ગીધ (vulture) : શ્રેણી સિંચાનક(Falconiformes)નું મૃતભક્ષી, માંસાહારી પક્ષી. તે બે પ્રકારનાં હોય છે. પૌરસ્ત્ય ગોળાર્ધ ગીધ (old world vulture) અને પાશ્ચાત્ય ગોળાર્ધ ગીધ (new world vulture). આમ તો બંને સમૂહનાં ગીધ દેખાવમાં એકસરખાં હોય છે. ગીધના શીર્ષ અને ગ્રીવાના ભાગો પીછાંવિહોણા હોય છે, જ્યારે આ ભાગની ત્વચાનો રંગ નોંધપાત્ર હોય છે. વળી એ ભાગની ચામડી માંસલ અને લટકતી હોય છે. હવામાં ઊંચાઈએ ઉડ્ડયન કરવા મજબૂત પાંખો હોય છે. આંખ અત્યંત તીક્ષ્ણ હોઈને જમીન પર પડેલા સસ્તનોના મૃતદેહોને ગીધ ઊંચાઈએથી સહેલાઈથી નિહાળી શકે છે. ગીધનાં પીછાં ભૂરા કે કાળા રંગનાં હોય છે અને કેટલાંક પીછાં પર સફેદ રંગનાં નાનાંમોટાં ટપકાં જોવા મળે છે.

ગુજરાતમાં સૌથી વધારે પરિચિત ગીધ

પૂર્વ ગોળાર્ધનાં બધાં ગીધ કુળ, Accipitridae અને ઉપકુળ Aegypiinaeનાં હોય છે. જ્યારે પશ્ચિમ ગોળાર્ધના ગીધનો સમાવેશ કુળ Cathartidaeમાં થાય છે. પ્રમાણમાં પૂર્વ ગોળાર્ધનાં ગીધોની ચાંચ સહેજ મજબૂત હોય છે અને તેના પગ ભક્ષ્યને પકડવા (grasping) અનુકૂલન પામેલા હોય છે. પશ્ચિમ ગોળાર્ધના ગીધને અવાજ હોતો નથી, કારણ કે તેમના કંઠમાં શબ્દિની(syrinx)નો અભાવ હોય છે.

ગીધ સામાન્યપણે ઉષ્ણ અને સમશીતોષ્ણ કટિબંધ પ્રદેશોમાં વાસ કરે છે. તે ઑસ્ટ્રેલિયા અને દરિયાઈ ટાપુઓમાં જોવા મળતાં નથી. ગીધનો ખોરાક મૃતદેહનું માંસ, સેંદ્રિય કચરો (garbage) અને મળ (excrement) હોય છે. કોઈક પ્રસંગે કેટલાંક ગીધ નિર્બળ નાનાં ઘેટાં કે કાચબા જેવાં જીવંત પ્રાણીઓને પકડી તેમના માંસનું ભક્ષણ કરે છે. ગીધને લાંબા સમય સુધી આકાશમાં વિહાર કરતાં જોઈ શકાય છે; પરંતુ મૃત કે મૃતપ્રાય સસ્તનો નજરે પડે કે તરત જ ગીધ લાંબું અંતર કાપી ત્યાં ભેગાં થાય છે. પોતાના શરીરનું કદ અને ચાંચની મજબૂતાઈવાળાં વિશિષ્ટ જાતનાં ગીધ એકઠાં થઈ મૃતદેહના માંસનું ભક્ષણ કરે છે. તરસ (hyaena) કે શિયાળ જેવાં સસ્તનો માંસ ખાવા ભેગાં થયાં હોય તો ત્યાંથી ગીધ ખસી જાય છે. માનવવસ્તીની નજીક મરેલાં પડેલાં જાનવરોના મૃતદેહના માંસનું ભક્ષણ કરવા ઉપરાંત કચરા અને મળનો પણ તે નિકાલ કરતાં હોવાથી તેમને સફાઈ કામદાર (scavengers) તરીકે ઓળખવામાં આવે છે. વાતાવરણને સ્વચ્છ રાખી પ્રદૂષણ અટકાવવામાં તે મહત્વનો ફાળો આપે છે.

કાળું કે રાજગીધ (black or king vulture) નામે જાણીતું Torgos calvus ગીધ ભારતમાં સર્વત્ર જોવા મળે છે. તેનું ગળું લીલાશ પડતા રંગનું, જ્યારે ગળાનો નીચેનો ભાગ સફેદ રંગનો હોય છે. પગના ઉપલા ભાગ પર એક સફેદ ટપકું આવેલું હોય છે. ચાંચ લાંબી, પ્રમાણમાં મજબૂત અને વાંકી હોય છે. દેખાવમાં નર અને માદા એકસરખાં હોય છે. તે મુખ્યત્વે મૃતદેહનું માંસ ખાઈને જીવે છે. રાજગીધનો સંવનનકાળ ડિસેમ્બરથી એપ્રિલ સુધીનો હોય છે. માદા વૃક્ષની ટોચ પર માળો બાંધી માત્ર એક સફેદ ઈંડું મૂકે છે.

ભારતમાં વાસ કરતું બીજું એક ગીધ બંગાળી ગીધ (Gyps bengalensis) સમૂહમાં ઊડતું નજરે પડે છે. કદમાં તે રાજગીધ જેટલું હોય છે. તેનું શીર્ષ અને ગ્રીવા કાળા ભૂખરા રંગનાં હોય છે. બંગાળી ગીધની ર્દષ્ટિ ઘણી તીક્ષ્ણ હોય છે. મૃતદેહને જોતાં તે એકીસાથે તૂટી પડે છે અને માંસનું ભક્ષણ કરે છે. સંવનનકાળ ઑક્ટોબરથી માર્ચ સુધીનો હોય છે. રાજગીધની માફક તે પણ એક સફેદ ઈંડું મૂકે છે.

સ્થળાંતર કરી દર વર્ષે અમુક સમય ભારતમાં વાસ કરનાર સફેદ કે ઇજિપ્શિયન ગીધ (Neophron sp) સૌથી મોટા ગીધ તરીકે જાણીતું છે. કદમાં તે સમડીને મળતું આવે છે. તેનું શરીર મેલા શ્વેત રંગનું હોય છે. તેની ચાંચ અને આંખ રંગે પીળી હોય છે. તે માનવવસ્તીમાં નિર્ભયપણે ફરી ઉકરડાનો કચરો અને મળનો ખોરાક ખાય છે. આ સફાઈ કામદાર માનવના સાચા મિત્ર તરીકે વાતાવરણને સ્વચ્છ રાખવામાં મદદરૂપ બને છે.

પશ્ચિમ ગોળાર્ધનાં ગીધોમાં કાળું ગીધ (Coragyps arratus) અમેરિકાના ઉષ્ણ અને સમશીતોષ્ણ પ્રદેશમાં જોવા મળે છે. તેનું માથું કાળા રંગનું હોય છે. જ્યારે પાંખ પ્રમાણમાં નાની હોય છે. પશ્ચિમી ગોળાર્ધના રાજગીધને Sarcorhampus papa કહે છે. તે મેક્સિકો અને આર્જેન્ટિનાનું વતની છે. મુખ્યત્વે તે અતિવૃષ્ટિવાળાં જંગલો(rain forest)માં સમૂહમાં ઉડ્ડયન કરતાં નિહાળી શકાય છે.

ઉપેન્દ્ર રાવળ