ગુજરાત (પાક્ષિક) : ગુજરાત સરકારના માહિતી ખાતા દ્વારા પ્રકાશિત થતું સામયિક. 1 મે 1960ના રોજ ગુજરાત અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું ત્યારબાદ સરકારની કામગીરી આમજનતા સુધી પહોંચે એ હેતુથી આ સામયિકનો પ્રારંભ થયેલો. આજે એ પાક્ષિક સ્વરૂપે પ્રસિદ્ધ થાય છે. માહિતી કમિશનર આ સામયિકના તંત્રીની જવાબદારી સંભાળે છે. આથી આજ સુધીમાં અનેક તંત્રીઓ થયા છે. હાલ શ્રી ભાગ્યેશ જહા તંત્રી છે અને કાર્યવાહક તંત્રી સુધીર એસ. રાવલ છે. સંપાદક, કાર્યવાહક સંપાદક અને સહસંપાદક પણ છે. સરકાર પ્રમાણે તેના રૂપ-રંગ બદલાય છે. રાજ્ય સરકાર પોતે કરેલ કાર્યોની જાણ ગુજરાતની પ્રજાને આ સામયિકના માધ્યમથી કરે છે.
આજે ‘ગુજરાત’ સામયિકમાં જુદા જુદા વિભાગો છે. એમાં પ્રારંભે વાચકોના અભિપ્રાય છપાય છે અને પછીના પાને વર્તમાન રાજકીય-સામાજિક પરિસ્થિતિને અનુલક્ષીને કાર્ટૂન અપાય છે. પ્રાસંગિક લેખોનો અલગ વિભાગ છે. ગુણવંત શાહની ‘વિચાર’ નામક કૉલમ નિયમિત પ્રસિદ્ધ થાય છે. રાજ્ય સરકારના મુખ્યમંત્રી અને મંત્રીઓની મુલાકાત કે લેખ મુકાય છે. જિલ્લાવાર સરકારના કામના ફોટા છપાય છે. વિવિધ વર્તમાનપત્રોમાંથી સરકારની હકારાત્મક બાજુ કરતા ખંડો રજૂ કરાય છે. સાંસ્કૃતિક, સાહિત્યિક, ઐતિહાસિક, સામાજિક માહિતી સાથે ખેતીવિષયક માહિતી પણ અપાય છે. વળી પ્રજાને જે લાભ મળતા હોય તેની માહિતી પણ રજૂ થાય છે. ટૂંકમાં, ગુજરાત રાજ્યની ગતિ-પ્રગતિનો આલેખ રજૂ કરતું આ સામયિક છે.
‘ગુજરાત’ સામયિક દ્વારા દીપોત્સવી અંક પ્રતિ વર્ષ પ્રસિદ્ધ થાય છે. ગુજરાતમાં એની આગવી પ્રતિષ્ઠા છે. એમાં કવિતા, નિબંધ, હાસ્યનિબંધ, નાટિકા, અભ્યાસલેખો ઇત્યાદિ છપાય છે અને ગુજરાતની કલા-કારીગરી દર્શાવતાં રંગીન ચિત્રો, ફોટોગ્રાફ પણ ગ્લેઝ પેપર પર છપાય છે.
‘ગુજરાત’માંથી ગુજરાતના અતીત ને વર્તમાનનું ચિત્ર પમાય છે.
પ્રફુલ્લ રાવલ