ગુંફિત ઝરણાં : ગૂંચવાયેલી, વાંકીચૂંકી, લાંબી દોરીઓની જેમ વિભાજિત થતા અને ફરીથી ભેગા થતા આંતરગૂંથણી રચતા જળમાર્ગોથી બનેલાં ઝરણાં કે નાની નદીઓ. ઝરણાંના માર્ગો વચ્ચે કાંપ કે રેતીની જમાવટથી રચાતા અવરોધો કે આડશોને કારણે જળવહનમાર્ગ બદલાઈ જાય છે. નદી કે ઝરણું જ્યારે પોતાની સાથે વહી આવતા કાંપને આગળ ધપાવી શકે તેના કરતાં વધુ જમાવટ થઈ અવરોધ ઊભા કરે ત્યારે આ પ્રકારની જાળાકાર આંતરગૂંથણીરૂપ રચનાઓ ઉદભવે છે. ઉત્પન્ન થતા જતા અવરોધોને કારણે જળમાર્ગનું સ્થાનાંતર સર્પાકાર વહનમાર્ગ રચતું જાય છે, વખતોવખત જળવિભાજન થતું રહે છે, આગળ વહી ફરીથી ભેગું પણ થાય છે. આમ આંતરગૂંથણી બની રહે છે. વળી, જ્યાં જળમાર્ગો વધુ ઢોળાવવાળા થતા હોય ત્યાં જળવેગ વધી જાય છે, તેમના કિનારા નરમ કણનિક્ષેપથી ક્રમશ: બંધાતા અને ઘસાતા જાય છે. આ ઉપરાંત કાંપજમાવટને કારણે આબોહવાના અનુકૂળ સંજોગો મળી જાય એવી જગાઓમાં વનસ્પતિ પણ ઊગી નીકળે છે, તેમનો ઝડપી વિકાસ થતો રહે છે. કિનારા પરની આડશો કે ઊગી નીકળેલી વનસ્પતિ પણ જળવહન માટે અવરોધરૂપ થાય છે. નદીપટ પરના સર્પાકાર જળવહનમાર્ગો સિવાયના પટવિભાગો વધુ પહોળા – છીછરા બની રહે છે અને સમયાંતરે આવતા રહેતા પૂરનાં પાણીને ફેલાઈ જવા માટે અનુકૂળતા કરી આપે છે. પૂરપ્રસરણને કારણે પણ કાંપનું સ્થળાંતર થતું જાય છે અને આમ વહનમાર્ગોની દિશા બદલી નાખવામાં મદદરૂપ થાય છે. ઉપરકથિત એક કે વધુ જવાબદાર પરિબળો ઝરણાંની આંતરગૂંથણી કરવામાં સહાયરૂપ નીવડે છે.

ગુંફિત ઝરણાં (પૂરપ્રવાહનાં મેદાનોમાં)

ગિરીશભાઈ પંડ્યા