ગુજરાત રાજ્ય રમતગમત પરિષદ (Gujarat State Sports Council) :

February, 2011

ગુજરાત રાજ્ય રમતગમત પરિષદ (Gujarat State Sports Council) : ગુજરાતમાં રમતગમત પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર તરફથી રચાયેલી સંસ્થા. ગુજરાત રાજ્યના રમતવીરોને વિકાસલક્ષી પ્રોત્સાહન આપવા, યુવાશક્તિને રચનાત્મક કાર્યોમાં હેતુપૂર્વક કામે લગાડવા, ઉચ્ચ કક્ષાની સિદ્ધિ મેળવવા રમતવીરોને અદ્યતન વૈજ્ઞાનિક ઢબે તાલીમ આપવા, વ્યક્તિનો સર્વાંગી વિકાસ હાંસલ કરવા અને તાલુકા, જિલ્લા તથા રાજ્ય કક્ષાનાં રમતગમત-મંડળોને આર્થિક સહાય કરવા 1961માં ગુજરાત સ્ટેટ સ્પૉર્ટ્સ કાઉન્સિલની રચના કરવામાં આવી હતી. ગુજરાત રાજ્ય રમતગમત પરિષદ તરીકે ઓળખાતી આ સંસ્થા ગુજરાત સરકારના ‘યુવક પ્રવૃત્તિ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ’ ખાતાના એક અંગ તરીકે તથા તે ખાતાના પ્રધાનના પ્રમુખપદે કાર્ય કરે છે. તેની કચેરી ગાંધીનગર ખાતે છે.

રાજ્ય રમતગમત પરિષદ અનેકવિધ પ્રવૃત્તિઓ હાથ ધરે છે. 9થી 12 વર્ષની ઉમરનાં નાનાં બાળકોની નૅશનલ સ્પૉટર્સ ટૅલન્ટ સ્પર્ધાથી માંડી બાળરમતોત્સવ, ગ્રામીણ રમતોત્સવ, મહિલા રમતોત્સવ, સુબ્રતો મુકરજી કપ ફૂટબૉલ સ્પર્ધા, જવાહરલાલ નહેરુ જુનિયર હૉકી સ્પર્ધા, 19 વર્ષથી નીચેના ખેલાડીઓ માટે શાળાકીય શરદ અને શિયાળુ સ્પર્ધાઓ, શાળાકીય સી. કે. નાયડુ ક્રિકેટ સ્પર્ધા તથા વિનુ માંકડ જુનિયર ક્રિકેટ સ્પર્ધાનું આયોજન કરે છે.

રમતવીરોને તથા રાજ્યનાં રમતમંડળોને અનુદાન દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે; શિષ્યવૃત્તિ અને વૃત્તિકા પણ આપે છે. નિવૃત્ત રમતવીરોને પેન્શન આપી આર્થિક સહાય કરે છે તેમજ વ્યાયામશાળા તથા અરવિંદ રમતકેન્દ્રોને પણ અનુદાન આપી આર્થિક સહાય કરે છે. દિવાળી વૅકેશન દરમિયાન ક્રિકેટ કોચિંગ કૅમ્પ તથા ઉનાળાના વૅકેશન દરમિયાન વિવિધ રમતોના ઘનિષ્ઠ પ્રશિક્ષણ શિબિરો પણ યોજવામાં આવે છે.

કેન્દ્ર સરકાર દ્વારા તરણકુંડ, સ્પૉર્ટ્સ કૉમ્પ્લેક્સ, મેદાનનો વિકાસ વગેરે માટેની આર્થિક સહાય મેળવવા રાજ્યની સ્વાયત્ત સંસ્થાઓને તે મદદરૂપ થાય છે. ‘પ્રાઇઝ મની’ યોજનાનો લાભ પણ રાજ્ય રમતગમત પરિષદ દ્વારા જિલ્લા કક્ષાની વિજેતા શાળાઓને આપવામાં આવે છે. ઉપરાંત સ્પૉટર્સ ઑથોરિટી ઑવ્ ઇન્ડિયાની વિવિધ યોજનાનો લાભ પણ તેના દ્વારા લેવામાં આવે છે.

રાજ્ય રમતગમત પરિષદ દ્વારા પ્રતિવર્ષ રાજ્યના ઉચ્ચ સિદ્ધિ મેળવનાર ખેલાડીઓને વિવિધ ઍવૉર્ડ દ્વારા સન્માનવામાં આવે છે.

13 ફેબ્રુઆરી 1995ના રોજ ગુજરાત સરકારે ‘સ્પૉર્ટ્સ ઑથોરિટી ઑવ્ ગુજરાત’ની રચના કરી હતી અને તે દિવસથી ગુજરાત રાજ્ય રમતગમત પરિષદની સમગ્ર કામગીરી આ નવી સંસ્થા કરે છે.

ચિનુભાઈ શાહ