ગુંદર (gum) : વનસ્પતિના કોષ કે પેશીના વિકૃત ફેરફારોથી બહાર ઝરતો પદાર્થ. તે સહેલાઈથી ચોંટી જાય તેવો, કલિલી ગુણધર્મો ધરાવનારો છે. વનસ્પતિના રક્ષણાર્થે ઉત્પન્ન થઈને તે નિ:સ્રવણ (exudation) દ્વારા બહાર આવે છે.
મુખ્ય ગુંદરો : કતીરા ગુંદર (Chloclospermum gossypium DC.) પાણી સાથે ભળીને અતિ ભારે જેલી બનાવે છે. Sterculia urens Roxb.માંથી મળતો કરાયા કે કઢાયો ગુંદર છાલ ઉપર છેદ કરતાં ઝરે છે. ટ્રેગેકન્થ ગુંદર Astragalus gummifer L.ના પ્રકાંડનાં મજ્જાકિરણો(medullary rays)માં ફેરફારો થતાં સર્જાય છે. સહેજ જ કાપથી આકસ્મિક ઈજાથી સ્રાવ ઝડપી બને છે.
બાવળ કે કિકરનો ગુંદર (gum arabic) દેશી બાવળ(Acacia arabica Willd)માંથી મેળવાય છે. ખેરનો ગુંદર ખેરબાવળની શાખાઓમાંથી મેળવાય છે. તે મૂળ સફેદ રંગનો અને વખત જતાં પીળાથી તપખીરિયો રંગ ધારણ કરે તો તેની કિંમત અને ગુણો ઘટે છે. સાચો ગમ ઍરેબિક તે સુદાનના Acacia senegal Willdમાંથી મળે છે. તે ગુંદર સુકાતાં સ્વેતિત બને છે. તેની બાહ્ય સપાટીમાં ચીરા કે કાપા પડે છે. ઉપરાંત કિકર, ખેરિયો, કુમટા, કાતીરાય, શાહજહાન, ઝીંગન (lannea), ધવગટ્ટી, કરિયા, ટ્રેગીય, ગુગુલ, ઉશાક, કુંદર, જૌશીર, શાગભીનાઝ, અને હિંગ બજારમાં મળતી ગુંદરની જાતો છે. તે વિવિધ વનસ્પતિઓમાંથી મેળવાય છે. ગમ ઍરેબિક ગુંદરની ઊંચી જાત ગણાય છે. તે પાક અથવા મીઠાઈની બનાવટમાં વપરાય છે. તે શક્તિવર્ધક અને સ્નાયુસંકોચન વગેરે ગુણો ધરાવતો હોવાથી અડદિયામાં વપરાય છે. તે રંગહીન હોવાથી ઔષધિ અને ખોરાકમાં ભળી જાય છે અને શ્રેષ્ઠ ગુણકારી છે. રેશમ અને જળદ્રાવ્ય રંગોમાં તે વપરાય છે. આવા ગુંદરમાં વાતાવરણની અશુદ્ધિઓ ભળતાં રંગની ઘેરાઈ જોવા મળે છે. આવો ગુંદર મીઠાઈ ઉપરાંત છાપકામની શાહી, કપડા પરની ખેળપ્રક્રિયા વગેરેમાં ઉપયોગી છે. ચોંટાડવા માટે, કપડાની છપાઈમાં તેમજ કાગળ અને રંગઉદ્યોગમાં હલકી કક્ષાનો ગુંદર વપરાય છે. વળી હાલમાં શૃંગાર-પ્રસાધનોમાં યોગ્ય ચીકાશ આપવા માટે પણ તે વપરાય છે.
ઉપરાંત Acacia sp.માંથી મળતા અન્ય ગુંદરોમાં મસવાઈ ગુંદ, મકલાઈ, સફેદ કિંકર, પૂર્વ ભારતીય, મામરેલ, ફુલાઈ, અમૃતસર, કુમટાઈ, ખોર, ખેરિયો, કચ્છીય, વિલાયતી કિંકર, અમરાદ, અમરાવતી, ભારતીય કિંકર અને બાબુલિયો ગુંદ છે. ગુંદર, રાળ વગેરે અન્ય પદાર્થોની હાજરીથી કાષ્ઠના (wood) વજનમાં નોંધપાત્ર વધારો થાય છે; પરંતુ તેની કક્ષા(quality)માં કોઈ ખાસ ફેરફાર જણાયો નથી. તમામ ગુંદરોમાં A. senegal Willd. ધોળો ખેર, gum acacia સૌથી ચડિયાતો અને કીમતી છે.
રાસાયણિક બંધારણમાં તે શર્કરા (sugar) અને કાર્બોદિત પદાર્થ (carbohydrates) સાથે સંકળાયેલ વનસ્પતિજન્ય નીપજ છે. તે બહુશર્કરાયુક્ત (polysacharides) અને તેની આડપેદાશોની ઉત્પત્તિ છે. તે પાણીમાં ઓગળી જાય છે અથવા પાણીથી તે ઢીલોપોચો બને છે અગર તો ફૂલી જાય છે. ગરમ કરવાથી તે પીગળ્યા વગર જ વિઘટન પામે છે. સાચો ગુંદર છોડની આંતરિક પેશીઓના કાષ્ઠતંતુ-(cellulose)ના વિભાજનથી સર્જાય છે. તે પ્રક્રિયાને ગુંદરાર્તિ (gummosis) કહે છે. જુદા જુદા ગુંદરોના રાસાયણિક ઘટકો જુદા જુદા હોય છે. તેમાં મુખ્યત્વે D. galactose, L. arabinose, L-rhamnose, D-glucuronic acid, uronic acid વગેરે છે. કૌંચા પાક, કામેશ્વર પાક, કુમારી પાક, ગળો, ગોખરુ, આમળા પાક, ધાત્રીપાક, મહાકામેશ્વર પાક, મૂસળીપાક, લશુન પાક અને મેથી, ગુડૂચી, મોદક, અડદિયા લાડુ વગેરેમાં ગુંદર અનિવાર્ય છે. એકલો તળીને કે બીજા પૌષ્ટિક પાકોમાં નાખી શક્તિ માટે ભારતમાં સ્ત્રીઓ વાપરે છે. ખાસ દવા તરીકે ગુંદર ક્વચિત જ વપરાય છે. તેની જાણકારી હોવી ખૂબ જ અગત્યની છે. તેને ઘીમાં તળી સાકર નાખી ખવાય છે. તેથી કમરમાં તાકાત આવે છે. સુવાવડ પછી તે ખાવાથી સ્ત્રીઓનાં શરીરમાં શક્તિ આવે છે. આવા ઉત્તમ Acacia ગુંદરનાં વૃક્ષો ગુજરાતમાંથી કપાતાં જાય છે.
તે ઉપરાંત ધાવડો, કાજુ, હરાયો, કાળિયો અને સફેદ શિરીષ, ભેરાયા, કોઠી, હાકિયા, લીમડો, સરગવો, ઝીંગન (Lannea) બદામડી (Prunus), શીમળો, મોખિયા (Schrebera) વગેરે વૃક્ષોમાંથી વિવિધ રાસાયણિક બંધારણ ધરાવતા ગુંદરો મળે છે.
ગુજરાત રાજ્ય વનવિકાસ નિગમ તરફથી કડાયો ગુંદર – ગ્રેડ 1, 2, 3 અને લાડુ ફાર્મ; ધાવડો ગુંદર સુપર અને અનગ્રેડેડ; બાવળ ગુંદર સુપર, ગ્રેડ 1 (ખેડા), ગ્રેડ 1 (રાજપીપળા-ભરૂચ) અને અનગ્રેડેડ; મોઇના ગુંદર, સલાઈ ગુંદર, ગાંડા બાવળ ગુંદર સુપર ગ્રેડ, ગ્રેડ 1 અને ગ્રેડ 2; ગોરડ ગુંદર, ખેર ગુંદર સુપરગ્રેડ અને અનગ્રેડેડ તથા ખાખર ગુંદર બજારમાં મૂકવામાં આવે છે.
મૃગેન્દ્ર વૈષ્ણવ
ઇન્દુમતી શાહ