ગુંદરિયો (લીંબુનો) : Phytophthora પ્રજાતિની કેટલીક ફૂગથી લીંબુ વર્ગમાં થતો રોગ. લીંબુ ઉગાડતા દરેક પ્રદેશમાં તે જોવા મળે છે. અન્ય પ્રદેશોમાં તે છૂટોછવાયો ક્યારેક જોવા મળે છે; પરંતુ મહારાષ્ટ્રમાં તે દર વર્ષે જોવા મળે છે. ખાટી જાતોની સરખામણીમાં મીઠી જાતો વધુ રોગગ્રાહ્ય છે. રોગનું આક્રમણ જમીનની પાસેના થડથી શરૂ થાય છે. શરૂઆતમાં તેમાં પાણીપોચા ડાઘ થઈ ભૂખરા રંગનું પ્રવાહી બહાર નીકળે છે. થોડા સમયમાં છાલ ફાટી જઈ ખરી પડે છે. આક્રમિત ફળ સડી ખરી પડે છે. ફૂગ જમીનમાં એકાદ મીટર કે તેથી વધુ ઊંડે રહે છે. વરસાદ મારફતે ફળ કે પાન પર પહોંચે છે. આક્રમણ સામાન્ય રીતે છાલ ભીની હોય ત્યારે જ થાય છે.

રોગવાળી છાલ અને તેની નીચેનો અડધા સેમી. જેટલો તંદુરસ્ત ભાગ છરીથી કાઢી નાખી તેના પર થડની ફરતે બોર્ડો પેસ્ટ લગાવવાથી, પિયતનું પાણી થડને અડકે નહિ તેની કાળજી રાખવાથી તથા 15 સેમી. કે વધુ ઊંડાઈએ કલમ કરેલ છોડ વાવવાથી આ રોગને અટકાવી શકાય છે. જાંબુડી પર તૈયાર કરેલ લીંબુની કલમ રોગનો પ્રતિકાર કરતી હોવાથી તે વાપરવી હિતાવહ ગણાય છે.

હિંમતસિંહ લાલસિંહ ચૌહાણ