ગુંતુર (Guntur) : આંધ્રપ્રદેશના મધ્યભાગમાં પૂર્વ તરફ આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. તે આંધ્રપ્રદેશનું ચોથા ક્રમે આવતું નગર છે. ભૌગોલિક સ્થાન : તે 15° 18´થી 16° 50´ ઉ. અ. અને 79° 10´થી 80° 55´ પૂ. રે. વચ્ચેનો 11,400 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. ગુંતુર કૃષ્ણા નદીની દક્ષિણે, કોન્ડાવિદ ટેકરીઓના પ્રદેશમાં, કૉલકાતા–ચેન્નાઈ ધોરી માર્ગ પર, હૈદરાબાદથી 400 કિમી. અને વિજયવાડાથી 29 કિમી. અંતરે આવેલું છે. તેની ઉત્તર તરફ નાલગોંડા અને કૃષ્ણા જિલ્લો, પૂર્વ તરફ કૃષ્ણા જિલ્લો, દક્ષિણ તરફ બંગાળનો ઉપસાગર અને પ્રકાશમ જિલ્લો તથા પશ્ચિમ તરફ પ્રકાશમ અને મહેબૂબનગર જિલ્લા આવેલા છે. જિલ્લામથક ગુંતુર જિલ્લાના પૂર્વ ભાગમાં આવેલું છે. જિલ્લાનું નામ જિલ્લામથક પરથી પડેલું છે.

ભૂપૃષ્ઠ : આ જિલ્લો ઓછી ઊંચાઈવાળું ભૂપૃષ્ઠ ધરાવતો હોવાથી ત્યાંની આબોહવા ખુશનુમા રહે છે. વાર્ષિક સરેરાશ વરસાદ 1000 મિમી. જેટલો પડે છે. ગુંતુર જિલ્લો ખનિજસંપત્તિની ર્દષ્ટિએ ખૂબ જ સમૃદ્ધ છે. જગપ્રસિદ્ધ કોહિનૂર હીરો અહીંના સત્તેનપલ્લી તાલુકાની કોલુરુ ખાણમાંથી મળેલો. અહીંના પાલનાડ વિસ્તારમાં ચૂનાખડકના વિપુલ જથ્થા રહેલા છે. વિનુકોંડા તાલુકામાં તાંબા-જસત-સીસાનાં ખનિજો મળે છે, તે પૈકી અગ્નિગુંડલા અને બોલાપલ્લી ખાતેના તાંબાનાં ખનિજોનો અનામત જથ્થો આશરે 70 લાખ ટન જેટલો હોવાનો અંદાજ છે.

ગુંતુર વનવિભાગ હેઠળ 1617 ચોકિમી. જેટલો જંગલવિસ્તાર આવેલો છે. તે જિલ્લાની કુલ ભૂમિનો 14 % જેટલો વિસ્તાર આવરી લે છે.

જળપરિવાહ : કૃષ્ણા નદી અહીંની મુખ્ય નદી છે. તે જિલ્લાની ઉત્તર અને પૂર્વ સરહદ પરથી પસાર થઈ, જિલ્લામાં 128 કિમી.નું અંતર કાપી બંગાળના ઉપસાગરને મળે છે. આ ઉપરાંત અન્ય નદીઓમાં ગુંડલાકમ્મા, મુસી, ચન્દ્રવંકા અને નાગુલેરુનો સમાવેશ થાય છે. તે બધી કૃષ્ણા નદીને મળે છે. નાગુલેરુ નદી પરના પાષાણ બંધના જળાશયમાંથી સિંચાઈનો લાભ મળે છે.

ગુંતુર જિલ્લાનો નકશો

ખેતી : આંધ્રપ્રદેશ રાજ્યમાં ગુંતુર જિલ્લો ખાદ્યાન્ન તેમજ રોકડિયા પાકોના ઉત્પાદનમાં આગળ છે. અહીં ડાંગર, બાજરી, કપાસ, મરચાં, તમાકુ, મગફળી, અડદ, મગ અને ચોળાના કૃષિપાકો લેવાય છે. અહીં રાસાયણિક ખાતરોનો ઉપયોગ મોટા પ્રમાણમાં થાય છે. કૃષ્ણા નદી પરના નાગાર્જુન બંધનાં પાણી મળવાથી જિલ્લાની સમૃદ્ધિ વધી છે. સિંચાઈની ઉપલબ્ધિથી ડાંગર, તમાકુ, મગફળી, કપાસ અને મરચાનું મબલક ઉત્પાદન લેવાય છે.

પશુપાલન : જિલ્લામાં ગાયો, ભેંસો જેવાં દુધાળાં-પ્રાણીઓ તેમજ ડુક્કરનો ઉછેર થાય છે. પશુઓની સંખ્યાના સંદર્ભમાં આ જિલ્લો રાજ્યમાં સાતમા ક્રમે આવે છે. રાજ્યમાં ડુક્કરોના સંવર્ધનની યોજના અમલમાં મુકાઈ છે. જિલ્લામાં પશુઓ માટે પશુદવાખાનાં, ચિકિત્સાલયો, પ્રયોગશાળાઓ કાર્યરત છે. દૂધ અને દૂધની પેદાશો(માખણ, ઘી)ના ઉત્પાદનમાં આ જિલ્લો રાજ્યભરમાં મોખરે છે. આ જિલ્લો નદીઓ, તળાવો તેમજ કંઠાર વિભાગમાંથી માછલીઓનું ઉત્પાદન પણ મેળવે છે.

ઉદ્યોગો : ગુંતુર જિલ્લામાં ચૂનાખડકોનો વિપુલ જથ્થો રહેલો હોવાથી ઍસોસિયેટેડ સિમેન્ટ કંપની અને રામકૃષ્ણ સિમેન્ટ કંપની સિમેન્ટનું ઉત્પાદન કરે છે. ચૂનાખડકને બાળીને ચૂનો અને સાગોળ મેળવાય છે, તેનો ઉપયોગ કાગળ, ખાંડ અને સુતરાઉ કાપડના ઉદ્યોગોમાં કરવામાં આવે છે. અહીં મળતા લાદીખડકનો ઉપયોગ ફરસબંધી, છતબંધી અને નહેરોનાં તળિયાં બનાવવામાં થાય છે. લાદીખડકને પૉલિશ કરવાનાં કારખાનાં પણ આવેલાં છે. આ ઉપરાંત મેસર્સ સાતવાહન કૉટન ગ્રોઅર્સ કો-ઑપરેટીવ સ્પિનિંગ મિલ્સ સત્તેનપલ્લી ખાતે આવેલી છે. જિલ્લામાં અંદાજે 3000 જેટલા નાના એકમો કાર્યરત છે, જેમાં જંતુનાશકો, કીટનાશકો, ઇજનેરી એકમો, ઑટોમોબાઇલ એકમો, રસાયણ ઉદ્યોગો, વાસણો, લાકડાનું રાચરચીલું, વીજળીનાં સાધનો, તેલની ઘાણીઓ, ચામડાં કમાવવાના એકમો, કપાસના જિનિંગ એકમો તથા ખાદ્યતેલોના એકમોનો સમાવેશ થાય છે.

વેપાર : ગુંતુર માર્કેટ કમિટી હેઠળ 17 જેટલાં માર્કેટ યાર્ડ કાર્યરત છે. આ બધાં મથકોમાં મગફળી, મરચાં, હળદર, તમાકુ અને કપાસનો ધંધો થાય છે. આ બધી ચીજવસ્તુઓની તેમજ સિમેન્ટની નિકાસ તથા લોકોની જરૂરિયાતની ચીજોની આયાત થાય છે. ગુંતુર જિલ્લો તમાકુના ધંધામાં ભારતભરમાં મોખરે છે. ગુંતુર નગર પણ વેપારનું કેન્દ્ર છે.

પરિવહન : 1961માં શરૂ થયેલ આંધ્ર રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા બસ સેવા ઉપલબ્ધ છે; ખાનગી બસ સેવા પણ કાર્યરત છે. જિલ્લામાં બ્રૉડ ગેજ – મીટર ગેજ રેલમાર્ગો પસાર થાય છે, ગુંતુર રેલવેનું જંક્શન છે. તે ગુંટકલ, નાગાર્જુનસાગર, વિજયવાડા, મછલીપટનમ, હુબલી તેનાલી અને રેપાલી સાથે જોડાયેલું છે.

પ્રવાસન : જિલ્લામાંનાં જોવાલાયક સ્થળોમાં નાગાર્જુન કોંડાના ઐતિહાસિક અવશેષો, અમરાવતી, ગુંતુર, મંગલગિરિ, નલ્લાપડુ, તાડીપલ્લી, ઊંડાવલ્લી, વંગીપુરમ્, ચેજરલા, કોંડાકવુરુ, દાચીપલ્લી, દુર્ગી, ગુટ્ટીકોંડા, મચેરલા, પિડુગુરલ્લા, પોંડુગલા, રેન્ટાચિંતલા, થલાપલ્લી, ભટ્ટીપ્રોલુ, ગુંદાવલ્લી, અમીનાબાદ, અગ્નિગુંડલા વગેરે જેવાં સ્થળોનો સમાવેશ થાય છે. જિલ્લાનાં જુદાં જુદાં સ્થળોએ વારતહેવારે મેળા ભરાય છે અને ઉત્સવો યોજાય છે.

બુદ્ધ, નાગાર્જુન કોંડા

વસ્તીલોકો : 2001 મુજબ આ જિલ્લાની વસ્તી 44,55,445 જેટલી છે. સ્ત્રી-પુરુષોનું વસ્તી-પ્રમાણ લગભગ સરખું છે. અહીં ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે 75 % અને 25 % જેટલું છે. જિલ્લામાં તેલુગુ, ઉર્દૂ, હિન્દી અને તમિળ ભાષાઓ બોલાય છે. હિંદુઓની વસ્તી આશરે 70 % જેટલી છે; જ્યારે મુસ્લિમ અને ખ્રિસ્તીઓનું પ્રમાણ સરખું છે; પરંતુ શીખ, બૌદ્ધ અને જૈનોનું પ્રમાણ તદ્દન ઓછું છે. જિલ્લામાં સાક્ષરતાનું પ્રમાણ 50 % જેટલું છે. અહીં પ્રાથમિક-માધ્યમિક શાળાઓનું તેમજ જુદી જુદી વિદ્યાશાખાઓનું ઉચ્ચ શિક્ષણ આપતી સંસ્થાઓનું પ્રમાણ સારું છે. વહીવટી સરળતાની ર્દષ્ટિએ જિલ્લાને 57 મંડળોમાં વહેંચેલો છે. જિલ્લામાં 15 નગરો અને 715 (23 વસ્તીવિહીન) ગામડાં આવેલાં છે.

ગુંતુર (શહેર) : ગુંતુર જિલ્લાનું મુખ્ય વહીવટી મથક. ભૌગોલિક સ્થાન : 16° 18´ ઉ. અ. અને 80° 27´ પૂ. રે.. આ શહેર વધુ વસ્તી ધરાવતું હોવાથી તે પ્રથમ વર્ગના દરજ્જાવાળું ગણાય છે. તે રમણીય કોંડાવીડુ હારમાળાની પૂર્વમાં 9 કિમી. અંતરે વિજયવાડા–ચેન્નાઈ ટ્રન્ક રોડ પર આવેલું છે. આ શહેર ગુંતુર તાલુકાનું તાલુકામથક તેમજ મહેસૂલી વિભાગનું મથક પણ છે. અહીંની મ્યુનિસિપાલિટી (1866) ઘણી જૂની છે. આ શહેર મહત્વનું રેલજંક્શન છે, તે મચેરલા, વિજયવાડા, મછલીપટનમ, હુબલી, તેનાલી અને રેપાલી સાથે રેલમાર્ગે જોડાયેલું છે. અહીંથી રાજ્યપરિવહનની બસો જિલ્લાની અંદરનાં અને જિલ્લા બહારનાં મથકો તેમજ હૈદરાબાદ તરફ અવરજવર કરે છે. આ શહેરમાં તમાકુ પ્રક્રમણના એકમો, ચોખાની મિલો, કપાસની જિનિંગ-પ્રેસિંગ ફૅક્ટરીઓ તથા તેલની મિલો આવેલી છે, તેથી તે અગત્યનું વાણિજ્ય મથક બની રહેલું છે.

ભૂમિ માપવાના અહીંના સ્થાનિક એકમ કુંટા (Kunta) પરથી આ સ્થળ જૂના સમયથી કુંટારુ અથવા ગુંટુરુ નામથી ઓળખાતું થયેલું છે એવી લોકવાયકા છે. અહીંના સ્થાનિક શાસનકર્તાઓ (સરદારો) મધ્યાહને બંદૂક(Gun or Gunda)થી ભડાકો કરતા, તે પરથી પણ ગુંડુરુ અથવા ગુંટુર શબ્દ આવ્યો હશે, એમ કહેવાય છે.

ઇતિહાસ : ઈ. સ. 1904માં કૃષ્ણા જિલ્લાની કૃષ્ણા નદીની દક્ષિણનો પ્રદેશ તથા નેલોર જિલ્લાનો ઓંગોલ તાલુકામાંથી ગુંતુર જિલ્લાની રચના કરવામાં આવી. 1859 પહેલાં ગુંતુર મુખ્યમથક સાથે ગુંતુર જિલ્લો હતો. તેનો પ્રદેશ કે કાર્ય-વિસ્તાર અલગ હતો. 1859માં આ જિલ્લો નાબૂદ કરીને તેને મછલીપટનમ્ અને રાજામુન્દ્રી જિલ્લાઓમાં વહેંચી દેવામાં આવ્યો હતો. 1904માં ફરીથી અલગ ગુંતુર જિલ્લાની રચના કરવામાં આવી. ગોદાવરી અને કૃષ્ણા નદીઓમાંથી નહેરો કાઢીને તે પ્રદેશના વિકાસનાં પગલાં ભરવામાં આવ્યાં. તેને કારણે કાર્યક્ષમ વહીવટી તંત્રની જરૂરિયાત જણાઈ અને અલગ ગુંતુર જિલ્લો રચવામાં આવ્યો. ત્યારબાદ આ જિલ્લાનાં ગામોમાં જરૂરી ફેરફારો કરવામાં આવ્યા હતા.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે

ગિરીશભાઈ પંડ્યા

જયકુમાર શુક્લ