્તિનો ઉપયોગ ઉત્પાદનકાર્યમાં વધુ સારી રીતે થાય છે તેમજ કેટલીક પાયારૂપ ક્રિયાવિધિઓ અંગે માહિતી મળી રહે છે. ખેતીવાડી અને ઉદ્યોગોના વિકાસમાં ટૅક્નૉલૉજીનું પ્રદાન વિશેષ રહેવાનું. સમગ્ર દૃષ્ટિએ જોતાં શુદ્ધ અને પ્રયુક્ત વિજ્ઞાન એકબીજાનાં પૂરક બની રહે છે અને દેશના વિકાસમાં મહત્તમ ફાળો આપે છે.

ભારતને આઝાદી મળી તે પૂર્વેના સમયમાં ગુજરાતમાં વિજ્ઞાનવિષયક શિક્ષણ અને સંશોધનમાં અગ્રસ્થાન ધરાવતી સંસ્થાઓમાં અમદાવાદની ગુજરાત કૉલેજ, ભાવનગરની શામળદાસ કૉલેજ, જૂનાગઢની બહાઉદ્દીન કૉલેજ, બરોડા કૉલેજ તથા વડોદરાનું કલાભવન અને સૂરતની સાર્વજનિક કૉલેજ ઑવ્ સાયન્સને ગણાવી શકાય. આ સંસ્થાઓમાં અધ્યયન, અધ્યાપન તેમજ સંશોધન દ્વારા ઘણા પ્રાધ્યાપકોએ વિજ્ઞાનનાં વિવિધ ક્ષેત્રોમાં મહત્વનું પ્રદાન કર્યું છે. આ ઉપરાંત કેટલીક વ્યક્તિઓ એવી પણ હતી કે જેઓ સંસ્થા સાથે સંકળાયેલ ન હોવા છતાં પણ વિજ્ઞાન અને ટૅક્નૉલૉજીની કોઈ શાખામાં પોતાને રસ હોવાને કારણે પોતાની આગવી સૂઝબૂજ અને ધગશ વડે ખૂબ મહત્વનું કાર્ય કર્યું હોય. આવી વ્યક્તિઓમાં આ નામો ઉલ્લેખનીય ગણી શકાય : ઝંડુ ભટ્ટજી (1831–1898), આયુર્વેદાચાર્ય, જામનગર; ભગવાનલાલ ઇંદ્રજી ભટ્ટ (1839–1888), પુરાવસ્તુશાસ્ત્રી, જૂનાગઢ; જયકૃષ્ણ ઇંદ્રજી ઠાકર (1849–1929), વનસ્પતિશાસ્ત્રી, ભૂજ (કચ્છ); ત્રિભુવનદાસ કલ્યાણદાસ ગજ્જર (1863–1920), રસાયણવિદ્, સૂરત; દારાશા નૌશિરવાન વાડિયા (1883–1969), ભૂસ્તરશાસ્ત્રી, વડોદરા; કાન્તિલાલ છગનલાલ પંડ્યા (1886–1958), રસાયણશાસ્ત્રી, નડિયાદ; ભાઈલાલભાઈ દ્યાભાઈ પટેલ (1888–1970), ઇજનેર, સોજિત્રા; સલીમ અલી (1896–1987), પક્ષીવિદ્, ભૂજ; હરિનારાયણ ગિરધરલાલ આચાર્ય (1897–1984), પ્રકૃતિવિદ્, ઊંઝા; મનુભાઈ જોધાણી (1902–1979), પક્ષીવિદ્ તથા વનસ્પતિશાસ્ત્રી, બરવાળા; નૌતમ ભગવાનલાલ ભટ્ટ (1904?), ભૌતિકશાસ્ત્રી, જામનગર; માણેકલાલ સાંકળચંદ ઠાકર (1906–1979), ઇજનેર, અમદાવાદ; અનંત હીરાલાલ પંડ્યા (1908–1951), ઇજનેર, ભાવનગર; ઉમાકાન્ત પ્રેમચંદ શાહ (1915–1988), પ્રાચ્યવિદ્યાવિદ્, વડોદરા; અમૃત વસંતલાલ પંડ્યા (1917–1975), પુરાતત્વવિદ્, આણંદ; પ્રદ્યુમ્ન કંચનરાય દેસાઈ (1905–1984), પ્રકૃતિવિદ્, ભાવનગર અને સુલેમાન ઇસ્માઇલ પટેલ (1934–1992), ફોટોગ્રાફર, થાનગઢ (જિ. સુરેન્દ્રનગર).

આઝાદી પહેલાં ગુજરાતમાં આવેલી કૉલેજો મુંબઈ યુનિવર્સિટી સાથે જોડાયેલી હતી. 1949માં ગુજરાત યુનિવર્સિટીની અમદાવાદ ખાતે સ્થાપના થતાં તે ગુજરાતની પ્રથમ યુનિવર્સિટી બની. તે પછી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઑવ્ બરોડા (1950); સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર (1955); ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મૅનેજમેન્ટ, અમદાવાદ (1962); સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ (1965); વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સૂરત (1967); ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી, જામનગર (1967); ગુજરાત કૃષિ યુનિવર્સિટી, દાંતીવાડા (1973); મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટી, ભાવનગર (1977); હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ (1985); ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી, ભુજ (2004); સ્કૂલ ઑવ્ આર્કિટેક્ચર, અમદાવાદ (1962); સ્કૂલ ઑવ્ પ્લાનિંગ, અમદાવાદ (1972); સ્કૂલ ઑવ્ કન્સ્ટ્રક્શન ટૅક્નૉલૉજી, અમદાવાદ (1982); સ્કૂલ ઑવ્ ઇન્ટીરિયર ડિઝાઇન, અમદાવાદ (1991); પશુવિદ્યા અને પશુચિકિત્સા યુનિવર્સિટી, આણંદ (1994); ગણપત યુનિવર્સિટી, ખેરવા (મહેસાણા) (2005); નિરમા યુનિવર્સિટી, અમદાવાદ; ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટી, નડિયાદ; ગુજરાત ટૅક્નૉલૉજિકલ યુનિવર્સિટી, અમદાવાદ (2007); સેપ્ટ યુનિવર્સિટી, અમદાવાદ; પંડિત દીનદયાલ પેટ્રોલિયમ યુનિવર્સિટી, ગાંધીનગર; અમદાવાદ યુનિવર્સિટી, અમદાવાદ; ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇન્ફર્મેશન ઍન્ડ કૉમ્યુનિકેશન ટૅક્નૉલૉજી, ગાંધીનગર; ગુજરાત ફૉરેન્સિક સાયન્સીઝ યુનિવર્સિટી, ગાંધીનગર વગેરે યુનિવર્સિટીઓ અથવા યુનિવર્સિટી કક્ષાની સંસ્થાઓની સ્થાપના થતાં વિજ્ઞાન અને ટૅક્નૉલૉજી તથા આનુષંગિક વિષયોના શિક્ષણને લગતો વ્યાપ વધ્યો છે. ઇંદિરા ગાંધી નૅશનલ ઓપન યુનિવર્સિટી (1974) તથા બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી- (1997)માં પણ વિજ્ઞાનને લગતા વિષયોના શિક્ષણની જોગવાઈ છે, હાલ આ વિવિધ યુનિવર્સિટીઓ સાથે સંલગ્ન એવી ઘણી ઇજનેરી કૉલેજો, કૃષિ-મહાવિદ્યાલયો, આયુર્વિજ્ઞાનને લગતી (medical) કૉલેજો, ફિઝિયોથેરાપી કૉલેજો, ફાર્મસી કૉલેજો, આયુર્વેદ મહાવિદ્યાલયો તેમજ સંખ્યાબંધ વિજ્ઞાન કૉલેજો છે.

ગુજરાતમાં આવેલી વિજ્ઞાનની કૉલેજો તથા યુનિવર્સિટીઓમાં વિવિધ વિષયોને લગતા વિભાગો (departments) સ્થપાતાં શુદ્ધ અને પ્રયુક્ત વિજ્ઞાનને લગતા વિભિન્ન વિષયો જેવા કે રસાયણશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, પ્રાણીવિજ્ઞાન, ગણિતશાસ્ત્ર, સૂક્ષ્મજીવવિજ્ઞાન, ભૂસ્તરશાસ્ત્ર, ઇજનેરીના વિવિધ વિષયો, આયુર્વિજ્ઞાનના વિવિધ વિષયો તથા આ વિષયો સાથે સંબદ્ધ અન્ય શાખાઓમાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષા સુધીના શિક્ષણની સુવિધા મોટા પાયા પર પ્રાપ્ત બની છે.

રસાયણશાસ્ત્ર

આચાર્ય પ્રફુલ્લચંદ્ર રે ભારતમાં રાસાયણિક સંશોધનના પિતા ગણાય છે; તેવી જ રીતે ગુજરાતમાં રાસાયણિક અભ્યાસ અને સંશોધનના પ્રણેતા તરીકે ત્રિભુવનદાસ કલ્યાણદાસ ગજ્જરને ગણાવી શકાય. શ્રી ગજ્જરે કારકિર્દીની શરૂઆત વડોદરા કૉલેજમાં રસાયણશાસ્ત્રના અધ્યાપક તરીકે કરેલી. 1890માં તેઓ કલાભવન સંસ્થાના વડા બન્યિા. તેમની સિદ્ધિઓમાં વડોદરા ખાતે એલેમ્બિક કેમિકલ વર્ક્સની સ્થાપના અને મોતી શુદ્ધ કરવાની પ્રક્રિયાની શોધ ઉલ્લેખનીય છે. મુંબઈ ખાતે રાણી વિક્ટોરિયાના બાવલા ઉપરનો રંગ તેમણે દૂર કરી બતાવ્યો ત્યારથી તેમનું નામ ખ્યાતિમાં આવ્યું.

ગુજરાતમાં આધુનિક રસાયણશાસ્ત્રને લગતા શિક્ષણના અને સંશોધનના પ્રણેતા તરીકે વડોદરા કૉલેજના ડૉ. કુંવરજી ગોસાંઈજી નાયક અને અમદાવાદની ગુજરાત કૉલેજના રસાયણશાસ્ત્રના અધ્યાપક ડૉ. એ. એન. મેલ્ડ્રામને ગણાવી શકાય. યુવાન વિદ્યાર્થીઓને રસાયણશાસ્ત્રના અભ્યાસ તરફ વાળવાનો યશ આ બે રસાયણશાસ્ત્રીઓને જાય છે. ડૉ. નાયક અને તેમના વિદ્યાર્થીઓએ રિઍક્ટિવિટી ઑવ્ મિથિલીન કંપાઉંડ્ઝ તેમજ કાર્બનિક સલ્ફર સંયોજનો સંબંધી કાર્ય શરૂ કર્યું અને તેમાં જુદા જુદા પ્રક્રિયકો અને વિવિધ ભૌતિક-રાસાયણિક પદ્ધતિઓ અપનાવી. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી હાલ રાસાયણિક સંશોધનના કેન્દ્ર તરીકેનું જે સ્થાન ભોગવે છે તે ડૉ. કુંવરજી નાયક અને તેમના સહકાર્યકરો ડૉ. એમ. ડી. અવસારે, ડૉ. જી. વી. જાદવ, ડૉ. વાય. એન. ભાટ, ડૉ. સી. સી. શાહ, ડૉ. સી. એમ. મહેતા વગેરેને આભારી છે.

ડૉ. મેલ્ડ્રામને જુદી જુદી પરિસ્થિતિમાં ફીનૉલ અને પૉલિહાઇડ્રિક ફીનૉલ ઉપર ક્લૉરલની પ્રક્રિયામાં તેમજ હાઇડ્રૉક્સિ-કાબૉર્ક્સિલિક ઍસિડોના સલ્ફોનેશનમાં રસ હતો.

તે અગાઉ યુવાન, આશાવાદી અને ઉત્સાહી વિદ્યાર્થીઓ રાસાયણિક સંશોધનની તાલીમ માટે ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સાયન્સ, મુંબઈ તેમજ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સાયન્સ, બગલોર ખાતે જતા હતા. આવા બે યુવાનોમાં ડૉ. આર. સી. શાહ (જે પાછળથી પુણે ખાતેની નૅશનલ કેમિકલ લૅબોરેટરીમાં નાયબ નિયામક બનેલા અને જેમનું સંશોધનનું ક્ષેત્ર પ્યૉર અને એપ્લાઇડ ઑર્ગેનિક કેમિસ્ટ્રી હતું.) તથા ડૉ. રણછોડજી દાજીભાઈ દેસાઈ રસાયણશાસ્ત્રના શિક્ષણ અને સંશોધનમાં અગ્રસ્થાને હતા. ડૉ. દેસાઈ 1950માં અમદાવાદની એમ. જી. સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં આચાર્ય અને કાર્બનિક રસાયણના પ્રાધ્યાપક તરીકે જોડાયા હતા. તેમના સંશોધનનું મુખ્ય કાર્યક્ષેત્ર શુદ્ધ અને પ્રયુક્ત(applied) કાર્બનિક રસાયણ –  ખાસ કરીને રંગકો (dyes) તેમજ ક્રોમોન્સને લગતું હતું.

ડૉ. કે. જી. નાયક, ડૉ. આર. ડી. દેસાઈ વગેરેના કાર્યને ભારતમાં તથા પરદેશમાં સંશોધકોએ બિરદાવ્યું છે. ભારતીય વિજ્ઞાન કૉંગ્રેસના રાસાયણિક વિભાગનું પ્રમુખપદ પણ તેમણે શોભાવ્યું છે. ડૉ. આર. ડી. દેસાઈને ગુજરાત સરકારનો ડૉ. વિક્રમ સારાભાઈ ઍવૉર્ડ પણ પ્રાપ્ત થયો હતો.

ગુજરાત યુનિવર્સિટી સ્થપાઈ તે પહેલાં પ્રાધ્યાપક ડી. ડી. કાંગા, ડૉ. કે. એસ. નારગુંડ, ડૉ. એ. એમ. ત્રિવેદી, ડૉ. એમ. એસ. શાહ, ડૉ. એન. એમ. શાહ, ડૉ. સી. એમ. દેસાઈ અને ડૉ. ટી. એમ. ઓઝાએ સંશોધન માટેની સાધનસંપત્તિની અછત હોવા છતાંય રસપ્રદ સંશોધન કર્યાં છે. ડૉ. એમ. એસ. શાહે નાઇટ્રોજન, નાઇટ્રિક ઑક્સાઇડ અને નાઇટ્રસ ઑક્સાઇડ જેવા વાયુઓનો, કોલસાના દહન ઉપર ઑક્સિજનના અધિશોષણ તથા તાપમાનની અસરોનો તથા પારા ઉપર નાઇટ્રિક ઍસિડની પ્રક્રિયાનો અને પોટૅશિયમ નાઇટ્રાઇટના ઉષ્મીય વિભાજનનો અભ્યાસ કર્યો હતો. ડૉ. ટી. એમ. ઓઝા અને તેમના પુત્ર ડૉ. વી. ટી. ઓઝાએ કેટલીક ધાતુઓનાં હાઇપોનાઇટ્રાઇટ અને નાઇટ્રાઇટ સંયોજનોના ઉષ્મીય વિઘટન સંબંધમાં સંશોધન કરેલું છે.

ડૉ. કે. એસ નારગુંડે ગુજરાત કૉલેજમાંથી કાર્બનિક રસાયણમાં નોંધપાત્ર સંશોધન કરેલું. તેમના એક વિદ્યાર્થી ડૉ. જે. જે. ત્રિવેદી હતા, જેમણે એમ. જી. સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ, અમદાવાદ તથા ખંભાતની સાયન્સ કૉલેજમાં રહી ઍન્થેલ્મિન્ટિક્સ, ઍન્ટિકોન્વેલેસન્ટ્સ અને અન્ય દ્રવ્યો સંબંધી સંશોધન કર્યું છે.

દક્ષિણ ગુજરાતમાં સર પી. ટી. સાયન્સ કૉલેજમાં કાર્બનિક રસાયણશાસ્ત્ર વિષયમાં ડૉ. સી. એમ. દેસાઈનું પ્રદાન ઉલ્લેખનીય છે. તેમનું અને તેમના સહકાર્યકરો ડૉ. એચ. જે. કાજી, આર. કે. મપારા વગેરેનું સંશોધનકાર્ય કુમારિન સંયોજનો, ક્વીનોલિન પદાર્થોનાં સંયોજનો અને સક્રિય મિથિલીન સમૂહ ધરાવતા પદાર્થોનાં બ્રોમિનેશનને લગતું છે.

ડૉ. નરસિંહ મૂ. શાહે પેકમેન સંઘનન પ્રક્રિયાઓ તથા કુમારિન, ચાલ્કોન અને ક્વિનાઝોલિન સંયોજનો પર કાર્ય કરેલું. તેમના વિદ્યાર્થીઓ ડૉ. જી. સી. અમીન, ડૉ. જી. એન. વ્યાસ, ડૉ. એ. જી. મુનશી, ડૉ. જી. જી. જોષી, ડૉ. એ. એ. રાવલ સાથે તેમણે કુમારિન સંયોજનો પર મહત્વના સંશોધનલેખો પ્રકટ કર્યા છે. તેમણે વિજ્ઞાનને લગતા અનેક લોકભોગ્ય લેખો તથા પુસ્તકો પણ લખ્યાં છે.

એમ. જી. સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ(અમદાવાદ)માં ડૉ. આર. ડી. દેસાઈ, ડૉ. અશ્વિન ત્રિવેદી (તથા તેમના વિદ્યાર્થીઓ ડૉ. એમ. જે. પટણી, ડૉ. આર. કે. શાહ, ડૉ. જે. સી. વોરા, ડૉ. કે. પી. સોની, ડૉ. એમ. એન. દેસાઈ, ડૉ. જે. ડી. તલાટી), ડૉ. જે. જે. ત્રિવેદી (તથા તેમના વિદ્યાર્થીઓ ડૉ. જે. પી. ત્રિવેદી, ડૉ. જે. જે. શ્રોફ) વગેરેએ નોંધપાત્ર સંશોધનકાર્ય કર્યું છે. ડૉ. અશ્વિન ત્રિવેદીએ કલિલો, ધાત્વિક ક્ષારણ, ક્ષારીય જમીનો, મૃદારસાયણ (soil chemistry), તેમજ સંકીર્ણ સંયોજનો અંગે સંશોધનકાર્ય શરૂ કરાવ્યું, જે તેમના વિદ્યાર્થીઓએ આગળ ધપાવેલું છે.

ગુજરાત યુનિવર્સિટીમાં રસાયણવિભાગની શરૂઆત 1959માં થઈ. એકાદ વર્ષ બાદ વિભાગનું મકાન અને અન્ય સવગડો ઉપલબ્ધ થતાં શિક્ષણ સાથે સંશોધનની પણ શરૂઆત થઈ. વિભાગના પ્રથમ વડા તરીકે ડૉ. કે. એ. ઠાકરે કાર્બનિક પદાર્થોની પ્રકાશ-ક્રિયાશીલતા પર કાર્ય શરૂ કર્યું (1959–61). તે પછી અન્ય પ્રાધ્યાપકો પણ વિભાગમાં જોડાતાં સંશોધનકાર્યને વેગ મળ્યો. ડૉ. બી. કે. વૈદ્યે રિફલેક્ટન્સ ઍન્ડ ઍબ્સોર્પ્શન સ્પેક્ટ્રોમેટ્રી પર; ડૉ. અશ્વિન ત્રિવેદીએ ક્ષારીય જમીન, ધાતુઓનું ક્ષારણ (corrosion) અને સંકીર્ણ સંયોજનો પર; ડૉ. એમ. એન. દેસાઈએ ધાત્વિક ક્ષારણ તેમજ વૈશ્લેષિક (analytical) પ્રક્રિયકો પર; ડૉ. આર. કે. શાહે ક્ષારીય જમીનો નવસાધ્ય કરવા પર; જ્યારે ડૉ. વાય કે. અગ્રવાલે ક્રાઉન ઇથર્સ તથા હાઇડ્રૉક્ઝેમિક ઍસિડ અને તેનાં સંકીર્ણ સંયોજનો પર સંશોધન કરેલું છે. ડૉ. એમ. એન. દેસાઈને તેમના સંશોધન બદલ ગુજરાત સરકારનો ડૉ. વિક્રમ સારાભાઈ પુરસ્કાર પણ પ્રાપ્ત થયેલો. પ્રકાશરસાયણ (photochemistry), ધાત્વિક ક્ષારણ, વિદ્યુતવૈશ્લેષિક રસાયણ, અતિમહદ્ અણુઓ (supramolecules), સાંશ્લેષિક (synthetic) કાર્બનિક રસાયણ અને વિષમચક્રીય સંયોજનોનું ચિકિત્સીય (therapeutic) પદાર્થો તરીકે મૂલ્યાંકન અને પૃષ્ઠરસાયણ જેવાં ક્ષેત્રોમાં સંશોધન ચાલી રહ્યું છે.

વડોદરાની મ. સ. યુનિવર્સિટીમાં રસાયણવિભાગમાં સંશોધનકાર્ય ડૉ. સુરેશ શેઠના, ડૉ. કે. એન. ત્રિવેદી તથા તેમના સહકાર્યકરોએ શરૂ કર્યું હતું. ડૉ. જે. એસ. દવેએ દ્રવ સ્ફટિકો પર સંશોધન હાથ ધર્યું હતું. ડૉ. પી. કે. ભટ્ટાચાર્યનું કાર્યક્ષેત્ર અકાર્બનિક અને જૈવ અકાર્બનિક સંકીર્ણોના અભ્યાસને લગતું હતું.

વલ્લભવિદ્યાનગર ખાતે રસાયણવિભાગની સ્થાપના 1958માં થઈ હતી. શરૂઆતમાં અહીં અનાજ, કઠોળ અને કંદમૂળમાંથી મેળવાતા સ્ટાર્ચનું હાઇપોક્લોરાઇટ ઑક્સિડેશન, ધાતુ-કીલેટ સંયોજનો વગેરે પર સંશોધન શરૂ થયેલું. આ વિભાગના ડૉ. આર. ડી. પટેલ, ડૉ. બી. એન. માંકડ, ડૉ. એસ. આર. પટેલ, ડૉ. આર. પી. પટેલ વગેરેએ ઉલ્લેખનીય સંશોધનલેખો પ્રસિદ્ધ કરેલા છે. ડૉ. આર. ડી. પટેલે બહુલકો(polymers)ના રસાયણશાસ્ત્રમાં આગવી શરૂઆત કરી હતી તથા સ્ટાર્ચ અંગે પણ સંશોધન કરેલું. કાર્બનિક રસાયણ ખાસ કરીને બહુલકોના રસાયણ પર સારું એવું સંશોધન ચાલી રહ્યું છે. આ ઉપરાંત ઉપસહ-સંયોજક સંયોજનો અને રંગકોના રસાયણ તથા સૈદ્ધાંતિક રસાયણના ક્ષેત્રે પણ સંશોધન થઈ રહ્યું છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી(રાજકોટ)માં ડૉ. એ. આર. પરીખ કાર્બનિક રસાયણમાં સંશોધનકાર્ય કરવામાં સતત પ્રવૃત્તિશીલ રહ્યા હતા. અત્રે સિન્થેટિક ઑર્ગૅનિક કેમિસ્ટ્રી, પૉલિમર સિન્થેસિસ, ધાતુ-સંકીર્ણો, માઇક્રોવેવ સિન્થેસિસ જેવા વિષયો પર સંશોધન થાય છે.

ભાવનગર યુનિવર્સિટીમાં ડૉ. એલ. ડી. દવેનું સૈદ્ધાંતિક અકાર્બનિક (inorganic) રસાયણશાસ્ત્રમાં સંકીર્ણ સંયોજનો અંગે કરેલું સંશોધન ઉલ્લેખનીય છે. સમૂહ સિદ્ધાંત(group theory)ના પ્રસારમાં પણ તેમનો અગ્રગણ્ય ફાળો છે. ડૉ. એસ. એન. મિશ્રા અને અન્ય સહકાર્યકરો પણ શૈક્ષણિક અને સંશોધનક્ષેત્રે સક્રિય હતા.

દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ડૉ. એચ. બી. નાયક, ડૉ. કે. આર. દેસાઈ વગેરેએ કાર્બનિક રસાયણમાં સંશોધનક્ષેત્રે સારો ફાળો આપ્યો છે.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી થોડાં વર્ષો અગાઉ જ સ્થપાઈ છે. ત્યાં વિભાગના પ્રથમ વડા

ડૉ. જે. ડી. જોષી અને તે પછી તેમના સહકાર્યકરો દ્વારા સંશોધનકાર્ય હાથ ધરવામાં આવ્યું છે.

જ. પો. ત્રિવેદી

જ. દા. તલાટી

ભૌતિકશાસ્ત્ર

ગુજરાત કૉલેજમાં ડૉ. યશવંત નાયકે ભૌતિકશાસ્ત્ર વિષયમાં વાદળાંમાંથી વરસાદનાં ફોરાં કેવી રીતે બંધાય છે તે ઉપર સંશોધન કર્યું હતું. કલિલીય પદાર્થો દ્વારા પ્રકાશના વિવર્તન તેમજ ઔદ્યોગિક પ્રદૂષણ પર પણ તેમણે કાર્ય કર્યું હતું. એમ. જી. સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ(અમદાવાદ)માં ડૉ. કે. એમ. ગાથાએ ઇલેક્ટ્રૉનના વિવર્તન ઉપર કાર્ય શરૂ કરેલું. તે દરમિયાન ફિઝિકલ રિસર્ચ લૅબોરેટરી (પી.આર.એલ.) જેવી સંસ્થાઓની સ્થાપના થતાં ભૌતિક-વિજ્ઞાનમાં અનેક જાણીતા વૈજ્ઞાનિકો પ્રાપ્ત થયા; જેમાં ડૉ. વિક્રમ સારાભાઈ, ડૉ. કે. આર. રામનાથન, ડૉ. સુધીર પ્ર. પંડ્યા, પ્રો. પી. ડી. ભાવસાર, ડૉ. પિશારોટી, ડૉ. યુ. આર. રાવ, ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામ, ડૉ. કસ્તુરીરંગમ, ડૉ. ડી. લાલ, ડૉ. નરેન્દ્ર ભંડારી, ડૉ. જે. એન. ગોસ્વામી વગેરેનાં નામ ઉલ્લેખનીય છે.

ડૉ. રામનાથનના સંશોધનના વિષયોમાં ઉચ્ચ વાતાવરણવિજ્ઞાન (aeronomy), રેડિયો  ખગોલિકી (radioastronomy), મોસમવિજ્ઞાન (meteorology), અને વાતાવરણીય ભૌતિકશાસ્ત્ર(atmospheric physics)નો સમાવેશ થાય છે. તેઓ પૂના મીટિયોરોલૉજિકલ લૅબોરેટરીના નિયામક હતા. ફિઝિકલ રિસર્ચ લૅબોરેટરીના સ્થાપકનિયામક તરીકે તેમણે સંસ્થાના વૈજ્ઞાનિકોને સક્રિય નેતૃત્વ પૂરું પાડ્યું હતું. ઉપલા વાતાવરણમાંના ઓઝોન સ્તર ઉપર પણ તેમણે સંશોધન કરેલું અને તેઓ આંતરરાષ્ટ્રીય ઓઝોન કમિશનના પ્રમુખ પણ બનેલા. ભારત માટે જલ-બજેટ (water-budget) તૈયાર કરવા અંગે તેઓએ ઉપયોગી સૂચન પણ કરેલું.

ડૉ. વિક્રમ સારાભાઈ એક સુવિખ્યાત વૈજ્ઞાનિક, સ્વપ્નદ્રષ્ટા, ઉદ્યોગપતિ અને કેટલીક સંસ્થાઓની સ્થાપના કરવામાં અગ્રણી હતા. કલા અને સંસ્કૃતિના પણ તેઓ પ્રશંસક હતા. કૉસ્મિક કિરણો અને સંબંધિત વિષયો પરનું તેમનું સંશોધન આંતરરાષ્ટ્રીય ખ્યાતિને પ્રાપ્ત બન્યું હતું. ડૉ. ભાભા, ડૉ. સારાભાઈ અને અન્ય વૈજ્ઞાનિકોના પાયારૂપ કાર્યને લીધે ભારત પરમાણુ-યુગમાં પ્રવેશ્યું. અવકાશ-ઉપયોગ(space application)ની બાબતમાં એમ કહી શકાય કે ડૉ. સારાભાઈએ ભારતને દુનિયાના નકશામાં સ્થાન અપાવ્યું. આપણા અવકાશ-સંશોધન કાર્યક્રમની તેમણે એવા સમયે કલ્પના કરી હતી કે જ્યારે તે ક્ષેત્ર વિશિષ્ટ લોકો માટેનું ગણાતું હતું અને ભારત જેવા વિકાસશીલ દેશ માટે તે અનુકૂળ મનાતું ન હતું.

ડૉ. પિશારોટી જાણીતા મોસમવિજ્ઞાની હતા. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટ્રૉપિકલ મીટિયોરૉલોજિ-(IITM)ના તેઓ પ્રથમ નિયામક હતા. અલીબાગ જિયોમૅગ્નેટિક ઑબ્ઝર્વેટરીના પણ તેઓ નિયામક હતા.

ડૉ. સુધીર પંડ્યા ન્યૂક્લિયર ફિઝિક્સના ક્ષેત્રે સક્રિય સંશોધક રહ્યા હતા. ખ્યાતિપાત્ર સંશોધક ઉપરાંત તેઓ સારા શિક્ષક પણ છે. તેમને ગુજરાત સરકારનો 1994ના વર્ષનો ડૉ. વિક્રમ સારાભાઈ ઍવૉર્ડ પણ પ્રાપ્ત થયેલો.

ગુજરાત યુનિવર્સિટીમાં ભૌતિકશાસ્ત્ર વિભાગની સ્થાપના 1959માં થઈ. તે સમયે તેના પ્રથમ વડા તરીકે પ્રો. પી. ડી. પાઠકની નિમણૂક થયેલી. જરૂરી ભૌતિક સુવિધાઓ પ્રાપ્ત બનતાં 1964માં આ વિભાગમાં સંશોધનની શરૂઆત થઈ અને પ્રો. પાઠકે સ્ફટિકોના એક્સ-કિરણ-વિવર્તન (diffraction) ઉપર કાર્ય શરૂ કર્યું હતું. પ્રો. પાઠક્ધો તેમના હીલિયમ–2 અંગેના મૌલિક સંશોધન તથા સ્ફટિક લેટિસના ઉષ્મીય પ્રસરણને લગતા અભ્યાસ બદલ અમેરિકાના આંતરયુનિવર્સિટી ફાઉન્ડેશને 1989માં ‘ડૉક્ટર ઑવ્ સાયન્સ’ની માનાર્હ ઉપાધિ આપી હતી. ઉપરાંત ધી ઇન્ટરનૅશનલ સ્ટાર રજિસ્ટ્રી નામની સ્વિસ સંસ્થાએ સપ્તર્ષિ તારકવૃન્દની નજીક આવેલા કાલિય (Dracon) તારકવૃન્દમાં રહેલા, તારક ક્રમાંક 84,188 1288ને ‘ડૉ. પાઠક તારક’ તરીકે ઓળખવાની જાહેરાત કરી હતી. આ વિભાગમાં નિમાયેલા અન્ય પ્રાધ્યાપકોએ પણ પોતપોતાના ક્ષેત્રમાં સંશોધનકાર્ય આગળ વધાર્યું હતું.

આ વિભાગમાં મુખ્યત્વે સંઘનિત દ્રવ્યનું ભૌતિકશાસ્ત્ર (condensed matter physics), સૂક્ષ્મ તરંગો (microwaves) અને તેના ઉપયોગો, ભૂ-ચુંબકત્વ અને આયનોસ્ફિયર ઉપર સંશોધન ચાલે છે. સંઘનિત દ્રવ્યોના ક્ષેત્રમાં ઘન પદાર્થોને લગતો સર્વગ્રાહી અભ્યાસ કરવામાં આવે છે. આ ઉપરાંત પ્રવાહી ધાતુઓ અને ધાત્વિક કાચ (metallic glass) જેવા પદાર્થોનો પણ અભ્યાસ થઈ રહ્યો છે. આ વિભાગમાં ક્વૉન્ટમ યંત્રશાસ્ત્રને લગતા કમ્પ્યૂટર-પ્રયોગોની પણ રચના કરવામાં આવે છે. સૂક્ષ્મતરંગોની પ્રયોગશાળામાં પ્રવાહીના પરાવૈદ્યુતકીય (dielectric) ગુણધર્મોનો અભ્યાસ થઈ રહ્યો છે. વળી સૂક્ષ્મતરંગ-દૂર-સંવેદન દ્વારા જુદા જુદા પ્રકારની જમીનનો અભ્યાસ કરી ભૂમિગત સાચેસાચા (ground truth) આંકડા મેળવવામાં આવે છે. આયનોસ્ફિયરને લગતા સંશોધનમાં આયનોસ્ફિયરની સંચારણ પર થતી અસરો માટે ચોક્કસ આવૃત્તિઓ સાથેના વિદ્યુત-ચુંબકીય તરંગોના આયનોસ્ફિયર દ્વારા થતા અવશોષણ અને પરાવર્તનને લગતો અભ્યાસ કરવામાં આવે છે. અન્ય એક અભ્યાસમાં પૃથ્વીના ચુંબકત્વમાં થતા ફેરફારોને લગતું સંશોધન કરવામાં આવે છે. આ ઉપરાંત સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્ર અને નેનોસાયન્સના ક્ષેત્રમાં સંશોધનો ચાલે છે. ઇલેક્ટ્રૉનિક્સનો અનુસ્નાતક પદવી અભ્યાસક્રમ અને સ્પેસ સાયન્સનો અનુસ્નાતક ડિપ્લોમા અભ્યાસક્રમ પણ ચાલે છે.

વડોદરાની મ. સ. યુનિવર્સિટીમાં નાભિકીય (કેન્દ્રકીય  nuclear) ભૌતિકશાસ્ત્રને લગતું સંશોધન થાય છે. તેમાં નાભિકીય ચુંબકત્વ(nuclear magnetism)નો અભ્યાસ કરવામાં આવે છે. અહીં અણુકીય (moleculer) ભૌતિકશાસ્ત્રમાં અણુકીય વર્ણપટોનો વિસ્તૃત અભ્યાસ થઈ રહ્યો છે. આ ઉપરાંત સ્ફટિક-વર્ધન (crystal growth) અને લક્ષણચિત્રણ(characterization)ને લગતું સંશોધન પણ થઈ રહ્યું છે. સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રના ક્ષેત્રે ઘન પદાર્થોના પરાવૈદ્યુત-વિધેયો (dielectric functions) પર અને ધાત્વિક કાચ પર સંશોધન ચાલી રહ્યું છે. આ ઉપરાંત નાભિકીય ભૌતિકશાસ્ત્રમાં નાભિકીય પ્રતિરૂપો (models), નાભિકીય સ્પેક્ટ્રમિતિ વગેરેનો સૈદ્ધાંતિક અભ્યાસ પણ કરવામાં આવે છે. યુનિવર્સિટીની ફૅકલ્ટી ઑવ્ એન્જિનિયરિંગના ભૌતિકશાસ્ત્ર વિભાગમાં તાપસંદીપ્તિ (thermoluminescence) ઉપર મોટા પાયા પર પ્રાયોગિક કાર્ય થઈ રહ્યું છે.

સરદાર પટેલ યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્ર વિભાગમાં સંશોધનકાર્ય શરૂ થયું તેમાં પ્રો. એ. આર. પટેલનો ફાળો મુખ્ય છે. ત્યાં અર્ધવાહક સ્ફટિકોની વૃદ્ધિ અને લક્ષણચિત્રણ વિશે કાર્ય થાય છે. સૌર (solar) કોષો વિશે પણ ત્યાં કાર્ય થઈ રહ્યું છે. વળી સંઘનિત-દ્રવ્ય-ભૌતિકશાસ્ત્રમાં ઘન અને પ્રવાહીઓના ગુણધર્મોના સર્વગ્રાહી સૈદ્ધાંતિક અભ્યાસ ઉપરાંત ઉચ્ચ-દબાણ ભૌતિકશાસ્ત્ર તથા ઔષધિઓના એક્સ-કિરણ-વિવર્તન વિશે પણ કાર્ય થઈ રહ્યું છે. સ્ફટિકોમાં અશુદ્ધિઓ અને ક્ષતિઓને લગતા પ્રયોગો પણ ચાલે છે. આણ્વિક/પારમાણ્વિક ભૌતિકશાસ્ત્રમાં અણુઓ અને પરમાણુઓ વડે ઇલેક્ટ્રૉન અને પૉઝિટ્રૉનના વિખેરણને લગતો સૈદ્ધાંતિક અભ્યાસ પણ થાય છે. આ વિભાગમાં આ ઉપરાંત કાર્બનિક (organic) સ્ફટિકો પર પણ સંશોધન થઈ રહ્યું છે. એક જૂથ પરંપરાગત ઊર્જા-સ્રોતો પર પણ કાર્ય કરી રહ્યું છે. આ વિભાગના શ્રી શ્રીલાલ એન. ઝાને 2002–2003ના વર્ષનો ડૉ. વિક્રમ સારાભાઈ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 1970થી પ્રો. કુલકર્ણી દ્વારા મોઝબાઉર (Mossbauer) અસર અને તેની ઉપયોગિતા, ઉચ્ચ તાપમાન અતિસંવાહકો (superconductors) જેવાં ક્ષેત્રોમાં સંશોધનો શરૂ કરવામાં આવેલ; આ ઉપરાંત સ્ફટિકોની વૃદ્ધિ અને લક્ષણચિત્રણ વિશે પણ એક જૂથ કાર્ય કરી રહ્યું છે. ડૉ. છાયાએ સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્ર(પરમાણુ અને અણુભૌતિકશાસ્ત્ર)માં સંશોધનો શરૂ કરેલ છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અલગ ડિપાર્ટમેન્ટ ઑવ્ ઇલેક્ટ્રૉનિક્સ 1987માં શરૂ કરવામાં આવેલ. ત્યાં માઇક્રોપ્રોસેસર સિસ્ટમ ડિઝાઇનિંગ, આયનોસ્ફિયર સિસ્ટમ, સ્પિન્ટ્રોનિક્સ વગેરે વિશે સંશોધનકાર્ય થાય છે.

ભાવનગર યુનિવર્સિટીમાં પ્રો. આર. વી. મહેતા અને તેમના સહકાર્યકરો દ્વારા ચુંબકીય દ્રવ્યો પર ખૂબ અગત્યનાં કહી શકાય તેવાં સંશોધનો કરવામાં આવેલાં. વિભાગમાં ચુંબકીય તરલો પર સંશોધન થઈ રહ્યું છે.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ભૌતિકશાસ્ત્રનો વિભાગ 1967માં શરૂ કરવામાં આવેલો. શરૂઆતમાં ત્યાં પ્રો. બી. આઈ. શેઠની દેખરેખ હેઠળ સંશોધનકાર્ય શરૂ થયેલું.

સૂરતની સરદાર વલ્લભભાઈ પટેલ રિજ્યોનલ ઇજનેરી કૉલેજમાં પ્રો. એચ. એસ. શાહે વિભાગનો કાર્યભાર સંભાળ્યો હતો. ત્યાં પ્રવાહીઓ અને વર્ણકો દ્વારા પ્રકાશના વિખેરણ ઉપર સંશોધન ચાલે છે.

1988માં સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે ડિપાર્ટમેન્ટ ઑવ્ ઇલેક્ટ્રૉનિક્સ શરૂ કરવામાં આવેલ છે. આ વિભાગમાં તનુફિલ્મો (thin films) અને એકલ (single) સ્ફટિકો રૂપે ઇલેક્ટ્રૉનિક દ્રવ્યોનું સંશ્લેષણ, લક્ષણચિત્રણ અને તેમના ઉપયોગ; અર્ધવાહક તનુફિલ્મો અને પ્રયુક્તિઓ (devices); પ્રદૂષક વાયુઓની પરખ તેમજ રાસાયણિક અને ખાદ્ય પદાર્થોના વિશ્લેષણ માટેના સંવેદકો (sensors) પર સંશોધન ચાલે છે.

પ્રહલાદ છ. પટેલ

વિનોદ ભગવાનભાઈ ગોહિલ

ભૂસ્તરશાસ્ત્ર

1948માં અમદાવાદસ્થિત એમ. જી. સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં ભૂસ્તરશાસ્ત્રનો વિભાગ શરૂ થતાં ગુજરાતમાં આ વિષયના વ્યવસ્થિત શિક્ષણની સુવિધા પ્રાપ્ત બની. વિભાગના પ્રથમ વડા તરીકે પ્રો. એસ. મુખરજીની નિમણૂક થઈ હતી. સંસ્થામાંથી 1954માં સ્નાતકો અને 1955માં અનુસ્નાતકોની પ્રથમ ટુકડી બહાર પડી. 1990ના દાયકાથી વિભાગમાં પર્યાવરણીય ભૂસ્તરશાસ્ત્ર, ભૂગર્ભજળ, પૃષ્ઠજળ વગેરેને લગતાં સંશોધનો હાથ ધરવામાં આવેલાં છે.

વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં 1951માં ભૂસ્તરશાસ્ત્ર વિભાગની સ્થાપના પૂર્વસ્નાતક (undergraduate) શિક્ષણ માટે થયેલી. આ યુનિવર્સિટીમાં પ્રો. ડૉ. સુકુમાર મેઢની રાહબરી હેઠળ ભૂસ્તરશાસ્ત્ર વિષયનું સ્નાતક અને 1960માં અનુસ્નાતક કક્ષાએ શિક્ષણ શરૂ થયું. આ યુનિવર્સિટીનો ભૂસ્તરશાસ્ત્ર વિભાગ ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર તેમજ હિમાલયના કેટલાક ભાગોને લગતા રચનાત્મક ભૂવિદ્યા (structural geology), અગ્નિકૃત અને વિકૃત ખડકવિદ્યા (Igneous and Metamorphic Petrology), ભૂરચનાશાસ્ત્ર (Geomorphology), કણનિક્ષેપવિદ્યા (Sedimentology) તથા પ્રાચીન જીવાવશેષશાસ્ત્ર (Palaeontology) જેવા વિષયોના સંશોધન માટે જાણીતો છે. આ ઉપરાંત પશ્ચિમ ભારતમાં ચતુર્થ જીવયુગની ભૂસ્તરવિદ્યા માટેનું તે માન્ય કેન્દ્ર બની રહેલું છે. અહીંથી 100 કરતાં વધુ વિદ્યાર્થીઓ Ph. D.ની ઉપાધિ મેળવી ચૂક્યા છે.

ગુજરાતમાં ડાઇનોસોર પ્રાણીઓના જીવાવશેષોનું સંશોધન કરવામાં, 2001માં ગુજરાતમાં થયેલા ભૂકંપની માહિતીની જાણકારી આપવામાં, સરસ્વતી નદી પરિશોધમાં તેમજ ધોળાવીરાની પુરાતત્વીય માહિતી આપવામાં આ વિભાગનો ફાળો નોંધપાત્ર છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ આ વિભાગનું કાર્ય ઉલ્લેખનીય રહ્યું છે.

1987–88ના વર્ષથી ગુજરાત સરકાર દ્વારા ભૂજ(કચ્છ)ની આર. આર. લાલન કૉલેજ ખાતે પણ ભૂસ્તરશાસ્ત્રના શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવી છે.

ગિરીશભાઈ પંડ્યા

ગણિત અને આંકડાશાસ્ત્ર

ગુજરાતમાં ઉચ્ચ-ગણિતના શિક્ષણની શરૂઆત લગભગ 1915થી થઈ. પહેલી પેઢીના પ્રાધ્યાપકોમાં પ્રો. જે. સી. સ્વામિનારાયણ, પ્રો. ગાયતોંડે તથા આચાર્ય સંજાણાને ગણાવી શકાય. આચાર્ય સંજાણાએ સંશોધન ઉપર પણ ધ્યાન આપ્યું હતું. ખગોળ અને ભૂમિતિ જેવાં ક્ષેત્રોમાંના તેમના સંશોધનલેખો દેશ-વિદેશનાં સામયિકોમાં પ્રગટ થયેલા છે. તેમના સહકાર્યકર શ્રી હરિહર ભટ્ટે ભો. જે. વિદ્યાભવનમાં ખગોળના પ્રાધ્યાપક તરીકે પંચાંગની સુધારણાને લગતું સંશોધન કર્યું છે. પ્રો. પેંડસે, રગલર પ્રો. એન. આર. ત્રિવેદી, પ્રો. ડી. એમ. પટેલ, પ્રો. કે. સી. શાહ, પ્રો. ધનવંતરાય મહેતા, પ્રો. કેકોબાદ વકીલ વગેરે પણ ગણિતના જાણીતા પ્રાધ્યાપકો હતા. 1930માં સૂરતની એમ. ટી. બી. કૉલેજના આચાર્યપદે નિમાયેલા રગલર શ્રી ન. મ. શાહ ગણિતના શિક્ષણમાં આધુનિકતા લાવ્યા. ગુજરાતને તેમણે ઉત્તમ પાઠ્યપુસ્તકો આપ્યાં છે.

આઝાદી પછીના ગાળામાં ગુજરાતના ગણિત-શિક્ષણ અને સંશોધન પર પ્રા. પ્ર. ચુ. વૈદ્યનો ખૂબ મોટો પ્રભાવ છે. તેઓ 1959માં ગુજરાત યુનિવર્સિટીમાં ગણિતવિભાગમાં જોડાયા અને સાપેક્ષવાદ પર સંશોધન શરૂ કર્યું. તેમણે 1963માં ‘સુગણિતમ્’ સામયિકની અને 1964માં ગુજરાત ગણિત મંડળની શરૂઆત કરી. પ્રો. વૈદ્યને 1993માં ગુજરાત રાજ્યનો ડૉ. વિક્રમ સારાભાઈ ઍવૉર્ડ એનાયત થયો હતો. મ. સ. યુનિવર્સિટી(વડોદરા)માં પ્રો. યુ. એન. સિંઘ જોડાતાં ત્યાં ફૂરિયે શ્રેઢી (Fourier series) તથા સંકારક સિદ્ધાંત(operator theory)માં પણ સંશોધન શરૂ થયું. આ કેન્દ્રોમાંથી સંશોધન કરી પીએચ.ડી. થયેલા અને વિદેશમાં સંશોધન કરી આવેલા અધ્યાપકોને કારણે ગુજરાતની વિવિધ યુનિવર્સિટીઓમાં ફૂરિયે શ્રેઢી, વિશિષ્ટ વિધેયો (special functions), બનાખ (Banach) બીજગણિત, સાપેક્ષવાદ, દ્રવગતિશાસ્ત્ર (hydrodynamics), સંસ્થિતિ-વિજ્ઞાન (topology) વગેરે શાખાઓમાં સંશોધન શરૂ થયું.

ગુજરાતના જાણીતા વિશિષ્ટ ગણિતજ્ઞોમાં પ્રા. મહાવીર વસાવડા, પ્રા. વી. એમ. શાહ, પ્રા. અરુણ વૈદ્ય, પ્રા. આઇ. એચ. શેઠને ગણાવી શકાય. તેમની પરંપરા આગળ ચલાવનાર અને નવી પરંપરાઓ સ્થાપનાર એકવીસમી સદીમાં સક્રિય હોય તેવા કેટલાક સર્જક ગણિતજ્ઞો પ્રા. સુભાષ ભટ્ટ, પ્રા. રેખાબહેન મહેતા, પ્રા. નરેન્દ્ર લાધાવાલા, પ્રા. જે. આર. પાટડિયા, ડૉ. દિનેશ કારિયા તથા પ્રા. વિજય પાઠક છે. પ્રા. પાઠકે ઉદ્યોગમાં ગણિત શી રીતે મદદ કરી શકે તે અંગેનું સંશોધન શરૂ કર્યું. ઇજનેરી તથા મૅનેજમેન્ટની અનેક સંસ્થાઓ વિપુલ પ્રમાણમાં સ્થપાતાં પ્રયુક્ત ગણિત તથા મૅનેજમેન્ટને લગતા ગણિતના સંશોધનમાં પણ ઈ. સ. 2007 પછી ઘણી પ્રગતિ થઈ છે.

ખૂબ જ ઓછું શિક્ષણ મેળવ્યું હોવા છતાં કોઠાસૂઝથી ગણિતમાં જેમણે સંશોધન કર્યું હોય તેવા વડોદરાના પ્રાથમિક શિક્ષક સ્વ. મ. ના. ખત્રીનાં સંખ્યાઓ વિશેનાં પરિણામો ખૂબ પ્રસિદ્ધિ પામ્યાં છે. જામનગરના સ્વ. પ્રવીણભાઈ મહેતાએ પણ સંખ્યાઓ વિશે ખૂબ આકર્ષક પરિણામો મેળવ્યાં હતાં.

1953 પહેલાં વિજ્ઞાનની કૉલેજોમાં સ્નાતક અને અનુસ્નાતક-કક્ષાએ આંકડાશાસ્ત્ર વિષય શીખવાતો. 1953માં મ. સ. યુનિવર્સિટીમાં સ્નાતક અને અનુસ્નાતક-કક્ષાએ ખાસ વિષય તરીકે આંકડાશાસ્ત્રનું શિક્ષણકાર્ય ડૉ. એમ. એન. ભટ્ટના માર્ગદર્શન નીચે શરૂ થયું. 1955માં ગુજરાત યુનિવર્સિટીમાં અનુસ્નાતક-કક્ષાએ આંકડાશાસ્ત્ર વિભાગ શરૂ થયો. 1962માં પ્રા. સી. જી. ખત્રી આ વિભાગમાં જોડાતાં સંશોધનપ્રવૃત્તિને વેગ મળ્યો. હવે ગુજરાતની લગભગ બધી યુનિવર્સિટીઓમાં આ વિષયમાં અધ્યયન, અધ્યાપન અને સંશોધનની સુવિધા પ્રાપ્ત છે. વળી અમદાવાદમાં સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇકોનૉમિક્સ ઍન્ડ સોશિયલ સાયન્સ તથા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મૅનેજમેન્ટ તેમજ વડોદરામાં સારાભાઈ ઉદ્યોગનું ઑપરેશન રિસર્ચ ગ્રૂપ જેવી સંસ્થાઓમાં પણ આ વિષયને લગતી સંશોધનપ્રવૃત્તિ ચાલે છે.

જયંત કાળે

અરુણ વૈદ્ય

ઈચ્છાલાલ હરિલાલ શેઠ

જીવવિજ્ઞાન

જીવવિજ્ઞાનના વિવિધ વિભાગો પૈકી વનસ્પતિવિજ્ઞાનના ક્ષેત્રે ગુજરાત યુનિવર્સિટીમાં ડૉ. જે. જે. ચિનોયે પાયારૂપ સંશોધન કરેલું છે. એસ્કૉર્બિક ઍસિડ, જિબરેલિક ઍસિડ વગેરેની વિવિધ પાકો પર થતી અસરોનો તેમણે વિસ્તૃત અભ્યાસ કર્યો હતો. આ વિભાગના ડૉ. સી. કે. શાહ, ડૉ. ઉષા આચાર્ય, ડૉ. એ. બી. વોરા, ડૉ. ઓ. પી. સક્સેના, ડૉ. અલકા વ્યાસ વગેરે પણ સંશોધનક્ષેત્રે પ્રવૃત્ત હતાં. તેઓેએ બીજ-ટૅક્નૉલૉજી, ભ્રૂણ-વિજ્ઞાન, પરિસ્થિતિ-વિજ્ઞાન, દૂરસંવેદન (remote sensing) અને વિષાળુતા-વિજ્ઞાન જેવા વિષયો પર સંશોધન કર્યાં હતાં. ગુજરાત કૉલેજના પ્રો. જે. ડી. ઓઝાએ જીવવિજ્ઞાન વિષય પર વિશદ સમજૂતી આપતાં લખાણો પ્રગટ કરેલાં છે.

પ્રાણીવિજ્ઞાન(Zoology)નો વિભાગ ગુજરાત યુનિવર્સિટીમાં 1964માં શરૂ થયેલો. ડૉ. એમ. એસ. દુબળેએ પક્ષીઓ અને માછલીઓના શ્વસનતંત્ર અને દેહધર્મવિદ્યા સંબંધી સંશોધનમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે. ડૉ. વી. સી. શાહે કોષ-જીવવિજ્ઞાન(cell biology)માં મૂળભૂત સંશોધનો કરી દેશ-વિદેશમાં ખ્યાતિ મેળવી છે. તેમને ગુજરાત સરકારનો ડૉ. વિક્રમ સારાભાઈ પુરસ્કાર પણ પ્રાપ્ત થયેલો. આ વિભાગના ડૉ. (કુ.) એન. જે. ચિનોય અને ડૉ. યુ. એમ. રાવલે પણ સંશોધનોમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે. અહીં ચાલતા સંશોધનકાર્યમાં માનવીય લૈંગિક વિકારો (disorders) અને જન્મજાત વિષમતાઓ, સ્તનધારી કોષ-જનીનવિજ્ઞાન (cytogenetics), પ્રાજનનિક અંત:સ્રાવિકી (reproductive endocrinology), આણ્વીય જીવવિજ્ઞાન (molecular biology), પર્યાવરણીય જીવવિજ્ઞાન (environmental biology), વિષાળુતાવિજ્ઞાન (toxicology), વિકિરણ-જીવવિજ્ઞાન (radiation-biology), જલીય અને વન્યજીવવિજ્ઞાન (wildlife biology) અને સ્ફટિકીય નેત્રમણિ વગેરેનો સમાવેશ થાય છે.

સૂક્ષ્મજીવવિજ્ઞાન(mircobiology)નો વિભાગ ગુજરાત યુનિવર્સિટીમાં 1976માં શરૂ થયો. ધાતુઓનું જૈવ-નિક્ષાલન (bioleaching), સૂક્ષ્મજૈવિક જનીનવિજ્ઞાન (microbial genetics), વર્ગીકરણ જીવાણુવિજ્ઞાન (systematic bacteriology), ઔદ્યોગિક અને પર્યાવરણીય સૂક્ષ્મજૈવિક ટૅક્નૉલૉજી, વનસ્પતિ અને મૃદા(soil)–સૂક્ષ્મજીવવિજ્ઞાન, સૂક્ષ્મજૈવિક વિવિધતાઓ (microbial diversity) જેવાં વિવિધ ક્ષેત્રોમાં સંશોધન થઈ રહ્યું છે. આ વિભાગના ડૉ. દેવયાની ટિપ્રેને 2003–04ના વર્ષ માટેનો ડૉ. વિક્રમ સારાભાઈ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. આ વિભાગે સૂક્ષ્મજૈવિક ધાતુ-નિક્ષાલન અને જૈવખાતરો માટેની બૅક્ટેરિયાની આશાસ્પદ જાતો વિકસાવી છે.

1982થી ગુજરાત યુનિવર્સિટીમાં ડિપાર્ટમેન્ટ ઑવ્ લાઇફ સાયન્સીઝ શરૂ કરવામાં આવેલ છે. આ વિભાગમાં કોષજીવવિજ્ઞાન, દેહધર્મવિદ્યા (physiology), જૈવરાસાયણિક વિશ્લેષણ, પ્રાણી-વર્તન (animal behaviour), સૂક્ષ્મજૈવિક ઉત્સેચક ટૅક્નૉલૉજી, મશરૂમ ટૅક્નૉલૉજી, જૈવ રૂપાંતર ટૅક્નૉલૉજી જેવા વિષયો પર સંશોધનો ચાલે છે.

ગુજરાત યુનિવર્સિટીમાં બાયોટૅક્નૉલૉજી વિભાગ 1999માં શરૂ થયો. આ વિભાગમાં ઔદ્યોગિક બાયોટૅક્નૉલૉજી અને પર્યાવરણીય બાયોટૅક્નૉલૉજી પર સંશોધનો થઈ રહ્યાં છે.

સરદાર પટેલ યુનિવર્સિટીમાં વનસ્પતિવિજ્ઞાનના વિભાગ તરીકે 1958માં જીવવિજ્ઞાન-(biosciences)નો વિભાગ શરૂ થયેલો. અહીં સૂક્ષ્મજૈવિક (microbiological) અને પર્યાવરણીય ટૅક્નૉલૉજી (environmetal technology), ઉત્સેચક ટૅક્નૉલૉજી (enzyme technology), આણ્વીય જીવવિજ્ઞાન (molecular biology), વનસ્પતિસંરચના-વિકાસ (morphogenesis), વનસ્પતિ વર્ગીકરણવિજ્ઞાન (plant taxonomy), વનસ્પતિ-સંવર્ધન (plant breeding), ફૂગ-જૈવટૅક્નૉલૉજી (fungi-biotechnology), જૈવ વિવિધતા-સંરક્ષણ (biodiversity conservation), અંત:સ્રાવિકી (endocrinology), વનસ્પતિ દેહધર્મવિદ્યા (plant physiology), વિષાળુતાવિજ્ઞાન (toxicology), કાષ્ઠ-જીવવિજ્ઞાન (wood-biology), પ્રતિરક્ષાવિજ્ઞાન (immunology), વનસ્પતિ-વિવિધતા, અધ્યાવરણીય જીવવિજ્ઞાન (integumentary biology) જેવાં વિવિધ ક્ષેત્રોમાં સંશોધન થઈ રહ્યું છે.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે જલીય જીવવિજ્ઞાન(aquatic biology)નો વિભાગ શરૂ થયો છે. આ વિભાગમાં જલકૃષિ (aquaculture), મત્સ્યકોષ-જનીનવિજ્ઞાન, લીલવિજ્ઞાન (algology), જલપ્રદૂષણ, સમુદ્રી જીવવિજ્ઞાન (marine biology) વગેરે ક્ષેત્રોમાં સંશોધન હાથ ધરવામાં આવેલ છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જીવવિજ્ઞાન (bioscience) વિભાગ કાર્યરત છે. ડૉ. એસ. સી. પાંડે તેના પ્રથમ અધ્યક્ષ હતા.

બળદેવભાઈ પટેલ

ગૃહવિજ્ઞાન

ગુજરાતમાં ઘણી યુનિવર્સિટીઓમાં અથવા સંલગ્ન કૉલેજોમાં ગૃહવિજ્ઞાનનો અભ્યાસ સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ ચાલે છે. તેમાં સૌથી વધુ ખ્યાતનામ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઑવ્ બરોડાનો ગૃહવિજ્ઞાન વિભાગ છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પણ ગૃહવિજ્ઞાન વિભાગ છે. અન્ય યુનિવર્સિટીઓમાં પણ આ વિષયના અભ્યાસક્રમો ચાલે છે. કેટલીક કૉલેજોએ આ અભ્યાસક્રમમાં ખ્યાતિ પ્રાપ્ત કરેલ છે.

ઔષધવિજ્ઞાન

ઔષધશાસ્ત્રના શિક્ષણ અંગેની વ્યવસ્થા 1948માં અમદાવાદ ખાતે એલ. એમ. કૉલેજ ઑવ્ ફાર્મસીની સ્થાપના થતાં ઉપલબ્ધ બની છે. તે સ્નાતક, અનુસ્નાતક અને પીએચ.ડી. સુધીના અભ્યાસની સગવડો ધરાવતી અગ્રણી સંસ્થા છે. તેના પ્રથમ આચાર્ય ડૉ. આર. પી. પટેલ હતા. ત્યારબાદ ડૉ. એમ. બી. દેવાણી, ડૉ. સી. જે. શિશુ વગેરેએ આ સ્થાન સંભાળેલું છે. સંસ્થામાં ઔષધિઓ અંગે સંશોધન થતું રહ્યું છે. તે ઉપરાંત હવે તો ગાંધીનગર, ખંભાત, મોડાસા, મહેસાણા – એમ વિવિધ સ્થળોએ આ વિષયને લગતા શિક્ષણ માટેની સંસ્થાઓ શરૂ થઈ છે.

આયુર્વિજ્ઞાન

ગુજરાતમાં આયુર્વિજ્ઞાન (medical science) અંગેના શિક્ષણની રીતસરની જોગવાઈ અમદાવાદ ખાતે બી. જે. મેડિકલ કૉલેજની સ્થાપના દ્વારા 1946થી થઈ. તે પછી અમદાવાદમાં જ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા એન. એચ. એલ. મેડિકલ કૉલેજ શરૂ થઈ. અત્યારે ગુજરાતમાં આયુર્વેદિક મહાવિદ્યાલયો ઉપરાંત આધુનિક આયુર્વિજ્ઞાનની કૉલેજો (allopathic medical colleges) પણ છે. તેમાંની નોંધપાત્ર કૉલેજો આ પ્રમાણે છે : બી. જે. મેડિકલ કૉલેજ, અમદાવાદ (1946); વડોદરા મેડિકલ કૉલેજ (1949); મેઘજી પેથરાજ શાહ મેડિકલ કૉલેજ, જામનગર (1955); નાથીબાઈ હરગોવનદાસ લખમીચંદ મ્યુનિસિપલ મેડિકલ કૉલેજ, અમદાવાદ (1963); જીવણલાલ પ્રભુદાસ મેડિકલ કૉલેજ, ભાવનગર (1963); સૂરત મેડિકલ કૉલેજ, સૂરત (1964); ગવર્નમેન્ટ મેડિકલ કૉલેજ, રાજકોટ (1995); પ્રમુખસ્વામી મેડિકલ કૉલેજ, કરમસદ (1998). સ્વનિર્ભર કૉલેજોની પ્રથા વિસ્તરતાં ગુજરાતમાં 2018ના વર્ષમાં 26 મેડિકલ કૉલેજો કાર્યરત હતી.

આયુર્વિજ્ઞાનના ક્ષેત્રે કેટલાક એવા મહાનુભાવો થયા છે, જેમણે પોતાના અભ્યાસ કે વ્યવસાયના ક્ષેત્રમાં તેમજ સમાજનાં અન્ય ક્ષેત્રોમાં પણ ઉત્તમ સેવા આપી છે. એમાં નીચેનાં નામો ઉલ્લેખનીય છે :

ડૉ. બેન્જામિન જૉસેફ યહૂદીએ ગુજરાતમાં આધુનિક દાક્તરી પ્રશિક્ષણ માટેના વિદ્યાલયનો આરંભ કરવામાં અમૂલ્ય ફાળો આપ્યો. રેડક્રૉસ સોસાયટીની ગુજરાત શાખાની સ્થાપના ડૉ. એચ. એમ. દેસાઈના પ્રયત્ને થઈ. ભગવાન ધન્વંતરિએ પુન: અવતાર ધર્યો હોય તેમ આંખના દાક્તર શિવાનંદ અધ્વર્યુએ અગણિત રોગીઓનાં મોતિયા માટેનાં ઑપરેશનો કેવળ સેવાભાવથી કર્યાં અને તે કારણે ગિનેસ બુકમાં ઉલ્લેખ પામ્યા અને અન્ય સન્માનોથી વિભૂષિત પણ થયા. ડૉ. સુમન્ત મહેતા સયાજીરાવ ગાયકવાડના અંગત દાક્તરી અધિકારી હતા; પણ, વધારે જાણીતા થયા સમાજસેવક અને સ્વાતંત્ર્યસેનાની તરીકે. ડૉ. જીવરાજ મહેતાએ જનતાની સાથે ગાંધીજીની પણ તબીબી સેવા કરી હતી. તેઓ પણ સ્વાતંત્ર્યસેનાની તથા ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી તરીકે વધારે જાણીતા થયા. આણંદના ખ્રિસ્તી મિશનના સેવાભાવી દાક્તર કૂક આણંદ ઉપરાંત આસપાસના વિશાળ વિસ્તારમાં કુશળ દાક્તર તરીકે પ્રતિષ્ઠા ધરાવતા હતા. દૂર દૂરથી પીડિત જનો તેમની પાસે ઉપચાર માટે આવતા.
ડૉ. ઠાકોરભાઈ પટેલ વડોદરાના લોકપ્રિય દાક્તર સાથે સક્રિય સામાજિક કાર્યકર્તા હતા, મંત્રી પણ રહેલા. ડૉ. એચ. એલ. ત્રિવેદી અમદાવાદમાં મૂત્રપિંડના રોગોની ઉત્તમ સારવારની વ્યવસ્થા ઊભી કરનાર સેવાભાવી દાક્તર તરીકે સૌને પરિચિત છે. આ પહેલાં તેઓ કૅનેડામાં ઇસ્પિતાલના વડા હતા. ડૉ. એ. એમ. મલાવવાળાએ દંતવિદ્યાને – દંતચિકિત્સાને મહત્વનું સ્થાન અપાવ્યું; એટલું જ નહિ, અમદાવાદમાં દાંતના રોગોની ઇસ્પિતાલની સ્થાપનામાં તેમણે નોંધપાત્ર ફાળો આપ્યો. ડૉ. જયંત હરિભક્તિને અમદાવાદમાં કોઈ ના ઓળખે એવું બને નહિ. તેઓ તેમની ઉપચારપદ્ધતિથી બહુ લોકપ્રિય થયા; આ ઉપરાંત, દાક્તરી પ્રશિક્ષણ ક્ષેત્રે પણ તેમણે અમૂલ્ય સેવા આપી. ડૉ. ટી. બી. પટેલે ગુજરાતના પ્રથમ આરોગ્ય સેવા-નિયામક તરીકે વિવિધ ક્ષેત્રે પાયાનું કામ કર્યું. ડૉ. હરિપ્રસાદ વ્રજરાય દેસાઈ દાક્તરી કરતાં કરતાં ગાંધીજીના પ્રભાવમાં આવી ગયા. અમદાવાદમાં સંગ્રહાલયની સ્થાપના જેવી વિવિધ નાગરિક સેવાઓ માટે તેમણે ઝુંબેશ ચલાવી હતી. તેઓ ગુજરાત સાહિત્ય સભાના આજીવન ઉપપ્રમુખ રહ્યા. ડૉ. શિવપ્રસાદ ત્રિવેદીએ ઉમરેઠમાં રહીને રોગોના ઉપચાર સાથે ‘કુમાર’ માસિકમાં શરીર અને આરોગ્યના વિષયને સરળ ભાષામાં સમજાવતી લેખશ્રેણી આપેલી અને તેનાં પછીથી પુસ્તકો પણ આપ્યાં. ડૉ. સૌદામિની પંડ્યા અમદાવાદનાં સ્ત્રીરોગ-નિષ્ણાત ‘પંડ્યાબહેન’ તરીકે મહિલા-રોગીઓના આદરને પાત્ર બન્યાં. ડૉ. ભરત બરાઈનું નામ પણ જાણીતું છે. આ ગુજરાતી ડૉક્ટરે અમેરિકા જઈ નોંધપાત્ર સિદ્ધિ મેળવી છે. અમેરિકી પ્રમુખ બિલ ક્લિન્ટનના તબીબી સલાહકાર મંડળમાં નિષ્ણાત તરીકે તેમણે સ્થાન મેળવ્યું હતું. 1999માં ક્લિન્ટનની ભારતયાત્રા સમયે પ્રમુખના દાક્તર તરીકે તે પણ સાથે આવેલા. ડૉ. શિલીન શુક્લ અમદાવાદના કૅન્સરના નિષ્ણાત સેવાભાવી દાક્તર તરીકે વિશેષ લોકપ્રિય છે. તેમણે ગુજરાતી વિશ્વકોશ માટે આયુર્વિજ્ઞાનના વિષયના સંપાદક તરીકે ઉપયોગી અધિકરણો સરળ ભાષામાં પ્રસ્તુત કરીને ઉમદા સેવા બજાવી છે. તબીબી પરિભાષાના ગુજરાતી પર્યાયો યોજવામાં તેમનો અમૂલ્ય ફાળો છે. ‘કૅન્સર’ પુસ્તકનું તેમનું સંપાદન ભારે આવકાર પામ્યું છે. અમદાવાદ મેડિકલ ઍસોસિયેશનના પ્રમુખ તથા મંત્રી તરીકે પણ તેમણે સેવા આપી છે. કાર્ડિયોલૉજિસ્ટ ડૉ. તેજસ પટેલ વી. એસ. હૉસ્પિટલમાં કાર્ડિયોવેસ્કયુલર સાયન્સીઝ વિભાગમાં અધ્યક્ષ અને પ્રાધ્યાપક છે. અમદાવાદ ખાતે ‘નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઑક્યુપેશનલ હેલ્થ’ નામની સંસ્થા ચાલે છે. જુદા જુદા વ્યવસાયો અને ઉદ્યોગોમાં કામ કરનારાઓએ તેના કાર્યક્ષેત્રમાં જે પ્રદૂષણનો ભોગ બનવું પડે છે તેનો આ સંસ્થા અભ્યાસ કરે છે અને ઉપાયો સૂચવે છે.

શિલીન નં. શુક્લ

આયુર્વેદ

આયુર્વેદ ભારતનું અતિ પ્રાચીન શાસ્ત્ર છે. મધ્યકાળમાં વનસ્પતિઓના દ્રવ્યગુણ ઉપર જે ગ્રંથો રચાયા હતા તે પૈકી ‘કૈયદેવ નિઘંટુ’(1450)ના રચયિતા કૈયદેવ ગુજરાતના હતા. અગિયારમી સદીમાં જૂનાગઢ-નિવાસી યશોધર ભટ્ટે ‘રસપ્રકાશ સુધાકર’ નામે ગ્રંથ રચ્યો હતો. અગાઉ આયુર્વેદના વૈદ્યોને રાજ્યાશ્રય મળતો હતો. દેશી રાજ્યોના સમયમાં ગુજરાતના નામી વૈદ્યોમાં જામનગરના ઝંડુ ભટ્ટજી તથા વિઠ્ઠલભાઈ, ગઢડાવાળા નાનભટ્ટ, ઝંડુ ફાર્મસીના સ્થાપક જુગતરામભાઈ, તેમના ભાઈ મણિશંકરભાઈ તથા વિશ્વનાથ ભટ્ટ (મોરબીના રાજવૈદ્ય), જામનગરના બાવાભાઈ અચળજી, રાજકોટના ભાણજી કરસનજી, વડોદરાના ઘનશ્યામભાઈ બાપુભાઈ, અમદાવાદના જટાશંકર લીલાધર તથા રવિશંકરભાઈ, સૂરતના તિલકચંદ તારાચંદ, અમૃતલાલ પ્રાણશંકર પટ્ટણી, પોરબંદરના ત્રિકમજી આચાર્ય વગેરે હતા. ઝંડુ ભટ્ટજી અર્વાચીન યુગના આયુર્વેદ અને ઔષધવિજ્ઞાનના પ્રણેતા હતા. તે પછીના તબક્કામાં ત્ર્યંબકભાઈ જોષી, મનુભાઈ મહેતા, રસિકભાઈ પરીખ, સોમાભાઈ પટેલ, વિજયશંકર મુનશી, ડૉ. ઘારેખાન તથા બિહારીલાલ શર્મા જેવા જાણીતા વૈદ્યો થઈ ગયા. બૃહદ મુંબઈ રાજ્યની રચના દરમિયાન વામનરાવ વ્યાસ, ના. હ. જોષી, પંડિત શિવશર્મા, ગણેશશાસ્ત્રી જોષી, પ્રાણજીવનદાસ મહેતા, દુર્ગાશંકર કે. શાસ્ત્રી, પ્રતાપકુમાર પોપટલાલ વગેરે ગણનાપાત્ર હતા.

1960 પછી ગુજરાતના જાણીતા વૈદ્યોમાં શાન્તિલાલ જોષી, ઝવેરીલાલ ભાણજી વ્યાસ, મોહનલાલ ધામી, મોહનલાલ ભાણજી દલ, ભાસ્કરભાઈ ધોળકિયા (ભાવનગર), વસંતભાઈ ભટ્ટ (મોરબી), રણજિતરાય દેસાઈ, બાપાલાલ ગ. વૈદ્ય, ધીરજલાલ શાહ, ફૂલાભાઈ પટેલ, લક્ષ્મીશંકર શાસ્ત્રી (નડિયાદ), જાદવજી નરભેરામ શાસ્ત્રી, વલ્લભરામ દવે, પ્રજારામ રાવળ, વિષ્ણુભાઈ બોરસદવાળા, રમાકાન્ત પંડ્યા, નરહરિ જોષી, કાન્તિલાલ જાની, વિનાયક ઠાકર, સી. પી. શુક્લ, મોહનલાલ દવે, નરભેશંકર પાણેરી, નવીન ઓઝા, શોભન, બળદેવપ્રસાદ પનારા, લાભશંકર ઠાકર (પુનર્વસુ), અશોકભાઈ તળાવિયા, કનકરાય દલ, એચ. જી. સુરાણી, ધીરેન્દ્ર જોષી, હીરુભાઈ પટેલ, કિરીટ પંડ્યા, ઇન્દુભાઈ દવે, દેવેન્દ્ર કે. શાહ, લાભશંકર શુક્લ, પ્રાગજીભાઈ રાઠોડ, બિહારીલાલ શર્મા, માધવપ્રસાદ આચાર્ય, શ્રીધર કસ્તુરેજી, એમ. એચ. બારોટ વગેરેને ગણાવી શકાય.

ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી, જામનગરનું મુખ્ય કાર્યાલય

બાપાલાલ ગ. વૈદ્ય ગુજરાતના એક ઉત્તમ આયુર્વેદવિશારદ હતા. તેમણે તે વિષયને લગતા ગ્રંથો પણ લખ્યા છે. ગોવિંદપ્રસાદ વૈદ્ય આયુર્વેદ યુનિવર્સિટીના કુલપતિપદે પણ હતા. તેમણે કેટલાંક ઉત્તમ આયુર્વેદિક ઔષધો વિશે સંશોધન કરેલ અને અમદાવાદમાં આયુર્વેદ ભવન, ગુજરાત આયુર્વેદ–વિકાસ ફાર્મસી તથા ‘નિરામય’ માસિક કાર્યાલયની સ્થાપના કરેલી.

ગુજરાતમાં સર્વપ્રથમ આયુર્વેદની કૉલેજ પાટણમાં 1923માં સ્થપાઈ હતી. તે પછી સૂરતમાં 1924માં, નડિયાદમાં 1938માં અને જામનગરમાં 1946માં આવી કૉલેજો અસ્તિત્વમાં આવી. 1956માં જામનગરમાં સર્વપ્રથમ અનુસ્નાતક શિક્ષણ શરૂ થયું. અમદાવાદના અખંડાનંદ આયુર્વેદ મહાવિદ્યાલયમાં ‘કાયચિકિત્સા’ માટેનું અનુસ્નાતક કેન્દ્ર છે. 1960માં ગુજરાત રાજ્યની સ્થાપના થઈ અને રાજ્યના આરોગ્યમંત્રી શ્રી મોહનલાલ વ્યાસના પ્રયત્નથી આયુર્વેદને ઉત્તેજન મળ્યું. ભારતભરમાં સર્વપ્રથમ એવી આયુર્વેદ યુનિવર્સિટી 1967માં જામનગરમાં સ્થપાઈ. આ યુનિવર્સિટી સાથે સંકળાયેલી સંસ્થાઓ આ પ્રમાણે છે : સરકારી અખંડાનંદ આયુર્વેદ મહાવિદ્યાલય, અમદાવાદ; સરકારી આયુર્વેદ મહાવિદ્યાલય, વડોદરા; સરકારી આયુર્વેદ મહાવિદ્યાલય,

જૂનાગઢ; શેઠ જી. પ્ર. આયુર્વેદ મહાવિદ્યાલય, ભાવનગર; બાલા હનુમાન આયુર્વેદ મહાવિદ્યાલય, લોદ્રા; જે. એસ. આયુર્વેદ મહાવિદ્યાલય, નડિયાદ; આર્યકન્યા શુદ્ધ આયુર્વેદ મહાવિદ્યાલય, વડોદરા; ઓ. હી. નાઝર આયુર્વેદ મહાવિદ્યાલય, સૂરત અને ગુલાબકુંવરબા આયુર્વેદિક મહાવિદ્યાલય, જામનગર.

સમગ્ર વિશ્વમાં ભારતની આ એક જ આયુર્વેદ યુનિવર્સિટી છે જેના નેજા નીચે હવે વિદેશોમાં પણ આયુર્વેદના શિક્ષણની યોજના કાર્યરત થઈ છે.

ગુજરાતની અગ્રગણ્ય આયુર્વેદિક ફાર્મસીઓમાં ઊંઝા ફાર્મસી (ઊંઝા), ઝંડુ ફાર્મસી (વાપી), બાન આયુર્વેદ ફાર્મસી, વાસુ આયુર્વેદ લૅબોરેટરી, આયુલૅબ્સ પ્રા. લિ., શંકર આયુર્વેદ ફાર્મસી, નાગાર્જુન આયુર્વેદ ફાર્મસી, હરિનારાયણ ફાર્મસી, સ્વામી આત્માનંદ સરસ્વતી આયુર્વેદિક સહકારી ફાર્મસી (સૂરત) વગેરેને ગણાવી શકાય. જ્યારે અગ્રણી આયુર્વેદિક સંસ્થાઓમાં ગુજરાત આયુર્વેદ વિકાસ મંડળ (અમદાવાદ), આયુર્વેદ સહાયક નિધિ (અમદાવાદ), આયુર્વેદ સેવા સમાજ (વડોદરા) વગેરેને ગણાવી શકાય. આ ઉપરાંત વડોદરા જિલ્લા વૈદ્ય મંડળ (વડોદરા) તથા રાજકોટ વૈદ્ય સભા (રાજકોટ) જેવાં મંડળો પણ આયુર્વેદિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલાં છે.

બળદેવપ્રસાદ પનારા

હોમિયોપથી

ગુજરાતની જુદી જુદી યુનિવર્સિટીઓ સાથે સંલગ્ન એવી હોમિયોપથીની કૉલેજો વડોદરા પાસે સાવલી, આણંદ, રાજકોટ, અમદાવાદ વગેરે સ્થળોએ આવેલી છે.

કૃષિ

ગુજરાતમાં દાંતીવાડા, આણંદ, જૂનાગઢ અને નવસારી ખાતે ગુજરાત કૃષિ યુનિવર્સિટીઓ આવેલ છે. જ્યાં ઍગ્રિકલ્ચર, હૉર્ટિકલ્ચર, ફ્લોરિકલ્ચર વગેરેના અભ્યાસક્રમો શીખવાય છે અને સંશોધન થાય છે. આ ઉપરાંત વેરાવળ ખાતે ફિશરિઝની કૉલેજ પણ આવેલ છે.

લોકભોગ્ય વિજ્ઞાન

જે લેખકોએ ગુજરાતી ભાષાનાં વિવિધ સામયિકોમાં તેમજ વર્તમાનપત્રોમાં વિજ્ઞાનવિષયક લેખો લખી વિજ્ઞાનને લોકભોગ્ય બનાવવામાં તથા વિજ્ઞાનના પ્રસારમાં મહત્વનો ફાળો આપ્યો છે તેમાં ડૉ. એન. એમ. શાહ, ડૉ. સુરેશ શેઠના, ડૉ. પ્ર. ચુ. વૈદ્ય, પ્રો. જે. ડી. ઓઝા, શ્રી વિજયગુપ્ત મૌર્ય, શ્રી નગેન્દ્રવિજય, ડૉ. શિવપ્રસાદ ત્રિવેદી, ડૉ. કાન્તિલાલ પંડ્યા, શ્રી નગીનદાસ મોદી, શ્રી બંસીધર ગાંધી, શ્રી પ્રદ્યુમ્ન કંચનરાય દેસાઈ, શ્રી જિતેન્દ્રકુમાર જટાશંકર રાવલ, શ્રી મનુભાઈ જોધાણી, શ્રી મૂળશંકર મો. ભટ્ટ, ડૉ. સુશ્રુત પટેલ, શ્રી નાનાલાલ વસા, પ્રો. પી. સી. પટેલ, ડૉ. વિહારી છાયા વગેરેનો ઉલ્લેખ કરી શકાય.

યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડે પણ ગુજરાતી ભાષામાં વિજ્ઞાનના વિવિધ વિષયો ઉપર પાઠ્યપુસ્તકો પ્રકાશિત કરી વિજ્ઞાનના વિકાસમાં ફાળો આપ્યો છે. ગુજરાત યુનિવર્સિટી અને સરદાર પટેલ યુનિવર્સિટીએ તેમજ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટે વિજ્ઞાનના લોકોપયોગી ગ્રંથો તથા સંદર્ભગ્રંથો તેમજ અન્ય સાહિત્ય પ્રગટ કરીને વિજ્ઞાન-પ્રસારને પ્રોત્સાહન આપ્યું છે. ગુજરાતી વિશ્વકોશના અંગ રૂપે વિજ્ઞાનના તમામ વિષયોની પરિભાષા તૈયાર કરવાનો પ્રકલ્પ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટે હાથ ધર્યો છે.

સંસ્થાઓ

ગુજરાતમાં વિજ્ઞાન અને ટૅક્નૉલૉજીના ક્ષેત્રે થયેલા/થઈ રહેલા સંશોધનમાં કેટલીક સંસ્થાઓ આગળ પડતું સ્થાન ધરાવે છે. આમાં ગણનાપાત્ર સંસ્થાઓ આ પ્રમાણે છે : અટીરા (Ahmedabad Textile Industries Research Association, ATIRA), અમદાવાદ; ફિઝિકલ રિસર્ચ લૅબોરેટરી (PRL), અમદાવાદ; સેન્ટ્રલ સૉલ્ટ ઍન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, ભાવનગર; ઇન્સ્ટિટ્યૂટ ફૉર પ્લાઝ્મા રિસર્ચ, ભાટ (ગાંધીનગર); સ્પેસ ઍપ્લિકેશન સેન્ટર (Space Application Centre, SAC), અમદાવાદ; વેધશાળા, અમદાવાદ; મોસમવિજ્ઞાન પ્રયોગશાળા, અમદાવાદ; નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ડિઝાઇન, અમદાવાદ; ગુજરાત કૅન્સર ઍન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, અમદાવાદ; ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ કિડની ડિઝીઝિઝ ઍન્ડ રિસર્ચ સેન્ટર, અમદાવાદ અને વિકાસ અને શૈક્ષણિક સંચાર એકમ (Development and Educational Communication Unit), અમદાવાદ.

અટીરા

બ્રિટિશ કૉટન ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ ઍસોસિયેશનના ધોરણે આ સંસ્થાની સ્થાપના કસ્તૂરભાઈ લાલભાઈના અધ્યક્ષપદે અને ડૉ. વિક્રમ સારાભાઈના વૈજ્ઞાનિક આયોજન અને સહકારથી ડિસેમ્બર 1947માં કરવામાં આવી હતી. કાપડ-ઉદ્યોગને લગતું સંશોધન એ આ સંસ્થાનું કાર્યક્ષેત્ર છે. કુદરતી અને માનવસર્જિત રેસાઓનાં રાસાયણિક બંધારણ અને ઔદ્યોગિક પ્રક્રિયાઓમાં થતા ફેરફારોનો અભ્યાસ અને તેને લગતું સંશોધન અહીં થાય છે. કાપડ માટેની બ્લીચિંગ, ડાઇંગ, પ્રિન્ટિંગ વગેરે વિવિધ પ્રક્રિયાઓ તથા કાપડના ટકાઉપણાને અસર કર્યા સિવાય કાપડના દેખાવને સુધારવામાં અટીરા તેની સભ્ય મિલોને ટૅકનિકલ સેવાઓ આપે છે.

ડૉ. વિક્રમ સારાભાઈ, ડૉ. બી. કે. વૈદ્ય, ડૉ. પી. સી. મહેતા, ડૉ. રાધાકૃષ્ણન્ વગેરેનો અટીરાના આયોજન, વિકાસ અને તેના સંશોધનમાં મહત્વનો ફાળો રહ્યો છે. સંસ્થાને મુંબઈ, ચેન્નઈ તથા અન્ય વિશ્વવિદ્યાલયોએ માન્ય અનુસ્નાતક સંસ્થા તરીકે સ્વીકારેલ છે. ટેક્સ્ટાઇલ સંશોધન માટે અટીરાએ ભારતને વિશ્વના નકશામાં સ્થાન અપાવ્યું છે.

અટીરા, અમદાવાદ

અટીરાના પગલે પગલે મુંબઈ અને કોઇમ્બતૂર ખાતે આવી જ સંસ્થાઓ અસ્તિત્વમાં આવી છે. આ પ્રકારની એક સંસ્થા સૂરત ખાતે પણ સ્થપાઈ છે.

ફિઝિકલ રિસર્ચ લૅબોરેટરી

ભારતની પ્રથમ કોટિની આ આંતરરાષ્ટ્રીય સંશોધન સંસ્થાની સ્થાપના ડૉ. વિક્રમ સારાભાઈએ નવેમ્બર 1947માં કરી હતી. તે ભારત સરકારના અવકાશ વિભાગના ઉપક્રમે કાર્ય કરતી એક સ્વાયત્ત સંશોધન-પ્રયોગશાળા છે. તેનું સંશોધનકાર્ય અમદાવાદ ઉપરાંત આબુ પર્વત, ઉદયપુર, ત્રિવેન્દ્રમ, ગુલમર્ગ અને અન્ય સ્થળોએથી થાય છે. ભૌતિકવિજ્ઞાનની વિવિધ શાખાઓ જેવી કે ખગોળવિજ્ઞાન (astronomy), ખગોળભૌતિકી (astrophysics), અવકાશવિજ્ઞાન (space science), વાતાવરણી ભૌતિકશાસ્ત્ર (atmospheric physics), ભૂ-ભૌતિકવિજ્ઞાન (geophysics), પ્લાઝ્મા (plasma), પારમાણ્વિક, આણ્વિક અને કણ-ભૌતિકવિજ્ઞાન, નાભિકીય ભૌતિકવિજ્ઞાન (nuclear physics), લેસર (laser) ભૌતિકવિજ્ઞાન,  ક્વૉન્ટમ પ્રકાશિકી (quantum optics), તથા ગણનાત્મક (computational) ભૌતિકશાસ્ત્રનાં ક્ષેત્રોને લગતું સંશોધન આ સંસ્થામાં થાય છે. કૉસ્મિક કિરણોને લગતું સંશોધન બંધ થયું પણ અન્ય ક્ષેત્રો ખૂલ્યાં છે. પી. આર. એલ.ના વૈજ્ઞાનિક આયોજન અને સંચાલનમાં તેના પ્રથમ નિયામક ડૉ. કે. આર. રામનાથન્નો અમૂલ્ય ફાળો રહ્યો છે. આ સાથે સૈદ્ધાંતિક અને પ્રાયોગિક ક્ષેત્રે સંશોધનના વિકાસમાં ડૉ. ઉપેન્દ્ર દેસાઈ, ડૉ. સુધીરભાઈ પંડ્યા, ડૉ. આર. કે. વર્મા, ડૉ. દેવેન્દ્ર લાલનો નોંધપાત્ર ફાળો રહ્યો છે. હાલ તેના નિયામક તરીકે ડૉ. જે. એન. ગોસ્વામી સેવાઓ આપી રહ્યા છે. ખગોળવિજ્ઞાન અને ખગોળભૌતિકીમાં ડૉ. જે. એન. દેસાઈ તથા ડૉ. એમ. આર. દેશપાંડેએ નોંધપાત્ર ફાળો આપ્યો છે.

ફિઝિકલ રિસર્ચ લૅબોરેટરી, અમદાવાદ

સેન્ટ્રલ સૉલ્ટ ઍન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ

1954ની 10મી એપ્રિલે ભાવનગર ખાતે આ સંસ્થાની સ્થાપના સામાન્ય મીઠા અંગેનું સંશોધન અને વિકાસને લગતું કાર્ય કરવા માટે થઈ હતી. કાઉન્સિલ ઑવ્ સાયન્ટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ (ન્યૂ દિલ્હી) હેઠળની તે રાષ્ટ્રીય પ્રયોગશાળા છે. સમય જતાં તે આંતરવિદ્યાશાખા પ્રયોગશાળામાં ફેરવાઈ છે અને તેના સંશોધન અને વિકાસને લગતા કાર્યક્રમમાં રસાયણશાસ્ત્ર, જીવવિજ્ઞાન તથા ઇજનેરીનો પણ સમાવેશ થયો છે. તેના સંશોધનકાર્યમાં સામાન્ય મીઠાથી માંડીને અત્યંત આશાસ્પદ એવી પટલ-અલગન (membrane separation) તકનીકનો સમાવેશ થાય છે.

જીવવિજ્ઞાન ક્ષેત્રમાં તેનાં સંશોધનો મુખ્યત્વે જૈવ-લવણતા(biosalinity)ને લગતાં છે, જેમાં ખરાબાની જમીન(wasteland)ના ઉપયોગને લગતાં, ઉજ્જડ (arid) જમીનમાં તથા દરિયાકાંઠે ઉગાડી શકાય તેવી ક્ષારસહ્ય વનસ્પતિનાં સંશોધનોનો સમાવેશ થાય છે. આવી જમીનમાં સંસ્થાએ એટ્રિપ્લેક્સ (Atriplex), જન્કસ રિજિડસ (Juncus rigidus), પીલુ (Salvadora), મુચુલ (Salicornia), જોજોબા [Simmondsia chinensis (Jojoba)] વગેરે ઉગાડવા માટેના પ્રયોગો કરેલા છે.

ઉચ્ચ કોટિનું મીઠું (દા.ત., સહજ વહેતું મીઠું, આયોડિનયુક્ત મીઠું), સોડિયમ સલ્ફેટ, દરિયાઈ જિપ્સમમાંથી ઉચ્ચ પ્રબળતાવાળું પ્લાસ્ટર, દરિયાના પાણીમાંથી મીઠું કાઢી લીધા પછી વધેલા પાણી(bittern)માંથી બ્રોમીન, હલકો તથા ભારે બેઝિક મૅગ્નેશિયમ કાર્બોનેટ, મૅગ્નેશિયમ ટ્રાઇસિલિકેટ, મૅગ્નેશિયમ હાઇડ્રૉક્સાઇડ, એપ્સમ સૉલ્ટ; અકાર્બનિક રસાયણો જેવાં કે અવક્ષેપિત સિલિકા, કૅલ્શિયમ કાર્બોનેટ, પોટૅશિયમ નાઇટ્રેટ, ઍલ્યુમિનિયમ હાઇડ્રૉક્સાઇડ જેલ (gel) (ઔષધીય), ઍલ્યુમિનિયમ સિલિકેટ (પૂરક), વૉલેસ્ટોનાઇટ (wollastonite) ખનિજમાંથી ઉષ્મીય ઇન્સ્યુલેશન્સ (thermal insulations), ઝિયોલાઇટ; દરિયાઈ નકામા છોડવાંમાંથી અગાર-અગાર, સોડિયમ આલ્જિનેટ, કાપ્પા કેરાજિનન; આંતર-બહુલકીય પટલો (interpolymer membranes) જેવી આયન-વિનિમય તકનીકો; ઉત્ક્રમી પરાસરણ (reverse osmosis) અને વિદ્યુતપારશ્લેષણ (electrodialysis) જેવી વિક્ષારીકરણની તકનીકો તેમજ જોજોબા મલમ તથા લોશન વગેરે અંગેના પ્રક્રમો સંસ્થાએ વિકસાવ્યાં છે. દેશના ખનિજ-સ્રોતોના ઉપયોગ અંગેની તકનીક વિકસાવવામાં પણ સંસ્થાએ ફાળો આપવાનો પ્રયત્ન કર્યો છે. સંસ્થાના ડૉ. સી. આર. કે. રેડ્ડીને 1998–99 વર્ષનો જ્યારે શ્રી વી. જે. શાહને 2003–2004ના વર્ષનો ગુજરાત સરકારનો ડૉ. વિક્રમ સારાભાઈ ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

કેટલાક વિશ્વવિદ્યાલયોએ આ સંસ્થાને અનુસ્નાતક સંશોધનસંસ્થા તરીકે માન્ય રાખેલ છે. તેના નિયામક ડૉ. પી. કે. ઘોષને 200506ના વર્ષનો ગુજરાત સરકારનો ડૉ. વિક્રમ સારાભાઈ ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

ઇન્સ્ટિટ્યૂટ ફૉર પ્લાઝ્મા રિસર્ચ

ભારત સરકાર દ્વારા આ સંસ્થા ગાંધીનગર નજીક ભાટ ગામે 1986માં સ્થાપવામાં આવી છે. પ્લાઝ્મા (plasma) ધન અને ઋણ વીજભાર ધરાવતા તથા તટસ્થ કણોનો સમૂહ છે, જે સમગ્રતયા વિદ્યુત-તટસ્થ વર્તણૂક ધરાવે છે અને તે સૂર્યના તાપમાને (લગભગ 108 °સે) અસ્તિત્વ ધરાવે છે. પ્લાઝ્મા ઉપર સૈદ્ધાંતિક અને પ્રાયોગિક સંશોધન કરતી આ આંતરરાષ્ટ્રીય ધોરણની સંસ્થા છે. સંગલન (fusion) પ્રકારના રિઍક્ટર વડે મળતા પ્લાઝ્મામાં ઊર્જાનો અખૂટ ભંડાર રહેલો છે. આ ઊર્જાને વ્યવહારુ રીતે ઉપયોગમાં લેવા યુરોપ અને અમેરિકામાં ઘનિષ્ઠ સંશોધન ચાલી રહ્યું છે. ભારત પણ આ સંશોધનમાં મોખરાનું સ્થાન ધરાવે છે. સંગલન-ઊર્જા મેળવવા માટેના યંત્રને ‘ટોકામેક’ કહે છે. IPRમાં ટોકામેક બનાવવાનું કાર્ય શરૂ થયેલું. તેનું નામ ‘આદિત્ય’ રાખવામાં આવ્યું છે. હવે આદિત્ય પૂર્ણ થઈ ચૂક્યું છે અને તે કાર્યરત બન્યું છે. સંગલન-પ્રક્રિયા દ્વારા અખૂટ ઊર્જા પ્રાપ્ત કરવા માટેનું ભારતનું તે પ્રથમ સાહસ છે. હાલમાં IPRના નિયામક ડૉ. પી. કે. કાવની રાહબરી હેઠળ સંસ્થામાં સંશોધનકાર્ય ચાલી રહ્યું છે અને તેમાં અભિજિત સેન જેવા અનેક જાણીતા ભૌતિકવિદો કાર્ય કરી રહ્યા છે. આ સંસ્થાના ડૉ. કે. એસ. ગણેશ પ્રસાદ અને ડૉ. સુધીર કુમાર નીમાને 2002–03ના વર્ષનો ડૉ. વિક્રમ સારાભાઈ ઍવૉર્ડ પ્રાપ્ત થયો છે.

સ્પેસ ઍપ્લિકેશન સેન્ટર (SAC), અમદાવાદ

અંતરીક્ષ ઉપયોગ કેન્દ્રના નામથી ઓળખાતી આ સંસ્થા ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન(ઇસરો)નું એક મહત્વનું કેન્દ્ર છે, જેની સ્થાપના 1972માં કરવામાં આવી હતી. આ સંસ્થામાં અંતરીક્ષ-સ્થિત ઉપગ્રહોના વિવિધ શાંતિમય ઉપયોગો, જેવા કે દૂર-સંદેશાવ્યવહાર, ટેલિવિઝનનું વ્યાપક પ્રસારણ, દૂર-સંવેદનપદ્ધતિ દ્વારા ભૂ-સંપત્તિનું સર્વેક્ષણ તથા હવામાનની માહિતી વગેરે માટેનાં સંશોધનો કરવામાં આવે છે. ઇસરોના ‘ઇનસેટ’ તથા ‘આઇ. આર. એસ.’ શ્રેણીના ઉપગ્રહોના ‘પેલોડ’ (મુખ્ય ઉપકરણો) આ કેન્દ્રમાં તૈયાર કરવામાં આવે છે. 1967માં અમદાવાદમાં સ્થાપવામાં આવેલું ભારતનું પ્રથમ ‘પ્રાયોગિક ઉપગ્રહ સંદેશાવ્યવહાર ભૂમિ-મથક’ (Experimental Satellite Communication Earth StationESCES) આ કેન્દ્રનો જ એક ભાગ છે. આ ઉપરાંત, આ કેન્દ્ર દિલ્હીના ભૂમિ-મથકના સંચાલનની જવાબદારી સંભાળે છે.

ગુજરાત કૅન્સર ઍન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ

કૅન્સરથી પીડાતા દર્દીઓને સહાયભૂત થવા અમદાવાદ ખાતે 2 એપ્રિલ, 1961ના રોજ ગુજરાત કૅન્સર સોસાયટીની સ્થાપના થઈ હતી. 14 ડિસેમ્બર, 1966ના રોજ એમ. પી. શાહ. મેડિકલ હૉસ્પિટલની સ્થાપના થઈ. ફેબ્રુઆરી 1972માં આ હૉસ્પિટલ ગુજરાત કૅન્સર ઍન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ તરીકે એક સ્વાયત્ત સંસ્થામાં ફેરવાઈ. UICC અને WHO જેવી સંસ્થાઓ દ્વારા માન્ય થવા ઉપરાંત તે ભારત સરકાર દ્વારા ક્ષેત્રીય કૅન્સર સેન્ટર તરીકે પણ માન્ય થયેલી છે. સંસ્થા કૅન્સરની સારવાર ઉપરાંત કોષ-જીવવિજ્ઞાન (cell biology), આણ્વિક જીવવિજ્ઞાન (molecular biology), જૈવરસાયણ (biochemistry), કૅન્સર જીવવિજ્ઞાન (cancer biology), તથા પ્રતિરક્ષા-પેશીરસાયણ (immuno-histochemistry) જેવા વિભાગો દ્વારા પ્રશંસનીય સંશોધનપ્રવૃત્તિ પણ ચલાવી રહી છે. તેના ફળ સ્વરૂપે 230 કરતાં વધુ સંશોધનલેખો પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે અને અનેક યુવાન વૈજ્ઞાનિકોએ અહીંથી પીએચ.ડી. પદવી પણ પ્રાપ્ત કરી છે.

નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ડિઝાઇન

1961માં કેન્દ્ર સરકાર દ્વારા આ સંસ્થા અમદાવાદમાં ગૌતમ સારાભાઈના અધ્યક્ષપદે સ્થાપવામાં આવેલી. તે ઔદ્યોગિક ડિઝાઇન અને સંચાર(communication)નાં ક્ષેત્રોમાં શિક્ષણ, સંશોધન, તાલીમ અને સેવા પૂરી પાડતી રાષ્ટ્રીય સ્તરની સંસ્થા છે. ઔદ્યોગિક ડિઝાઇનમાં તે પ્રૉડક્ટ ડિઝાઇન, ફર્નિચર ડિઝાઇન અને સિરામિક ડિઝાઇન જેવા વિષયોમાં; સંચાર ડિઝાઇનના ક્ષેત્રે ઍનિમેશન ફિલ્મ ડિઝાઇન, ગ્રાફિક ડિઝાઇન તથા વીડિયો પ્રોગ્રામ જેવા વિષયોમાં તેમજ ટેક્સ્ટાઇલ અને એપૅરલ ડિઝાઇનમાં પણ શૈક્ષણિક સવલતો પૂરી પાડે છે.

વેધશાળા

ભારતીય પરંપરાને ધ્યાનમાં રાખીને આંતરરાષ્ટ્રીય ધોરણે ખગોળવિજ્ઞાનના વિષયમાં આગવું પ્રદાન કરવા અને સાચવવાના હેતુથી વેધશાળાની સ્થાપના અમદાવાદ ખાતે 1956માં કરવામાં આવી હતી. 1975માં વેધશાળાનું સૌર-કેન્દ્ર અને 1979માં અંબાજી ખાતે વેધશાળાનું અન્ય કેન્દ્ર સ્થાપવામાં આવેલ. વેધશાળાના મુખ્ય હેતુઓમાં સંશોધનાત્મક અને શૈક્ષણિક કાર્યક્રમો દ્વારા ખગોળ અને તેને આનુષંગિક વિજ્ઞાનની શાખા-પ્રશાખાઓનું અધ્યયન, પ્રાચીન તેમજ અર્વાચીન જ્ઞાનનો સમન્વય અને સંકલન, લોકોપયોગી સંશોધનો તથા ખગોળવિજ્ઞાન માટે જનતામાં રસવૃત્તિ કેળવવાનો સમાવેશ થતો હતો. સંસ્થાને રાજ્ય સરકાર ઉપરાંત CSIR, DST, ISRO, NCST, DOS અને NCERT તરફથી સંશોધનસંસ્થા તરીકે માન્યતા મળેલી. ગુજરાત યુનિવર્સિટી તથા ઉદયપુરની રાજસ્થાન યુનિવર્સિટી તરફથી તેને પીએચ.ડી. પદવી માટેના સંશોધનકેન્દ્ર તરીકે પણ માન્યતા પ્રાપ્ત થયેલી. હાલ સંસ્થા કાર્યરત નથી.

વિકાસ અને શૈક્ષણિક સંચાર એકમ

(Development and Educational Communication Unit DECU)

અમદાવાદનું ઇસરોનું આ એકમ અંતરીક્ષના ઉપયોગલક્ષી કાર્યક્રમોનું આયોજન, તેનો અમલ તથા તેનાં સામાજિક/આર્થિક પાસાંનું મૂલ્યાંકની જેવાં કાર્યોની જવાબદારી સંભાળે છે. આ ઉપરાંત, આ એકમ વિકાસ અને શિક્ષણલક્ષી ટેલિવિઝન કાર્યક્રમો પણ તૈયાર કરે છે તથા તે અંગે પ્રશિક્ષણ પણ આપે છે. 1975–76 દરમિયાન અમેરિક્ધા સંદેશાવ્યવહાર ઉપગ્રહ ATS-6ની મદદથી ભારતના 2,500 જેટલા ગ્રામવિસ્તારો માટે વ્યાપક સ્તરે સફળતાપૂર્વક યોજવામાં આવેલા SITE પ્રયોગમાંથી કાળક્રમે DECU સંસ્થાનો જન્મ થયો હતો. નવેમ્બર 1996થી આ જ પ્રકારનો બીજો એક પ્રયોગ મધ્યપ્રદેશના પછાત વિસ્તારના ઝાબુઆ જિલ્લાને લક્ષમાં રાખીને શરૂ કરવામાં આવ્યો છે.

કમ્યૂનિટી સાયન્સ સેન્ટર

વિધિસરના વિજ્ઞાનના શિક્ષણથી વંચિત સમાજને વિજ્ઞાનના વિષયોમાં પાયાના પ્રાયોગિક શિક્ષણની સુવિધાઓ પૂરી પાડવામાં અમદાવાદના વિક્રમ સારાભાઈ કમ્યૂનિટી સાયન્સ સેન્ટરનો ફાળો મહત્વનો છે. 1962માં ડૉ. વિક્રમ સારાભાઈની પ્રેરણા અને તેમના માર્ગદર્શન હેઠળ ડૉ. પી. સી. વૈદ્ય (ગુજરાત યુનિવર્સિટી), ડૉ. જે. પી. ત્રિવેદી (સેન્ટ ઝેવિયર્સ કૉલેજ), ડૉ. કે. બી. શાહ (એમ. જી. સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ) વગેરે વિવિધ ક્ષેત્રે જાણીતા વૈજ્ઞાનિકોએ એકઠા થઈ ગ્રૂપ ફૉર ઇમ્પ્રૂવમેન્ટ ઑવ્ સાયન્સ એજ્યુકેશન (GISE) નામનું એક ફોરમ સ્થાપેલું. સમય જતાં તેનો વિક્રમ સારાભાઈ કમ્યૂનિટી સાયન્સ સેન્ટરરૂપે વિકાસ થયો. આ કેન્દ્રમાં પ્રો. એ. આર. રાવે ગણિતની રમતો અને પ્રતિરૂપો(models)નું એક અનોખું સ્થાયી પ્રદર્શન ઊભું કર્યું છે. તેજસ્વી વિદ્યાર્થીઓ સાથે ગણિતને લગતી બુદ્ધિયુક્ત ચર્ચાઓ કરીને પ્રો. રાવે વિજ્ઞાન-શિક્ષણમાં મોટું પ્રદાન કર્યું છે. રાજકોટ મ્યુનિસિપલ કૉર્પોરેશન અને સૌરાષ્ટ્ર એજ્યુકેશન ફાઉન્ડેશન સંચાલિત લોકવિજ્ઞાનકેન્દ્ર અને પ્લેનિટેરિયમ રાજકોટ ખાતે કાર્યરત છે. તેના આરંભમાં તેની વિજ્ઞાન કમિટીના અધ્યક્ષ ડૉ. વિહારી છાયા હતા. આ પ્રવૃત્તિના મૂળમાં સૌરાષ્ટ્ર એજ્યુકેશન ફાઉન્ડેશનનું લોકવિજ્ઞાનકેન્દ્ર ‘પ્રયોગ’ છે જેનું ઉદઘાટન ભારતના તે વખતના અણુઊર્જા પંચના વડા ડૉ. શેઠનાએ કરેલું. તેના માનાર્હ નિયામક ડૉ. વિહારી છાયા હતા. રાજકોટ ખાતે લોકભોગ્ય વિજ્ઞાન અને બાળકોની પ્રવૃત્તિ માટે બાલભવન ચાલે છે જે રાષ્ટ્રીય સ્તરે જાણીતું છે.

દક્ષિણ ગુજરાતમાં ધરમપુર ખાતે પણ આવું એક કેન્દ્ર ઊભું થયું છે.

પરંતપ પાઠક

મંડળો

વિજ્ઞાન અને ટૅક્નૉલૉજીવિષયક મંડળો : ગુજરાત વિજ્ઞાન અકાદમી (Gujarat Science Academy) એ જાણીતા વૈજ્ઞાનિકોનું મંડળ છે. તે અધિવેશન, પરિસંવાદ અને વિજ્ઞાનને લગતાં લોકભોગ્ય પ્રકાશનો દ્વારા વિજ્ઞાનના વિકાસમાં તથા પ્રસારમાં ફાળો આપી રહેલ છે. ‘ગુજરાત ગણિત મંડળ’ પણ ગણિત વિષયને લગતું આવું મંડળ છે. ‘અમદાવાદ મેડિકલ ઍસોસિયેશન’ની સ્થાપના 1902માં થયેલી. આમ તે લગભગ 110 વર્ષ જૂનું મંડળ છે. તેનાં 28 વર્ષ પછી ‘ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશન’ની સ્થાપના થયેલી. આ ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશનની શાખા તરીકે ‘ગુજરાત મેડિકલ ઍસોસિયેશન’ અધિવેશન અને પરિસંવાદો દ્વારા આયુર્વિજ્ઞાનને લગતી પ્રવૃત્તિઓ ચલાવે છે. ‘ઇન્ડિયન ડેન્ટલ ઍસોસિયેશન’ની શાખા તરીકે ‘ગુજરાત ડેન્ટલ ઍસોસિયેશન’ પણ આ પ્રકારની પ્રવૃત્તિઓમાં કાર્યરત છે.

આ ઉપરાંત આ પ્રકારનાં અન્ય મંડળો પણ વિજ્ઞાનવિષયક પ્રવૃત્તિઓમાં પોતપોતાનો ફાળો આપી રહ્યાં છે.

રાજ્યની વિવિધ શાળાઓ માટે યોજાતા વિજ્ઞાનમેળા પણ વિજ્ઞાન પ્રત્યે વિદ્યાર્થીઓમાં અને જનતામાં રસ જાગ્રત કરે છે. ઇજનેરો માટેની રાષ્ટ્રસ્તરની સંસ્થા, ‘ધી ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ એન્જિનિયર્સ (ઇન્ડિયા)’ એ ઇજનેરી વિદ્યાની બધી શાખાઓનું પ્રતિનિધિત્વ ધરાવતી સૌથી મોટી ઇજનેરી સંસ્થા છે. તેનું મુખ્ય મથક કોલકાતા છે, પરંતુ દરેક રાજ્યમાં આ સંસ્થાનાં કેન્દ્રો (state centres) આવેલાં છે. અમદાવાદ ખાતે ભાઈકાકા ભવનમાં ગુજરાત કેન્દ્રની કચેરી આવેલી છે. આ સંસ્થા ગુજરાતના ટૅક્નૉલૉજી અને ઇજનેરી ક્ષેત્રને લગતી મહત્વની બાબતોમાં કેન્દ્ર અને રાજ્ય-સ્તરે પ્રતિનિધિત્વ કરે છે તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. સંસ્થા સભ્યોના વ્યાવસાયિક વિકાસ માટે અનેકવિધ પ્રવૃત્તિઓ હાથ ધરે છે. ગુજરાત કેન્દ્રમાં આશરે 4,000 અને સમગ્ર ભારતમાં એક લાખથી પણ વધારે (વિદ્યાર્થી સભ્યપદ સહિત) સભ્યસંખ્યા આ સંસ્થા ધરાવે છે.

સિવિલ ઇજનેરી અને આર્કિટેક્ચર ક્ષેત્રમાં સક્રિય એવા સભ્યોની સંસ્થા ‘ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સિવિલ એન્જિનિયર્સ ઍન્ડ આર્કિટેક્ચર’ બહોળી સભ્યસંખ્યા ધરાવતી અને ખૂબ કાર્યરત સંસ્થા છે. આ સંસ્થાનું કેન્દ્ર અમદાવાદમાં ગજ્જર હૉલ કે જેને હવે નિર્માણભવન કહેવામાં આવે છે ત્યાં છે.

ટૅક્નૉલૉજી અને ઇજનેરીના શિક્ષણની સંસ્થાઓ

ગુજરાતમાં ટૅકનિકલ શિક્ષણ, ટૅકનિકલ ક્ષેત્રે થતું સંશોધન, ટૅક્નૉલૉજી આધારિત ક્ષેત્રો જેવાં કે માર્ગ, મકાન, વીજળી, સિંચાઈ, દરિયાઈ પરિવહન, જમીન-સંરક્ષણ, પાણી-પુરવઠો, પર્યાવરણ-રક્ષણ ટેલિ-કૉમ્યુનિકેશન વગેરે અનેક ક્ષેત્રોનો વિકાસ એ ગુજરાતમાં ટૅક્નૉલૉજીના વિકાસની પારાશીશી ગણી શકાય.

આઝાદી પહેલાં ટૅકનિકલ શિક્ષણક્ષેત્રે અમદાવાદ, સૂરત, વડોદરા, ભાવનગર અને મોરબીમાં માત્ર સર્ટિફિકેટ અભ્યાસક્રમો આપતી સંસ્થાઓ હતી. 1947માં અમદાવાદમાં લાલભાઈ દલપતભાઈ (એલ.ડી.) ઇજનેરી કૉલેજ અને વડોદરામાં એન્જિનિયરિંગ ફૅકલ્ટી શરૂ થઈ. 1948–49માં વલ્લભવિદ્યાનગરમાં બિરલા વિશ્વકર્મા એન્જિનિયરિંગ કૉલેજ, 1951–52માં મોરબીમાં લખધીરજી એન્જિનિયરિંગ કૉલેજ, 1961–62માં સૂરતમાં રીજ્યોનલ એન્જિનિયરિંગ કૉલેજ અને ત્યારબાદ નડિયાદ, ભાવનગર અને મોડાસામાં પણ સ્નાતક-કક્ષાની કૉલેજો શરૂ થઈ. તે ઉપરાંત હવે નિરમા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજી અને અન્ય સ્વનિર્ભર સંસ્થાઓ પણ શરૂ થઈ છે. અમદાવાદ, ભાવનગર, સૂરત, વડોદરા, વલ્લભવિદ્યાનગર, રાજકોટ, પોરબંદર અને ભરૂચની પૉલિટૅકનિકો મોખરાનું સ્થાન ધરાવે છે. અમદાવાદની આર. સી. ટૅકનિકલ ઇન્સ્ટિટ્યૂટ અને વડોદરાની કલાભવન પણ આ પ્રકારની સંસ્થાઓ છે.

આર્કિટેક્ચર ક્ષેત્રે પદવી-કક્ષાની 4 સંસ્થાઓ છે, જેમાં 1949માં વડોદરા ખાતે શરૂ થયેલ યુનિવર્સિટી- સંચાલિત સંસ્થા સૌથી જૂની છે. અમદાવાદની સેન્ટર ફૉર એન્વાયરન્મેન્ટલ પ્લાનિંગ અને ટૅક્નૉલૉજી (CEPT) તેના અભ્યાસક્રમમાં વિષયવૈવિધ્ય અને સંચાલનની દૃષ્ટિએ આગવું સ્થાન ધરાવે છે. તેને માન્ય (deemed) યુનિવર્સિટી તરીકે સ્વીકૃતિ મળેલી છે.

છેલ્લા બે દાયકામાં ઇજનેરી શિક્ષણ ઉપરાંત મૅનેજમેન્ટ-શિક્ષણનો વ્યાપ ઘણો વધ્યો છે. માત્ર રાષ્ટ્રીય સ્તરે જ નહિ પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે નામ કાઢ્યું હોય તેવી અમદાવાદની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મૅનેજમેન્ટ (IIM) (1962), ઉપરાંત અન્ય સંસ્થાઓ છે; જ્યાં MBA અથવા પોસ્ટ-ગ્રૅજ્યુએટ ડિપ્લોમા ઇન બિઝનેસ મૅનેજમેન્ટના અભ્યાસક્રમો ચાલે છે. ટૅક્નૉલૉજી શિક્ષણના આયોજન અને અમલની મુખ્ય જવાબદારી રાજ્યના ટૅકનિકલ શિક્ષણવિભાગની છે. 1960માં ગુજરાત રાજ્યની સ્થાપના થઈ, ત્યારબાદ ટૅકનિકલ શિક્ષણનો વ્યાપ સંખ્યાની દૃષ્ટિએ તેમજ અભ્યાસક્રમના વૈવિધ્યની દૃષ્ટિએ પણ ખૂબ મોટા પ્રમાણમાં વધેલ છે. ટૅકનિકલ શિક્ષણના ક્ષેત્રે આયોજન અને અમલમાં ગૌરવવંતું પ્રદાન કરનારાઓમાં સર્વશ્રી ટી. એ. દેસાઈ, પી. એસ. કલવચવાલા, એ. કે. મહેતા, એસ. બી. કુમ્ટા અને એન. આર. દવેનો સમાવેશ થાય છે. યુનિવર્સિટી અને સંલગ્ન કૉલેજોમાં બીજાં રાજ્યોની સરખામણીમાં નવા સ્નાતક/અનુસ્નાતક-કક્ષાના અભ્યાસક્રમો તેમજ તે માટેની ખાસ લૅબોરેટરીના વિકાસમાં વડોદરાના પ્રા. આર. સી. પટેલ અને પ્રોડક્શન અને ઇન્ડસ્ટ્રિયલ એન્જિનિયરિંગ માટે મોરબીના પ્રા. જી. એચ. ભટ્ટ, ઇલેક્ટ્રૉનિક્સ અને કમ્પ્યૂટર એન્જિનિયરિંગમાં વડોદરાના ડૉ. પી. સી. સેન અને એલ. ડી. એન્જિનિયરિંગ કૉલેજના પ્રા. એચ. બી. દવે, કેમિકલ એન્જિનિયરિંગમાં ડૉ. એસ. બી. પંડ્યા અને
ડૉ. એસ. એ. પુરાણિક, પર્યાવરણના અભ્યાસક્રમ માટે એલ. ડી. એન્જિનિયરિંગના ડૉ. પી. પી. ઓઝા, રેફ્રિજરેશન અને ક્રાયોજેનિક્સમાં ડૉ. એમ. બી. જૈનનો મહત્વનો ફાળો છે.

વડોદરાની એમ. એસ. યુનિવર્સિટી સિવાય બીજી કોઈ યુનિવર્સિટીમાં યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ તરીકે ટૅક્નૉલૉજીનું ડિપાર્ટમેન્ટ હોય તેવું નથી. બધું ઉચ્ચ શિક્ષણ સંલગ્ન કૉલેજોમાં થાય છે. આ એક મોટી મર્યાદા છે; તેમ છતાં એમ. એસ. યુનિવર્સિટી ઉપરાંત અમદાવાદની એલ. ડી. એન્જિનિયરિંગ કૉલેજ, નડિયાદની ધર્મસિંહ દેસાઈ ઇન્સ્ટિટ્યૂટ, વલ્લભવિદ્યાનગરની બિરલા વિશ્વકર્મા એન્જિનિયરિંગ કૉલેજ અને સૂરતની સરદાર વલ્લભભાઈ પટેલ રીજ્યોનલ એન્જિનિયરિંગ કૉલેજમાં જુદા જુદા વિષયોમાં અનુસ્નાતક-કક્ષાનું શિક્ષણ અપાય છે તેમજ મર્યાદિત પ્રમાણમાં ખાસ વિષયોમાં સંશોધનકાર્ય પણ થાય છે. ધર્મસિંહ દેસાઈ ઇન્સ્ટિટ્યૂટને સમકક્ષ (deemed) યુનિવર્સિટી તરીકે માન્યતા પ્રાપ્ત થઈ છે. વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીમાં ફૅકલ્ટી ઑવ્ ટૅક્નૉલૉજી અને એન્જિનિયરિંગમાં સંરચનાકીય ઇજનેરી, ભૂતકનીકી ઇજનેરી/વિભંગ (fracture) યાંત્રિકી, મૃદા-ઇજનેરી (soil engineering), ફાઉન્ડેશન એન્જિનિયરિંગ જેવા વિષયો પર સંશોધન ચાલે છે.

ગુજરાતની ખ્યાતનામ ઇજનેરી કૉલેજોમાં સાયન્સ સ્નાતક કક્ષાના કમ્પ્યૂટર એન્જિનિયરિંગ, કમ્પ્યૂટર સાયન્સ અને ઇન્ફર્મેશન ટૅક્નૉલૉજીના અભ્યાસક્રમો ચાલે છે. આ ઉપરાંત ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ; મ. સ. યુનિવર્સિટી ઑવ્ બરોડા, વડોદરા; વી. એન. દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સૂરત; સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગર; ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ; ભાવનગર યુનિવર્સિટી, ભાવનગર; સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટમાં ડિપાર્ટમેન્ટ ઑવ્ કમ્પ્યૂટર સાયન્સમાં અનુસ્નાતક-કક્ષાનો એમ.સી.એ.નો અભ્યાસક્રમ ચાલે છે.

ગુજરાત સરકારે સિંચાઈ, માર્ગ, મકાન, પાણી-પુરવઠો જેવાં પોતાનાં ખાતાંઓને ટૅક્નૉલૉજી ક્ષેત્રે ઉપયોગી થાય તે માટે 1957–58માં વડોદરામાં ગુજરાત એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરી છે. આ સંસ્થા ડિઝાઇન ડેવલપમેન્ટ, રસ્તા/મકાનમાં વપરાતા માલસામાનની ગુણવત્તા-ચકાસણી જેવાં અનેકવિધ ક્ષેત્રોમાં સંશોધન કરે છે. તેવી જ રીતે પાણી અને જમીનના ટૅકનિકલ પ્રશ્નો – પાણી અને જમીનના યોગ્ય તાલમેલ તેમજ આ બંને કુદરતી સ્રોતોના સક્ષમ ઉપયોગ માટેના પ્રશ્નો – અંગે ગાંધીનગર ખાતે જળ અને જમીન વ્યવસ્થાપન-સંસ્થા (Water and Land Management Institute –  WALMI) કાર્યરત છે. ઊર્જાક્ષેત્રે વડોદરામાં ગુજરાત ઊર્જા વિકાસ સંસ્થા (GEDA) તેમજ વલ્લભવિદ્યાનગરમાં સરદાર પટેલ પુનર્વપરાશી (renewable) ઊર્જા સંશોધન સંસ્થાઓ આવેલ છે. કૃષિ-વિભાગમાં દરેક ક્ષેત્રને આવરી લેતી જુદાં જુદાં સ્થળોએ આવેલી આશરે 50 સંસ્થાઓ/કેન્દ્રો છે, જે દર્શાવે છે કે કૃષિક્ષેત્રે સારા પ્રમાણમાં સંશોધનકાર્ય થાય છે. સારણી નં. 1 અને 2માં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ચાલતી વિજ્ઞાન અને ટૅક્નૉલૉજી-ક્ષેત્રમાં સંશોધન કરતી સંસ્થાઓની નામાવલી આપી છે.

વિજ્ઞાન અને ટૅક્નૉલૉજીનો ઝડપી વિકાસ થાય તે માટે કેન્દ્ર સરકારે 1983–84માં વિજ્ઞાન અને ટૅક્નૉલૉજીનો સ્વતંત્ર વિભાગ (Department of Science and Technology) શરૂ કર્યો તેમજ દરેક રાજ્યમાં વિજ્ઞાન અને ટૅક્નૉલૉજીની કાઉન્સિલ રચાય તે માટે પ્રોત્સાહન આપ્યું. ગુજરાતમાં રાજ્ય સરકારે 1986માં ગુજરાત કાઉન્સિલ ઑન સાયન્સ ઍન્ડ ટૅક્નૉલૉજીની રચના કરી. કાઉન્સિલના પ્રમુખ રાજ્યના મુખ્ય પ્રધાન તથા ઉપપ્રમુખ તરીકે વિજ્ઞાન અને ટૅક્નૉલૉજી વિભાગના પ્રધાન છે. અત્યાર સુધી આ કાઉન્સિલ વિજ્ઞાન અને ટૅક્નૉલૉજી વિભાગના એક ભાગ તરીકે કાર્ય કરતી હતી. હવે તે સ્વાયત્ત સંસ્થા તરીકે કાર્ય કરશે તેમ નક્કી થયેલું છે. કૃષિ, ઉદ્યોગ, વન, પર્યાવરણ, ઊર્જા, શિક્ષણ જેવા રાજ્યના મહત્વના વિભાગોમાં વિજ્ઞાન અને ટૅક્નૉલૉજીનો સક્ષમ ઉપયોગ થાય તે માટે માર્ગદર્શન, સંકલન અને પૂરક કાર્ય  એ આ કાઉન્સિલનો મુખ્ય ઉદ્દેશ છે. વિજ્ઞાન અને ટૅક્નૉલૉજીનો સામાન્ય જનમાનસમાં પ્રભાવ વધે તે માટે પ્રચારાત્મક કાર્ય પણ તે કરે છે. તેણે ટૅક્નૉલૉજી અને વિજ્ઞાનના શિક્ષણ અને સંશોધન માટે અને પર્યાવરણની જાળવણી અંગેના અનેક નાના-મોટા પ્રૉજેક્ટોમાં પ્રોત્સાહન આપવા ઉપરાંત ગાંધીનગર ખાતે રિમોટ સેન્સિંગ ઍન્ડ કૉમ્યુનિકેશન સેન્ટર (RESCO) શરૂ કરેલ છે. વળી રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓ માટે ડિસ્ટન્સ એજ્યુકેશન, ઇન્ફર્મેશન અને ટ્રેઇનિંગ નેટવર્કના પ્રૉજેક્ટનું આયોજન કરે છે. કાઉન્સિલ સર્વાંગી વિકાસની પ્રક્રિયાને વેગ મળે તે હેતુથી ઉદ્યોગ, ઊર્જા અને પર્યાવરણનાં ક્ષેત્રોમાં મૌલિક સંશોધનને લગતી કામગીરી કરનાર યુવાસંશોધકોને પ્રોત્સાહન મળે તે હેતુથી વર્ષ 1995–96થી શરૂ કરીને દર વર્ષે ડૉ. વિક્રમ સારાભાઈ પુરસ્કાર આપે છે. આવો પ્રથમ પુરસ્કાર ડૉ. શ્રીમતી સબિતા સાગરને ઉદ્યોગમાં ‘ફૉરિન બેઇઝ્ડ પ્રૉડક્ટ્સ’ માટે, નીલિમ શાહને ઊર્જાક્ષેત્રે ‘ફૅબ્રિક સેલ ટાઇપ વૉશર’ માટે, સોમદત્તા દલાઈને પર્યાવરણક્ષેત્રે દહીંના બિનઉપયોગી પ્રવાહીમાંથી રોગ-ઉપચારક પીણા અંગેના સંશોધન માટે અને દિલીપ બાલમુકુંદ ભટ્ટને અંધ વિદ્યાર્થીઓના શિક્ષણમાં ઉપયોગી થાય તેવી સ્કૅચિંગ પેન તૈયાર કરવા માટે આપવામાં આવેલ છે.

આ ઉપરાંત કેટલાંક ઉદ્યોગગૃહો પણ પોતાના ક્ષેત્રને લગતી આગવી સંશોધન-પ્રયોગશાળાઓ ધરાવે છે; દા.ત., ઇન્ડિયન પેટ્રોકેમિકલ્સ લિ. (IPCL), વડોદરા; ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ ઍન્ડ કેમિકલ્સ લિ. (GSFC); અતુલ લિમિટેડ, વલસાડ; એલેમ્બિક (વડોદરા); માલતી-કેમ રિસર્ચ કેન્દ્ર, નાંદેસરી, વડોદરા. ખાનગી ક્ષેત્રે આવી સંસ્થાઓ મહદ્અંશે પોતપોતાના ક્ષેત્રને લગતાં સંશોધનો કરી વિજ્ઞાનના વિકાસમાં ફાળો આપી રહેલ છે.

ઉદ્યોગોની ખિલવણી માટે ગુજરાત સરકારે વડોદરામાં ઇન્ડસ્ટ્રિયલ લૅબોરેટરી સ્થાપી છે. તેમાં ઉદ્યોગોને લગતું સંશોધન હાથ ધરવામાં આવે છે. આ ઉપરાંત કોઈ પણ વ્યક્તિ જો કોઈ સંસ્થા સાથે સંકળાયેલી હોય તો તેને ઔદ્યોગિક પ્રશ્નો ઉકેલવા માટે પ્રાયોગિક સગવડો પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત રાજ્ય સરકારના મત્સ્ય-સંશોધન વિભાગ, ભૂસ્તરીય સર્વેક્ષણ વિભાગ વગેરે પણ ઉપયોગી કાર્ય કરે છે.

ગાયત્રીપ્રસાદ હીરાલાલ ભટ્ટ

લક્ષ્મમભાઈ ગંગારામ પટેલ

પ્રકીર્ણ

અમદાવાદ ખાતે ગુજરાત સાયન્સ સિટીની સ્થાપના એ વિદ્વત્તા અને સંશોધનવૃત્તિના વિકાસ માટેનો પાયો પૂરો પાડવા માટેનું એક અગત્યનું સોપાન છે. દેશમાં આ પ્રકારનો તે સૌથી મોટો પ્રકલ્પ (project) છે અને તે મનોરંજન દ્વારા શિક્ષણના ખ્યાલ સાથે વિજ્ઞાનને લોકભોગ્ય બનાવવાના હેતુથી શરૂ કરવામાં આવેલ છે. તે વિજ્ઞાન, ઉદ્યોગ અને સમાજને સાંકળી લેતી કડીરૂપ નીવડશે. સાયન્સ સિટી 3D મેક્સ થિયેટર અને વિજ્ઞાનનાં વિવિધ પાસાંઓને આવરી લેતાં પૅવિલિયન ધરાવે છે.

નેવુંના દસકાના ઉત્તરાર્ધમાં કર્ણાટક અને આંધ્રપ્રદેશની માફક સૉફ્ટવેરના વિકાસ અને પ્રત્યાયનને પ્રોત્સાહન આપવાના હેતુથી ઇન્ફોસિટી અને ઇન્ફોટેક કેન્દ્રો શરૂ થયાં છે. ઇન્ફોસિટી ગાંધીનગર ખાતે વિકસી રહ્યું છે અને ગુજરાતના માહિતી અને ટૅક્નૉલૉજી સેક્ટર માટે તે મહત્વનું પગલું નીવડશે.

નૅશનલ કાઉન્સિલ ઑવ્ સાયન્સ મ્યુઝિયમ્સ(NCSM)ના સહયોગથી વડોદરા મ્યુનિસિપલ કૉર્પોરેશન વડોદરા ખાતે વિજ્ઞાન-ઉદ્યાન (science park) ઊભું કરી રહ્યું છે જે સામાન્ય માનવીને જટિલ વૈજ્ઞાનિક સિદ્ધાંતો અને મૂળ તત્વોની સમજ પૂરી પાડવામાં મદદરૂપ થશે.

આ ઉપરાંત ભાસ્કરાચાર્ય ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્પેસ ઍપ્લિકેશન ઍન્ડ જિયોઇન્ફર્મેટિક્સ, ગુજરાત સ્ટેટ બાયૉટૅક્નૉલૉજી મિશન, ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સિસ્મોલૉજિકલ રિસર્ચ, પેટ્રોલિયમ યુનિવર્સિટી, ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લીગ વગેરે પણ નોંધપાત્ર છે.

સારણી 1

ગુજરાત રાજ્ય સંચાલિત સંશોધનસંસ્થાઓ (વિજ્ઞાન અને ટૅક્નૉલૉજી વિષયની)

1. ઍગ્રિકલ્ચરલ રિસર્ચ સ્ટેશન, અરણેજ, ભચાઉ, છારોડી, ડીસા, ધંધૂકા, ગોધરા, લાડોલ,  ઠાસરા
  2. ઍગ્રિકલ્ચરલ એક્સ્પરિમેન્ટલ સ્ટેશન, પારિયા
  3. બીડી ટોબૅકો રિસર્ચ સ્ટેશન, આણંદ
  4. સી. પી. કૉલેજ ઑવ્ ઍગ્રિકલ્ચર, સરદાર કૃષિનગર
  5. સેન્ટર ફૉર એન્વાયરન્મેન્ટલ પ્લાનિંગ ઍન્ડ ટૅક્નૉલૉજી, અમદાવાદ (CEPT)
  6. કૉટન રિસર્ચ સ્ટેશન, ભરૂચ, આછલિયા, હાંસોલ
  7. ડેટ પામ રિસર્ચ સ્ટેશન, મુન્દ્રા (કચ્છ)
  8. ડ્રાય ફાર્મિગ રિસર્ચ સ્ટેશન, જામખંભાળિયા, વલ્લભીપુર
  9. ફૉરેન્સિક સાયન્સ લૅબોરેટરી, અમદાવાદ
10. ફ્રૂટ રિસર્ચ સ્ટેશન, દહેગામ, માંગરોળ, નવસારી
11. ગ્રાસલૅન્ડ રિસર્ચ સ્ટેશન, ધારી
12. ગુજરાત ઍગ્રિકલ્ચરલ યુનિવર્સિટી, બનાસકાંઠા
13. ગુજરાત આલ્કલિઝ ઍન્ડ કેમિકલ્સ લિમિટેડ, પેટ્રોકેમિકલ્સ, વડોદરા
14. ગુજરાત કૅન્સર ઍન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, અમદાવાદ (GCRI)
15. ગુજરાત કૉમ્યુનિકેશન્સ ઍન્ડ ઇલેક્ટ્રૉનિક્સ લિ., વડોદરા
16. ગુજરાત ઍનર્જી ડેવલપમેન્ટ એજન્સી, વડોદરા
17. ગુજરાત એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, વડોદરા
18. ગુજરાત ફિશરિઝ ઍક્વેટિક સાયન્સિઝ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, ઓખાબંદર
19. ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ આર. ઍન્ડ ડી. એજન્સી, ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ લૅબોરેટરી, વડોદરા
20. ગુજરાત ઇન્સેક્ટિસાઇડ્ઝ લિ., અંકલેશ્ર્વર
21. ગુજરાત નર્મદા વૅલી ફર્ટિલાઇઝર કંપની લિમિટેડ, પેટ્રોફિલ્સ, ભરૂચ
22. ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ કંપની લિમિટેડ, ફર્ટિલાઇઝરનગર
23. હિલ મિલેટ રિસર્ચ સ્ટેશન, દાહોદ, વઘાઈ
24. હોઝિયરી ટ્રેનિંગ ઍન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, ઓઢવ
25. ઇન્સ્ટિટ્યૂટ ઑવ કિડની ડિઝીઝિઝ ઍન્ડ રિસર્ચ સેન્ટર, અમદાવાદ
26. કૃષિવિજ્ઞાન કેન્દ્ર, ડીસા
27. લાઇવ સ્ટૉક રિસર્ચ સ્ટેશન, આણંદ, નવસારી
28. મેઇન કૉટન રિસર્ચ સ્ટેશન, સૂરત
29. મેઇન ડ્રાય ફાર્મિંગ રિસર્ચ સ્ટેશન, તરઘાડિયા
30. મેઇન મેઝ રિસર્ચ સ્ટેશન, ગોધરા
31. મેઇન રાઇસ રિસર્ચ સ્ટેશન, નવાગામ
32. મિલેટ રિસર્ચ સ્ટેશન, જામનગર
33. એન. એમ. કૉલેજ ઑવ્ ઍગ્રિકલ્ચર, નવસારી
34. ઑફિસ ઑવ્ રિસર્ચ સાયન્ટિસ્ટ (સૉઇલ સાયન્સ), નવસારી
35. ઑઇલસીડ રિસર્ચ સ્ટેશન, નવસારી
36. પૉટેટો રિસર્ચ સ્ટેશન, ડીસા
37. પોલ્ટ્રી કૉમ્પ્લેક્સ, આણંદ
38. પલ્સ રિસર્ચ સ્ટેશન, નવસારી, સરદાર કૃષિનગર
39. રિજિયોનલ રિસર્ચ સ્ટેશન, સરદાર કૃષિનગર
40. રિજિયોનલ શુગરકેન રિસર્ચ સ્ટેશન, કોડીનાર, નવસારી
41. રિપ્રૉડક્ટિવ બાયૉલૉજી રિસર્ચ યુનિટ, આણંદ
42. સરદાર પટેલ રિન્યૂએબલ ઍનર્જી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, વલ્લભવિદ્યાનગર
43. સોરઘમ રિસર્ચ સ્ટેશન, સૂરત
44. સ્પાઇસ રિસર્ચ સ્ટેશન, જગુદણ
45. ટોબૅકો રિસર્ચ સ્ટેશન, ધર્મજ
46. વ્હીટ રિસર્ચ સ્ટેશન, બારડોલી, વિજાપુર

સારણી 2

ગુજરાતમાં કેન્દ્ર સરકાર સંચાલિત સંશોધન-સંસ્થાઓ (વિજ્ઞાન અને ટૅક્નૉલૉજી વિષયની)

1. સેન્ટ્રલ સૉલ્ટ ઍન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CSIR), ભાવનગર
 2. ઇલેક્ટ્રિકલ રિસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટ ઍસોસિયેશન (CSIR), વડોદરા
 3. સેન્ટર ફૉર એન્વાયરન્મેન્ટ એજ્યુકેશન (MOEN), અમદાવાદ
 4. નૅશનલ રિસર્ચ સેન્ટર ફૉર ગ્રાઉન્ડનટ (ICAR), જૂનાગઢ
 5. નૅશનલ રિસર્ચ સેન્ટર ફૉર મેડિસિન ઍન્ડ ઍરોમૅટિક પ્લાન્ટ (ICAR), બોરિયાવી
 6. નૅશનલ રિસર્ચ સેન્ટર ફૉર ઓનિયન ઍન્ડ ગાર્લિક (ICAR), ગોધરા
 7. નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઑક્યુપેશનલ હેલ્થ (ICMR), અમદાવાદ
 8. ઇન્સ્ટિટ્યૂટ ફૉર પ્લાઝ્મા રિસર્ચ (DST), અમદાવાદ
 9. ફિઝિકલ રિસર્ચ લૅબોરેટરી (DOS), અમદાવાદ
10. સ્પેસ ઍપ્લિકેશન સેન્ટર (DOS), અમદાવાદ
11. ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કો. ઑ. લિમિટેડ (DA & C), કલોલ
12. ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કો. ઑ. લિ. (DA & C), કંડલા
13. સેન્ટ્રલ કૅટલ બ્રીડિંગ ફાર્મ (DAH & D), સૂરત
14. રિજ્યોનલ સ્ટેશન ફૉર ફૉરેજ પ્રૉડક્શન ઍન્ડ ડેમૉન્સ્ટ્રેશન (DAAD), ગાંધીનગર
15. ઇન્ડિયન પેટ્રોકેમિકલ્સ કૉર્પોરેશન લિ. (DCP), વડોદરા
16. પેટ્રોફિલ્સ કોઑપરેટિવ લિ. (DCP), વડોદરા
17. નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ડિઝાઇન (NID), અમદાવાદ
18. પ્રૉટોટાઇપ ડેવલપમેન્ટ ઍન્ડ ટ્રેનિંગ સેન્ટર (DSSI), રાજકોટ
19. અમદાવાદ ટૅક્સ્ટાઇલ ઇન્ડસ્ટ્રિઝ રિસર્ચ ઍસોસિયેશન (ATIRA) (MOTX), અમદાવાદ
20. મૅન મેઇડ ટૅક્સ્ટાઇલ રિસર્ચ ઍસોસિયેશન (MOTX), સૂરત

CSIR  Council of Scientific & Industrial Research

DAH & D  Department of Animal Husbandary & Dairy

DA & C  Department of Agriculture & Cooperation

DCP  Department of Chemicals & Petrochemicals

DID  Department of Industrial Development

DOS  Department of Science

DSSI  Department of Small Scale Industries

DST  Department of Science & Technology

ICAR  Indian Council of Agriculture Research

ICMR  Indian Council of Medical Research

MOEN  Ministry of Environment

MOTX  Ministry of Textiles

મૃગેન્દ્ર વૈષ્ણવ