ગીધ : દેવદાસીના જીવન અને પ્રથા ઉપર આધારિત ચર્ચાસ્પદ ફિલ્મ. નિર્માણવર્ષ 1984.
નિર્માણસંસ્થા : દર્પણચિત્ર; કથા-પટકથા-દિગ્દર્શન : ટી. એસ. રંગા; સંવાદ અને ગીતો : વસંત દેવ; સંગીત : બી. વી. કારંથ; છબીકલા : કો હુંગ ચિઆંગ; કલાનિર્દેશક : મીરાં લાખિયા; પોશાક પરિધાન : ગોપી દેસાઈ, પ્રમુખ પાત્રસૃષ્ટિમાં, ઓમ પુરી, એ. કુમારી, સ્મિતા પાટીલ, નાના પાટેકર, અચ્યુત પોતદાર, વિકાસ દેસાઈ, નિમેષ દેસાઈ, સ્નેહલ લાખિયા તથા ગોપી દેસાઈ ઉલ્લેખનીય છે.
નાનકડી બાળા પુખ્ત વયની બને તે પહેલાં દેવી યેલ્લામ્માના ચરણે સેવા માટે અર્પણ કરવામાં આવતી. આ બાળાની પસંદગી હરિજન સમાજમાંથી થતી અને તેને ‘પુત્ર’ સમાન અધિકારો આપવામાં આવતા, જેમાં તે મિલકતની પણ ભાગીદાર બની શકતી; પરંતુ ગરીબ હરિજન પાસે મિલકત હોય ખરી ? તે તો ગરીબીની મજબૂરીથી આ પ્રથા અપનાવતો જેથી તેના કુટુંબને પેટ પૂરતું ખાવાનું મળી શકે. બાળા પુખ્ત ઉંમર પ્રાપ્ત કરે ત્યારે ભક્તોની હાજરીમાં બાળા સાથે પ્રથમ રાત્રિ ગાળવાનો ભાવ બોલવામાં આવે.
ફિલ્મની નાયિકા લક્ષ્મી હરિજન યુવતી છે. તેના કાકાના ખેતરમાં મજૂરી કરીને ઘરની આવકમાં થોડી મદદ કરે છે. લક્ષ્મીની અંધશ્રદ્ધાળુ માતા દેવી યેલ્લામ્માના પ્રકોપથી ડરે છે. લક્ષ્મી યુવાન બનતાં કામાંધ ધર્મધુરંધરોની આંખો તેના યૌવન માટે તલસે છે. દેવદાસી પ્રથાનો ભોગ બનેલી યુવતી હાનુમી અને બાશ્યા લક્ષ્મી પણ આ પ્રથાનો શિકાર ન બને તે માટે પ્રયત્નો કરે છે. લક્ષ્મીની આંખોમાં મુંબઈ શહેરનું સપનું છે. લોહીનો વેપાર કરતી ટોળીનો દલાલ વિરૂપક્ષી લક્ષ્મીની મહત્ત્વાકાંક્ષા પામીને તેને લાલચની જાળમાં ફસાવે છે. બાશ્યા અને હાનુમી લક્ષ્મીને ગામના મહંતોની નાગચૂડમાંથી બચાવવા ગામ બહાર નસાડી મૂકે છે. તે મુંબઈ તરફ જતી બસમાં બેસી જાય છે, પરંતુ તે જ બસમાં વિરૂપક્ષી પણ બેઠેલો હોય છે.
પીયૂષ વ્યાસ