ગીયોઝ (guyots) : સમુદ્રીય જળનિમ્ન પર્વત. પૅસિફિક મહાસાગરમાં જળસપાટીથી ઉપર તરફ જોવા મળતા જ્વાળામુખીજન્ય સમુદ્રસ્થિત પર્વતો મોટે ભાગે તો શંકુઆકારના શિરોભાગવાળા હોય છે; પરંતુ સમુદ્રતળસ્થિત, જળસપાટીથી નોંધપાત્ર ઊંડાઈએ રહેલા સમતલ સપાટ શિરોભાગવાળા જ્વાળામુખીજન્ય પર્વતો પણ તૈયાર થયેલા છે. તે સપાટ શિરોભાગવાળા હોવાથી તેમને ઉચ્ચપ્રદેશ જેવા ભૂમિસ્વરૂપની કક્ષામાં મૂકી શકાય. સ્વિસ-અમેરિકન ભૂસ્તરશાસ્ત્રી તેમજ ભૂગોળવેત્તા આર્નોલ્ડ ગીયોઝ(1807–1884)ના માનમાં આ પ્રકારના સમુદ્રજળસ્થિત મેજ આકારના પર્વતને માટે ગીયોઝ નામ આપેલું છે. જ્વાળામુખી પ્રક્રિયાને પરિણામે આ પ્રકારના અગણિત પર્વતો સમુદ્રતળ ઉપર તૈયાર થયેલા છે. હેન્રી મેનાર્ડના અંદાજ મુજબ એકલા પૅસિફિક મહાસાગરના થાળામાં જ લગભગ 10,000 જેટલા ગીયોઝ અસ્તિત્વ ધરાવે છે અને સમુદ્રતળનું ઘણું અગત્યનું લક્ષણ બની રહ્યા છે. અત્યાર સુધીનાં સંશોધનો મુજબ ગીયોઝ સમુદ્રતળસપાટીથી 1 કિમી.ની ઊંચાઈ ધરાવતા હોવાનું જાણવા મળ્યું છે, તેમજ તે સમુદ્રજળસપાટીથી 910 મીટરથી માંડીને 1520 મીટરની ઊંડાઈએ રહેલા છે. તે બધા જ બેસાલ્ટના બંધારણવાળા છે. તેમના ઉપર તરફના અને ઢોળાવવાળી બાજુઓના ભાગમાં ઊંચાણ-નીચાણ કે અન્ય કોઈ પણ પ્રકારનાં લક્ષણો જોવા મળતાં નથી; તેમ છતાં ક્યાંક ગોળાકાર સ્વરૂપના મહાગોળાશ્મ તૈયાર થયેલા જોવા મળે છે ખરા.
ગીયોઝના શિરોભાગ સમલક્ષણવાળા સપાટ છે તેમજ તે ઊંડાઈએ રહેલા છે તેનું કારણ એમ કહેવાય છે કે નજીકના ભૂસ્તરીય ભૂતકાળમાં તો તે બધા સમુદ્રજળસપાટીથી ઉપર તરફ શંકુઆકારના હતા, પણ તેમના ઉપરના ભાગો, પછીથી જળપ્રવાહોના મારાથી ધોવાણ પામતા જઈ ઘસાઈ ગયેલા હોવા જોઈએ અને તે પછીથી તેમની ઉપર જળસપાટી વધી ગઈ હોવી જોઈએ; અથવા ગીયોઝ પોતે જ અત્યારે જોવા મળે છે એટલી ઊંડાઈએ અવતલન પામ્યા હોવા જોઈએ. નિષ્ણાતો બીજા મંતવ્યને વધુ યોગ્ય હોવાનું માને છે.
ગીયોઝમાંથી એકત્રિત કરેલા કેટલાક ખડકના નમૂનાઓમાંથી ક્રિટેશિયસ કાળ(7 કરોડ વર્ષ અગાઉ)ના પ્રવાળ જીવાવશેષો મળેલા છે. પૅસિફિક મહાસાગરમાં બિકિની પાસેના ગીયોઝમાંથી ગ્લૉબિજરીનાના જીવાવશેષો (એકકોષીય સૂક્ષ્મ જીવાણુ) મળી આવ્યા છે, જે તૃતીય જીવયુગના ઇયોસીન કાળખંડ (5 કરોડ વર્ષ અગાઉ) દરમિયાન અસ્તિત્વ ધરાવતા હતા તે કોઈક કાળે ગીયોઝના શિરોભાગમાંથી ફાટોમાં સરકી ગયા હશે.
સેટેલાઇટ દૂર-સંવેદનપદ્ધતિ દ્વારા પ્રાપ્ત માહિતીને આધારે અરબી સમુદ્રમાંથી જાણવા મળેલા અગત્યના ગીયોઝનું સ્થાન 15° 35´ ઉત્તર અક્ષાંશ અને 70° 00´ પૂર્વ રેખાંશ પર છે. અરબી સમુદ્રમાંથી મળી આવેલા આ ગીયોઝ ખનિજસંપત્તિ (જો ત્યાં હોય તો) ઉપરાંત મત્સ્ય ઉદ્યોગના વિકાસ અને તેની ઉપયોગિતા માટેની નવી દિશા ચીંધે છે. ગીયોઝ શોધવા માટે મુખ્યત્વે દૂર-સંવેદનની matched filtering technique અપનાવવામાં આવેલી છે.
ગિરીશભાઈ પંડ્યા