ગુજરાત યુનિવર્સિટી : ગુજરાત રાજ્યમાં સ્થપાયેલ પશ્ચિમ ભારતની એક મોટામાં મોટી યુનિવર્સિટી. સ્થાપના : 1949. જૂના મુંબઈ પ્રાંતે પસાર કરેલ ‘ધ ગુજરાત યુનિવર્સિટી ઍક્ટ, 1949’ અન્વયે તેનું નિર્માણ થયું. ગુજરાત યુનિવર્સિટીના કૅમ્પસનો કુલ વિસ્તાર 250 એકર છે.
ગુજરાત યુનિવર્સિટી ઍક્ટ (1949) દ્વારા ‘શિક્ષણ તેમજ જોડાણ આપતી’ (teaching and affiliating) યુનિવર્સિટી સ્થપાતાં ગુજરાતના (વડોદરા ખાતે સ્થપાયેલ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના નગર-વિસ્તારને બાદ કરતાં) સમગ્ર સીમાવિસ્તારને ગુજરાત યુનિવર્સિટીના સત્તાક્ષેત્ર હેઠળ આવરી લેવામાં આવ્યો અને તેમાં કચ્છ અને સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોનો પણ સમાવેશ કરવામાં આવ્યો. તે પછીનાં વર્ષો દરમિયાન ક્રમે ક્રમે (1) વલ્લભવિદ્યાનગર ખાતે સરદાર પટેલ યુનિવર્સિટી, (2) રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, (3) સૂરત ખાતે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, (4) દાંતીવાડા ખાતે ગુજરાત કૃષિ યુનિવર્સિટી, (5) જામનગર ખાતે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી, (6) ભાવનગર ખાતે ભાવનગર યુનિવર્સિટી અને (7) પાટણ ખાતે ઉત્તર ગુજરાત યુનિવર્સિટી એમ બીજી સાત યુનિવર્સિટીઓ ગુજરાત રાજ્યમાં સ્થપાતાં તે તે યુનિવર્સિટીઓ માટે નિયત થયેલા સીમાવિસ્તારો ગુજરાત યુનિવર્સિટીના સત્તાક્ષેત્રમાંથી બાદ થતા ગયા, તોપણ ગુજરાત યુનિવર્સિટી વિદ્યાર્થીઓ અને કૉલેજોની સંખ્યા તેમજ ભૌગોલિક કાર્યક્ષેત્રની ર્દષ્ટિએ રાજ્યની સૌથી મોટી યુનિવર્સિટી રહેલ છે અને તેની હકૂમત હાલ પણ અમદાવાદ, ખેડા (વલ્લભવિદ્યાનગર અને આણંદના નગર-વિસ્તારો સિવાય), પંચમહાલ, વડોદરા (વડોદરાના નગર-વિસ્તારો સિવાય), કચ્છ અને ગાંધીનગર એમ કુલ છ જેટલા જિલ્લાઓમાં પ્રવર્તે છે.
1. ગુજરાત યુનિવર્સિટી પૂર્વસ્નાતક કક્ષાએ જોડાણ આપતી (affiliating) યુનિવર્સિટી છે. તેના સ્થાપનાકાળે તેના સીમાવિસ્તારમાં આવેલી બધી મળીને કુલ 23 જેટલી કૉલેજો હતી, જે તે પૂર્વે મુંબઈ યુનિવર્સિટી સાથે જોડાણ ધરાવતી હતી. પ્રારંભ સમયે ગુજરાત યુનિવર્સિટીમાં 7 જેટલી વિદ્યાશાખાઓ હતી. તેમાં કાળક્રમે જરૂરિયાતોને અનુલક્ષીને આયુર્વેદની વિદ્યાશાખા ઉમેરવામાં આવી અને શિક્ષણશાસ્ત્રને વિનયન વિદ્યાશાખામાંથી જુદું પાડીને તથા દંતવિજ્ઞાન અને ઔષધવિજ્ઞાનને તબીબી વિદ્યાશાખામાંથી અલગ કરીને ત્રણ અલાયદી વિદ્યાશાખાઓની રચના કરવામાં આવી. દરમિયાન ગુજરાત રાજ્યમાં કૃષિવિજ્ઞાન અને આયુર્વેદનાં ક્ષેત્રો માટે બે નવી યુનિવર્સિટીઓની સ્થાપના થતાં તે બે વિદ્યાશાખાઓ ગુજરાત યુનિવર્સિટીમાં બંધ થઈ. હવે ટેક્નૉલૉજી-ઇજનેરી માટે સમગ્ર ગુજરાત વાસ્તે એક અલગ યુનિવર્સિટીની રચના કરવામાં આવી હોવાથી એ વિદ્યાશાખા પણ યુનિવર્સિટીમાંથી દૂર થઈ છે. આમ હવે ગુજરાત યુનિવર્સિટીમાં 8 વિદ્યાશાખાઓ છે.
2. (1) સ્વાતંત્ર્યપૂર્વે ગુજરાતમાં ઉચ્ચશિક્ષણને લગતી એક અલગ યુનિવર્સિટી માટે જાણીતા કેળવણીકાર આચાર્ય આનંદશંકર ધ્રુવના અધ્યક્ષપદે નિમાયેલ સમિતિ દ્વારા રચાયેલ સંગીન ભૂમિકા, (2) ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણની માગને પહોંચી વળવા માટે તેનાં મુખ્ય નગરોમાં પ્રજાકીય ધોરણે સ્થપાયેલ જાહેર ટ્રસ્ટો અને શિક્ષણ સોસાયટીઓ જેવી કે અમદાવાદ એજ્યુકેશન સોસાયટી, ગુજરાત લૉ સોસાયટી, સૂરતની સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી, ચરોતર એજ્યુકેશન સોસાયટી, નડિયાદ એજ્યુકેશન સોસાયટી, પેટલાદ એજ્યુકેશન સોસાયટી ઇત્યાદિ, (3) સરદાર વલ્લભભાઈ પટેલ, દાદાસાહેબ માવળંકર, કસ્તૂરભાઈ લાલભાઈ, અમૃતલાલ હરગોવનદાસ વગેરેની રાહબરી હેઠળ ગુજરાત યુનિવર્સિટી ટ્રસ્ટની રચના અને (4) ગુજરાત વિદ્યાસભા (અગાઉની ગુજરાત વર્નાક્યુલર સોસાયટી), ગુજરાત સાહિત્ય સભા, ગુજરાતી સાહિત્ય પરિષદ (મુંબઈ), પ્રેમાનંદ સાહિત્ય સભા (વડોદરા), પ્રાચ્યવિદ્યામંદિર (વડોદરા), નર્મદ સાહિત્ય સભા (સૂરત), ઇત્યાદિ સાહિત્ય, શિક્ષણ અને સંસ્કૃતિની અનેક નાનીમોટી સંસ્થાઓના ઉત્સાહી કાર્યકરોના પ્રદાનને પરિણામે ઊભું થયેલ શિક્ષણપોષક વાતાવરણ – એટલી ઘટનાઓ મુખ્ય હતી.
ગુજરાત યુનિવર્સિટી અમદાવાદના સુવિકસિત નવરંગપુરા વિસ્તારમાં આજે વિશાળ કૅમ્પસની માલિકી ધરાવે છે. તે સંપડાવવામાં ગુજરાત યુનિવર્સિટી ટ્રસ્ટે વ્યાપાર-ઉદ્યોગના અગ્રણીઓ પાસેથી સારી એવી રકમ દાનસ્વરૂપે એકઠી કરીને રાજ્ય સરકારની મદદથી, એકરદીઠ સરાસરી અંદાજે રૂ. 4ના ભાવે, ખેડૂતો પાસેથી લગભગ 562 એકર જેટલી જમીન સંપાદન કરી-કરાવીને તેમાંથી કેટલીક જમીન અમદાવાદ એજ્યુકેશન સોસાયટીને માટે, થોડીક જમીન અમદાવાદ ટેક્સ્ટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ ઍસોસિયેશન(અટિરા)ને અને બાકીની બીજી અંદાજે 250 એકર જેટલી જમીન ભવિષ્યમાં સ્થપાનાર ગુજરાત યુનિવર્સિટીને ફાળવણી કરી આપીને ગુજરાતમાં એક પ્રાદેશિક યુનિવર્સિટીની સ્થાપના અને વિકાસ માટે ઉત્તમ પ્રકારની ભૂમિકા રચી આપી હતી.
3. અનુસ્નાતક શિક્ષણ/સંશોધનના પ્રબંધ માટે ગુજરાત યુનિવર્સિટીમાં ત્રિવિધ પ્રબંધ કરવામાં આવેલ છે.
(1) યુનિવર્સિટી હસ્તક ચાલતાં અનુસ્નાતક વિદ્યાભવનો દ્વારા, (2) માન્ય (recognized) અથવા સ્વીકૃતિ પામેલ (approved) સંસ્થા દ્વારા અને (3) પસંદ કરેલી સંલગ્ન કૉલેજોમાં જુદા જુદા વિષયો માટે સ્થાપવામાં આવેલ અનુસ્નાતક કેન્દ્રો દ્વારા. આ તમામ વિદ્યાભવનો અને કેન્દ્રો યુનિવર્સિટી કૅમ્પસ પર જ સ્થાપિત કરવામાં આવેલ છે. આ વિદ્યાભવનોમાં કેટલાક વિષયોમાં એમ.ફિલ. અને પીએચ.ડી. કક્ષાના સંશોધન માટે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવાનો પ્રબંધ પણ કરવામાં આવેલો છે.
યુનિવર્સિટીએ કેટલીક લબ્ધપ્રતિષ્ઠ સંસ્થાઓને અનુસ્નાતક શિક્ષણ અને ડૉક્ટરેટ કક્ષાના સંશોધનકાર્ય માટે માન્યતા આપેલી છે. દા. ત. : (1) કે. એમ. સ્કૂલ ઑવ્ મેડિસિન ઍન્ડ રિસર્ચ; (2) શેઠ ભો. જે. વિદ્યાભવન; (3) લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર; (4) સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇકૉનૉમિક ઍન્ડ સોશિયલ રિસર્ચ; (5) નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઑક્યુપેશનલ હેલ્થ; (6) મહર્ષિ વેદવિજ્ઞાન એકૅડેમી; અને (7) ક. લા. સ્વાધ્યાય મંદિર. ઉપરાંત ગુજરાત યુનિવર્સિટીએ ગુજરાતમાં તેમજ ગુજરાતની બહાર આવેલી રાષ્ટ્રીય કક્ષાની 24 જેટલી ખ્યાતનામ સંશોધન-સંસ્થાઓને ‘સ્વીકૃતિ પામેલી સંસ્થાઓ’ (approved institutions) દ્વારા અનુસ્નાતક કક્ષાના તેજસ્વી વિદ્યાર્થીઓને માટે લબ્ધપ્રતિષ્ઠ માર્ગદર્શકોના હાથ નીચે પીએચ.ડી. કક્ષાએ સંશોધન કરવા માટેની સુવિધા પણ ઊભી કરેલી છે.
ગુજરાત યુનિવર્સિટીના વિશાળ સીમાવિસ્તારમાં વસતા વિદ્યાર્થીઓની મોટી સંખ્યાની જરૂરિયાત ધ્યાનમાં લઈને પસંદ કરેલી જુદી જુદી સંલગ્ન કૉલેજોમાં જુદા જુદા વિષયોમાં અનુસ્નાતક શિક્ષણ માટેની માગને પહોંચી વળવા માટે અનુસ્નાતક કેન્દ્રો (P.G. Centres)ની સ્થાપના પણ યુનિવર્સિટી તરફથી કરવામાં આવેલી છે. તેમાં યુનિવર્સિટીના સીધા અંકુશ અને માર્ગદર્શન હેઠળ જે તે કૉલેજોના માન્ય અનુસ્નાતક અધ્યાપકગણ ઉપરાંત અન્ય ભગિની સંસ્થાઓમાં કામ કરતા માન્ય અનુસ્નાતક અધ્યાપકોનો સહયોગ પણ સંયોજિત ધોરણે લેવામાં આવે છે.
વિદ્યાર્થીઓને વ્યાવસાયિક ધોરણે તાલીમ આપવા માટે કેટલાંક વિશિષ્ટ તાલીમકેન્દ્રોનો પ્રબંધ કરવામાં આવ્યો છે. તેમાં (1) એચ. કે. સેન્ટર ફૉર પ્રોફેશનલ ટ્રેનિંગ; (2) શ્રમિક વિદ્યાપીઠ; (3) એ. ડી. શોધન આઇ.એ.એસ. ટ્રેનિંગ સેન્ટર; (4) એજ્યુકેશન મીડિયા રિસર્ચ સેન્ટર; (5) એકૅડેમિક સ્ટાફ કૉલેજ અને (6) ઇન્દિરા ગાંધી નૅશનલ ઓપન યુનિવર્સિટીનું કેન્દ્ર મુખ્ય છે. આ તમામ તાલીમકેન્દ્રો યુનિવર્સિટી કૅમ્પસ પર જ આવેલાં છે અને સંબંધકર્તા વિષયોમાં ડિપ્લોમા અને/અથવા સર્ટિફિકેટ અભ્યાસક્રમોનું સંચાલન કરે છે તેમજ અવારનવાર ખાસ પ્રકારનાં કાર્યશિબિરો અને પરિસંવાદોનું આયોજન કરે છે.
4. આ સંલગ્ન કૉલેજો પૈકી પાંચ કૉલેજોનું સંચાલન ગુજરાત સરકાર સંભાળે છે, જ્યારે બાકીની બિનસરકારી કૉલેજોનું સંચાલન પ્રજાકીય પ્રયાસો દ્વારા સ્થપાયેલાં કેળવણી મંડળો કે જાહેર ટ્રસ્ટ તરીકે નોંધાયેલ ટ્રસ્ટો દ્વારા થાય છે. નગર સુધરાઈના સંચાલન હેઠળ ચાલતી બે કૉલેજોનો સમાવેશ પણ આ બિનસરકારી વર્ગની કૉલેજોમાં થાય છે. આ બિનસરકારી કૉલેજોને રાજ્ય સરકાર તરફથી તેનાં ધારાધોરણો મુજબ નિભાવ ગ્રાન્ટ આપવામાં આવે છે, આંતરિક વહીવટની બાબતમાં તેઓ મર્યાદિત સ્વતંત્રતા ભોગવે છે, જ્યારે શૈક્ષણિક બાબતો જેવી કે કૉલેજોને જોડાણ આપવાનું અને તે માટે જરૂરી શરતો નિયત કરવાનું, વિદ્યાર્થીઓ માટે પ્રવેશ અંગેની ઓછામાં ઓછી લાયકાતનાં ધોરણો નિયત કરવાનું, અભ્યાસક્રમો ઘડવાનું, અધ્યાપકોની નિમણૂક માટે ઓછામાં ઓછી લાયકાતનાં ધોરણો નિયત કરવાનું તથા કૉલેજના શિક્ષકગણ અને બિનશિક્ષક કર્મચારીઓની સેવા માટેની શરતો નિયત કરવાનું, વિદ્યાર્થીઓની પરીક્ષાઓ યોજવાનું તથા ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને ડિગ્રીઓ/ડિપ્લોમાઓ કે પ્રમાણપત્રો આપવાનું, કૉલેજોમાં શિક્ષણનાં ધોરણોની જાળવણી બરોબર થાય છે કે નહિ એ જોવાનું અને તે હેતુ માટે જોડાણની શરતોનું યોગ્ય પરિપાલન કૉલેજો તરફથી કરવામાં આવે તે પર નજર રાખવાનું ઇત્યાદિ કાર્યો યુનિવર્સિટી સંભાળે છે. રાષ્ટ્રીય કક્ષાએ યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનની સ્થાપના પછી તેની વિવિધ વિકાસ યોજનાઓ અને શિક્ષણ સુધારણાની યોજનાઓ હેઠળ સંલગ્ન કૉલેજોનાં ગ્રંથાલયો, પ્રયોગશાળાઓ, રમતગમતનાં મેદાનો, વિદ્યાર્થીઓનાં છાત્રાલયો ઇત્યાદિના વિકાસ માટે ઉદાર ધોરણે આર્થિક સહાય ઉપલબ્ધ કરવામાં આવે છે.
તે ઉપરાંત વ્યવસાય કરતા વિદ્યાર્થીઓ તેમજ આર્થિક કે અન્ય કોઈ કારણસર કૉલેજોમાં દાખલ થઈને અભ્યાસ ન કરી શકતા વિદ્યાર્થીઓને માટે ઘેર બેઠાં અભ્યાસ કરીને યુનિવર્સિટીની પરીક્ષાઓ આપીને પોતાની શૈક્ષણિક સજ્જતા તેઓ વિકસાવી શકે તેવા હેતુથી ‘એક્સ્ટર્નલ’ અભ્યાસક્રમની જોગવાઈ પણ યુનિવર્સિટીએ કરેલ છે. આ સુવિધા ફક્ત વિનયન અને વાણિજ્યની વિદ્યાશાખાઓ પૂરતી જ મર્યાદિત છે, પણ તે પૂર્વસ્નાતક તેમજ અનુસ્નાતક એમ બેઉ કક્ષાએ ઉપલબ્ધ છે. ગુજરાતમાં ઓછામાં ઓછા છેલ્લા એક વર્ષથી વસતા હોય અથવા તો ગુજરાતમાં કે ગુજરાતની બહાર રહેતા જે વિદ્યાર્થીઓની માતૃભાષા ગુજરાતી હોય તેવી સૌ વ્યક્તિઓને આ સુવિધાનો લાભ ઉપલબ્ધ છે.
5. યુનિવર્સિટીનાં સત્તામંડળો (authorities of the University) : ગુજરાત યુનિવર્સિટીનાં વહીવટ તેમજ વિદ્યાકીય કાર્યો સંભાળવા માટે જુદાં જુદાં સત્તામંડળોની જોગવાઈ પણ કાયદા દ્વારા કરવામાં આવેલી છે અને તેના અધિકારો અને ફરજો (powers and duties) પણ સ્પષ્ટ રીતે આંકી આપવામાં આવેલાં છે. આ સત્તામંડળો છે : (1) કોર્ટ (1973 પહેલાં તેનું નામાભિધાન ‘સેનેટ’ હતું), (2) એક્ઝિક્યુટિવ કાઉન્સિલ (1973 પહેલાં તેનું નામાભિધાન ‘સિન્ડિકેટ’ હતું.), (3) એકૅડેમિક કાઉન્સિલ; (4) વિદ્યાશાખાઓ (faculties), (5) શિક્ષણ અને સંશોધન અભ્યાસ સમિતિ (Board of University Teaching and Research), (6) અભ્યાસ-સમિતિઓ (Boards of Studies), (7) અભ્યાસેતર શિક્ષણ-પૂરક પ્રવૃત્તિ મંડળ (Board of Extramural Studies), (8) વિદ્યાર્થી કલ્યાણ મંડળ (Board for Students’ Welfare), (9) છાત્રાલય વ્યવસ્થા મંડળ (Board of Hostels’ Management), (10) એકૅડેમિક પ્લાનિંગ બોર્ડ; અને યુનિવર્સિટીના સ્ટેચ્યૂટ દ્વારા જાહેર કરવામાં આવે તે મંડળો. આ જુદાં જુદાં સત્તામંડળોની સત્તા અને તેમનાં કાર્યક્ષેત્ર કાયદા દ્વારા નિયત કરવામાં આવેલ છે.
‘કોર્ટ’ એ યુનિવર્સિટીનું સૌથી વિશાળ અને અત્યંત મહત્વનું સત્તામંડળ છે અને તે કુલાધિપતિ (ચાન્સેલર), કુલપતિ (વાઇસ-ચાન્સેલર), ઉપકુલપતિ (પ્રો-વાઇસ-ચાન્સેલર), ભૂતપૂર્વ કુલપતિઓ ઇત્યાદિ. પદાધિકારીઓ, સંલગ્ન કૉલેજો, માન્ય/સ્વીકાર પામેલી સંસ્થાઓ અને યુનિવર્સિટીનાં અનુસ્નાતક વિદ્યાભવનોના અધ્યાપકોના 42 તથા કૉલેજોના આચાર્યોના 35થી વધુ નહિ એટલા પ્રતિનિધિઓ, વિદ્યાર્થીઓના 12, નોંધાયેલા સ્નાતકોના 9, રાજ્ય વિધાનસભાના 2, ઉપરાંત યુનિવર્સિટી કાયદા મુજબ અન્ય સંસ્થાઓ/મંડળોના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, કુલાધિપતિ દ્વારા નિયુક્ત 8 જેટલા મહાનુભાવો અને 6 જેટલા રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ (હોદ્દાગત) એમ કોર્ટ બધા મળીને લગભગ 150 જેટલા સભ્યો ધરાવે છે. ચૂંટાયેલા સભ્યોની મુદત પાંચ વર્ષની નિયત કરવામાં આવી છે.
યુનિવર્સિટીની લગભગ તમામ વહીવટી અને આર્થિક સત્તા એક્ઝિક્યુટિવ કાઉન્સિલ ધરાવે છે. યુનિવર્સિટીની કોર્ટ કે એકૅડેમિક કાઉન્સિલ દ્વારા ધારાધોરણ મુજબ ચૂંટાયેલા સભ્યો ઉપરાંત પાંચ હોદ્દાગત અને ચાર સરકાર-નિયુક્ત સભ્યો સહિત તેની કુલ સભ્યસંખ્યા 27 જેટલી છે. લગભગ 36 સભ્યોની બનેલી એકૅડેમિક કાઉન્સિલ, 8 જેટલી વિદ્યાશાખાઓ અને જુદા જુદા વિષયો માટે લગભગ 35 જેટલી અભ્યાસસમિતિઓ યુનિવર્સિટીનાં ધારાધોરણો મુજબ નિયત થયેલ નિજ નિજના કાર્યક્ષેત્રમાં આવતી કામગીરી સંભાળે છે
6. યુનિવર્સિટીના પદાધિકારીઓ (officers of the University) : (1) કુલાધિપતિ, (2) કુલપતિ, (3) ઉપકુલપતિ, (4) વિદ્યાશાખાઓના અધ્યક્ષો, (5) કુલસચિવ અને (6) યુનિવર્સિટીના ગ્રંથપાલ એ યુનિવર્સિટીના કાયદા અન્વયે તેના પદાધિકારીઓ ગણાય છે. રાજ્યના રાજ્યપાલ પોતાના હોદ્દાની રૂએ ગુજરાત યુનિવર્સિટીના કુલાધિપતિનું પદ પણ ધારણ કરે છે, જ્યારે કુલપતિ યુનિવર્સિટીના મુખ્ય વહીવટી અને વિદ્યાકીય અધિકારી (principal executive and academic officer) છે. તેઓ નિયત પ્રક્રિયા દ્વારા રચાયેલી ત્રણ સભ્યોની વરણીસમિતિની ભલામણ પરથી કુલાધિપતિ દ્વારા નિયુક્ત થાય છે, તો ઉપકુલપતિની નિમણૂક કુલપતિની ભલામણ પરથી રાજ્ય સરકાર કરે છે. આ બંને પદાધિકારીઓ, 65 વર્ષની વયમર્યાદાને અધીન, ત્રણ વર્ષની મુદત માટે નિયુક્ત થાય છે અને વધુ એક બીજા સત્ર (term) માટે નિયુક્તિને પાત્ર ગણાય છે. તે પૂરા સમયના પગારદાર પદાધિકારીઓ તરીકે કાર્ય કરે છે. કુલસચિવ અને ગ્રંથપાલ પણ પૂરા સમયના પગારદાર અધિકારીઓ છે અને ખાસ રચાયેલ વરણીસમિતિની ભલામણ પરથી એક્ઝિક્યુટિવ કાઉન્સિલ દ્વારા તેમની નિમણૂક થાય છે.
7. યુનિવર્સિટીની તંત્ર–રચના : યુનિવર્સિટીનું વહીવટી કામકાજ કૅમ્પસ પર ગોઠવવામાં આવેલ છે. કુલસચિવની સામાન્ય દેખરેખ અને કુલપતિના અને ઉપકુલપતિના અંકુશ અને માર્ગદર્શન હેઠળ યુનિવર્સિટી કાર્યાલયના જુદા જુદા વહીવટી વિભાગો કે એકમો દ્વારા સુયોજિત પદ્ધતિ પ્રમાણે જરૂરી અધિકારીગણ અને અન્ય કર્મચારીગણની મદદથી યુનિવર્સિટીનાં વહીવટી કામો હાથ ધરવામાં આવે છે. આવા મુખ્ય વિભાગોમાં, (1) વિદ્યાકીય (academic), (2) અનુસ્નાતક શિક્ષણ, (3) પરીક્ષાઓ, (4) હિસાબ-કિતાબ, (5) જમીન-જાયદાદ, (6) શારીરિક શિક્ષણ, (7) યુવકકલ્યાણ/એન.સી.સી.; (8) એન.એસ.એસ./ પ્રૌઢશિક્ષણ વિભાગ અને (9) પ્રકાશન વિભાગ મુખ્ય છે.
8. વિદ્યાર્થીકલ્યાણ પ્રવૃત્તિઓ : ગુજરાત યુનિવર્સિટીએ હાથ ધરેલી આ પ્રકારની વિદ્યાર્થીકલ્યાણની પ્રવૃત્તિઓમાં (1) રમતગમત અને તેના પ્રોત્સાહન માટે વિવિધ સ્પર્ધાઓનું અને તાલીમ શિબિરોનું આયોજન; (2) અભ્યાસેતર વ્યાખ્યાનો, પરિષદો, પરિસંવાદો, કાર્યશિબિરો ઇત્યાદિ ઉપરાંત નાટ્ય અને સંગીત તાલીમ, પર્વતારોહણ, યુવકનેતૃત્વ, વાચન ઇત્યાદિ. માટેની શિબિરો, યુવક-મહોત્સવ, રણના કે જંગલના કે પર્વતોના વિસ્તારના પ્રવાસો કે નૌકાના સાહસ-પ્રવાસો જેવા કાર્યક્રમોનું આયોજન; રાષ્ટ્રીય કૅડેટ કૉર (NCC), રાષ્ટ્રીય સેવા યોજના (NSS) વગેરે પ્રવૃત્તિઓ; (3) યુનિવર્સિટી શિક્ષણના પ્રથમ વર્ષમાં પ્રવેશતા વિદ્યાર્થીઓ માટેની તબીબી તપાસ અને તેના પરિણામસ્વરૂપ તબીબી સેવા, સહાય અને માર્ગદર્શન; (4) ફોરેન યુનિવર્સિટીઝ ઇન્ફર્મેશન બ્યૂરો અને ઍમ્પ્લૉયમૅન્ટ બ્યૂરો જેવી સેવા-પ્રવૃત્તિઓ; (5) વિદ્યાર્થી વિનિમય યોજના, આંતર-યુનિવર્સિટી અને આંતરપ્રાદેશિક પ્રવાસો, પર્યટનો, સાઇકલ/મોટર સાઇકલના સાહસ-પ્રવાસો, ઇત્યાદિ મુખ્ય છે. આ પ્રકારની પ્રવૃત્તિઓમાં પર્વતારોહણ, નાટ્યતાલીમ અને ભારત-જાપાન વિદ્યાર્થી વિનિમય યોજના દ્વારા યુનિવર્સિટીએ કરેલું પ્રદાન વિશેષ ધ્યાનાર્હ રહ્યું છે. આ પ્રવૃત્તિઓના સુચિંતિત આયોજન અને અસરકારક સંચાલન માટે યુનિવર્સિટી તરફથી જે તે ક્ષેત્રના નિષ્ણાત તાલીમી શિક્ષકો અને મુલાકાતી માર્ગદર્શકોની સેવા જરૂર પ્રમાણે ઉપલબ્ધ કરવામાં આવે છે. ડિરેક્ટર કક્ષાના એક પૂરા સમયના પગારદાર અધિકારીની રાહબરી અને દેખરેખ હેઠળ આ પ્રવૃત્તિઓ સંયોજિત ધોરણે હાથ ધરવામાં આવે છે. તે માટે દિશાસૂચન અને સલાહસૂચના આપવા માટે બોર્ડ ફૉર સ્ટુડન્ટ્સ વેલફેર અને બોર્ડ ઑવ્ ઍક્સ્ટ્રામ્યુરલ સ્ટડીઝ નામનાં બે સત્તામંડળો પ્રસ્થાપિત કરવામાં આવેલાં છે. યુનિવર્સિટીની આ પ્રકારની પ્રવૃત્તિઓ માટે કૅમ્પસમાં જ જે ભૌતિક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે તેમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓનાં છ જેટલાં વિશાળ છાત્રગૃહો અને સાડાત્રણ લાખથી વધુ પુસ્તકો અને નવસોથી વધુ સામયિકોથી સમૃદ્ધ પુસ્તકાલય અને દિવસમાં 12થી 16 કલાક સુધી ખુલ્લું રહેતું વિશાળ વાચનાલય ઉપરાંત રમતગમતની પ્રવૃત્તિઓ માટેનું સિન્ડર ટ્રૅક સહિતનું એક સુસજ્જ સંકુલ, વિશાળ બૅડમિન્ટન હૉલ, બિનનિવાસી વિદ્યાર્થીઓ માટેનું કેન્દ્ર, ઓપન-ઍર થિયેટર, વિશાળ સભાગૃહ, ચારેક જેટલાં વ્યાખ્યાનગૃહો, અતિથિગૃહ, સહકારી સ્ટોર, ઇત્યાદિનો સમાવેશ થાય છે. બૅન્ક અને પોસ્ટ ઑફિસ ઉપરાંત આવશ્યક ચીજવસ્તુઓનું વેચાણ કરતી દુકાનોનું એક નાનકડું સંકુલ વગેરે જેવી જાહેર લોકસુવિધાઓ પણ કૅમ્પસ પર ઉપલબ્ધ છે.
9. બોધભાષા : બોધભાષા તરીકે ગુજરાતી અથવા હિંદી-(દેવનાગરી-લિપિમાં)નો વિકાસ કરવાની જવાબદારી ગુજરાત યુનિવર્સિટીના કાયદા દ્વારા જ યુનિવર્સિટીને સોંપવામાં આવેલ છે. તેના સંદર્ભમાં ઉચ્ચ શિક્ષણના તમામ તબક્કે માધ્યમ તરીકે માતૃભાષાની પ્રતિષ્ઠા કરવામાં ગુજરાત યુનિવર્સિટીએ મહત્વની ભૂમિકા અદા કરી છે. અંગ્રેજીને બદલે બોધભાષા તરીકે ગુજરાતીને ક્રમિક ધોરણે દાખલ કરવા માટે યુનિવર્સિટીએ સમયબદ્ધ કાર્યક્રમ ઘડેલો છે. આ કાર્ય સંપૂર્ણતયા સિદ્ધ થાય તે દરમિયાન વચગાળાના સમય માટે, છેક વરિષ્ઠ અદાલતના આંગણે જઈ પહોંચેલા ઐતિહાસિક કાનૂની જંગને અંતે, અધ્યાપકોને અધ્યાપનકાર્ય માટે અને વિદ્યાર્થીઓને પરીક્ષાકાર્ય માટે અંગ્રેજીનો ઉપયોગ વૈકલ્પિક ધોરણે કરવા માટે છૂટ આપવામાં આવેલી છે.
દરમિયાન બોધભાષા તરીકે ગુજરાતીના ઉપયોગને વેગ આપવા માટે યુનિવર્સિટીએ એક અલાયદો પ્રકાશન વિભાગ સ્થાપ્યો છે અને તેના વહીવટી વડા તરીકે પૂરા સમયના અધિકારી તરીકે પ્રકાશન અધિકારીની જગ્યા ઊભી કરેલ છે. તે ઉપરાંત યુનિવર્સિટીએ તેના મુખ્ય કાર્યાલયની નજીકમાં જ અદ્યતન યંત્રસામગ્રીથી સજ્જ એવું એક સુંદર મુદ્રણાલય વિકસાવ્યું છે.
પ્રકાશનની દિશામાં યુનિવર્સિટીએ સૌપ્રથમ કામ કર્યું, તે હતું જુદા જુદા વિષયો માટે વિદ્વાન અધ્યાપકો અને અન્ય નિષ્ણાતોની સમિતિઓ રચીને ગુજરાતીમાં વૈજ્ઞાનિક પરિભાષા વિકસાવવાનું. તે પછી સન્માન્ય અધ્યાપકો અને વિષયનિષ્ણાતો પાસે યુનિવર્સિટી કક્ષાએ વિદ્યાર્થીઓને ઉપયોગી નીવડે તેવાં પુસ્તકોની હસ્તપ્રતો તૈયાર કરાવી તેમજ કેટલાંક વિશિષ્ટ અને સર્વસામાન્ય અંગ્રેજી પુસ્તકોનો ગુજરાતી અનુવાદ કરાવીને યુનિવર્સિટીએ જે પુસ્તકો પ્રકાશિત કર્યાં છે તેની કુલ સંખ્યા 1,000 ઉપરાંત થવા જાય છે.
ગુજરાત યુનિવર્સિટીના કાર્યકાલ દરમિયાન યુનિવર્સિટીનું સુકાન સંભાળનાર કુલપતિઓમાં હરસિદ્ધભાઈ વ. દિવેટિયા, મગનભાઈ પ્ર. દેસાઈ, લાલભાઈ ર. દેસાઈ, ઉમાશંકર જોશી, ઈશ્વરભાઈ જે. પટેલ, એન. એમ. મિયાંભાઈ, પી. સી. વૈદ્ય, કે. એસ. શાસ્ત્રી, એમ. એન. દેસાઈ વગેરેનો સમાવેશ થાય છે.
કંચનભાઈ ચં. પરીખ