ગુજરાત (અર્થતંત્રથી ગુજરાતમાં રાજકીય પક્ષો અને ચૂંટણીઓ)

February, 2011

ગુજરાત

અર્થતંત્ર

વસ્તી

જાતિસમુદાય : ગુજરાતના મૂળ વતનીઓ હાલ આદિવાસી તરીકે ઓળખાય છે. ગુજરાતમાં 2011માં તેમની વસ્તી 89.17 લાખ હતી. ગુજરાતની કુલ વસ્તીમાં તેમનું પ્રમાણ 14.75 ટકા હતું.  તેઓ અગાઉ કાળીપરજ કે રાનીપરજ (રાની – જંગલમાં વસતી પરજ – પ્રજા) તરીકે ઓળખાતા હતા. બી. સી. ગુહાએ તેમને માટે વનજાતિ કે ભૂમિજન શબ્દ પ્રયોજ્યો છે, જ્યારે કાકાસાહેબ કાલેલકરે તેમને ગિરિજન કહ્યા છે. તેઓ જંગલો, પહાડો અને મેદાનોમાં વસે છે. તેમની ભીલ, ઢોડિયા, ચોધરી, કૂંકણા, વાલી, નાયક કે નાયકડા, ધાણકા, ગામીત, બાવચા, કોલધા, કોટવાળિયા, માવચી, તડવી, તલાવિયા, વલવી, કથોડિયા, વસાવા જેવી પેટાજાતિઓ છે. તેઓ ઑસ્ટ્રેલિયાની આદિવાસી જાતિને મળતા આવે છે. એટલે તેઓ પ્રોટો-ઑસ્ટ્રેલૉઇડ જાતિના કહેવાય છે. તેઓ 150 સેમી. કે તેથી થોડી વધારે ઊંચાઈ, ચપટાં નાક, આગળ પડતા હોઠ અને શ્યામ રંગ ધરાવે છે. તેમના વાળ સુંવાળા, ઘેરા અને વાંકડિયા હોય છે.

અંત્યજો પણ આ જાતિના છે. પણ તેમનામાં ઘણું જાતિમિશ્રણ થયું છે. આ વર્ગો હાલ અનુસૂચિત જાતિ  તરીકે ઓળખાય છે. 2011માં તેમની વસ્તી 40.74 લાખ હતી. ગુજરાતની વસ્તીમાં તેમનું પ્રમાણ 6.74 ટકા હતું. તેમનામાં વણકર, ભંગી, ચમાર, સેનમા, તૂરી વગેરે પેટાવિભાગો છે.

ગુજરાતની વસ્તીમાં પહોળા માથાવાળા બે સમૂહો છે. ભૂમધ્ય જાતિના ઍલ્પાઇન અને ડિનારિક એવા બે વિભાગો છે. સાધારણ ઊંચાઈ, પહોળું, નીચું અને પાછળથી ચપટું માથું, ગોળ મોં તથા આગળ પડતું નાક એ ઍલ્પાઇન જાતિનાં લક્ષણો છે. ઊંચો બાંધો, પાછળથી ચપટું માથું અને બહિર્ગોળ નાક એ ડિનારિક જાતિનાં લક્ષણો છે. ગુજરાતના નાગરો અને સૌરાષ્ટ્રના કપોળ વાણિયાનો દેખાવ ઘણેભાગે આ વર્ગમાં આવે.

આર્મેનિયન લોકોને મળતા આર્મેનૉઇડ છે. પારસીઓ આર્મેનૉઇડ વિભાગના છે. આફ્રિકામાંથી આવીને ગુજરાતમાં વસેલા હબસીઓ નેગ્રીટો જાતિના છે. આ લોકોના વાળ ગૂંચળાવાળા, ઊંચાઈ 150 સેમી. કે થોડી વધારે અને કપાળ આગળ પડતું હોય છે.

ગુજરાતમાં આદિકાળથી અનેક જાતિઓ આવીને વસી છે. દ્રવિડો અને આર્યો ઉપરાંત યાદવો, ગ્રીકો, શકો, હૂણો, ગુર્જરો, મેર, જત વગેરે ઈ. પૂ. 1400થી 600 દરમિયાન આવ્યા હતા. સોલંકીઓના શાસન દરમિયાન ઉત્તરમાંથી ઔદીચ્યો, મોઢ બ્રાહ્મણો અને શ્રીમાળીઓ આવ્યા હતા. ઝાલા, જાડેજા, કાઠી વગેરે જાતિઓ રજપૂતો સાથે ભળી જઈને ક્ષત્રિયો બની ગઈ. તેઓ સિંધ, મારવાડ અને બલૂચિસ્તાનમાંથી આવ્યા હતા. પારસીઓ અને નવાયત મુસલમાનો ધર્મ ખાતર તેમના દેશમાંથી અહીં આવ્યા છે. મુસ્લિમો પૈકી આરબો ઇસ્લામના જન્મ પૂર્વે ભારતના પશ્ચિમ કાંઠે વસતા હતા. 1297 પછી અફઘાન, તુર્ક, બલૂચીઓ અને આરબો આવ્યા. મરાઠા સરદારો સાથે મરાઠીભાષી લોકો વડોદરા અને નવસારી વચ્ચેના પ્રદેશમાં વસ્યા હતા અને પછી શહેરોમાં ફેલાયા હતા. ઑગસ્ટ 1947 પછી સિંધ છોડીને આશરે ત્રણ લાખ સિંધીઓ ગુજરાતમાં આવ્યા. તેઓ મહેનતુ ને સાહસિક છે. આમ ગુજરાતમાં અનેક જાતિઓ આવીને વસી છે.

વસ્તી : ગુજરાતમાં પ્રથમ વસ્તીગણતરી (1872) પ્રમાણે પ્રદેશની વસ્તી 91,29,722 હતી. 1891માં તે 1,08,52,000 થઈ. 1872થી 1891ના ગાળામાં 17,22,278 જનસંખ્યા વધી જે વધારો 15.9 % હતો. 1901થી 2011 દરમિયાન ગુજરાતમાં કેટલી વસ્તી વધી તે નીચેની સારણી ઉપરથી સમજાશે.

વસ્તીવધારો : 1901–2011  

વર્ષ કુલ વસ્તી દસકાનો તફાવત દસકા દરમિયાનની તફાવતની ટકાવારી
1901 90,94,748  –17,58,252  –16.2 %
1911  98,03,587  + 7,08,839 + 7.79 %
1921 1,01,34,989    + 31,402 + 3.79 %
1931 1,14,89,820 + 13,14,839 + 12.92 %
1941 1,37,01,551 + 22,11,723 + 19.25 %
1951 1,62,62,657 + 25,61,106 + 18.69 %
1961 2,06,33,350 + 43,70,693 + 26.88 %
1971 2,66,97,475 + 66,04,125 + 29.39 %
1981 3,40,85,799 + 73,88,324 + 27.67 %
1991 4,11,74,060 + 70,88,261 + 20.80 %
2001 5,06,71,017 + 94,96,957 + 23.07 %
2011 6,03,83,628 + 97,12,611 + 19.17 %

ઉપરના કોઠા પરથી જાણવા મળે છે કે ગુજરાત રાજ્યની હાલની (2011) વસ્તી 6 કરોડનો આંક વટાવી ગઈ છે.

ઉપરની સારણી પરથી ગુજરાતની વસ્તીવૃદ્ધિનાં વલણો જોઈ શકાય છે. 1901થી 1951નાં પચાસ વર્ષોમાં ગુજરાતની વસ્તીમાં 71.67 લાખનો વધારો થયો હતો, એની તુલનામાં 1951થી 2001નાં પચાસ વર્ષોમાં ગુજરાતની વસ્તીમાં 3.44 કરોડનો વધારો થયો હતો. અલબત્ત, વસ્તીનો આ વિસ્ફોટ ભારત સહિતના બધા વિકાસશીલ દેશોમાં થયો હતો. પરંતુ ગુજરાતમાં સમગ્ર ભારતની તુલનામાં વસ્તી વધારો ઊંચા દરે થયો હતો. આ વલણ 21મી સદીના પ્રથમ દસકામાં પણ ચાલુ રહ્યું હતું. 2001થી 2011ના દસકામાં ગુજરાતની વસ્તીમાં 19.17 ટકા વધારો થયો હતો, જ્યારે ભારતની વસ્તીમાં 17.7 ટકાનો વધારો થયો હતો.

વસ્તીવૃદ્ધિના ભાવિ વલણની દૃષ્ટિએ પ્રજનનદર એક સારો નિર્દેશક છે. બાળકોને જન્મ આપી શકે એ વયજૂથની દર એક હજાર સ્ત્રીઓ દીઠ દર વર્ષે જીવતાં જન્મતાં બાળકોની સરેરાશ સંખ્યાને કુલ પ્રજનનદર કહેવામાં આવે છે. આ પ્રજનનદર 2.1 થાય ત્યારે જે તે પ્રદેશ કે દેશની વસ્તી સ્થિર થાય છે. ગુજરતમાં 1966માં કુલ પ્રજનનદર 6.0 હતો, જે ઘટીને 1993માં 3.0 થયો હતો અને 2016માં 2.2 થયો હતો. ભારતમાં કેરળ 2.1ના દર પર 1988માં પહોંચી ગયું હતું. તમિળનાડુ 1993માં હાંસલ કરી શક્યું હતું. આંધ્ર અને મહારાષ્ટ્ર પણ આ બાબતમાં ગુજરાતથી આગળ છે. ગુજરાત આર્થિક અને ઔદ્યોગિક રીતે દેશનું એક પ્રગતિશીલ રાજ્ય છે, પરંતુ વસ્તીનિયંત્રણની દૃષ્ટિએ તે દેશનું એક સરેરાશ રાજ્ય જ રહ્યું છે.

વસ્તીનું એક પાસુ જાતિગુણોત્તર તરીકે ઓળખાય છે. દર એક હજાર પુરુષો દીઠ સ્ત્રીઓની સરેરાશ સંખ્યાને જાતિગુણોત્તર કહેવામાં આવે છે. 2001માં ગુજરાતમાં તે 920 હતો, જ્યારે ભારતમાં તે સરેરાશ 933 હતો. 2011માં ગુજરાતમાં જાતિગુણોત્તર સહેજ ઘટીને 919 થયો હતો. જ્યારે ભારતમાં તે વધીને 943 થયો હતો. આનો એક આંશિક ખુલાસો જન્મ સમયના જાતિગુણોત્તરમાં જોવા મળે છે. ગુજરાતમાં 2013–15ના સમયગાળામાં જાતિગુણોત્તર 854 હતો, જે સમગ્ર ભારતમાં સરેરાશના ધોરણે 900 હતો. ગુજરાતમાં ભ્રૂણહત્યા દ્વારા ઘણા મોટા પ્રમાણમાં છોકરીઓને જન્મતી અટકાવવામાં આવે છે તેનું પ્રતિબિંબ ગુજરાતના અત્યંત નીચા જાતિગુણોત્તરમાં પડી રહ્યું છે. આપણે આ બાતમાં હરિયાણા અને ઉત્તરાખંડ જેવાં રાજ્યોની હરોળમાં છીએ, જ્યાં જાતિગુણોત્તર અનુક્રમે 831 અને 844 હતો. આની વિરુદ્ધ કેરળમાં જાતિગુણોત્તર 967, ઓડિશામાં 950, કર્ણાટકમાં 939, હિમાચલ પ્રદેશમાં 924 હતો.

વસ્તીનિયંત્રણની બાબતમાં ગુજરાતમાં જેમ દેશનું એક સરેરાશ રાજ્ય રહ્યું છે તેમ લોકોના આરોગ્યની બાબતમાં પણ તેની પ્રગતિ સરેરાશ જ રહી છે. લોકોના આરોગ્યની સુધારણાને બાળમૃત્યુદર અને લોકોના જન્મ સમયે અપેક્ષિત સરેરાશ આયુષ્ના આધારે માપવામાં આવે છે. આ નિર્દેશકો નિરપેક્ષ રીતે મોટો સુધારો દર્શાવે છે, પરંતુ તેમાં ગુજરાતે દેશનાં અન્ય પ્રગતિશીલ રાજ્યોની તુલનામાં કોઈ વિશેષતા દાખવી નથી.

બ્રિટિશ ગુજરાતમાં બાળમૃત્યુદર 1920માં 186 હોવાનો અંદાજ છે, 1925માં તે 140, 1941માં 181 અને 1943માં 142 હોવાનો અંદાજ હતો. આ અંદાજોને ચોકસાઈભર્યા સમજવાના નથી, પરંતુ તેમાંથી બે બાબતો ફલિત થાય છે. એક વીસમી સદીના પૂર્વાર્ધમાં ગુજરાતમાં બાળમૃત્યુદર 150 કે તેનાથી વધારે હતો અને તે સમગ્ર દેશના સરેરાશ બાળમૃત્યુદર કરતાં વધારે હતો. બીજું વીસમી સદીના પૂર્વાર્ધમાં ગુજરાતમાં બાળમૃત્યુદરમાં કોઈ ટકાઉ ઘટાડો થયો ન હતો.

વીસમી સદીના ઉત્તરાર્ધમાં સમગ્ર દેશની જેમ ગુજરાતમાં પણ બાળમૃત્યુદરમાં મોટો અને ટકાઉ ઘટાડો થયો છે, પરંતુ તેમાં ગુજરતની પ્રગતિ સામાન્ય જ રહી છે. 1986 સુધી ગુજરાતમાં બાળમૃત્યુદર રાષ્ટ્રના સરેરાશ બાળમૃત્યુદરથી વધારે હતો, 1986માં ગુજરાતમાં બાળમૃત્યુદર 107 હતો, દેશમાં સરેરાશના ધોરણે તે 96 હતો. એ પછીનાં વર્ષોમાં રાષ્ટ્રીય સરેરાશની તુલનામાં ગુજરાતમાં બાળમૃત્યુદર થોડા ઊંચા દરે ઘટ્યો છે. 1998માં સમગ્ર દેશમાં બાળમૃત્યુદર 72 હતો, તેની તુલનામાં ગુજરાતમાં તે 64 હતો. 2015માં સમગ્ર દેશમાં બાળમૃત્યુદર ઘટીને 37 થયો હતો ત્યારે ગુજરાતમાં તે ઘટીને 33 થયો હતો. ગુજરાતની તુલનામાં મહારાષ્ટ્રમાં તે 21, તમિળનાડુમાં 19 અને કેરળમાં 12 હતો. આમ બાળમૃત્યુદરની બાબતમાં ગુજરાતે પોતાના ભૂતકાળની સરખામણીમાં ઝડપથી પ્રગતિ કરી છે, પણ રાષ્ટ્રની તુલનામાં એની પ્રગતિ સરેરાશ જ રહી છે.

લોકોના આરોગ્યનો બીજો મહત્વનો માપદંડ લોકોના સરેરાશ આયુષ્યનો છે. વીસમી સદીના પૂર્વાર્ધમાં સમગ્ર દેશની જેમ ગુજરાતમાં પણ લોકોનું સરેરાશ આયુષ્ય ઓછું હતું. 1945માં દેશમાં લોકોનું સરેરાશ આયુષ્ય 32 વર્ષનું હોવાનો અંદાજ છે, ગુજરાતમાં તો તેનાથીયે ઓછું હોવાનો સંકેત સાંપડે છે. 1991માં ગુજરાતમાં લોકોનું સરેરાશ આયુષ્ય વધીને 62.9 વર્ષનું અને સમગ્ર દેશમાં તે 62.7 વર્ષનું થયું હતું. 2011–15ના સમયગાળામાં ગુજરાતમાં સરેરાશ આયુષ્ય 69.1 અને સમગ્ર ભારતમાં તે 68.3 વર્ષનું હતું. આમ ગુજરાતની સાથે સમગ્ર દેશમાં લોકોના સરેરાશ આયુષ્યમાં 1950 પછીના દસકાઓમાં મોટો વધારો થયો છે. અલબત્ત, કેરળ, મહારાષ્ટ્ર, પંજાબ, પશ્ચિમ બંગાળ વગેરે રાજ્યોમાં ગુજરાતની તુલનામાં સરેરાશ આયુષ્યની બાબતમાં સવિશેષ પ્રગતિ સધાઈ છે.

જિલ્લાદીઠ શહેરી તથા ગ્રામીણ વિસ્તારની વસ્તી અને તેનો વધારાનો દર (ટકાવારીમાં) 2011

ક્રમ ભારત/ ગુજરાત/જિલ્લા વસ્તી* 2011 દશકાનો વિકાસદર 2001–2011
કુલ ગ્રામીણ શહેરી કુલ ગ્રામીણ શહેરી
1 2 3 4 5 6 7 8
ઇન્ડિયા 1,21,01,93,422 83,30,87,662 37,71,05,760 17.64 12.18 31.80
00 ગુજરાત (24) 6,03,83,628 3,46,70,817 2,57,12,811 19.17 9.23 35.83
01 કચ્છ 20,90,313 13,64,472 7,25,841 32.03 23.11 52.84
02 બનાસકાંઠા 31,16,045 27,02,668 4,13,377 24.43 21.26 50.05
03 પાટણ 13,42,746 10,61,713 2,81,033 13.53 12.44 17.87
04 મહેસાણા 20,27,727 15,13,656 5,14,071 9.91 5.62 24.86
05 સાબરકાંઠા 24,27,346 20,64,318 3,63,028 16.56 11.14 61.25
06 ગાંધીનગર 13,87,478 7,87,949 5,99,529 12.15 06.92 53.48
07 અમદાવાદ 72,08,200 11,49,436 60,58,764 22.31 -0.31 27.82
08 સુરેન્દ્રનગર 17,55,873 12,58,880 4,96,993 15.89 13.14 23.49
09 રાજકોટ 37,99,770 15,91,188 22,08,582 19.87 3.05 35.84
10 જામનગર 21,59,130 11,88,485 9,70,645 13.38 11.28 16.07
11 પોરબંદર 5,86,062 3,00,236 2,85,826 9.17 8.99 9.35
12 જુનાગઢ 27,42,291 18,36,049 9,06,242 12.01 5.72 27.37
13 અમરેલી 15,13,614 11,27,808 3,85,806 8.59 4.33 23.28
14 ભાવનગર 28,77,961 16,97,808 11,80,153 16.53 10.64 26.21
15 આણંદ 20,90,276 14,56,483 6,33,793 12.57 7.98 24.77
16 ખેડા 22,98,934 17,75,716 5,23,218 12.81 8.84 28.73
17 પંચમહાલ 23,88,267 20,53,832 3,34,435 17.92 15.91 32.00
18 દાહોદ 21,26,558 19,35,463 1,91,095 29.95 30.76 22.24
19 વડોદરા 41,57,568 20,97,791 20,59,777 14.16 5.12 25.12
20 નર્મદા 5,90,379 5,28,765 61,614 14.77 14.38 18.25
21 ભરૂચ 15,50,822 10,22,413 5,28,409 13.14 0.42 49.88
22 ડાંગ 2,26,769 2,02,074 24,695 21.44 8.22 NA
23 નવસારી 13,30,711 9,21,599 4,09,112 8.24 3.19 21.63
24 વલસાડ 17,03,068 10,68,993 6,34,075 20.74 3.85 66.35
25 સુરત 60,79,231 12,35,509 48,43,722 42.19 -8.43 65.52
26 તાપી 8,06,489 7,27,513 78,976 12.07 11.90 13.61

* અંદાજ સ્રોત : Census of India, 2011

શહેરી વિસ્તારમાં વસ્તીનો વૃદ્ધિદર 35.83 ટકા તથા ગ્રામ વિસ્તારનો વૃદ્ધિ 9.23 ટકા (2001-2011) અંદાજવામાં આવ્યો છે.

નીચેના કોઠામાં જિલ્લાદીઠ શહેરી અને ગ્રામ્ય વિસ્તારની વસ્તી (ટકાવારીમાં) 2011*

ક્રમ ભારત/ ગુજરાત/જિલ્લા જિલ્લાદીઠ વસ્તી (ટકાવારીમાં) 2001 જિલ્લાદીઠ વસ્તી (ટકાવારીમાં) 2011
1 2 3 4 5 6
    ગ્રામીણ શહેરી ગ્રામીણ શહેરી
ભારત 72.19 27.81 68.84 31.16
00 ગુજરાત (24) 62.64 37.36 57.42 42.58
01 કચ્છ 70.00 30.00 65.28 34.72
02 બનાસકાંઠા 89.00 11.00 86.73 13.27
03 પાટણ 79.84 20.16 79.07 20.93
04 મહેસાણા 77.68 22.32 74.65 25.35
05 સાબરકાંઠા 89.19 10.81 85.04 14.96
06 ગાંધીનગર 68.43 31.57 56.79 43.21
07 અમદાવાદ 19.56 80.44 15.95 84.05
08 સુરેન્દ્રનગર 73.44 26.56 71.70 28.30
09 રાજકોટ 48.71 51.29 41.88 58.12
10 જામનગર 56.09 43.91 55.04 44.96
11 પોરબંદર 51.31 48.69 51.23 48.77
12 જુનાગઢ 70.94 29.06 66.95 33.05
13 અમરેલી 77.55 22.45 74.51 25.49
14 ભાવનગર 62.14 37.86 58.99 41.01
15 આણંદ 72.64 27.36 69.68 30.32
16 ખેડા 80.06 19.94 77.24 22.76
17 પંચમહાલ 87.49 12.51 86.00 14.00
18 દાહોદ 90.45 9.55 91.01 8.99
19 વડોદરા 54.80 45.20 50.46 49.54
20 નર્મદા 89.87 10.13 89.56 10.44
21 ભરૂચ 74.28 25.72 65.93 34.07
22 ડાંગ 100.00 NA 89.11 10.89
23 નવસારી 72.64 27.36 69.26 30.74
24 વલસાડ 72.98 27.02 62.77 37.23
25 સુરત 31.56 68.44 20.32 79.68
26 તાપી 90.34 9.66 90.21 9.79

* અંદાજ સ્રોત : Census of India, 2011

શહેરી અને ગ્રામવસ્તી : ગુજરાતમાં 1981માં 1,06,01,653 લોકો શહેરોમાં વસતા હતા. ભારતની કુલ શહેરી વસ્તીમાં ગુજરાતનો હિસ્સો 6.6 % હતો. 1991માં ગુજરાતમાં 1,41,64,301 લોકો શહેરોમાં વસતા હતા. તે ગુજરાતની કુલ વસ્તીનું 34.49 % જેટલું પ્રમાણ હતું. ઈ. સ. 2011માં રાજ્યની કુલ વસ્તી 6,03,83,628 હતી. તેમાં 3,46,70,817ની વસ્તી ગ્રામવિસ્તારમાં અને 2,57,12,811 શહેરી વિસ્તારમાં હતી. વર્ષ 2001માં રાજ્યની કુલ વસ્તી 5,06,71,017 થઈ હતી જેમાં પુરુષો 2,63,85,577 અને મહિલાઓ 2,42,85,440 હતી. ઈ. સ. 2011માં રાજ્યની કુલ વસ્તી 6,03,83,628 હતી. તેમાં પુરુષોની સંખ્યા 3,14,82,282 અને મહિલાઓની સંખ્યા 2,89,01,346 હતી. 1000 પુરુષો સામે મહિલાઓની વસ્તી 919 હતી. રાજ્યના ગ્રામીણ વિસ્તારની કુલ વસ્તી 3,46,70,817 હતી. જેમાં પુરુષોની સંખ્યા 1,78,02,975 અને મહિલાઓની સંખ્યા 1,68,67,842 હતી. દેશની કુલ વસ્તીમાં ગુજરાતની વસ્તીનું પ્રમાણ 4.99 % હતું. અને વસ્તીની દૃષ્ટિએ તેનો ક્રમ દેશમાં 10મો હતો. ડાંગ જિલ્લાની કુલ વસ્તીમાં અનુસૂચિત જનજાતિની વસ્તીનું પ્રમાણ 93.8 % હતું, નર્મદા જિલ્લામાં તે 78.1 % હતું, જ્યારે દાહોદ જિલ્લામાં તે 72.3 % હતું.)

ઈ. સ. 2011માં ગુજરાતના જિલ્લાઓ પૈકી સૌથી વધુ શહેરી વસ્તી ધરાવતા જિલ્લા અમદાવાદ, સૂરત, રાજકોટ અને વડોદરા હતા. સૌથી ઓછી શહેરી વસ્તી ધરાવતા જિલ્લા દાહોદ, તાપી, નર્મદા અને ડાંગ હતા. 1981માં ડાંગમાં શહેરી વસ્તી ન હતી. પરંતુ 2011માં ડાંગની શહેરી વસ્તી જિલ્લાની કુલ વસ્તીના 10.9 % હતી.

2011માં ગુજરાતમાં 3,46,70,817 વ્યક્તિઓ ગામડાંમાં વસતી હતી. કુલ વસ્તીના 57.42 % લોકો ગ્રામવિસ્તારમાં વસતા હતા. શહેર વિસ્તારમાં 2.57 કરોડ લોકો વસતા હતા, જે કુલ વસ્તીના 42.58 ટકા હતા. રાજ્યના ગ્રામવિસ્તારમાં 2001થી 2011ના દસકામાં વસ્તીની વૃદ્ધિનો દર 9.23 % હતો.

વસ્તીની ગીચતા : વસ્તીની ગીચતા ફળદ્રૂપ જમીન અને ઔદ્યોગિક વિકાસ ઉપર અવલંબે છે. 1981માં દર ચોકિમી.દીઠ 174 વ્યક્તિઓ હતી, 2001માં 258 અને 2011માં આ પ્રમાણ વધીને 308 થયું હતું.

ગુજરાતમાં સાક્ષરતાનો દર ઈ. સ. 2011માં 78.3 ટકા હતો. (ભારતનો દર 73.0 % હતો.) અનુસૂચિત જાતિઓમાં સાક્ષરતાનો દર જે 1991માં 61.07 હતો તે 2011માં 79.2 તેમજ અનુસૂચિત જનજાતિમાં સાક્ષરતાનો દર 1991માં 36.45 % હતો તે 2011માં 62.5 %  હતો. 1991ની સરખામણીમાં 2011માં રાજ્યના બધા જિલ્લાઓમાં સાક્ષરતાના દરમાં વધારો થયો છે. સાક્ષરતામાં 85.5 ટકા સાક્ષરતા સાથે સૂરત જિલ્લો ટોચ પર હતો, બીજા ક્રમે અમદાવાદ (85.3 ટકા) અને ત્રીજા ક્રમે આણંદ (84.4 ટકા) હતો. સહુથી ઓછી સાક્ષરતા દાહોદ જિલ્લામાં 58.8 ટકા હતી. બનાસકાંઠામાં 65.3 અને તાપી જિલ્લામાં 68.3 ટકા હતી.

રાજ્યમાં પુરુષોમાં સાક્ષરતાનું પ્રમાણ 85.8 ટકા અને સ્ત્રીઓમાં 69.7 ટકા હતું.

2011 વસ્તીગણતરી મુજબ : જિલ્લાઓની સંખ્યા 26.

તાલુકાઓની સંખ્યા 225.

ગામો(towns)ની સંખ્યા 348.

ગામડાંઓની સંખ્યા 18,225.

2011ની વસ્તીગણતરી પ્રમાણે 203.65 લાખ (33.7 ટકા) પૂરા સમયના કામદારો (મેઇન વર્કર્સ) હતા. 44.2 લાખ (7.3 ટકા) આંશિક કામદારો (માર્જિનલ વર્કર્સ) હતા અને 356.72 લાખ (59.0 ટકા) બિનકામદારો હતો. પુરુષોમાં પૂરા સમયના કામદારોનું પ્રમાણ 52.6 ટકા હતું, જ્યારે સ્ત્રીઓમાં તે 13.1 ટકા હતું.

શિવપ્રસાદ રાજગોર

રમેશ ભા. શાહ

ખેતી

રોજગારીની દૃષ્ટિએ ગુજરાત ખેતીપ્રધાન રાજ્ય છે. વર્ષ 2011માં પણ રાજ્યના લગભગ 49 % કામદારો ખેતી પર અવલંબતા હતા.

જમીન અને વરસાદ : ગુજરાતની ખેતી હેઠળની લગભગ 30 % જમીનને સિંચાઈની સગવડ મળે છે. એટલે મોટા ભાગના વિસ્તારોની ખેતી વરસાદ પર આધારિત છે.

જમીન અને વરસાદને ધ્યાનમાં રાખી ગુજરાત રાજ્યના વિસ્તારને 8 ભાગોમાં વહેંચી શકાય :

(1) દક્ષિણ ગુજરાતનો વધુ વરસાદવાળો પ્રદેશ : અહીં વર્ષ દરમિયાન સરેરાશ 1500 મિમી.થી વધુ વરસાદ પડે છે. જમીન ઊંડી, કાળી અને કાંપવાળી હોવાથી ઘણી ફળદ્રૂપ છે. આ વિભાગમાં સમગ્ર ડાંગ જિલ્લો, નવસારી જિલ્લો અને ગણદેવી તાલુકા સિવાયનો સમગ્ર વલસાડ જિલ્લો અને સૂરત જિલ્લાના સોનગઢ, વાલોડ અને વ્યારા તાલુકાનો વિસ્તાર સમાવિષ્ટ થાય છે.

(2) દક્ષિણ ગુજરાતનો અંબિકા અને નર્મદા નદીની વચ્ચેનો પ્રદેશ : અહીં વર્ષ દરમિયાન સરેરાશ 1,000થી 1,500 મિમી. જેટલો વરસાદ પડે છે. અહીંની જમીન કાળી માટીની અને ફળદ્રૂપ છે. આ વિસ્તારમાં વલસાડ જિલ્લાના નવસારી અને ગણદેવી તાલુકા ઉપરાંત સૂરત જિલ્લાના સોનગઢ, વાલોડ અને વ્યારા તાલુકા સિવાયના બાકીના તાલુકાઓ અને ભરૂચ જિલ્લાના અંકલેશ્વર, વાલિયા, ઝઘડિયા, નાંદોદ, ડેડિયાપાડા અને સાગબારા તાલુકાનો સમાવેશ થાય છે.

(3) મધ્ય ગુજરાતનો નર્મદા અને વિશ્વામિત્રી નદી વચ્ચેનો પ્રદેશ : અહીં વર્ષ દરમિયાન સરેરાશ 850થી 1,000 મિમી. જેટલો વરસાદ થાય છે. જમીન મધ્યમ કાળી, ગોરાડુ અને થોડી ડુંગરાળ છે. સમગ્ર પંચમહાલ તથા ભરૂચ જિલ્લાના ભરૂચ, જંબુસર અને આમોદ તાલુકાને એ આવરી લે છે. આ ઉપરાંત વડોદરા જિલ્લાનો કરજણ, શિનોર, ડભોઈ, સંખેડા, નસવાડી અને જેતપુર-પાવી તાલુકાનો વિસ્તાર પણ આ વિભાગ હેઠળ ગણાય.

(4) ઉત્તર ગુજરાતનો વિશ્વામિત્રી અને સાબરમતી નદી વચ્ચેનો અને સાબરમતીની ઉત્તરનો પ્રદેશ : આ પ્રદેશમાં વાર્ષિક સરેરાશ 600 મિમી.થી 850 મિમી. જેટલો વરસાદ થાય છે. અહીંની જમીન ગોરાડુ અને રેતાળ છે. આ પ્રદેશમાં વડોદરા જિલ્લાના વડોદરા, વાઘોડિયા, સાવલી અને પાદરા તાલુકા, ખંભાત તાલુકા સિવાયનો સમગ્ર ખેડા જિલ્લો, સમગ્ર ગાંધીનગર જિલ્લો, સાબરકાંઠા જિલ્લો, પાટણ, મહેસાણા અને બનાસકાંઠાનો કેટલોક વિસ્તાર ગણાવી શકાય.

(5) ભાલ કાંઠો : ખંભાતના અખાતની આજુબાજુના આ પ્રદેશમાં વાર્ષિક સરેરાશ 600થી 1,000 મિમી. જેટલો વરસાદ થાય છે. અહીંની જમીન મધ્યમ કાળી અને ક્ષારવાળી ગણાય છે. આ પ્રદેશમાં ભરૂચ જિલ્લાનો હાંસોટ અને વાગરા તાલુકો, ખેડા જિલ્લાનો ખંભાત તાલુકો, અમદાવાદ જિલ્લાનો ધોળકા અને ધંધૂકા તાલુકો, ભાવનગર જિલ્લાનો વલભીપુર અને ભાવનગર તાલુકો તથા સુરેન્દ્રનગર જિલ્લાનો લીંબડી તાલુકો ગણાય છે.

(6) દક્ષિણ સૌરાષ્ટ્ર : અહીં વર્ષે સરેરાશ 600 મિમી.થી વધારે પણ 750 મિમી.થી ઓછો વરસાદ થાય છે. જમીન મધ્યમ કાળી, છીછરી અને ચૂનાના વધુ પ્રમાણવાળી છે. સમગ્ર જૂનાગઢ જિલ્લો અને અમરેલી જિલ્લો, ભાવનગર જિલ્લાના શિહોર, ઘોઘા, ગારિયાધાર, પાલિતાણા, તળાજા, મહુવા અને સાવરકુંડલા તાલુકાનો વિસ્તાર તથા રાજકોટ જિલ્લાના જેતપુર, ગોંડળ, ધોરાજી અને ઉપલેટા તાલુકાનો વિસ્તાર આમાં આવી જાય.

(7) ઉત્તર સૌરાષ્ટ્ર : અહીં વાર્ષિક સરેરાશ વરસાદ 400 મિમી.થી 700 મિમી. થાય છે અને જમીન છીછરી, મધ્યમ કાળીથી રેતાળ છે. સમગ્ર જામનગર જિલ્લા ઉપરાંત રાજકોટ જિલ્લાના પડધરી, લોધિકા, જસદણ, રાજકોટ, વાંકાનેર અને મોરબી તાલુકા; સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ, મૂળી અને સાયલા તાલુકા તથા ભાવનગર જિલ્લાના ગઢડા, બોટાદ અને ઉમરાળા તાલુકા આ વિભાગમાં ગણાય.

(8) ઉત્તરપશ્ચિમ વિભાગ : 500 મિમી.થી ઓછા વાર્ષિક સરેરાશ વરસાદવાળા આ પ્રદેશમાં સમગ્ર કચ્છ જિલ્લો આવી જાય છે. ઉપરાંત રાજકોટ જિલ્લાનો માળિયા તાલુકો, સુરેન્દ્રનગર જિલ્લાના હળવદ, ધ્રાંગધ્રા અને દસાડા તાલુકા; મહેસાણા જિલ્લાના સમી, હારીજ અને ચાણસ્મા તાલુકા; બનાસકાંઠાના સાંતલપુર, રાધનપુર, કાંકરેજ, દિયોદર, વાવ અને થરાદ તાલુકા તથા અમદાવાદ જિલ્લાના વીરમગામ તાલુકાનો પ્રદેશ આ વિભાગ હેઠળ ગણાય.

ઉપર દર્શાવેલ પ્રથમ ત્રણ વિભાગો હેઠળના વિસ્તાર સિવાયના બાકીના સમગ્ર રાજ્યની જમીન ફળદ્રૂપ ગણી શકાય નહિ. ગુજરાતમાં લગભગ 12 લાખ હેક્ટર જમીન ક્ષારયુક્ત છે. આવી જમીનમાં ખેતીનો પ્રશ્ન ઘણો વિકટ છે. ગુજરાતના પશ્ચિમ કિનારાની જમીન દરિયાના પાણીના ધસારાથી ક્ષારવાળી બની ગઈ છે. ઉત્તર ગુજરાતની રણપ્રદેશ નજીકની તથા કચ્છની જમીન ઓછા વરસાદને કારણે ક્ષારયુક્ત થઈ છે. ખેડા અને અમદાવાદ જિલ્લાની કેટલીક જમીન ભૂતળના પાણીની સપાટી ઊંચી આવવાથી ખારવાળી બની ગઈ છે. જૂનાગઢ જિલ્લાની ઘેડ વિસ્તારની જમીન નીચાણવાળી હોવાથી પાણીના જમાવને કારણે ખારી થઈ ગઈ છે. આવી જમીનને ખેતી માટે નવસાધ્ય કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે. એ જ પ્રમાણે મહી, વાત્રક, મેશ્વો, બનાસ અને સાબરમતી વગેરે નદીઓના કાંઠાનાં કોતરોથી પણ જે જમીન નકામી બની છે તેને પણ નવસાધ્ય કરવાના સફળ પ્રયોગો રાજ્યમાં થયા છે.

ખેતીક્ષેત્રે પ્રગતિ

વીસમી સદીના પૂર્વાર્ધમાં ગુજરાત પણ એક કૃષિપ્રધાન પ્રદેશ હતો. ખેતીની દૃષ્ટિએ ગુજરાતના કુદરતી સંજોગો, મુખ્યત્વે વરસાદ પ્રતિકૂળ છે. આપણે જોઈ ગયા તેમ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોને બાદ કરીએ તો એકંદરે ગુજરાતમાં ઓછો અને અનિયમિત વરસાદ પડે છે. વીસમી સદીના પૂર્વાર્ધમાં દેશના અન્ય વિસ્તારોની જેમ ગુજરાતમાં પણ ખેતી સ્થગિત અવસ્થામાં હતી, એટલે કે હેક્ટર દીઠ ઉત્પાદનમાં કોઈ વધારો થતો ન હતો, ઊલટું ઉપલબ્ધ માહિતી પ્રમાણે હેક્ટર દીઠ ઉત્પાદન ઘટતું જતું હતું. એ સમયે પ્રવર્તમાન ટૅક્નૉલૉજીના સંદર્ભમાં ખેતીના ક્ષેત્રે જમીનની ઉત્પાદકતા વધારીને ઉત્પાદનમાં વધારો મેળવવાની ગુંજાશ ઘણી મર્યાદિત જણાતી હતી. ઉત્તમ ખેડૂતો દ્વારા પ્રયોજાતિ પદ્ધતિઓ અન્ય ખેડૂતો અપનાવે તો પણ કુલ ઉત્પાદનમાં 1015 %થી વિશેષ વધારો થઈ શકે તેમ નથી એમ માનવામાં આવતું હતું.

વીસમી સદીના પૂર્વાર્ધમાં એક બાજુ વાવેતર નીચેની જમીનની ઉત્પાદકતા સ્થગિત થયેલી હતી ત્યારે બીજી બાજુ ખેતીમાં જીવનનિર્વાહ માટે સામેલ થતા લોકોની સંખ્યા વધી રહી હતી. ખેતી ઉપર વધતા જતા જનસંખ્યાના ભારણના પ્રમાણમાં વાવેતર નીચે રહેલી જમીનમાં અલ્પ વધારો થતો હતો; દા. ત., બ્રિટિશ ગુજરાતમાં ઈ. સ. 1911થી 1941 વચ્ચે ગ્રામીણ વસ્તીમાં 33 ટકાનો વધારો થયો હતો, પરંતુ વાવેતર નીચેની જમીનમાં આઠ ટકાનો વધારો થયો હતો. આમ ખેતીમાં રોકાયેલા શ્રમિકો દીઠ જમીનનું પ્રમાણ ઘટતું જતું હતું. આ હકીકત બે ફલિતાર્થો ધરાવતી હતી એક, એકંદરે ઉત્પાદન અને આવક ઘટતાં જતાં હતાં, મતલબ કે ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં ગરીબી વધતી જતા હતી. બીજું, વાવેતર નીચેના લગભગ સ્થિર વિસ્તારની સામે ખેતીમાં રોજી શોધનારાઓની વધતી સંખ્યાને પરિણામે ગણોતિયાઓ અને ખેતમજૂરોની સંખ્યા વધી રહી હતી.

દેશ અને ગુજરાતમાં 1960 પછીનાં વર્ષોમાં ખેતી ગતિશીલ બની. અનાજ અને કપાસ, શેરડી જેવા રોકડિયા પાકોના ઉત્પાદનમાં ધરખમ વધારો થયો. દા. ત., ગુજરાતમાં 1969–70ના વર્ષમાં અનાજનું ઉત્પાદન 29.7 લાખ ટન થયું હતું તે વધીને 1989-90માં 38.3 લાખ ટન થયું હતું અને 2015–16ના વર્ષમાં 62.62 લાખ ટન થયું. મગફળી અને અન્ય તેલીબિયાનું ઉત્પાદન 1975માં 19 લાખ ટન હતું તે વધીને 2005માં 46 લાખ ટન થયું. અલબત્ત, તેલીબિયાં ના ઉત્પાદમાં ખાસ કરીને મગફળીના ઉત્પાદનમાં વર્ષોવર્ષ મોટી વધઘટ થતી હોય છે. 201516ના વર્ષમાં તેલીબિયાંનું ઉત્પાદન 41.79 લાખ ટન થયું હતું. તેમાં મગફળીનું ઉત્પાદન 23.39 લાખ ટન હતું.

દેશમાં થતા મગફળીના ઉત્પાદનમાં 2015–16માં ગુજરતનો ફાળો લગભગ 35 ટકા અને કપાસના ઉત્પાદનમાં 31 ટકા હતો. બીજી બાજુ, ચોખા, ઘઉં, બાજરી વગેરે ધાન્યોના ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો 2.43 ટકા અને કઠોળના ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો 3.33 ટકા હતો. દેશની વસ્તીમાં ગુજરાતનો હિસ્સો લગભગ પાંચ ટકા છે. આમ ગુજરાત તેની અનાજની જરૂરિયાતની બાબતમાં સ્વાવલંબી નથી. ગુજરાતે કપાસ, તેલીબિયાં, શેરડી, બટાટા જેવા રોકડિયા પાકોની ખેતીમાં વિશેષીકરણ કર્યું છે.

ખેતીના ક્ષેત્રે વીસમી સદીના ઉત્તરાર્ધમાં દેશમાં અને ગુજરાતમાં જે વિકાસ સધાયો તેમાં ખેતીના ક્ષેત્રે શોધાયેલી નવી ટૅક્નૉલૉજીનો સિંહ ફાળો છે. આ ટૅક્નૉલૉજી વધુ ઉત્પાદન આપવાની ક્ષમતા ધરાવતાં બીજ પર આધારિત છે. એવાં બીજ વિકસાવવામાં આવ્યાં છે જે યોગ્ય માત્રામાં રાસાયણિક ખાતરો અને પાણી મળતાં હેકટર દીઠ વધારે ઉત્પાદન આપી શકે છે. ગુજરાતમાં આ માર્ગે વધેલી ઉત્પાદકતાના આંકડા જોવાથી આ ચિત્ર સ્પષ્ટ થશે. નીચે કોઠા1માં ગુજરતની ખેતીમાં મહત્વના કેટલાક પાકોનું હેકટરદીઠ ઉત્પાદન દર્શાવ્યું છે. કોઠામાં 1967-70 અને 1987-90નાં ત્રણ વર્ષની ઉત્પાદકતાની સરેરાશના આંકડા આપવામાં આવ્યા છે, જ્યારે 2015-16ના એક જ વર્ષની ઉત્પાદકતાના આંકડા નોંધ્યા છે. કુલ અનાજની ઉત્પાદકતાના આંકડામાં ધાન્યો અને કઠોળનો સમાવેશ થાય છે. તમામ પાકોની ઉત્પાદકતામાં મોટો વધારો થયો છે. દા. ત., ચોખાના હેકટર દીઠ ઉત્પાદનમાં લગભગ 200 ટકાનો, ઘઉંમાં 125 ટકાનો, અનાજના હેકટર દીઠ ઉત્પાદનમાં લગભગ 250 ટકાનો વધારો થયો છે. રોકડિયા પાકોમાં મગફળીની ઉત્પાદકતામાં 175 ટકાનો અને રૂની ઉત્પાદકતામાં 275 ટકાનો વધારો થયો છે.

કોઠો-1 ગુજરાતમાં વિવિધ પાકોનું હેકટર દીઠ ઉત્પાદન (કિલોગ્રામમાં)

ચોખા  756 1260 2205
ઘઉં 1290 1976 2919
બાજરી  608  811 2004
જુવાર  278  426 1340
કુલ અનાજ  597  883 2003
મગફળી  602  843 1654
રૂ  156  218  587

ખેતપેદાશોની ઉત્પાદનવૃદ્ધિનો બીજો સ્રોત સિંચાઈ છે. સિંચાઈથી બે માર્ગે ખેતપેદાશોની ઉત્પાદનવૃદ્ધિ થાય છે : એક, સિંચાઈથી વાવેતર નીચેની જમીન પર વરસમાં એકથી વધારે વખત પાક લઈ શકાય છે. ખરીફ પાક ઉપરાંત શિયાળુ પાક કે ઉનાળુ પાક લઈ શકાય છે. આમ જમીનનો સઘન ઉપયોગ થઈ શકે છે. બીજી રીતે જોઈએ તો સિંચાઈને લીધે વાવેતર નીચેની જમીન વધતી હોય તેવી સ્થિતિ સર્જાય છે. ગુજરાતમાં વરસમાં એકથી વધુ વખત પાક લેવાતો હોય એવી જમીન 1985-86માં 9.8 લાખ હેકટર હતી તે વધીને 2007-08માં 22.45 લાખ હેકટર થઈ હતી.

બીજું, સિંચાઈ નીચેની જમીન પર સિંચાઈ વગરની જમીનની તુલનામાં હેકટર દીઠ ઉત્પાદન વધારે થાય છે. દા. ત., સમગ્ર દેશમાં ખરીફની મોસમમાં કઠોળનું હેકટરદીઠ ઉત્પાદન 2015-16માં 489 કિલોગ્રામ થયું હતું તેની તુલનામાં રવિ મોસમમાં 796 કિલોગ્રામ થયું હતું. એ જ રીતે મગફળીનું ખરીફ મોસમમાં હેકટર દીઠ ઉત્પાદન 1399 કિલોગ્રામ અને રવિ મોસમમાં 1801 કિલોગ્રામ થયું હતું.

ગુજરાતમાં 1950માં માત્ર 51,000 હેકટર જમીન પર સિંચાઈ થતી હતી. પંચવર્ષીય યોજનાઓ નીચે વિવિધ સિંચાઈ-યોજનાઓ હાથ ધરાતાં 1961માં સિંચાઈક્ષમતા વધીને 2.48 લાખ હેકટર થઈ હતી. એ પછીનાં વર્ષોમાં સિંચાઈક્ષમતાના નિર્માણની પ્રક્રિયા ચાલુ જ રહી છે. ગુજરાતમાં વધુમાં વધુ સિંચાઈક્ષમતા 48.11 લાખ હેકટર થઈ શકે તેમ છે. તેમાંથી જૂન 2017 સુધીમાં 43.60 લાખે હેકટર સિંચાઈક્ષમતા સર્જવામાં આવી હતી. તેમાંથી 29.76 લાખ હેકટર પર સિંચાઈ થતી હતી.

મહેન્દ્ર ર. ત્રિવેદી

સિંચાઈ

ગુજરાત રાજ્યના 196 લાખ હેક્ટર ભૌગોલિક વિસ્તારમાંની ખેડવાલાયક 124 લાખ હેક્ટર પૈકી 1994- 95માં આશરે 96 લાખ હેક્ટર વિસ્તારમાં ખેતી થઈ હતી. જૂન, 2010ના અંતે રાજ્યની વિવિધ યોજનાઓ દ્વારા ઉત્પન્ન થયેલ સિંચાઈશક્તિ અને મહત્તમ વપરાશની સ્થિતિ નીચેના કોઠામાં દર્શાવેલ
છે :

ગુજરાતમાં સિંચાઈનાં સાધનો : કૂવા, પાતાળકૂવા, તળાવો, બંધો, નહેરો વગેરે સિંચાઈનાં સાધનો છે. ગુજરાતમાં નાની સિંચાઈ દ્વારા વધુ પ્રમાણમાં સિંચાઈ થાય છે અને તેમાં તળાવો, બંધારા, ચેકડૅમ, અંત:સ્રાવ તળાવો, ઉદવહન સિંચાઈ, કૂવા, પાતાળકૂવા વગેરે સાધનોનો સમાવેશ થાય છે.

ગુજરાતમાં સિંચાઈ માટે અન્ય સાધનો કરતાં કૂવાનો ઉપયોગ વિશેષ થાય છે. રાજ્યમાં હવે સિંચાઈ માટે પાતાળકૂવાનો ઉપયોગ મોટા પ્રમાણમાં થવા લાગ્યો છે. ગુજરાતમાં જૂના વડોદરા રાજ્ય દ્વારા હાલના મહેસાણા જિલ્લામાં 1935માં સૌપ્રથમ પાતાળકૂવો કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં કૂવા અને પાતાળકૂવા દ્વારા 2007-08માં સિંચિત વિસ્તાર 45 લાખ હેકટર (gross) હતો.

ગુજરાતમાં નહેરો દ્વારા સિંચાઈનો વિકાસ બહુ ઓછો થયો છે. 1937માં મુંબઈ રાજ્ય વખતે નીમવામાં આવેલ વિશ્વેશ્વરૈયા સિંચાઈ તપાસ સમિતિના અહેવાલમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં નહેરથી સિંચાઈ કરવાની શક્યતા નથી. આ સમયે ગુજરાતમાં હાથમતી અને ખારીકટ  એ બે માત્ર નામની નહેરો હતી. આઝાદી મળ્યા પછી પંચવર્ષીય યોજનાઓમાં નહેર યોજનાઓને વધુ મહત્વ આપવામાં આવ્યું. ગુજરાતમાં સિંચાઈના વધુ વિકાસ માટે નદીઓ પર બંધ બાંધી દરિયામાં નકામા વહી જતા પાણીને રોકી, તેમાંથી નહેરો કાઢવામાં આવી છે. રાજ્યમાં શેત્રુંજી, ઉકાઈ, ધરોઈ, કાકરાપાર, ઓઝત, આજી, મોટી ફતેહવાડી, મેશ્વો, હાથમતી, ભાદર, રુદ્રમાતા, ગોમા વગેરે મોટી તથા મધ્યમ કદની યોજનાઓ પૂરી થયેલી છે, જ્યારે નર્મદા વગેરે વિવિધ યોજનાનું કામ ચાલુ છે. રાજ્યની જે નદીઓ સિંચાઈ માટે પાણી પૂરું પાડે છે તે નીચે મુજબ છે :

(1) તાપી : રાજ્યની નર્મદા પછીની આ બીજી મોટી નદી છે. તેના પર 1. કાકરાપાર અને 2. ઉકાઈ યોજના થયેલ છે. પ્રથમ કાકરાપાર યોજના 1953માં સૂરત પાસે 621 મીટર લાંબા અને 24 મીટર ઊંચા આડબંધની પૂરી થઈ. આ યોજનાની કુલ સિંચાઈશક્તિ 1.99 લાખ હેક્ટર જેટલી હતી. તેનાથી સૂરત અને વલસાડ જિલ્લાના વિસ્તારોને સિંચાઈનો લાભ મળે છે.

આ નદી પરની બીજી ઉકાઈ યોજના મોટી અને અગત્યની બહુહેતુક યોજના છે. આ યોજનાની વિચારણા 1949માં થઈ, 1959માં તેને મંજૂરી મળી અને 1966થી આ યોજનાનું કામ શરૂ થયું. ઉકાઈ બંધની રચના સૂરતથી 105 કિમી. ઉપરવાસમાં, ઉકાઈ ગામ પાસે 4,928 મીટર લાંબા અને 69 મીટર ઊંચા માટીકામ અને ચણતરકામની કરવામાં આવી છે. આ બંધથી રચાયેલ સરોવરમાં 8,51,000 હેક્ટર મીટર જેટલું પાણી સંઘરી શકાય છે. બંધમાં 22 જેટલા દરવાજા રાખવામાં આવ્યા છે. તેમાં જમણા અને ડાબા કાંઠેથી નહેરો કાઢવામાં આવી છે. મુખ્ય નહેરની લંબાઈ 587 કિમી. જેટલી છે. આ યોજનાથી સૂરત, વલસાડ અને ભરૂચ જિલ્લાને સિંચાઈનો લાભ મળે છે. આ યોજના દ્વારા ઉત્પન્ન થયેલ કુલ સિંચાઈશક્તિ 1.19 લાખ હેક્ટર જેટલી છે.

(2) મહી : ભૂતપૂર્વ મુંબઈ રાજ્યે વીસમી સદીના પ્રથમ દાયકામાં ખેડા જિલ્લાના પશ્ચિમ ભાગને અછતગ્રસ્ત વિસ્તાર જાહેર કર્યો અને તેના કાયમી ઉકેલ અર્થે 1905માં મહી યોજનાનાં બી નંખાયાં, પણ તે માટેના ખરેખર પ્રયત્નો આઝાદી મળ્યા પછી થયા અને 1968માં આ યોજના મંજૂર થઈ. મહી નદી પર તેના પ્રથમ તબક્કામાં ખેડા જિલ્લાના વાડાસિનોર તાલુકાના વણાકબોરી ગામ પાસે એક 796 મીટર લાંબો અને 25 મીટર ઊંચો આડબંધ બાંધવામાં આવ્યો છે.

મહી નદીના ખીણવિસ્તારના વિકાસનો બીજો તબક્કો કડાણા યોજના છે. પંચમહાલ જિલ્લાના સંતરામપુર તાલુકાના કડાણા ગામ નજીક આ નદી પર બાંધવામાં આવેલ આ બહુહેતુક બંધની યોજના છે. આ યોજનાનું કામ 1969થી શરૂ થયું. કડાણા બંધ પાછળ 172 ચો. કિમી. વિસ્તારનું જળાશય બન્યું છે. તેમાં 154.2 કરોડ ઘનમીટર પાણી સંઘરી શકાય છે. કડાણાબંધની કુલ લંબાઈ 1383.56 મીટર છે. તે પૈકી ચણતરબંધ અને માટીબંધ અનુક્રમે 587.76 મીટર અને 795.5 મીટર લંબાઈ ધરાવે છે. ચણતરબંધ અને માટીબંધની પાયાથી વધુમાં વધુ ઊંચાઈ અનુક્રમે 58.22 મીટર અને 32.92 મીટર જેટલી છે. પાણીના નિકાલ માટે 15.54 મીટર પહોળા અને 14.02 મીટર ઊંચા 21 મોટા દરવાજા મૂકવામાં આવ્યા છે. કડાણા યોજનાથી 10,700 હેક્ટર જેટલી કુલ સિંચાઈશક્તિ ઊભી થઈ શકી હતી.

(3) સાબરમતી : આ નદી પર ધરોઈ ગામ નજીક તારંગાથી થોડે દૂર 1,211 મીટર લાંબો પાકો બંધ બાંધવામાં આવ્યો છે. બંને કાંઠે બાંધવામાં આવેલા કાચા બંધની કુલ લંબાઈ 5,082 મીટર જેટલી છે. આ બંધથી રચાયેલ જળાશયમાં 90.8 કરોડ ક્યૂબિક મીટર જેટલું પાણી સંઘરી શકાય છે. આ બંધની ઊંચાઈ 43.60 મીટર છે અને તેનું પાણી છોડવા માટે આઠ મોટા દરવાજા મૂકવામાં આવ્યા છે. નદીના જમણા અને ડાબા કાંઠે અનુક્રમે 37 કિમી. અને 35.40 કિમી. લાંબી નહેર બાંધવામાં આવી છે. આ યોજનાથી મહેસાણા અને સાબરકાંઠા જિલ્લાના વિસ્તારને સિંચાઈનો લાભ મળે છે. ધરોઈ યોજનાથી 0.41 લાખ હેક્ટર જેટલી કુલ સિંચાઈશક્તિ ઊભી થઈ શકી હતી. આ યોજનાથી અમદાવાદ શહેરને આશરે 68 કરોડ લિટર અને ગાંધીનગરને આશરે 4.54 કરોડ લિટર જેટલું પાણી આપવાનો પ્રબંધ કરવામાં આવ્યો હતો.

આ યોજના ઉપરાંત સાબરમતી ખીણના વિકાસાર્થે અમદાવાદ નજીક વાસણા ગામ પાસે એક આડબંધ બાંધવામાં આવ્યો છે. આ બંધ આશરે 583 મીટર લાંબો છે. તેમાં 28 દરવાજા મૂકવામાં આવ્યા છે. આ બંધમાંથી ફતેહવાડી નહેર કાઢવામાં આવી છે.

(4) સરસ્વતી : આ નદી પર પાટણ જિલ્લાના માતરવાડી ગામ પાસે એક બૅરેજ બાંધવામાં આવ્યો છે, તેની કુલ લંબાઈ 297 મીટર છે. આ સરસ્વતી બૅરેજથી પાટણ તાલુકાનાં 25 ગામો અને ચાણસ્મા તાલુકાનાં 20 ગામોને સિંચાઈનો લાભ મળે છે. આ યોજનાથી કુલ ઉત્પન્ન થયેલી સિંચાઈશક્તિ 1,000 હેક્ટર હતી.

(5) બનાસ : આ નદી પર બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ખાતે 325.5 મીટર લાંબો બંધ બાંધવામાં આવ્યો છે. આ બંધથી રચાયેલ જળાશયમાં 464.12 ક્યૂબિક મીટર પાણી ભરી શકાય છે. તેમાંથી કાઢવામાં આવેલી નહેરો દ્વારા બનાસકાંઠા જિલ્લાના ધાનેરા, પાલનપુર, ડીસા અને કાંકરેજ તાલુકાની  અને પાટણ જિલ્લાના કેટલાક વિસ્તારોની જમીનને સિંચાઈનો લાભ મળે છે. આ યોજનાથી ઉત્પન્ન થયેલ કુલ સિંચાઈશક્તિ 0.44 લાખ હેક્ટર જેટલી છે.

(6) શેત્રુંજી : આ નદી પર ભાવનગર જિલ્લામાં પાલિતાણા નજીક રાજસ્થળી સ્થળે આશરે 770 મીટર લાંબો પાકો બંધ અને 2,978 મીટર લાંબો કાચો બંધ બાંધવામાં આવ્યો છે. પાકા બંધની અને કાચા બંધની ઊંચાઈ અનુક્રમે 31 મીટર અને 16.5 મીટર જેટલી છે. આ બંધથી રચાયેલ જળાશયમાં 35 કરોડ ક્યૂબિક મીટર પાણી સંઘરી શકાય છે. તેમાંથી કાઢવામાં આવેલી જમણી અને ડાબી બાજુની મુખ્ય નહેરની લંબાઈ 154 કિમી. જેટલી છે, જ્યારે વિતરક નહેરોની લંબાઈ 300 કિમી. છે. આ યોજનાથી ભાવનગર જિલ્લાને સિંચાઈનો લાભ મળે છે. તેની કુલ સિંચાઈશક્તિ 0.34 લાખ હેક્ટર છે.

શેત્રુંજી પર બીજો બંધ ધારી પાસે ખોડિયાર માતાના મંદિર નજીક બાંધવામાં આવ્યો છે. તેનાથી અમરેલી જિલ્લાની જમીનને સિંચાઈનો લાભ મળે છે. આ બંધ કુલ 9,682 હેક્ટર જમીનને સિંચાઈ પૂરી પાડી શકે છે.

(7) ભાદર : અનિશ્ચિત વરસાદ સામે રાજકોટ અને જૂનાગઢ જિલ્લાને રક્ષણ આપવા રાજકોટ જિલ્લાના ગોંડળ તાલુકાના ગોમટા ગામની ઈશાને ભાદર નદી પર બંને બાજુ માટીના પેટાબંધ સાથે એક પાકો બંધ બાંધવામાં આવ્યો છે. પાકા બંધની લંબાઈ આશરે 387.2 મીટર અને ઊંચાઈ 22.8 મીટર છે. ડાબી બાજુના અને જમણી બાજુના માટીબંધની લંબાઈ અનુક્રમે 57 મીટર અને 57.5 મીટર જેટલી છે, જ્યારે તેની ઊંચાઈ 30 મીટર છે. આ બંધથી રચાયેલ સરોવરમાં 262.5 કરોડ ક્યૂબિક મીટર જેટલું પાણી સંઘરી શકાય છે. આ યોજનાથી 35,750 હેક્ટર જેટલી જમીનને સિંચાઈનું પાણી પૂરું પાડી શકાય છે.

(8) ખારી : કચ્છની ઉત્તરવાહિની નદીઓમાં ખારી મુખ્ય છે. આ નદી પર રુદ્રમાતા પાસે બંધ બાંધવામાં આવ્યો છે. આ બંધની કુલ સિંચાઈશક્તિ દ્વારા 2,310 હેક્ટર જમીનને પાણી પૂરું પાડી શકાય છે જ્યારે ખરેખર 1,050 હેક્ટર જમીનને જ તેનો લાભ મળ્યો છે.

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજના (સરદાર સરોવર) પૂરી થશે ત્યારે રાજ્યમાં 17 જિલ્લાના 79 તાલુકાના 3,393 ગામોમાં પથરાયેલી 17.92 લાખ હેક્ટર જમીનને સિંચાઈની સવલત મળશે.

કોઠો2

સિંચાઈના સ્રોતને આધારે ગુજરાત રાજ્યમાં સિંચાઈ હેઠળનો વિસ્તાર (1980-81થી 2006-07) (00 હેક્ટરમાં)

ક્રમ સ્રોત 1980-81 1990-91 1996-97 200607
1. સરકારી અને પંચાયતી નહેરો 3,668 4,731 6,125 7892
2. કૂવાઓ, પાતાળ કૂવાઓ 15,884 19,301 23,863 33070
3. તળાવ 409 314 292 398
4. અન્ય સ્રોત 65 30 138 1016
5. સિંચાઈ હેઠળનો ચોખ્ખો વિસ્તાર (NIA) 20,026 24,376 30,418 42576
6. સિંચાઈ હેઠળનો એકંદર વિસ્તાર (Gross) (GIA) 23,344 29,105 36,424 52787

નોંધ : 1980-81માં સિંચાઈ હેઠળનો એકંદર (gross) વિસ્તાર જે 23,34,400 હેક્ટર જેટલો હતો તે વધીને 2006-07માં 52,78,700  જેટલો હતો.

સ્રોત : કૃષિ-નિયામકશ્રીની કચેરી, ગુજરાત રાજ્ય.

કોઠો3

ગુજરાત રાજ્યમાં કેટલાક મુખ્ય પાકોને આવરી લેતો સિંચાઈવિસ્તાર (00 હેક્ટરમાં)

ક્રમ પાકનું નામ 1980-81 1990-91 1996-97 200607
1. ડાંગર  2,001  3,108  4,116  4880
2. ઘઉં  4,741  4,823  5,246  9578
3. જુવાર    335    347    157   266
4. બાજરી  1,408  1,730  2,168  2116
કુલ ખાદ્યાન્ન (Total foodgrains) 12,656 16,272 19,757 28015
5. કપાસ  4,435  3,150  5,732 12999
6. મગફળી  1,853  1,498  1,616  2060
7. તમાકુ    798    955  1,045   897
8. અનાજ સિવાયના પાકો 10,688 12,833 16,667 24772
9. સિંચાઈ હેઠળનો કુલ વિસ્તાર 23,344 29,105 36,424 52787

સ્રોત : કૃષિ નિયામકશ્રીની કચેરી, ગુજરાત રાજ્ય.

ભારતના ઇતિહાસમાં આવી યોજના ઘડવાનો અને તેના પર અમલ કરવાનો જશ ગુજરાતને ફાળે જાય છે. આ સમગ્ર યોજના પર રૂ. 500 કરોડ જેટલો અંદાજી ખર્ચ સરકારે મંજૂર કર્યો હતો, જેમાંથી રૂ. 200 કરોડ ખેડૂતો પાસેથી મળ્યા હતા.

પાણીના વૈકલ્પિક સ્રોતોને અભાવે ઉત્તર ગુજરાતમાં ભૂગર્ભજળનો વધુ પડતો ઉપયોગ થતો રહ્યો છે, જેને કારણે પાણીની ભૂગર્ભ-સપાટી સતત 35 મીટર નીચે જતી રહી છે; દા.ત., મહેસાણા જિલ્લામાં આને કારણે 100થી 150 મીટર સુધી પાણી મળતું નથી. આના ઉકેલરૂપે રાજ્ય સરકારે જૂના કૂવાઓ ફરી ચેતનવંતા કરવાના, ગામડાના કૂવાઓને ઊંડા કરવાના, ખુલ્લા કૂવાઓને પાઇપલાઇનોથી જોડવાનાં પગલાં લીધાં છે. આ કામમાં જે કુલ ખર્ચ અંદાજવામાં આવે છે તેના 80 ટકા રાજ્ય સરકાર ભોગવે છે અને બાકીના માત્ર 20 ટકા લાભાર્થી ખેડૂતો પાસેથી ઉઘરાવવામાં આવે છે. આ પ્રવૃત્તિ હેઠળ 600 અરજીઓ પ્રાપ્ત થઈ હતી, 64 યોજનાઓ પૂર્ણ કરવામાં આવી છે અને 45 યોજનાઓ પૂરી થવાના આરે છે.

રાજ્ય સરકારે એવો પણ ઐતિહાસિક નિર્ણય લીધો છે કે રાજ્ય હસ્તકના ઊંડા કૂવાઓ છે તેનું સંચાલન ખેડૂતોને સોંપવું, શરત એ કે તે માટે ઓછામાં ઓછા પાંચ ખેડૂતો ભેગા થવા તૈયાર હોય. આમ કરવાથી આવા કૂવાઓના પાણીનો ઉપયોગ કરકસરથી થઈ શકશે.

પાતાળકૂવાઓમાં ક્ષાર દાખલ થતો અટકાવવા માટે રાજ્ય સરકારે સૌરાષ્ટ્ર, કચ્છ અને દરિયાકિનારાની નજીકના અન્ય પ્રદેશોમાં / વિસ્તારોમાં કેટલીક યોજનાઓ અમલમાં મૂકી છે.

સરદાર સરોવર યોજના (નર્મદા યોજના)

ગુજરાતની જીવાદોરી કે કરોડરજ્જુ ગણાતી આ યોજના ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના મનમાં દાયકાઓ પહેલાં સ્ફુરી હતી અને આજે તો તે રાજ્યના લાખો નાગરિકોની આકાંક્ષાઓના પ્રતીક સમી ઊપસી આવી છે. આ યોજનાનો હેતુ રાજ્યના કેટલાક વિસ્તારોમાં પીવાના પાણીની અછત દૂર કરવા પૂરતો જ મર્યાદિત નથી. આ બહુલક્ષી યોજના પૂરી થશે ત્યારે ગુજરાત અને સૌરાષ્ટ્રનાં જે ગામડાંમાં પીવાના પાણીની સુવિધા નથી તે ગામડાંને પીવાનું પાણી ઉપલબ્ધ થવાની સાથોસાથ રાજ્યની સિંચાઈની ક્ષમતામાં વધારો થતાં અનાજના ઉત્પાદનમાં વધારો થશે; વધારાની વિદ્યુત શક્તિનું સર્જન થતાં રોજગારીની તકોનું વિસ્તરણ થશે અને બેકારીમાં ઘટાડો થશે; કપાસ અને શેરડી જેવા રોકડિયા પાકોના ઉત્પાદનમાં પણ વધારો થશે અને ગુજરાતના સર્વાંગીણ આર્થિક વિકાસને પ્રોત્સાહન મળશે.

નર્મદા ભારતની 7 મોટી નદીઓમાંની એક છે. નર્મદા સિવાયની રાજ્યની અન્ય નદીઓના કુલ પાણીપુરવઠા કરતાં પણ નર્મદા નદીનો પાણીપુરવઠો વધારે છે; પરંતુ દર વર્ષે તેનું આશરે 4,77,000 લાખ ઘનમીટર પાણી વપરાયા વિના જ દરિયામાં ઠલવાઈ જાય છે. એ. પી. જૈન સિંચાઈ પંચના 1972-73ના અહેવાલ મુજબ ભારતમાં સૌથી વધારે અછતગ્રસ્ત વિસ્તારો ગુજરાત અને રાજસ્થાનનાં રાજ્યોમાં છે. દા. ત., દેશના 19 % જિલ્લા અછતગ્રસ્ત છે તેની સામે 1998માં રાજ્યના જિલ્લાઓની પુનર્રચના થઈ તે પૂર્વેના ગુજરાતના 19માંથી 12 એટલે કે 63 % જિલ્લા અછતગ્રસ્ત હતા. તેવી જ રીતે ભારતના 16 % અછતગ્રસ્ત વિસ્તારની સરખામણીમાં ગુજરાતના કુલ વિસ્તારના 43 % વિસ્તાર સતત અછતથી પીડાય છે. દેશની કુલ વસ્તીના 11 % લોકો અછતગ્રસ્ત વિસ્તારોમાં રહે છે, જ્યારે ગુજરાતની કુલ વસ્તીના 27 % લોકો તેવા વિસ્તારોમાં વસવાટ કરે છે.

1960માં અલગ ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારથી 2000 સુધીનાં 40 વર્ષમાં રાજ્યમાં 12 વાર દુષ્કાળ પડ્યા અને સમય જતાં દુષ્કાળોની તીવ્રતા પણ વધતી ગઈ; દા. ત., 1961માં દુષ્કાળની સીધી અસર 2,500 ગામડાંને સહન કરવી પડી હતી, જ્યારે 1987-88માં 15,000 ગામડાંમાં તેનાથી તારાજી સર્જાઈ હતી. નોંધપાત્ર હકીકત તો એ છે, કે રાજ્યની બધી જ બારમાસી નદીઓ ખેડાથી વલસાડ સુધીના દક્ષિણ ગુજરાતના પ્રદેશમાં કેન્દ્રિત થયેલી છે જ્યારે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશોની નદીઓમાં માત્ર ચોમાસામાં પાણી હોય છે. એ નદીઓ વર્ષમાં 8થી 9 માસ સુકાયેલી હોય છે. દક્ષિણ ગુજરાતમાં વાર્ષિક સરેરાશ વરસાદ 2,000 મિમી. અથવા તેનાથી વધુ થાય છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં તે 600થી 1,000 મિમી.ની વચ્ચે હોય છે. સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારોમાં તો તે 600 મિમી. કરતાં પણ ઓછો હોય છે. જે વર્ષે દુષ્કાળ પડે તે વર્ષે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારનાં લાખો ઢોરોને રાજ્યના અન્ય વિસ્તારોમાં સ્થળાંતર કરવું પડે છે. 1985-88ના ગાળામાં સતત ત્રણ વર્ષ સુધી દુકાળની પરિસ્થિતિ ઊભી થઈ હતી જેને લીધે ખેતપેદાશની બાબતમાં આશરે 5,000 કરોડ રૂપિયા જેટલું નુકસાન થયું હતું. ઉપરાંત, દુષ્કાળના સમય દરમિયાન અછતગ્રસ્ત વિસ્તારોમાં લોકોને પીવાનું પાણી પૂરું પાડવા, તેમને રોજી આપવા તથા 16 લાખ જેટલાં ઢોરઢાંખર માટે રાહત શિબિરો ઊભી કરવા રાજ્ય સરકારને 1,500 કરોડ રૂપિયા જેટલો ખર્ચ કરવો પડ્યો હતો. આ કારમી પરિસ્થિતિના સંદર્ભમાં વિચારીએ તો સરદાર સરોવર યોજનાનો મુખ્ય હેતુ નર્મદાના વિશાળ જળભંડારને રાજ્યની પ્રજાના બહુલક્ષી હિતાર્થે ઉપયોગમાં લેવાનો છે.

અમરકંટકના પહાડોમાંથી ઉદભવતી આ નદી મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વહે છે અને ખંભાતના અખાતમાં ઠલવાય છે. 1,312 કિમી. લંબાઈ ધરાવતી આ નદીનું સ્રાવક્ષેત્ર 48,796 ચોકિમી. જેટલું છે, જેમાંનો 88 % વિસ્તાર મધ્યપ્રદેશમાં, 2 % વિસ્તાર મહારાષ્ટ્રમાં અને 10 % વિસ્તાર ગુજરાતમાં છે. મધ્યપ્રદેશમાં તેના વહેણની લંબાઈ આશરે 1,119 કિમી., મહારાષ્ટ્રમાં આશરે 35 કિમી. તથા ગુજરાતમાં આશરે 158 કિમી. છે. 194748માં થયેલ અભ્યાસને આધારે તેના પાણીનો ઉપયોગ ત્રણેય રાજ્યોના અને તે દ્વારા ભારતના આર્થિક વિકાસ માટે કરવાનું વિચારાયું અને તે મુજબ 1961માં ભારતના તત્કાલીન વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુના વરદ હસ્તે આ યોજનાનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. મૂળ યોજના મુજબ તેના પૂર્ણ જળાશયની સપાટીએ 163 મીટર જેટલી ઊંચાઈનો બંધ બાંધવાનું વિચારાયું હતું; પરંતુ નદીના પાણીનો મહત્તમ ઉપયોગ કરવાના ઇરાદાથી બંધની ઊંચાઈ વધારવાની શક્યતા તપાસવા માટે થયેલી આંતરરાજ્ય મંત્રણાઓ દરમિયાન સર્જાયેલ વિવાદને કારણે ભારત સરકારે 1969માં આ પ્રશ્ન નર્મદા જળવિવાદ ટ્રિબ્યૂનલને સોંપ્યો. તેનો ચુકાદો ઑગસ્ટ, 1978માં જાહેર થયો અને 197980માં આ યોજનાના અમલનો પ્રારંભ થયો; તેમ છતાં પર્યાવરણ અને વનસંરક્ષણના દૃષ્ટિબિંદુથી આ યોજના ભારત સરકાર દ્વારા ફરી ઊંડાણથી તપાસવામાં આવી અને છેવટે 1987માં કેન્દ્ર સરકારે તેને મંજૂરી આપી અને ત્યારપછી જ યોજનાના અમલનું કાર્ય મોટા પાયા પર હાથ ધરવામાં આવ્યું.

નર્મદા જળવિવાદ ટ્રિબ્યૂનલના ચુકાદા મુજબ ભરૂચથી 120 કિમી. દૂર, નવાગામથી 5.6 કિમી. ઉપરવાસમાં બંધ બાંધવાનો નિર્ણય લેવાયો. તેના પાયાથી તેની વધુમાં વધુ ઊંચાઈ 163 મીટર, બંધની પૂર્ણ જળસપાટી 138.68 મીટર અને લંબાઈ 1,210 મીટર રહેશે. બંધને કારણે રચાનાર જળાશયની લંબાઈ 240 કિમી. અને પહોળાઈ 17.6 કિમી.જેટલી રહે એવું નક્કી થયું. અન્ય નિર્ણયોમાં આશરે 94,921.60 ઘન મીટર પાણીની સંગ્રહશક્તિ ધરાવતા આ જળાશયને ‘સરદાર સરોવર’ નામ આપવામાં આવેલું હોવાથી નર્મદા યોજના ગુજરાતમાં ‘સરદાર સરોવર યોજના’ના નામથી વધુ પ્રચલિત બની છે. સરદાર સરોવરના જમણા કાંઠેથી શરૂ થતી 78 મીટર પહોળી, 16 મીટર ઊંડી અને રાજસ્થાનની સરહદ સુધીની 460 કિમી. લંબાઈ ધરાવતી નહેર વિશ્વની સૌથી મોટી નહેર થવાની છે. આ મુખ્ય નહેર તેના વહનક્ષેત્રમાં સાબરમતી, મહી, હિરણ અને ઓરસંગ જેવી મોટી નદીઓ પરથી પસાર થશે. નર્મદાનું સમગ્ર નહેરતંત્ર 40,000 કિમી. લાંબું થશે, જેમાંથી 2,650 કિમી. લંબાઈ ધરાવતી 35 જેટલી પેટાનહેરો બાંધવામાં આવશે અને તેમાં મિયાંગામ, વડોદરા, સૌરાષ્ટ્ર અને કચ્છ શાખા મુખ્ય રહેશે. આખા વિશ્વના સૌથી મોટા નહેરતંત્ર પૈકીનું આ નહેરતંત્ર બનશે. યોજનાનાં વિદ્યુતમથકો 1,450 મેગાવૉટ વિદ્યુતશક્તિ પેદા કરી શકશે. નર્મદા યોજના હેઠળ આવરી લેનારા 34.28 લાખ હેક્ટર વિસ્તાર પૈકી 21.24 લાખ હેક્ટર વિસ્તાર ખેતીલાયક છે. 1986-87 વર્ષની ગણતરી મુજબ આ યોજના પર કુલ 6,406 કરોડ રૂપિયા જેટલો ખર્ચ અંદાજવામાં આવ્યો હતો. તેમાં ગુજરાત રાજ્યનો ફાળો 4,746 કરોડ  રૂપિયા ગણાયો હતો. 1988માં સ્થપાયેલ ગુજરાત નર્મદા નિગમની 1992ની ગણતરી મુજબ બંધ, નહેરો અને પુનર્વસવાટના કાર્ય સમેત આ યોજના પર ગુજરાતને 8,575 કરોડ રૂપિયા જેટલાં નાણાં ખર્ચવાં પડશે એવો ત્યારે અંદાજ હતો, જેમાંથી ઑગસ્ટ, 1992 સુધી આ યોજના પાછળ 2,053 કરોડ રૂપિયા જેટલો ખર્ચ થઈ ચૂક્યો હતો તથા મુખ્ય બાંધકામના સ્થળ પરનું 77 ટકા જેટલું ખોદકામ પણ પૂરું કરવામાં આવ્યું હતું. ગુજરાત નર્મદા નિગમની છેલ્લી ગણતરી મુજબ 1991-92ની ભાવસપાટી મુજબ આ યોજના પર કુલ 13,180 કરોડ રૂપિયાનો ખર્ચ થશે એવું અંદાજવામાં આવ્યું હતું. વખત જતાં યોજના પરના ખર્ચ અંગેના અંદાજો બદલવા પડ્યા. ભારતના આયોજન પંચે 1986-87ના ભાવોએ ગણેલા 6,404 કરોડ રૂપિયાના અંદાજને મંજૂરી આપી હતી; જેમાં ગુજરાતનો હિસ્સો 4,904 કરોડ રૂપિયાનો અને યોજના સાથે સંકળાયેલાં અન્ય ત્રણ રાજ્યોનો હિસ્સો 1,502 કરોડ રૂપિયા નક્કી થયેલો હતો. 1991-92ના ભાવે આ અંદાજ 13,180 કરોડ રૂપિયા જેટલો થાય છે.

ઈ. સ. 2014-15 કિંમતે કરવામાં આવેલ ફેરસુધારણા બાદ કુલ ખર્ચ રૂ. 54,773 કરોડ અંદાજવામાં આવ્યો હતો. જ્યારે નવેમ્બર 2017 સુધી રૂ. 45,436 કરોડનો ખર્ચ થઈ ચૂક્યો હતો.

યોજના અંગેનું કામકાજ પુરજોશથી આગળ ધપાવવાના હેતુથી રાજ્ય સરકારે 1988માં 2,000 કરોડ રૂપિયાની સત્તાવાર સ્થાપિત મૂડી ધરાવતા સરદાર સરોવર નર્મદા નિગમની સ્થાપના કરી છે અને તેને નાણાકીય સાધનો ઊભાં કરવાની સત્તા આપવામાં આવી છે. નિગમની સ્થાપનાના પ્રથમ વર્ષમાં જ તેની પાસે 553 કરોડ રૂપિયા જેટલી મૂડીકૃત અસ્કામતો ઊભી થઈ હતી.

સરદાર સરોવર યોજના એક વિવિધલક્ષી યોજના છે, જેમાં નર્મદા નદી પર કાક્રીટ ગ્રૅવિટી બંધનું બાંધકામ, 1,450 મેગાવૉટની કુલ સ્થાપિત ક્ષમતા ધરાવતાં બે વિદ્યુતમથકો અને શરૂઆતમાં 40,000 ક્યૂસેક પાણીની વહનક્ષમતા તથા ગુજરાતરાજસ્થાન સરહદના અંતિમ છેડે 2,500 ક્યૂસેક પાણીની વહનક્ષમતા ધરાવતી 460 કિમી. લાંબી મુખ્ય નહેર સાથે સિંચાઈની પાણીની વહેંચણી માટે કુલ 75,000 કિમી. લંબાઈવાળી નહેરોના નેટવર્કનો સમાવેશ થયો છે.

આ યોજના પૂરી થશે ત્યારે તે રાજ્યની મોટામાં મોટી અને ભારતની યોજનાઓમાંની એક મોટી નદી-ખીણ યોજના (river valley project) થશે. યોજના પૂરી થશે ત્યારે અગાઉના અંદાજ મુજબ ગુજરાત રાજ્યની વાર્ષિક આવકમાં 1,400 કરોડ રૂપિયા જેટલો વધારો થશે. રાજ્યના જિલ્લાઓમાંથી પાણીની અછતવાળા 12 જિલ્લાનાં 135 નગરો અને 8,215 ગામડાંની પીવાના પાણીની હાલની તંગી કાયમ માટે નિવારી શકાશે જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છના બધા જ જિલ્લાનાં ગામડાં તથા ઉત્તર ગુજરાતનાં સંપૂર્ણ અથવા અંશત: અછતવાળાં ગામડાં આવરી લેવાશે. આમ આ યોજના રોજનું 35,000 લાખ લિટર પીવાનું પાણી પૂરું પાડી શકશે તેવો અંદાજ છે. ઉપરાંત, રાજ્યના 14 જિલ્લાના 75 તાલુકાનાં 3,393 ગામડાંની 18 લાખ હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળશે. આમ આ યોજના 18 લાખ હેક્ટર જમીનને સિંચાઈનું પાણી પૂરું પાડશે; તેમાંથી 37,855 હેક્ટર જમીન કચ્છ જિલ્લાની તથા 3,86,000 હેક્ટર જમીન સૌરાષ્ટ્ર વિસ્તારની રહેશે. આ ધોરણે સરદાર સરોવર યોજના કચ્છ જિલ્લામાં હાલ છે તેના કરતાં સાતગણી અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં બમણી સિંચાઈશક્તિનું સર્જન કરશે. યોજનાને કારણે વિસ્તરતી સિંચાઈ તથા 1450 મેગાવૉટ જળવિદ્યુત-શક્તિના સર્જનને કારણે ખેત-ઉત્પાદનમાં 45 % એટલે કે વાર્ષિક 82 લાખ ટન જેટલો વધારો થવાની સંભાવના છે. તેનું મૂલ્ય રૂપિયા 400 કરોડ આંકવામાં આવ્યું છે. તેમાંથી 27 લાખ ટન જેટલો વાર્ષિક વધારો અનાજના ઉત્પાદનમાં થશે. આ યોજનાને કારણે તેના અમલ દરમિયાન સરેરાશ 2.75 લાખ લોકોને વાર્ષિક રોજગારી મળશે તથા યોજના પૂરી થયા પછી 3.97 લાખ લોકોને રોજગારી મળી શકશે. આ યોજનાથી કેટલાક ઉદ્યોગોની પાણીની માગ સંતોષાશે અને તેને લીધે રાજ્યના ઔદ્યોગિક ઉત્પાદનમાં વધારો થશે. સરદાર સરોવર પૂર્ણત: બંધાશે ત્યારે તે 37,000 હેક્ટર જેટલો વિસ્તાર આવરી લેશે અને ત્યારે તે મત્સ્ય-ઉદ્યોગના વિકાસ માટેનું મહત્વનું કેન્દ્ર બની રહેશે. આ જળાશયમાંથી વાર્ષિક 1,210 ટન માછલીનું ઉત્પાદન પ્રાપ્ત થશે તથા 400 જેટલાં કુટુંબોને તે રોજગારી પૂરી પાડી શકશે. સાથોસાથ રાજ્યમાં વિદ્યુતશક્તિમાં વધારો થતાં રાજ્યની વાર્ષિક આવકમાં આશરે 400 કરોડ રૂપિયાનો તથા પાણીપુરવઠાની આવકમાં અંદાજે 100 કરોડ રૂપિયાનો વધારો થવાની ગણતરી છે. આમ નર્મદા યોજના દ્વારા ગુજરાતને નંદનવન બનાવવાનું રાજ્યની પ્રજાનું સ્વપ્ન સાચા અર્થમાં સાકાર થશે.

પર્યાવરણની સુરક્ષા માટે જરૂરિયાત મુજબ નર્મદા નિગમે વનીકરણ, મત્સ્યોદ્યોગ-વિકાસ, તેમજ મલેરિયા જેવા રોગોના નિયંત્રણનો ઘનિષ્ઠ કાર્યક્રમ અમલમાં મૂકવાનો નિર્ણય કર્યો છે. પર્યાવરણ તથા પુનર્વસવાટને લગતા કાર્યક્રમોના અમલીકરણની પ્રક્રિયા દરમિયાન રાજ્યની સ્વૈચ્છિક સંસ્થાઓનો સાથ-સહકાર મેળવવામાં આવે છે, જોકે પુનર્વ્યવસ્થા અને પુનર્વસવાટ અંગેના કાર્યક્રમોનો અમલ કરવા માટે હવે સરદાર સરોવર પુનર્વસવાટ એજન્સી નામક અલાયદો ઘટક ઊભો કરવામાં આવ્યો છે.

નર્મદા યોજનાની પ્રગતિની સાથોસાથ તેની સાથે પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે સંકળાયેલી બાબતોનું પણ મૂલ્યાંકન થતું રહે તે માટે સંખ્યાબંધ અભ્યાસો હાથ ધરવામાં આવ્યા હતા; જેમાં જમીન, પાણી, જીવસૃષ્ટિ, વનસ્પતિ, આરોગ્ય, આર્થિક અને સામાજિક પાસાંઓ, વન્ય પ્રાણીઓ માટેનાં અભયારણ્યો અને તેમના વિકાસ જેવી બાબતોનો પણ સમાવેશ કરવામાં આવેલ છે. તે માટેની કાર્ય-યોજનાઓ પણ તૈયાર કરવામાં આવી છે અને આવી યોજનાઓ પર સાતત્યથી અમલ થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

1947-48ના અરસામાં નર્મદા નદીની ખીણની ગર્ભિત શક્તિનો તાગ મેળવવા માટે તેનો સર્વાંગી અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. એ ધોરણે યોજનાનો મૂળ ખરડો તૈયાર થયો હતો. 1961માં વડાપ્રધાન જવાહરલાલ નહેરુના હસ્તે નવાગામ ખાતે તેનો શિલાન્યાસ પણ કરવામાં આવ્યો હતો; પરંતુ સમય જતાં જુદાં જુદાં કારણોસર યોજનાનો વિરોધ કરનારા સક્રિય બન્યા હતા. ભારતના આયોજન પંચના એક સભ્ય તથા જાણીતા અર્થશાસ્ત્રી ડૉ. રાજા ચેલિયાએ જાહેર કર્યું કે આયોજન પંચે આ યોજનાને મંજૂરી આપવાનું હજુ બાકી છે અને તેમના જ પગલે કેન્દ્ર સરકારના જળસાધન-મંત્રીએ રાજ્યસભામાં જાહેર કર્યું કે નર્મદા યોજનાને કેન્દ્ર સરકારે માત્ર ‘સૈદ્ધાંતિક અનુમતિ’ આપી છે. દરમિયાન રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે યોજનાનો વિરોધ કરવા માટે ‘નર્મદા બચાવ આંદોલન’ જેવાં સંગઠનો સક્રિય બન્યાં. સરદાર સરોવર યોજનાને પડકારવા માટે તથા આ યોજના કાર્યાન્વિત થાય તો પર્યાવરણની બાબતમાં કઈ સમસ્યાઓ અને જોખમો ઊભાં થશે, તેના પ્રત્યે લોકોનું ધ્યાન આકર્ષિત કરવા માટે દેશવિદેશમાં જનઆંદોલનો ઊભાં કરવામાં આવ્યાં અને તેનું નેતૃત્વ ‘નર્મદા બચાવ આંદોલન’ (NBA) નામની સંસ્થાએ કર્યું છે. નવી દિલ્હી ખાતેના ‘કલ્પવૃક્ષ’ નામક પર્યાવરણ-સમૂહે નર્મદા યોજના સાથે સંકળાયેલાં કેટલાંક કહેવાતાં જોખમો પર પ્રકાશ પણ પાડ્યો હતો. તેમાંથી જ 1986માં ‘નર્મદા બચાવ અભિયાન’ની શરૂઆત થઈ હતી.

નર્મદા યોજનાના વિરોધીઓની મુખ્ય દલીલ એ છે કે આ યોજના પર્યાવરણની દૃષ્ટિએ મોટામાં મોટી આપત્તિ છે અને તેનું મૂલ્ય નાણાંમાં આંકવાને બદલે તેનાથી પ્રાણીજીવન, વનસ્પતિ-સંપદા તથા પરંપરાગત રીતે સદીઓથી વિશિષ્ટ જીવન જીવનારા માનવસમૂહો પર વિપરીત અસર થવાના દૃષ્ટિબિંદુથી આંકવું વધારે ઇષ્ટ ગણાશે.

યોજનાના વિરોધીઓએ યોજના માટે વિશ્વબૅંકની પ્રયોજિત સહાય ન મળે તે માટે તેની સમક્ષ રજૂઆતો પણ કરી, જેના સંદર્ભમાં વિશ્વબૅંકે 1991માં તેના ઇતિહાસમાં પહેલી જ વાર કોઈ દેશના કોઈ પ્રકલ્પના સંદર્ભમાં સ્વતંત્ર પુન: સમીક્ષા સમિતિની રચના કરી હતી. ‘મોર્સ સમિતિ’ નામથી જાણીતી બનેલી આ સમિતિમાં બ્રૅડફર્ડ મોર્સ અધ્યક્ષ હતા. યોજનાની પુનર્વસવાટ, પુન:સ્થાપન અને પર્યાવરણીય અસરો તપાસવા માટે તેમને કામ સોંપવામાં આવ્યું હતું તેના સંદર્ભમાં તેમણે જે માપદંડો સ્વીકાર્યા હતા તે, 1978નો નર્મદા ટ્રિબ્યૂનલનો ચુકાદો, ભારતના પર્યાવરણ મંત્રાલયની શરતો, વિશ્વબૅંક સાથે થયેલા કરારો તથા આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠન(ILO)ના ઠરાવ (convention) 107 પર આધારિત છે એવો ઉપર્યુક્ત સમિતિનો દાવો છે. સમિતિનો અહેવાલ 18 જૂન 1992ના રોજ બહાર પડ્યો હતો.

સમિતિનાં મુખ્ય તારણો આ પ્રમાણે હતાં : (1) સરદાર સરોવર પરિયોજનાની માનવીય અસરોનો પૂરતો અંદાજ વિશ્વબૅંક તથા ભારત સરકારે કરેલો નથી. (2) નવાગામ અને કેવડિયા પાસે નદી પર બંધાઈ રહેલા 138.7 મીટર ઊંચાઈના સ્તરવાળા જલાગારને કારણે ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં 37,000 હેક્ટર જમીન ડૂબમાં જશે તથા 3,00,000થી પણ વધારે લોકો વિસ્થાપિત થશે, જેમનાં પુનર્વસવાટ અને પુન:સ્થાપન શક્ય નથી. (3) પ્રયોજિત મુખ્ય નહેર તેને મથાળે 250 મીટર અને રાજસ્થાન સરહદે 100 મીટર પહોળી થવાની છે અને તે માટે ડૂબમાં જતી જમીન કરતાં બમણી જમીન  આશરે 80,000 હેક્ટર  ફાળવવી પડશે. (4) ડૂબમાં જતાં ગામોના એક લાખ લોકો ઉપરાંત યોજનાના જાહેર અને સિંચાઈ માળખાને કારણે લગભગ 1,40,000 ખેડૂતો અસરગ્રસ્ત થશે તથા બંધના હેઠવાસમાં રહેતા લોકોમાંથી મોટી સંખ્યાના લોકોના જીવન પર યોજનાની વિપરીત અસર થશે. 1985માં યોજનાના ખર્ચ માટે વિશ્વબૅંક સાથે તેની સહાય અંગે જે કરારો કરવામાં આવ્યા છે તે મુજબ ડૂબમાં જતાં ગામોના લોકોને જ ‘યોજનાથી અસરગ્રસ્ત’ (project affected persons) ગણીને પુનર્વાસ અને પુન:સ્થાપનના હકદારો ગણવામાં આવ્યા છે અને તેને લીધે દબાણની જમીનમાં રહેતા આદિવાસીઓનો તથા અસરગ્રસ્તોનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો ન હતો. (5) યોજનાની પર્યાવરણીય અસરો નિવારવા માટેના ઉપાયોને પરિયોજનાના માળખાની રૂપરેખામાં યોગ્ય મહત્વ આપવામાં આવેલું નથી.

મોર્સ સમિતિના અહેવાલ પછી વિશ્વબૅંક તરફથી નર્મદા યોજનાને આર્થિક સહાય ન મળવાની શક્યતા ઊભી થતાં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલે નર્મદા બૉન્ડની યોજના જાહેર કરી તેને પ્રજાનો ઉમળકાભેર પ્રતિભાવ સાંપડ્યો. ભારત સરકારે પણ તેને ટેકો જાહેર કર્યો હતો.

ગુજરાત સરકાર, યોજનાના સમર્થક નિષ્ણાતો તથા આ યોજનાને લાગણીભેર ટેકો આપનાર ગુજરાતની બહુસંખ્ય પ્રજાના મતે મોર્સ સમિતિનો અહેવાલ અને તેનાં તારણો ગુજરાતવિરોધી, એકતરફી અને પૂર્વગ્રહયુક્ત હતાં; એટલું જ નહિ, પરંતુ નર્મદા યોજનાના હાલના માળખામાં સુધારાવધારા સૂચવવાનું જે અગત્યનું કામ સમિતિને સોંપવામાં આવ્યું હતું તે કામ તેણે કરેલ નથી. ગુજરાત તથા આ યોજનાથી લાભાન્વિત થનાર ત્રણ રાજ્યોની એવી અપેક્ષા હતી કે સમિતિ કેટલાંક કલ્પનાશીલ (innovative) તથા વિચારપ્રેરક સૂચનો કરશે અને તેમ થાય તો તેના પર યોગ્ય વિચારણા કરવાની પણ આ રાજ્યોની તૈયારી હતી. ગુજરાત રાજ્યે તો પુનર્વસવાટ તથા પુન:સ્થાપન અંગે અગાઉ નિર્ધારિત કરેલાં ધોરણોમાં સુધારા કરી તે વધુ ઉદાર બનાવવાની પણ તત્પરતા બતાવી હતી. વિસ્થાપિતોના પુનર્વસવાટ અને પુન:સ્થાપન અંગે ગુજરાતે જે ધોરણો સ્વીકાર્યાં છે તે ખૂબ ઉદાર તો છે જ, પરંતુ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના જે વિસ્થાપિતો ગુજરાતમાં વસવાટ કરવાની તૈયારી બતાવશે તેમને પણ તે ઉદાર ધોરણોના લાભ આપવામાં આવશે એવી ગુજરાત સરકારે જાહેરાત કરી હતી. ગુજરાતે જે ધોરણો દર્શાવ્યાં તે નીચે પ્રમાણે છે : (1) ખેડાતી જમીન સામે ખેડાણલાયક જમીન અપાશે અને તે જમીન ઉપાર્જિત જમીન જેટલા આકારની હશે. સાથોસાથ કોઈ પણ વિસ્થાપિતને ઓછામાં ઓછી બે હેક્ટર જેટલી જમીન આપવામાં આવશે. (2) જમીનધારક વિસ્થાપિતના પુખ્ત વયના દરેક પુત્રને સ્વતંત્ર કુટુંબનો દરજજો આપવામાં આવશે અને તે ધોરણે તેને ખેડાણ માટે અલાયદી જમીન બક્ષવામાં આવશે. (3) જમીનના સંયુક્તધારક(joint holder)ને તથા તેના પુખ્ત વયના દરેક પુત્રને ખેડાણ માટે અલાયદી જમીન મેળવવાના હકદાર ગણવામાં આવશે. (4) ડૂબમાં જતા વિસ્તારના દરેક જમીનવિહોણા ખેતમજૂર તથા તેના પુખ્ત વયના દરેક પુત્ર ખેડાણ માટે વિના મૂલ્યે જમીન મેળવવા હકદાર ગણાશે. (5) ડૂબમાં જતા વિસ્તારોમાં સરકારી જમીનો/જંગલવિસ્તારોમાં દબાણ (encroachment) દ્વારા ખેતી કરનાર તથા તેના પુખ્ત વયના દરેક પુત્ર ખેડાણ માટે જમીન પ્રાપ્ત કરવાના હકદાર ગણાશે. (6) દરેક કુટુંબદીઠ પુનર્વસવાટ માટે 750 રૂપિયા અનુદાન આપવામાં આવશે તથા જાન્યુઆરી, 1980ને પાયાનું વર્ષ ગણીને અનુદાનની રકમમાં ક્રમશ: વાર્ષિક આઠ ટકાને ધોરણે વધારો કરી આપવામાં આવશે. સહાયક અનુદાન(grant-in-aid)ની રકમમાં પણ તે જ ધોરણે વધારો કરાશે. (7) સ્થળાંતર કરનારા દરેક વિસ્થાપિત કુટુંબને નવા સ્થળે વાસ્તવિક વસવાટ કરવાના દિવસથી એક વર્ષ સુધી દરેક માસના 25 દિવસદીઠ રોજના 15 રૂપિયા પ્રમાણે જીવનનિર્વાહ ભથ્થું ચૂકવવામાં આવશે. (8) જો કોઈ વિસ્થાપિત સરકારે આપેલ જમીનની અવેજીમાં ખાનગી જમીન ખરીદવા માગે તો તેને તે જમીનની વાજબી કિંમત નિર્ધારિત કરી આપવામાં સરકાર દ્વારા નિયુક્ત સમિતિ મદદ કરશે. આમ કરવાથી જો તેને વળતરની રકમ કરતાં વધુ કિંમત ચૂકવવી પડે તો વધારાની રકમ તેને મહેરબાનીની રાહે (ex-gratia) ચૂકતે કરાશે. વળતરની રકમનો વપરાશી ખર્ચ માટે ઉપયોગ ન થાય તે માટે તેની ચુકવણી રોકડમાં કરાશે નહિ; તેને બદલે તેટલી રકમ વિસ્થાપિતના નામે બકમાં તેના ખાતામાં જમા કરાશે. (10) ખેતી કરતા આદિવાસીઓ જુદા જુદા અન્ય વિકાસ-કાર્યક્રમોમાં જોડાઈ શકે તે માટે તથા તેઓ ઉત્પાદક અસ્કામતો ઊભી કરી શકે તે માટે તેમને 5,000 રૂપિયાની મહત્તમ મર્યાદામાં 100 % અનુદાન આપવામાં આવશે. (11) વિસ્થાપિતોને અકસ્માત કે મૃત્યુ સામે રક્ષણ (cover) આપવા માટે તેમનો 6,000 રૂપિયાનો વીમો ઉતરાવી આપવામાં આવશે. (12) દરેક વિસ્થાપિત કુટુંબને મકાન બનાવવા માટે 27  18 મી.નો પ્લૉટ વિના મૂલ્યે આપવામાં આવશે. (13) વિસ્થાપિતોને અગ્રતાને ધોરણે રોજગારીની તક પૂરી પાડવામાં આવશે. (14) વિસ્થાપિતોને ખેતી કરવા સારુ સહાય આપવામાં આવશે. (15) વિસ્થાપિતો માટે બિનસરકારી સ્વૈચ્છિક સંસ્થાઓ મારફત સામૂહિક સંડાસ બનાવી આપવામાં આવશે. (16) અસરગ્રસ્ત દરેક વ્યક્તિના કુટુંબને સંબંધિત સમયનાં ભથ્થાં, રોકડ સહાય અને ડૂબમાં ગયેલ વિસ્તારોમાં જે સવલતો ઉપલબ્ધ હતી તે બધી જ સવલતો પુનર્વસવાટ માટે નક્કી કરવામાં આવેલ વિસ્તારોમાં પણ ઉપલબ્ધ કરી આપવામાં આવશે; દા.ત., વીજળી, પાતાળ-કૂવાઓ, પીવાના પાણી માટેનાં મથકો, શાળાઓ, દવાખાનાં, સંદેશાવ્યવહારની સવલતો વગેરે. ઉપરાંત, રહેણાક માટે 500 ચોમી.નો પ્લૉટ તેમજ 45 ચોમી.નું પાકું બાંધેલ મકાન વિના મૂલ્યે આપવામાં આવશે.

જુલાઈ 1992 સુધી 5,050 વિસ્થાપિતોને દરેકને 2 હેક્ટર જેટલી જમીન ફાળવવામાં આવી છે જેમાંથી 3,813 વિસ્થાપિતો ગુજરાતના, 424 મહારાષ્ટ્રના તથા 821 મધ્યપ્રદેશના છે. આ રીતે કુલ વહેંચાયેલી જમીન આશરે 10,107 હેક્ટર થાય છે. ઉપરાંત 4,120 વિસ્થાપિતોને મકાન માટેના પ્લૉટ, 3,306 વિસ્થાપિત કુટુંબોને 1.6 કરોડ રૂપિયાના મૂલ્યની ઉત્પાદક અસ્કામતો તથા 4,519 કુટુંબોને 1.61 કરોડ રૂપિયા જેટલું નિર્વાહભથ્થું ચૂકવવામાં આવ્યું છે. તે જ સમય ગાળા સુધી 373 વિસ્થાપિતો અને તેમનાં બાળકોને ઉત્પાદક રોજગારી પૂરી પાડવામાં આવી છે. વિસ્થાપિતો માટે પુનર્વસવાટના નવા સ્થળે પ્રાથમિક શાળાઓ, કૂવા, હૅન્ડપમ્પ, રસ્તા, વીજળી જેવી નાગરિક સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવી છે.

આ અંગે ઑક્ટોબર, 1998 સુધીમાં જે પગલાં લેવામાં આવ્યાં છે, તેની વિગતો આ મુજબ છે : (1) ગુજરાતમાં 8,129 અસરગ્રસ્તોનું પુનર્વસન થઈ ચૂકેલ છે. (2) અસરગ્રસ્ત ખેડૂતોને 16,196 હેક્ટર જેટલી જમીન ફાળવવામાં આવી છે. (3) અસરગ્રસ્ત વ્યક્તિઓમાંથી 4,360 વ્યક્તિઓને પુનર્વસવાટ સહાય તરીકે રૂ. 65 કરોડ 10 લાખ જેટલી રકમ ચૂકવવામાં આવેલ છે. (4) અસરગ્રસ્ત કુટુંબોમાંથી 7,028 કુટુંબોને ઉત્પાદકીય અસ્કામતોની ખરીદી માટે રૂ. 360 કરોડ 50 લાખની રોકડ સહાય પૂરી પાડવામાં આવી છે. ઉપરાંત, આ કુટુંબોને તેમના માટે નક્કી કરવામાં આવેલ નવા સ્થળે સ્થળાંતર કરવા માટે વિના મૂલ્યે વાહનની સવલત પૂરી પાડવામાં આવી છે. (5) અસરગ્રસ્તોમાંથી તમામને જૂથ વીમા યોજના હેઠળ આવરી લેવામાં આવેલ છે અને તે અન્વયે દરેક અસરગ્રસ્તને અકસ્માતના કિસ્સામાં 3,000 રૂપિયા અને મૃત્યુના કિસ્સામાં 6,000 રૂપિયા જેટલી રકમ ચૂકવાશે એવું સ્વીકારવામાં આવ્યું છે. (6) અસરગ્રસ્તો પર આધારિત 417 વ્યક્તિઓને તથા 6 ગામોની અન્ય 44 વ્યક્તિઓને તેમની લાયકાતને ધોરણે નોકરીઓ આપવામાં આવી છે. (7) અસરગ્રસ્ત વ્યક્તિઓમાંથી 7,641 વ્યક્તિઓને નિર્વાહભથ્થા પેટે 323.40 લાખ રૂપિયા જેટલી રકમ ચૂકવવામાં આવી છે. (8) અસરગ્રસ્ત કુટુંબો માટે 5,145 જેટલાં પાકાં મકાનો બાંધવામાં આવ્યાં છે.

ગુજરાતની 15થી વધુ બિનસરકારી સ્વૈચ્છિક સંસ્થાઓ પુનર્વસવાટ તથા પુન:સ્થાપનના કાર્યમાં સક્રિય રીતે સંકળાયેલી છે અને તે કાર્યની પ્રગતિનું સતત અને ઝીણવટથી પરિવીક્ષણ (monitoring) કરી રહી છે. યોજનાને કારણે વિપરીત અસર પામે તેવા લોકોની મુશ્કેલીઓ અને ફરિયાદો ધ્યાનથી અને ધીરજથી સાંભળવામાં આવે છે અને તેમને સંતોષ થાય તે રીતે તેનું નિરાકરણ કરવામાં આવે છે. વિશ્વના વિકાસશીલ દેશોમાં અત્યાર સુધી અપનાવવામાં આવેલાં ધોરણો કરતાં ગુજરાત રાજ્યે અપનાવેલાં ધોરણો સૌથી વધુ ઉદાર છે એવો અભિપ્રાય તો વિશ્વબૅંકે પણ વ્યક્ત કર્યો છે. આનાથી પણ ઉદાર શરતો સ્વીકારવાની ગુજરાત સરકારે તૈયારી બતાવી છે.

સરદાર સરોવર યોજના પર્યાવરણીય સંતુલનની દૃષ્ટિએ ભારે આપત્તિજનક નીવડશે એવો આક્ષેપ મોર્સ સમિતિએ કર્યો હતો તથા યોજનાના પર્યાવરણીય અભ્યાસ હાથ ધરવામાં આવ્યા જ નથી એવું પણ સમિતિએ તેના અહેવાલમાં નોંધ્યું છે. હકીકતમાં પર્યાવરણીય અસરો અંગે 1992 સુધી 48 જેટલા અભ્યાસ હાથ ધરવામાં આવ્યા હતા જેમાંથી 22 અભ્યાસ યોજનાને 1988માં કેન્દ્ર સરકારની મંજૂરી મળી તે પહેલાં જ પૂરા થયા હતા, 11 અભ્યાસ મંજૂરી મળ્યા પછી પૂરા કરાયા હતા, 8 અભ્યાસ સતત ચાલુ હતા અને વધારાના 7 અભ્યાસો હાથ ધરવાનું તે વખતે જ વિચારાયું હતું. યોજનાના અમલની સાથોસાથ પર્યાવરણને લગતા સર્વાંગી અને સર્વગ્રાહી અભ્યાસ પણ નિયમિત રીતે કરવામાં આવે છે; એટલું જ નહિ, પરંતુ તેમાંથી ફલિત થતાં કે સૂચવાતાં પગલાં પણ હાથ ધરવામાં આવ્યાં.

ગુજરાત રાજ્યની નીતિ એવી રહી છે કે યોજનાને કારણે પર્યાવરણના સંતુલનને જેટલું નુકસાન થવાની સંભાવના છે તેના કરતાં તેની સુરક્ષિતતા માટે, તેનાથી થતા નુકસાનને ખાળવા માટે અને ક્ષતિપૂર્તિ કરવા માટે અનેકગણું વધારે ખર્ચ કરવામાં આવશે; દા. ત., ડૂબમાં જતા 4,523 હેક્ટર જંગલવિસ્તારની જમીન અને તેને લીધે નાશ પામનાર 9,81,000 વૃક્ષોની સામે દુષ્કાળગ્રસ્ત કચ્છ પ્રદેશમાં 4,560 હેક્ટર જમીનમાં નવાં જંગલો ઊભાં કરવામાં આવશે. ઉપરાંત, 9,300 હેક્ટર જમીન પર નાશ પામેલાં જંગલોમાં વૃક્ષારોપણની વિવિધ યોજનાઓ હેઠળ નવેસરથી વૃક્ષો વાવવામાં આવશે. 27,204 હેક્ટર સ્રાવક્ષેત્રના અને 3,025 હેક્ટર જંગલ વિનાના સ્રાવક્ષેત્રનો વિસ્તાર, 235 હેક્ટર બંધને લગોલગ જંગલવિસ્તાર અને 225 હેક્ટર જેટલો બંધનો વિસ્તાર વગેરે ગણતાં કુલ 45,089 હેક્ટર જેટલા વિસ્તારમાં વૃક્ષારોપણની ઝુંબેશ ઉપાડવામાં આવશે. આ પ્રયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમ હેઠળ માર્ચ, 1992 સુધી 16,350 હેક્ટર વિસ્તારમાં 2,16,12,000 જેટલાં વૃક્ષો રોપવામાં આવ્યાં છે. સમગ્ર રાજ્યમાં વૃક્ષારોપણ દ્વારા જેટલાં વૃક્ષો રોપવામાં આવશે તેની સંખ્યા સંભવિત ક્ષતિ કરતાં સોગણી વધારે હશે.

આ યોજનાને કારણે જેટલી જમીનને સિંચાઈનો લાભ મળશે તેની સરખામણીમાં યોજનાથી ડૂબમાં જનાર જમીન માત્ર 1.65 % જેટલી છે.

ગુજરાત રાજ્યના 76 જેટલા અછતગ્રસ્ત તાલુકામાંથી 30 તાલુકા તથા 11 રણપ્રદેશના તાલુકામાંથી 8 તાલુકા આ યોજનાથી લાભાન્વિત થશે. તેવી જ રીતે યોજનાના કુલ લાભાર્થીઓમાં 52 % નાના અને સીમાન્ત ખેડૂતો, અનુસૂચિત જાતિઓના 9.1 % લાભાર્થીઓ તથા અનુસૂચિત જનજાતિઓના 8.7 % લાભાર્થીઓ છે એ રીતે યોજનાનું આયોજન થયું છે. અનુસૂચિત જનજાતિની દરેક વિસ્થાપિત વ્યક્તિ સામે 7 વ્યક્તિઓ આ યોજનાથી લાભ પામવાની છે.

વિસ્થાપિતોને જે સુવિધાઓ બક્ષવામાં આવશે તેનાં ધોરણો નર્મદા જળવિવાદ ટ્રિબ્યૂનલે નિર્ધારિત કરેલા માપદંડો કરતાં પણ વધુ ઊંચી ગુણવત્તાનાં છે, કારણ કે ભારત સરકાર અને ગુજરાત સરકારે ટ્રિબ્યૂનલનાં ધોરણોમાં નોંધપાત્ર પ્રમાણમાં સુધારા કર્યા છે અને તેને પરિણામે વિસ્થાપિતોને તેમના મૂળ જીવનધોરણ કરતાં ઘણું ઊંચું જીવનધોરણ પ્રાપ્ત થશે એવું આ યોજનાનું આયોજન છે. આને કારણે મોર્સ સમિતિનો માનવ-અધિકારોના ભંગનો આક્ષેપ વજૂદ વગરનો તથા અપ્રસ્તુત થઈ જાય છે.

સરદાર સરોવર યોજના પૂરી થતાં અનાજના ઉત્પાદનની બાબતમાં જે સિદ્ધિ મેળવવામાં આવશે તેને લીધે રાજ્યની હાલની 15 લાખ ટન અનાજની વાર્ષિક અછત તો નિવારી શકાશે જ, ઉપરાંત રાજ્યમાં તેની વાર્ષિક અનાજની જરૂરિયાત કરતાં 10 લાખ ટન વધારે અનાજની પેદાશ થશે અને તે દ્વારા દેશનાં અન્ય રાજ્યોની અછત નિવારવામાં ગુજરાત રાજ્ય મહત્વનો ફાળો આપી શકશે. સરદાર સરોવર યોજનાને કારણે વિદ્યુતશક્તિના ઉત્પાદનમાં વધારો થશે તથા આ યોજના ગુજરાતની ઉકાઈ યોજનાની જેમ પૂરનિયંત્રણમાં પણ મહત્વની ભૂમિકા ભજવશે.

સરદાર સરોવર યોજના ગુજરાતના જ નહિ, પરંતુ સમગ્ર દેશના ઝડપી વિકાસ માટે અનિવાર્ય છે એવી દૃઢ માન્યતા ગુજરાતના તમામ રાજકીય પક્ષો સહિત સમસ્ત પ્રજાએ અનેકવાર યોજનાના વિરોધી આંદોલનોનો પ્રતિકાર કરીને વ્યક્ત કરેલ છે. ઑક્ટોબર, 2000માં ભારતની સર્વોચ્ચ અદાલતે બંધની નિર્ધારિત ઊંચાઈ સુધી બાંધકામ માટેની કાર્યવિધિ નક્કી કરીને પરવાનગી આપી હતી. આ શકવર્તી ચુકાદાને અનુલક્ષીને 31 ઑક્ટોબર, 2000ના રોજ બંધની ઊંચાઈ 90 મીટર સુધી વધારવા માટેનું કામકાજ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું હતું.

એપ્રિલ 2006માં પ્રકાશિત માહિતી મુજબ નીચેની વિગતો નોંધપાત્ર છે :

(1) નહેરના મુખ(canal head)ના સ્થળે હવે સરદાર સરોવર પ્રકલ્પ 250 મેગાવૉટના 30 ટકા (જે 1000 મેગાવૉટના 70 ટકા થાય છે) વીજળીનું ઉત્પાદન કરે છે.

(2) આ અગાઉ બંધની ઊંચાઈ 110.64 મીટર સુધી લઈ જવાની પરવાનગી હતી તેની જગ્યાએ વર્ષ 2006માં તે ઊંચાઈ 121.90 મીટર જેટલી લઈ જવાની પરવાનગી મળી છે અને તે મુજબ બંધના સ્થળે યુદ્ધના ધોરણે કામકાજ શરૂ થઈ જવાથી 34 માસમાં તેટલી ઊંચાઈ હાંસલ કરવામાં આવશે એવું અંદાજવામાં આવ્યું છે.

(3) આ પ્રકલ્પ ગુજરાત રાજ્યમાં 18 લાખ હેક્ટર જમીનને તથા રાજસ્થાનમાં 75,000 હેક્ટર જમીનને સિંચાઈનું પાણી પૂરું પાડશે. ઉપરાંત, ગુજરાત રાજ્ય માટે તે 1,450 મેગાવૉટ વિદ્યુતશક્તિનું સર્જન કરશે તથા 2 કરોડ 35 લાખ લોકોને પીવાનું પાણી પૂરું પાડશે. હાલ(2006)માં 4.5 લાખ હેક્ટર જમીનમાં સિંચાઈનું પાણી મળે છે જે લક્ષ્યાંક કરતાં માત્ર 25 ટકા જેટલું જ છે. 2006 વર્ષની વરસાદની મોસમમાં વધારાના 3 લાખ હેક્ટર જમીન તેમાં આવરી લેવામાં આવશે તથા સૌરાષ્ટ્રની છ નહેરોમાં નર્મદાનું પાણી પહોંચી જશે. ગુજરાત રાજ્યમાં પ્રતિ માસ વધારાના 50,000 હેક્ટરનો ઉમેરો કરી શકાશે એવો અંદાજ છે.

(4) અત્યાર સુધી મધ્યપ્રદેશમાં 18,093 અસરગ્રસ્ત કુટુંબો, ગુજરાતમાં 1,148 કુટુંબો તથા મહારાષ્ટ્રમાં 789 કુટુંબોનો પુન:વસવાટ (resettlement) કરવામાં આવ્યો છે અને તેમને ચૂકવાયેલ વળતરની રકમ રૂ. 1,600 કરોડ જેટલી થાય છે.

(5) છેલ્લાં 100 વર્ષના અનુભવને આધારે સંભવિત પૂરની ખરાબમાં ખરાબ પરિસ્થિતિને પહોંચી વળવા માટે ત્વરિત અમલ કરી કાય એવી યોજનાઓ (contingency plans)ના ખરડા તૈયાર કરવામાં આવ્યા છે.

(6) સમગ્ર પ્રકલ્પના અમલ દરમિયાન 36,000 કિમી.ની નહેરો બિછાવવામાં આવશે એવા મૂળ અંદાજ સામે એપ્રિલ, 2006 સુધી 25,000 કિમી. લંબાઈની નહેરો પૂરી કરવામાં આવી છે.

આ યોજનાને ગુજરાતની પ્રજાએ ગુજરાતની જીવાદોરી તરીકે અપનાવી છે. તેના આયોજન અને વિકાસમાં ગુજરાતના જે ત્રણ સપૂતોએ પ્રશસ્ય પુરુષાર્થ ખેડ્યો હતો તે ભાઈલાલભાઈ પટેલ (ભાઈકાકા), બાબુભાઈ જશભાઈ પટેલ (નર્મદાવિકાસ મંત્રી) અને ચીમનભાઈ પટેલ(મુખ્યમંત્રી, ગુજરાત રાજ્ય)નાં નામ નર્મદા યોજના સાથે કાયમ માટે સંકળાયેલાં રહેશે.

નર્મદા યોજનાની તવારીખ

(1) 1863માં નર્મદા નદી પર બંધ બાંધી તેના પાણીનો ઉપયોગ ગુજરાત પ્રદેશની ખેતી માટે કરવાનો પ્રસ્તાવ રજૂ થયો. તે માટેની વિધિસરની પ્રથમ યોજના 1947માં તૈયાર કરવામાં આવી.

(2) 1955માં બાર્ગી, તાવા અને પુનાસા પરના પ્રકલ્પોનું સર્વેક્ષણ પૂરું થયું.

(3) 1959માં સરદાર સરોવરના સ્થાન પર બંધ બાંધવાની યોજના તૈયાર કરવામાં આવી.

(4) 1961માં તત્કાલીન પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુના હસ્તે શિલારોપણ અને બંધના કામની શરૂઆત કરવામાં આવી.

(5) 1965માં ‘ખોસલા સમિતિ’એ હાઇડ્રૉલૉજિકલ અભ્યાસ પૂરો કર્યો અને સમગ્ર નર્મદા ખીણના વિકાસ માટે નમૂનારૂપ અને અનુપમ યોજના (master plan) તૈયાર કરી.

(6) ઉપર્યુક્ત યોજના અંગે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યની સરકારોએ વાંધા ઊભા કર્યા તેના ઉકેલ માટે 1969માં ‘નર્મદા જળવિવાદ પંચ’ (Narmada Water Disputes Tribunal)ની રચના કરવામાં આવી (1969-79).

(7) 1979માં સરદાર સરોવર યોજના ‘આંતરરાજ્ય પ્રકલ્પ’ (multi-state project) જાહેર કરવામાં આવી અને તેના અમલ માટે મુખ્ય ઘટક તરીકે ગુજરાત રાજ્યની પસંદગી કરવામાં આવી તથા વિસ્થાપિતો અને અસરગ્રસ્તોને વળતર ચૂકવવા માટે જમીન સંપાદન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.

(8) 1987માં કેન્દ્ર સરકાર પાસેથી પર્યાવરણીય બાબતો અંગે લીલી ઝંડી મળતાં યોજનાના અમલીકરણની શરૂઆત કરવામાં આવી.

(9) વિશ્વબૅંકે પ્રકલ્પ માટે 4550 કરોડ ડૉલરનું ધિરાણ આપવાનું અગાઉ સ્વીકારેલું જેમાંથી 1993માં 1 કરોડ 70 લાખ ડૉલરની ચુકવણી બાકી હતી તે રદ કરવા કેન્દ્ર સરકારે વિશ્વબૅંકને વિનંતી કરી. વિશ્વબૅંકે યોજનાનાં કેટલાંક પાસાંઓેની ટીકા કરી.

(10) વર્ષ 2000માં ભારતની સર્વોચ્ચ અદાલતે બંધની ઊંચાઈ 138 મીટર રાખવાના પ્રસ્તાવ પર મોહોર મારી. સાથોસાથ પર્યાવરણ અસરગ્રસ્તોનું પુન:સ્થાપન વગેરે બાબતોનું નિરાકરણ કરવા માટે સમિતિઓની રચના કરી.

(11) વર્ષ 2006માં સર્વોચ્ચ અદાલતે એક શકવર્તી ચુકાદા દ્વારા નર્મદા કમાન્ડ એરિયા (NCA)ને બંધની ઊંચાઈ 121.92 મીટર સુધી લઈ જવા માટે મંજૂરી આપી અને તે દ્વારા ‘નર્મદા બચાવો આંદોલન’- (NBA)ની તે અંગેની વાંધા અરજી કાઢી નાંખી.

(12) વર્ષ 2010 સુધી સરદાર સરોવર યોજના પૂર્ણ કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. ગુજરાત સરકારની ત્યાર પછીની ગણતરી મુજબ આ યોજના વર્ષ 2014માં પૂરી થશે એવી જાહેરાત કરવામાં આવી હતી. આ યોજનાની કાર્યવાહી પર ગુજરાત સરકાર દર વર્ષે રૂ. 2500 કરોડથી વધારે રકમ ફાળવવા સમર્થ નથી. તેથી તે ખરેખર ક્યારે પૂરી થશે એનો ચોક્કસ અંદાજ કરી શકાય તેમ નથી.

(13) ઑક્ટોબર, 2000થી જૂન, 2017 સુધી બંધની ઊંચાઈને મળેલી મંજૂરીની વિગતો નીચે જણાવ્યા મુજબ છે :

(અ)   વર્ષ 2002માં : 85થી 90 મીટર

(આ)   મે મહિનો, 2002 : 90થી 95 મીટર

(ઇ)    મે, 2003ના રોજ : 95થી 100 મીટર

(ઈ)    16-3-2004 : 100થી 110.64 મીટર

(ઉ)    8-3-2006 : 110થી 121.92 મીટર

(ઊ)   16-6-2017 : 121થી 138.68 મીટર

આ ઊંચાઈ હાંસલ થતા પાણીના સંગ્રહની શક્તિ 47,50,000 એકર ફીટ થઈ છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે

ગુજરાતના અર્થતંત્રના વિવિધ ક્ષેત્રો

વહાણવટું અને દરિયાઈ વેપાર

પ્રાચીન કાળથી ગુજરાતી પ્રજા વેપારી પ્રજા તરીકે જાણીતી છે. હડપ્પા સંસ્કૃતિના લોકોનું ગુજરાતમાં દરિયામાર્ગે ઈ.પૂ. આશરે 3000 વર્ષ પહેલાં આગમન થયું હતું. તે લોકો કચ્છ અને સૌરાષ્ટ્રમાં તથા દક્ષિણ ગુજરાતમાં ભરૂચ અને સૂરત નજીક વસ્યા હતા.

લોથલ એ સુકભાદર નદી ઉપરનું સૌથી વધુ સમૃદ્ધ બંદર હતું. લોથલનો ધક્કો અનુકાલીન ફિનિશિયન અને રોમન ધક્કાથી વધારે વિકસેલો હતો. આ ધક્કો 209.3 મી. લંબાઈ, 34.7 મી. પહોળાઈ અને 4.5 મી. ઊંડાઈ ધરાવતો હતો. લોથલના વેપારના પ્રમાણનો ખ્યાલ વખારના કદ અને ધક્કાની વિશાળતા ઉપરથી આવી શકે છે. સમુદ્રના વેપારના પુરાવા તરીકે ઈરાની અખાતમાં આવેલ બહેરીનની સેલખડીની ગોળ મુદ્રા છે. રાસ-અલ-કાલા અને ફાઇલકાલામાંથી મળી આવેલી મુદ્રાઓ ગુજરાતનો બહેરીન સાથેનો દરિયાઈ સંપર્ક અને વેપાર સૂચવે છે. સાર્ગોનના શાસન દરમિયાન ઈ. પૂ. 2250 આસપાસ લોથલનો સુમેર સાથે ઘનિષ્ઠ વેપારી સંબંધ હતો. આ વેપાર રોકડ નાણાંને બદલે વસ્તુ-વિનિમયપદ્ધતિથી ચાલતો હતો. પિરામિડમાંથી મળતું સિંધુ મલમલ ગુજરાતમાંથી ઈ. પૂ. 3000 દરમિયાન ગયું હતું. હડપ્પાના વેપારીઓ ઈરાની અખાતના મુખપ્રદેશ નજીક આવેલાં બંદર અબ્બાસ અને બંદર બુશાયર નજીક વહાણો હંકારતા અને ત્યાંથી સુસા સાથે વેપાર કરતા હતા.

બાવેરુ, ભૃગુકચ્છ, સુપ્પારક અને સુસ્સોંદી જાતકો(ઈ. પૂ. 500થી ઈ. સ. 700)થી જાવા, સુમાત્રા, (યવદ્વીપ, સુવર્ણદ્વીપ), મલાયા અને બર્મા (સુવર્ણભૂમિ, હાલનું મ્યાનમાર), બૅબિલોન સાથેના ગુજરાતના વેપાર અને દરિયાઈ સંબંધોની વિગત મળે છે. ભરૂચથી વહાણો બર્મા અને શ્રીલંકા જતાં હતાં. સુસ્સોંદી જાતક પ્રમાણે બર્મા (હાલનું મ્યાનમાર) અને ભરૂચ વચ્ચે નિયમિત વેપાર ચાલતો હતો.

શકુનિકા વિહારની જૈન કથામાં ભરૂચનો વેપારી વેપાર માટેની વસ્તુઓ લઈને શ્રીલંકા ગયો હતો એવી વિગત છે. કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે સૌરાષ્ટ્રમાંથી રૂ, સુતરાઉ કાપડ અને હાથીદાંતની નિકાસ થતી હતી. આ નિકાસ દરિયામાર્ગે થતી હતી.

ક્ષત્રપકાળ દરમિયાન ભરૂચ, સોપારા, સોમનાથ વગેરે મોટાં બંદરો હતાં. ‘પેરિપ્લસ ઑવ્ ધી ઇરિથ્રિયન સી’ના અનામી લેખકે ભરૂચમાં રોમન સિક્કાઓનું ચલણ હતું એમ જણાવ્યું છે. ભરૂચનો શ્રમણાચાર્ય ઑગસ્ટસ સીઝરને મળ્યો હતો. ‘પેરિપ્લસ’ના લેખકે ગુજરાતનાં બંદરોનાં રોમન નામો આપ્યાં છે.

ગુજરાતમાં 32 જેટલાં સ્થળોમાંથી રોમનાં લાલ ચકચકિત વાસણો, મુદ્રા, દારૂની બરણી વગેરે મળ્યાં છે. ભરૂચની આયાત-નિકાસની વિગત ‘પેરિપ્લસ ઑવ્ ધી ઇરિથ્રિયન સી’માં જણાવી છે.

ઍલેક્ઝાન્ડ્રિયા દ્વારા ભરૂચનો ઇજિપ્ત અને ઇટાલીનાં બંદરો સાથે બહોળો વેપાર હતો. ઈરાની અખાતનાં બંદરો દ્વારા ઇજિપ્ત અને અરબસ્તાનમાં આફ્રિકાથી સોનું તથા શ્રીલંકા અને મલબારથી તેજાના ભરૂચ આવતા હતા. ઇથિયોપિયા અને ઝાંઝીબાર સાથે ભરૂચનો વેપાર ચાલતો હતો.

રોમન સામ્રાજ્યમાં બારીક કાપડ, આભૂષણો, સુવાસિત લેપ, મોજશોખની વસ્તુઓની નિકાસ થતી હતી. તેના બદલામાં સોનું આયાત થતું હતું. રોમન ઇતિહાસકાર પ્લિનીએ રોમનું અઢળક સોનું ઢસડાઈ જાય છે તે અંગે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

‘વસુદેવ હિંડી’ કથામાં વેપારીઓના વિવિધ પ્રકારના માલ સાથેની સમુદ્રયાત્રાની વિગત છે. ક્ષત્રપકાળ પૂર્વે ગુજરાતના વહાણવટીઓ કંબોડિયા, જાવા, સુમાત્રા, મલયુ, બ્રહ્મદેશ, શ્રીલંકા, આફ્રિકા અને યુરોપના દેશોની ખેપ કરતા હશે તેમ જણાય છે. ગુપ્તકાળ દરમિયાન હૂણોની ચડાઈથી ત્રાસેલા ઉત્તર ભારતના લોકો ગુજરાતમાં આવ્યા હતા અને ગુજરાતનાં બંદરો દ્વારા પરદેશ ગયા હતા અને પશ્ચિમ એશિયા તથા જાવા-સુમાત્રા પહોંચ્યા હતા.

ગુજરાતમાં કહેવત છે કે ‘જે જાય જાવે તે ફરી ન આવે અને આવે તો પરિયાનાં પરિયાંને ચાલે તેટલું લાવે.’

મૈત્રકો(470–788 ઈ.સ.)ની રાજધાની વલભી ઘેલો અને કાળુભારના સંગમ ઉપર આવેલું બંદર હતું. ‘દશકુમારચરિત’, ‘કથાસરિત્સાગર’ અને બૌદ્ધ ગ્રંથ ‘મંજુશ્રી મૂલ કલ્પ’માં અને જૈન સાહિત્યમાં મહુવા અને વલભીના પરદેશ સાથેના વેપાર અને વહાણવટાના ઉલ્લેખો છે. હ્યુએન સાંગે જણાવ્યું છે કે ગુજરાતના લોકોની આજીવિકાનું સાધન સમુદ્ર હતો. વલભીમાં અનેક કરોડાધિપતિઓ હતા. પશ્ચિમ સૌરાષ્ટ્રના સૈન્ધવો ‘પશ્ચિમ સમુદ્રના સ્વામી’ હતા. સાતમી-આઠમી સદીમાં ચાવડા, જત, મેર, ચુડાસમા અને આહીરો જાણીતા વહાણવટીઓ હતા. કચ્છના જાટ કે જતો ઈરાન સુધીનાં વહાણોમાં માલમ તરીકે કામ કરતા હતા.

સોલંકીકાળ દરમિયાન ગુજરાત સમૃદ્ધિની ટોચે હતું. ઇબ્ન હૌકલે (ઈ. સ. 968–996) ખંભાતની કેરી, નારિયેળ, લીંબુ, ચોખા અને મધની પેદાશની નોંધ લીધી છે. ભરૂચમાં ચીન અને સિંધથી વહાણો આવતાં હતાં. ખંભાત અને ભરૂચના વેપારીઓનાં મકાનો ભવ્ય હતાં. ભરૂચના લોકો વેપાર અર્થે લાંબા પ્રવાસ ખેડતા હતા. સુમાત્રા-ચીન અને ભરૂચ વચ્ચેનો વેપાર મુસલમાન વેપારીઓના હાથમાં હતો. ચૌલુક્ય રાજાઓ મુસલમાન વેપારીઓ અને વહાણવટીઓ તરફ ઉદાર અને સહિષ્ણુ વલણ રાખતા હતા. રાજાના વણિક મંત્રીઓ પણ વેપાર કરતા હતા. વેપાર અને શરાફીના ધંધામાં વણિકો કરોડરજ્જુ સમાન હતા. કોપોલોએ લાટના વેપારીઓની નીતિમત્તાનાં વખાણ કર્યાં છે. ચૌલુક્ય શાસન દરમિયાન ખંભાત સમૃદ્ધિની ટોચે હતું. ઉદયન અને વસ્તુપાલ આ બંદરના રક્ષણ માટે હંમેશાં સજ્જ હતા. વસ્તુપાલે શંખ, ચૌહાણ અને સાદિક નામના મોટા વેપારીને હરાવીને ખંભાતનો અખાત ચાંચિયાથી મુક્ત કર્યો હતો. ઈ. સ. 1304 પછી અલ્લાઉદ્દીન ખલજીએ ખંભાતમાં ‘બટરબક’ નામનો ખાસ અધિકારી નીમ્યો હતો. મહમદ તઘલખના સમયમાં ઇબ્ન બતૂતાએ (1342–47) ગુજરાતનાં ખંભાત, કાવી, ગંધાર, પીરમ અને ઘોઘા બંદરની મુલાકાત લીધી હતી. ખંભાત શહેરની મસ્જિદોની અને પરદેશીઓનાં ભવ્ય મકાનોની તેણે પ્રશંસા કરી હતી. આ કાળે યેમેન, ઓમાન અને ઈરાનથી ઘોડાની આયાત થતી હતી. ખંભાત અને ગંધારના વેપારીઓનો મલબાર, કોંકણ, ચીન, યેમેન, ઈરાન, મસ્કત, હોરમઝ, કાલિકટ સાથે બહોળો વેપાર હતો.

સુલતાનોના સમયમાં ગુજરાતમાં 84 બંદરો હતાં. દીવ, ખંભાત, સોમનાથ, ભરૂચ, રાંદેર, વસઈ, ઘોઘા, માંગરોળ વગેરે મોટાં બંદરો હતાં. દીવ ગુજરાતના સુલતાનોનું નૌકામથક હતું. ગુજરાત ‘પૂર્વસમુદ્રની રાણી’નું બિરુદ ધરાવતું હતું; પરંતુ દરિયા ઉપર પૉર્ટુગીઝોની સર્વોપરીતા સ્થપાતાં ગુજરાતના વહાણવટીઓની કનડગત થવા લાગી હતી અને તેમને પરવાનો લેવા તથા દમણ અને ગોવા મારફત જ વેપાર કરવા ફરજ પડાઈ હતી. પાછળથી અંગ્રેજો અને ડચોનું સમુદ્ર ઉપર પ્રભુત્વ હોવાથી તેમનાં વહાણોમાં ભારતીય માલની આયાત-નિકાસ થતી હતી.

ગુજરાત સર્વસંગ્રહમાં જણાવ્યા પ્રમાણે દુનિયાના તમામ વેપારીઓ સૂરત આવતા હતા. સૂરતના મોટા વેપારીઓમાં વીરજી વોરા, મુલ્લા મહમદ અલી, અહમદ ચલેબી વગેરેની ગણના થતી હતી. સૂરતના ખજાનામાંથી દિલ્હીના બાદશાહ વારંવાર ઉપાડ કરતા હતા. શાંતિદાસ ઝવેરીએ મુઘલ બાદશાહને ધીરેલ નાણાંના બદલામાં બંદરોની ઊપજ લખી આપી હતી. સૂરતથી હિંદના બધા ભાગોમાં ધોરી રસ્તા ફંટાતા હતા.

સૂરતમાં હિંદુ, મુસલમાન, પારસી, આરબ, તુર્ક, ઈરાની, યહૂદી, ડચ, અંગ્રેજ, ફિરંગી અને આર્મેનિયન વેપારીઓ વસતા હતા. પારસી તથા વણિકો યુરોપીય વેપારીઓના દલાલ તરીકે કામ કરતા હતા.

ઔરંગઝેબના મૃત્યુ પછી અંગ્રેજોનું જોર વધ્યું. 1721માં ઇંગ્લૅન્ડના વણકરોએ ભારતના કાપડની આયાતનો વિરોધ કર્યો. યુરોપના અન્ય દેશોએ પણ ભારતમાંથી કાપડની આયાત બંધ કરી. તેથી ગુજરાતના કાપડ ઉદ્યોગને ફટકો પડ્યો.

ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ તેમની કોઠી સૂરતથી મુંબઈ ખસેડતાં સૂરત અને ખંભાતનો વેપાર મુંબઈ ઘસડાઈ ગયો. ખંભાત અને સૂરતનું બારું કાંપથી પુરાઈ જતાં 1853 પછી રેલવેના ભોરઘાટ અને થાળઘાટ દ્વારા મુંબઈને તેના પીઠપ્રદેશ સાથે જોડાણ મળતાં મુંબઈનો વિકાસ થયો.

શિવપ્રસાદ રાજગોર

વેપાર

વાહનવ્યવહારનો જ્યારે વિકાસ થયો ન હતો ત્યારે અઠવાડિક બજાર અથવા ગુજરીમાં માલ વેચવાની

પ્રથા અમલમાં હતી અને અનાજ, કઠોળ, મસાલા, શાકભાજી અને બીજી જીવન-ઉપયોગી ચીજો વેચાતી. તે સમયે ગ્રામ અર્થતંત્ર સ્વાવલંબી હતું અને ગામની ઊપજ ગામમાં જ વેચાતી. બ્રિટિશ અમલ દરમિયાન ભારતમાં રેલવેની શરૂઆત થઈ. તેથી ગ્રામ અર્થતંત્રમાં ગણનાપાત્ર પરિવર્તન આવ્યું. રેલવે-લાઇનની સમાંતર શહેરો વસવા લાગ્યાં અને ગામડાંની ઊપજ વેચાણ અર્થે શહેરોમાં આવવા લાગી. તેથી ખેડૂતો અને અન્ય વેચનારાઓને ફાયદો થયો. ગુજરીને બદલે સંગઠિત ગણાય તેવાં વ્યવસ્થિત બજારો અસ્તિત્વમાં આવ્યાં. આ શહેરો આવક અને જાવકનાં મહત્વનાં કેન્દ્રો બની રહ્યાં. અહીંથી ગામડાંનાં અને બીજાં નાનાં કેન્દ્રોના વેપારીઓ પોતાના વેચાણની જરૂરત પૂરતો માલ લઈ જવા લાગ્યા. ઉદ્યોગો અને વેપારના વિકાસની સાથોસાથ જથ્થાબંધ માલ સંગ્રહ કરી શકે તેવા મોટા વેપારીઓએ જથ્થાબંધ વેપાર પોતાને હસ્તગત કરી લીધો. આ ઉપરાંત રોજગારી મેળવવા માટે લોકોનું ગામડાં તરફથી શહેર તરફ સ્થળાંતર પણ શરૂ થયું, જે આજ દિન સુધી અવિરત ચાલુ છે. બ્રિટિશ અમલથી હિંદમાં પ્રવર્તતી શાંતિને કારણે ધંધાઉદ્યોગનો અભૂતપૂર્વ વિકાસ થયો.

રેલવેને કેટલીક મર્યાદાઓ હતી; તેથી આઝાદી મળ્યા બાદ પંચવર્ષીય યોજનાઓમાં માર્ગવિકાસ તરફ ધ્યાન કેન્દ્રિત થયું. તેને કારણે દૂરદૂરનાં ગામડાં તેમજ જંગલના દુર્ગમ વિસ્તારોનાં ગામોને સાંકળી લેતા માર્ગો બંધાયા તેથી પણ વેપારનો વિકાસ અનેકગણો વધી ગયો.

આધુનિક સમયમાં જથ્થાબંધ વેપાર મોટાં શહેરોમાં કેન્દ્રિત થયો છે. અનાજ, કઠોળ, ઉપરાંત જથ્થાબંધ વેપારમાં શિંગતેલ, સુતરાઉ, ગરમરેશમી તેમજ સિન્થેટિક કાપડ, દવાઓ અને રસાયણો, ખાતર, ઇજનેરી માલસામાન, જીરું, વરિયાળી, ઇસબગુલ ઉપરાંત તમાકુ, લીલાં શાકભાજી અને ફળોનો સમાવેશ થાય છે. ગુજરાતમાં મીઠાનું ઉત્પાદન દેશના ઉત્પાદનના 80 % ઉપરાંત છે.

ગુજરાતમાં પ્રતિવર્ષ કરોડો રૂપિયાનો જથ્થાબંધ વેપાર થાય છે. તેનાથી લોકોને રોજગારી પણ પ્રાપ્ત થાય છે. અમદાવાદ, વડોદરા, સૂરત, રાજકોટ, ભાવનગર, જામનગર, મહેસાણા ઉપરાંત અન્ય જિલ્લા મથકો અને તાલુકાનાં મુખ્ય મથકો પણ જથ્થાબંધ વેપારનાં મથકો તરીકે વિકાસ પામ્યાં છે.

છૂટક વેપાર : ગ્રામ અને શહેરી વિસ્તારમાં આવેલી સંખ્યાબંધ દુકાનો દ્વારા છૂટક વેપાર કરવામાં આવે છે. એથી સ્થાનિક લોકોની વપરાશી જરૂરિયાતો સંતોષાય છે. છૂટક વેપારીઓ નજીકના જથ્થાબંધ વેપારી પાસેથી માલ ઉધાર લાવે છે અને અમુક ચોક્કસ દિવસોમાં તેનું ચુકવણું કરે છે. તે સમય બાદ વ્યાજ ચૂકવવું પડે છે. પોતાની નાણાકીય સધ્ધરતા ઉપરાંત લોકોની માગને અનુલક્ષીને રોજિંદા વેચાણ માટેની ચીજવસ્તુઓનો જરૂર પૂરતો સંગ્રહ કરે છે અને જે ચીજની માગ વધુ હોય તે મુજબ લાવીને ગ્રાહકોને સંતોષે છે. શહેરના છૂટક વેપારી કરતાં ગામડાંના આવા વેપારીઓની નાણાકીય સધ્ધરતા મર્યાદિત હોઈ તેઓ માલનો મર્યાદિત સંગ્રહ કરે છે, જ્યારે શહેરના છૂટક વેપારીને આવી મર્યાદા સામાન્યત: નડતરરૂપ નથી બનતી.

છૂટક વેપારમાં તહેવારો, લગ્ન જેવા સામાજિક પ્રસંગો તેમજ જાહેર રજાઓમાં એકદમ તેજી આવે છે, જ્યારે ચોમાસામાં કંઈક અંશે ઘરાકી મંદ હોય છે. આમાં પાન-બીડીની દુકાનો અપવાદરૂપ છે. આજે ઠેરઠેર પાનબીડીની દુકાનો તેમજ ગલ્લા અને ખૂમચા પુષ્કળ પ્રમાણમાં ઊભા થઈ ગયા છે. તેમાં પણ સામાજિક પ્રસંગો, તહેવારો તેમજ જાહેર રજાના દિવસોએ વેપાર એકદમ વધી જાય છે. લોકોમાં પાન, બીડી, સિગારેટ ઉપરાંત મસાલાનાં તૈયાર પૅકેટોની વપરાશ આજકાલ એકદમ વધી ગયેલી જણાય છે. છૂટક વેપાર સામાન્યત: રોકડેથી જ કરવામાં આવે છે, પણ ગ્રાહકો પરિચિત હોય અને તેમની નાણાકીય સધ્ધરતા પ્રમાણમાં સારી હોય તો તેમના નામનું ખાતું શરૂ કરવાની પ્રથા પણ અમલમાં છે.

છૂટક વેપાર નીચે જણાવેલ ચીજવસ્તુઓમાં સામાન્યત: થાય છે : (1) અનાજ, કરિયાણાં અને રોજિંદી સામાન્ય વપરાશની ચીજવસ્તુઓ, (2) પાન, બીડી, તમાકુની દુકાનો જે મોટેભાગે માલિકો પોતે જ ચલાવતા હોય છે, (3) કાપડ અને હોઝિયરી, (4) દવાઓ, (5) તાંબા-પિત્તળ, સ્ટેનલેસ સ્ટીલનાં વાસણો ઉપરાંત ભેટ આપવાની વસ્તુઓ, (6) મીઠાઈ અને ફરસાણ, (7) ફળો અને શાકભાજી, (8) ફૂલ અને ફૂલોની બનાવટો, (9) તૈયાર કપડાં જેમાં પુરુષોનાં, મહિલાઓનાં અને અવનવી ડિઝાઇન તેમજ રંગોમાં બાળકોનાં તૈયાર કપડાં વેચાય છે અને (10) ગરમ તથા ઠંડાં પીણાં અને આઇસક્રીમ.

વસ્તીવધારાને કારણે છૂટક વેપારીની દુકાનો લગભગ દરેક લત્તામાં આવેલી હોય છે. વાહનવ્યવહારની વધેલી સવલતોને અનુલક્ષીને ગ્રામીણ વિસ્તારમાં પણ આવી દુકાનો જોવા મળે છે. જથ્થાબંધ વેપાર તેમજ છૂટક વેપાર શહેરમાં સમાંતર રીતે ચાલે છે. દરેક જિલ્લામથક, તાલુકામથક છૂટક વેપારનાં મથકો તરીકે કામગીરી બજાવે છે. છૂટક વેપાર પણ રોજગારી મેળવવાનું મહત્વનું સાધન ગણાય છે.

નિયંત્રિત બજારો : નિયંત્રિત બજારો અસ્તિત્વમાં આવ્યાં તે પહેલાં ભારતના ખેડૂતોની સ્થિતિ દયાજનક હતી. સામાજિક પ્રસંગો ઉપરાંત મોસમમાં બીજ ખરીદવા માટે પણ તેમને ગામના શાહુકાર વેપારી પાસેથી વ્યાજે નાણાં લેવાં પડતાં. તેમની સૈકાઓ જૂની નિરક્ષરતાએ તેમના શોષણમાં વધારો કર્યો હતો. એમ કહેવાતું કે ખેડૂત જન્મે દેવામાં, જીવે દેવામાં અને મરે પણ દેવામાં. વેપારી-શાહુકારના અહેસાન હેઠળ પોતાની ઊપજ બજારમાં પ્રવર્તમાન ભાવો કરતાં નીચા ભાવે તેમને વેચવા ફરજ પડાતી. આમ તેમની પાયમાલીમાં વધારો થતો ગયો. ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં દક્ષિણ હિંદના ખેડૂતોએ બળવો કર્યો. પરિણામે ખેડૂત રાહત ધારો 1879માં અમલમાં આવ્યો. મુંબઈ પ્રાંતમાં આ કાયદા હેઠળ સ્થાનિક અને વિભાગીય બજારો અસ્તિત્વમાં આવ્યાં, પરંતુ વાહનવ્યવહાર અને સંદેશા-વ્યવહાર અવિકસિત હોઈ આજુબાજુના પ્રદેશોમાં પ્રવર્તતા ભાવો જાણવાનું મુશ્કેલ બનતું. વળી ખેડૂતો આર્થિક રીતે પછાત હોઈ મોસમ સિવાયના સમયમાં ખેતપેદાશોમાં થતા ભાવવધારાનો લાભ લઈ શકતા ન હતા.

1939 સુધી સરકારી રાહે ખેડૂતોનું શોષણ થતું અટકાવવા જુદી જુદી સમિતિઓની ભલામણોનો અમલ કરાતો પણ આ છૂટક પગલાંઓની ઝાઝી અસર જણાતી નહિ. હિંદ સરકારે 1926માં લૉર્ડ લિન્લિથગોના અધ્યક્ષપદે ખેતીવાડી અંગેના રૉયલ કમિશનની રચના કરી. તેણે બધી જ ખેતપેદાશોને આવરી લેતાં નિયંત્રિત બજારોની સ્થાપના તેમજ તેને લગતો સર્વગ્રાહી કાયદો ઘડવા ભલામણ કરી. 1929ની મધ્યસ્થ બૅંકિંગ અન્વેષણ સમિતિએ પણ આ ભલામણોને અનુમોદન આપ્યું.

પ્રગતિશીલ વડોદરા  રિયાસતે રૉયલ કમિશનની ભલામણો તપાસવા માટે ‘મોહિતે સમિતિ’ની રચના કરી. તેની ફલશ્રુતિરૂપે વડોદરા ખેત-ઉત્પન્ન બજારધારો અમલી બન્યો અને કપાસના નિયંત્રિત વેચાણ માટે બોડેલી ખાતે 1939માં પ્રથમ નિયંત્રિત બજાર સ્થપાયું. છોટાઉદેપુર રાજ્યે પણ તેના આ પ્રકારના કાયદા હેઠળ ઢોકળિયા ખાતે બજાર સ્થાપ્યું હતું જેને પાછળથી બોડેલીમાં સંલગ્ન કરાયું હતું.

જૂના મુંબઈ પ્રાંતમાં 1939માં બૉમ્બે ઍગ્રિકલ્ચરલ પ્રૉડ્યુસ માર્કેટ્સ ઍક્ટ પસાર કર્યો. તેના મુખ્ય સિદ્ધાંતોમાં ખેડૂત (વેચનાર) અને વેપારી (ખરીદનાર) વચ્ચેની અસમાનતા દૂર કરવી; ખોટાં તોલમાપને બદલે પ્રમાણભૂત તોલમાપ રાખવા ધારાકીય જોગવાઈ; અનધિકૃત લાગા અને નમૂનાની વસૂલાતબંધી; ફક્ત પરવાનો ધરાવનાર ખેડૂતો, વ્યાપારીઓ, આડતિયાઓ વગેરેને જ બજારમાં પ્રવેશ; હાથા-પદ્ધતિને બદલે ખુલ્લી હરાજીથી માર્કેટ યાર્ડમાં માલનું વેચાણ અને પ્રવર્તમાન ભાવોનું ત્યાંના બૉર્ડ ઉપર નિદર્શન વગેરેનો સમાવેશ કરાયો હતો. આ કાયદા હેઠળ સાણંદ અને વીરમગામ (1943), બાવળા (1944) અને કપડવંજ(1946)માં નિયંત્રિત બજારો સ્થપાયાં હતાં.

આઝાદી પછી આવાં બજારોની સ્થાપનામાં વેગ આવ્યો હતો. જૂના મુંબઈ રાજ્યે આ બજારોની કામગીરી તપાસી તેમને કાર્યક્ષમ બનાવવા એક નિષ્ણાત સમિતિની રચના કરી હતી. તેની ભલામણો અનુસાર સમિતિઓનું માળખું સુદૃઢ કરી તેમને કાર્યક્ષમ બનાવવા પ્રયત્નો કરાયા હતા.

નવેમ્બર, 1956થી બૃહદ્ દ્વિભાષી મુંબઈ રાજ્ય સ્થપાયું હતું. તેમાં કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારો પણ ભેળવી દેવાયા હતા. તે પૈકી સૌરાષ્ટ્ર એકમે 1955માં ઉપર પ્રમાણેનો કાયદો અમલમાં મૂક્યો હતો. જૂનાગઢ જિલ્લાના ઊના ખાતે સૌરાષ્ટ્રનું પ્રથમ નિયંત્રિત બજાર સ્થપાયું હતું.

1960માં ગુજરાતના અલગ રાજ્યની રચના સમયે નિયંત્રિત બજારોની સંખ્યા 38 હતી. 1963માં મુંબઈ રાજ્યના ધારા પ્રમાણે ગુજરાત ખેત ઉત્પન્ન બજાર અધિનિયમ અમલી બન્યો હતો અને બધાં નિયંત્રિત બજારોને આ કાયદા હેઠળ આવરી લેવાયાં હતાં. 1980-81 પછી 50 નવાં બજારો નિયંત્રિત કરાયાં હતાં.

રાજ્યના 184 તાલુકાને 1988-89 સુધીમાં આવરી લેવાયા હતા. આ તાલુકામથકો ઉપરાંત બીજાં પેટામથકો મળી કુલ 364 જેટલાં બજારો રાજ્યમાં કાર્યાન્વિત છે. ડાંગ જેવા અત્યંત પછાત જિલ્લામાં પણ આહવા ખાતે આવું બજાર સ્થપાયું છે.

અનાજ, કઠોળ, તેલીબિયાં, તમાકુ, લીલાં શાકભાજી અને ફળો ઉપરાંત જીરું, વરિયાળી, ઇસબગુલ તથા મરચાંના વેચાણને કાયદા હેઠળ નિયંત્રિત કરાયું છે.

અમદાવાદના શાકભાજીના બજારમાંથી ઇંદોર અને મદ્રાસ (હવે ચેન્નાઈ) જેવાં દૂરનાં સ્થાનોએ શાકભાજીની નિકાસ કરવામાં આવે છે. સૂરત, વલસાડ અને જૂનાગઢ જિલ્લાની આફૂસ અને કેસર કેરીની અમેરિકા, બ્રિટન, રશિયા, મધ્યપૂર્વ વગેરે દેશોમાં નિકાસ કરાય છે. આણંદ, વડોદરા અને કલોલ ખાતે તમાકુના વેચાણ માટે ખાસ બજારો ઊભાં કરાયાં છે. ઊંઝા અને સિદ્ધપુર ખાતે જીરું, વરિયાળી, અજમો અને ઇસબગૂલ મોટા પ્રમાણમાં વેચાવા આવે છે. ઊંઝાનું નિયંત્રિત બજાર દેશ-પરદેશમાં પણ વિખ્યાત છે. ઇસબગૂલ દવા તરીકે પણ ઉપયોગમાં આવે છે.

શરાફી પદ્ધતિઓ, બૅંકિગ અને વીમો

બૅંકિંગ : કોઈ પણ પ્રદેશની આર્થિક ઉન્નતિ તે પ્રદેશમાં પ્રાપ્ત સાધન, સ્રોતોના અને વિશેષે કરીને નાણાકીય સ્રોતના મહત્તમ અને વાજબી ઉપયોગ ઉપર આધાર રાખે છે. ભારતની જેમ ગુજરાતમાં પણ નાણાકીય માળખામાં શાહુકારો અને શરાફો, વાણિજ્યબૅંકો, સહકારી બકો, નાણાકીય નિગમો, નાણારોકાણ કરતી કંપનીઓ, પોસ્ટ-ઑફિસ વિભાગ જેવી અન્ય સરકારી સંસ્થાઓ તથા જીવનવીમા નિગમ અગત્યનું સ્થાન ધરાવે છે.

શાહુકારો અને શરાફો : નાણાં ધીરનારી આ સંસ્થા પુરાણી છે. પ્રાચીન સાહિત્યમાં પણ તેનો ઉલ્લેખ છે. પાણિનિ, ગૌતમ અને કૌટિલ્યે વ્યાજના દર અંગે 10 %થી 15 %ની મર્યાદા આંકી હતી તે દર સોલંકી યુગમાં ફક્ત 5 %થી 6 % થઈ ગયો હતો. સમય જતાં શરાફ-શાહુકારોનું વર્ચસ્ વધ્યું અને વ્યાજનો દર ફરીથી વધ્યો. મુઘલ સમયમાં માણેકચંદ શેઠ અને શાન્તિદાસ ઝવેરીનાં નામ ખૂબ જાણીતાં હતાં. બ્રિટિશ શાસન દરમિયાન નાથાજી નામના શરાફે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને નેપાલ વિગ્રહ લડવા માટે નાણાંનું ધિરાણ કર્યું હતું.

અઢારમી સદી સુધી ગુજરાતમાં ધીરધારના ધંધા ઉપર રાજ્યનું નિયંત્રણ હોય તેમ જણાતું નથી. 1879માં દખ્ખણ ખેડૂત ઋણરાહત અધિનિયમ ઘડાયો તે 1905થી મુંબઈ ઇલાકાના બધા પ્રદેશોને લાગુ પાડવામાં આવ્યો. તેથી બ્રિટિશ શાસન હેઠળના ગુજરાતના પાંચ જિલ્લામાં પણ આ અધિનિયમ લાગુ પડ્યો. તે ઉપરાંત ગુજરાત અને કાઠિયાવાડનાં કેટલાંક દેશી રજવાડાંએ પણ આ કાયદા જેવા કાયદા બનાવ્યા. તેથી શાહુકારોની આકરી વ્યાજખાઉ ધીરધારની પ્રવૃત્તિ ઉપર પદ્ધતિસરનો કાયદેસર અંકુશ આવ્યો, પરંતુ તેની અસર વ્યાપક પ્રમાણમાં થઈ નહોતી તેથી મુંબઈ શાહુકાર અધિનિયમ (Bombay Money-lenders Act), 1946 પસાર કરવામાં આવ્યો. તે દ્વારા શાહુકારોના નાણાકીય વ્યવહારો ઉપર પ્રથમ વાર રાજ્યનું અસરકારક અને પ્રગતિશીલ નિયંત્રણ આવ્યું. શાહુકારો માટે પરવાનો, હિસાબકિતાબ રાખવા માટે ઠરાવેલાં પત્રકો તથા તારણવાળાં અને તારણ વગરનાં ધિરાણો ઉપર વ્યાજનો નિશ્ચિત દર આ કાયદાનાં વિશિષ્ટ અંગો હતાં. કઠોર ચોકઠામાં કામ કરવાનું શાહુકારોને વસમું લાગવા માંડ્યું અને બીજી તરફ સહકારી પ્રવૃત્તિનો વેગ વધ્યો તેથી ગુજરાતમાં પરવાના ધરાવતા શાહુકારોની સંખ્યા ક્રમશ: ઘટતી ગઈ અને 1961માં 8,835 હતી તે અર્ધી થઈ જઈને 1980માં ફક્ત 4,311 રહી હતી.

વાણિજ્યબૅંકો : સ્વતંત્રતા મળી તે અગાઉ ગુજરાતમાં બ્રિટિશ શાસન હેઠળના પાંચ જિલ્લા અને નાનાંમોટાં અનેક દેશી રજવાડાં હતાં. તેથી બૅંકિંગ-વ્યવસ્થાનો વિકાસ ગુજરાતમાં જુદાં જુદાં પ્રાદેશિક ક્ષેત્રોમાં વૈવિધ્યપૂર્ણ રહ્યો છે. મુંબઈમાં 1840માં સ્થપાયેલી બૅંક ઑવ્ બૉમ્બેએ અમદાવાદ અને ભરૂચમાં શાખાઓ તથા વઢવાણ, ધોલેરા અને ભાવનગરમાં પ્રશાખાઓ ઉઘાડી હતી. 1876માં તેનું નામ ફેરવાઈને મુંબઈ પ્રેસિડેન્સી બક થયું. 1922માં આ બૅંકની સાથે કલકત્તા પ્રેસિડેન્સી બૅંક અને મદ્રાસ પ્રેસિડેન્સી બૅંકનું એકીકરણ થયું અને તેમાંથી ઇમ્પીરિયલ બૅંક ઑવ્ ઇન્ડિયા અસ્તિત્વમાં આવી. ત્યારપછી તેનું 1955માં સ્ટેટ બૅંક ઑવ્ ઇન્ડિયામાં રૂપાંતર થયું. ભાવનગર રાજ્યે 1902માં ભાવનગર દરબાર બૅંક શરૂ કરી હતી તે સૌરાષ્ટ્ર રાજ્યની રચના થતાં 1950માં સ્ટેટ બૅંક ઑવ્ સૌરાષ્ટ્રમાં ભળી ગઈ. મહારાજા સયાજીરાવ ગાયકવાડે 1908માં બૅંક ઑવ્ બરોડાની સ્થાપના કરાવી અને વડોદરા રાજ્યના જુદા જુદા જિલ્લામાં બૅંકની શાખાઓ અને પ્રશાખાઓ ઉઘાડાવી. આ ઉપરાંત ખાનગી ક્ષેત્રમાં સેન્ટ્રલ બૅંક ઑવ્ ઇન્ડિયાએ 1928માં જામનગરમાં અને બૅંક ઑવ્ ઇન્ડિયાએ 1943માં ભુજમાં શાખાઓ ઉઘાડી; વડિયા જેવા કાઠિયાવાડના નાનકડા રજવાડાએ પણ 1936માં વડિયામાં બૅંક ઉઘાડી. આમ ભારત 1947માં સ્વતંત્ર થયું ત્યારે ગુજરાત પ્રદેશમાં અનુસૂચિત વાણિજ્યબકોની નાનીમોટી 156 શાખાઓ અને ગુજરાત રાજ્યની 1960માં રચના થઈ ત્યારે 334 શાખાઓ હતી. આમ છતાં આ બધી બૅંકોમાંથી બૅંક ઑવ્ બરોડાની મુખ્ય ઑફિસ વડોદરામાં અને સ્ટેટ બૅંક ઑવ્ સૌરાષ્ટ્રની ભાવનગરમાં હતી. તે સિવાય બાકીની બધી બૅંકોની મુખ્ય ઑફિસો ગુજરાત બહાર હતી. 1969માં 14 મોટી બૅંકોનું રાષ્ટ્રીયકરણ થતાં રિઝર્વ બૅંકે લીડ બૅંક યોજના શરૂ કરી હતી તેથી દેશમાં જેમ જેમ બૅંકિંગનો વ્યાપ વધવા માંડ્યો તેમ તેમ ગુજરાતમાં પણ વધ્યો, જેની આંકડાવાર માહિતી નીચે પ્રમાણે છે :

વર્ષ બૅંકની બૅંકોની ડિપૉઝિટ બૅંકોએ કરેલું ડિપૉઝિટોની
શાખાઓ (કરોડ રૂપિયામાં) ધિરાણ (કરોડ રૂપિયામાં) સરખામણીમાં ધિરાણનો ગુણોત્તર
1969 753 401 195 48.6 %
1997 3,707 93,135 94,805 48.11 %
ડિસેમ્બર, 2000 3,667 49,056 (p) 25,095 (p) 51.15 %
માર્ચ, 2010 6091 225299 155575 69.05 %
સપ્ટેમ્બર,  2017 7715 613487 423775 69.08 %

(Source : Socio-economic Review, 2010-11 અને 2017-18)

P = અંદાજ

આમ તો બૅંકોની શાખાઓની સંખ્યાની દૃષ્ટિએ ગુજરાતમાં બૅંકિંગનો વિકાસ થયો છે, પરંતુ ભારતમાં થાપણ : ધિરાણ ગુણોત્તર 73.27 % છે, જ્યારે ગુજરાતમાં આ ગુણોત્તર 69.08 % છે. તેથી એમ કહી શકાય કે બૅંકો ગુજરાતમાંથી જે ડિપૉઝિટ ઉઘરાવે છે તેના પ્રમાણમાં તે રાજ્યમાં ધિરાણ કરતી નથી. વળી અમદાવાદ, ખેડા, વડોદરા, સૂરત, વલસાડ, રાજકોટ અને મહેસાણા એમ ગુજરાતના ફક્ત 7 જિલ્લામાં બૅંકોની 64 % શાખાઓ ખૂલી હતી, 71 % ડિપૉઝિટ ઉઘરાવાઈ હતી અને 78 % ધિરાણ થયેલું હતું. તેથી એમ પણ કહી શકાય કે બકિંગનો વિકાસ ગુજરાતના દરેક જિલ્લામાં એકસરખો થયો ન હતો.

સહકારી બૅંકો : કેન્દ્ર સરકારે સહકારી મંડળીઓનો અધિનિયમ (Co-operative Societies Act) 1904 ઘડ્યો ત્યારપછી સહકારી પ્રવૃત્તિઓ દેશમાં ઝડપથી વધવા માંડી. શરૂઆતમાં મુંબઈ ઇલાકાની સરકારે અમદાવાદ અને ધારવાડ જિલ્લામાં પ્રાયોગિક ધોરણે સહકારી શાખ મંડળીઓ (Co-operative credit societies) શરૂ કરવા માટે પ્રોત્સાહન આપવા માંડ્યું. ધીમે ધીમે મંડળીઓનો અનુભવ વધતાં સર વિઠ્ઠલદાસ ઠાકરસી અને લલ્લુભાઈ મહેતાએ મધ્યસ્થ સહકારી બૅંકની યોજના રજૂ કરી. તે સમયે કાયદામાં કેટલીક ગૂંચો હતી તે દૂર કરવા સરકારે 1912માં નવો અધિનિયમ ઘડ્યો પછી મુંબઈ મધ્યસ્થ સહકારી બૅંકની સ્થાપના થઈ. સમય જતાં 1929માં રાજ્ય સ્તરે રાજ્ય સહકારી બૅંક, જિલ્લા સ્તરે મધ્યસ્થ જિલ્લા સહકારી બૅંકો અને પાયાના સ્તરે પ્રાથમિક સહકારી મંડળીઓ – એમ ત્રિસ્તરીય માળખું અસ્તિત્વમાં આવ્યું. 1954માં અખિલ ભારતીય ગ્રામીણ ધિરાણ સર્વેક્ષણ સમિતિની ભલામણો અનુસાર આ માળખું સુગ્રથિત કરવામાં આવ્યું. ગુજરાત રાજ્યમાં 2007-08માં 19 સહકારી બૅંકો અસ્તિત્વમાં હતી. તેના આશરે 36,000 સભ્યો હતા. આ બૅંકે તે વર્ષ દરમિયાન રૂ. 8,543 કરોડનું ધિરાણ કર્યું હતું. તે જ વર્ષમાં 28,126 ખેતમંડળીઓએ રૂ. 3,330 કરોડનું ધિરાણ કર્યું હતું. જ્યારે બિન-ખેતી સહકારી મંડળીઓએ રૂ. 7,191 કરોડનું નાણાકીય ધિરાણ કર્યું હતું. ગુજરાત રાજ્યની જમીન વિકાસ બૅંકે આ વર્ષ દરમિયાન રૂ. 147 કરોડ જમીન-સુધારણા માટે ધીર્યા હતા.

(Source : Socio-economic Review, 2010-11)

ઉમાકાન્ત મોહનલાલ ચોક્સી

જયન્તિલાલ પો. જાની

જિગીશ દેરાસરી

ઊર્જાઉત્પાદન અને તેના નવા સ્રોતો

આધુનિક સમયમાં ઊર્જા માનવના આર્થિક-સામાજિક ઉત્થાનમાં અતિ મહત્વનું સ્થાન ધરાવે છે. ઘરગથ્થુ પ્રકાશ મેળવવા ઉપરાંત ખેતી અને ઉદ્યોગોનો ઝડપી વિકાસ તેના પર અવલંબે છે. સમાજની પ્રગતિ તેની માથાદીઠ વીજવપરાશના સંદર્ભમાં જ આંકવામાં આવે છે. વિકસિત દેશોની તુલનામાં વિકાસશીલ દેશોમાં આવી વપરાશ લગભગ નગણ્ય ગણાય.

બ્રિટિશ અમલ દરમિયાન ભારતમાં વીજળીનાં મંડાણ થયાં તેનું પ્રથમ માન સૂરત શહેરને જાય છે. ગુજરાતનાં દેશી રાજ્યોએ પોતાનાં પાટનગરો ઉપરાંત પોતાના તાબાના વિસ્તારોમાં આવેલાં મોટાં મથકોને રાજ્ય દ્વારા અથવા તો ખાનગી માલિકી દ્વારા વીજમથકો ઊભાં કરી વીજળી પૂરી પાડી હતી. આમાં વડોદરા, દેવગઢબારિયા, દાંતા, નવાનગર, જૂનાગઢ, પોરબંદર, મોરબી, કચ્છ, વાંકાનેર, માંગરોળ, માણાવદર, ભાવનગર વગેરેનો સમાવેશ થાય છે. અમદાવાદ શહેરમાં વીજળી 28 મે, 1913થી 1915 સુધીમાં આવી.

આ ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં 1960માં ગુજરાત રાજ્યની સ્થાપના સમયે ગુજરાત ત્રીજી પંચવર્ષીય યોજના(1961-66)ના આરંભે આવીને ઊભું હતું. રાજ્યે ખેતીવિકાસ અને ઔદ્યોગિક પ્રગતિને પ્રાધાન્ય આપ્યું હતું. અસંખ્ય ગામો વીજળીથી વંચિત હોઈ ગ્રામ વીજળીકરણનો હેતુલક્ષી કાર્યક્રમ અપનાવી રાજ્યે ગામોને વીજળી આપવા ઉપરાંત કૂવાઓનું વીજળીકરણ કરી ખેતીનો ઝડપી વિકાસ કરવાનું બીડું ઝડપ્યું. ગુજરાતના સદભાગ્યે તેની ભૂમિ પરથી ખનિજતેલ અને કુદરતી વાયુનો વિપુલ જથ્થો મળી આવતાં ઔદ્યોગિક વિકાસની નવી ક્ષિતિજોનું નિર્માણ થયું. તેલશુદ્ધીકરણની રિફાઇનરી ઉપરાંત પેટ્રો-રસાયણ ઉદ્યોગો, રાસાયણિક ખાતર સંકુલો અને અન્ય આનુષંગિક ઉદ્યોગો વિકસાવવાની તકો ઊભી થઈ. રાજ્યમાં રસાયણ-ઉદ્યોગ, કાપડ-ઉદ્યોગ, દવા-ઉદ્યોગ વગેરે વિકસેલા હતા તેનું આધુનિકીકરણ કરવા ઉપરાંત ઉદ્યોગોમાં વૈવિધ્ય લાવી રોજગારીની વિપુલ તકો ઊભી કરવાની જરૂરત ઊભી થઈ. આજે વાપીથી અમદાવાદ, મહેસાણા, બનાસકાંઠા અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં અનેક ઔદ્યોગિક વસાહતો સ્થપાઈ છે. રાજ્યના પ્રોત્સાહનને કારણે દેશના ઔદ્યોગિક નકશા પર ગુજરાત અગત્યનું સ્થાન ધરાવે છે. આ સઘળા ઉદ્યોગોના સંચાલન અને વિકાસમાં વીજળી સૌથી અગત્યનું સાધન છે.

ઊર્જાના બે પ્રકારો છે : (1) પ્રણાલીગત, અને (2) બિનપ્રણાલીગત. પ્રણાલીગત પ્રકારો કોલસો અને જળવિદ્યુત છે. મધ્યપ્રદેશ અને બિહાર જેવાં દૂરનાં રાજ્યોમાંથી કોલસો આયાત કરવાનું ખર્ચાળ અને સમય માગી લે તેવું છે. ગુજરાતનાં વીજમથકો કોલસાની ખાણોથી દૂર આવેલાં હોઈ કોલસો મેળવવામાં અનેક અવરોધો રહેલ છે; તેમ છતાં ઊર્જા મેળવવાનાં અન્ય સાધનોનો વિકાસ થાય ત્યાં લગી ગુજરાત માટે કોલસા-આધારિત વીજમથકો સિવાય કોઈ વિકલ્પ ન હતો. ગુજરાતમાં મોટાભાગનાં વીજમથકો બળતણ તરીકે કોલસાનો જ ઉપયોગ કરી વીજ ઉત્પન્ન કરે છે.

ગુજરાતમાં જળવિદ્યુત ફક્ત 10 % જ છે. નર્મદા જળવિદ્યુત-મથકમાં ગુજરાતનો હિસ્સો ફક્ત 16 % જ છે; તેથી ગુજરાતે અન્ય સ્થળે જળવિદ્યુત-મથકો સ્થાપવાની જરૂર ઊભી થતાં કડાણા, ઉકાઈ તથા વણાકબોરી ખાતે આવાં મથકો સ્થપાયાં છે. સૌરાષ્ટ્રની નદીઓમાં પાણી બારેમાસ રહેતું નથી તેથી ત્યાં આવાં મથકો સ્થાપવાની શક્યતા ઓછી છે. તેથી ગુજરાતને હાલને તબક્કે તો થર્મલ વિદ્યુત મેળવવાનો જ વિકલ્પ રહ્યો છે.

ગુજરાતે ઊર્જાની પોતાની જરૂરિયાતને પહોંચી વળવા અનેકવિધ પગલાં લીધાં છે અને સ્થાપિત શક્તિ કે નિર્માણશક્તિમાં ગણનાપાત્ર વધારો કર્યો છે. 1960માં ગુજરાતની વિદ્યુતસ્થાપિત શક્તિ માંડ 315 મેગાવૉટ હતી તેમાંથી 546 મેગાવૉટ વિદ્યુતનું નિર્માણ થયું હતું. રાજ્યે ઊર્જાવિકાસનાં ઉત્તરોત્તર લીધેલાં પગલાંને પરિણામે સ્થાપિત શક્તિ અને નિર્માણશક્તિમાં જે વધારો થયો છે તે પૃ. 108ના કોઠો 1 પ્રમાણે છે.

વીજળીની માગને પહોંચી વળવા સરકારે વીજ-ઉત્પાદનમાં ખાનગી સાહસને ઉત્તેજન આપવાની નીતિ અપનાવી છે. ઉપરાંત ગુજરાત પાવર નિગમની રચના કરી છે જે ખાનગી ક્ષેત્ર સાથે પરામર્શ કરી ખાનગી વીજમથકો સ્થાપવા પગલાં લઈ શકે.

કોઠો 1 : વીજ ઉત્પાદન

    1960-61 1970-71 1980-81 1990-91 1996-97 200910 201617
1. સ્થાપિત વીજશક્તિ (મે.વૉ.) 315 697 2,197 4,395 5,403 11758 19888
2. ઉત્પન્ન થયેલ વીજશક્તિ (10 લાખ કિ.વૉ.) 393 2,968 9,363 19,875 27,471 69883 104284
3. માથાદીઠ વીજ-વપરાશ (કે. ડબ્લ્યૂ. એચ.) 48 125 235 429 724 1491 1916
4. ગ્રામ વીજળીકરણ (ગામડાંઓની સંખ્યા) 823 4,087 12,515 17,919 17,987 N.A. N.A.
5. ખેતીવાડી માટેના કૂવા/ પાતાળકૂવાનું વીજળીકરણ (સંખ્યા ’00) 54 670 2,312 4,627 5,920 39653 109249

સ્રોત : સોશિયો-ઇકૉનૉમિક રિવ્યુ, 201011, 201718

        Statistical Abstract of Gujarat, 2009.

 નવા સ્રોતો : બિનપ્રણાલીગત રીતે ઊર્જા નીચેના સ્રોતોમાંથી પ્રાપ્ત થઈ શકે છે :

(1) અણુવિદ્યુત : મહારાષ્ટ્રમાં તારાપુર, રાજસ્થાનમાં કોટા અને ગુજરાતમાં કાકડાપાર ખાતે અણુશક્તિ પંચે અણુવિદ્યુત મથકો બાંધ્યાં છે. તેમાંથી તારાપુર ખાતેથી ગુજરાતને કેટલોક હિસ્સો ફાળવવામાં આવે છે.

(2) ભરતીજન્ય વિદ્યુત : ગુજરાત લાંબો દરિયાકાંઠો ધરાવે છે. કચ્છ અને ખંભાતના અખાતમાં 6થી 8 મીટર ઊંચી ભરતી આવે છે. તેમાંથી વીજળી ઉત્પન્ન કરવા પ્રારંભિક સર્વેક્ષણ કરવામાં આવ્યું છે. કચ્છના અખાતમાંથી 600 મે.વૉ. અને ખંભાતના અખાતમાંથી 7,000 મે.વૉ. વીજ ઉત્પન્ન કરવાની યોજના છે. તેમાં કચ્છના અખાતમાં હંસ્થલ ખાડી, ફાંગખાડી અને સારાખાડી ખાતે મુખ્ય બંધો બાંધવાની યોજના છે.

(3) પવનચક્કી દ્વારા ઊર્જા : ખંભાત અને કચ્છના અખાત પર ફૂંકાતા પવનનો વેગ ઘણો છે. તે દ્વારા ઊર્જા ઉત્પન્ન કરવાની શક્યતા તપાસવામાં આવી છે. આવી રીતે ઊર્જા મેળવવામાં યુરોપનો હોલૅન્ડ દેશ પ્રથમ છે. કચ્છમાં માંડવીના દરિયાકાંઠે તેમજ સૌરાષ્ટ્રમાં દ્વારકા અને લાંબા ખાતે આવી પવનચક્કીઓ ઊભી કરવામાં આવી છે. તેના દ્વારા વીજળી મેળવવામાં આવે છે. માર્ચ 2017માં સ્થાપિત પવનઊર્જા 5318 મે.વૉ. હતી.

(4) સૌર ઊર્જા : સૌરશક્તિનો ઉપયોગ કરીને ઊર્જા ઉત્પન્ન કરવાની ગુજરાતમાં ઘણી શક્યતાઓ રહેલી છે. ભાવનગર જિલ્લામાં અવાણિયા ખાતે આવો પ્લાન્ટ ઊભો કરવામાં આવ્યો છે. આ યોજનામાં સૌર કૂકર, સૌર શક્તિથી પાણી ગરમ કરવાનું ગીઝર, સૌર શીતાગાર, સેંદ્રિય કચરામાંથી ઊર્જા ઉત્પન્ન કરવી, બાયૉગૅસ પ્લાન્ટ વગેરેનો સમાવેશ થાય છે. નવેમ્બર 2017માં સ્થાપિત સૌર ઊર્જા 1584 મે.વૉ. હતી.

(5) લિગ્નાઇટઆધારિત ઊર્જા : કચ્છમાં લિગ્નાઇટનો વિપુલ જથ્થો મળી આવ્યો છે, તેથી પાનન્ધ્રો ખાતે લિગ્નાઇટનો બળતણ તરીકે ઉપયોગ કરીને ઊર્જા ઉત્પન્ન કરવા માટે એક વીજમથક ઊભું કરવામાં આવ્યું છે.

(6) કોલસાના પ્રાપ્તિસ્થળે (pit-head) પાવર પ્રકલ્પ : કોલસો આયાત કરવાનું ખર્ચાળ તેમજ સમય માગી લે તેવું હોઈ પ્રાપ્તિસ્થાન નજીક આવા સુપર થર્મલ પ્રકલ્પો સ્થાપવામાં આવી રહ્યા છે. કોરબા ખાતે આવું મથક બંધાયું છે તેમાંથી ગુજરાતને કેટલોક હિસ્સો ફાળવવામાં આવ્યો છે. બીજાં આવાં કોલસાના પ્રાપ્તિસ્થળે મથકો સ્થાપવાનું વિચારાઈ રહ્યું છે.

(7) ગૅસઆધારિત ઊર્જા : બૉમ્બે-હાઈમાંથી વિપુલ પ્રમાણમાં ગૅસ ઉપલબ્ધ થવાથી ગુજરાતના સૂરત જિલ્લાના કવાસ ખાતે આવો વીજ-પ્લાન્ટ ઊભો કરવાનું વિચારાઈ રહ્યું છે. તે ઉપરાંત સૌરાષ્ટ્રમાં વધતી જતી વીજ-માગને પહોંચી વળવા મહુવા ખાતે આવો ગૅસ-આધારિત પ્લાન્ટ ઊભો કરવાનું પણ વિચારાઈ રહ્યું છે.

(8) પ્લાઝ્મા પ્રકલ્પ : ઊર્જા મેળવવામાં છેલ્લામાં છેલ્લી પણ સૌથી અગત્યની શોધ પ્લાઝ્માને લગતી છે. તેમાં વાયુની પ્રક્રિયા કરી તેને અમુક ચોક્કસ ઊંચા 100 મિલિયન oસે. સંગલન (fusion) તાપમાને ઓગાળી અને એકત્ર કરી તેમાંથી અમર્યાદ પ્રમાણમાં ઊર્જા મેળવી શકાય છે; કેમ કે, તેમાં વપરાતું પ્રાથમિક કક્ષાનું ડ્યુટેરિયમ (હાઇડ્રોજન સમસ્થાનિક) સમુદ્રના જળમાંથી પુષ્કળ પ્રમાણમાં મળી રહે છે. પ્લાઝ્મા એટલે ઊંચી માત્રામાં આયનિત (ionized) હોય તેવો વાયુરૂપ પદાર્થ, જે સમગ્ર રીતે વિદ્યુત-તટસ્થ હોય છે. પશ્ચિમના દેશો હાઇડ્રોજનમાંથી ઊર્જા મેળવવામાં ઘણા આગળ છે. ભારતમાં સૌપ્રથમ ગુજરાતમાં અમદાવાદની નજીક ભાટમાં આવી પ્રયોગશાળા સ્થાપવામાં આવી છે. ત્યાં સ્થપાયેલા પ્લાઝ્મા-રિઍક્ટરને ‘આદિત્ય’ નામ આપવામાં આવ્યું છે. આ અંગેના શરૂઆતના પ્રયોગો અમદાવાદની ભૌતિક સંશોધન પ્રયોગશાળા(PRL)માં કરવામાં આવ્યા છે. ગુજરાતને ઔદ્યોગિક અને ખેતવિકાસ માટે જોઈતી ઊર્જાનો આધાર આ યોજનાની સફળતા પર રહેલો છે.

ઉમાકાન્ત મોહનલાલ ચોક્સી

ઔદ્યોગિક વિકાસ

વિવિધ ઉદ્યોગો

ગુજરાત 1 મે, 1960માં અલગ રાજ્ય બન્યું તે દિવસથી જ મહારાષ્ટ્ર સાથે ઔદ્યોગિક અને આર્થિક વિકાસના ક્ષેત્રે હરીફાઈ કરી રહ્યું છે. જે રાજ્યમાં માથાદીઠ ખેડાણલાયક જમીન એક એકર કરતાં પણ ઓછી હોય ત્યાં વિકાસના સાધન તરીકે ઔદ્યોગિક વિકાસને આગળ કરીને ચાલવાની પરિસ્થિતિ ઊભી થાય એ સ્વાભાવિક છે. ગુજરાતની રાજ્યવ્યવસ્થામાં કેન્દ્રસ્થાને રહેલ રાજ્યનું ઔદ્યોગિક વિકાસતંત્ર પ્રગતિશીલ અભિગમ અને ઉદાર નીતિઓ માટે જાણીતું બન્યું છે. ગુજરાતના ઔદ્યોગિક વિકાસને પોષક પરિબળોમાં નીચેનાં મુખ્ય છે : (ક) મુંબઈદિલ્હી બ્રૉડગેજ લાઇન અને તેની બરાબર સમાંતરે હાઈવેને કારણે પરિવહન માટેની સવલતોની તાત્કાલિક ઉપલબ્ધિથી મુંબઈના મુખ્ય બજાર સાથે સીધું જોડાણ; (ખ) મહીથી દમણગંગા સુધીની બધી જ બારમાસી નદીઓ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં હોવાને કારણે પાણીની મબલક ઉપલબ્ધિ તેમજ દક્ષિણ ગુજરાતમાં દરિયાકિનારો નજીક હોવાને કારણે ઉદ્યોગોના ગંદા પાણીના નિકાલની બેરોકટોક સવલત; (ગ) વલસાડ, સૂરત, ભરૂચ, વડોદરા, આણંદ, નડિયાદ  એમ લગભગ સો સો કિલોમીટરના અંતરે મોટાં શહેરો હોવાથી શિક્ષણથી માંડીને મનોરંજન સુધીની સામાજિક આંતર-માળખાકીય (infra-structure) સવલતોની પણ સરળ ઉપલબ્ધિ; (ઘ) ગુજરાતમાં વીજપુરવઠો પ્રમાણમાં સરળતાથી ઉપલબ્ધ; (ચ) શાંતિ અને સુમેળભર્યા મજૂર-સંબંધો તેમજ વેપારી મનોવૃત્તિને કારણે વેપાર-ધંધા માટે ખૂબ અનુકૂળ વાતાવરણ; (છ) રાજ્ય સરકારનો પ્રગતિશીલ અભિગમ અને પૂરેપૂરો સહકાર; (જ) ઉમરગાંવથી અમદાવાદ સુધીમાં અનેક જગ્યાએ ઔદ્યોગિક વિકાસ નિગમ દ્વારા ઔદ્યોગિક વસાહતોની સ્થાપનાને કારણે આંતર-માળખાકીય સવલતોની ઉપલબ્ધિ તેમજ (ઝ) ઔદ્યોગિક વિકાસ/ધિરાણ નિગમોના પ્રગતિશીલ અભિગમને કારણે ઔદ્યોગિક વિકાસ માટે સાનુકૂળ વાતાવરણ.

ગુજરાત અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું ત્યારે અમદાવાદ કાપડ-ઉદ્યોગ માટે, વડોદરા અને અતુલ જેવાં સ્થળો રસાયણ અને દવા-ઉદ્યોગ માટે, સૂરત જરી-ઉદ્યોગ માટે, રાજકોટ ડીઝલ-એન્જિન અને ફાઉન્ડ્રી-ઉદ્યોગ માટે, જામનગર પિત્તળના ભાગો બનાવવાના ઉદ્યોગ માટે વિકાસ-કેન્દ્રો તરીકે પ્રસ્થાપિત હતાં જ. આ વિકાસ-કેન્દ્રો અને ત્યાંનું ઔદ્યોગિક વાતાવરણ પણ ભાવિ વિકાસ ઉત્તેજવા માટે મદદરૂપ બન્યાં. આ બધું હોવા છતાંય રાજ્યનું બેતૃતીયાંશ કરતાં વધુ ઔદ્યોગિક ઉત્પાદન કાપડ અને તેની સાથે આનુષંગિક ઉદ્યોગોમાંથી થતું હતું. એટલે કાપડ-ઉદ્યોગ એ ગુજરાતનો મુખ્ય ઉદ્યોગ હતો એમ કહી શકાય. કાપડ ઉપરાંત ગુજરાતમાં જરી, કાગળ, ડીઝલ-એન્જિન, દવાઓ વગેરેનું ઉત્પાદન થતું હતું. વળી થાન અને વાંકાનેરમાં ચિનાઈ માટીનાં વાસણો અને અન્ય ઉત્પાદનો, ખંભાતમાં અકીક, સંખેડામાં ફર્નિચર, સુરેન્દ્રનગરમાં મશીનરી તેમજ અમદાવાદ અને વડોદરા જેવાં શહેરોમાં ટેક્સ્ટાઇલ મશીનરી અને તેના ભાગો જેવી ચીજવસ્તુઓનું મુખ્યત્વે ઉત્પાદન થતું હતું. સૂરતમાં પાવરલૂમ ઉદ્યોગનાં પગરણ મંડાઈ રહ્યાં હતાં અને હજુ દૂરની ક્ષિતિજે હીરા-ઉદ્યોગનો ઉદય થાય તેવી શક્યતાઓ વર્તાતી હતી. અમદાવાદમાં 74 કરતાં પણ વધુ મિલો ધમધમાટ ચાલતી હતી જેને પરિણામે કાપડ-ઉદ્યોગનું આ મહત્વનું કેન્દ્ર ભારતના માન્ચેસ્ટર તરીકે ઓળખાતું હતું.

1960ના દાયકાના ઔદ્યોગિક ગુજરાતનું આ ચિત્ર રાજ્યની સ્થાપના સાથે જ એકદમ ઝડપથી પરિવર્તિત થવા માંડે એવી જબરજસ્ત ઘટના લગભગ રાજ્યની સ્થાપનાની સાથે સાથે જ આકાર લઈ ચૂકી હતી. આ ઘટના એટલે વડોદરા નજીક કોયલી ખાતે ગુજરાત રિફાઇનરીની સ્થાપના. લગભગ ગુજરાત રાજ્યની સ્થાપનાની સાથે સાથે જ વડોદરા ખાતે આ રિફાઇનરીની સ્થાપના કરી ગુજરાતમાં અંકલેશ્વર અને ઉત્તર ગુજરાતનાં તેલક્ષેત્રોમાંથી આવતું ક્રૂડ ઑઇલ પ્રોસેસ કરવાની યોજના ઘડાઈ, જેણે ગુજરાતના ઔદ્યોગિક વિકાસનું ચિત્ર પલટાવી નાખવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. ગુજરાત રિફાઇનરીની સ્થાપનાને પગલે પગલે આ રિફાઇનરીમાંથી ઉપલબ્ધ બનનાર નૅપ્થા જેવા ફીડસ્ટૉક, નેપ્થા, બેન્ઝિન તથા અન્ય કેમિકલ ઉપર આધારિત ઇન્ડિયન પેટ્રોકેમિકલ્સ કૉમ્પ્લેક્સ, ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ, પૉલિમર કૉર્પોરેશન ઑવ્ ગુજરાત (જેને પાછળથી ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કંપનીમાં ભેળવી દેવામાં આવ્યું છે.), ગુજરાત આલ્કલી, પેટ્રોફિલ્સ, એ.બી.એસ. પ્લાસ્ટિક્સ, ગુજરાત પૉલિબ્યૂટીન્સ, પૉલિકેમ વગેરે અનેક એકમો અસ્તિત્વમાં આવ્યા. વડોદરા નગરી રાતોરાત કરવટ બદલીને દેશની એક અગ્રગણ્ય ઔદ્યોગિક નગરી તરીકે પ્રસ્થાપિત થઈ. એવું કહેવાય છે કે હજીરાનું ગંજાવર ઔદ્યોગિક રોકાણ આવ્યું ત્યાં સુધી વડોદરાથી નંદેસરી સુધીની લગભગ 20 કિલોમીટર સુધીની પટ્ટીમાં જે ઔદ્યોગિક રોકાણ થયું તે દર ચોરસ કિલોમીટરે ભારતમાં સૌથી વધારે હતું. જાપાનને બાદ કરતાં એશિયાના કોઈ દેશમાં આટલું મોટું રોકાણ થયું ન હતું. આ રીતે વડોદરા-નંદેસરી પટ્ટી આ સઘન રોકાણને કારણે દેશની મુખ્ય ઔદ્યોગિક પટ્ટી બની; એટલું જ નહિ, પણ પેટ્રોકેમિકલ્સ કૉર્પોરેશન અને તેની સાથે સંલગ્ન ઔદ્યોગિક એકમોમાંથી જે કાચો માલ ઉપલબ્ધ બન્યો તેને પરિણામે ગુજરાતમાં ડાઇઝ અને ઇન્ટરમીડિયેટ્સથી માંડીને ફર્ટીલાઇઝર અને દવાઓ સુધીની કેમિકલ અને સંલગ્ન વસ્તુઓનું મોટું ઉત્પાદન શરૂ થયું.

આ એકમોને પગલે પગલે ભરૂચ નજીક પાલેજ ખાતે ગુજરાત કાર્બન, ભરૂચ ખાતે નર્મદા વૅલી ફર્ટિલાઇઝર્સ, ત્યાંથી થોડું આગળ ગુજરાત નાયલૉન્સ, અંકલેશ્વર અને પાનોલીની ઔદ્યોગિક વસાહતોમાં એશિયન પેઇન્ટ્સથી માંડીને ફાઇઝર, ગ્લૅક્સો સુધીના અને યુનાઇટેડ ફૉસ્ફરસથી માંડીને યુનિક ફાર્માસ્યૂટિકલ્સ સુધીનાં દવાઓ, રસાયણો અને રંગનાં અનેક કારખાનાં, ટૅક્સ્ટાઇલ, વીવિંગ, ટૅક્સ્ચ્યુરાઇઝિંગ જેવી પ્રવૃત્તિ, સૂરત ખાતે હજીરા નજીક કૃભકોનું ખાતરનું કારખાનું, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો પેટ્રોકેમિકલ્સ કૉમ્પ્લેક્સ અને એસ્સાર સ્ટીલનું જંગી સ્પૉન્જ આયર્ન અને અન્ય પેદાશો બનાવતું સંકુલ, ઓલપાડ ખાતે સાયનાઇડ્સ ઍન્ડ કેમિકલ્સ, સૂરતમાં સીતુરગ્યા કેમિકલ્સ, ઉધનામાં બરોડા રેયૉન્સ અને નવીન ફ્લોરિન, અતુલ ખાતે સિબાતુલ અને અતુલના એકમો અને વાપી ઔદ્યોગિક વસાહતમાં વળી પાછા ડાઇસ્ટફ અને ઇન્ટરમીડિયેટ્સથી માંડી દવાઓ સુધીનાં અનેક એકમોને કારણે વાપીથી અમદાવાદ સુધીની પટ્ટી ઔદ્યોગિક વિકાસથી ધમધમી ઊઠી. આ પટ્ટીમાં જ અંકલેશ્વર નજીક વાલિયા ખાતે ગુજરાત ગોદરેજથી માંડી પેટ્રોફિલ્સ અને વાગરા ખાતે આઈ.પી.સી.એલ.નો બીજો પેટ્રો-કેમિકલ્સ પ્રકલ્પ ઉપરાંત કાચથી માંડી સ્કૂટર બનાવતા અનેક નાનાંમોટાં એકમો ઉમેરાયાં. નર્મદા વૅલી ફર્ટિલાઇઝર્સનું ખાતરનું કારખાનું મેથેનૉલથી માંડી ઇલેક્ટ્રૉનિક્સ સુધીના ક્ષેત્રે પ્રવૃત્ત બન્યું. હાલોલ અને કાલોલ ખાતેની ઔદ્યોગિક વસાહતો ઉપરાંત કાશીપુરા, મકરપુરા, સાવલી, ઝઘડિયા, નંદેસરી જેવી ઔદ્યોગિક વસાહતો અને છેક ખૂણામાં વિઠ્ઠલ ઉદ્યોગનગર સુધી ઔદ્યોગિક વિકાસ પ્રસર્યો. આમ રાજ્ય અસ્તિત્વમાં આવ્યું ત્યારે ઔદ્યોગિક વિકાસમાં એનો ક્રમ આઠમો હતો તેના બદલે માત્ર ત્રણ જ દાયકા જેટલા ટૂંકા સમયમાં આ રાજ્ય મહારાષ્ટ્ર પછી બીજા નંબરે આવીને ઊભું રહ્યું હતું.

કોઠો 1

ગુજરાત રાજ્યમાં ઉદ્યોગજૂથ મુજબ લઘુઉદ્યોગનોંધણીની વિગત : 1983-84થી 2005-06 સુધીની

. નં. ઉદ્યોગજૂથ વર્ષવાર લઘુઉદ્યોગ નોંધણી
198384 199091 200001 200506
1. ખાદ્ય-ઉત્પાદનનો ઉદ્યોગ 358 429 760 466
2. તમાકુ-ઉદ્યોગ 23 76 45 2
3. કાપડ-ઉદ્યોગ 1,157 1,857 689
3 (અ) ઉન રેશમ અને સાંશ્લેષિત કાપડ N.A. N.A. 607 849
3 (બ) હોઝીયરી અને ગાર્મેન્ટ્સ N.A. N.A. 2603
4. લાકડા-ઉદ્યોગ 336 368 337 135
5. કાગળ અને કાગળ બૉર્ડ 267 299 179 173
6. ચામડા-ઉદ્યોગ 47 129 71 74
7. રબર અને રબરની બનાવટ 200 412 288 206
8. રસાયણ-ઉદ્યોગ 347 753 210 151
9. કાચ, ચિનાઈ માટી અને સિમેન્ટ 336 342 231 173
10. મૂળભૂત ધાતુઓ 336 263 142 191
11. લોહ ધાતુઓ 715 798 356 406
12. મશીનરી (ઇલેક્ટ્રિકલ અને 501 982 578 262
ટ્રાન્સપૉર્ટ ઇક્વિપમેન્ટ સિવાયની)
13. ઇલેક્ટ્રિકલ મશીનરી 153 337 146 125
14. ટ્રાન્સપૉર્ટ મશીનરી અને ઇક્વિપમેન્ટ 61 128 74 43
15. સંમિશ્રિત ઉત્પાદક એકમો 234 3226
16. સમારકામ 2677 2094
17. અન્ય ઉદ્યોગો 1,005 3,058 3098 1760
કુલ 5,752 10,410 13325 10,336

Source : Socio-economic Review, 2006-07.

કોઠો 2

ગુજરાત રાજ્યમાં નોંધાયેલ લઘુ ઉદ્યોગોની સંખ્યા

કુલ નોંધાયેલ લઘુઉદ્યોગોની કુલ સંખ્યા (વર્ષના અંતે)
1985 72,479
1990 1,15,384
1995 1,78,627
2000 2,51,088
2001 2,64,668
2002 2,74,315
2003 2,86,125
2004 2,96,306
2017 3,65,609

Source : Socio-economic Review

ઔદ્યોગિક વિકાસની તરાહના વિશ્લેષણરૂપે નીચેનાં તારણો કાઢી શકાય તેમ છે :

(1) 1960માં ગુજરાત અલાયદા રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું ત્યારે લગભગ બેતૃતીયાંશ જેટલું ઔદ્યોગિક ઉત્પાદન કાપડ અને સંલગ્ન ઉદ્યોગોમાંથી થતું હતું. 2005ની સાલમાં એ ઘટીને લગભગ
33 % જેટલું થયું હતું. આમ છતાંય કાપડ અને સંલગ્ન ઉદ્યોગો ગુજરાતના મુખ્ય ઉદ્યોગો રહે છે જ અને રાજ્યના ઔદ્યોગિક વિકાસમાં એનો મોટો ફાળો છે. ગુજરાત રાજ્યની 1959 અને 196061 તેમજ 2005-06ના વર્ષની ઔદ્યોગિક પરિસ્થિતિની સરખામણી સારણી 1 અને 2માં આપી છે.

ગુજરાત રાજ્યની સ્થાપનાના અગાઉના વરસે જે ઔદ્યોગિક પરિસ્થિતિ પ્રવર્તતી હતી તે મુજબ કાપડ ઉદ્યોગ મોટામાં મોટો ઉદ્યોગ હતો. ભારતના માન્ચેસ્ટર ગણાતા અમદાવાદમાં કાપડની 71 મિલો હતી. ગુજરાતની સ્થાપના પછી એટલે કે 1961માં 2,169 લઘુ ઔદ્યોગિક એકમો નોંધાયેલા હતા, જેમની સરખામણીમાં સપ્ટેમ્બર, 2006ના રોજ નોંધાયેલ એકમોની સંખ્યા 3,12,782 જેટલી હતી. તેમાં આશરે 12.57 લાખ કામદારો રોજગારી મેળવતા હતા. ઈ. સ. 1960માં રાજ્યમાં 3649 મધ્યમ અને વિશાળ ઉદ્યોગો નોંધાયેલ હતા, તેમાં આશરે 3.46 લાખ કામદારો રોજગારી મેળવતા હતા જ્યારે ઈ. સ. 2009માં 24,453 એકમો નોંધાયેલ હતા. તેમાં આશરે 12.58 લાખ માણસોને રોજગારી પૂરી પાડવામાં આવી હતી. 201415માં રાજ્યમાં 23,433 કારખાનાં હતાં અને તેમાં 14,62,206 કામદારો રોજી મેળવતા હતા.

કોઠો 3

ગુજરાતમાં ઉત્પન્ન થતી કેટલીક મુખ્ય ઔદ્યોગિક વસ્તુઓની દેશના કુલ ઉત્પાદનમાં ટકાવારી (200809)

. નં. ઉત્પાદિત વસ્તુનું નામ ટકાવારી
1. મૅલેમાઇન 100.00
2. એ.બી.એસ. 100.00
3. પૉલિમિથાઇલ મિથેક્રિલેટ 100.00
4. સાયનાઇડ સૉલ્ટ્સ 100.00
5. પૉલિપ્રોપિલીન  99.40
6. સોડા ઍશ  93.00
7. કાપડ  34.00
8. બ્રોમીન/બ્રોમાઇડ્ઝ  74.50
9. મીઠું  67.4
10. મૅલિક એનહાઇડ્રાઇડ  61.00
11. ક્લોરોમિથેન  54.00
12. મેથેનૉલ  42.50
13. રેફ્રિજરન્ટ ગૅસ  40.00
14. ફૉસ્ફેટિક ફર્ટિલાઇઝરો  36.00
15. પ્લાસ્ટિસાઇઝરો  39.50
16. નાઇટ્રિક ઍસિડ  34.00
17. ડાઇઝ અને પિગ્મેન્ટસ  35.00
18. સ્પૉન્જ આયર્ન  33.00
19. દવા-ઉદ્યોગ  40.00
20. સિમેન્ટ અને પેટ્રોકેમિકલ્સ  60.00
21. કપાસ  35.00
22. કૉસ્ટિક સોડા  41.00

Sources :

1. Annual Survey of industries

2. Socio-economic Reviews

3. M. I. E.

(2) રાજ્યમાં થયેલ ઔદ્યોગિક વિકાસને પરિણામે રાજ્યના ઔદ્યોગિક વિકાસની તરાહ બદલાઈને  પેટ્રોરસાયણો, રાસાયણિક અને સંલગ્ન દવાઓ જેવા ઉદ્યોગો તરફની થઈ છે. એક અંદાજ મુજબ 2005ના અંત સુધીમાં પેટ્રોરસાયણો અને એના સંલગ્ન ઉત્પાદનના ક્ષેત્રે ગુજરાત દેશના કુલ ઉત્પાદનના લગભગ 60 % જેટલું ઉત્પાદન કરતું થયું છે. ગુજરાતમાં ઉત્પાદિત કેટલીક મુખ્ય વસ્તુઓ અને દેશના ઉત્પાદનમાં તેનો ફાળો જોઈએ તો મૅલેમાઇન (100 %), એ.બી.એસ. (100 %), પૉલિમિથાઇલ મિથેક્રિલેટ (100 %), સાયનાઇડ સૉલ્ટ (100 %), પૉલિપ્રોપિલીન (99.4 %), સોડા ઍશ (93 %), બ્રોમીન/બ્રોમાઇડ (74.5 %), મીઠું (67.4 %), મૅલિક એનહાઇડ્રાઇડ (61 %), ક્લોરોમિથેન(54 %), મેથેનૉલ (42.5 %), રેફ્રિજરન્ટ ગૅસ (40 %), ફોસ્ફેટિક ફર્ટિલાઇઝરો (36 %), પ્લાસ્ટિસાઇઝરો (39.5 %), નાઇટ્રિક ઍસિડ (34 %), ડાઇઝ અને પિગ્મેન્ટ (35 %)  અંદાજી શકાય.

આ ઉપરાંત ‘શ્વેત ક્રાન્તિ’થી દેશમાં જાણીતું બનેલ ગુજરાત આણંદની અમૂલ ડેરી, મહેસાણાની દૂધસાગર, સાબરકાંઠાની સાબર, બનાસકાંઠાની બનાસ તેમજ અન્ય ડેરીઓ થકી સહકારી ક્ષેત્રે દૂધ-ઉત્પાદનમાં અગ્રસ્થાને છે. મહેસાણા તેમજ અંકલેશ્વર અને ગાંધારનાં તેલ-ક્ષેત્રોને અને હજીરામાં લાવવામાં આવેલ ખનીજ તેલ અને ગૅસને પરિણામે ક્રૂડ ઑઇલ તેમજ ગૅસના ઉત્પાદનમાં પણ આ રાજ્ય મોખરાનું સ્થાન ધરાવે છે. ગુજરાત રિફાઇનરી ઉપરાંત હજીરામાં ગૅસક્રેક્ર અને જામનગર ખાતે બે રિફાઇનરીઓની સ્થાપના નિશ્ચિત રૂપે આકાર પામી છે.

દહેજ પેટ્રોકેમિકલ્સ અને કેમિકલ્સની બહોળા પ્રમાણમાં આયાત કરતા બંદર તરીકે વિકાસ પામ્યું છે. તેમાં અદ્યતન તકનીકીથી તૈયાર કરવામાં આવેલ વિશાળ ટાંકીઓમાં તેના સંગ્રહ તેમજ વિતરણની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રાજ્ય સરકારે આશરે 450 ચો.કિમીના પેટ્રોકેમિક્લ કેમિકલ્સ અને પેટ્રોલિયમ મૂડીરોકાણના વિસ્તારને વિશિષ્ટ મૂડીરોકાણ વિસ્તાર (Special Industrial Region – SIR) જાહેર કર્યો છે. તેના આયોજન અને વહીવટ માટે ગુજરાત રાજ્ય કેટલાક નિગમો અને ખાનગી કંપનીઓએ એકત્ર થઈ એક લિમિટેડ કંપનીની રચના કરી છે. ગાંધાર ક્ષેત્ર ગેસક્રેકર દ્વારા ઊર્જા પૂરી પાડે છે. દહેજ બંદરને બ્રોડગેજ દ્વારા મુંબઈ-દિલ્હી રેલમાર્ગ સાથે સાંકળી લેવામાં આવ્યું છે. નર્મદાનું પાણી પૂરતા જથ્થામાં ઉપલબ્ધ છે. પેટ્રોનેટ એલ.એન.જી. લિમિટેડે એલ.એન.જી. ટર્મિનલનો વિકાસ કર્યો છે. આ વિસ્તારમાં રિલાયન્સ, ગુજરાત આલ્કલી, ઓ.એન.જી.સી., બી.એ.એસ.એફ., ગોદરેજ, અદાણી, ટોરેન્ટ, જી.એન.એફ.સી., ઇન્ડોફીલ, ઍપોલો વગેરે કંપનીઓએ ઉદ્યોગો સ્થાપ્યા છે અથવા તો સ્થાપવાનું આયોજન કર્યું છે. તે ઉપરાંત સિમેન્ટ તેમજ લિગ્નાઇટ, ફ્લોરસ્પાર, બૉક્સાઇટ, આરસ, ગ્રૅનાઇટ, બૅન્ટોનાઇટ વગેરેનું પણ રાજ્યમાં ઉત્પાદન થાય છે.

ઈ. સ. 2001ના ભયંકર ધરતીકંપમાંથી કચ્છને પગભર કરવા માટે કેન્દ્ર અને રાજ્ય-સરકારે અનેક પ્રોત્સાહનો અને સહાય-યોજનાઓ જાહેર કરી હતી. પરિણામે સાંઘી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, ઍસોસિયેટેડ સિમેન્ટ કં. લિ., ઇન્ડિયન સ્ટીલ કૉર્પોરેશન, જી. પી. ટી. ઇન્ડસ્ટ્રીઝ, અદાણી, રેણુકા શુગર્સ વગેરેએ આશરે રૂ. 16000 કરોડનું મૂડીરોકાણ કર્યું હતું.

હીરા-ઉદ્યોગ આ રાજ્યમાં એક મુખ્ય ઉદ્યોગ તરીકે વિકસ્યો છે; જેમાં સૂરત, અમદાવાદ તેમજ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રનાં કલોલ, સિદ્ધપુર, વીસનગર, પાલનપુર, ડીસા, ગારિયાધાર, અમરેલી જેવાં કેન્દ્રોનો સમાવેશ થાય છે. જર-ઝવેરાતની બાબતમાં, આભૂષણોનાં ઉત્પાદન અને નિકાસક્ષેત્રે રાજકોટ આજે દેશમાં અગ્રસ્થાને છે.

આમ ગુજરાતના ઔદ્યોગિક વિકાસે સ્થાપના પછીના દાયકાઓમાં બહુ મોટું કાઠું કાઢ્યું છે અને વૈવિધ્યીકરણની દિશા પકડી છે. ઉપર દર્શાવેલા મુખ્ય ઉદ્યોગો ઉપરાંત છત્રાલ, અમદાવાદ, વડોદરા,  અંકલેશ્વર, સૂરત તેમજ વાપી ખાતે દવાઓ ઉપરાંત પ્લાસ્ટિક, પૉલ્યૂશન-કન્ટ્રોલ તેમજ કાગળ-ઉદ્યોગને લગતી મશીનરી બનાવવાના ઉદ્યોગો અને દક્ષિણ ગુજરાતમાં ક્રાફ્ટ-પેપર અને લખવાના કાગળ બનાવવાના ઉદ્યોગો આ ભાતીગળ ચિત્રમાં જુદા જુદા રંગ પૂરે છે. અલંગ ખાતે વહાણ ભાંગવાનો ઉદ્યોગ વિકસ્યો છે જેણે અલંગને વિશ્વના અવ્વલ નંબરના શિપબ્રેકિંગ યાર્ડનો દરજ્જો આપ્યો છે.

ઍન્યૂઅલ સર્વે ઑવ્ ઇન્ડસ્ટ્રીઝ  1988-89માંથી ઉપલબ્ધ માહિતી અનુસાર ઊન, રેશમ અને સિન્થેટિક ટૅક્સ્ટાઇલ ફાઇબર અને કૉટન ટૅક્સ્ટાઇલ જૂથ 24 %, કેમિકલ અને કેમિકલ પેદાશોનું જૂથ 23.8 %, રબર, પ્લાસ્ટિક અને પેટ્રોલિયમ પેદાશોનું જૂથ 17 %, મશીનરી અને યંત્રભાગોનું જૂથ 12.5 %, ખાદ્ય પેદાશોનું જૂથ 9.4 %, ધાતુની પેદાશોનું જૂથ 8.3 % અને કાગળની પેદાશો 7.4 % જેટલો કુલ ફાળો રાષ્ટ્રીય ઉત્પાદનમાં ધરાવતું હતું; જેને પરિણામે રાજ્યનો ઔદ્યોગિક ઉત્પાદનનો પાયો વિશાળ બન્યો હતો.

(3) ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવ્યું ત્યારે અમદાવાદથી વાપી વચ્ચે ઔદ્યોગિક રોકાણની દૃષ્ટિએ લગભગ 85 % જેટલું રોકાણ થયેલું હતું. સૌરાષ્ટ્રનો હિસ્સો લગભગ 10 %થી 12 % જેટલો હતો જ્યારે ઉત્તર ગુજરાત 3 %થી 4 % જેટલો હિસ્સો ધરાવતું હતું. ત્યાર પછી થયેલાં રોકાણોથી સૌરાષ્ટ્ર અને કચ્છના હિસ્સામાં ગણનાપાત્ર વધારો થયો છે.

(4) આ સિદ્ધિઓના કારણે અગાઉ જે આશરે 67 % વસ્તી ખેતી ઉપર નભતી હતી અને રાજ્યનું અંદાજે 51 % જેટલું આંતરિક ઉત્પાદન ખેત-આધારિત પેદાશોમાંથી આવતું હતું તેને બદલે 2011ની વસ્તી-ગણતરી પ્રમાણે 49 % જેટલી વસ્તી ખેતી-આધારિત વ્યવસાય ઉપર નભતી હતી. રાજ્યના આંતરિક ઉત્પાદનમાં ખેતીનો હિસ્સો ઘટીને 20 %થી ઓછો થઈ ગયો હતો.

ગુજરાતના ઔદ્યોગિક વિકાસને કારણે જે પરિમાણો ઊપસ્યાં છે તે મુખ્યત્વે આ મુજબ વર્ણવી શકાય : (1) ગુજરાતનો વાર્ષિક વૃદ્ધિદર 16.8 % જેટલો છે જે રાજ્યના ઝડપથી થઈ રહેલ આર્થિક/ઔદ્યોગિક વિકાસનો સૂચક છે. (2) કેન્દ્રીય આંકડાકીય સંસ્થાન(Central Statistical Organisation)ના વાર્ષિક સર્વેક્ષણ અનુસાર ગુજરાત રાજ્યમાં નોંધાયેલ કારખાનાઓમાં ઈ. સ. 2008-09 સુધીમાં કુલ ઉત્પાદકીય મૂડીરોકાણ રૂ. 2.30 લાખ કરોડ અંદાજવામાં આવ્યું હતું. (3) દેશની 4.93 % વસ્તી અને વિસ્તારની દૃષ્ટિએ 5.96 % વિસ્તાર ધરાવતું ગુજરાત દેશના કુલ ઔદ્યોગિક ઉત્પાદનમાં આશરે
15.5 % ફાળો આપે છે આમ ઉપભોક્તા-આધારિત બજાર માટે ગુજરાત એક અગ્રગણ્ય ઉત્પાદક તેમજ બજાર તરીકે ઊપસ્યું છે. (4) દેશનાં જે ચાર રાજ્યોની માથાદીઠ આવક રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઊંચી છે તેમાં ગુજરાત એક છે. (5) દેશની કુલ નિકાસમાં ગુજરાત 22 % જેટલો ફાળો આપે છે, જ્યારે ઝવેરાત અને રત્નોની નિકાસમાં ગુજરાતનો ફાળો 65 % જેટલો છે. (6) 1991-2000ના દસકાના પૂર્વાર્ધમાં પ્રાથમિક બજારમાંથી શેરમાં કરવામાં આવતાં રોકાણોમાં ગુજરાતનો ફાળો 30 % હતો. (7) અલંગ એક અગ્રગણ્ય શિપબ્રેકિંગ યાર્ડ તરીકે ઊપસ્યું છે. 1991-92માં (85 વહાણ) તોડવામાં આવ્યાં હતાં, 2010-11 દરમિયાન 415 વહાણોમાંથી આશરે 3.86 લાખ ટન ભંગાર મેળવવામાં આવ્યો હતો. (9) એશિયાની કેમિકલ ઉદ્યોગ તરીકેની મોટામાં મોટી વસાહત તરીકે અંકલેશ્વર ઊપસ્યું છે. (10) દેશની મોટામાં મોટી રિફાઇનરી કોયલી ખાતે આવેલ ગુજરાત રિફાઇનરી છે તે ઉપરાંત બે રિફાઇનરીઓ સૌરાષ્ટ્રમાં જામનગર ખાતે સ્થાપવામાં આવી છે. (11) બલ્ક ડ્રગ્ઝ અને ફૉર્મ્યુલેશન્સના ઉત્પાદનમાં લગભગ 35 % જેટલા ફાળા સાથે ગુજરાત અગ્રસ્થાને છે. આ જ રીતે ડાયસ્ટફ અને ઇન્ટરમીડિએટ્સ, પ્લાસ્ટિક પ્રોસેસિંગ, પેટ્રોકેમિકલ્સ, હીરાઉદ્યોગ, રત્નો અને આભૂષણોનો ઉદ્યોગ, ડીઝલ-એન્જિન, બ્રાસપાર્ટ, ટેક્સ્ટાઇલ્સ પ્રોસેસિંગ અને ડેરી-ઉદ્યોગમાં ગુજરાત મોખરાનું સ્થાન ભોગવે છે. (12) ખનિજ-ઉત્પાદનની દૃષ્ટિએ પણ ગુજરાતમાં અંબાજી ખાતેનો મલ્ટિમેટલ પ્રકલ્પ ઉપરાંત લિગ્નાઇટ, ફ્લૉરસ્પાર, બૉક્સાઇટ, બેન્ટોનાઇટ તેમજ સિરામિક ઉદ્યોગના ક્ષેત્રે ઘણી તકો ઉપલબ્ધ થઈ છે. રાજ્યમાં ગ્રૅનાઇટ ખનન માટેની શરૂઆત થઈ છે અને આવતાં વરસોમાં એ દિશામાં પણ સારી તકો દેખાય છે. (13) ખેતપેદાશ પર આધારિત ઉદ્યોગોની બાબતમાં ગુજરાતમાં વિશ્વના કુલ ઉત્પાદનના
60 % જેટલું એરંડાનું ઉત્પાદન થાય છે, જેમાંથી પૉલિઑલ્સ, પૉલિયુરેથીન, નાયલૉન-10, જેટ એન્જિન લૂબ્રિકન્ટ વગેરે જેવાં ઊંચી મૂલ્યવૃદ્ધિ ધરાવતાં ઉત્પાદનો બનાવવાની દિશામાં આગળ વધી શકાય. આ જ રીતે ગુવારગમ, ઇસબગુલ (દેશના કુલ ઉત્પાદનના 85 % જેટલું ગુજરાતમાં પેદા થાય છે), મગફળી (ગુજરાતનો ફાળો દેશના કુલ ઉત્પાદનના 25 % જેટલો છે), કપાસ (દેશના કુલ ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો 35 % છે.) વગેરે મુખ્ય ખેતપેદાશ ઉપરાંત તમાકુ, જીરું, વરિયાળી, રાયડો જેવા રોકડિયા પાક ગુજરાત પકવે છે. આવતાં વરસોમાં બાગાયત ઉપર આધારિત ઉદ્યોગો માટે ફળ અને શાકભાજીની જાળવણી અને પ્રક્રિયા કરીને સહકારી ક્ષેત્રે વેચાણ કરવા માટેની ફાર્મલિંક ફૅક્ટરીઝ માટે પણ અવકાશ છે. બાગાયત પર આધારિત પાકમાં ગુજરાત કેસર અને આફૂસ જેવી વિશિષ્ટ જાતો સમેત કેરીઓનું આશરે 3,00,000 ટન, પપૈયાંનું આશરે 7,22,000 ટન, કેળાંનું આશરે 35,71,600 ટન, બટાટાનું આશરે 14,49,000 ટન, ડુંગળીનું આશરે 14,00,000 ટન અને અન્ય શાકભાજીનું આશરે 8,28,000 ટન જેટલું વાર્ષિક ઉત્પાદન કરે છે. ગુજરાતમાં થતાં ફળોમાં ચીકુ, જમરૂખ, દાડમ, સીતાફળ જેવાં ફળોનો પણ સમાવેશ થાય છે અને તે શાકભાજીમાં પણ લગભગ મુખ્ય પ્રકારનાં બધાં શાકભાજી આ રાજ્યમાં પેદા થાય છે. હવે સ્ટ્રૉબેરીનું પણ ગુજરાતમાં ઉત્પાદન થવા માંડ્યું છે. આમ, બાગાયત પર આધારિત ઉદ્યોગો અને ફૂડ-પ્રોસેસિંગ ઉદ્યોગો માટે પણ ગુજરાતમાં સારી તકો છે. (14) પ્લાસ્ટિક અને ઇલેક્ટ્રૉનિક્સના ક્ષેત્રે ગુજરાતે સારી પ્રગતિ કરી છે. દોઢ દાયકા પહેલાં દેશના કુલ ઉત્પાદનનું અડધા ટકા જેટલું પણ ઇલેક્ટ્રૉનિક્સનું ઉત્પાદન ગુજરાત નહોતું કરતું તેને બદલે ગુજરાત હવે દેશના કુલ ઉત્પાદનના 4 % જેટલું ઇલેક્ટ્રૉનિક્સ વસ્તુઓનું ઉત્પાદન કરે છે. ગાંધીનગર ખાતેની ખાસ ઇલેક્ટ્રૉનિક ઔદ્યોગિક વસાહત અને ગુજરાત કૉમ્યુનિકેશન્સ ઍન્ડ ઇલેક્ટ્રૉનિક્સ લિ. જેવાં એકમોનો આમાં મોટો ફાળો છે. સૉફ્ટવેર ડેવલપમેન્ટના ક્ષેત્રે વિકાસની નવી તકો ઊભી થઈ છે. તે ઉપરાંત ઇન્ફર્મેશન ટૅક્નૉલૉજી, કૉમ્યુનિકેશન, ઑફિસ ઑટોમેશન જેવાં ક્ષેત્રે (જેમાં મૂલ્યવૃદ્ધિની તકો સારી છે.) હવે પછી વિકાસ જણાશે. (15) વધતા જતા ઔદ્યોગિક વિકાસની સાથે સાથે પ્રવાસન અને કુરિયર-સેવા, કૉમ્યુનિકેશન-સેન્ટર, બૅંકિંગ-સેવા, સેફ ડિપૉઝિટ વોલ્ટ, માહિતી પૂરી પાડતી સેવા, ઇલેક્ટ્રૉનિક્સ ગૅજિટ વગેરે માટે જાળવણી તેમજ રિપેર અંગેની સેવા જેવાં તેમજ અન્ય સેવાક્ષેત્રોમાં પણ વિકાસની નવી તકો ઊભી થશે. હોટેલ, રેસ્ટોરાં, ફાસ્ટ ફૂડ ચેન, ટ્રાન્સપૉર્ટ, એમ્યૂઝમેન્ટ પાર્ક અને પ્રવાસન સાથે સંકળાયેલ મોટેલ તેમજ હૉલિડે રિઝૉર્ટ જેવી પ્રવૃત્તિ માટે આગામી વરસોમાં નવી તકો ઊભી થશે એવાં સ્પષ્ટ એંધાણ વરતાય છે.

આમ ગુજરાતનો વિકાસ ઔદ્યોગિક ક્ષેત્રે વધુ ગતિશીલ બન્યો છે અને ગુજરાત દેશનું એક અગ્રતમ ઔદ્યોગિક રાજ્ય બન્યું છે. આની સાથે સાથે પ્રદૂષણ, દરિયાકિનારા નજીક મોટા કેમિકલ અને સંલગ્ન ઉદ્યોગો થવાને કારણે પર્યાવરણ અને જળચરસૃષ્ટિ ઉપર ભય, ઔદ્યોગિક વિકાસની પ્રવૃત્તિ માત્ર 10 %

જેટલા વિસ્તારમાં અને દરિયાકિનારાની નજીક વિકસિત હોવાને કારણે સંરક્ષણની દૃષ્ટિએ જોખમ, મોંઘું જીવનધોરણ અને આંતરમાળખાકીય સવલતો ઉપરનું ભારણ એ આ વિકાસને કારણે ઊભા થતા આવતી કાલના પડકારો હશે.

કોઠો 4 : ગુજરાત રાજ્યની ઔદ્યોગિક પ્રગતિ

1960-61 1994-95 2007-08
1. ઉત્પાદકીય મૂડી (રૂ. કરોડ)   189 39,867  196511
2. પેદાશની કિંમત (રૂ. કરોડ)   366 56,469 446429
3. ચોખ્ખી કિંમત ઉમેરતાં (રૂ. કરોડ)   108 12,359  60297
4. રોજગાર મેળવતી વ્યક્તિઓની સંખ્યા (’000)   374    773     797
5. કારખાનાંઓની સંખ્યા 3,691 19,115   15107
6. દરરોજ કામ કરતા સરેરાશ કામદારો (લાખની સંખ્યા)  3.54   8.36   10.45
7. કામ કરતી સંયુક્ત સ્ટૉકની કંપનીઓ   806 30,644   55013
8. સંયુક્ત સ્ટૉક કંપનીઓની ચૂકવાયેલી મૂડી (રૂ. કરોડ)    59   5,871 1,95,213*

* અધિકૃત મૂડી.

0 ફક્ત નોંધાયેલ કારખાનાં.

Source :        Socio-economic Reviews.

સ્રોત :  ચીફ ઇન્સ્પેક્ટર ઑવ્ ફૅક્ટરીઝ, ગુજરાત રાજ્ય

કોઠો 5 : મહત્વના લઘુઔદ્યોગિક એકમો (જૂન, 2006)

અનુ. ઉદ્યોગનો પ્રકાર એકમોની સંખ્યા ટકાવારી
 1. કાપડ  66914 21.39
 2. યંત્રો અને યંત્રસામગ્રી (વીજ સિવાય)  23792 7.61
 3. ધાતુ-ઉત્પાદન  23421 7.49
 4. ખાદ્ય વસ્તુઓ  16467 5.26
 5. રસાયણ અને રાસાયણિક બનાવટો  15553 4.97
 6. કાષ્ઠ-વસ્તુઓ  13498 4.32
 7. રબર અને પ્લાસ્ટિક બનાવટો  11780 3.77
 8. બિનધાતુકીય ખનિજની વસ્તુઓ  11345 3.63
 9. મૂળ ધાતુ ઉદ્યોગ   8795 2.81
 10. કાગળ અને છાપકામ   8244 2.64
 11. ઇલેક્ટ્રિકલ યંત્રો અને સાધનો   6451 2.06
 12. પરિવહનનાં સાધનો અને ભાગ   2944 0.94
 13. ચર્મવસ્તુઓ   2476 0.79
 14. પીણાં, તમાકુ અને તમાકુની વસ્તુઓ   1455 0.47
 15. અન્ય 99647 31.86
કુલ 3,12,782 100

Sourec : Socio-economic Reviews.

ઈ. સ. 2004-05માં કરવામાં આવેલ ‘વાર્ષિક ઔદ્યોગિક સર્વેક્ષણ (Annual Survey of Industries) અનુસાર રાજ્યમાં આશરે 13,600 મધ્યમ અને વિશાળ ઉદ્યોગોમાં અંદાજે રૂ. 1,23,000 કરોડનું મૂડીરોકાણ કરવામાં આવ્યું હતું. સ્થાયી અસ્કામતોમાં મૂડીરોકાણ આશરે 3,87,000 કરોડ હતું. આ ઉદ્યોગે અંદાજે રૂ. 2,80,000 કરોડનું ઉત્પાદન કર્યું હતું. રૂ. 36,000થી વધુ રકમની મૂલ્યવૃદ્ધિ કરી હતી. તેમણે અંદાજે 6.07 લાખ માણસોને રોજગારી પૂરી પાડી હતી.

2014-15માં કરવામાં આવેલા વાર્ષિક ઔદ્યોગિક સર્વેક્ષણ પ્રમાણે રાજ્યમાં કારખાનાંની સંખ્યા વધીને 23433 થઈ હતી. કારખાના વિભાગમાં ચોખ્ખી મૂલ્યવૃદ્ધિ રૂ. 169668 કરોડની થઈ હતી. કારખાના-વિભાગમાં થયેલા ઉત્પાદનનું રૂ. 1270125નું હતું. સ્થાયી અસ્કામતોમાં રૂ. 437702 કરોડનું મૂડીરોકાણ થયેલું હતું. કારખાના વિભાગમાં 2014-15માં 14.62 લાખ લોકો રોજગારી મેળવતા હતા.

2014-15માં કરવામાં આવેલી ઉદ્યોગોની વાર્ષિક મોજણી પ્રમાણે સમગ્ર દેશના કારખાના-વિભાગમાં ગુજરાતનો હિસ્સો આ પ્રમાણે હતો : કારખાનાંની સંખ્યા : 10.17 ટકા, ઔદ્યોગિક રોજગારી : 10.53 ટકા, સ્થાયી અસ્કામતો : 17.69 ટકા, ઔદ્યોગિક ઉત્પાદન : 18.45 ટકા, કારખાના-વિભાગમાં થયેલી મૂલ્યવૃદ્ધિ : 17.40 ટકા.

રાજ્યમાં સૌથી વધુ મૂડીરોકાણ (આશરે 31 ટકા) રીફાઇનરી, પેટ્રોકેમિકલ્સ વિજાણુ, ઊર્જા અને કોલસાના ક્ષેત્રોમાં થયું હતું. રસાયણો અને રાસાયણિક વસ્તુઓનાં કારખાનાઓમાં આશરે 27 ટકા મૂડીરોકાણ થયું હતું. મૂળભૂત ધાતુઓના ઉદ્યોગમાં 10 ટકા, કાપડ ઉદ્યોગમાં 8 ટકા અને બીનધાતુઓ વસ્તુઓના ઉદ્યોગોમાં 7 ટકા મૂડીરોકાણનો અંદાજ કરવામાં આવ્યો હતો.

આશરે 24 ટકા કારખાનાં કાપડ-ઉદ્યોગ માથે સંકળાયેલ હતાં. રસાયણો અને રાસાયણિક વસ્તુઓનું ઉત્પાદન કરતાં કારખાનાં 18 ટકા જેટલાં હતાં. બિનધાતુકીય વસ્તુઓમાં ઉત્પાદનમાં આશરે 7 ટકા કારખાનાં સંકળાયેલ હતાં.

સૌથી વધુ રોજગારી (આશરે 22 ટકા) રસાયણો અને રાસાયણિક વસ્તુઓના ઉદ્યોગમાં, આશરે 21 ટકા કાપડ-ઉદ્યોગમાં, બિનધાતુકીય ખનિજ વસ્તુઓમાં 15 ટકા હતી. ખાદ્યવસ્તુઓ અને પીણામાં આશરે 6 ટકા માણસોને રોજગારી પૂરી પાડવામાં આવી હતી.

ગુજરાત રાજ્યની શુદ્ધ ઘરેલુ ઉત્પાદનની માહિતી નીચેની સારણીમાં પ્રસ્તુત કરવામાં આવી છે.

કોઠો 6 : ગુજરાત રાજ્યનું શુદ્ધ ઘરેલુ ઉત્પાદન (ચાલુ કિંમતે)

NET STATE DOMESTIC PRODUCT (NSDP) (at currunt-Prices)

ક્રમ નં. ઔદ્યોગિક પ્રૂથ એકમ* રૂ. કરોડમાં 1970-71 1980-81 1990-91 2000-01 2009-10*
1. ખેતી, જંગલો, મત્સ્ય 1071 2,672 7,957 170,90 72,172
ખનિજ, ખનન વગેરે (48.90 %) (40.8 %) (32.8 %) (19.0 %) (19.5 %)
1.1 તેમાં ખેતી અને ’’ 2,434 6,462 13,597 55 522
     પશુપાલન (37.2 %) (26.6 %) (15.1 %) (15.0 %)
2. ઉત્પાદન, ગૅસ, વીજળી, ’’ 456 1,784 7,588 29,333 1,23,207
પાણી પુરવઠો, બાંધકામ વગેરે. (20.82 %) (27.3 %) (31.2 %) (32.6 %) (33.3 %)
2.1 તેમાં ઉત્પાદન ’’ 1,354 5,910 22,434 84,654
(20.7 %) (24.3 %) (25 %) (22.9 %)
3. વ્યાપાર, હોટલ, રેસ્ટોરાં, ’’ 382 892 4,357 18,542 1,02,213
પરિવહન, જાહેર પ્રશાસન, (17.45 %) (13.6 %) (17.9 %) (20.6 %) (27.6 %)
સંચાર, સેવા વગેરે.
4. બકિગ, વીમો, રહેઠાણો, ’’ 115 675 2,193 12,076 43,453
સ્થાવર મિલકતો અને (5.25 %) (10.3 %) (9.1 %) (13.4 %) (11.7 %)
વ્યાપારી સેવાઓ
5. જાહેર પ્રશાસન અને ’’ 166 524 2,190 12,076 29,445
અન્ય સેવાઓ (8.0 %) (9.0 %) (14.3 %) (7.9 %)
3 + 4 + 5નો ગૌણ ’’ 663 2091 8,740 43,454 1,75,021
સરવાળો (30.28 %) (31.9 %) (36.0 %) (48.3 %) (47.2 %)
6. કુલ ’’ 2190 6,547 24,285 89,877 3,70,400
(100 %) (100 %) (100 %) (100 %) (100 %)
7. માથાદીઠ સરેરાશ આવક  (રૂપિયામાં) 829 1,940 5,917 17,938 63,961

* અંદાજ

સ્રોત : સોશિયો-ઇકૉનૉમિક રિવ્યૂ.

રાજ્યના ઔદ્યોગિક વિકાસનો પાયો સ્થપાયા પછી ઈ. સ. 1970-71થી ઈ. સ. 2009-10 દરમિયાન રાજ્યે ખેતી, ઉદ્યોગ, સેવા વગેરે ક્ષેત્રોમાં ગણનાપાત્ર પ્રગતિ કરી છે. કુલ ઉત્પાદન ઈ. સ. 1970-71માં રૂ. 2190 કરોડ હતું. તે ઈ. સ. 2009-10માં વધીને રૂ. 3,70,400 કરોડ થયું હતું.

ખેતી વગેરે ક્ષેત્રમાં ઈ. સ. 1970-71 દરમિયાન ઉત્પાદન રૂ. 1,071 (48.9 ટકા) અંદાજવામાં આવ્યું હતું. તે ઈ. સ. 2009-10માં વધીને રૂ. 3,72,172 કરોડ (19.5 %) થયું હતું; પરંતુ ટકાવારીમાં ઘટાડો નોંધાયો હતો.

ઉદ્યોગ વગેરે ક્ષેત્રોમાં તે જ સમયગાળા દરમિયાન ઉત્પાદન રૂ. 456 કરોડ (20.82 ટકા)થી વધીને રૂ. 1,23,207 કરોડ (32.3 %) થયું હતું.

જ્યારે સેવા, બૅંકિગ અને અન્ય ક્ષેત્રોમાં રૂ. 663 કરોડ (30.28 ટકા)થી વધીને રૂ. 1,75,021 કરોડ (47.2 ટકા) થયું હતું.

રાજ્યના ઘરેલુ શુદ્ધ ઉત્પાદનમાં (NSDP) કૃષિ વગેરે ક્ષેત્રોનો હિસ્સો ઈ. સ. 1970-71માં 48.9 ટકા હતો જે ઘટીને ઈ. સ. 2009-10માં 19.5 ટકા થયો હતો. ઉદ્યોગ વગેરે ક્ષેત્રોનો ફાળો 20.82 ટકાથી વધીને 33.3 ટકા થયો હતો. જ્યારે બૅંકિંગ સેવા વગેરે અન્ય ક્ષેત્રોનો હિસ્સો 30.28 ટકાથી વધીને 47.2 ટકા થયો હતો.

રાજ્યના નાગરિકોની માથાદીઠ આવક ઈ. સ. 1970-71ના રૂ. 829થી વધીને ઈ. સ. 2009-10માં રૂ. 63,961 થઈ હતી.

જયનારાયણ વ્યાસ

ગૃહઉદ્યોગો

ગુજરાત પ્રાચીન કાળથી પટોળું, મશરૂ, કિનખાબ, અકીકની વસ્તુઓ, વિવિધ પ્રકારનું ભરતકામ, રંગાટી કામ, લાકડાનું કોતરકામ વગેરે માટે જાણીતું હતું.

પટોળું : પટોળાં માટે ઉત્તર ગુજરાતમાં આવેલ પાટણ પ્રખ્યાત છે. ‘પટ્ટકૂલ’ ઉપરથી આ શબ્દ બન્યો છે. કુમારગુપ્ત પહેલાના સમયના દશપુરના (મંદસોર) લેખમાંથી જણાય છે કે લાટ પ્રદેશમાંથી સ્થળાંતર કરી ત્યાં જઈ વસેલા પટ્ટવાયો(પટવા  પટોળા વણનાર કારીગરો)ની શ્રેણીએ ઈ. સ. 436માં ત્યાં (દશપુર) સૂર્યમંદિર બંધાવ્યું હતું. કુમારપાળના સમયમાં (ઈ. સ. 1142-1173) સોલંકીકાળ દરમિયાન પાટણમાં, પટોળાં વણનારા 700 કારીગરો હતા. હાલ પાટણમાં કસ્તૂરચંદ અને બીજું એક જ કુટુંબ પટોળાં બનાવે છે. આ કળા પુત્ર અને પુત્રવધૂને વંશપરંપરાથી શિખવાડાય છે. મિલોમાં સ્પ્રે કામ શરૂ થતાં અને જૉર્જેટ અને સિન્થેટિક  સાડીનું ઉત્પાદન થતાં પટોળાંના ઉદ્યોગને ફટકો પડ્યો હતો. આ કળાનું શિક્ષણ લેનાર માટે સરકારે સ્કૉલરશિપ પણ જાહેર કરી છે.

મશરૂ : આ કાપડ બનાવવા કૃત્રિમ રેશમનો તાણો અને સૂતરનો વાણો હોય છે. હીમરુંમાં સૂતરના તારનો વાણો હોય છે. 1940માં પાટણમાં મશરૂની 500 સાળ હતી અને રૂ. 2 લાખનું કાપડ તૈયાર થતું હતું. પાટણ, સૂરત અને ઊંઝામાં આ કાપડ તૈયાર થતું હતું. 1975માં 1,000 કારીગરો આ ઉદ્યોગમાં રોકાયેલા હતા. પાટણમાં ખત્રીના 100 અને શેખના 100 કારીગરો મશરૂનું કાપડ તૈયાર કરતા હતા. પાટણમાં મશરૂના કારીગરોની સહકારી મંડળી હતી.

કિનખાબ : મુઘલકાળથી સોનેરી અને રૂપેરી જરીમાંથી બનતું રેશમી કાપડ કિનખાબ તરીકે ઓળખાય છે. અમદાવાદ, સૂરત, વડોદરા, ખંભાત, પાટણ, વીસનગર, મગરોડા, ઊંઝા, ઉપેરા અને ગોઝારિયા આ કાપડનાં ઉત્પાદનકેન્દ્રો હતાં. આ કાપડ ભારતનાં ભૂતપૂર્વ રાજવી કુટુંબો અને મેમણ કોમ વધુ વાપરતાં હતાં. ગુજરાતના સુલતાનોના સમયમાં કિનખાબના તંબુઓ બનતા હતા. હાલ સૌરાષ્ટ્રમાં રજવાડાં નષ્ટ થતાં અને મેમણ કોમે સ્થળાંતર કરતાં કિનખાબની ખપત અને ઉત્પાદન બંને ઘટી ગયાં છે.

સુજની : ભરૂચમાં તેનો ઉદ્યોગ છે. એક પણ ટાંકો લીધા વિના વણાટની સાથે વચ્ચે રૂ ભરવામાં આવે છે. આ એક પ્રકારની ટાંકા વિનાની રજાઈ છે.

તણછાંઈ : આ ખાસ પ્રકારનું કાપડ સૂરતની વિશિષ્ટતા છે. રેશમી કાપડ ઉપર એક બાજુ સિંહ, હાથી વગેરેની ભાત છાપવામાં આવે છે.

અકીકની વસ્તુઓ : અકીકના પથ્થર ભરૂચ જિલ્લાના રતનપુર પાસેની બાવા ઘોરની ખાણમાંથી મળે છે. મોરબી, રાણપુર અને માઝુમ નદીના પટમાંથી હલકી જાતના પથ્થરો (mossagate) મળે છે. અકીકની વસ્તુઓ બનાવવાનો ઉદ્યોગ પ્રાચીન કાળથી પ્રથમ વલભી અને પછી ખંભાતમાં પ્રચલિત હતો.

જરીકસબ : જરીકસબના ઉદ્યોગ માટે સૂરત જાણીતું હતું. આ સિવાય અમદાવાદ અને જામનગર પણ જરીઉદ્યોગ માટે જાણીતાં હતાં. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પણ તેના થોડા કારીગરો હતા.

આ ઉદ્યોગમાં કાચા માલમાં રેશમી દોરા, ચાંદી અને સોનું મુખ્ય હતું. સૂરતમાં તેનાં 1,800 જેટલાં નાનાંમોટાં કારખાનાંમાં 30,000 લોકો કામ કરતા હતા. કિનખાબ અને મખમલ ઉપર સોનેરી અને રૂપેરી તારથી ભરતકામ થતું હતું.

સાચી સોના-ચાંદીની જરીનું સ્થાન સિન્થેટિક દોરાઓએ લીધું છે. ચીન, કોરિયા અને જાપાનથી એમ્બ્રોઇડરી મશીનોની મોટી સંખ્યામાં આયાત કરવામાં આવી છે. તેણે પુરાણા જરી-ઉદ્યોગનું સ્થાન લીધું છે. આ ઉદ્યોગ સૂરતમાં વિકાસ પામ્યો છે.

ભરતકામ : ભરતકામનું ઉદ્ગમસ્થાન બલૂચિસ્તાન અને અફઘાનિસ્તાન છે. ત્યાંથી પંજાબ અને સિંધ દ્વારા સૌરાષ્ટ્ર અને કચ્છમાં તે પ્રચલિત બનેલ છે. સૌરાષ્ટ્રના ભરતકામમાં હોલૅન્ડ વગેરે યુરોપીય દેશો અને ભારતના સિંધ, પંજાબ, બંગાળ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનની અસર જણાય છે. ઓખામંડળના વાઘેર રામસિંહ માલમે હોલૅન્ડમાં રહીને આ કામ શીખીને કચ્છના માંડવીના મોચી કારીગરોને તાલીમ આપી હતી.

આ કામ કરનારાઓ કચ્છ અને સૌરાષ્ટ્રની મોચી, જત, મતવા, લોહાણા, આહીર, મેર, કાઠી, રબારી, કણબી, સથવારા, ઓસવાળ વણિક વગેરે કોમો છે. સિંધી બહેનો પણ આ કામ સારું કરે છે.

મોચી ભરત : કચ્છમાં મોચી ભરતનું કામ કરનારાઓ માંડવીના મોચી અને ખાવડા તથા બન્નીના મતવા અને જત છે. આ ભરત આરી ભરત તરીકે પણ ઓળખાય છે. સાટીન કે રેશમી ગજી, અતલસ, કાશ્મીરી કે યુરોપીય ગરમ કાપડ ઉપર હીરના રંગીન દોરા અને સોનાના ઝીણા તારથી આ ભરત કરવામાં આવે છે. ક્યારેક કુમળાં ચામડાં ઉપર પણ આ ભરત ભરાય છે.

કાઠી ભરત : સૌરાષ્ટ્રમાં કાઠી કોમની બહેનો હાથવણાટના કાપડ ઉપર ઢોલામારુ, વાછડા દાદા (વત્સરાજ સોલંકી), કૃષ્ણલીલા, રામાયણના પ્રસંગો, વિવિધ પ્રાણીઓ અને પક્ષીઓ, ફૂલગોટા, કાંગરા વગેરેની ભાત ઉપસાવે છે. કાઠી કોમમાં લગ્નના પ્રસંગે દીકરીને આણામાં ભરત ભરેલ ઘાઘરા, ચાકળા, તોરણ, ટોડલિયાં, દીવાલ ઉપરના પડદા વગેરે અપાય છે.

આહીર ભરત : આહીર કોમના ભરતકામ ઉપર કાઠી ભરતની અસર છે. પીળા પોત ઉપર પોપટ, બુલબુલ, પૂતળીઓ વગેરેની આકૃતિઓ ઉપસાવાય છે. આભલાનો પણ ઉપયોગ થાય છે. ચાકળા, તોરણ, પડદા, ટોડલિયાં, કાપડું અને ચોળી ઉપર આ ભરત ભરાય છે. જૂનાગઢ જિલ્લો આ ભરત માટે જાણીતો છે.

કણબી ભરત : ભાવનગર જિલ્લામાં ગારિયાધાર પંથકમાં કણબી સ્ત્રીઓ ઘાઘરા, ચોળી, ચંદરવા, બારસાખિયાં, થેલી, બળદની ઝૂલ, ઓશીકાના ગલેફ વગેરે ઉપર આ ભરત ભરે છે. લાલ કે ભૂરા રંગના જાડા કાપડ ઉપર આ ભરતકામ થાય છે. ચણિયાના ભરતકામમાં આભલાંનો ઉપયોગ થાય છે. લગ્ન પ્રસંગે આ ભરત ભરેલાં કપડાં અપાય છે.

મહાજન ભરત : વાગડ અને ભુજમાંડવીના ઓસવાળ વણિકો, સોની વગેરે ભૌમિતિક ડિઝાઇનો, હીરાચોકડી ભાતનો ભરતકામમાં ઉપયોગ કરે છે. ગલેફ, ટોડલિયાં, ચાકળા અને ભીંતિયાં ઉપર તેઓ ભરત ભરે છે.

મોતીભરત : મોતીનાં તોરણ, ઈંઢોણી, નારિયેળ, પંખા, ચોપાટ, ઢીંગલી, ચાકળા, ચંદરવા ભરવાનું કામ અમરેલી જિલ્લાના કાઠી વસ્તીવાળાં ગામોમાં થાય છે. અન્ય કોમોમાં પણ દીકરીને મોતીભરેલી ઈંઢોણી તથા પંખો અપાય છે. મોતી-ગૂંથણીના એક મોતી અને ત્રણ મોતી-ગૂંથણ એવા બે પ્રકાર છે. સૌરાષ્ટ્રમાં સ્ત્રીઓ નવરાશના સમયમાં ભૂંગળી અને મોતીવાળું તથા માત્ર મોતીવાળું તોરણ બનાવે છે.

રંગાટી કામ : આ કામ માટે જામનગર, જેતપુર, ગોંડળ, રાજકોટ, ભાવનગર, અમરેલી, શિહોર, વડોદરા, બગસરા, ભુજ, માંડવી, અંજાર, સૂરત, નવસારી, ગણદેવી, વલસાડ, બારડોલી, ચીખલી વગેરે જાણીતાં છે. કચ્છમાં રંગબેરંગી ચૂંદડી, સાફા, શિરક, રૂમાલ, ઉપરણાં, ચાદરો વગેરેનું રંગાટી કામ થાય છે. ચોબારી તથા લખપતનું અજરખ લાલ ભૂમિકા ઉપર ભૂરા રંગના છાપકામવાળું કાપડ છે. જામનગરની બાંધણી વખણાય છે. જેતપુરમાં સાડીનાં નાનાંમોટાં 700 કારખાનાં છે. ભાદર નદીનું પાણી રંગકામ માટે ખૂબ જ ઉપયોગી છે. શિહોર અને અમરેલીમાં ખેડૂત અને ગ્રામજનતાને અનુકૂળ પડે તેવું કાપડ છપાય છે. મહેસાણા જિલ્લામાં કડી અને ગાંધીનગર જિલ્લામાં પેથાપુર આ કામ માટે જાણીતાં હતાં. છાપકામ માટે બ્લૉક, સ્ક્રીન તથા યંત્રનો ઉપયોગ કરાય છે. રંગાટી કામ માટે મિલનું વાયલ, મલમલ, લોન, કેમ્બ્રિક તથા પાવરલૂમ અને હૅન્ડલૂમનું કાપડ વપરાય છે. લઘુ અને ગૃહઉદ્યોગ તરીકે આ ઉદ્યોગનો વિકાસ થયો છે.

લાકડાનું કોતરકામ : લાકડાના કોતરકામ માટે ઓગણીસમી સદીમાં અમદાવાદ પ્રખ્યાત હતું. જૂના કોતરકામવાળાં મકાનો હાલ પણ અમદાવાદ, પાટણ, સિદ્ધપુર, પાલનપુર, ખેડા, ખંભાત, સૂરત વગેરેમાં જોવામાં આવે છે. જૂના કોતરકામવાળા ઝરૂખા, ટેકણિયા, ટોડલા, બારસાખ, બારણાં વગેરે તેની સાક્ષી પૂરે છે.

સૂરતમાં ચંદનની લાકડાની પેટી ઉપર રામાયણનાં અને સમુદ્રમંથનનાં દૃશ્યો વગેરે કોતરવામાં આવતાં હતાં. હાથીદાંતની પેટી, ઘરેણાંની પેટી, સિગારેટ-કેસ. લાકડા કે હાથીદાંતની વિવિધ મૂર્તિઓ ગુજરાતના સુથારો બનાવતા હતા. જૈન અને વૈષ્ણવ મંદિરોમાં પૂતળીઓ, દ્વારપાળ વગેરે જોવા મળે છે. વિસનગર અને વાંસદામાં ઊંટ, ભેંસ વગેરે પ્રાણીઓની આબેહૂબ આકૃતિઓ બનતી હતી. સ્વામિનારાયણ મંદિરોમાં ડોરિયન અસરવાળા સ્તંભો ઉપર માળાના બેરખા, સ્વસ્તિક, ચોકડી, પક્ષીઓ વગેરે કોતરાયાં છે. મૂળી અને વઢવાણનાં સ્વામિનારાયણ મંદિરોનું કથામંડપનું કોતરકામ પ્રેક્ષણીય છે. સંખેડા, ધોરાજી અને જૂનાગઢમાં કલાઈ અને લાખમિશ્રિત રંગવાળાં બાજોઠ, ઝૂલો, ઢોલિયો, ઘોડિયું, સોફાસેટ, વેલણ વગેરે બને છે. મહુવામાં નાની પેટીઓ બનાવવામાં આવે છે. ભાવનગરમાં પટારા બને છે. ખેડા અને વસોમાં દવેની તથા દરબાર ગોપાળદાસની હવેલીનું કોતરકામ સુંદર છે. રમકડાં, હગર, વેલણ વગેરે બનાવનાર ખરાદી કે સંઘાડિયા તરીકે ઓળખાય છે. ગોધરા, ઈડર, અમદાવાદ, સૂરત, લૂણાવાડા, પાલનપુર, વાડાસિનોર, મોડાસા, સંતરામપુર, સંખેડા, પાટણ, મહુવા, જૂનાગઢ અને ભાવનગર આ ગૃહઉદ્યોગનાં કેન્દ્રો છે.

ધાતુકામ : ધાતુકામ માટે શિહોર, વઢવાણ, ધ્રાંગધ્રા, જામનગર, વીસનગર, નડિયાદ, વડોદરા, ડભોઈ, નવસારી વગેરે જાણીતાં છે. અહીં ત્રાંબું, પિત્તળ, કાંસું અને સ્ટેનલેસ સ્ટીલનાં વિવિધ વાસણો બને છે. કાંસાનાં વાસણોનો ઉપયોગ ખૂબ જ મર્યાદિત રહ્યો છે. જામનગર અને કચ્છનાં અંજાર, માંડવી, ભુજ, રોહા, કોઠારા વગેરે સૂડી, ચપ્પુ, તાળાં વગેરેની બનાવટ માટે જાણીતાં છે. જામનગરનાં સૂડી, તરવારની મૂઠ તથા ગુલાબનાં તાળાં જાણીતાં છે. સૂડી ઉપર કલાત્મક કોતરણી જોવા મળે છે. લીંબડી, ઓલપાડ અને મોટી પાનેલીમાં સૂડીઓ બને છે. વડનગર, ઉમરેઠ અને પીજમાં અસ્ત્રા અને ચપ્પુ બને છે. પિત્તળની દેવદેવીઓની મૂર્તિઓ, જૈન તીર્થંકરની મૂર્તિઓ વગેરે ઘોઘામાં બનતી હતી. ઢાળાની આરતી, દીવી, રામ અને કૃષ્ણલીલાને રજૂ કરતા કાંસા-તાંબા-પિત્તળના કળશો, પૂતળીઓવાળી હીંચકાની સાંકળો, પાનદાની, સુરાહી, પાણીનો કૂજો વગેરે હજી જૂની ધાતુકલાના નમૂનારૂપે સચવાઈ રહ્યાં છે. વળી ખેતીકામ માટે ઉપયોગી ઓજારો બનાવાતાં હતાં. હાલ તેઓ કબાટ, ટેબલ વગેરે લોખંડનું ફર્નિચર અને યંત્રોના વિવિધ ભાગો બનાવે છે. જામનગરમાં બ્રાસ-ઉદ્યોગનો વિકાસ થયો છે.

રાજકોટ અને કચ્છમાં ભુજ સોનાચાંદીનાં કલાત્મક આભૂષણો માટે જાણીતાં છે. રાખદાની, પાનદાની, ફૂલદાની, અત્તરદાની વગેરે કચ્છમાં સરસ બને છે. રાજકોટમાં મીનાકામવાળાં, હીરામોતી જડેલાં આભૂષણો બને છે અને તેની મધ્યપૂર્વ અને યુરોપ અને અમેરિકાના દેશોમાં નિકાસ થાય છે.

માટીકામ : નળિયાં અને ઈંટો, માટલાં, કુલડી, કોડિયાં સદીઓથી કુંભારો બનાવતા આવ્યા છે; પણ હવે રમકડાં, કલાત્મક કૂજાઓ, ટાઇલ્સ, રકાબી-પ્યાલા વગેરે પણ ગુજરાતમાં બને છે. કુંભારના બનાવેલા ગોળા ઉપર સફેદ ખડીની ડિઝાઇનો જોવા મળે છે. થાન, શિહોર, વાંકાનેર, મોરબી, બીલીમોરા વગેરેમાં ચિનાઈ માટીનાં રકાબી-પ્યાલા, બરણી, ગ્લેઝવાળા માટીના વાટકા અને ઈંટો, સૅનિટરી વેર વગેરે બનાવાય છે. પતરાળાં-પડિયા અને પાપડ-વડી તથા ચૉક જેવા ગૃહઉદ્યોગો મધ્યમવર્ગના આર્થિક ટેકારૂપ પણ બને છે. પ્રાચીન કાળથી ચાલી આવતી ગૃહઉદ્યોગોની પરંપરા હજી પણ ગુજરાતમાં જીવંત છે અને આ લઘુ અને ગૃહઉદ્યોગોની વસ્તુઓની નિકાસ દ્વારા કીમતી હૂંડિયામણ પણ મળે છે.

શિવપ્રસાદ રાજગોર

વાહનવ્યવહાર

માર્ગો

ગુજરાતમાં આઝાદી પૂર્વે રસ્તાનું પ્રમાણ ઘણું કંગાળ હતું; કારણ કે ગુજરાતમાં ભારતનાં અર્ધાં જેટલાં રજવાડાંઓને રસ્તા બાંધવામાં રસ ન હતો. તેમાંનાં મોટાં દેશી રાજ્યોએ આવકની દૃષ્ટિએ રેલવેના વિકાસ તરફ વધારે લક્ષ આપ્યું હતું. વળી પરદેશી રેલવે-કંપનીને રસ્તાનો વિકાસ રૂંધવામાં રસ હતો.

1943માં નાગપુર યોજના ઘડાઈ અને ગુજરાત માટે 38,921.6 કિમી. રસ્તાનો લક્ષ્યાંક નક્કી કરાયો, તે પૈકી 15,616 કિમી.ના પાકા અને 21,305.6 કિમી.ના કાચા રસ્તાનો સમાવેશ કરાયો હતો. 1947-48માં 7,622 કિમી.ના રસ્તા હતા. દર સો ચોકિમી.દીઠ આ પ્રમાણ માત્ર ચાર કિમી. હતું. 1956માં પ્રથમ યોજનાને અંતે 896 કિમી. પાકા અને 9,000.08 કિમી. કાચા રસ્તા હતા. બીજી યોજનાને અંતે માર્ચ 1961માં રાજ્યની સ્થાપના-સમયે કુલ 22,629 કિમી.ના રસ્તા હતા. દર સો ચોકિમી.દીઠ આ પ્રમાણ 12.4 કિમી. થયું હતું. 1961માં પૂર્ણ થતી નાગપુર યોજનાના લક્ષ્યાંક કરતાં 45 % રસ્તા ઓછા બંધાયા હતા.

1961થી 1981ની બીજી 20 વર્ષની યોજના દરમિયાન 3,602 કિમી. રાષ્ટ્રીય ધોરી માર્ગ; 6,168 કિમી. રાજ્ય ધોરી માર્ગ; 14,382 કિમી. જિલ્લાના મુખ્ય માર્ગ; 16,441 કિમી. જિલ્લાના અન્ય માર્ગો તથા 17,035 કિમી. ગ્રામમાર્ગોનું આયોજન વિચારાયું હતું. કુલ 67,628 કિમી. લાંબા રસ્તાનું બાંધકામ હાથ ધરવાનું હતું, પણ 197980માં ખરેખર 1,435 કિમી.ના રાષ્ટ્રીય ધોરી માર્ગો, 9,097 કિમી.ના રાજ્ય ધોરી માર્ગો; 10,542 કિમી.ના જિલ્લાના મુખ્ય માર્ગો; 20,591 કિમી.ના જિલ્લાના અન્ય માર્ગો અને 13,463 કિમી.ના ગ્રામમાર્ગો બંધાયા હતા. કુલ 45,108 કિમી.ના રસ્તા બંધાયા હતા. રસ્તાની બાબતમાં ભારતનાં 19 રાજ્યો પૈકી ગુજરાતનો ક્રમ અઢારમો હતો. 1961માં રસ્તાનું પ્રમાણ 22,629 કિમી. હતું, તે વધીને 1981માં 47,426 કિમી. થયું હતું. દર સો ચોકિમી.દીઠ રસ્તાનું પ્રમાણ 24 કિમી. થયું હતું.

ગુજરાત રાજ્યમાં રસ્તાઓની લંબાઈ (કિમી.)

અનુ. વર્ષ રાષ્ટ્રીય રાજ્ય ધોરી માર્ગ જિલ્લાના ધોરી માર્ગ અન્ય મુખ્ય રસ્તાઓ ગામડાંના જિલ્લાના રસ્તાઓ કુલ
 1. 1980 1,435 9,097 10,542 10,751 13,463 45,108
 2. 1990 1,572 16,430 21,931 10,022 15,610 65,565
 3. 2000-01 2,382 19,129 20,964 10,577 20,567 73,619
 4. 2007-08 3,244 18,447 20,564 10,352 21,505 74,112
 5. 2015-16 4,979 17,203 20,454 10,252 27,756 79,894

Source :        Socio-economic Reviews.

રસ્તાના પ્રકાર : નાગપુર યોજના પ્રમાણે રાષ્ટ્રીય ધોરી માર્ગ, રાજ્ય ધોરી માર્ગ, જિલ્લાના મુખ્ય ધોરી માર્ગ, જિલ્લાના અન્ય માર્ગ અને ગ્રામમાર્ગ – એમ પાંચ વર્ગો નક્કી કરાયા હતા.

રાષ્ટ્રીય ધોરી માર્ગો રાજ્યની રાજધાની, મુખ્ય બંદરો, ઔદ્યોગિક કેન્દ્રો અને યાત્રાધામોને સાંકળે છે. રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 8 મુંબઈ–અમદાવાદ–દિલ્હીને જોડે છે. ગુજરાતમાં તેની લંબાઈ 576 કિમી. છે. 372 કિમી. લાંબો રાષ્ટ્રીય ધોરી માર્ગ 8A અમદાવાદ–કંડલાને જોડે છે. 219 કિમી. લાંબો 8B રાષ્ટ્રીય ધોરી માર્ગ બામણબોર–પોરબંદરને સાંકળે છે. ચિલોડા–ગાંધીનગરનો 8C માર્ગ 44 કિમી. લાંબો છે. કંડલાથી રાજસ્થાન થઈને પઠાણકોટને જોડતો 15 નંબરનો માર્ગ 272 કિમી. લાંબો છે. રાષ્ટ્રીય ધોરી માર્ગોનો ખર્ચ ભારત સરકાર ભોગવે છે, જ્યારે બાકીના માર્ગોનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવે છે. ગુજરાતમાં 2002માં 2382 કિમી.ના રાષ્ટ્રીય ધોરી માર્ગો હતા.

ગુજરાતમાં 2008માં 18,447 કિમી. લાંબા રાજ્ય ધોરી માર્ગો હતા. આ માર્ગ જિલ્લાનાં મુખ્ય અને અગત્યનાં શહેરોને તથા નજીકનાં રાજ્યોને રાષ્ટ્રીય ધોરી માર્ગ સાથે જોડે છે. ગુજરાતને રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સાથે જોડે છે. અમદાવાદથી પોરબંદર, રાજકોટ, ભાવનગર, બીલીમોરા, નાસિક, હિંમતનગર–આબુરોડ વગેરે કુલ 80 જેટલા આવા રસ્તા છે. આ સિવાય ક્રમ આપ્યા સિવાયના 47 રાજ્ય ધોરી માર્ગો છે. જિલ્લાના મુખ્ય માર્ગો વેપારી કેન્દ્રોને રેલવેનાં મહત્વનાં સ્ટેશનો, બંદરો અને રાષ્ટ્રીય અને રાજ્ય ધોરી માર્ગને જોડે છે.

જિલ્લાના મુખ્ય માર્ગોની લંબાઈ 2007-08માં 20,564 કિમી. હતી. જિલ્લાના તાલુકા અન્ય માર્ગોની લંબાઈ 10,352 કિમી. હતી.

ગ્રામમાર્ગો કાચા માર્ગો છે. ગ્રામપંચાયતો જિલ્લાના મુખ્ય અને અન્ય માર્ગો સાથે તેમનાં ગામોને સાંકળતા રસ્તા બાંધે છે. 1-4-1963થી જિલ્લા પંચાયત જિલ્લાના મુખ્ય માર્ગો અને અન્ય માર્ગો અને ગ્રામમાર્ગોની દેખરેખ રાખે છે. 2007-08માં 21,505 કિમી.ના ગ્રામમાર્ગો હતા.

ઉપર જણાવેલા માર્ગો ઉપરાંત કચ્છના લખપતથી વલસાડ જિલ્લાના ઉમરગામ સુધી આવેલાં 40 બંદરોને સાંકળતો 1,602 કિમી. લાંબો દરિયાકાંઠાને સમાંતર ધોરી માર્ગ (coastal highway) છે.

અમદાવાદથી વડોદરા વચ્ચેનો પ્રદેશ ગુજરાતનો સૌથી વધુ વિકસિત ઔદ્યોગિક પ્રદેશ છે. તેથી એ બે શહેરો વચ્ચે એક એક્સપ્રેસ હાઈવે બાંધવામાં આવ્યો છે. અમદાવાદ–વડોદરા રેલવે-લાઇનને સમાંતર આ રસ્તાની લંબાઈ 93 કિમી. છે, જેનાથી 27 કિમી. અંતર ઘટ્યું છે. માર્ગની ચાર લેન ઉપર 120 કિમી.ની ઝડપે વાહનો દોડી શકે છે.

બંદરો

ગુજરાતનો 1,600 કિમી. લાંબો કિનારો ભારતના કિનારાનો 30 % હિસ્સો ધરાવે છે. ખંભાત અને કચ્છના અખાતો તથા અરબી સમુદ્ર ઉપર કંડલાનું મોટું કુદરતી બંદર; માંડવી, નવલખી, બેડી, સિક્કા, ઓખા, પોરબંદર, વેરાવળ, જાફરાબાદ, ભાવનગર, ભરૂચ અને સૂરત (મગદલ્લા) – એ 11 મધ્યમ કક્ષાનાં બંદરો અને 29 લઘુબંદરો છે. દીવ અને દમણ કેન્દ્રશાસિત પ્રદેશમાં છે. કંડલાનો વહીવટ પૉર્ટ ટ્રસ્ટ સંભાળે છે, જ્યારે ગુજરાતનાં બંદરોનો વહીવટ રાજ્ય સરકાર સંભાળે છે, જે માટે મૅરિટાઇમ બૉર્ડની રચના કરાઈ છે.

આ બંદરોના પીઠપ્રદેશ તરીકે ગુજરાત ઉપરાંત રાજસ્થાન, પંજાબ, હરિયાણા, જમ્મુ અને કાશ્મીર, દિલ્હી, ચંડીગઢ, હિમાચલપ્રદેશ, પશ્ચિમ ઉત્તરપ્રદેશ અને પશ્ચિમ મધ્યપ્રદેશ, પશ્ચિમ ખાનદેશ, દાદરા-નગરહવેલી અને દીવ-દમણનો 12 લાખ ચોકિમી.થી વધુ વિસ્તાર અને 12 કરોડની વસ્તી ધરાવતો પ્રદેશ છે. મુંબઈ અને કૉલકાતાનાં બંદરો કરતાં ગુજરાતનાં બંદરો આ પીઠપ્રદેશથી સૌથી વધુ નજીક છે અને કરાંચીની ખોટ પૂરી પાડે છે.

આ બંદરો પૈકી કંડલા, માંડવી, નવલખી, બેડી, સિક્કા, ઓખા, પોરબંદર, વેરાવળ, જાફરાબાદ, ભાવનગર, સૂરત (મગદલ્લા), જખૌ, મુંદ્રા, સલાયા, પીપાવાવ, મહુવા, તળાજા, દહેજ, બીલીમોરા અને વલસાડ ખાતે માલની આયાતનિકાસ થાય છે.

આયાતનિકાસ : ગુજરાતમાં 26 દેશોમાંથી આયાત અને 21 દેશોમાં નિકાસ થાય છે. અગાઉ ઘી, રૂ, તેલીબિયાં, અનાજ વગેરે કાચા માલની નિકાસ હતી. હવે ઉપર્યુક્ત વસ્તુઓ ઉપરાંત ધાતુઓ (બેન્ટોનાઇટ, ચૉક, બૉક્સાઇટ, ચૂનાના પથ્થરો), રસાયણો, સિમેન્ટ, ખોળ, તેલીબિયાં વગેરેની નિકાસ થાય છે. કોલસા, કોક, ખાતર, અનાજ, ખાતરની કાચી સામગ્રી, પેટ્રોલિયમ પેદાશો, કાગળનો માવો, લોખંડનો ભંગાર વગેરે આયાત થાય છે.

જાપાન, મલેશિયા, પાકિસ્તાન, ઈરાની અખાતના દેશો, સિંગાપોર, થાઇલૅન્ડ, ઈરાન, બહેરિન, બેલ્જિયમ, ફ્રાન્સ, હોલૅન્ડ, ઇટાલી, પોર્ટુગલ, જર્મની, પોલૅન્ડ, રુમાનિયા, ડેન્માર્ક, સોવિયેટ રશિયા, યુ.એસ., પનામા, કૅનેડા, ઑસ્ટ્રેલિયા, પૂર્વ આફ્રિકા અને મોરોક્કોથી આયાત થાય છે.

બાંગ્લાદેશ, ઇન્ડોનેશિયા, કોરિયા, હૉંગકૉંગ, હંગેરી, મલેશિયા, શ્રીલંકા, તૈવાન, ચૅકોસ્લોવાકિયા, ઇજિપ્ત, જાપાન, ઈરાની અખાતના દેશો, સિંગાપોર, થાઇલૅન્ડ, ઈરાન, ઇરાક, બેલ્જિયમ, જર્મની, રુમાનિયા, સોવિયેટ રશિયા, કૅનેડા, ઑસ્ટ્રેલિયા વગેરે દેશોમાં નિકાસ થાય છે. ગુજરાતમાં કંડલા મહાબંદર, 11 મધ્યમ કક્ષાનાં અને 29 નાનાં બંદરો કાર્યરત છે. તેમાં કંડલા બંદરે 2016-17માં 10.5 કરોડ ટન માલસામાનનું વહન કર્યું હતું. જે ભારતભરમાં પ્રથમ નંબરે ગણાય છે; જ્યારે મધ્યમ તેમજ નાનાં બંદરોએ તે જ વર્ષમાં 34.5 કરોડ ટન માલસામાનનું પરિવહન કર્યું હતું. આ સઘળાં બંદરોની આયાતનિકાસ આશરે 1386.79 લાખ ટન હતી.

વહાણ ભાંગવાનો ઉદ્યોગ અલંગ અને સચાણા ખાતે વિકસ્યો છે. અલંગ તળાજાથી 20 કિમી. અને ભાવનગરથી પૂર્વ તરફ 50 કિમી. દૂર આવેલું છે. તા. 13-2-1983થી આ ઉદ્યોગનો પ્રારંભ થયો હતો. અહીં 80 પ્લૉટો છે અને 15,000 માણસોને રોજી મળે છે. 2010-11માં આ જહાજવાડામાં આશરે 415 વહાણો ભાંગવામાં આવ્યાં હતાં. આશરે 3.68 લાખ ટન ભંગાર મેળવવામાં આવ્યો હતો. તેવી જ રીતે જામનગર પાસે સચાણામાં 0.62 લાખ ટનના વહાણોનો ભંગાર મેળવાયો હતો.

રેલવેવ્યવહાર

ભારતમાં 62,211 કિમી. લાંબી રેલવે છે. તે પૈકી 5328 કિમી. રેલવે માર્ગ 2009ના અંતે ગુજરાતમાં હતા. તેમાં બ્રૉડગેજના માર્ગ 3193 કિમી.; મીટરગેજના 1364 કિમી. અને નૅરોગેજના 771 કિમી. લંબાઈના  હતા.

ગુજરાતમાં રેલવેની શરૂઆત ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં 1855માં ઉતરાણ અને અંકલેશ્ર્વર વચ્ચે (46.4 કિમી.) થઈ હતી. 1862માં ભારતનો પ્રથમ નૅરોગેજ રેલમાર્ગ વડોદરા રાજ્યમાં ડભોઈ-મિયાંગામ વચ્ચે બાંધવામાં આવ્યો હતો. 1860-1900 સુધીમાં વડોદરા–ભરૂચ, વડોદરા–મહેમદાવાદ, મહેમદાવાદ–અમદાવાદ અને અમદાવાદ–વીરમગામ વચ્ચે રેલવે-લાઇનો અસ્તિત્વમાં આવી હતી. સૌરાષ્ટ્રમાં 1880માં ભાવનગરથી વઢવાણ અને ધોળા–જેતલસર વચ્ચે 1881માં રેલવે-લાઇન શરૂ થઈ હતી.

આઝાદી મળી ત્યારે ગુજરાતમાં 2,769 કિમી.; સૌરાષ્ટ્રમાં 2,149 કિમી.; અને તળ કચ્છમાં 254.4 કિમી. રેલવે હતી. ત્યારબાદ ડીસા–કંડલા, ગાંધીધામ–કંડલા, ભીલડી–રાણીવાડા, હિંમતનગર–ઉદેપુર, કાનાલુસ–સિક્કા, દહીંસર–માળિયા, કાનાલુસ–કાકયેલા, ઝુંડ–કંડલા અને મોડાસા–કપડવણજ રેલવેનો ઉમેરો થયો છે.

ગુજરાતમાં એક જ ગેજની રેલવે ન હોવાથી માલસામાનની હેરફેરમાં તથા સામાન્ય જનતાને મુસાફરીમાં અગવડ પડે છે. પરંતુ ક્રમશ: સઘળી રેલવેનું બ્રૉડગેજમાં પરિવર્તનનું કાર્ય હાલમાં લેવામાં આવ્યું છે.

ભારતનાં અન્ય રાજ્યો કરતાં ગુજરાતની સ્થિતિ સારી છે. પશ્ચિમ બંગાળ, પંજાબ અને ઉત્તરપ્રદેશને બાદ કરતાં ગુજરાત ભારતના અન્ય ભાગ કરતાં સરેરાશ બેવડી રેલવે-લાઇન ધરાવે છે. તળ ગુજરાતમાં 90 % રેલવે ખેડા, સૂરત, વલસાડ, ભરૂચ, પંચમહાલ, અમદાવાદ અને મહેસાણા જિલ્લામાં છે. બનાસકાંઠા, કચ્છ, સાબરકાંઠા અને ડાંગમાં રેલવેની સગવડ ઓછી છે. સૌરાષ્ટ્રમાં રેલવેનું પ્રમાણ સારું છે. ઈ. સ. 2002માં રેલવેએ ગુજરાતની રેલવેનું વડું મથક અમદાવાદ વિભાગ જુદો પાડી અમદાવાદમાં જ સ્થાપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કચ્છના કંડલા તથા મુંદ્રા બંદરોનું ઉત્તર ભારત સાથે સીધું જોડાણ કરવા માટે સમખિયાળી અને પાલનપુર વચ્ચે રૂ. 480 કરોડને ખર્ચે બાંધવામાં આવેલ બ્રૉડગેજ રેલમાર્ગથી કંડલા–દિલ્હીના અંતરમાં આશરે 130 કિમી.નો ઘટાડો થયો છે. તે ઉત્તર ભારતના મુંબઈ દ્વારા થતા રેલવહન ખર્ચમાં ગણનાપાત્ર ઘટાડો થયો છે.

વિમાની સેવા

ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, ભાવનગર, કેશોદ, પોરબંદર, રાજકોટ, ભુજ, કંડલા અને જામનગર ખાતે વિમાનઘર છે. ઉપરાંત હેલિકૉપ્ટર અને નાનાં વિમાન ઊતરી શકે તેવી 12 ઉતરાણ-પટ્ટી અમરેલી, ધ્રાંગધ્રા, ડુમસ, ખાવડા, લીંબડી, મહેસાણા, મોરબી, પરસોલી, રાધનપુર, રાજપીપળા, વઢવાણ અને વાંકાનેર ખાતે છે. મીઠાપુર ખાતે તાતા કેમિકલ્સ કંપનીનું પોતાનું ખાનગી વિમાનઘર છે. જામનગરનું વિમાનઘર સંરક્ષણ-ખાતું સંભાળે છે, જ્યારે બીજાં વિમાનઘર નાગરિક ઉયન-ખાતું સંભાળે છે. 1932માં જે. આર. ડી. તાતાએ ઉયનની શરૂઆત કરી હતી. મુંબઈથી કરાંચી, મુંબઈ અને અમદાવાદથી નૈરોબી, મુંબઈ–ભાવનગર, મુંબઈ–કેશોદ, મુંબઈ–જામનગર–ભુજ અને અમદાવાદ–મુંબઈ અને દિલ્હી, ભાવનગર–સૂરત અને મુંબઈ–વડોદરા વચ્ચે વિમાનો દ્વારા મુસાફરો અને ટપાલની હેરફેર થાય છે.

આઝાદી પૂર્વે ખાનગી વિમાની સેવા મર્યાદિત ધોરણે ચાલતી હતી. સ્વાતંત્ર્યોત્તર સમયમાં આંતરિક ઉયન માટે ઇન્ડિયન ઍરલાઇન્સ તથા આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ઍર ઇન્ડિયાએ આ કામ સંભાળી લીધું હતું. તાજેતરમાં અમદાવાદ હવાઈ મથકને દેશનાં લગભગ બધાં જ મુખ્ય શહેરો સાથે સાંકળવામાં આવ્યું છે. ઉપરાંત 26 જાન્યુઆરી, 1991થી અમદાવાદ હવાઈ મથક્ધો લંડન તથા ન્યૂયૉર્ક, સીંગાપુર સાથે સીધું જોડવામાં આવ્યું છે. 2016-17માં ગુજરાતમાં વિમાની સેવાનો લાભ લેનાર મુસાફરોની સંખ્યા 93.75 લાખ હતી. એ જ વર્ષે વિમાનો દ્વારા 79.90 હજાર ટન માલસામનનું પરિવહન થયું હતું.

શિવપ્રસાદ રાજગોર

પર્યાવરણ અને પ્રદૂષણસમસ્યાઓ

ગુજરાત સરકારે લોકોનું જીવનધોરણ સુધારવા માટે અને તેમની પાયાની આવશ્યકતાઓ પૂરી પાડવા માટે શરૂ કરેલા અભિયાનથી રાજ્યમાં મોટાભાગની પર્યાવરણ-સમસ્યાઓ ઊભી થઈ છે. જેમ જેમ અર્થતંત્ર વિકાસ પામે છે તેમ તેમ ઉદ્યોગીકરણ અને શહેરીકરણ વેગ પકડે છે. કુદરતી સ્રોતોનો વધુ પડતો ઉપયોગ કરવામાં આવે છે તેથી તેમનો હ્રાસ થાય છે તથા જમીન, જળ અને વાયુની ગુણવત્તામાં ઘટાડો થાય છે, પરિણામે પર્યાવરણનું સંરક્ષણ કરવું ખૂબ આવશ્યક બને છે. વળી લોકોમાં પણ કુદરતી સ્રોતોને જીવનધારક તરીકે સ્વીકારવાનું તથા પર્યાવરણ પ્રત્યે કાળજી અને જાગૃતિ રાખવાનું વલણ વધવા માંડ્યું છે.

ગુજરાતમાં પ્રદૂષણની સમસ્યાઓની ચર્ચાવિચારણા માટે રાજ્યનાં પારિસ્થિતિકી (Ecology) અને પર્યાવરણ સમજવાં આવશ્યક છે. ગુજરાતના પૂર્વ ભાગમાં કાંપ તેમજ રેતાળ જમીન સહિતનો ઉચ્ચપ્રદેશ અને પશ્ચિમ ભાગમાં સૌરાષ્ટ્ર-કચ્છના નિમ્ન સ્તરની જમીન સહિતનો ખડકાળ દ્વીપકલ્પ –  એમ બે કુદરતી વિભાગો છે. ગુજરાતનો પૂર્વવિસ્તાર 300 મીટરથી 700 મીટરની ઊંચાઈના પહાડો સહિતની સપાટ જમીનનો; સૌરાષ્ટ્ર-વિસ્તાર 75 મીટરથી 100 મીટરની ઊંચાઈના પહાડો સહિતની જમીનનો તથા કચ્છ વિસ્તાર ઉત્તર, પૂર્વ અને પશ્ચિમમાં રણ સહિતની ઊંચા ટેકરા તેમજ ક્ષારમિશ્રિત, ઉજ્જડ ઊંચીનીચી જમીનનો બનેલો છે.

જમીનપ્રદૂષણ : ગુજરાતમાં રાજ્યની માલિકીનાં અને તેના વનવિભાગ દ્વારા જાળવવામાં આવતાં  આશરે 18.87 લાખ હેક્ટર જમીન ધરાવતાં જંગલો છે. જંગલવિસ્તારના જુદા જુદા પ્રકારો પ્રમાણે ચાર વિભાગો જોવામાં આવે છે. (1) રાજ્યના ઉત્તર અને પશ્ચિમ ભાગમાં બાવળ જેવાં કાંટાળાં, સૂકાં અને નાનાં વૃક્ષોનાં જંગલો, (2) સમુદ્રકિનારે લીલાંછમ વૃક્ષોનાં જંગલો, (3) મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રનાં જાતજાતનાં સૂકાં વૃક્ષોનાં જંગલો અને (4) દક્ષિણ ગુજરાતમાં સાગ જેવાં ભેજવાળાં વૃક્ષોનાં જંગલો. વૃક્ષછેદન, પશુચરણ અને ગૃહોપયોગી બળતણ માટે કોલસાનું ઉત્પાદન જેવાં અનેક કારણોને લીધે ગુજરાતનાં જંગલો આછાં વૃક્ષોવાળાં બની ગયાં છે અને 50 %થી પણ વધારે વિસ્તારનાં જંગલોની ઉત્પાદનક્ષમતા ઘટી ગઈ છે. ગુજરાતમાં જંગલ-વિસ્તાર આછોપાતળો હોવા છતાં પણ તેનાં જંગલો પશુપક્ષીની બાબતમાં સમૃદ્ધ છે. આ જંગલોમાં 40 જાતિ / પ્રજાતિનાં આંચળવાળાં પશુઓ વસે છે, જેમાં આખા દેશમાં ફક્ત ગુજરાતમાં જ જોવા મળતાં ઘૂડખરો (જંગલી ગધેડાં) અને એશિયાઈ સિંહોનો સમાવેશ થાય છે. વળી આખા દેશમાં જોવા મળતાં 425 જાતિ / પ્રજાતિનાં પક્ષીઓમાંથી ત્રીજા ભાગનાં પક્ષીઓ ગુજરાતમાં જોવા મળે છે. રાજ્યસરકારે ઘૂડખર અને પક્ષીઓના સહીસલામત વસવાટ માટે 18 અભયારણ્યો અને 4 રાષ્ટ્રીય ઉપવનો જાહેર કર્યાં છે.

જળપ્રદૂષણ : ગુજરાતમાં દમણગંગા, અંબિકા, તાપી, નર્મદા, ઢાઢર, મહી, સાબરમતી, આજી અને ભાદર જેવી મુખ્ય નદીઓ સહિત 200 નદીઓ અને વહેળાઓ છે અને મોટાં શહેરોમાં આવેલાં તળાવો સહિત 18 સરોવરો અને તળાવો છે. તેમનાં પાણીની ગુણવત્તા ઔદ્યોગિક એકમો તથા શહેર/ગામની ગટરોનાં ગંદાં પાણીથી બગડવા માંડી છે. વળી ઔદ્યોગિક વિકાસમાં ગુજરાત દેશની અંદર અગત્યનું સ્થાન ધરાવે છે. કારણ કે મુંબઈ હાઇ-ઉત્પાદિત પેટ્રોલિયમનું હજીરા બંદરે ઉતરાણ, ગાંધાર જેવાં તેલક્ષેત્રોમાં ક્રૂડ ઑઇલ અને કુદરતી ગૅસનાં શોધ અને ઉત્પાદન, માનવશક્તિ અને શ્રમજીવીઓની ઉપલબ્ધતા તથા રાજ્યનાં પ્રોત્સાહનવર્ધક પગલાંને લીધે ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસ ઝડપથી થઈ રહ્યો છે. ઔદ્યોગિક એકમોના મોટા ભાગનાં એકમો વાપી અને અમદાવાદ વચ્ચેની સાંકડી જમીનપટ્ટીમાં આવેલાં છે. એક અંદાજ પ્રમાણે રાજ્યમાં 830 મોટાં તથા મધ્યમ એકમો અને 7,000થી વધુ લઘુ એકમો એમ લગભગ 8,000 એકમો જળ અને વાયુનું પ્રદૂષણ કરે છે. આ એકમો વાપી, હજીરા, વાલિયા, પનોલી, અંકલેશ્વર, વડોદરા, વટવા, ઓઢવ, નરોડા, કલોલ, ધ્રાંગધ્રા, જેતપુર, રાજકોટ અને રાણાવાવમાં આવેલાં છે અને તેમાં પોલાદ, ચર્મ, નાઇટ્રિક ઍસિડ, કૉસ્ટિક સોડા, સોડા ઍશ, પેટ્રોકેમિકલો, કેમિકલો, ફર્ટિલાઇઝરો, સલ્ફર ઍસિડ, ખાંડ, સિમેન્ટ, જંતુનાશક દવાઓ, કાગળ અને તેનો માવો, ઔષધો વગેરેનું ઉત્પાદન કરતાં કારખાનાં, રિફાઇનરી અને દૂધની ડેરીઓનો સમાવેશ થાય છે. તેઓ બધાં રાજ્યની પાર, તાપી, નર્મદા, મહી, સાબરમતી અને ભાદર નદીઓનાં જળનું ખૂબ પ્રદૂષણ કરે છે.

વાયુપ્રદૂષણ : સ્વચ્છ હવામાં સમાવિષ્ટ ઑક્સિજન અને ઑઝોન જેવા વાયુઓ પ્રાણીઓને ઉપયોગી વાયુઓ છે. હવામાં આલંબિત વિશિષ્ટ દ્રવ્યો (suspended particular matter – SPM) આ વાયુઓને અને હવાને પ્રદૂષિત કરે છે. કારખાનાં અને વાહનોમાંથી ઉત્સર્જિત ધુમાડામાં ક્લોરિન, હાઇડ્રોજન ક્લોરાઇડ, સલ્ફર ડાયૉક્સાઇડ, હાઇડ્રૉકાર્બન અને નાઇટ્રોજન-ઑક્સાઇડ હોવાથી ઝેરી વાયુઓ બને છે અને તેનાથી ધૂળ અને કાર્બનના રજકણો પ્રભાવિત થાય છે તે એસ.પી.એમ. કહેવાય છે. વિશ્વઆરોગ્ય સંસ્થા(World Health Organisation – WHO)નાં ધોરણો પ્રમાણે એક ઘનમીટર હવામાં 200 માઇક્રોગ્રામ એસ.પી.એમ. મહત્તમ સલામત માત્રાવાળાં ગણાય છે. ભારતમાં 1995માં 10 શહેરોમાં કરેલા વાયુઓના સર્વેક્ષણ અનુસાર દિલ્હી અને કૉલકાતામાં 460, કાનપુરમાં 350, જયપુર અને નાગપુરમાં 230, મુંબઈમાં 220, અમદાવાદમાં 200 તથા હૈદરાબાદ, બેંગાલુરુ અને ચેન્નાઈમાં 150 માઇક્રોગ્રામ એસ.પી.એમ. નોંધવામાં આવ્યાં હતાં, પરંતુ ત્યારપછીનાં વર્ષોમાં દેશમાં વધુ અને વધુ ઔદ્યોગિકીકરણ થવાથી તથા વાહનો દોડતાં થવાથી આ બધાં જ શહેરોમાં એસ.પી.એમ.ની માત્રા વધી ગઈ હતી; પરિણામે વાયુ-પ્રદૂષણ પણ વધી ગયું હતું. ગુજરાતમાં અમદાવાદ ઉપરાંત વાપી, વડોદરા, કલોલ, ધ્રાંગધ્રા અને રાણાવાવ જેવાં શહેરોમાં તથા ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમે (જી.આઇ.ડી.સી.) સ્થાપેલી વિવિધ ઔદ્યોગિક વસાહતોમાંથી 10 ઔદ્યોગિક વસાહતનાં સ્થળોએ પણ વાયુ-પ્રદૂષણ વધવા માંડ્યું હતું.

વાયુમાં પ્રદૂષણના અતિરેકથી શહેરોમાં દમ જેવા શ્વસનતંત્રના રોગ, રક્તપરિભ્રમણમાં ચેપસંક્રમણ અને રક્તવિકારના બીજા રોગો વધવા માંડ્યા છે. વળી ડીઝલ અને કેરોસીન જેવાં હલકાં બળતણોના વપરાશથી વાહનોમાંથી ઉત્સર્જિત ધુમાડામાં સીસું, બેન્ઝિન, પૉલિસાઇક્લિક ઍરોમેટિક હાઇડ્રૉકાર્બન જેવાં ઘટકો હોય છે, જેમનામાંથી કૅન્સર થાય છે. તેથી શહેરોમાં કૅન્સર જેવા રોગો વધી રહ્યા છે. રાજ્યમાં ઑગસ્ટ 2016-17માં અંદાજે 2.20 કરોડથી અધિક યાંત્રિક વાહનો હતાં; તેથી દૂષિત ધુમાડામાં ખૂબ વધારો થયો છે, જે લોકોનાં સ્વાસ્થ્યને હાનિકર્તા છે.

ગુજરાતમાં પ્રદૂષણના નિયંત્રણ અને નિવારણ કરવા માટે તથા પર્યાવરણની ગુણવત્તા સુધારવા માટે રાજ્યસરકાર દ્વારા વટહુકમો બહાર પાડીને અને અધિનિયમો પસાર કરીને તથા ગુજરાત પ્રદૂષણ-નિયંત્રણ બૉર્ડની રચના કરીને વિવિધ પગલાં લેવામાં આવ્યાં છે : (1) જળ-પ્રદૂષણ-નિવારણ અને નિયંત્રણ વટહુકમ 1974 અન્વયે 15 ઑક્ટોબર, 1974ના દિને ગુજરાત પ્રદૂષણ-નિયંત્રણ બૉર્ડની સ્થાપના, (2) વાયુ-પ્રદૂષણ-નિવારણ અને નિયંત્રણ અધિનિયમ 1981 પસાર થયો તે પછી ગુજરાત પ્રદૂષણ-નિયંત્રણ બૉર્ડ દ્વારા વાયુ-પ્રદૂષણ-નિયંત્રણનાં પગલાં, (3) જળ-પ્રદૂષણ-નિવારણ અને નિયંત્રણ ઉપકર (cess) અધિનિયમ 1977 હેઠળ મળેલી સત્તાની રૂએ ગુજરાત પ્રદૂષણ-નિયંત્રણ બૉર્ડ દ્વારા ઉપકરની વસૂલાત તથા (4) પર્યાવરણ-સંરક્ષણ અધિનિયમ 1986 હેઠળ ગુજરાત પ્રદૂષણ-નિયંત્રણ બૉર્ડે નવેમ્બર, 1986થી લેવા માંડેલાં વિવિધ પગલાંઓ.

ગુજરાત પ્રદૂષણ-નિયંત્રણ બૉર્ડ પર્યાવરણનાં સંરક્ષણ માટે અને તેની ગુણવત્તા જાળવી રાખવા માટે નીચેનાં પગલાં લેવા માટે કાર્યરત છે :

(1) મૂળમાંથી જે પ્રદૂષણને અટકાવવા માટે અને નિયંત્રણમાં રાખવા માટે નિરીક્ષણ, નિયંત્રણ અને સતર્કતા દૃઢ કરવાં; (2) પ્રદૂષણની પ્રતિકૂળતાઓ ઓછી કરવા માટે નવાં ઔદ્યોગિક એકમોની સ્થાપનાનાં યોગ્ય સ્થાન પસંદ કરવાં; (3) જળસ્રોતોનું નિરીક્ષણ અને નિયંત્રણ; (4) પ્રદૂષણ-નિયંત્રણ માટે નવી પદ્ધતિઓ વિકસાવવી; (5) પર્યાવરણલક્ષી જાગૃતિના કાર્યક્રમોનું નિરૂપણ; (6) જોખમી રસાયણો અને કચરા સામે પર્યાવરણનું સંરક્ષણ તથા તેમના સહીસલામત નિકાલ માટે યોગ્ય પ્રક્રિયાઓ અને પ્રવિધિઓ વિકસાવવી તથા (7) પર્યાવરણ ઉપર પડતી અસરો અંગેના મૂલ્યાંક્ધા-હેવાલોની તપાસ કરવી.

પ્રદૂષિત થવા પાત્ર વિસ્તારોને પ્રદૂષણનાં જોખમોમાંથી બચાવી શકાય તે માટે ઔદ્યોગિક એકમો દ્વારા છોડવામાં આવતા પ્રદૂષિત પાણીને એકઠું કરવાની અને તેનો યોગ્ય નિકાલ કરવા માટેની પ્રક્રિયાઓનું આંતરમાળખું તૈયાર કરવા ઉપર ગુજરાત પ્રદૂષણ-નિયંત્રણ બૉર્ડ ખાસ ભાર મૂકે છે. વળી ઔદ્યોગિક એકમોને સર્ટિફિકેટ, સ્થાનનિર્ધારણ મંજૂરી અને સ્વીકૃતિ આપતાં અગાઉ ઉદ્યોગ દ્વારા સંભવિત વાયુ-પ્રદૂષણનો બૉર્ડ સવિસ્તર અને ધ્યાનપૂર્વક અભ્યાસ કરે છે. તદુપરાંત બૉર્ડે પ્રદૂષણ કરનારા વાયુઓના ઘટકો અંગે પણ કેટલાંક ધોરણો સુનિશ્ચિત કર્યાં છે.

ગુજરાતનો વિકાસ : તુલનાત્મક ચિત્ર

ગુજરાત દેશનું એક વિકસિત અને ઔદ્યોગિક રાજ્ય છે. દેશની વસ્તીમાં ગુજરાતનો હિસ્સો પાંચ ટકા છે પણ દેશની જીડીપીમાં ગુજરાતનો ફાળો 2016-17માં 7.6 ટકા હતો. આનો અર્થ એવો થાય છે કે સમગ્ર દેશની માથાદીઠ આવકની તુલનામાં ગુજરાતની માથાદીઠ આવક વધારે છે. માથાદીઠ આવક રાજ્ય કે દેશના એકંદર વિકાસનો પ્રમુખ માપદંડ છે.

2011-12માં ચાલુ ભાવોએ ગુજરાતની માથાદીઠ આવક રૂ. 87,481 હતી તેની તુલનામાં સમગ્ર દેશની માથાદીઠ આવક રૂ. 63,460 હતી. આમ સમગ્ર દેશની માથાદીઠ આવકની તુલનામાં ગુજરાતની માથાદીઠ આવક 38 ટકા વધારે હતી. 2015-16ના વર્ષમાં ચાલુ ભાવોએ ગુજરાતની માથાદીઠ આવક વધીને રૂ. 1,38,023 થઈ હતી, જ્યારે સમગ્ર દેશની માથાદીઠ આવક વધીને રૂ. 94,178 થઈ હતી. એ વર્ષે સમગ્ર દેશની તુલનામાં ગુજરાતની માથાદીઠ આવક 46 ટકા વધારે હતી. આનો અર્થ એવો થાય કે ગુજરાતે આ સમયગાળામાં સમગ્ર દેશની તુલનામાં ઝડપથી વિકાસ સાધ્યો હતો.

આનો અર્થ એવો નથી કે માથાદીઠ આવકની દૃષ્ટિએ ગુજરાત દેશનાં રાજ્યોમાં પ્રથમ સ્થાને છે. દિલ્હી અને ગોવા જેવાં નગર રાજ્યો તો ગુજરાતથી ઘણાં આગળ છે જ પણ હરિયાણા, કર્ણાટક, કેરળ, મહારાષ્ટ્ર અને તમિળનાડુ જેવા મોટાં રાજ્યો પણ માથા દીઠ આવકની દૃષ્ટિએ ગુજરાતથી આગળ છે. 2015-16ના વર્ષમાં ચાલુ ભાવોએ દિલ્હીની માથાદીઠ આવક રૂ. 2,73,618 હતી, હરિયાણાની
રૂ. 1,62,034, કેરળની 1,55,516 હતી.

વિકાસનો બીજો માપદંડ માનવવિકાસ આંક તરીકે ઓળખાય છે. તેની ગણતરીમાં માથાદીઠ આવકની સાથે શૈક્ષણિક અને આરોગ્યવિષયક વિકાસ પણ ગણતરીમાં લેવામાં આવે છે. આ આંક પ્રમાણે 2007-2008ના વર્ષમાં દેશનાં મોટાં રાજ્યોમાં ગુજરાત 11મા ક્રમે હતું. તેનો માનવવિકાસ આંક 0.527 હતો. માનવવિકાસની દૃષ્ટિએ પહેલા ક્રમે કેરળ હતું. તેનો માનવવિકાસ આંક 0.790 હતો. માનવવિકાસની દૃષ્ટિએ ગુજરાતથી આગળ હતા એવાં અન્ય રાજ્યોમાં હિમાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર, પંજાબ, તમિળનાડુ વગેરેનો સમાવેશ થતો હતો.

માનવવિકાસમાં સમાવિષ્ટ સ્વાસ્થ્ય અને શિક્ષણને સ્પર્શતા નિર્દેશકો પૈકી એક એકની ઉદાહરણરૂપે નોંધ લઈએ. સરેરાશ આયુષ્ય સ્વાસ્થ્યનો એક નિર્દેશક છે. 2011-15ના સમયગાળામાં ગુજરાતમાં લોકોનું સરેરાશ આયુષ્ય 69.1 વર્ષનું હતું. સમગ્ર ભારમાં લોકોનું સરેરાશ આયુષ્ય 68.3 વર્ષનું હતું, પરંતુ સરેરાશ આયુષ્યમાં ગુજરાતથી કેરળ, હિમાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર, પંજાબ, તમિળનાડુ વગેરે રાજ્યો આગળ છે. દેશમાં સહુથી વધારે સરેરાશ આયુષ્ય કેરળમાં છે – 75.2 વર્ષ.

શૈક્ષણિક વિકાસનો એક નિર્દેશક સાક્ષરતાનો દર છે. 2011ની વસ્તીગણતરી પ્રમાણે ગુજરાતમાં સાક્ષરતાનો દર 78 ટકા હતો, સમગ્ર ભારતમાં એ દર 73 ટકા હતો, પણ કેરળમાં તે 94 ટકા હતો. ગુજરાતથી આગળ અન્ય મોટા રાજ્યોમાં મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ, તમિળનાડુ વગેરે રાજ્યોનો સમાવેશ થાય છે.

વિકાસનો એક પાયાનો ઉદ્દેશ રાષ્ટ્રમાં ગરીબી ઘટાડવાનો છે. તેથી રાજ્યમાં વિકાસને પરિણામે ગરીબી ઘટીને કેટલી રહી છે તે વિકાસનો એક માપદંડ બને છે. 2012-13ના વર્ષમાં ગુજરાતમાં ગરીબીનું પ્રમાણ 16.6 ટકા હતું, જે સમગ્ર દેશમાં 21.9 ટકા હતું. આમ સમગ્ર દેશની તુલનામાં ગરીબી ઘટાડવાની બાબતમાં ગુજરાત આગળ છે. પણ ગુજરાતની તુલનામાં ઓછી ગરીબી ધરાવતાં કેટલાંક રાજ્યો દેશમાં છે. 2011-12માં દેશમાં સહુથી ઓછી ગરીબી ધરાવતું રાજ્ય કેરળ હતું, જ્યાં ગરીબીનું પ્રમાણ 7.1 ટકા હતું. ગુજરાત કરતાં ઓછી ગરીબી ધરાવતાં અન્ય રાજ્યોમાં આંધ્ર, હરિયાણા, હિમાચલ પ્રદેશ, પંજાબ, તમિળનાડુ વગેરેનો સમાવેશ થતો હતો.

અહીં આપણે વિકાસના ત્રણ માપદંડોના આધારે ગુજરાતના વિકાસનું તુલનાત્મક ચિત્ર આલેખ્યું છે. રાષ્ટ્રીય સરેરાશની તુલનામાં ત્રણેય માપદંડ પ્રમાણે ગુજરાત દેશનું એક વિકસિત રાજ્ય છે. પણ એકે માપદંડ પ્રમાણે તે દેશનું પ્રથમ ક્રમે આવતું રાજ્ય નથી.

મહાજન

હિંદના અન્ય પ્રાંતોની સરખામણીમાં ગુજરાતમાં મહાજન સંસ્થા એના શુદ્ધ સ્વરૂપમાં વિકસી છે. એનાં મૂળ ગુજરાતના વેપારી સંસ્કારમાં રહ્યાં છે. ઉત્તરપ્રદેશ, પંજાબ, બંગાળ, બિહાર અને મહારાષ્ટ્ર જેવા પ્રદેશોમાં રાજા-મહારાજા, સામંતો અને લશ્કરી સેનાપતિઓનું મહત્વ હતું, પણ ગુજરાતમાં તો બ્રાહ્મણ કે ક્ષત્રિયનું નહિ પણ વાણિયાનું મહત્વ હતું. તે કોમ વગ ધરાવતી અને તેથી જે વેપાર કરે તે ‘વાણિયો’ એવી સમજ વ્યાપક થઈ પછી તે બ્રાહ્મણ હોય કે રજપૂત. આવા વેપારી સંસ્કાર ધરાવતા ગુજરાતે મહાજનપ્રથાની ખિલવણી કરી હતી.

મહાજનો અને પંચો વચ્ચે મૂળભૂત તફાવત છે. કારીગરોનાં પંચો જ્ઞાતિ-આધારિત હતાં, એટલે કે સોની કે સુથારની જ્ઞાતિ અને પંચ એક જ હોય અને જો કોઈ માણસ જ્ઞાતિવિરુદ્ધ કામ કરે તો એને ધંધાકીય પંચમાંથી પણ બહિષ્કૃત કરવામાં આવતો. મહાજનોની બાબતમાં તેમ નહોતું. મહાજનોમાં જ્ઞાતિ કે કોમોના ભેદભાવ વગર વ્યક્તિ તેની સભ્ય બની શકતી; જેમ કે, કાપડ કે ગળીનાં મહાજનોમાં મુસ્લિમ, હિંદુ, જૈન, પારસી  એમ અનેક કોમો અને જ્ઞાતિઓના સભ્યો હોય. વ્યક્તિ જ્ઞાતિનો ગુનો કરે તોપણ મહાજનો તેને કાંઈ જ કરતાં નહિ, કારણ કે મહાજનો જ્ઞાતિ-આધારિત નહિ પણ વ્યવસાય-આધારિત હતાં.

લગભગ સોળમા સૈકાથી મહાજનોના ઉલ્લેખો મળી આવે છે. સત્તરમા સૈકાના વીરજી વોરા, હરિ વૈશ્ય અને અબ્દુલ ગફૂર જેવા સૂરતના વેપારીઓ અને શાંતિદાસ ઝવેરી જેવા અમદાવાદના વેપારીઓ મહાજનોના નેતા હતા. એ સમયનાં મહાજનો કામના કલાકો અને મજૂરીના દરો નક્કી કરતાં, વાર-તહેવાર અને રજાના દિવસો જાહેર કરતાં, ચીજવસ્તુના ભાવતાલ પર નિયંત્રણ રાખતાં અને પાંજરાપોળ, પાઠશાળા કે મદરેસાનું સંચાલન પણ કરતાં. મહાજનો વ્યક્તિગત વેપારીનાં હિતોનું રક્ષણ કરતાં; એટલું જ નહિ, પણ વખત આવ્યે તેઓ રાજ્યના જુલમો સામે સંયુક્ત આંદોલન પણ કરતાં. ઉદાહરણ તરીકે, 1669માં જ્યારે સૂરતના ધર્માંધ કાઝીએ કેટલાક હિંદુઓને ઇસ્લામમાં વટલાવ્યા ત્યારે તેનો વિરોધ કરવા મહાજનો ભેગાં થયાં હતાં. તેમણે સૂરતમાં હડતાળ પાડી અને અઠવાડિયા સુધી દુકાનો બંધ રાખી. રાજ્ય પર તેની અસર એટલી બધી થઈ કે છેવટે ઔરંગઝેબ અને સૂરતના કાઝીને માફી માગવી પડી હતી. આમ મહાજનો રાજ્ય પર પોતાનો પ્રભાવ પાડી શકતાં.

સત્તરમા સૈકામાં સૂરત, અમદાવાદ અને ખંભાત જેવાં નગરોમાં મહાજનો અસ્તિત્વ ધરાવતાં. ખાંડ, સૂરોખાર, કાપડ, કાગળ, ગળી, અકીક એમ ધંધાવાર મહાજનો હતાં અને એ બધાંનો એક સંયુક્ત એકમ હતો. ‘સામાન્ય મહાજન’ અને ‘નગર મહાજનો’ પણ હતાં.

ઓગણીસમા સૈકા દરમિયાન ગુજરાતની મહાજનપ્રથામાં કોઈ ફેર પડ્યો નહોતો. ઘણા વિદેશી વિદ્વાનો અને મુસાફરોએ એવી નોંધ લીધી છે કે મુઘલો, મરાઠા અને અંગ્રેજો શાસનકર્તા તરીકે આવ્યા છતાં પણ ગુજરાતમાં મહાજનપરંપરા સતત ચાલતી હતી. આજે અનેક ફેરફારો વચ્ચે પણ અમદાવાદ વેપારી મહામંડળે મહાજનની કેટલીક પરંપરાને જાળવી રાખી છે. ગુજરાતમાં વિવિધ વ્યવસાયોને લગતાં મહાજનો આજે પણ સંગઠન તરીકે પ્રભાવ પાડે છે.

ગુજરાત વેપારી મહામંડળ (Gujarat Chamber of Commerce and Industry) સાથે સંલગ્ન મહાજનો અને ઍસોસિયેશનનું વર્ગીકરણ (1993) કરીએ તો વેપારી મહાજનો અને ઍસોસિયેશનોની સંખ્યા 208, બાંધકામ ઉદ્યોગ સાથે સંકળાયેલાં મહાજનો અને ઍસોસિયેશનોની સંખ્યા 20, અન્ય વ્યવસાયો અને પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલાં મહાજનો અને ઍસોસિયેશનોની સંખ્યા 63 છે. કુલ સંખ્યા 291 છે.

મકરંદ મહેતા

શાસનતંત્ર અને રાજકીય પક્ષો

પ્રાચીન કાળ

આજનું ગુજરાત પુરાણકાળમાં (1) આનર્ત (ઉત્તર ગુજરાત) (2) સુરાષ્ટ્ર (સૌરાષ્ટ્ર) અને (3) લાટ એવા ત્રણ પ્રદેશોમાં વહેંચાયેલું હતું. પૌરાણિક કાળની આ રચના માટે પ્રમાણભૂત ઇતિહાસનો જૂજ આધાર પ્રાપ્ય છે.

ગુજરાતનો પ્રમાણિત રાજકીય ઇતિહાસ મૌર્યકાળથી શરૂ થાય છે. ઐતિહાસિક સામગ્રીથી સિદ્ધ કરી શકાય એવી પહેલવહેલી રાજધાની ‘ગિરિનગર’ આજના જૂનાગઢને સ્થાને, ગિરનાર પર્વતની તળેટીમાં હતી. ઈસવી સન પૂર્વેના ત્રીજા શતકમાં એ સમૃદ્ધિની પરાકાષ્ઠાએ હોવાના અહેવાલ સાંપડે છે. મૌર્યકાળના સામ્રાજ્યમાં વહીવટી હોદ્દાઓ થોડા હતા. રાજા સર્વોચ્ચ વડો હતો અને વહીવટી વડા તરીકે ‘મહામાત્રો’ અને (રાજ)‘પુરુષો’ હતા. ઉપરાંત અમાત્યો અને અધ્યક્ષોના હોદ્દા પણ નોંધપાત્ર હતા. કેન્દ્રીય તંત્રમાં ‘પ્રશાસ્તા’, ‘સમાહર્તા’, ‘સંનિધાતા’, ‘નાયક’ ઇત્યાદિ અધિકારીઓનો સમાવેશ થતો, જેમણે નિશ્ચિત ફરજો બજાવવાની રહેતી.

ગુપ્ત સામ્રાજ્યમાં રાજ્યતંત્ર વિશે મર્યાદિત માહિતી ઉપલબ્ધ છે. રાજા સર્વોચ્ચ સ્થાને રહેતો તથા પ્રદેશોમાં ‘ગોપ્તા’ અધિકારીઓ નિમાતા. મોટા વહીવટી વિભાગો ‘ભુક્ત’ તરીકે ઓળખાતા અને તેના વડા અધિકારી ‘ઉપરિક’ કહેવાતા.

મૈત્રકકાળમાં પણ રાજા રાજ્યતંત્રનો સર્વોચ્ચ વડો હતો અને પ્રજાનું પરિપાલન તેનો મુખ્ય ધર્મ હતો. રાજ્યતંત્રના સંચાલન માટે તે વિવિધ અધિકારીઓ નીમતો તેમજ પ્રજા પર વિવિધ કર નાખતો. સર્વોચ્ચ વહીવટી પદ પર ‘અમાત્ય’ની નિમણૂક થતી. અમાત્યની મદદ માટે અન્ય મુખ્ય અધિકારીઓ નિમાતા જેમાં ‘મહાપ્રતિહાર’, ‘મહાદંડનાયક’ અને ‘મહાકર્તાકૃતિક’નો ખાસ સમાવેશ થતો. ઉપરાંત પ્રદેશોના વહીવટ માટે ‘કુમારામાત્ય’, ‘ઉપરિક’ જેવા સ્થાનિક અધિકારીઓ પણ રહેતા. સમગ્ર વહીવટ પોલીસ, ન્યાય, લશ્કરી, પ્રાદેશિક અને ઇતર એવા વિવિધ વિભાગોમાં વહેંચાયેલો હતો અને આ પ્રત્યેક શાખાના વડા અનુક્રમે ‘દંડપાશિક’, ‘પ્રમાતા’, ‘મહાબલાધિકૃત’, ‘મહાદંડનાયક’, ‘રાષ્ટ્રપતિ’ યા ‘રાષ્ટ્રપાલ’ જેવા ખાસ હોદ્દેદારો હતા. નાનામાં નાના એકમ ‘ગ્રામ’થી શરૂ કરીને ‘નગર’,  ‘પુર’ જેવા ક્રમમાં વહીવટી વિભાગો રચાયેલા હતા.

સોલંકીકાલીન ગુજરાત નાનાં નાનાં રાજ્યોમાંથી વિશાળ, પ્રબળ સામ્રાજ્ય તરીકે વિકસ્યું હતું. તેમાં તળગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપરાંત મારવાડ, મેવાડ અને પશ્ચિમ માળવાનો સમાવેશ થતો. રાજા સર્વોપરી હતો. રાજ્યતંત્ર વહીવટી વિભાગો અને પેટાવિભાગોમાં વહેંચાયેલું હતું. વહીવટ માટે રાજ્યતંત્રને વિવિધ એકમો કે ખાતાંઓમાં વહેંચવામાં આવતું. મુખ્ય વહીવટી વિભાગ ‘મંડલ’ કહેવાતો, જેના વડા ‘મહામંડલેશ્વર’ કે ‘મંડલેશ્વર’ હતા. સેનાપતિ ‘દંડનાયક’ તરીકે ઓળખાતા. દરેક કરણના વડા ‘મહામાત્ય’ કહેવાતા. અન્ય વહીવટી એકમો માટે મંત્રી, પ્રધાન કે સચિવ જેવા હોદ્દેદારો રહેતા. નગરનો વહીવટ પંચકુલ (પંચાયત) હસ્તક રહેતો. સમગ્ર સોલંકીકાળ દરમિયાન અણહિલપુર પાટણ પ્રવૃત્તિઓનું મુખ્ય કેન્દ્ર હતું. ઈ. સ. 1298માં અલાઉદ્દીન ખલજીના સૈન્યે કરણ વાઘેલાને હરાવી પાટણની સમૃદ્ધ રાજધાની લૂંટી અને ગુજરાતમાં દિલ્હીની મુસ્લિમ સલ્તનતનો અમલ સ્થપાયો.

મધ્યકાળ

સ્વતંત્ર સલ્તનત કાળ (1403–1573) : ગુજરાત પર મુસલમાનોનું પ્રથમ આક્રમણ ઈ. સ. 1299માં અને બીજું આક્રમણ 1303માં થયું. આ સમયે રજપૂત રાજાઓ વેરવિખેર હતા. તેમણે બધાએ અલગ અલગ રીતે મુસ્લિમ રાજાઓ સામે યુદ્ધો કર્યાં પણ તેઓ મુસ્લિમ સત્તાની સ્થાપનાને અટકાવી શક્યા નહિ. આ યુદ્ધોમાં અનેક હિંદુ મંદિરોનો નાશ થયો તથા ઘણા હિંદુઓને તેમણે મુસલમાન બનાવ્યા. ગુજરાતનો રાજા કર્ણદેવ ગુજરાત છોડી ગયો અને હિંદુ સત્તા કાયમને માટે ગુજરાતમાંથી અસ્ત થઈ. 1304માં ગુજરાતમાં મુસ્લિમ સત્તાની સ્થાપના થઈ અને બહારથી અનેક મુસ્લિમો ગુજરાતમાં આવીને વસ્યા. પંદરમી સદીના પાછલા ભાગમાં અને સોળમી સદીના પ્રથમ ચરણના ત્રણ દાયકા સુધી અહીં સુલતાનોની સત્તા શિખરે પહોંચી હતી.

આ પ્રદેશમાં રાજવીઓને ખંડિયા રાજા બનાવ્યા અને સૂબાઓની નિમણૂકો કરી થાણાં સ્થાપવામાં આવ્યાં. સમગ્ર વહીવટી તંત્ર (अ) કેન્દ્રનો વહીવટી વિસ્તાર અને (ब) પ્રાદેશિક વહીવટી વિસ્તાર  એમ બે વિભાગમાં વહેંચવામાં આવ્યું. કેન્દ્રની સત્તા હેઠળના પ્રદેશમાં ‘સૂબા’ની નિમણૂક કરવામાં આવતી અને તે વહીવટ ચલાવતો. સમગ્ર વહીવટી તંત્ર વિવિધ ખાતાંઓમાં વહેંચાયેલું હતું.

આશ્રિત રાજવીઓ સ્વતંત્રપણે વહીવટ ચલાવતા. મુસ્લિમ સૂબાઓ તેમના અધિપતિ દિલ્હીના સુલતાનોથી સ્વતંત્ર થયા ત્યારે એક નવી જ સંસ્કારિતાનો પ્રારંભ થયો. સૂબો તેમાં સામાન્ય રીતે હસ્તક્ષેપ કરતો નહિ, પણ રાજવીઓની કામગીરી પર દેખરેખ રાખતો તેમજ તે વહીવટી વડો ગણાતો. વહીવટનું નીચલું છેલ્લું એકમ ગામ હતું અને તેના વહીવટ માટે પંચાયતો કામ કરતી. સમગ્ર પ્રદેશના રક્ષણ માટે પ્રાદેશિક લશ્કર રહેતું, પણ તે સીધું કેન્દ્રને જવાબદાર રહેતું.

મહેસૂલની આવક રાજ્યની મુખ્ય આવક હતી. જમીનની જાત પ્રમાણે મહેસૂલ નક્કી થતું; ઉપરાંત વિવિધ કરવેરા તથા જકાત દ્વારા પણ રાજ્યને આવક થતી તેમજ બંદરો મારફત પરદેશ સાથે ધમધોકાર વેપાર ચાલતો. આથી જકાતવેરામાંથી માતબર રકમ રાજ્યને મળતી. ભારત આવવાનો જળમાર્ગ શોધાતાં ફિરંગીઓએ ગુજરાતના સાગરકિનારે પોતાનાં વેપારી કેન્દ્રો સ્થાપ્યાં હતાં.

ન્યાયતંત્ર કુરાનના આદેશ પ્રમાણે ગોઠવાયેલું હતું. મોટેભાગે કાઝી રાજ્યના નાનામોટા ઝઘડાઓનો નિકાલ કરતા, પરંતુ મહેસૂલ અંગેની તકરારોનો નિકાલ મહેસૂલી અમલદાર કરતો.

લશ્કરમાં પાયદળ, હયદળ અને ગજદળ તેમજ તીરંદાજો રહેતા. ઉપરાંત ભાડૂતી સૈનિકો પણ રહેતા, જે લશ્કરનો નાનો ભાગ હતા. જોકે લશ્કરમાં રાષ્ટ્રભાવના કરતાં મજહબી ઝનૂન વિશેષ પ્રમાણમાં હતું.

ટૂંકમાં, આ સમયે ગુજરાતના વહીવટી તંત્રનું સ્વરૂપ સદંતર બદલાઈ ગયું હતું. ‘ઇસ્લામ’ના કેન્દ્રમાં સમગ્ર માળખું ગોઠવાવા લાગ્યું. ધર્મશાસ્ત્રો અને સંસ્કૃત ભાષાનું મહત્વ સદંતર ઘટી ગયું હતું. ઇસ્લામના આક્રમણને લીધે હિંદુ સમાજમાં જ્ઞાતિપ્રથાનાં બંધનો વધ્યાં હતાં. જાહેર તહેવારો અને ઉત્સવોની ઉજવણી પણ બંધ થવા લાગી હતી. ગુજરાતમાં ચારેબાજુ અશાંતિ અને ભીતિ હતી અને સોલંકીકાલીન ગુજરાતની જાહોજલાલી નાશ પામી હતી તેમજ નવી રાજવ્યવસ્થા પગદંડો જમાવવા લાગી હતી.

મુઘલ કાળ (1573થી 1757) : ગુજરાતમાં મુઘલ સલ્તનતની સ્થાપના 1573માં અકબરના હસ્તે થઈ. મુઘલોએ ગુજરાતમાં વહીવટ ચલાવવા સૂબાઓ નીમ્યા જેમણે શાહી સરકારની સૂચના અનુસાર કામ કરવાનું રહેતું, સર્વ સત્તા કેન્દ્રના હસ્તક રહેતી. પ્રાંતમાં સૂબાઓનો પ્રભાવ વધી ન જાય માટે 24 વર્ષમાં તેમની બદલી કરવામાં આવતી. તેનું મુખ્ય કામ કાયદો-વ્યવસ્થા જાળવવાનું તથા મહેસૂલ ઉઘરાવવાનું રહેતું. મુઘલોએ ખેતી અને મહેસૂલી પ્રથા વ્યવસ્થિત કરી અને ગુજરાતની પ્રજાને ફિરંગીઓના ત્રાસમાંથી મુક્ત કરી રાજકીય અંધાધૂંધી દૂર કરી. રાજ્યતંત્રમાં લશ્કર કેન્દ્રમાં હતું. દરેક અમલદારને લશ્કરી યાદીમાં સમાવવામાં આવતા. ગુજરાતની વિનિમય પદ્ધતિ અને ટંકશાળોને પણ તેમણે વ્યવસ્થિત કરી.

રાજ્યવહીવટમાં મુસ્લિમ પ્રજાની ખાસ કાળજી લેવાતી. બિનમુસ્લિમ પ્રજા માટે રાજા માત્ર રક્ષણની ફરજ બજાવતો. તેમની પાસેથી પણ મહેસૂલ ઉઘરાવવામાં આવતું.

મુઘલ રાજ્યવહીવટમાં પરદેશી અસર વર્તાય છે. રાજ્યપદ્ધતિ રાજ્યકર્તાઓની જાતિ અને ધર્મના રંગે રંગાયેલી હતી. રાજભાષા તરીકે મુખ્યત્વે અરબી-ફારસીનો ઉપયોગ થતો, પરંતુ ધીરે ધીરે પ્રાદેશિક ભાષાઓનું મહત્વ વધવા લાગ્યું હતું. વહીવટમાં સ્થાનિક જરૂરિયાતોને સ્થાન આપવામાં આવતું.

મુઘલ રાજવીઓ ખુલ્લી અદાલતમાં ન્યાય ચૂકવવાનું કાર્ય કરતા. રાજા ન્યાયતંત્રનો વડો ગણાતો. આમ આ સમયમાં ન્યાયની સત્તા ધર્મગુરુઓ પાસેથી રાજાઓ પાસે ચાલી ગઈ, પરંતુ રાજ્યના વિસ્તાર પ્રમાણે પૂરતી અદાલતો ન હતી. પરિણામે કાયદો અને ન્યાય શાસનની નબળી કડી બની રહ્યાં. શહેરોમાં કાયદો અને વ્યવસ્થા જળવાતાં પણ ગામડાંની રક્ષાનું સર્વ કાર્ય સ્થાનિક નિવાસીઓ પર છોડી દેવામાં આવતું.

સમગ્ર મુઘલ કાળમાં અનેક સૂબાઓ સત્તા પર આવ્યા, પણ વહીવટની શૈલી ઉપર જણાવ્યા પ્રમાણે જ રહી. સૂબાઓ શાહી ફરમાનને અધીન રહી કાર્ય કરતા. દેખરેખ, રક્ષણ, ન્યાય, કાયદો વગેરે કામગીરી સૂબાઓ સંભાળતા.

આ કાળ દરમિયાન ગુજરાતમાં નાનીમોટી અનેક જ્ઞાતિઓ અને પેટાજ્ઞાતિઓ ઉદભવી તેમજ જ્ઞાતિઓમાં વર્ગભેદ દેખાવા લાગ્યા. આ સમય દરમિયાન તીવ્ર ધાર્મિક મતભેદો ચાલુ રહ્યા. હિંદુ ધર્મશાસ્ત્રોનું શિક્ષણ ધીમે ધીમે નષ્ટપ્રાય બનવા લાગ્યું. અલબત્ત, બંને કોમો વચ્ચે રાજકીય અને વેપારી સંબંધો વિકસ્યા. આ સમય દરમિયાન પડેલા ભયંકર દુષ્કાળને કારણે સમાજજીવનમાંથી નૈતિક મૂલ્યોનું ધોવાણ થયું. ઔરંગઝેબના અવસાન સાથે ક્રમશ: મુઘલ શાસન અંત પામવા લાગ્યું.

મરાઠા શાસન (1757–1818) : ઔરંગઝેબના મૃત્યુ બાદ ધીરે ધીરે મરાઠા શાસનનો ઉદય થયો. છત્રપતિ શિવાજીએ ગુજરાત પર અવારનવાર આક્રમણો કરી અઢળક દોલતની લૂંટ ચલાવેલી. શિવાજી પછીના મરાઠા સરદારોએ આ આક્રમણો ચાલુ રાખ્યાં અને 1757થી મરાઠા શાસનનો પ્રારંભ થયો.

અઢારમી સદીના મધ્યભાગ સુધીમાં દક્ષિણ ગુજરાત ને પૂર્વ ગુજરાત પર મરાઠાઓનું વર્ચસ્વ સ્થપાયું. મહી નદીની ઉત્તરનો પ્રદેશ પેશવા સત્તા હેઠળ હતો અને મહી નદીની દક્ષિણનો પ્રદેશ ગાયકવાડની સત્તા હેઠળ હતો. આમ, પેશવા અને ગાયકવાડ એ બે મુખ્ય મરાઠા શાસકોએ ગુજરાતમાં સત્તા સ્થાપી.

મરાઠા હકૂમતના સમય દરમિયાન અવ્યવસ્થા અને લૂંટફાટ વ્યાપક માત્રામાં ફેલાયેલી રહી. સત્તાધીશોને કારણે વહીવટી તંત્રમાં વારંવાર ફેરફારો થતા. પ્રાંતનો વડો સૂબો હતો અને રાજ્યતંત્ર લશ્કર પર આધારિત હતું. લશ્કરને પોષવા પ્રજા પર ત્રાસરૂપ કરવેરા નાખવામાં આવ્યા હતા. બીજી તરફ પ્રજારક્ષણની જવાબદારી યોગ્ય રીતે નિભાવવામાં આવતી નહિ. બંને મુખ્ય મરાઠા શાસકો પ્રજાની ફરિયાદો પ્રત્યે ઉદાસીન હતા. સલામતીની અનિશ્ચિતતાને કારણે શિક્ષણનો વિકાસ અટકી ગયો.

રાજ્યની આવકના મુખ્ય સાધન તરીકે પેશવાઓ ‘ચોથ’ ને ગાયકવાડો ‘સરદેશમુખી’ ઉઘરાવતા. મહેસૂલ ઉઘરાવવાના ઇજારા સ્થાનિક અગ્રણીઓમાંથી જે વિશ્વસનીય લાગે તેને આપવામાં આવતા. ઇજારદારો તેમાં મહેનતાણાની રકમ ઉમેરી મહેસૂલ ઉઘરાવતા. આથી લાંચનું પ્રમાણ ખૂબ વધ્યું. તે ઉપરાંત મહેસૂલ સાથે નાનામોટા વિવિધ જાતના કર ઉઘરાવાતા, જેનાથી પ્રજા અસંતુષ્ટ હતી. ન્યાયકાર્ય કાઝીઓ અને શાસ્ત્રીઓ  બંને દ્વારા ચાલતું, જેમાં ધાર્મિક ગ્રંથો મુખ્ય આધાર તરીકે રહેતા. બેવડી મરાઠા સત્તાઓ વચ્ચે વારંવાર સંઘર્ષ થતો અને એથી ક્રમશ: મરાઠા સલ્તનત પતનના આરે પહોંચી અને ગુજરાતમાં અંગ્રેજ સત્તાની સ્થાપના સરળ બની. ગુજરાતમાં 1818થી 1857 દરમિયાન બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સત્તા પ્રવર્તતી હતી.

અર્વાચીન કાળ

બ્રિટિશ વહીવટી તંત્ર : 1858માં બ્રિટિશ ઈસ્ટ ઇંડિયા કંપની પાસેથી તાજે ભારતનો વહીવટ સંભાળી લીધો. તે સમયે તાજનું વહીવટી માળખું મોટાભાગે કંપની સરકાર જેવું રહ્યું હતું. મુંબઈ ઇલાકાના ગવર્નરની નિમણૂક તાજ તરફથી કરવામાં આવતી. મુંબઈ સરકારમાં ગવર્નરની કાઉન્સિલમાં ત્રણ સભ્યો હતા. તેમાં બહુમતીથી નિર્ણયો લેવામાં આવતા. ગવર્નર રાજકીય, જાહેર સેવા, સામાન્ય ખાતાં અને ધારાકીય કાઉન્સિલને લગતી બાબતો સંભાળતા. મહેસૂલસભ્યને મહેસૂલ, નાણાવિષયક તથા રેલવેનાં ખાતાં સોંપ્યાં હતાં. બીજા બે સભ્યો પોલીસ, શિક્ષણ, આરોગ્ય, વહાણવટું વગેરે ખાતાં સંભાળતા હતા.

સચિવાલય દ્વારા લોકોનાં કાર્યો અંગેની અરજીઓ સરકારને પહોંચતી. સચિવાલયમાં સચિવો, નાયબ સચિવો, મદદનીશ સચિવો વગેરે અધિકારીઓ વિવિધ ખાતાં સંભાળતા. 1865માં બધા જિલ્લાનું ન્યાયતંત્ર હાઈકોર્ટને સોંપવામાં આવ્યું, જેમાં એક મુખ્ય ન્યાયાધીશ અને 7 ન્યાયાધીશ હતા. આ ઉપરાંત દીવાની ન્યાય વાસ્તે જિલ્લાના ન્યાયાધીશો, મદદનીશ ન્યાયાધીશો તથા પ્રથમ અને દ્વિતીય વર્ગના ન્યાયાધીશો નીમવામાં આવ્યા.

કાઠિયાવાડનાં 222 રાજ્યોમાંથી 193 જેટલાં નાનાં રાજ્યોમાં મુંબઈ સરકારે ફોજદારી અદાલતો સ્થાપી. એને પોલિટિકલ એજન્ટના અંકુશ હેઠળ મૂકી. 1863 સુધી કાઠિયાવાડને ન્યાયતંત્ર માટે ચાર પ્રાંતોમાં વહેંચી તે દરેકના ઉપરી તરીકે મદદનીશ પોલિટિકલ એજન્ટ નીમ્યા. એમને દીવાની તથા ફોજદારી સત્તાઓ આપી; ત્યારબાદ ચાર મદદનીશ પોલિટિકલ એજન્ટોની મદદમાં એક એક ડેપ્યુટી પોલિટિકલ એજન્ટ નીમી એમને દીવાની તથા ફોજદારી ન્યાયની સત્તા સોંપી. ગુજરાતની સરહદની આદિવાસી જાતિઓનાં રાજ્યોમાં 1838માં સરહદી પંચાયતો સ્થાપી. 1876માં તેને અદાલતોમાં પરિવર્તિત કરી.

જમીનમાલિકો પાસેથી મહેસૂલ રૈયતવારી પદ્ધતિ પ્રમાણે ઉઘરાવવામાં આવતું. મુંબઈ સરકારે સરવે ખાતું વ્યવસ્થિત કરી, જમીન મપાવી એનું વર્ગીકરણ કર્યું. ગામોને જૂથમાં વહેંચી, જમીનવેરાની પદ્ધતિ શરૂ કરી. 1867માં ડિસ્ટ્રિક્ટ પોલીસ ઍક્ટ અમલમાં આવ્યો. 1885માં સમગ્ર ઇલાકાના પોલીસ ખાતાનું વહીવટી તંત્ર ઇન્સ્પેક્ટર જનરલ ઑવ્ પોલીસને સોંપવામાં આવ્યું.

મુંબઈ ઇલાકાના મહેસૂલી વહીવટી તંત્રમાં 1914માં ચાર રેવન્યૂ કમિશનર તથા જિલ્લામાં એક કલેક્ટર અને બે ડેપ્યુટી કલેક્ટરો નીમવામાં આવતા હતા. જિલ્લામાં 12 તાલુકા હતા. દરેક તાલુકામાં આશરે 100 ગામ હતાં. દરેક ગામના અધિકારીમાં પટેલ અને તલાટી હતા. ગામના મહેસૂલનો હિસાબ સરવે-રજિસ્ટર મુજબ રહેતો. પ્રતિવર્ષ પ્રત્યેક ગામની જમાબંદી કરવામાં આવતી. ડેપ્યુટી કલેક્ટર વર્ષમાં એક વાર ગામની મુલાકાત લેતા.

તાલુકાના વડા મામલતદાર મહેસૂલ નિયમિત ઉઘરાવાય તેની દેખરેખ રાખતા. તે મૅજિસ્ટ્રેટની સત્તા પણ ધરાવતા. એને મદદ કરવા સર્કલ ઇન્સ્પેક્ટર અને તેની કચેરીમાં બીજા અધિકારીઓ નીમવામાં આવતા. મામલતદાર ડેપ્યુટી કલેક્ટરના તાબા હેઠળ હતા.

જાહેર બાંધકામ ખાતું ક્રમશ: વ્યવસ્થિત કરવામાં આવ્યું. 1914માં રેલવે માટે બે મુખ્ય ઇજનેરો નીમ્યા બાદ નિરીક્ષક ઇજનેરો તથા મદદનીશ ઇજનેરો નીમવામાં આવ્યા. 1860માં જંગલોના વહીવટી તંત્ર માટે ઇલાકાને ચાર સર્કલોમાં વહેંચીને કૉન્ઝર્વેટર તથા મદદનીશ કૉન્ઝર્વેટર નીમવામાં આવ્યા. ખાનગી પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓનું સંચાલન બૉર્ડ ઑવ્ મૅનેજમેન્ટ દ્વારા થતું હતું. તે જિલ્લા અને લોકલ બૉર્ડોને સોંપવામાં આવ્યું. 1865માં શાળાઓને ગ્રાન્ટ આપવા માટે એક ઇન્સ્પેક્ટર, ડેપ્યુટી ઇન્સ્પેક્ટર અને મદદનીશો નીમવામાં આવ્યા. 1884માં જમીનની નોંધણી અને ખેતીવાડીનાં ખાતાં શરૂ થયાં. 1905માં તે ખાતાંના નિયામકો નીમવામાં આવ્યા. 1903માં કો-ઑપરેટિવ ક્રેડિટ સોસાયટીઝ ઍક્ટ પસાર કરી તેનું કાર્ય રજિસ્ટ્રારને સોંપાયું. આ ઉપરાંત કસ્ટમ, નહેર, રસ્તા અને મકાનો, ઉદ્યોગો વગેરે ખાતાં શરૂ કરવામાં આવ્યાં.

સૌરાષ્ટ્રનાં દેશી રાજ્યો વેસ્ટર્ન ઇન્ડિયા સ્ટેટ્સ એજન્સી હેઠળ મૂકવામાં આવ્યાં. તળ ગુજરાતનાં રાજ્યો પાલનપુર એજન્સી, મહીકાંઠા એજન્સી, સૂરત એજન્સી તથા રેવાકાંઠા એજન્સી હેઠળ મૂકવામાં આવ્યાં. વડોદરા રાજ્યમાં અલગ રેસિડેન્ટની નિમણૂક થઈ હતી.

રિયાસતોનો વહીવટ : દેશી રાજ્યોનું એકથી સાત વર્ગમાં વિભાજન કરવામાં આવ્યું. પ્રથમ અને દ્વિતીય વર્ગનાં રાજ્યોના રાજાઓને તોપોની સલામી અપાતી. તેથી એ સલામી-રાજ્યો ગણાતાં. ત્રીજાથી સાતમા વર્ગનાં રાજ્યોના વડાઓને તોપોની સલામી અપાતી નહિ. તેથી એ બિનસલામી-રાજ્યો કહેવાતાં. રાજ્યના વડા રાજા હતા. તે મહારાજા, મહારાણા, નવાબ, ઠાકોર જેવા ખિતાબ ધરાવતા. રાજાની કચેરી હજૂર ઑફિસ અને રાજાની અદાલત હજૂર કોર્ટ કહેવાતી. રાજ્યના અધિકારીઓને નીમવાની તથા છૂટા કરવાની રાજાને સત્તા હતી. પ્રથમ અને બીજા વર્ગના રાજાઓને કાયદા ઘડવાની સત્તા હતી. આંતરિક વહીવટની બાબતમાં રાજાઓ સ્વતંત્ર હતા.

દરેક રાજા જન્મદિવસે, રાજ્યારોહણના દિવસે, નૂતન વર્ષના દિવસે કે વિશિષ્ટ અતિથિની મુલાકાતના પ્રસંગે રાજદરબાર ભરતા. તેમાં રાજ્યના અધિકારીઓ તથા લોકોના આગેવાનો હાજરી આપતા.

રાજાને વહીવટી બાબતોમાં સલાહ આપવા તથા મદદ કરવા દીવાન અથવા કારભારી નીમવામાં આવતા. તે રાજ્યની નીતિ નક્કી કરતા અને રાજ્યના સમગ્ર વહીવટ પર દેખરેખ રાખતા. મોટાં રાજ્યોમાં તાલીમ પામેલું લશ્કર રાખવામાં આવતું. દરેક રાજ્યના વિસ્તાર અને વસ્તીના પ્રમાણમાં પોલીસદળ અને તેના ઉપરી તરીકે પોલીસ-સુપરિન્ટેન્ડેન્ટ નીમવામાં આવતા. રાજ્યો તરફથી પોતાની જેલો રાખવામાં આવતી.

જમીન અને પાકના પ્રકાર પ્રમાણે મહેસૂલ લેવામાં આવતું. મહેસૂલ પાકના રૂપમાં લેવામાં આવે તેને ભાગબટાઈ અને રોકડ રકમમાં લેવામાં આવે તેને વિઘોટી કહેવામાં આવતી. મહેસૂલ ખાતાના ઉપરી રેવન્યૂ-કમિશનર કેસો અંગેની સંપૂર્ણ સત્તા ધરાવતા. પ્રથમ અને દ્વિતીય વર્ગનાં રાજ્યોમાં ફોજદારી અને દીવાની અદાલતો અલગ હતી. તેમાં હજૂર અદાલત, સર ન્યાયાધીશની અદાલત, ફર્સ્ટ ક્લાસ મૅજિસ્ટ્રેટની તથા મુનસફની અદાલતોનો સમાવેશ થતો હતો.

ઘણાંખરાં રાજ્યોમાં મફત અથવા ઓછી ફી લઈને શિક્ષણ આપવામાં આવતું. શિક્ષણખાતાના વડા તરીકે એજ્યુકેશન-ઇન્સ્પેક્ટર નીમવામાં આવતા. રાજ્યની હાઈસ્કૂલના હેડમાસ્તર ઘણુંખરું એ હોદ્દો સંભાળતા. રાજ્યના પાટનગરમાં હૉસ્પિટલ સ્થાપવામાં આવતી. આ ઉપરાંત મોટાં ગામોમાં દવાખાનાં ચલાવવામાં આવતાં. હૉસ્પિટલમાં ચીફ મેડિકલ ઑફિસર નીમવામાં આવતા. કેટલાંક રાજ્યોમાં પશુઓનાં દવાખાનાં પણ ચલાવવામાં આવતાં.

રાજ્યની આવકનાં સાધનોમાં જમીનમહેસૂલ, જકાત, કોર્ટ-ફી, ઇજારા-ફી, દંડ, જપ્તી વગેરેનો સમાવેશ થતો. તેમાંથી વહીવટી તંત્ર, પોલીસ, શિક્ષણ, આરોગ્ય, રસ્તા અને રાજકુટુંબ માટે ખર્ચ કરવામાં આવતો. કેટલાંક રાજ્યોમાં મ્યુનિસિપાલિટીની શરૂઆત કરવામાં આવી હતી. દરેક ગામમાં એક પોલીસ-પટેલ અને પગી રહેતો. દરેક રાજ્યને પોતાનું રાજ્યચિહન, રાજ્યસૂત્ર અને રાજ્યગીત રહેતું.

સ્વાતંત્ર્યોત્તર વહીવટ : સ્વાતંત્ર્યપ્રાપ્તિ બાદ, વહીવટી માળખામાં સ્વતંત્ર, લોકશાહી સરકારના હેતુઓ સિદ્ધ કરવા માટે આવશ્યક ફેરફારો કરવામાં આવ્યા. રાજ્યના ગવર્નરની નિમણૂક ભારતના પ્રમુખ કરે છે. પુખ્તવય મતાધિકાર ધરાવતા નાગરિકોએ ચૂંટેલા પ્રતિનિધિઓ દ્વારા રચાયેલી વિધાનસભાના બહુમતી પક્ષના નેતાને ગવર્નર મુખ્યપ્રધાન તરીકે અને તેના સૂચન મુજબ જુદા જુદા પ્રધાનોને નીમે છે. તે પ્રધાનોને મુખ્ય પ્રધાન જુદાં જુદાં ખાતાં સોંપે છે. સચિવાલયમાં કલ્યાણ-રાજ્યને અનુરૂપ વધુ સચિવો નીમવામાં આવ્યા. લોકશાહીનો અમલ થવાથી રાજ્ય કલ્યાણ-રાજ્ય બન્યું. ઑક્ટોબર, 1952થી કૉમ્યુનિટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ શરૂ કરવાથી રાજ્યનું ધ્યેય વિકાસલક્ષી બન્યું. લોકોને વિકાસની પ્રવૃત્તિઓમાં જોડવામાં આવ્યા.

કલેક્ટર જિલ્લા વિકાસ બૉર્ડના અધ્યક્ષ પણ બન્યા. તે બૉર્ડ, ખેતી, સિંચાઈ, સામાજિક વિકાસ, સહકાર, સમાજશિક્ષણ અને પંચાયતોના વિકાસનું ધ્યાન રાખતા. તે જુદાં જુદાં ખાતાંનાં કાર્યોનું સંયોજન કરતા, જિલ્લાના મહેસૂલ અંગેની બધી જવાબદારી તેમની હતી. તે ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટ તરીકેની ફરજો પણ બજાવતા. જિલ્લાના સુપરિન્ટેન્ડેન્ટ ઑવ્ પોલીસ અને પોલીસદળ તેમના અંકુશ હેઠળ રહેતાં. તે જેલોના વહીવટ અંગેની વિશાળ સત્તા ધરાવતા. ઇન્ડિયન આર્મ્સ ઍક્ટ, પેટ્રોલિયમ ઍક્ટ, એક્સ્પ્લોઝિવ ઍક્ટ અને પૉઇઝન્સ ઍક્ટ હેઠળ પરવાના અને પરમિટો આપવાની સત્તા કલેક્ટર ધરાવતા. આ ઉપરાંત નાગરિક પુરવઠા, નાની બચતો, જમીન-સંપાદન, વિધાનસભા અને સંસદની ચૂંટણીઓ વગેરે કાર્યો તેમણે સંભાળવાનાં હતાં.

આઝાદી બાદ વહીવટી તંત્રમાં નોંધપાત્ર ફેરફારો થયા. અગાઉ નહોતાં તેવાં અનેક ખાતાં, કલ્યાણ-રાજ્યના હેતુઓ સિદ્ધ કરવા શરૂ કરવામાં આવ્યાં. કલેક્ટર ખેતી, પશુસંવર્ધન, સહકાર, સમાજકલ્યાણ વગેરે ખાતાંની વિવિધ પ્રવૃત્તિઓનું સંયોજન કરતા.

પોલીસ-ખાતાના વહીવટ માટે ગુજરાત રાજ્યના વડોદરા અને રાજકોટ એવા બે પેટાવિભાગો પાડીને તે દરેકને ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ ઑવ્ પોલીસ હેઠળ મૂકવામાં આવ્યા. ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટ જિલ્લાના પોલીસ-સુપરિન્ટેન્ડેન્ટ અને પોલીસદળ ઉપર અંકુશ ધરાવે છે. લાંચરુશવત દૂર કરવા માટે અમદાવાદ ખાતે લાંચરુશવતવિરોધી ખાતાના નિયામક હેઠળ લાંચરુશવતવિરોધી દળ રાખવામાં આવે છે. આ ઉપરાંત હોમગાડર્ઝ અને ગ્રામરક્ષક દળ પોલીસની મદદ માટે રાખવામાં આવે છે. ઇન્સ્પેક્ટર જનરલ ઑવ્ પ્રિઝન્સ ગુજરાતના જેલખાતાના વડા છે.

ગુજરાત રાજ્યની સ્થાપના 1960માં થઈ ત્યારથી અમદાવાદમાં હાઈકોર્ટ શરૂ કરવામાં આવી. તેમાં એક મુખ્ય ન્યાયાધીશ અને બીજા ન્યાયાધીશો નીમવામાં આવ્યા. આ ઉપરાંત દરેક જિલ્લા અને તાલુકામાં ફોજદારી અને દીવાની અદાલતો છે. તેમના ઉપર હાઈકોર્ટ અંકુશ ધરાવે છે. રાજ્યના ખેતીવાડી ખાતાના નિયામકના અંકુશ હેઠળ દરેક જિલ્લામાં ખેતીવાડી અધિકારી નીમવામાં આવે છે. તે ખેતીના વિકાસ માટેના કાર્યક્રમનો અમલ કરે છે.

ગુજરાત રાજ્યના જંગલ ખાતાના વડા ચીફ કૉન્ઝર્વેટર ઑવ્ ફૉરેસ્ટ્સનું મુખ્ય મથક વડોદરામાં છે. તેમના અંકુશ હેઠળ વડોદરા સર્કલ, સૂરત સર્કલ અને જૂનાગઢ સર્કલના વિભાગીય જંગલ અધિકારીઓ કામ કરે છે. આ ઉપરાંત જાહેર બાંધકામ, સિંચાઈ, સહકાર, ઉદ્યોગ, માહિતી વગેરે ખાતાંના અધિકારીઓ પણ રાજ્ય, જિલ્લા અને તાલુકા-કક્ષાએ નીમવામાં આવ્યા છે.

રાજ્યમાં ઔષધ (medical) અને આરોગ્યને લગતી બધી સંસ્થાઓના વડા તરીકે નિયામક નીમવામાં આવ્યા છે. આ ખાતામાં ઔષધ અને જાહેર આરોગ્ય એવા બે વિભાગો છે. ઔષધ-વિભાગના બે નાયબ નિયામકોમાંથી એક ઔષધ-શિક્ષણ અને બીજા હૉસ્પિટલો અને નર્સિગ સ્કૂલો વગેરેની દેખરેખનો હવાલો સંભાળે છે. જાહેર આરોગ્યના નાયબ નિયામક રાજ્યના આરોગ્ય ખાતાની પ્રવૃત્તિઓની દેખરેખ રાખે છે. આ ઉપરાંત કુટુંબનિયોજન અને બાળ-આરોગ્યની સેવા માટે એક સંયુક્ત નિયામક નીમવામાં આવે છે.

સરકારના શિક્ષણ અને મજૂર ખાતાની દેખરેખ હેઠળ દારૂબંધી અને જકાત નિયામક તથા દરેક જિલ્લામાં તેના ઇન્સ્પેક્ટર દારૂબંધીના કાયદાનો અમલ કરવા ઉપરાંત અફીણ અને જોખમકારક દવાઓના ઉપયોગ સામે પગલાં ભરે છે.

પછાત વર્ગોના લોકોના વિકાસાર્થે સરકાર દ્વારા સમાજકલ્યાણ-ખાતાના નિયામક અને દરેક જિલ્લામાં સમાજકલ્યાણ-અધિકારી નીમવામાં આવે છે. આ ખાતાની વિવિધ પ્રવૃત્તિઓમાં પછાત વર્ગોના વિદ્યાર્થીઓને મફત શિક્ષણ, આર્થિક સહાય, ખેતી માટે આર્થિક સહાય વગેરેનો સમાવેશ થાય છે.

1961ના ગુજરાત પંચાયતોના ધારા મુજબ, 1963થી ગુજરાત રાજ્યમાં પંચાયતી રાજનો અમલ શરૂ થયો. તે મુજબ જિલ્લાપંચાયત, તાલુકાપંચાયત અને ગ્રામ/નગર-પંચાયત એવા ત્રણ વિભાગો હેઠળ તેમને વિકાસનાં કાર્યો સોંપવામાં આવ્યાં. જિલ્લાપંચાયત, તાલુકાપંચાયત અને નગર/ગ્રામ-પંચાયતનો વહીવટ અનુક્રમે જિલ્લાવિકાસ અધિકારી, તાલુકાવિકાસ અધિકારી અને પંચાયતના મંત્રી હેઠળ મૂકવામાં આવ્યો. જિલ્લાપંચાયતના પ્રમુખની સૂચના હેઠળ આઇ.એ.એસ. કક્ષાના જિલ્લાવિકાસ અધિકારી વિકાસના કાર્યક્રમોનો અમલ કરે છે. જિલ્લાપંચાયત હેઠળ ખેતીવાડી, શિક્ષણ, આરોગ્ય, પશુસંવર્ધન, સમાજકલ્યાણ, સહકાર, જાહેર બાંધકામ વગેરે ખાતાંના જિલ્લા-અધિકારીઓ કામ કરે છે.

અમદાવાદમાં સિટી સિવિલ કૉર્ટો (દીવાની અદાલતો) સ્થાપ્યા બાદ દરેક જિલ્લામાં જિલ્લા અને સેશન્સ ન્યાયાધીશ, મદદનીશ અને વધારાના સેશન્સ ન્યાયાધીશો નીમવામાં આવ્યા. એ રીતે તાલુકાનાં સ્થળોએ ફર્સ્ટ ક્લાસ મૅજિસ્ટ્રેટ અને સિવિલ જજ નીમવામાં આવ્યા. નાના ગુનાના કેસ ચલાવવા માટે ન્યાય પંચાયતોની રચના કરવામાં આવી.

જિલ્લામાં લોકશાહી વિકેન્દ્રીકરણની યોજનાનો અમલ 1 એપ્રિલ, 1963થી શરૂ થયો. જિલ્લા, તાલુકા અને નગર કે ગામ-કક્ષાએ ચૂંટાયેલ સંસ્થાને વિશાળ સત્તા તથા આવશ્યક નાણાં અને તાલીમ પામેલા અધિકારીઓ આપવામાં આવ્યાં. જિલ્લાના મુખ્ય વહીવટી અધિકારી તરીકે જિલ્લાવિકાસ અધિકારી અને તાલુકામાં તાલુકાવિકાસ અધિકારી નીમવામાં આવ્યા. તાલુકાવિકાસ અધિકારીનાં કાર્યોમાં મદદ કરવા શિક્ષણ, સહકાર, ખેતીવાડી, સમાજકલ્યાણ વગેરે ખાતાંના વિસ્તરણ-અધિકારીઓ નીમવામાં આવ્યા. મ્યુનિસિપલ વિસ્તારો સિવાયના વિસ્તારોમાં પ્રાથમિક શિક્ષણની જવાબદારી જિલ્લા-પંચાયતોમાં, શિક્ષણ ખાતા દ્વારા નીમેલા વહીવટી અધિકારીઓને સોંપવામાં આવી. આ ઉપરાંત બુનિયાદી શિક્ષણ, ટૅકનિકલ શિક્ષણ અને શારીરિક શિક્ષણની દેખરેખ માટે પણ અધિકારીઓ નીમવામાં આવ્યા.

સ્વાતંત્ર્યોત્તર ગુજરાતનું રાજકારણ

1947થી 1960નો ગાળો : આ સમય દરમિયાન દેશી રાજ્યોમાં વિલીનીકરણનો પ્રશ્ન સરદાર પટેલે કુનેહપૂર્વક ઉકેલ્યો. તેમાં સૌરાષ્ટ્રનું રાજકીય એકીકરણ, જૂનાગઢના જોડાણનો પ્રશ્ન, કચ્છનો તેમજ દીવ, દમણ અને દાદરા-નગરહવેલીનો પ્રશ્ન વગેરેનો સમાવેશ થતો હતો. 1956માં મહાગુજરાતની સ્થાપનાના પ્રશ્ને ઉગ્ર આંદોલન થયું, જેના પરિણામસ્વરૂપ 1લી મે, 1960ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના થઈ.

1947માં આઝાદી મળતાં સૌરાષ્ટ્રનાં દેશી રાજ્યો સ્વતંત્ર બન્યાં. જામનગરમાં 14મી ફેબ્રુઆરી, 1948ના રોજ ‘કાઠિયાવાડના સંયુક્ત રાજ્ય’નું સરદાર વલ્લભભાઈ પટેલના હસ્તે ઉદઘાટન થયું. 15 એપ્રિલના રોજ તેનું નામ સુધારીને ‘સૌરાષ્ટ્રનું સંયુક્ત રાજ્ય’ રાખવામાં આવ્યું. દેશી રાજ્યોનું વિલીનીકરણ થતાં આ સંયુક્ત રાજ્ય ભારતીય સંઘમાં જોડાઈ ગયું. આ સંદર્ભમાં એના વહીવટી માળખાનું પુનર્ગઠન કરવામાં આવ્યું. તે અનુસાર ખેતીવાડીના ક્ષેત્રે ખાસ સુધારા અમલમાં મુકાયા. 1951ના જમીન-સુધારણા ધારાથી ગિરાસદારી પ્રથા નાબૂદ કરી ‘ખેડે તેની જમીન’ની નીતિ અપનાવવામાં આવી. આથી રાજ્યની તમામ જમીન મહેસૂલ ઉઘરાવવાપાત્ર બની. આ સાથે સૌરાષ્ટ્ર-બારખલી-નાબૂદી ધારો અમલમાં મુકાયો. 1952ના સૌરાષ્ટ્ર મિલકત-જપ્તી કાયદાના અમલથી જાહેર સ્થળો, મંદિરો, શાળાઓ અને પડતર જમીન પર રાજ્યની માલિકી સ્થપાઈ. આ કાયદાઓથી ગિરાસદારોના અધિકારો ઓછા થયા અને ખેડૂતોને લાભ થયો. 1949માં અલાયદા વટહુકમ દ્વારા પંચાયત ધારો દાખલ કરવામાં આવ્યો અને ત્યારબાદ સહકારી મંડળીઓ અંગે પણ કાયદો ઘડવામાં આવ્યો. આવા વિવિધ કાયદાઓથી સૌરાષ્ટ્રમાં ક્રાંતિકારી સુધારા થયા. આ કાયદાઓ ભારતના અન્ય વિસ્તારો માટે અનુકરણીય રહ્યા.

1960થી સાંપ્રતકાળ : ગુજરાતનું અલગ રાજ્ય થતાં પ્રથમ વાર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના ત્રણ પ્રદેશો એક સુગ્રથિત એકમ તરીકે અસ્તિત્વમાં આવ્યા. નાણાકીય ખાધ, મર્યાદિત સાધનો અને વહીવટી તંત્રને નવેસરથી ગોઠવવા જેવા વિકટ પ્રશ્નોનો સામનો કરવાનો પ્રશ્ન પણ નેતાગીરી અને પ્રજા સમક્ષ આવ્યો. વહીવટી તંત્ર સુવ્યવસ્થિત અને ગતિશીલ બન્યું. વહીવટી કાર્યક્ષમતા વધારવા વહીવટી જૂથની રચના કરવામાં આવી. વહીવટી તંત્રમાંથી લાંચરુશવત દૂર કરવા લાંચરુશવતવિરોધી ખાતાની સ્વતંત્ર રચના કરવામાં આવી. જનતાના પ્રશ્નોના સ્થળ ઉપર જઈ ઉકેલ લાવવાની નૂતન પદ્ધતિ અપનાવવામાં આવી. નિર્દોષ નાગરિકો હેરાન ન થાય તે માટે રાજ્યે તકેદારી પંચની રચના કરી.

રાજકીય દૃષ્ટિએ ગુજરાતના રાજકારણે અનેક ચડતીપડતીઓ નિહાળી છે. એક-પક્ષ-પ્રભાવ-પ્રથામાંથી દ્વિપક્ષ પ્રથાનો અનુભવ આ જ ગાળા દરમિયાન થવા પામ્યો; પરંતુ માત્ર પક્ષના આંતરિક પ્રશ્નોને કારણે કૉંગ્રેસની સરકાર બદલાયાના પ્રસંગો અવારનવાર બન્યા છે. 1962થી 1994 સુધીમાં માત્ર બે જ વખત બિનકૉંગ્રેસી સરકારોની રચના થઈ છે. બાબુભાઈ જ. પટેલના મુખ્યમંત્રીપદે તા. 18-6-1975થી 12-3-1976 અને 11-4-1977થી 17-2-1980 સુધી જનતા મોરચાએ સત્તાનાં સૂત્રો હાથ ધર્યાં હતાં. ત્યારબાદ તા. 4-3-1990ના રોજ ચીમનભાઈ પટેલના નેતૃત્વ હેઠળ જનતાદળે ભારતીય જનતા પક્ષ સાથે મિશ્ર સરકાર રચી, પરંતુ તે પણ પાછળથી ચીમનભાઈ કૉંગ્રેસમાં ભળી જતાં કૉંગ્રેસની સરકાર બની. એકંદરે ગુજરાતમાં સ્થિર સરકારોને કારણે વિવિધ ક્ષેત્રોમાં પ્રશંસનીય કામગીરી થવા પામી છે. 1994થી 1998 સુધીના ગાળામાં છબીલદાસ મહેતા, સુરેશચંદ્ર મહેતા, શંકરસિંહ વાઘેલા અને દિલીપભાઈ પરીખ  ચાર મુખ્યમંત્રીઓ ટૂંકા ગાળા માટે હોદ્દા પર રહ્યા. એકંદરે આ ગાળો ગુજરાતના અસ્થિર રાજકારણનો હતો. માર્ચ ’98થી ભારતીય જનતા પક્ષને સત્તાનાં સૂત્રો સંભાળવાની લાંબી તક સાંપડેલી છે.

ગુજરાતે સમાજવાદી સમાજરચના પ્રતિ વાસ્તવિક અભિગમ અપનાવ્યો છે. ખેતીના વ્યવસાયમાં વચગાળાનાં બધાં જ સ્થાપિત હિતોને દૂર કરી, ખેડૂતોને શોષણમુક્ત કર્યા તો બીજી બાજુ પછાત વર્ગો અને વિસ્તારોની અસમાનતા જલદી ઘટે, તેમના વિકાસની માત્રા વધે તથા તેઓ અન્યની સમકક્ષ બને તે અંગેની કામગીરી પણ થઈ છે. રોજગાર માટે સુયોજિત પ્રબંધ, નાના ખેડૂતો, જમીનવિહોણા ખેતમજૂરો તથા સમાજનાં નબળાં અંગોની કલ્યાણ માટેની પ્રવૃત્તિઓ, આ નવીન સમાજરચનાની પાયાની પ્રવૃત્તિઓ છે અને તેના અમલમાં ગુજરાતે ઠીક ઠીક સિદ્ધિ મેળવી છે.

સમાજવાદી કાર્યક્રમના અમલ માટે રાજ્યકક્ષાએ આયોજનપંચની રચના, જમીનસુધારણા અંગે વચગાળાના ભોગવટાની નાબૂદી, ગણોતધારામાં સુધારા તથા જમીન ધારણ કરવા પર ટોચમર્યાદા મૂકતા કાયદા ઘડવામાં આવ્યા અને તેનો પૂરેપૂરો અને ઝડપી અમલ પણ સૌપ્રથમ ગુજરાતમાં થયો. જમીનની ટોચમર્યાદાના કાયદાના અમલને કારણે જમીનની વહેંચણી વધુ ન્યાયપુર:સર અને સમાનતાને ધોરણે થઈ શકી છે. ‘ખેડે તેની જમીન’ના ક્રાંતિકારી ખ્યાલનો સફળ પ્રયોગ પણ ગુજરાતમાં પાર પડ્યો છે. પરિણામે 1970માં 7 લાખ ગણોતિયા 15.5 લાખ હેક્ટર જમીનના માલિક બન્યા. જમીનટોચમર્યાદાનો કાયદો અને જમીનનાબૂદીના કાયદા અન્વયે વધારા પૈકીની 20 હજાર હેક્ટર જમીન આ ગાળા દરમિયાન સરકારને પ્રાપ્ત થઈ, જે ખેતવિહોણા ખેતમજૂરોને વહેંચી અપાઈ. આમ, ભૂમિસંપત્તિ જેવી દેશની મુખ્ય સંપત્તિની સમાજવાદી વહેંચણી કરવામાં ગુજરાતે સમગ્ર દેશમાં નમૂનારૂપ કામગીરી કરી.

2002ની ગુજરાત રાજ્યની ચૂંટણીમાં ભાજપે બહુમતી જાળવી રાખી અને નરેન્દ્ર મોદી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી રહ્યા. 1લી જુલાઈ, 2007માં નરેન્દ્ર મોદી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીના હોદ્દા પર સૌથી લાંબી મુદત સુધી આ પદ પર ટકી રહેનાર મુખ્યમંત્રી બન્યા. ડિસેમ્બર, 2012માં ગુજરાતમાં રાજ્યકક્ષાની ચૂંટણીઓ યોજાઈ ત્યારે પક્ષ તરીકે ભાજપએ બહુમતી જાળવી રાખી અને ચૂંટણી પછી નવી સરકારની રચના કરી. આ સમયે પણ નરેન્દ્ર મોદી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી જાહેર થયા.

2014માં દેશની 16મી સામાન્ય ચૂંટણી યોજાઈ. આ સામાન્ય ચૂંટણીમાં ભાજપએ ચૂંટણી પૂર્વે, એટલે કે અગાઉથી જ વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે નરેન્દ્ર મોદીને જાહેર કર્યા. આથી તેમણે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી પદના હોદ્દા પરથી 21-5-2014ના રોજ રાજીનામું આપ્યું. આ તબક્કે આનંદીબહેન પટેલને મુખ્યમંત્રી ઘોષિત કરાતા તેમણે મુખ્યમંત્રીનું પદ ગ્રહણ કર્યું. તેઓ ગુજરાત રાજ્યના સૌપ્રથમ મહિલા મુખ્યમંત્રી હતા. 75મા વર્ષના આરંભે વયનિવૃત્તિના ધોરણ હેઠળ આનંદીબહેન પટેલે હોદ્દા પરથી રાજીનામું આપ્યું. ઑગસ્ટ 2016માં વિજય રૂપાણી મુખ્યમંત્રી ઘોષિત થયા.

પ્રધાનમંડળો અને રાજકીય પક્ષો

1લી મે, 1960ના રોજ ગુજરાત રાજ્યના સ્થાપના-દિને જાહેર કરવામાં આવ્યું કે પક્ષપાતરહિત અને કાર્યક્ષમ વહીવટી તંત્ર ઊભું કરવાના તમામ પ્રયાસો કરવામાં આવશે.

જીવરાજ મહેતા (1–5–60થી 19–9–63) : ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્ય પ્રધાન ડૉ. જીવરાજભાઈ મહેતા હતા. ગુજરાતમાં તેમણે 1–5–1960થી 8–3–1962 અને 8–3–1962થી 19–9–1963 સુધી અર્થાત્, લગભગ 3 વર્ષ 4 મહિના અને 21 દિવસ સુધી સત્તા ભોગવી હતી. તેમના સત્તાકાળ દરમિયાન 1961માં પંચાયતી રાજની સ્થાપનાનો કાયદો ઘડાયો અને 1–4–1963થી તેનો અમલ થયો. આ ઉપરાંત એમના શાસનકાળ દરમિયાન વિધાનસભામાં કેટલાક અગત્યના કાયદા કરવામાં આવ્યા. આમાં મુંબઈનો ગણોત વહીવટ અને ખેતીની જમીન બાબત, ગુજરાત સહકારી મંડળી વિધેયક, ગુજરાત પંચાયત વિધેયક, ગુજરાત યુનિવર્સિટી બાબતનું વિધેયક, ફરજિયાત પ્રાથમિક શિક્ષણ વગેરેનો સમાવેશ કરી શકાય. તેમના મંત્રીમંડળ સામે 9 સપ્ટેમ્બર, 1963ના રોજ પ્રથમ વખત અવિશ્વાસની દરખાસ્ત આવી જે 11 સપ્ટેમ્બર, 1963ના રોજ 32 વિરુદ્ધ 101 મત દ્વારા પરાસ્ત થઈ. તેમના નેતૃત્વ હેઠળ 1962માં ગુજરાત રાજ્યની પ્રથમ ચૂંટણી પણ યોજાઈ. ચૂંટણીમાં કૉંગ્રેસ પક્ષને 113 બેઠકો પ્રાપ્ત થઈ. આમ પ્રજાએ જીવરાજભાઈના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કર્યો. છતાં પણ તેમના સમય દરમિયાન પારડીની ઘાસિયા જમીન અને શહીદ સ્મારક જેવા કેટલાક અગત્યના પ્રશ્નો વણઉકેલ્યા રહ્યા હતા.

બળવંતરાય મહેતા (19–3–1963થી 19–9–1965) : બળવંતરાય મહેતાનો સમયગાળો માત્ર બે વર્ષનો હોવા છતાં તેમની રાજકીય નેતૃત્વશક્તિનો પરિચય જોવા મળ્યો. તેમના સમય દરમિયાન જ ધુવારણ વીજળીમથકની શરૂઆત થઈ. ઔદ્યોગિક વિકાસ માટે દરેક જિલ્લામાં ઔદ્યોગિક વસાહતો અને વિસ્તારની સ્થાપના કરવામાં આવી. વડોદરામાં કોયલી રિફાઇનરી કાર્ય કરતી થઈ. પરિણામે પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગો પણ સ્થપાયા. સિંચાઈ પાછળ રૂ. 1,352 લાખનો ખર્ચ કરવામાં આવ્યો. સૌરાષ્ટ્રમાં શેત્રુંજી અને ભાદર, બનાસકાંઠામાં દાંતીવાડા વગેરે સ્થળોએ જળાગારો થયાં.

1965માં પાકિસ્તાને ભારત પર આક્રમણ કર્યું ત્યારે તેઓ કચ્છની સરહદની મુલાકાતે ગયા હતા તે વખતે તેમનું વિમાન તોડી પાડવામાં આવ્યું, જેના કારણે તેમનું 19–9–1965ના રોજ અકાળે અવસાન થયું.

હિતેન્દ્રભાઈ દેસાઈ (19–9–1965થી 4–3–1967, 4–3–1967થી 13–5–1971) : હિતેન્દ્રભાઈમાં વહીવટી કુશળતા તથા રાજકારણી શાણપણનો સમન્વય થયેલો હતો. તેમનામાં પક્ષનાં વિરોધી જૂથો અને વિવિધ વિચારસરણી ધરાવતી વ્યક્તિઓને એકસૂત્રે રાખવાની સૂઝ અને આવડત હતી. તેમના સમય દરમિયાન જમીનસુધારણા, સમાજકલ્યાણ, પછાત વર્ગોનો વિકાસ તથા સિંચાઈ અને સહકાર જેવાં ક્ષેત્રોએ નોંધપાત્ર પ્રગતિ થઈ. તેમણે દેવસ્થાન ઇનામ નાબૂદી અધિનિયમ 15 નવેમ્બર, 1969ના રોજ પસાર કર્યો તેમજ પછાત વર્ગના કલ્યાણ અંગેના કાર્યક્રમ માટે 1969–70માં રૂ. 162.53 લાખ અને 1970–71માં રૂ. 246.12 લાખની જોગવાઈ કરવામાં આવી. પછાત વર્ગના વિદ્યાર્થીઓને ફી-માફી, શિષ્યવૃત્તિઓ, છાત્રાલયોમાં મફત રહેવા-જમવાની વ્યવસ્થા વગેરેની જોગવાઈ કરવામાં આવી. ઉપરાંત પારડીની ઘાસિયા જમીનના પ્રશ્નનો 14 વર્ષનાં આંદોલનો બાદ સુખદ ઉકેલ આવ્યો. ઔદ્યોગિક વિકાસમાં સ્વાવલંબન સિદ્ધ કરવાની કામગીરી પણ એમણે બજાવી. તેમના સમય દરમિયાન 31 માર્ચ, 1970 સુધીમાં ભારત સરકારે 215 મોટા ઉદ્યોગોને નવા એકમો શરૂ કરવા પરવાના આપ્યા હતા. તેમાં સૌથી વધુ ઇજનેરીના 106 એકમોનો સમાવેશ થાય છે. અછત અને કુદરતી આફતોનો પણ અસરકારક રીતે સામનો કરવામાં આવ્યો. તેમણે અમદાવાદમાં શહીદ સ્મારક ઊભું કરવાનો પ્રશ્ન પણ ઉકેલ્યો. એપ્રિલ, 1971માં માધ્યમિક શિક્ષણ મફત જાહેર કરવામાં આવ્યું, તેમના સમય દરમિયાન સપ્ટેમ્બર, 1969માં ગુજરાતમાં મોટા પાયા પર કોમી રમખાણો ફાટી નીકળ્યાં અને સરકાર તેને અંકુશમાં લેવામાં સદંતર નિષ્ફળ ગઈ.

ઘનશ્યામભાઈ ઓઝા (17–3–1972થી 17–7–1973) : તેમણે નાના ખેડૂતોને મહેસૂલમાંથી મુક્તિ આપતો અને માધ્યમિક શિક્ષણ મફત કરવાનો કાયદો પસાર કર્યો. શહેરી વિસ્તારોમાં જમીનના બધા જ સોદા રદ કરતું બિલ ધારાસભામાં પસાર કરાવ્યું. 15 ફેબ્રુઆરી, 1973ના રોજ ધારાસભામાં ગુજરાત માધ્યમિક શિક્ષણ વિધેયક પસાર કરાવ્યું. પરિણામે ખાનગી સંસ્થાઓ દ્વારા ચાલતી શિક્ષણસંસ્થાઓના સંચાલનમાં ધરમૂળથી ફેરફાર કરવામાં આવ્યા. માધ્યમિક શિક્ષણ બૉર્ડની રચના પણ કરવામાં આવી. તેમણે ગંદા વસવાટ વિસ્તાર નાબૂદી અને પુનર્વિકાસ અંગેની યોજનાઓની શરૂઆત કરી. રૂરલ હાઉસિંગ બૉર્ડની રચના કરવામાં આવી. મજૂર કલ્યાણ માટે મુંબઈ ઔદ્યોગિક સંબંધો અને ઔદ્યોગિક વિવાદ ધારા-સુધારા અંગેનું વિધેયક પસાર કરીને ઔદ્યોગિક સંચાલનમાં મજૂરોની ભાગીદારીનો સ્વીકાર કરવામાં આવ્યો. આદિવાસી જાતિઓના વિકાસ માટે ગુજરાત આદિજાતિ વિકાસ કૉર્પોરેશનની રચના કરવામાં આવી. તેમણે ગ્રામ ગૃહનિર્માણ બૉર્ડની પણ રચના કરી.

ચીમનભાઈ પટેલ (17–7–1973થી 9–2–1974 તથા 4–3–1990થી 17–2–1994) : તેમનામાં કાર્ય કરવાની ધગશ, વ્યવસ્થાશક્તિ અને પરિશ્રમશીલતા જેવા ગુણો હતા. તેઓ કૉંગ્રેસની સ્વરાજ પછીની નૂતન પેઢીના પ્રતીક હતા. જોકે તેમના શાસન સામે કૉંગ્રેસ પક્ષના સ્થાનિક અસંતુષ્ટો સમસ્યારૂપ હતા. તેમણે નર્મદા યોજનાનો ઝડપી અમલ કરાવવાનો આગવો પ્રયાસ કર્યો. તેમણે 1973થી 1974ના ટૂંકા ગાળા દરમિયાન અન્નની અછતને પહોંચી વળવા અને ચીજવસ્તુઓના ભાવ ઘટાડવા કેટલાંક પગલાં લીધાં ખરાં, પરંતુ તેની કોઈ અસર ન હતી, પરિણામે અન્ન-રમખાણો થયાં અને નવનિર્માણનું આંદોલન શરૂ થયું, જેમાં સમાજના બધા જ વર્ગો જોડાઈ જતાં, વિદ્યાર્થીઓની મહત્વની ભૂમિકા, કૉંગ્રેસના અસંતુષ્ટોનો આંદોલનને ટેકો, વિરોધ પક્ષ અને અધ્યાપકોનો આંદોલનને ટેકો વગેરે કારણોસર તેમને 9મી ફેબ્રુઆરી, 1974ના રોજ રાજીનામું આપવાની ફરજ પડી.

તેમણે પુન: 4–3–1990થી જનતા દળ અને ભારતીય જનતા પક્ષની મિશ્ર સરકાર રચી, પરંતુ ભારતીય જનતા પક્ષ મિશ્ર સરકારમાંથી નીકળી જતાં તેમણે જનતા દળ (ગુજરાત) અને કૉંગ્રેસના ટેકાથી સરકાર રચી. પાછળથી તેઓ કૉંગ્રેસમાં ભળી જઈને કૉંગ્રેસની સરકારના મુખ્ય પ્રધાન બન્યા. આ ચાર વર્ષના ગાળા દરમિયાન તેમણે ‘નયા ગુજરાત’નું સ્વપ્ન સાકાર કરવા પ્રયત્નો કર્યા. અનેક વિઘ્નો છતાં નર્મદા યોજના સફળતાપૂર્વક અમલમાં મૂકવાનો પ્રયત્ન કર્યો. ઔદ્યોગિક ક્ષેત્રે ગુજરાતને ભારતના નકશામાં અગત્યનું સ્થાન પ્રાપ્ત થયું. તેમનું 17–2–1994ના રોજ હૃદયરોગના હુમલાને કારણે મૃત્યુ થયું.

બાબુભાઈ . પટેલ (18–6–1975થી 12–3–1976 તથા 11–4–1977થી 17–2–1980) : બાબુભાઈ પટેલે ગુજરાતમાં પ્રથમ બિનકૉંગ્રેસી જનતા મોરચા સરકારની રચના કરી. તેમના સમયગાળા દરમિયાન વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીએ દેશમાં આંતરિક કટોકટી જાહેર કરી. પ્રતિકૂળ સંજોગો છતાં એમણે પ્રમાણમાં સંતોષકારક કાર્ય કરી બતાવ્યું. બાબુભાઈએ સ્વચ્છ, કાર્યક્ષમ, લોકાભિમુખ વહીવટ આપવાનો સંનિષ્ઠ પ્રયત્ન કર્યો. ગ્રામવિકાસના પ્રશ્નો, આદિવાસી વિસ્તારોનો વિકાસ, જમીન ધારણ કરવાની પદ્ધતિ અંગે વિચારણા, ખેડૂતોના દેવાના પ્રશ્નોની વિચારણા, સિંચાઈ-વિસ્તરણ, લાંબા ગાળાનું વીજળીના ઉત્પાદનનું આયોજન, ઉદ્યોગોનું આયોજન, રોજગારવૃદ્ધિ, ગરીબી દૂર કરવા માટેનાં પગલાં, બંધ મિલો ચાલુ કરાવવી, પેટ્રોકેમિકલ સંકુલની સ્થાપના, બૉમ્બે હાઈના ગૅસનો હિસ્સો મેળવવો, ક્રૂડ ઑઇલની ન્યાયી રૉયલ્ટી, વિકેન્દ્રિત ઉદ્યોગો, માતૃભાષામાં વહીવટ, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીઓ, લોકપાલ-લોકાયુક્તની નિમણૂક વગેરે પ્રશ્નોનો ઉકેલ લાવવાના તેમણે સંનિષ્ઠ પ્રયત્નો કર્યા. તેમણે ગરીબી દૂર કરવા અંત્યોદય યોજના દાખલ કરી. દેવાદાર ખેડૂતો માટે રૂ. 66 કરોડની રાહત જાહેર કરી.

માધવસિંહ સોલંકી (25–12–1976થી 11–4–1977, 6–6–1980થી 6–7–1985 તથા 10–12–1989થી 3–3–1990) : માધવસિંહ સોલંકીની સરકારને રાજકીય અને કુદરતી બંને ક્ષેત્રે આપત્તિઓનો સામનો કરવો પડ્યો, છતાં રાજ્યના વિકાસની કેડીને એ આગળ ધપાવી શક્યા. તેમના શાસન દરમિયાન ઉદ્યોગ, શિક્ષણ, પછાત વર્ગનો ઉત્કર્ષ, વીજળી, સિંચાઈ વગેરે ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી થઈ. પછાત વર્ગોને મદદ કરવા ‘કુટુંબપોથી’ની નવીન પદ્ધતિ દાખલ કરી. ખેતમજૂરોના દૈનિક વેતનમાં વધારો કર્યો તેમજ લઘુતમ વેતનના અમલને અગ્રતાક્રમ આપ્યો. ‘રૂરલ લેબર કમિશનર’ની જગા ઊભી કરવામાં આવી. તેમના સમય દરમિયાન નર્મદા યોજનાને પૂર્ણ કરવા વિશ્વબૅંક પાસેથી પ્રથમ તબક્કાની રૂ. 500 કરોડની લોન પ્રાપ્ત થઈ. સરદાર સરોવરના બાંધકામનું કાર્ય શરૂ થયું તેમજ હાઇડ્રો-ઇલેક્ટ્રિક પાવર સ્ટેશન અને મુખ્ય નહેરનાં બાંધકામ પણ શરૂ થયાં. ઔદ્યોગિક અને આર્થિક ક્ષેત્રે નોંધપાત્ર વિકાસ સધાયો. ઔદ્યોગિક ક્ષેત્રે ગુજરાત આઠમા સ્થાનેથી દ્વિતીય સ્થાને આવી શક્યું. ગુજરાત નર્મદા ફર્ટિલાઇઝર જેવા ખાતરના વિશાળ કારખાનાનો પ્રારંભ થયો. તેમણે પ્રાથમિક શાળાનાં 50 લાખ બાળકો માટે રૂ. 110 કરોડના ખર્ચે મધ્યાહન ભોજન યોજના શરૂ કરી. યુનિવર્સિટી કક્ષા સુધી કન્યાકેળવણી મફત કરીને સરકારે કન્યાકેળવણીને પ્રોત્સાહન આપવાનું અગત્યનું પગલું ભર્યું.

એમના સમય દરમિયાન રાજ્યની સ્થિરતાને નુકસાન કરે તેવાં કાર્યો પણ થયાં. તેમણે મૂકેલી ‘ખામ’ (ક્ષત્રિય, હરિજન, આદિવાસી, મુસ્લિમ) યોજનાને કારણે ગુજરાતમાં પ્રથમ વખત ઉચ્ચ જ્ઞાતિ અને નિમ્ન જ્ઞાતિ એવા ભેદ પડ્યા. જ્ઞાતિવાદે વિકૃત સ્વરૂપ ધારણ કર્યું અને ગુજરાતની સ્થિરતા જોખમાઈ, વહીવટી તંત્રમાં અનામત અને રોસ્ટર પ્રથાને કારણે કર્મચારીઓમાં ભાગલા પડ્યા અને વહીવટી તંત્રની કાર્યક્ષમતા તેમજ કાર્યોત્સાહમાં ઘટાડો થયો. અનામત આંદોલનને કારણે 6 જુલાઈ, 1985ના રોજ તેમને રાજીનામું આપવાની ફરજ પડી.

અમરસિંહ ચૌધરી (6–7–1985થી 9–12–1989) : અમરસિંહ ચૌધરી ગુજરાતના પ્રથમ આદિવાસી મુખ્ય પ્રધાન બન્યા. તેમણે તેમના શાસનકાળ દરમિયાન સમાધાનકારી વલણ અપનાવ્યું. પરિણામે તેમની સમક્ષ નહિવત્ પડકારો રહ્યા. તેમણે પછાત જાતિના ઉત્કર્ષ માટે ભગીરથ પ્રયત્ન કર્યો. તેમણે ગુજરાતના કૃષિ અને ઔદ્યોગિક ક્ષેત્રે વિકાસકૂચ જાળવી રાખવા યથાશક્તિ પ્રયત્ન કર્યા.

કૉંગ્રેસ પક્ષના નેતા છબીલદાસ મહેતા 17–2–94થી 13–3–95 સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા.
21–10–95થી 18–9–96 સુધી સુરેશચંદ્ર મહેતા ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા. 18–9–96થી 4–3–98 દરમિયાન શંકરસિંહ વાઘેલા રાજ્યના મુખ્યમંત્રી રહ્યા. તેમણે ગુજરાતની અસ્મિતા બાબતે વિશેષ રસ દાખવ્યો. શંકરસિંહ વાઘેલાના કાર્યકાળ પછી દિલીપભાઈ પરીખ 28–10–97થી 4–3–98 સુધી મુખ્યમંત્રી રહ્યા.

કેશુભાઈ પટેલ (15–3–95થી 21–10–95 અને ફરી 4–3–98થી 7–10–2001) : મુખ્યમંત્રી તરીકે બીજી વાર કાર્યભાર સંભાળનાર આ નેતા ગુજરાતના 14મા મુખ્યમંત્રી હતા. સાર્વજનિક જાહેર જીવનમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અદના સેવક તરીકે તેમણે પ્રવેશ કરેલો. 1975માં વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ વાર ચૂંટાઈ આવ્યા અને તે પછી તેઓ સતત વિજયી બનતા આવ્યા હતા. આ સમગ્ર કારકિર્દી દરમિયાન તેઓ ખેતી અને સિંચાઈ મંત્રી, જાહેર બાંધકામ મંત્રી, નર્મદા, જળસંપત્તિ, વાહનવ્યવહાર અને બંદરો જેવાં ખાતાંઓના મંત્રી રહ્યા હતા. 26 ઑક્ટોબર, 1990થી 31 માર્ચ, 1995 સુધી તેઓ વિરોધપક્ષના નેતા રહ્યા હતા. દસમી વિધાનસભામાં ભારતીય જનતા પક્ષને સ્પષ્ટ જનાદેશ મળતાં તેઓ મુખ્યમંત્રી બન્યા. ત્યારબાદ માર્ચ 1998થી ફરી વાર તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર ગ્રહણ કર્યો. તેઓ ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પણ હતા. ગરીબી રેખા નીચેની વ્યક્તિઓના ઉત્કર્ષ માટે તેમણે ગોકુળગામ યોજના શરૂ કરી હતી. તો બીજી તરફ ઇન્ફર્મેશન ટૅક્નૉલૉજીના વિકાસમાં ગુજરાત આગળ વધે તે માટે ‘ગુજરાત ઇન્ફર્મેશન ટૅક્નૉલૉજી’ની નીતિની તેમણે જ જાહેરાત કરી હતી. આ નીતિ અન્વયે 1998માં ગુજરાત રાજ્યના સ્થાપનાદિનથી ઇન્ટરનેટ વેબસાઇટનો પ્રારંભ કરાવ્યો તથા 2 ફેબ્રુઆરી, 1999ના રોજ ગાંધીનગર ખાતે હાઇટેક ઇન્ફોસિટીનો શિલાન્યાસ કરવામાં આવ્યો. આમ ગુજરાત ઝડપથી ઇન્ફર્મેશન ટૅક્નૉલૉજીના યુગમાં પ્રવેશે તે માટે તેઓ આતુર હતા.

નરેન્દ્ર મોદી (7–10–2001થી 22–5–2014) : ભાજપના સફળ સંગઠનકાર, અગ્રણી કાર્યકર, પૂર્વ રાષ્ટ્રીય મહામંત્રી અને ચૂંટણી-વ્યૂહરચનાકાર(electioneering)ની બાહોશી ધરાવતા આ પાયાના નિષ્ઠાવાન કાર્યકરને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીનો કાર્યભાર સોંપવામાં આવ્યો. તેઓ ગુજરાત રાજ્યના સૌથી નાની વયના મુખ્યમંત્રી હતા. 1995ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 121 બેઠકો સાથે બે તૃતીયાંશ બહુમતી મેળવી ભાજપને સત્તારૂઢ રાખવામાં તેમનું પ્રદાન છે. આ જ વર્ષે યોજાયેલી નગરપાલિકાઓની ચૂંટણીમાં પણ 85 % બેઠકો મેળવી પ્રચંડ બહુમતી હાંસલ કરી તેમણે ચૂંટણી-વ્યૂહરચનાકારની તેમની ઓળખને સાચી સાબિત કરી. જૈવ પ્રૌદ્યોગિકી બાયૉટૅક્નૉલૉજીનું અલગ મંત્રાલય રચવાનો નિર્ણય કરનાર તેઓ પહેલા મુખ્યમંત્રી છે.

27 ફેબ્રુઆરી 2002ના ગોધરા રેલવે સ્ટેશન ખાતે ભાજપના કારસેવકોને જીવતા જલાવી દેવાના ગોઝારા બનાવને કારણે રાષ્ટ્રીય કક્ષાએ ધૂંધળી છબી ધરાવવા છતાં ઉપર્યુક્ત ઘટના પૂર્વે જ તેઓ ચૌદ હજાર કરતાં વધુ મતોની સરસાઈથી રાજકોટ–2 મતદારવિસ્તારમાંથી વિધાનસભ્ય તરીકે ચૂંટાયેલા. નર્મદા નદી પરના સરદાર સરોવર બંધની ઊંચાઈ 110.64 મીટરથી વધારીને 121.92 મીટરે લઈ જવા માટેની મંજૂરી મેળવી.

2001માં પ્રથમવાર મુખ્યમંત્રી પદે શપથ ગ્રહણ કર્યા બાદ તેઓ 2002 અને 2007ની વિધાનસભાની ચૂંટણીઓમાં વિજયી બનીને મુખ્યમંત્રી પદે ચાલુ રહ્યા. 2012ની ચૂંટણીમાં પણ તેઓ વિજયી ઉમેદવાર જાહેર થયા હતા. સમગ્ર રીતે જોતા તેમને મુખ્યમંત્રી તરીકે બાર વર્ષનો વિક્રમસર્જક શાસનકાળ પ્રાપ્ત થયો છે. (માધવસિંહ સોલંકી છ વર્ષનો શાસનકાળ ધરાવતા હતા.) એ સિવાય ગુજરાતના અન્ય મુખ્યમંત્રીઓ પાંચ વર્ષ પૂરાં કરી શક્યા નથી. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સતત બાર વર્ષ સુધી આ હોદ્દા પર રહેલા તેઓ નોંધપાત્ર મુખ્યમંત્રી છે.

આનંદીબહેન પટેલ (22–5–2014થી 7–8–2017) : ગુજરાત રાજ્યનાં 15મા મુખ્યમંત્રી તેમજ રાજ્યના સૌપ્રથમ મહિલા મુખ્યમંત્રી. આ હોદ્દો અધિકૃત રીતે ધારણ કર્યો. શિક્ષણ ક્ષેત્રે લાંબી કારર્કિદી તેઓ ધરાવે છે. સાથોસાથ ભાજપમાં સક્રિય કાર્યકર તરીકે કામ કરતાં હતાં. 1994માં રાજ્યસભા સભ્ય બનીને જાહેર જીવનમાં પ્રવેશ્યાં. 1998માં ગુજરાત રાજ્યની વિધાનસભામાં ચૂંટાઈને તેમણે ક્રમશ:  માંડલ, પાટણ અને ઘાટલોડિયા મત વિસ્તારોનું પ્રતિનિધિત્વ કર્યું. 2007થી ગુજરાત રાજ્યના મંત્રીમંડળમાં તેઓ જોડાયાં અને કેબિનેટ મંત્રી તરીકે પણ કામ કર્યું. 2017માં વય નિવૃત્તિ લેવાનું પસંદ કરતાં તેમણે રાજ્યના મુખ્યમંત્રી પદના હોદ્દા પરથી રાજીનામુ મૂક્યું.

વિજય રૂપાણી (7–8–2017થી) : રંગૂન (મ્યાનમાર) ખાતે જન્મેલા વિજય રૂપાણી રાજકોટના વતની છે અને 1960થી રાજકોટ આવી અહીં સ્થિર થયા હતા. આનંદીબહેન પટેલના અનુગામી તરીકે 7 ઑગસ્ટ, 2017થી તેઓ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી છે.

પ્રારંભે તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને પછી જનસંઘમાં સક્રિય હતા. પછીથી સંઘના પ્રચારક બનવા ઉપરાંત ભાજપમાં જોડાયા. આ સક્રિયતા બાદ તેઓ જાહેરજીવન સક્રિય બન્યા અને રાજકોટ મહાનગરપાલિકાના કાઉન્સેલર બન્યા. વધુમાં રાજકોટ મહાનગરપાલિકાના મેયર પદે કામગીરી કરી ઉત્તરોત્તર નવા સોપાનો પર આગળ વધતા રહ્યા. 2006-07માં રાજ્યસભામાં તેમણે ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું. ડિસેમ્બર, 2017ની વિધાનસભાની ચૂંટણીઓમાં રાજકોટપશ્ચિમ મતવિસ્તારમાંથી વિજેતા બનીને તેમણે રાજ્યકક્ષાની કામગીરી હાથ ધરી. સૌરાષ્ટ્રનર્મદા અવતરણ સિંચાઈ યોજના, 55 શહેરોમાં નિ:શુલ્ક વાઈફાઈ અને આરોગ્ય સેતુ જેવા કાર્યક્રમો દ્વારા તેઓ ગુજરાતના વિકાસમાં સક્રિય છે.

રાષ્ટ્રપતિશાસન : ગુજરાતમાં લોકપ્રિય સરકારોની સાથોસાથ રાજકીય કટોકટીને કારણે ચાર વખત રાષ્ટ્રપતિશાસન લદાયાં છે. 1994 સુધીમાં 1083 દિવસો સુધી ગુજરાત રાષ્ટ્રપતિશાસન હેઠળ રહ્યું છે. તા. 13–5–1971ના રોજ પ્રથમ વખત રાષ્ટ્રપતિશાસન લાદવામાં આવ્યું ત્યારે રાજ્યપાલ તરીકે શ્રીમન્નારાયણ હતા. તેનો અંત 17–3–1972ના રોજ આવ્યો. બીજી વખત 9–2–1974ના રોજ કે. કે. વિશ્વનાથનના રાજ્યપાલપદ દરમિયાન રાષ્ટ્રપતિશાસન સ્થપાયું. તે એક વર્ષ, ચાર મહિના અને નવ દિવસ રહ્યું. એમના જ શાસન દરમિયાન ગુજરાતમાં ત્રીજી વખત 12–3–1976ના રોજ રાષ્ટ્રપતિશાસન સ્થપાયું. તેમણે 9 મહિના અને 12 દિવસ શાસન કર્યું, જ્યારે ચોથી વખત 17–2–1980ના રોજ શ્રીમતી શારદા મુખરજીના રાજ્યપાલપદે રાષ્ટ્રપતિશાસન લાદવામાં આવ્યું. તે 6–6–1980 સુધી રહ્યું. 19–9–1996માં સુરેશચંદ્ર મહેતાની સરકારને બરતરફ કરી રાજ્યમાં રાષ્ટ્રપતિશાસન લાદવામાં આવ્યું હતું. ઉપર્યુક્ત પ્રજાકીય ચૂંટાયેલી સરકારો અને રાજ્યપાલનાં શાસનોનું મૂલ્યાંકન કરતાં કહી શકાય કે ગુજરાતનું જાહેર જીવન શાંત, નિરુપદ્રવી અને સ્થિર ગણાતું હોવા છતાં માત્ર એક જ સરકાર તેની પાંચ વર્ષની મુદત પૂરી કરી શકી હતી. ગુજરાતમાં રાજ્યપાલોનાં શાસન પણ સાવ તેજહીન કે પ્રભાવહીન રહ્યાં નથી.

ગુજરાતના રાજ્યપાલશ્રીઓ (1960થી 2006)

મહેદી નવાઝજંગ 1–5–1960 થી 31–7–1965
નિત્યાનંદ કાનૂગો 1–8–1965 થી 6–12–1967
પી. એન. ભગવતી 7–12–1967 થી 25–12–1967 (કાર્યકારી રાજ્યપાલ)
ડૉ. શ્રીમન્નારાયણ 26–12–1967 થી 16 –3 –1973
શ્રી. પી. એન. ભગવતી 17–3–1973 થી 3–4–1973 (કાર્યકારી રાજ્યપાલ)
કે. કે. વિશ્વનાથન 4–4–1973 થી 13 –8 –1978
(શ્રીમતી) શારદા મુખરજી 14–8–1978 થી 5 –8 –1983
પ્રો. કે. એમ. ચાંડી 6–8–1983 થી 25 –4 –1984
બી. કે. નહેરુ 26–4–1984 થી 25 –2 –1986
આર. કે. ત્રિવેદી 26–2–1986 થી 2 –5 –1990
મહીપાલસિંહ શાસ્ત્રી 2–5–1990 થી 20–12–1990
ડૉ. સરૂપસિંહ 21–12–1990 થી 30–6–1995
નરેશચંદ્ર સક્સેના 1–7–1995 થી 29–2–1996
કૃષ્ણપાલ સિંહ 1–3–1996 થી 24–4–1998
અંશુમાન સિંહ 25–4–1998 થી 14–1–1999
કે. જી. બાલકૃષ્ણન 15–1–1999 થી 18–3–1999 (કાર્યકારી રાજ્યપાલ)
સુંદરસિંહ ભંડારી 18–3–1999 થી 6–5–2003
કૈલાસપતિ મિશ્ર 7–5–2003થી 2–7–2004
બલરામ જાખડ 3–7–2004થી 23–7–2004 (કાર્યકારી રાજ્યપાલ)
નવલકિશોર શર્મા 24–7–2004થી 24–7–2009
એસ. સી. ઝમીર 25–7–2009થી 26–11–2009 (કાર્યકારી રાજ્યપાલ)
ડૉ. કમલા બેનીવાલ 27–11–2009થી 6–7–2014
માર્ગારેટ આલ્વા (વધારાનો કાર્યભાર) 7–7–2014થી 15–7–2014
ઓમ પ્રકાશ કોહલી 16–7–2014થી 21–7–2019
દેવવ્રત આચાર્ય 22–7–2019

ગુજરાતના મુખ્યમંત્રીઓ

ડૉ. જીવરાજ મહેતા 1–5–1960થી 8–3–1962
ડૉ. જીવરાજ મહેતા 8–3–1962થી 19–9–1963
બળવંતરાય મહેતા 19–9–1963થી 19–9–1965
હિતેન્દ્ર દેસાઈ 19–9–1965થી 4–3–1965
હિતેન્દ્ર દેસાઈ 4–3–1967થી 13–5–1971
રાષ્ટ્રપતિશાસન (પહેલું)
રાજ્યપાલ ડૉ. શ્રીમન્નારાયણ 13–5–1971 થી 17–3–1972
ઘનશ્યામ ઓઝા 17–3–1972 થી 4–3–1962
ચીમનભાઈ પટેલ 17–7–1973 થી 9–2–1974
રાષ્ટ્રપતિશાસન (બીજું)
રાજ્યપાલ શ્રી કે. કે. વિશ્વનાથન 9–2–1974 થી 18–6–1975
બાબુભાઈ પટેલ 18 –6 –1975 થી 12 –3 –1976
રાષ્ટ્રપતિશાસન (ત્રીજું)
રાજ્યપાલ શ્રી કે. કે. વિશ્વનાથન 12–3–1976 થી 24–12–1976
માધવસિંહ સોલંકી 24–12–1976 થી 11–4–1977
બાબુભાઈ પટેલ 11–4–1977 થી 17–2–1980
રાષ્ટ્રપતિશાસન (ચોથું)
રાજ્યપાલ (શ્રીમતી) શારદા મુખરજી 17–2–1980 થી 6–6–1980
માધવસિંહ સોલંકી 6–6–1980 થી 6–7–1985
અમરસિંહ ચૌધરી 6–7–1985 થી 9–12–1989
માધવસિંહ સોલંકી 10–12–1989 થી 3–3–1990
ચીમનભાઈ પટેલ 4–3–1990 થી 17–2–1994
છબીલદાસ મહેતા 17–2–1994 થી 15–3–1995
કેશુભાઈ પટેલ 15–3–1995 થી 21–10–1995
સુરેશચંદ્ર મહેતા 21–10–1995 થી 19–9–1996
શંકરસિંહ વાઘેલા 23–10–1996 થી 28–10–1997
દિલીપભાઈ પરીખ 28–10–1997 થી 4–3–1998
કેશુભાઈ પટેલ 4–3–1998 થી 7–10–2001
નરેન્દ્ર મોદી 7–10–2001 થી 22–5–2014
આનંદીબહેન પટેલ 22–5–2014થી 7–8–2017
વિજય રૂપાણી 7–8–2017થી

ગુજરાતમાં રાજકીય પક્ષો અને ચૂંટણીઓ

લોકશાહી સરકારમાં આધુનિક રાજકારણનું સંચાલન રાજકીય પક્ષો વિના શક્ય નથી. રાજકીય પક્ષો પ્રજા અને સરકાર વચ્ચે સંધાન કરી આપતાં કડી-તંત્રો છે. વિવિધ સામાજિક વર્ગો અને પરિબળોને રાજકારણમાં પ્રતિબિંબિત કરવાનું કાર્ય પણ રાજકીય પક્ષો કરે છે. રાજકીય પક્ષો રાજકારણના સૌથી મોટા વાહક પરિબળ તરીકે કાર્ય કરે છે. સામાન્ય રીતે રાજકીય પક્ષ એ પ્રજાકીય પ્રશ્નો વિશે સમાન વિચારો ધરાવતા વધારે કે થોડા મનુષ્યોનો સમૂહ છે, જે પોતાની પૂર્વયોજિત નીતિના અમલ અર્થે શાસનતંત્ર ઉપર અંકુશ મેળવવા પ્રયત્નશીલ હોય છે. સત્તા પ્રાપ્ત કરવી અને તે બને તેટલા લાંબા સમય સુધી ટકાવી રાખવી એ દરેક રાજકીય પક્ષનો મૂળભૂત ઉદ્દેશ હોય છે.

ત્રણ પ્રકારની રાજ્ય-શાસન પક્ષપદ્ધતિ – (1) એકપક્ષ પ્રથા, (2) દ્વિપક્ષ પ્રથા અને (3) બહુપક્ષ પ્રથામાંથી ગુજરાતમાં બહુધા દ્વિપક્ષ પ્રથા જ રહી છે. કેટલાક પ્રાદેશિક પક્ષોએ કૉંગ્રેસને પડકાર આપવાનો પ્રયાસ કર્યો છે પરંતુ તે એના વિકલ્પ તરીકે બહાર આવી શક્યા નથી. ગુજરાતમાં મહદ્અંશે કૉંગ્રેસ પક્ષે જ શાસન કર્યું છે; જોકે માર્ચ ’98થી સતત સત્તા પર રહીને ભારતીય જનતા પક્ષે કૉંગ્રેસ પક્ષનો વિકલ્પ પૂરો પાડ્યો છે.

ગુજરાત કૉંગ્રેસ : ગુજરાતમાં કૉંગ્રેસે એક સંગઠિત રાજકીય સંસ્થા તરીકે છેક 1920થી કામગીરી શરૂ કરી હતી. 1947માં મોરારજી દેસાઈની ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિના મંત્રી તરીકે નિમણૂક થઈ. તે પાછળથી પ્રાંતિક કૉંગ્રેસના સૂત્રધાર બની ગયા.

ગુજરાત કૉંગ્રેસમાં શરૂઆતથી જ એક વ્યક્તિનું વર્ચસ્ જળવાઈ રહ્યું છે. સરદાર પટેલ, મોરારજી દેસાઈ વગેરે તેનાં ઉદાહરણો છે. જોકે જ્યારથી એક વ્યક્તિના વર્ચસ્નો અંત આવ્યો છે ત્યારથી ગુજરાત કૉંગ્રેસનું કેન્દ્ર-કક્ષાએ મહત્વનું સ્થાન રહ્યું નથી. એક વ્યક્તિનું વર્ચસ્ પક્ષમાં શિસ્ત, સંવાદિતા અને સંગઠન સાધવામાં સહાયક બન્યું છે.

1969માં રાષ્ટ્રીય કક્ષાએ કૉંગ્રેસના ભાગલા પડતાં ગુજરાત કૉંગ્રેસ ઉપર તેની અસર પડી અને ગુજરાત કૉંગ્રેસ પક્ષ શાસક કૉંગ્રેસ (ઇન્ડિકેટ) અને સંસ્થા કૉંગ્રેસ (સિન્ડિકેટ)  એમ બે ભાગમાં વહેંચાઈ ગયો. જોકે સમય જતાં ધીમે ધીમે ફરીથી એક જ કૉંગ્રેસ (આઇ) હવે અસ્તિત્વમાં રહી છે.

1995ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને બહુમતી મળતાં કૉંગ્રેસ પક્ષ મુખ્ય વિરોધપક્ષની ભૂમિકામાં આવી ગયો છે. મજબૂત નેતૃત્વનો અભાવ આ પક્ષની મર્યાદા બની રહ્યો છે. જોકે મજબૂત વિરોધ પક્ષ તરીકે તેણે પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. ડિસેમ્બર 2017ની ચૂંટણીમાં તેનો દેખાવ સારો રહ્યો.

સ્વતંત્ર પક્ષ : કૉંગ્રેસે રાષ્ટ્રીયકરણની નીતિ વડે વ્યક્તિસ્વાતંત્ર્ય ઉપર તરાપ મારી છે એવી માન્યતાથી પ્રેરાઈને ચક્રવર્તી રાજગોપાલાચારી, કનૈયાલાલ મુનશી અને મીનુ મસાણી જેવા કેટલાક નેતાઓએ 1959માં સ્વતંત્ર પક્ષની સ્થાપના કરી. આ પક્ષને મોટા ખેડૂત વર્ગનો તથા મુક્ત સાહસમાં માનતા ઉદ્યોગપતિઓ, વેપારીઓ, રાજવીઓ અને નિવૃત્ત સનદી અધિકારીઓનો સબળ ટેકો મળી રહ્યો. આ પક્ષ ઉદાર વિચારસરણીવાળો પક્ષ હતો. ગુજરાતમાં પક્ષનું નેતૃત્વ મોટા ખેડૂતોના હાથમાં રહ્યું. ગુજરાતમાં સ્વતંત્ર પક્ષના વિકાસમાં કૉંગ્રેસવિરોધી લાગણી એક મુખ્ય પરિબળ હતું. ગુજરાતની 1962ની વિધાનસભામાં સ્વતંત્ર પક્ષે 106 બેઠકો ઉપર ઉમેદવારો ઊભા રાખ્યા, પરંતુ તેને માત્ર 26 બેઠકો જ મળી. 1967માં 146 ઉમેદવારો ઊભા રાખ્યા અને 66 બેઠકો પ્રાપ્ત થઈ. આમ તે અસરકારક વિરોધપક્ષ બની શક્યો. આ પક્ષમાં પાટીદારો અને ક્ષત્રિયોનું વર્ચસ્ રહ્યું. ભાઈલાલભાઈ પટેલ પક્ષના નેતા હતા. આ પક્ષ છેવટે જનતા પક્ષમાં વિલીન થઈ ગયો. સ્વતંત્ર પક્ષને કારણે ગુજરાતમાં એક-પક્ષ-પ્રભાવની પ્રથામાં પરિવર્તન આવ્યું અને દ્વિપક્ષ પદ્ધતિની શરૂઆત થઈ.

રાજ્યમાં નવનિર્માણ આંદોલનને કારણે માર્ચ, 1974માં ગુજરાત વિધાનસભા ભંગ કરવી પડી અને રાષ્ટ્રપતિશાસન છેક જૂન, 1975 સુધી ચાલુ રહ્યું. 1975માં ચૂંટણી થતાં જનતા મોરચાની સરકાર રચાઈ. આ ચૂંટણીમાં રાજકારણમાં એક નવો પક્ષ કિસાન મજદૂર લોક પક્ષ નામે સ્થપાયો જેણે પોતાના 131 ઉમેદવારો ચૂંટણીમાં ઊભા રાખ્યા તેમાંથી 12 ઉમેદવારો ચૂંટાઈ આવ્યા. જોકે આ બધા પક્ષોની જડ ગુજરાતમાં જામી જ નહિ અને 1980માં થયેલી ચૂંટણીમાં કૉંગ્રેસ(આઇ)નું ભારે બહુમતીથી ફરી શાસન સ્થપાયું.

જનતા પક્ષ : જનતા પક્ષમાં સંસ્થા કૉંગ્રેસ, ભારતીય જનસંઘ, સમાજવાદી પક્ષ અને ભારતીય લોકદળ તેમજ કૉંગ્રેસ ફૉર ડેમૉક્રસીનો સમાવેશ થતો હતો. તેની વિચારધારા ઉદારમતવાદી અને જમણેરી વલણ ધરાવતી હતી. રાજ્ય કે કેન્દ્ર-કક્ષાએ રાજકીય કે આર્થિક સત્તાના કેન્દ્રીકરણનો તે વિરોધી હતો. ખેતી, નાના અને મધ્યમ કક્ષાના ગૃહઉદ્યોગો, કુટિરઉદ્યોગો વગેરેના વિકાસ પર તે ભાર મૂકતો હતો.

ગુજરાતમાં જનતા પક્ષને માર્ચ, 1977ની લોકસભાની ચૂંટણીમાં 26માંથી 16 બેઠકો પ્રાપ્ત થઈ. 1980ની લોકસભાની ચૂંટણીમાં પક્ષને માત્ર 1 બેઠક પ્રાપ્ત થઈ. વિધાનસભાની 182 બેઠકો માટે જનતા પક્ષે 151 ઉમેદવારો ઊભા રાખ્યા, પરંતુ તેને માત્ર 21 જ બેઠકો પ્રાપ્ત થઈ. જનતા પક્ષને 1985ની લોકસભાની ચૂંટણીમાં 1 અને વિધાનસભામાં 14 બેઠકો પ્રાપ્ત થઈ. ધીમે ધીમે પક્ષનું ધોવાણ થયું અને ઘટક પક્ષો તેનાથી છૂટા પડ્યા.

ભારતીય જનતા પક્ષ : ભૂતપૂર્વ ભારતીય જનસંઘ તે હાલનો ભારતીય જનતા પક્ષ છે. 1979માં જનતા પક્ષમાં ભંગાણ પડવાથી તે અસ્તિત્વમાં આવ્યો છે.

અગાઉની ચૂંટણીઓમાં જનસંઘનો દેખાવ પાંગળો રહ્યો હતો. 1962માં તેણે ગુજરાતમાં 22 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા પરંતુ એક પણ બેઠક પ્રાપ્ત ન થઈ. 1967માં 1 બેઠક, 1971–72ની ધારાસભાની ચૂંટણીમાં તેણે 3 બેઠકો મેળવી. 1975માં જનતા મોરચાના ઘટક પક્ષ તરીકે તેને 18 બેઠકો પ્રાપ્ત થઈ. 1980ની ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષે 127 બેઠકો ઉપર ઉમેદવારો ઊભા રાખ્યા પરંતુ તેને 9 બેઠકો ઉપર જ વિજય મળ્યો. 1985માં પક્ષને 11 બેઠકો પ્રાપ્ત થઈ. વિધાનસભાની 1990ની ચૂંટણીમાં પક્ષના 67 ઉમેદવારો ચૂંટાયા તેમજ 1989ની લોકસભામાં તેને 12 બેઠકો પ્રાપ્ત થઈ. ઉપરાંત અમદાવાદ, રાજકોટ અને સૂરત મ્યુનિસિપલ કૉર્પોરેશન પર તેણે અંકુશ જમાવ્યો.

વિધાનસભાની 1995ની ચૂંટણીમાં 182 બેઠકો ઉપર ભારતીય જનતા પક્ષે ઉમેદવારો ઊભા રાખીને 121 બેઠકો ઉપર વિજય મેળવીને પોતાની સ્થિતિ મજબૂત બનાવી હતી. વિધાનસભા ઉપરાંત ગુજરાતની મોટા ભાગની જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો તેમજ રાજ્યની તમામ મહાનગરપાલિકાઓમાં સંપૂર્ણ બહુમતી મેળવીને તેણે અદભુત સફળતા પ્રાપ્ત કરી છે.

ભારતીય જનતા પક્ષ અસરકારક વિરોધ પક્ષ બની રહ્યો હતો. થોડા વખત માટે મિશ્ર સરકારમાં એ જોડાયો પણ ખરો, પરંતુ પાછળથી પક્ષના નિર્ણયને કારણે છૂટો પડ્યો. ધીમે ધીમે આ પક્ષ ગુજરાતમાં પોતાની સ્થિતિ મજબૂત બનાવતો ગયો. 1995ની વિધાનસભાની ચૂંટણીઓમાં બહુમતી બેઠકો મેળવી તે સરકાર રચવા પહેલી વાર શક્તિમાન બન્યો હતો. 1997ની ચૂંટણીઓમાં પણ વિધાનસભામાં પુન: બહુમતી હાંસલ કરી 1995ની સ્થિતિનું પુનરાવર્તન કરવા સમર્થ બન્યો હતો. રાષ્ટ્રીય કક્ષાએ આ પક્ષ કેન્દ્રમાં પણ સરકાર રચવા શક્તિમાન બન્યો હતો. 1999ની લોકસભાની રાજ્યમાંની સામાન્ય ચૂંટણીઓમાં કુલ 26 બેઠકોમાંથી 19 બેઠકો જીતી અન્ય પક્ષો પર અસાધારણ સરસાઈ મેળવી તેણે પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. 2002 અને 2007ની વિધાનસભાની ચૂંટણીઓમાં આ પક્ષે બહુમતી મેળવી રાજ્યમાં તેનું સ્થાન અત્યંત મજબૂત બનાવી દીધું. 1995થી 2011 સુધી સતત બહુમતીને કારણે તે રાજ્યનો પ્રથમ ક્રમ ધરાવતો રાજકીય પક્ષ બન્યો છે. ડિસેમ્બર, 2012ની ચૂંટણીઓમાં 115 બેઠકો મેળવી તેણે બહુમતી પક્ષ તરીકેનું રાજકીય સાતત્ય જાળવી રાખ્યું. 2017ની ચૂંટણીમાં પણ તેણે બહુમતી મેળવી.

પ્રજા સમાજવાદી પક્ષ : ગુજરાતમાં પ્રજા સમાજવાદી પક્ષનો સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પ્રભાવ હતો. સૌરાષ્ટ્રના મહુવામાં તેનો સૌથી વધુ પ્રભાવ હતો. દક્ષિણ ગુજરાતમાં સૂરત જિલ્લાના પારડી તાલુકામાં તેનો પ્રભાવ જોવા મળતો હતો. 1952ની ધારાસભાની ચૂંટણીમાં પક્ષે 80 ઉમેદવારો ઊભા રાખ્યા હતા. તેમાંથી 4 બેઠકો ઉપર વિજય પ્રાપ્ત થયો. આ ચૂંટણીનું મહત્વ એટલા માટે હતું કે વલસાડચીખલી મતદાર વિસ્તારમાંથી તે સમયના ગૃહપ્રધાન મોરારજીભાઈ દેસાઈનો અમૂલ દેસાઈના હાથે 19 મતે પરાજય થયો. 1957માં 20 બેઠકોમાંથી 3, 1962માં 53માંથી 7 બેઠકો અને 1967માં 3 બેઠકો પ્રાપ્ત થઈ. પાછળથી પક્ષના નેતાઓ કૉંગ્રેસમાં જોડાઈ જતાં પક્ષની અસરકારકતા ઘટી. અત્યારે પક્ષનું અસ્તિત્વ નામશેષ બની ગયું છે.

સામ્યવાદી પક્ષ : ગુજરાતમાં સામ્યવાદી પક્ષનો પગપેસારો નહિવત્ છે. ગુજરાતની પ્રજાની વિચારસરણી બહુધા જમણેરી રહી હોવાથી ડાબેરી વિચારસરણીવાળા સામ્યવાદી પક્ષને અનેક પ્રયત્નો છતાં મહત્વનું સ્થાન મળ્યું નથી. અત્યાર સુધીની વિધાનસભાની ચૂંટણીઓમાં માત્ર એક વખત 1972માં પાલિતાણા વિસ્તારમાંથી તેના ઉમેદવાર ચૂંટાયા છે. જોકે પક્ષના પ્રમુખ દિનકર મહેતા એક વખત મહાગુજરાત જનતા પક્ષના અગ્રણી નેતા તરીકે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના મેયર રહી ચૂક્યા છે.

આ ઉપરાંત ગુજરાતમાં મહાગુજરાત જનતા પરિષદ, રાષ્ટ્રીય કૉંગ્રેસ, કિસાન-મજદૂર લોકપક્ષ તથા અખિલ ભારતીય જનતા દળમાંથી વિખૂટા પડેલા જનતા દળ (ગુજરાત) જેવા પ્રાદેશિક પક્ષો પણ રચાયા છે, પરંતુ ગુજરાતમાં પ્રાદેશિક પક્ષોનું મહત્વ પ્રજાએ સ્વીકાર્યું ન હોવાના કારણે તેઓ થોડા વખતમાં નામશેષ બની ગયા.

મનહર બક્ષી

દેવવ્રત પાઠક