ગુજરાત (માસિક) : મહદ્ અંશે સર્જનાત્મક ગુજરાતી સાહિત્યનું માસિક. એમાં અવારનવાર તત્કાલીન સામાજિક-રાજકીય વિગતો આમેજ થતી. વિ. સં. 1978ના ચૈત્ર અર્થાત્ ઈ. સ. 1922ના એપ્રિલ માસથી એ માસિક શરૂ થયું હતું. સાહિત્ય સંસદના મુખપત્ર રૂપે એ પ્રત્યેક માસની આખરે પ્રસિદ્ધ થતું. એના તંત્રી હતા કનૈયાલાલ માણેકલાલ મુનશી. ગુજરાતી સાહિત્યના મોટા ગજાના સર્જકોનું સર્જનાત્મક સાહિત્ય એમાં પ્રસિદ્ધ થયેલું છે. તંત્રી મુનશીની ‘રાજાધિરાજ’, ‘સ્વપ્નદ્રષ્ટા’ અને ‘ભગવાન કૌટિલ્ય’ જેવી શ્રેષ્ઠ કૃતિઓ ધારાવાહી નવલ રૂપે ‘ગુજરાત’ માસિકમાં છપાયેલી. નરસિંહરાવ દિવેટિયાની ‘સ્મરણમુકુર’ હપતે હપતે એમાં જ પ્રસિદ્ધ થઈ હતી. લીલાવતી મુનશીનાં રેખાચિત્રો અને ખુશાલ તલકશી શાહનાં નાટકો ઉપરાંત ધૂમકેતુ, ધનસુખલાલ, જ્યોતીન્દ્ર દવે  ‘ગુપ્તા’, બટુભાઈ ઉમરવાડિયા, ઇન્દુલાલ યાજ્ઞિકનું ગદ્યસાહિત્ય તો કાન્ત, ન્હાનાલાલ, બ. ક. ઠાકોર, લલિત, સ્નેહરશ્મિનાં કાવ્યો એમાં પ્રસિદ્ધ થયેલાં છે. ગોરધનભાઈ ઉ. પટેલ, રવિશંકર રાવળ, શિવરામ સજીપ, સુશીલ, જડાવબહેન વીણ જેવા આ સદીના પ્રારંભના શ્રેષ્ઠ ચિત્રકારોનાં ચિત્રો મોટે ભાગે પ્રત્યેક કૃતિ સાથે અપાતાં. આ ચિત્રો લક્ષ્મી આર્ટમાં છપાતાં. મુનશી ‘તંત્રી સ્થાનેથી’ વિભાગમાં સાહિત્ય ઉપરાંત તત્કાલીન રાજકીય-સામાજિક વિગતોની ચર્ચા કરતા. ‘નવું સાહિત્ય’ વિભાગમાં ગુજરાતી ભાષામાં પ્રસિદ્ધ થતી કૃતિઓનું સવિગત અવલોકન થતું. શંકરપ્રસાદ છગનલાલ રાવળ, વિજયરાય વૈદ્ય અને હિંમતલાલ અંજારિયા જેવા વિવેચકોનો લાભ ‘ગુજરાત’ને મળ્યો હતો. ‘માસિક રોજનીશી’ છપાતી. સાહિત્ય સંસદનાં અધ્યક્ષીય વ્યાખ્યાનો એમાં છપાયેલાં છે.

પ્રફુલ્લ રાવલ