ગુંદાણી, સરોજ (જ. 7 મે 1938, નડિયાદ) : ગુજરાતી સુગમ સંગીતનાં જાણીતા ગાયકકલાકાર. મૂળ વતન ચોટીલા, સૌરાષ્ટ્ર. પિતાનું નામ જમનાગિરિ અને માતાનું નામ લતાબહેન. મૂળ અટક જોષી. ઔપચારિક શિક્ષણ એસ.એસ.સી. સુધીનું. નાનપણથી સંગીત પ્રત્યે અભિરુચિ હોવાથી માત્ર પાચ વર્ષની ઉંમરે માતાની પહેલથી મુંબઈના પી. મધુકર પાસેથી શાસ્ત્રીય સંગીતની તાલીમ લેવાની શરૂઆત કરી. મુંબઈના નિવાસ દરમિયાન ગણેશોત્સવ જેવા જાહેર કાર્યક્રમોમાં ગાયન પ્રસ્તુત કરવાની શરૂઆત કરી. 1949માં અમદાવાદમાં સ્થાયી થયાં જ્યાં શાસ્ત્રીય સંગીતનો આગળનો અભ્યાસ ગુરુ કાલિદાસભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ ચાલુ રાખ્યો. માત્ર તેર વર્ષની ઉમરે સંગીતવિશારદની પરીક્ષા સુવર્ણચંદ્રક સાથે પસાર કરી. ત્યારબાદ તેમણે સંગીત અલંકારની ઉચ્ચ પદવી પણ પ્રાપ્ત કરી છે. તેમના પતિ સ્વર્ગીય શશિકાંત ગુંદાણી સારા વાયોલિનવાદક હતા અને તેમણે ગુજરાતમાંના આકાશવાણીનાં બધાં જ કેન્દ્રો પરથી વાયોલિનવાદનના કાર્યક્રમો પ્રસ્તુત કર્યા હતા. તેઓ આકાશવાણીના ‘એ’ ગ્રેડના કલાકાર હતા. સરોજબહેન 1954થી આકાશવાણી, અમદાવાદ પરથી સુગમ સંગીતના કાર્યક્રમો આપતાં રહ્યાં છે. તેઓ પણ આકાશવાણીના ‘એ’ ગ્રેડના ગાયક કલાકાર છે. દૂરદર્શન પર પણ તેમના ગાયનના કાર્યક્રમો પ્રસારિત થયા છે. ગુજરાતી ચલચિત્રોના પાર્શ્વગાયિકા તરીકે તેમણે નામના મેળવી છે. હિઝ માસ્ટર્સ વૉઇસ (HMV) જે હવે સા-રે-ગ-મ નામથી ઓળખાય છે, તેણે સરોજબહેનના ગુજરાતી સુગમ ગીતો, ભજનો, ગરબા, લોકગીતો ઇત્યાદિની પચાસ ઉપરાંત રેકૉર્ડ બહાર પાડી છે.

સરોજ ગુંદાણી

તેઓ આકાશવાણી, અમદાવાદના સ્વરપરીક્ષક તરીકે પણ સેવાઓ આપી રહ્યાં છે. ગુજરાત ખાતેનાં આકાશવાણીનાં બધાં જ કેન્દ્રો ઉપરાંત દિલ્હી, લખનૌ અને મુંબઈ જેવાં કેન્દ્રો પરથી તેમના ગાયનના કાર્યક્રમો પ્રસ્તુત થયા છે. તેમની હિંદી ભજનની કેસેટ પણ બહાર પડી છે, જેના શબ્દો છે ‘હરિ નામ કે હીરે મોતી……’ 1996–97માં તેમને ગુજરાત સરકારે ગૌરવ પુરસ્કારથી સન્માન્યાં છે.

સરોજબહેન સુગમસંગીત ક્ષેત્રે વધુ જાણીતાં હોવા છતાં તેમના સંગીતનો પાયો શાસ્ત્રીય સંગીત પર રચાયેલો છે. અત્યંત મધુર અવાજ એ તેમની ગાયિકા તરીકેની મુખ્ય લાક્ષણિકતા છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે