ગુજરાત સિક્કા પરિષદ : સિક્કાશાસ્ત્રની રાજ્યકક્ષાની સંસ્થા. ગુજરાત સિક્કા પરિષદની સ્થાપના સને 1982માં વડોદરામાં થઈ હતી. એના ઉદ્દેશોમાં સિક્કાશાસ્ત્રના અભ્યાસ-સંશોધનને પ્રોત્સાહન આપવું, સિક્કા અંગેનું સાહિત્ય એકત્રિત કરવું, પ્રકાશનો કરવાં, પ્રવચનો યોજવાં, જૂના સિક્કાના મહત્વ વિશે લોકોમાં જાગૃતિ લાવવી, એમાં રસ ધરાવનારાઓને માર્ગદર્શન આપવું, સિક્કા-સંગ્રાહકો પરસ્પરના પરિચયમાં આવે અને ઉપયોગી થાય એવાં સંમેલનો યોજવાં વગેરેનો સમાવેશ થતો હતો. આ સંસ્થાના પ્રથમ પ્રમુખ તરીકે વડોદરા મ્યુઝિયમના નિયામક ભાસ્કરભાઈ એલ. માંકડ હતા. એ પછી સર્વશ્રી હસનઅલી મોમીન, વાલજીભાઈ ઠક્કર, શાંતિલાલ દેસાઈ, ચીનુભાઈ જ. નાયક, મુગટલાલ પો. બાવીસી, નાસિરભાઈ એમ. ગનમ વગેરેએ પ્રમુખ તરીકે કામગીરી કરી હતી. મુગટલાલ બાવીસી 1994થી 1998 સુધી પ્રમુખ હતા એ દરમિયાન આ સંસ્થાનું સૌપ્રથમ સંમેલન એપ્રિલ 1994માં સૂરતમાં રાષ્ટ્રભાષા પ્રચારક મંડળના કાર્યાલયમાં યોજાયું હતું. જેમાં 55 પ્રતિનિધિઓ અને સિક્કા-સંગ્રાહકોએ ભાગ લીધો હતો. એમાં ‘ગુજરાતના સુલતાનોના સિક્કાઓ’ વિશે નાસિરભાઈ ગનમે માહિતીસભર પ્રવચન આપ્યું હતું. એનું બીજું સંમેલન ડૉ. નંદનભાઈ પરીખના નિમંત્રણથી જીવનજ્યોત હૉસ્પિટલ, ગોધરામાં જૂન 1996માં યોજાયું હતું, જેમાં 50 પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.

આ સંસ્થાના ઉપક્રમે નવેમ્બર 1995માં સુપ્રસિદ્ધ વિદ્વાન હરિપ્રસાદ ગં. શાસ્ત્રીનું પ્રવચન ‘ઇતિહાસના સાધન તરીકે સિક્કાઓનું મહત્વ’ વિષય પર, હ. કા. આર્ટ્સ કૉલેજ, અમદાવાદમાં અને એપ્રિલ 1996માં સિક્કાવિદ દિલીપભાઈ જે. રાજગોરનું પ્રવચન ‘ભારતીય સિક્કાઓનો રોમાંચક ઇતિહાસ’ વિષય પર મ્યુઝિયમ કમાટી બાગ, વડોદરામાં યોજાયું હતું. આ સંસ્થા તરફથી એપ્રિલ 1997માં આજીવન સભ્યો અને સિક્કા-સંગ્રાહકોની માહિતી આપતી ‘પરિચય પુસ્તિકા’ પ્રસિદ્ધ થઈ હતી. આ સંસ્થાની સ્થાપના થઈ ત્યારથી વડોદરાના કાંતિલાલ ડી. ત્રિપાઠી એના મંત્રી અને મૅનેજિંગ ટ્રસ્ટી તરીકે કામગીરી સંભાળતા હતા; પરંતુ સને 2003માં એમના અવસાન પછી આ સંસ્થાની કામગીરી હાલમાં મંદ સ્થિતિમાં છે.

મુગટલાલ પોપટલાલ બાવીસી